તારા આવવાનો આભાસ ...૮
ભાગ ૭ માં આપણે જોયું કે, શાશ્વત અને નિષ્ઠા બને એકબીજાને મળવા આતુર છે અને એકબીજાને જાણ કર્યા વગર જ એકબીજાના ઘરે પહોચી જાય છે. શાશ્વત પોતાની સીમાઓમાં રહીને પાછો ફરે છે જયારે નિષ્ઠા તેની રાહ જોવે છે. હવે આગળ....
આઠ વાગવા આવ્યા હતા.
શાશ્વત હજી આવ્યો ન હતો. નિષ્ઠાની ધીરજ ખૂટતી હતી, મનમાં અનેક વિચારો આવતા હતા. એટલામાજ એક ધડાકો થયો અને એપાર્ટમેન્ટ માં અંધારું પ્રસરી ગયું. નિષ્ઠા ગભરાઈ ગઈ. અને ઉભી થવા ગઈ પરંતુ તેના જ દુપટ્ટાનો એક છેડો તેના પગમાં આવતા તે પડી. સંતુલન જાળવવા તેને હાથનો સહારો લીધો પણ તે નિષ્ફળ ગઈ તેની કાચની બંગડી તૂટી અને કાચ હાથમાં લાગ્યો. નિષ્ઠાને નવો ઘાવ મળ્યો . જુના દર્દનો મલમ એ નવુ દર્દ હોઈ છે પરંતુ નિષ્ઠાને નવા દર્દની તીવ્રતા એટલી બધી ન અનુભવાઈ કે તેની પાછળ જુનું દર્દ સમી જાય. આંખને લોહી દેખાયું પરંતુ એ ઘાવ શરીર અનુભવી શક્યું નહી.
શાશ્વતે પાર્કિંગમાં ગાડી પાર્ક કરી. એને કશું દેખાતું નહોતું બધેજ ફક્ત અંધકાર હતો ફક્ત વોચમેન ઓફીસમાંથી એક અવાજ સંભાળતો હતો,
જિન્દા રહેને કે લિયે તેરી કસમ,
એક મુલાકાત જરૂરી હે સનમ .
શાશ્વત અન્યમનસ્ક ગાડીમાં જ બેસી રહ્યો અને સ્ટેરીંગ પર માથું ઢાળી દીધું અને ગીતના શબ્દો તેના કાનમાં અથડાતા રહ્યા.
હજુ ગાડીની હેડ લાઈટ ચાલુ જ હતી, વોચમેનની નજર ગાડી પર પડતા તે ત્યાં ગયો, બારીનો કાચ ખખડાવ્યો, શાશ્વતે માથું ઉચક્યું અને કાચ ખોલ્યો.
સાહેબ ઉપર કોઈ તમારી રાહ જુએ છે?
કોણ?
હું નથી ઓળખતો.. કહી તેને બંને તરફ વફાદારી નિભાવી.
તો ઉપર કેમ જવા દીધા તેમને?
હું નથી ઓળખતો પણ કદાચ તમે ઓળખતા હશો. લગભગ ૩ કલાક થયા રાહ જોવે છે.
શાશ્વત તરત જ ગાડીમાંથી ઉતરી પગથીયા ચડવા લાગ્યો, જેમ જેમ ઉપર જતો હતો તેમ તેમ હાફ ચડતો હતો, પરંતુ ચડવાની ઝડપ વધતી જતી હતી, કૈક હતું જે તેને થાક ખાવા નહોતું દેતું એવું આકર્ષણ જે તેને ઉપર તરફ ખેચતું હતું, સાતમાં માળે પહોચતા જ તે ઘુટણ ભર બેસી ગયો શ્વાસ ધમણની જેમ ચાલવા લાગ્યા. અચાનક અજવાળું થયું, બધી જ લાઈટ ચાલુ થઇ ગઈ તેને એક તીણો અવાજ સંભળાયો, જાણીતો અવાજ લાગ્યો, એ અવાજ તેને બોલાવતો હતો, આ અવાજ તેને આભાસી લાગ્યો છતાં તે ઉભો થયો અને છેલા ૧૨ પગથીયા ચડવા બહુ મુશ્કેલ થયા પરંતુ તે પહોચી ગયો..
પહોચતા જ એક ધ્રુજારી શાશ્વતના શરીર માંથી પસાર થઇ ગઈ. ઘુટણ પર માથું ઢળેલું ને બને હાથ પગને વીટેલા હતા. ચહેરો દેખાતો નહોતો અને શાશ્વતને ચહેરો જોવાની હવે જરૂર પણ લાગતી નહોતી. એ નીષ્ઠાની ખુશ્બથી વાકેફ હતો તે ઓળખી ગયો.
તેનાથી બોલાય ગયું
ની...ની..ષષ..ષ્ઠા
નીષ્ઠાએ ઉચું જોયું... આખી રાત વર્ષીને સવારે જેમ આકાશ એકદમ સ્વસ્છ કોરું દેખાય વાતાવરણ માં ભેજ અનુભવાય અને આકાશમાં રહેલ છુટાછવાયા વાદળમાંથી પસાર થતા સુરજના કિરણ આખા આકાશને રાતું બનાવે એવી જ નિષ્ઠાની આંખો લાલ અને સોજેલી હતી. ઉચા થયેલા ચહેરા પર કોઈ ભાવો નહોતા. જેવું નીષ્ઠાએ ઉપર જોયું એવો શાશ્વત પણ નીચે ઘુટણ ભર બેસી ગયો અને બને હાથને નિષ્ઠાના ઘુટણ પર ટેકવેલા હાથ પર અનાયાસે મુકી દીધા. બને એક બીજા સામે કઈ પણ બોલ્યા વિના સજળ આંખે એકબીજાને જોઈ રહ્યા.
તમેં અહી ?
કેમ ના આવી શકું ?
સવાલના જવાબ હોઈ, સામા સવાલ ન હોઈ.
પ્રેમમાં સવાલ જ ના હોઈ . અને પૂછો તો સામે સવાલ જ મળે .
પ્રેમ !!!! શાશ્વતથી નિસાસો નખાય ગયો. નિષ્ઠા નીચું જોઈ ગઈ
ક્યારથી અહી બેઠા છો?
નીષ્ઠાએ કઈ જવાબ આપ્યો નહી.
સોરી.. શાશ્વતથી બોલાય ગયું.
ફોર વોટ? નીષ્ઠાએ શાશ્વત સામે જોયું. ફોર એવરીથીંગ. શાશ્વતની આંખો હવે ઉભરાઈ ગઈ.
નિષ્ઠા એ પોતાના બને હાથથી શાશ્વતનો ચહેરો પોતાના હાથમાં લેવા લાંબા કર્યા . શાશ્વતનું ધ્યાન નિષ્ઠાના હાથના ઘાવ પર ગયું, હજુ પણ થોડું લોહી નીકળેલું હતું અને થોડું જામી ગયું હતું.
શાશ્વત થી એક આહ નીકળી ગઈ.
હવે આવા નાના ઘાવની અસર થતી નથી આ જાડી ચામડીને.
ચુપ!
શાશ્વતે ઉભા થઈને ઘરનો દરવાજો ખોલ્યો. નિષ્ઠા હજુ પગથીયા પર જ બેઠી હતી. શાશ્વત અંદરથી ફર્સ્ટ એડ બોક્ષ લઇ આવ્યો અને નિષ્ઠાના ઘાવ પર પાટો બાંધ્યો.
કેમ અંદર આવવા નથી દેવી ?
તમારું જ ઘર છે, આમંત્રણ ની જરૂર છે ?
મારું નથી.
પ્લીઝ .....
શાશ્વતે નિષ્ઠાને ઉભી કરી અને હાથ પકડીને ઘરમાં લઇ ગયો. ખબર નહી કેમ આજે નિષ્ઠાનો પગ ઘરમાં પ્રવેશતા અચકાતો હતો. એ ઘણી વાર અહી આવી હતી, ઘરના એક એક ખૂણાથી વાકેફ હતી પરંતુ આજે એને કઈક રોકતું હતું. શાશ્વત તેનો ખચકાટ સમજી ગયો.
હજી પણ આપણે મિત્રો તો છીએ જ. શાશ્વતે નિષ્ઠાનો હાથ મૂકી દીધો. બાકી તમારી મરજી.
દિલ અને દિમાગની લડાઈમાં હમેશા દિલ ને જ જીતાડવું જોઈએ. શાશ્વત બોલ્યો.
નિષ્ઠા અંદર આવી, ઘરમાં બધું પહેલા જેવું જ હતું. દરવાજાની જમણી બાજુ સોફા પર પહેલાની જેમ જ અસ્તવ્યસ્ત વસ્તુઓ પડી હતી. અને ડાબી બાજુ ડાઇનિંગ ટેબલ પર પણ એજ હાલ હતો. પરંતુ વચ્ચેથી હિચકો ગાયબ હતો. સામે બારીની પાસે ટ્રેડમિલ પણ ધૂળ ખાધેલી હાલતમાં જ હતી. નીષ્ઠાએ આખા ઘરમાં એક નજર કરી કઈ ફેર નહોતો બસ એક હિચકો જ નહોતો.
નિષ્ઠાથી અનાયાસે બોલાય ગયું, હિચકો ક્યાં?
ઉતારી લીધો.
નીષ્ઠાએ આગળ સવાલ ન કર્યા. કારણકે કારણથી એ અજાણ નહોતી.
એ હીચકા ઉપર જ બને કલાકો સુધી બેસતા અને એકબીજાની વાતોમાં ખોવાય જતા.
હવે વાતાવરણ થોડું હળવું લાગતું હતું. એકબીજાની હાજરીથી બને એ પોતાને સંભાળી લીધા હતા.
તું ખુશ છે? શાશ્વતે વાત ની શરૂઆત કરી.
હા.
બસ તો બીજું શું જોઈએ મારે?
મારી ખુશી જ જોઈએ, હું નહી ?
ના, એ મારા હાથમાં છે ? હું ચા બનાવું છું. આપ પીશો ?
ના. હું નથી પીતી.
ક્યારથી બંધ કરી?
એક વર્ષ પહેલા.
તો શું પીશો? કઈ જમવાનું ઓર્ડર કરું?
ના.
નીલયનો ફોટો નહી બતાવો?
ના, આવો ત્યારે રૂબરૂ જોઈ લેજો. હું જાવ છું, ભૂલ થઇ ગઈ અહી આવી ને.
નિષ્ઠા એ હવે જવાની તૈયારી બતાવી. ત્યાજ શાશ્વત નિષ્ઠાનો હાથ પકડીને રોકી અને કઈ પણ બોલ્યા વગર તેને પોતાની બાહોમાં લઇ લીધી. અને બોલ્યો બસ હવે....
હવે નીષ્ઠાએ પોતાના પરનો કાબુ ગુમાવ્યો. હું થાકી ગઈ છું, મને સંભાળી સંભાળી...હું થાકી ગઈ છું. હું થાકી ગઈ છુ......
શાશ્વતે બાથ વધુ ભીડી,,, બસ .. હું તારી સાથે જ છું હમેશા...
નિષ્ઠાના આશુ હવે હિબકામાં ફેરવાયા હતા, બહુ લડી લીધું, હવે લાગણીઓ સામે લડવાની હિંમત નથી. હવે દુર જવાની હિંમત નથી. જીવવાની જરા પણ ઈચ્છા નથી...
બસ નિષ્ઠા હવે જો એક શબ્દ પણ.. જીવવાની ઈચ્છા નથી વાળી થતી. શાશ્વતે બને હાથે નિષ્ઠાનું મોઢું ઉચુ કર્યું.
આમ પણ હું ક્યાં જીવું છું, એક વર્ષમાં કેટલીય વાર મરી છું. શું જરૂર હતી, મારી વાત માનવાની?
એક વાર પણ મને રોકી નહોતા શકતા, એક વાર પણ સામે દલીલ નહોતા કરી શકતા.
તારી સામે એકેય દલીલમાં હું જીત્યો છું અત્યાર સુધી ?
હા, બધોજ વાંક મારો છે બસ! જો આવી જ રીતે મુકવી હતી તો, પ્રેમ શીખવવાની જરૂર શું હતી? તમારી આદત પડવાની જરૂર શું હતી?
મેં તો તને ક્યારેય મૂકી જ નથી. અને મુકવાનો પણ નથી... તારા આવવાનો આભાસ જ મારું જીવન છે.. એક વર્ષમાં ઘણીયે વાર તું અહી આવી છો અને ઘણી વાર હું તારા ખોળામાં માથું નાખીને સુતો છું અને જયારે એ આભાસ માંથી નીકળું ત્યારે રડ્યો પણ છું. તને તો લખવાની આદત છે, બધી જ લાગણીઓ, બધું જ દર્દ તે તારી ડાયરીને કહી દીધુ હશે પણ મારું ક્યારેય વિચાર્યું, મેં એ બધું કેવી રીતે સહન કર્યું હશે? મને ખબર છે, ઘણા સવાલો હશે તારી પાસે અને તું પુછીસ પણ ખરા ... પરંતુ મારા મૂંગા થઇ ગયેલા સવાલોનું શું? મારો શું વાંક હતો ત્યારે ? ફક્ત એટલો જ કે મેં તને એક પરણિત થઇને પ્રેમ કર્યો, અને એ પણ તે કહ્યું એમ જ કર્યો.
તે મને મળવા બોલાવ્યો હતો, તે સમયે મારું ફેમીલી અહી હતું અને હું ખોટું બોલીને તારી પાસે આવ્યો એજ મારો વાંક હતો ને ? તારે ફક્ત બહાનું જોતું હતું મારાથી દુર જવાનું..
આજે પહેલી વાર શાશ્વત કૈક બોલ્યો હતો, અત્યાર સુધી શાશ્વતે નિષ્ઠાને ક્યારેય કઈ કહ્યું જ નહોતું, અને આ શાશ્વતનું મૌન નિષ્ઠાને ઘણી વાર ગુસ્સો પણ અપાવતો,અને આ ગુસ્સામાં નિષ્ઠા કેટલુય બોલી જતી પણ શાશ્વત હમેશા નિશબ્દ જ રહેતો.
તમે તમારું પ્રોમિસ તોડ્યું હતું, તમે મને પ્રોમિસ કર્યું હતું ને કે મારા માટે ક્યારેય તમે ઘરે ખોટું નહિ બોલો. તો શુંકામ બોલ્યા હતા? મને ડર હતો કે, ક્યાંક આપણાથી કોઈને અન્યાય ન થઇ જાય.
ધન્ય હો દેવી આપ!
નિષ્ઠા નીચું જોઈ ગઈ.
મારા પર વિશ્વાસ નહોતો?
કેવો વિશ્વાસ શાશ્વત, આપણો સંબંધ હવે આ બધી બાબતોથી પર છે.
કોઈ સંબંધ છે? અને હવે આ બધી વાતો કરીને શું મળવાનું છે, જીવવાની ઈચ્છા નથી એન ઓલ...ત્યારે એ નિર્ણય તારો હતો બસ મારે સ્વીકારવાનો જ હતો. શાશ્વત હવે ગુસ્સામાં બોલ્યો .
એ ગુસ્સો પોતાના પર હતો? નિષ્ઠા પર કે પછી સંજોગ પર એ એને ખુદને પણ સમજાતું નહોતું.
ના સંબંધ નથી ... પ્રેમ છે ..... મને માફ નહી કરો? નીષ્ઠાએ શાશ્વતનો હાથ પોતાના હાથમાં લીધો.હું તારાથી ક્યારેય નારાજ થયો છુ?
ના......
બસ તો પછી ...
બંને એકબીજાને ભેટી પડ્યા. આ આલિંગનમાં બંનેના ઘાવ ભરવાની શક્તિ હતી.
હવે ચા પીશો?
હા, હું બનાવું .
કેમ હવે મારા હાથનો સ્વાદ નહી ભાવે ?
પ્લીઝ..
હવે મને સરખી ચા બનાવાતા ફાવી ગઈ છે, ઘણી વાર મેહમાનો માટે બનાવી પડી છે .
ભલે, તો ભી હું જ બનાવીશ. શાશ્વતચા બનાવવા રસોડામાં ગયો.
બને ચાની ચૂસકી લગાવતા હતા, બંને હવે મૌન જ હતા, શાશ્વતે ટી.વી. ચાલુ કર્યું અને અઆદ્ત મુજબ મ્યુઝીક ચેનલ રાખી.
ઉસે હસના ભી હોગા, ઉસે રોના ભી હોગા
ઉસે પાના ભી હોગા, ઉસે ખોના ભી હોગા
સુબ્જ શામ તાન્હીમે આહે ભરેગા,
હર દિલ જો પ્યાર કરેગા.
સાવ સાચી વાત છે... શાશ્વતથી બોલાય ગયું, નિષ્ઠા એ શાશ્વતના હાથમાંથી રીમોટ લઇ લીધું અને ટીવી બંધ કરી દીધું. હજુ આદત સુધારી નથી, કોઈ મેમાન આવ્યું હોઈ તો તેની સાથે બેસીને વાતો કરાય નહિ કે ગીતો સંભળાય.
મેમાન?
એટલામાં નિષ્ઠાનો ફોન વાગ્યો, સ્ક્રીન પર નિલય નામ દેખાડતું હતું. નિષ્ઠા એ ફોન ઉપાડ્યો નહી.
વાત કરી લો.. શાશ્વત ઉભો થઇને રૂમમાં જવા ગયો. નિષ્ઠા એ રોક્યો, આખી જિંદગી તેની સાથે જ વાત કરવાની છે પણ તમારી સાથે મને આ થોડી છેલ્લી કલાકો જ મળી છે.
શાશ્વત બેસી ગયો, આજ પછી તમે ક્યારેય મને નહિ મળો ? વાત નહિ કરો ?
નિષ્ઠા એ શાશ્વતના ખભ્ભા પર માથું ઢાળી દીધું અને કહ્યું ના.
તો આજે મળવાનું કારણ શું હતું?
તમને મળવા માટે કારણ હોવું જરૂરી છે? આપણો પ્રેમ ક્યારેય કારણો ને આધીન થયો છે?
મળવાના કારણો હોતા જ નથી પરંતુ તમારી પાસે છુટા પડવાના હજારો કારણો હોઈ છે.
નસીબ છે....
તો આજ પછી મળવાની આશા પણ નહી રાખવાની મારે? હવે છુટા પડીએ એટલે આપણો સંબંધ પૂરો?
આપનો સંબંધ ક્યારેય પૂરો થવાનો નથી. હું તમારી જ છુ અને તમારી જ રહેવાની છું, આ તો ફક્ત સમાજ ના નિયમોમાં રહીને તમને મારા થી દુર કરું છુ. બાકી હું પણ ક્યારેય તમારાથી દુર જવની નથી. તમારી જગ્યા કોઈ લઇ શક્યું નથી અને લઇ શકવાનું નથી.
મને તારી મોટી મોટી વાતો નથી સમજાતી ક્યારેય.
કોઈ વાતો નથી કરવી બસ.
છુટું પડવું જ પડશે?
છૂટકો જ નથી.
જેવી આપની મરજી.... તો પણ છેલા શ્વાસ સુધી એક આશા જ મને જીવતો રાખશે ..... તારા આવવાનો આભાસ.
સમાપ્ત.
આ કહાની લખવાનો મતલબ એટલો જ છે, પ્રેમ જેટલી પવિત્ર વસ્તુ બીજી એકેય નથી અને પ્રેમ એ પ્રેમ છે કોઈ પ્રકરણ કે લફરું નથી, એ કોઈ પણ સાથે કોઈ પણ ઉમરે અને કોઈ પણ સ્વરૂપે થઇ શકે છે. તેમાં ઈર્ષ્યાને કોઈ સ્થાન નથી. પ્રેમ થઇ જાય એ આપણા હાથમાં હોતું નથી પરંતુ પ્રેમમાં કેમ જીવવું એ સંપૂર્ણપણે આપના હાથમાં જ હોઈ છે. મારે જે કહેવું હતું એ કહેવાય ગયું, એટલે હવે કહાનીને આગળ લંબાવવાનો કોઈ અર્થ નથી..
*****