વિચારોની આરત
Part - 4
પ્રદિપ પ્રજાપતિ (પ્રભાત)
1. મિત્રોનું જંગલ....!
લગભગ એક વર્ષ પહેલા મેં મિત્રોનું જંગલ નામની કવિતા લખી હતી અને હવે આ જ શીર્ષક સાથે મિત્રો પરની એક નવલકથા પણ લખવાનો છું. મિત્રોનું જંગલ નામ કંઇક અલગ તરી આવે છે કેમ કે મિત્રો તો હોય પણ મિત્રોનું જંગલ એટલે વળી શું ? તો આનો જવાબ આપવો એટલો સરળ પણ છે અને મુશ્કેલ પણ છે કેમ કે આ જંગલ મિત્રોનું છે. દરેકના જીવનમાં મિત્રોનું અલગ જ મહત્વ હોય છે અને કોઇક જ એવો માણસ હશે કે જેનાં મિત્રો નહીં હોય ! મિત્રો હોવા એક ખુશીની વાત છે કેમ કે આપણે એમના સાથે દરરોજ સમય પસાર કરીએ છીએ. જે વાત આપણે ઘરે કરી શકતા નથી એ વાત આપણે આપણા મિત્રોને કરીએ છીએ. અડધી રાત્રે પણ કોઈ મદદની જરુર હોય તો સૌપ્રથમ મિત્રો જ કામ આવે છે. એક સાચો અને બિનશરતી પ્રેમ લગભગ મિત્રોમાં જ જોવા મળે છે. ઘણી એવી ગુપ્ત વાતો હોય છે જે આપણા મિત્રો જ જાણતાં હોય છે. કેટલીક વાર પરિવારમાં જે સુખ ન મળતું હોય તે મિત્રો દ્રારા મળે છે. જેની પાસે મિત્રો હોય છે તેની પાસે બધુ જ હોય છે એમ હું માનું છું કેમ કે આપણી બધી વાતોનો જાણકાર અને આપણા દુઃખનો ઉપાય જેની પાસે હોય છે તે જ આપણા મિત્રો. આ બધી વાતોમાં સાચા મિત્રો મળવા જરુરી છે કેમ કે સાચા મિત્રોએ ભગવાન બરાબર હોય છે. એક વખત એક યુવાનની કિડની ફેઇલ થઈ ગયી ત્યારે તેને એક નવી કિડનીની જરુર હતી પણ આખા પરિવાર માંથી કોઇએ તે યુવાનને કિડની આપવાની હિંમત ન કરી અને છેવટે તેના મિત્રને આ વાત થઈ ત્યારે તે મિત્રએ જ કિડની આપી. આ ઉદાહરણ પરથી ખ્યાલ આવે છે કે જીવનમાં મિત્રો કેટલા જરુરી છે. મિત્રોના જંગલમાં આપણે સૌ સુરક્ષિત રહીએ છીએ કેમ કે આ જંગલમાં જ આપણને પ્રેમ અને સુખ મળી રહે છે. આપણો પહેલો પ્રેમ હોય કે આપણી સગાઈ થઈ હોય આવી બધી જ વાત પહેલા મિત્રને જ ખબર હોય છે. ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં પણ સુદામા જેવા મિત્રો હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ સુદામા સાથે મિત્રની જેમ જ વર્તતા હતા. આ વાત મિત્ર વચ્ચે રહેલ બિનશરતી અને સાચા પ્રેમનું વર્ણન કરે છે. મિત્રો પર આપણા ફિલ્મ ઉદ્યોગમાં પણ ઘણી બધી ફિલ્મો બની છે તેમની એક વિશે જોઈએ તો થ્રી ઈડીયટ્સ એ મિત્રો પરની ઉત્તમ ફિલ્મ છે તેમાં મિત્રો વચ્ચે રહેલ પ્રેમની ચર્ચા કારી છે. એક મિત્ર બીજા મિત્ર માટે પોતાનું શિક્ષણ ત્યજી દે છે, આવું માત્ર ફિલ્મોમાં જોવા નથી મળતું પણ સાચા અને વાસ્તવિક જીવનમાં પણ થાય છે. મિત્રતામાં બાળક જેવું માસુમપણું છે જે રીતે બાળકને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે એજ રીતે સાચી મિત્રતામાં પણ ઇશ્વર તત્વ હોય છે તેથી મિત્રતા ઈશ્વરને પણ અસર કરે છે ! આપણી ગુજરાતી ફિલ્મોમાં પણ ઘણી બધી મિત્રો પર ફિલ્મો બની છે તેમાંથી છેલ્લો દીવસ નામની ફિલ્મ પ્રેક્ષકોને ખૂબ જ ગમી હતી. છેલ્લો દીવસ ફિલ્મમાં પણ મિત્રોની વાત હતી.
હું તો એમ જ માનું છું કે જેનાં મિત્રો નથી એ માણસ અધુરો છે કેમ કે મિત્ર જેટલું જીવનમાં લગભગ કોઈ જ શીખવી શકતું નથી. આપણે જેની સમક્ષ બધી જ વાત સહજતા પૂર્વક કહી શકીએ એવો સાથી એટલે મિત્ર.
2. સૌથી નજીકનો દુશ્મન એટલે આળસ
બધા લોકોને આળસ નામનું તત્વ હંમેશા માટે નડતું હોય છે. આ આળસ જ છે જે આપણને આગળ વધવા દે'તી નથી. તો આ આળસ છે શું ? આળસ એ મનનો વહેમ તો નથી જ પણ આપણને જે કામ કરવું હોય અને એ કામમાં આપણુ મન પૂરેપૂરું ન લાગતું હોય અને એ સમયે આપણા વિચારો આપણને એ કામથી અલગ કરવા માંગે છે ત્યારે એ સમયે જે ભાવ પેદા થાય છે એનું નામ આળસ, આવું મારું માનવું છે. આળસએ માણસના મનમાં પેદા થાય છે અને આળસનો અંત પણ માણસના મનમાં જ થાય છે. આપણા વિચારો અને માન્યતાઓ આળસને મુખ્ય રીતે અસર કરે છે. કોઈ કામ કરતા પહેલા આપણે એ કામ વિશે વિચારીએ છીએ પણ આપણે એજ રીતે કામ કરીશું જેવી આપણી માન્યતા હશે. જે લોકો હંમેશ ખંતપૂર્વક કાર્ય કરતા હોય છે તેઓને પણ ઘણીવાર આળસ નડતી હોય છે. ગાયત્રીના ઉપાસક શ્રી રામ શર્મા આચાર્યે કહ્યુ હતુ કે આળસ એ તમારો નજીકનો સૌથી મોટો શત્રુ છે.કોઈ કાર્યમાં ફ્ળ એટલે કે ધ્યેય વિશે વધુ વિચારવાથી પણ આળસ આવી શકે છે. એટલે કે ધ્યેય કરતા કાર્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ. આપણા ધ્યેયના વિચારો જ આપણને કામ પર સો ટકા ધ્યાન કેન્દ્રિત કરવા દેતાં નથી અને તેથી જ આપણને કાર્ય મુશ્કેલ લાગે છે અને આ આળસ પેદા થાય છે ! દરેક લોકોના આળસ પ્રત્યે અલગ અલગ મંતવ્ય હોય છે. કેટલાક લોકો પૃથ્વી તત્વને જવાબદાર માને છે ત્યારે કેટલાક લોકો ઇન્દ્રિયોને જવાબદાર માને છે પણ વાત એક જ જગ્યાએ આવીને અટકે છે અને એ છે કાર્યનું પુરું ન થવું. આળસએ શરૂઆતમાં તો મીઠી લાગે છે પણ જેમ જેમ આળસ વધતી જાય છે તેમ તેમ આ મીઠાસ કડવાસમાં પરિવર્તિત થઈ જાય છે.આપણા ભારતીય યોગમાં આળસને દુર કરવા માટે ઘણા બધા આસનો જણાવ્યા છે અને તેનું અનુસરણ કરવાથી જરૂર લાભ થાય છે. ધ્યાન દ્રારા આળસને સરળતાથી દુર કરી શકાય છે. ધ્યાનમાં સાધક વિચાર શૂન્ય થઈ જાય છે જેથી ઘણી બધી ઉર્જા તેના નાભિ ચક્રમાં જમા થાય છે. ધ્યાન બાદ સાધક સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરે છે તેથી જે પણ કાર્ય કરે એ પૂરા મનથી કરે છે. સભાનતાથી આળસને વધતી અટકાવી શકાય છે. સભાનતામાં એક ઉર્જા હોય છે અને એ ઉર્જા એટલે સ્થિતપ્રજ્ઞતા. કોઈ એક વ્યક્તિ પોતાના આખા દિવસમાં થતા કાર્ય વિશે સભાન રહે તો તેને ક્યારેય કામ કરવાની આળસ નહીં આવે ! સભાનતાથી આપણને ખ્યાલ હોય છે કે આપણે શું વિચારી રહ્યા છીએ અને આ જ જગ્યાએ મન અને શરીર આપણી અંકુશમાં હોય છે તેથી જ આવી અવસ્થામાં કોઇપણ પ્રકારનો નકારાત્મક ભાવ આપણી અંદર આવતો નથી અને આપણને સકારાત્મક વિચાર જ આવે છે.
3. માનવ સમાજના લક્ષણો !
મારા મતે સમાજ એટલે કોઈ જ્ઞાતિ નહી પણ સમાજ એટલે માનવ સમાજ. ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે અમારો સમાજ શ્રેષ્ઠ છે પણ એ લોકોને જ સમાજની સાચી દિશાનો ખ્યાલ નથી હોતો. માનવ સમાજની ભાવના દરેક માણસમાં વિકાસ પામે તો માનવ સમાજનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. આપણે સૌએ અલગ અલગ જ્ઞાતિઓ બનાવીને સમાજને જ તોડી નાખ્યો છે અને બધી જ્ઞાતિઓને સમાજ બનાવી બેઠા છીએ. આજનો સમય એટલે ટેક્નોલોજીનો સમય તેથી જ આ જ્ઞાતિઓનું ભૂત હવે સૌને નડી રહ્યુ છે. આજના યુવાનની જો વાત કરીએ તો તેની પાસે ટેક્નોલોજીના ઘણા બધા સાધનો છે. સ્માર્ટ ફોનથી આખી દુનિયા પર નજર રાખી શકાય છે અને આજના યુવાઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે પણ આપણા વડીલો કહે છે કે આજનો યુવા બગડી રહ્યો છે. કોઇક જ હશે કે જેને કીધુ હશે કે આજનો યુવાન બદલાઈ રહ્યો છે. આપણા સમાજે સ્ત્રીઓના વિકાસના નામ પર માત્ર ગપ્પા જ માર્યા છે. એક ઉદાહરણ આપું તો સમાજની કોઇક દિકરી એમ કહે કે મારે ડાન્સર બનવું છે અને ડી.આઈ.ડીમાં જઈને સફળ થવું છે ત્યારે આ દિકરીને કોણ મદદ કરશે ? સમાજનું તો છોડો તેનાં માતા પિતા પણ સમાજનાં ડરથી તેને ડાન્સર બનવા નહી દે ! હવે કોઇક દિકરી તેના પપ્પાને કહે છે પપ્પા મને મારી કૉલેજમાં એક છોકરો ગમે છે અને મારે તેની સાથે લગ્ન કરીને જીવન જીવવું છે. હવે આ સમયે તેના પપ્પા કદાચ હા પાડવાના હશે પણ શું કરે આ સમાજનો ડર છે જ એવો કે ના પડાવી દે ! છોકરા અને છોકરીની જ્ઞાતિ અલગ છે પણ બન્ને માનવ સમાજનો એક ભાગ તો છે જ ને !
આપણે કેટલાક માણસોને નીચી જાત વાળા કહીને તેમના અંદર રહેલી આશા અને આત્મવિશ્વાસ ને મારી જ નાખ્યો છે. એક બાળક શાળામાં ભણે છે અને તેનો મિત્ર નીચી જાત માંથી આવતો હોય છે, એક દીવસ તે બાળક તેના મિત્રને ઘરે લઈને આવ્યો ત્યારે તેની મમ્મીએ તેના મિત્રનું અપમાન કર્યું અને કહ્યુ કે આવા લોકોને આપણા ઘરમાં તારે નહી લઈ આવવાના ! હવે આ જ ક્ષણે બન્ને બાળકના મન પર ગંભીર અસર થાય છે. હવે સવાલ એક જ થાય છે કે આવી ઘટનાઓથી માનવ સમાજ શું ના તૂટે ? આખી દુનિયામાં સૌથી વધુ યુવાન આપણા દેશમાં છે પણ આપણે આપણા યુવાનોને આવા જ્ઞાતિવાદના ચક્રવ્યૂહમાં ફસાવીને યુવાનોને ખોટી દિશા બતાવી રહ્યા છીએ. માનવ સમાજમા તો દરેક લોકો એક સમાન હોય છે અને દરેક લોકોને પૂરા હક્ક મળે છે અને માનવ સમાજએ યુવાનોને પ્રેરણા આપે છે અને માનવ સમાજ કોઈને ડરાવતો નથી પણ સમસ્યાઓનું સમાધાન આપે છે.
4. માનવ જીવન પર અદ્રશ્ય શક્તિનો પ્રભાવ !
હવે તો વિજ્ઞાન પણ માને છે કે માનવ શરીર એ સ્થૂળ નથી પણ સુક્ષ્મ સ્વરૂપમાં પણ છે. આપણે સૌએ આધ્યાત્મિક વિદ્યાઓ વિશે જાણ્યુ હશે પણ તેના પર કોઈનો સીધો વિશ્વાસ બેસતો નથી. વિજ્ઞાને સુક્ષ્મ શરીરની સાથે સાથે સુક્ષ્મ શરીરમાં રહેલ ચક્રો વિશે પણ અભ્યાસ કરીને સાબિત કર્યું છે કે આ ચક્રોનો પ્રભાવ સીધો જ માનવ શરીર તથા માનવ જીવન પર પડે છે. ત્યારે આ અદ્રશ્ય શક્તિઓનો અનુભવ બધાને થતો નથી પણ કેટલીક વિદ્યા દ્રારા આ શકય છે. એક ઉદાહરણ જોઈએ તો એક વ્યક્તિ તેના બે મિત્રો સાથે બાઈક પર મુસાફરી કરતા હોય છે એટલે કે બાઈક પર કુલ ત્રણ વ્યક્તિઓ હોય છે. ત્યારે અચાનક બાઈકનો અકસ્માત એક ટ્રક સાથે થાય છે અને બાઈક ચાલક તથા છેલ્લે બેઠેલ વ્યક્તિનું મોંત થાય છે પણ વચ્ચે બેઠેલ વ્યક્તિને નાની ઈજા પણ થતી નથી. આ ઘટનામાં વિજ્ઞાનના બધા જ નિયમ પાછા પડે છે. કોઇક તો એવી શક્તિ હતી કે જેને વચ્ચેના વ્યક્તિને બચાવી રાખ્યો !
કોઈપણ માનવીને દિવસના 60,000 વિચારો આવે છે અને આ વિચારોનો સીધો જ પ્રભાવ આપણા શરીર તથા જીવન પર પડે છે. આ વિચારો માંથી કેટલાક વિચારો નકામા હોય છે પણ કેટલાક વિચારો સૌથી કિંમતી હોય છે. વિચારોમાં એક પ્રકારનું વાઇબ્રેશન હોય છે અને આ વાઇબ્રેશનમાં ખૂબ તાકાત હોય છે. જો એક વિચારને ધારી લેવામાં આવે અને તેના પર મનન તથા ચિંતન કરવામાં આવે તો કેટલાય રહસ્યો ખુલી શકે છે. કાદવમાં જ કમળ ખીલે આવી વાત આપણે સૌએ સાંભળી હશે ત્યારે 60,000 વિચારો માંથી એક બે વિચારો એવાં હશે કે જે માનવ જીવન બદલવામાં સક્ષમ હોય છે. વિચારોમાં એક પ્રકારની ચુંબકીય શક્તિ હોય છે જે આપણને આપણા ધ્યેય સુધી લઈ જાય છે. હવે વાત કરીએ એ સ્થાનની કે જ્યાં આ વિચારો ઉત્પન્ન થાય છે અને તે સ્થાન એટલે મન. મન મુખ્યત્વે બે પ્રકારના છે એક જાગૃત મન અને બીજુ અર્ધજાગૃત મન. જાગૃત મનએ ફક્ત જાગૃત અવસ્થામાં જ કાર્ય કરે છે પણ અર્ધ જાગૃત મનએ 24 કલાક કામ કરે છે. અર્ધ જાગૃત મનમાં કોઇપણ વિચાર પ્રવેશે તો તે પરિપૂર્ણ થઈને જ બહાર આવે છે. અહી મનની વાત એ માટે કરું છું કેમકે બધી જ સામાન્ય તથા અસામાન્ય શક્તિ આપણને આપણા શરીર માંથી તેમજ બહારથી મળતી હોય છે પણ મન કોઈને કોઈ જગ્યાએ એ શક્તિને અવરોધરૂપ બનતું હોય છે. અહીં હું જાગૃત મનની વાત કરું છું. ત્યારે આ મનને આપણે બરાબર રીતે સમજી લઈશું તે પછી જ આપણે આપણા મનને નિયંત્રિત કરી શકવામાં સફળ થઈશું. જો મન આપણા નિયંત્રણમાં હશે તો કોઈપણ કાર્ય માટે આપણે મનને તૈયાર કરી લઈશું અને તે કાર્ય સફળતાપૂર્વક થશે. તેથી જ મનને સમજવું એ અદ્રશ્ય શક્તિઓનો ઉપયોગ કરવાનું પ્રથમ પગથિયું છે.