Vicharoni Aarat books and stories free download online pdf in Gujarati

વિચારોની આરત

વિચારોની આરત

Part - 2

પ્રદિપ પ્રજાપતિ (પ્રભાત)

1. સફળતાના માર્ગનો મુખ્ય અવરોધ એટલે ડર

આ જગતના બધા જ લોકો ઇચ્છે છે કે હું મારા ક્ષેત્રમાં સફળતા મેળવું. સફળતાની સામાન્ય વ્યાખ્યા આપીએ તો પોતાનું નિર્ધારિત લક્ષ્ય જે વ્યક્તિ પુરું કરે તેને સફળ વ્યક્તિ કહી શકાય. દરેક વ્યક્તિ પોતાની જિંદગીમાં સફળ થવા માટે પુરતા પ્રયત્ન કરતો જ હોય છે પણ સફળતા ક્યાં એટલી સરળ છે કે આસાનીથી મળી જાય એટલે કે સફળતાના માર્ગમાં મુશ્કેલીઓ અને અડચણો તો આવવાની જ અને આ અડચણો માંથી એક સૌથી મોટી અડચણ એટલે ડર. ડર એ માણસના મનનો એક પ્રકારનો વહેમ જ છે. આપણને જે કામ નથી આવડતું અથવા જે કામ કરવાની સક્ષમતા આપણી અંદર નથી ત્યારે એ કામ કરવાથી જ આપણને ડર લાગશે. બીજી તરફ જે કામમાં આપણે હોશિયાર છીએ એટલે કે જે કાર્ય આપણે સરળતાથી કરી શકીએ છીએ તે કામ આપણે નિર્ભય પણે કરીશું. એટલે કે ડરનું ઘર એ અનઆવડતપણું જ છે. લગભગ દુનિયાની દરેક વ્યક્તિ કોઈને કોઈ બાબતમાં ડર તો લાગતો જ હશે. ડર કોઈ માનસિક બીમારી નથી પણ મનની એક અવસ્થા છે જે મનમાં ત્યારે પેદા થાય છે જ્યારે આપણે કોઈ કામમાં સક્ષમ ન હોઇએ. જે રીતે ઉધઈ લાકડાને ધીરે ધીરે ખાઈ જાય છે અને એક સમયે લાકડાનું નામોનિશાન પણ રહેતું નથી એજ રીતે ડરએ આપણા આત્મવિશ્વાસને ઉધઈનાં જેમ ખાઇ જાય છે.
જો કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા મેળવવી હોય તો પોતાના મન માંથી ડર નામના તત્વનો સંપુર્ણ રીતે નાશ કરવો પડશે. સૌપ્રથમ ડરના કેટલાક પ્રકાર જોઈએ તો કેટલાક લોકોને કાર્યનો ડર હોય છે એટલે કે તે વ્યક્તિને એવો ડર હોય છે કે હું આ કામ કરી શકીશ કે નહીં. બીજો ડર લગભગ મોટા ભાગના લોકોમાં જોવા મળતો હોય છે એ ડર એટલે સફળતાનો ડર, આ પ્રકારના ડરમાં વ્યક્તિને સફળ થઈશ કે નહી તે બાબતનો ડર હોય છે. ડર તો ઘણા પ્રકારના હોય છે તેમાં કેટલાક લોકોને સ્ટેજ પર બોલવાથી ડર લાગતો હોય એટલે કે સ્ટેજ ફોબિયા હોય છે. આ બધા ડરએ સામાન્ય છે પણ આ સામાન્ય ડર જ સફળતાના માર્ગમાં મુખ્ય અવરોધ પેદા કરતા હોય છે.
ડર સામે લડવું હોય તો એક જ અને સચોટ ઉપાય છે કે તમે ડરના સામે ઉભા રહીને તેને હરાવી દો કારણકે આપણને એવું લાગે છે કે ડરનું સ્થાન એ આપણા આત્મવિશ્વાસ કરતા ઊંચું છે. જ્યારે આનું ઊલટું થશે ત્યારે ડર નામનું તત્વ જ નહીં રહે ત્યારે માત્રને માત્ર આત્મવિશ્વાસ જ હશે અને સફળતા સરળતાથી મેળવી શકાશે.

2. દરેક કોલેજમાં યોગનું શિક્ષણ ફરજીયાત આપવામા આવે તો ?

આજના સમયમાં રોગોનું પ્રમાણ પણ ખૂબ જ વધ્યુ છે. આ સમયમાં જેમ જેમ હોસ્પિટલ તથા દવાઓનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ અવનવા રોગ આવતાં જાય છે. રોગો ખાલી શારિરીક જ નથી પણ માનસિક રોગોનું પ્રમાણ પણ એટલું જ વધી રહ્યું છે અને આ માનસિક રોગોમાં સૌથી વધારે યુવાઓ આવી જાય છે. શારિરીક રોગ હોય તો યોગ્ય દવા લેવાથી સ્વસ્થ થઇ જવાય છે પરંતુ માનસિક રોગનું શું ? આ બધી સમસ્યાનો ઇલાજ આપણા ભારત પાસે જ છે અને તે છે યોગ.
ભારતવર્ષએ જ્ઞાનનું પ્રતિક હંમેશાથી જ રહ્યું છે અને ભારત પાસે આધ્યાત્મિક જ્ઞાન ભરપૂર છે. ભારતના પૌરાણિક વારસાનો અભ્યાસ કરીએ તો આપણને જાણવા મળે છે કે આપણો પૌરાણિક વારસો કેટલો ભવ્ય છે. આ વારસામાં યોગનું શિક્ષણએ ખૂબ જ મહત્વપુર્ણ છે કેમ કે યોગ એ આધ્યાત્મિક શિક્ષણના પાયારૂપ છે. મહર્ષિ પતંજલિએ યોગનુ વિસ્તૃત જ્ઞાન આપ્યુ છે. જ્યારે ભારતમાં ગુરું - શિષ્ય પરંપરા હતી ત્યારે વિદ્યાર્થીઓને ફરજીયાત યોગનું શિક્ષણ આપવામાં આવતું હતુ તેથી જ કહી શકાય કે આપણો ઐતિહાસિક વારસો આટલો ભવ્ય છે અને સમૃધ્ધ પણ છે. એ સમયના વિદ્યાર્થીઓ બધી જ કળાઓમાં પારંગત હતા. હવે એ વિદ્યાર્થીઓ સાથે આજના વિદ્યાર્થીઓની તુલના કરીએ તો આપણને ખ્યાલ આવે કે આજનો વિદ્યાર્થી કેટલો પાછળ છે. આજના વિદ્યાર્થીઓ જેમ જેમ આગળ ભણે છે તેમ તેમ તેમના વિચારો અવનવી નકારાત્મક બાબતોમાં જતા હોય છે તેને કારણે તેઓ પોતાના નૈતિક મૂલ્યોને ભૂલતા જાય છે. બીજી બાજુ આધુનિક ભારતના યુવાનો એ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરે છે. આજનો યુવાન કે વિદ્યાર્થીમાં બજારું ખોરાકનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. આ કારણે વિદ્યાર્થીને શારિરીક અને માનસિક બીમારીઓના ભોગ બનવું પડે છે. જો શાળાઓ તથા કોલેજોમાં યોગનુ શિક્ષણ ફરજીયાત આપવામા આવે તો આ કારણોનું કંઇક નક્કર પરિણામ આવી શકે છે. જો યોગથી થતા ફાયદા વિશે જો વાત કરીએ તો આખો દીવસ યોગના ફાયદા કહેવામાં જ જતો રહે. કેટલાંક મુખ્ય ફાયદાઓ વિશે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓને ખાસ રીતે ઉપયોગી થઇ શકે તો યોગથી વિદ્યાર્થીઓની એકાગ્રતા શક્તિમાં વધારો થાય છે આ ઉપરાંત નિર્ણય શક્તિ તથા આત્મવિશ્વાસમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. યોગ અને આસનથી વિદ્યાર્થીઓનું શરીર સુડોળ તથા સ્વસ્થ બને છે. યોગથી વિદ્યાર્થીઓ તથા યુવાનોનો વ્યક્તિત્વવિકાસ ઝડપી બને છે. આવા તો કેટલાય ફાયદા યોગથી થાય છે.
દરેક શિક્ષણ સંસ્થાઓમાં એક યોગ કેન્દ્ર બનાવવું જોઈએ અને એક ધ્યાનનો રૂમ પણ બનાવવો જોઈએ અને શાળા કે કોલેજ શરું થતાં પહેલા ધ્યાનનો અભ્યાસ નિયમિત કરાવવો જોઈએ. આ યોગ કેન્દ્રમાં વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોએ પણ યોગનો નિયમિત અભ્યાસ કરવો જોઈએ કેમ કે શિક્ષક જો સ્વસ્થ હશે તો શિક્ષણ પણ સારું આપી શકશે. આવા એક યોગ કેન્દ્રનું ઉદાહરણ જોઈએ તો પાલનપુર ખાતે આવેલી જી.ડી. મોદી વિદ્યાસંકુલમાં એક યોગ કેન્દ્ર શરું કરવામાં આવ્યું છે ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે યોગાભ્યાસ કરે છે. આ યોગ કેન્દ્રમાં વિવિધ પ્રકારનું શિક્ષણ આપવામા આવે છે ત્યાં ડિપ્લોમા ઈન યોગનું પણ શિક્ષણ આપવામા આવે છે અને આ યોગ કેન્દ્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી સાથે સંલગ્ન છે. આવા તો ઘણા બધા ઉદાહરણો છે. આપણી બધી જ શિક્ષણ સંસ્થાઓ ભણતરની સાથે યોગનું શિક્ષણ યોગ્ય રીતે આપશે તો આપણાં ભારતનો ભવ્ય વારસો આપણે પાછો મેળવી શકીએ છીએ.

8. સત્ય અને અહિંસાનો સંદેશ આપનાર પ્રબળ વ્યક્તિત્વ એટલે ગાંધીજી

કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વગર શાંતિ પૂર્વક જીવવાનો સાચો માર્ગ એટલે અહિંસાનો માર્ગ. આપણને એક અવતાર રૂપે મળેલુ આવું સત્ય અને અહિંસાનું પ્રબળ વ્યક્તિત્વ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી જેમને આપણે વ્હાલથી ગાંધી બાપુ કહીએ છીએ. બાપુએ આપણને સત્ય અને અહિંસાનો વારસો આપ્યો છે એ આપણા માટે કોઈ ખજાનાથી ઓછો નથી. ગાંધીજીએ આપણને એક ચમત્કાર કરી બતાવ્યો અને એ ચમત્કાર એટલે સત્ય અને અહિંસાથી ભારતને અંગ્રેજ મુકત કરી ભારતને એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવ્યું. ગાંધીજી આપણને આ જ તો શીખવીને ગયા છે કે કોઈ પણ પ્રાણી સાથે હિંસા કરવી નહીં અને હંમેશા સત્યને વળગી રહેવું.
આ વાત થઈ આપણા ઇતિહાસની પણ વર્તમાનમાં ગાંધીજીના મૂલ્યોને આપણો સમાજ ભૂલતો જાય છે. ગાંધીજીએ આપેલા આ બે મૂલ્યો સત્ય અને અહિંસા જેને મૂલ્યો કરતા વધારે સદ્ગુણ પણ કહી શકાય. સાચા અર્થમાં તો આ બન્ને સદ્ગુણોનું શિક્ષણ શાળામાં જ અપાવું જોઈએ તેનાથી આપણા ભારતનું ભવિષ્ય વધારે પ્રબળ બનશે અને વિકાસની ગતિ પણ વધશે. આજે કોઈપણ વિદ્યાર્થીને આપણે ગાંધીજીનું કોઈ એક સારું પુસ્તક આપીએ તો આજના વિદ્યાર્થીને આવું પુસ્તક કાંટાળા જનક લાગે છે. જ્યારે શિક્ષણમાં આવા મૂલ્યોનું જ્ઞાન આપવામા આવશે ત્યારે જ કંઈક સમાજમાં બદલાવ આવશે. આ સત્ય અને અહિંસાના માર્ગમાં મુશ્કેલીઓ તો અઢળક આવશે પણ આ મુશ્કેલીઓ સામે લડતા શીખવું પડશે. સાચી ખુશીએ માત્ર સત્યથી મળી શકે કારણકે તે ખુશીમાં કોઈ દાગ નથી હોતો એટલે કે શુધ્ધ હોય છે. આ જ રીતે અહિંસાનો માર્ગ પણ આવો જ છે તેમાં પણ મુશ્કેલી આવે છે પણ જીત મળે ત્યારે એવુ લાગે કે જાણે ભગવાનના સાક્ષાત દર્શન થયા હોય. આ માર્ગ પર ચાલવા કરતાં આ માર્ગ પર ટકી રહેવું ખૂબ અઘરું છે કેમ કે આ માર્ગ પર આપણે એકલા અને બીજા પરમાત્મા જ હોય છે. એક કહેવત છે ને કે સિંહના કદી ટોળા ન હોય આ પણ એવું જ છે. ગાંધીજી એ આ વાત સાર્થક કરી છે. આપણે સૌ કહેતાં હોઇએ જ છીએ કે અંતમાં જીત હંમેશા સત્યની જ થાય છે કારણકે સત્યમાં શુધ્ધતા હોય છે અને જેમાં શુધ્ધતા હોય તેમાં સુંદરતા પણ હોય છે. આપણે એમ પણ કહેતાં હોઇએ છીએ કે સત્ય બહું કડવું છે અને આ જમાનામાં સત્ય ન ચાલે, આ વાત હું મારા મતે ખોટી ગણું છું કારણકે જે વ્યક્તિમાં સત્યને સાધવાની શક્તિ હોય છે તેનાં માટે સત્ય તો અમૃત જેવું જ છે ભલે પછી તે કળયુગ હોય અને અહિંસાને પણ ધારણ કરવી એ સરળ વાત નથી કેમ કે અહિંસા એટલે કોઈને શારિરીક હિંસા ન પહોંચાડવી તે જ નહીં પણ કોઈને માનસિક તથા લાગણીથી પણ હિંસા પહોંચવી ના જોઈએ. અહિંસાનો સાચો અર્થ તો આ જ છે.
જે વ્યક્તિ પોતાનામાં સત્ય અને અહિંસા જેવા સદ્ગુણોને ધારણ કરે છે તે વ્યક્તિને કૂદરતની શક્તિના આશિર્વાદ મળે છે અને તે પોતાના કામમાં સફળ થાય જ છે.




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED