મારી બેના
જીવનમાં બધાં જ સુખોને એક તરફ મુકી દઈએ અને સૌથી સાચું સુખ જોવા જઇએ તો બહેન નામના શબ્દનો ઉચ્ચાર થાય છે.જીવનમાં બિનશરતી અને અપાર પ્રેમ આપતી બહેન એ માતા પછીના સ્થાને છે.
સ્ત્રીતત્વનું ઉત્તમ સ્વરૂપ એટલે બહેન. ભાઈએ બહેનની સાથે હંમેશા જોડાયેલો રહે છે અને ભાઈ બહેનની મસ્તી, ધમાલ એ સૌને જીવનભર યાદ રહે છે. આ બધી બાબતો ભાઈ બહેન વચ્ચે રહેલા અપાર પ્રેમને પ્રકાશમાન બનાવે છે. બહેનને ભાઈ પ્રત્યે હંમેશા શુભ લાગણી રહે છે એક ટાઈમ જો પોતાનો ભાઈ ન જમે તો બહેનનું મન પણ અશાંત રહે છે. બહેનને આપણે બેન કહીએ અને આ બેન શબ્દમાં થોડો પ્રેમ ઉમેરો તો બેના થઈ જાય અને આ શબ્દ જ્યારે સાંભળીએ ત્યારે આ શબ્દમાં રહેલા બિનશરતી પ્રેમનો આપણને અહેસાસ થાય છે. જિંદગીમાં બેનાનો પ્રેમ એ ખૂબ જ જરૂરી છે કારણકે આ પ્રેમ જ એવો છે જેનાથી માણસ કાંઇક નવું શીખી શકશે. જીંદગી જેને મળી છે પણ સાથે બહેનનો પ્રેમ નથી મળ્યો તો તેનાં માટે આ જિંદગી જ નકામી કહેવાય. ઘણાં લોકોને સગી બહેન ન હોય તો એ ધર્મની બહેન બનાવતા હોય છે અને તે બહેનને પારકી બહેન પણ કહેતા હોય છે પણ આ બાબતે મારો એક જ મત છે કે બહેન ધર્મની હોય કે સગી, બહેન તો બહેન જ હોય છે. માણસ ગમે તેવા હોય, ગમે તે પ્રદેશના હોય પણ એમનો ભાઈ બહેન નો પ્રેમ એટલો જ અમુલ્ય અને બિનશરતી હોય છે.
જીંદગી એ પડકારોથી ભરેલી છે અને જીંદગીમાંથી આપણે શું મેળવીએ છીએ ? આ પ્રશ્નનો જવાબ આપવો એટલો સરળ તો નથી પણ એટલું કહી શકાય કે જીવનમાં આપણે બિનશરતી પ્રેમ સિવાય કશું જ લઇ જતાં નથી. કારણકે આપણે જીવનમાં પૈસા અને કેટલીયે સંપત્તિ કમાઈએ છીએ પરંતુ તેમાંથી એક વસ્તુ પણ આપણા સાથે આવતી નથી પણ એક પ્રેમ જ એવો છે કે હંમેશા આપણી સાથે રહે છે અને એ જ સાચું જીવન છે કે જેમાં બિનશરતી પ્રેમ અને સાચી લાગણી હોય. એકવાર હું શાળામાં મારા ભૂતપૂર્વ શિક્ષકને મળવા ગયો હતો ત્યારે એક નાની છોકરી સાહેબને કહેવા આવી કે 'સર મારા ભાઈને તાવ આવ્યો છે હું એને ઘરે મુકીને આવું ?' આ ઘટના સાંભળવામાં તો ખૂબ જ નાની લાગે છે પરંતુ આ બાબત ભાઈ બહેનના એ ઉત્તમ અને પવિત્ર પ્રેમને વ્યાખ્યાયિત કરવા માટે પુરતું છે. આવી જ એક ઘટના મારી સાથે પણ બનેલી હું એક જગ્યાએ ટ્યુશન જતો અને ત્યાં રક્ષાબંધનની એક વખત ઉજવણી કરવામાં આવી ત્યારે મારી પણ બહેન બની, મારે કોઈ સગી બહેન નહોતી એટલે હું એમને જ સગી બહેન માનતો અને એ પણ મને સગા ભાઈ જેવી જ રીતે રાખતી હતી. એકવાર હું બીમાર થયો ત્યારે હું ટ્યુશનમાં જ હતો એનું ઘર અમારાં ટ્યુશનની બાજુમાં જ હતું તો ત્યારે એ મારા માટે દવા અને ગરમ પાણી લઇ આવી હતી. ત્યારે મને પહેલી વાર બહેન હોવાનું ગર્વ મહેસુસ થયું હતું અને એ દિવસે મને પહેલી વાર જ એક બહેના પ્રેમનો અહેસાસ થયો હતો. દુનિયામાં લગભગ કોઈ એવો માણસ નહીં હોય કે જે પ્રેમ વગર રહી શક્તો હોય ! કારણકે જીવનનું ધ્યેય એ જ છે કે બિનશરતી પ્રેમ દરેકને આપવો. આપણા પરિવારમાં માતા પછી ખાલી બહેન જ હોય છે કે જે આપણને કોઈ શરત વગર પ્રેમ આપે છે. કોઇએ સારા પુણ્ય કર્યા હોય ત્યાર બાદ જ બહેન નામનું રત્ન જીવનમાં મળે છે.
બહેનનાં મસ્તી મજાકમાં જ બિનશરતી પ્રેમ છુપાયેલો હોય છે.ભાગ્યેજ કોઇક એવા ભાઈ બહેન હશે કે એમનાં વચ્ચે ઝઘડો ન થતો હોય ! ભાઈ અને બહેન ભલે ગમે તેટલા દૂર રહેતાં હોય પરંતુ રક્ષાબંધનનાં દિવસે એકબીજાને યાદ તો કરે જ. ભાઈ ગમે તેટલો દૂર હોય તોય બહેન તેને રાખડી મોકલીને શુભકામનાઓ આપે છે. આ દુનિયામાં કોઈ વસ્તુ એવી નહીં હોય કે જેનો નાશ ન થતો હોય એટલે કે અમર હોય પણ મારા મતે ભાઈ બહેનનો આ પ્રેમ કાયમ માટે અમર રહે છે અને આ પવિત્ર પ્રેમ એવો છે કે જે ભગવાનને પણ ઝુકાવી દે. કારણકે ભગવાન પણ આપણને બિનશરતી પ્રેમ જ કરે છે અને આ પ્રેમનું કોઈ માપ હોતું નથી. તેથી જ તો આ પ્રેમને પવિત્ર કહેવામાં આવે છે. ભાઈ બહેન ગમે તેટલાં મોટા થઈ જાય પણ તેમનાં પ્રેમમાં એક ટકાનો પણ ફરક પડતો નથી.
ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ તહેવારને બળેવ પણ કહે છે.આ દિવસે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધી અને તેની રક્ષાની પ્રાર્થના કરે છે અને આ પ્રસંગ એટલો અદ્ભૂત હોય છે કે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે ત્યારે ભાઈ અને બહેનને જે ખુશી મળે છે કદાચ એ લાખો રૂપિયા આપ્યાં બાદ પણ ન મળે.ઘણાં લોકો એમ કહે છે કે રાખડી આકર્ષક અને સારી હોવી જોઈએ પણ મારુ માનવું એમ છે કે રાખડીથી કંઇ ફરક પડતો નથી. એકબાજુ બહેન ભાઈને મોંઘી અને આકર્ષક રાખડી બાંધે અને બીજી બાજુ એક બહેન પોતાના ભાઈ ને એક સામાન્ય રાખડી બાંધે તો પણ બહેનની લાગણીમા જરાય ફરક પડતો નથી. મૂલ્ય વસ્તુનું નથી પણ એ બિનશરતી પ્રેમ અને પવિત્ર લાગણીનું છે. બધું જ ખતમ થઈ જાય પણ ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ અમર રહે છે.
જીવનનો કોઈ ભરોસો કરી શકાય નહીં કે જીવન ક્યારે હશે કે નહીં. આપણે વિચારતા જ હોઇએ છીએ કે આજે આપણે છીએ અને કાલે કદાચ ન પણ હોઇએ આ જ વાત સમજવા જેવી છે કે આપણી સાથે કશું જ આવવાનું નથી ખાલી એક પ્રેમ જ છે જે આપણને ખુશ રાખે છે અને આપણી સાથે હંમેશા રહે છે. શુભની લાગણી હંમેશા સારુ કાર્ય જ કરે છે આ જ વાત અહીં રક્ષાબંધન પર પણ લાગુ પડે છે. બહેન રાખડી નહીં પણ એનાં આશિર્વાદ તથા પ્રાર્થના ભાઈના કાંડા પર બાંધે છે અને ભાઈ માટે પ્રભુને પ્રાર્થના કરે છે કે મારા ભાઈ સાથે હંમેશા શુભ થજો. આ વાત જ બહેનના અનન્ય પ્રેમ અને લાગણીને સાર્થક કરે છે. જીવનમાં આપણે આ જ યાદ રાખવાનું છે કે બીજાને હંમેશા પ્રેમ આપતાં રહેવું અને એ પ્રેમ પણ કોઈ શરત વગરનો હોવો જોઈએ ત્યારે જ આપણું જીવન સાર્થક કહેવાય.
મેં મારી નજર થી બેનને કેવી જોઈ છે એ પર ની એક કવિતા રજૂ કરું છું.
સાનપણથી બાળપણ સુધી,
યાદ આવે એ ઘડપણ સુધી
એવી મારી બેના, એવી મારી બેના
વાતો કરે એ ઘણી કામની,
ઉડાવે ભાઈની બહુમાનથી,
એવી મારી બેના, એવી મારી બેના
રમત કરી રમતા શીખવે,
બંધન આ પવિત્ર પ્રેમનું
નથી કોઈ માંગણી, છે તો લાગણીનું બંધન
સાચી અને સારી મિત્ર છે
એવી મારી બેના, એવી મારી બેના
તત્વથી સત્વ સુધીની યાત્રા છે એ
જીવનમાં સ્વનામ ધન્ય છે એ
દુઃખને સુખમાં પરિવર્તિત કરતો આશીર્વાદ છે એ
કઠોર તપમાં પુષ્પનો માર્ગ છે એ
એવી મારી બેના, એવી મારી બેના
- પ્રદિપ પ્રજાપતિ 'પ્રભાત'