સ્પેક્ટર્નનો ખજાનો - ૪ Param Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્પેક્ટર્નનો ખજાનો - ૪

પ્રકરણ:૪ યોજના...!

...હવે તો પ્રોફેસર એન્ડરસનનું અધૂરું કામ પૂરું કરીને જ રહીશું. આ મારું વચન છે...

મારા અંતરમનમાં મેં બોલેલા આ શબ્દો ગુંજતા હતા. અલબત્ત, મને અંદરથી પણ થતું હતું કે મારે પ્રોફેસર બેનને મદદ કરવી જ જોઈએ. પરંતુ આ વખતની સફર જરા જોખમી હોય એવું મને લાગતું હતું. આ અગાઉ હું મારી ટીમ સાથે પેરુના ‘રોક માઉન્ટેન’ જેવા પહાડો પર ટ્રેકિંગ કરવા તથા પેરુના ખૂબ જ પ્રખ્યાત અને ‘સેવન વન્ડર્સ ઓફ ધી વર્લ્ડ’માં સ્થાન પામેલા ‘મચ્ચુ પીચ્ચુ’ જેવા સ્થળોએ જઈ આવ્યા હતા. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં આવેલા દ્વીપસમૂહ ‘ગાલાપેગોસ’ જઈને સંશોધન કરવાની સફર પણ અમે એકલે હાથે ખેડી હતી. અમારી એ છેલ્લી સફરને કારણે જ અમારું નામ લીમાના સાહસિકોની યાદીમાં છપાયું હતું.

બસ. આ હતો અમારો ટૂંકો પરિચય. અમે સાહસિકો હતા એમાં કોઈ સવાલ નહોતો, પણ આ વખતની સફરને જોતાં અમારે થોડા સાવચેત રહેવાની જરૂર હતી. આથી મને મનમાં સતત એ જ ખટકો રહ્યા કરતો હતો કે – મેં પ્રોફેસર બેનની મદદ કરવાની તત્પરતા બતાવી તો છે પણ શું હું અને મારી ટીમ આ સફર ખેડી શકીશું ? પણ પછી બીજી જ પળે મેં નક્કી કરી લીધું કે ગમે તે થાય, હાથ પર લીધેલું કામ તો પૂરું કરવું જ છે. જો એક સાહસિક જ સાહસ સામે ટક્કર નહીં લે તો એ સાહસિક શાનો !

હું પથારીમાં બેઠો થયો ત્યારે સવાર એકદમ ખીલી ઊઠી હતી. મેં ઘડિયાળમાં જોયું. નવ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી.

ગઈ કાલે રાત્રે હું સતત અમારી સાથે બની ગયેલી ઘટનાઓ અંગે જ વિચારતો હતો એટલે રાતે સુવામાં પણ મોડું થઈ ગયું હતું.

થોડી જ વારમાં દૈનિક ક્રિયાઓ પતાવીને મેં પ્રોફેસર બેનને ટેલિફોન જોડ્યો. સામે છેડેથી પ્રોફેસર બેનનો અવાજ સાંભળતાં જ મેં કહ્યું, ‘હેલ્લો પ્રોફેસર બેન ! હું એલેક્સ. ગઈ કાલની વાત અંગે ફોન કર્યો છે.’

‘હા એલેક્સ. બોલ.’

‘પ્રોફેસર બેન, મેં તમારી સાથે સફરમાં જોડાવાનું હવે ફાઈનલ કરી દીધું છે તો એના માટેની જરૂરી યોજના બનાવવી પડશે અને તૈયારી પણ કરવી પડશે...’

‘હા...યોજના તો બનાવવી જ પડશે, એલેક્સ. હું પણ એ જ વિચારમાં હતો ત્યાં તારો ફોન આવ્યો.’

‘તો પછી કેવી રીતનું કરીએ ?’ મેં પૂછ્યું.

‘એલેક્સ, હું તો કહું છું કે તું તારા મિત્રોને લઈને આજે જ મારા ઘરે આવી જા. આ મામલામાં બહુ ઢીલ નથી કરવી.’

‘ઠીક છે પ્રોફેસર, હું મારા મિત્રો સાથે દસ વાગે ત્યાં આવી જાઉં છું.’

‘ઓ.કે. મોસ્ટ વેલકમ માય બોય.’ પ્રોફેસર બેને કહ્યું એટલે મેં રિસિવર મૂકી દીધું. પછી હું એમના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યો.

    ***

અત્યારે હું મારા મિત્રો સાથે ‘અલ્બિનો હરેરા’ માર્ગના છેડે આવેલા પ્રોફેસર બેનના ઘરે બેઠો હતો.

આજે તો વોટસન પણ અમારો સાથ આપવા અમારી સાથે આવ્યો હતો.

મેં થોમસ, વિલિયમ્સ, જેમ્સ...બધાના ચહેરા સામે જોયું. દરેકના ચહેરા પર એક જાતનું દ્રઢ મનોબળ છવાયેલું હતું. એ જ વખતે થોમસ પણ મારા ચહેરા સામે જોવા લાગ્યો. અને...અમારા વચ્ચે ઈશારાથી જ વાતચીત થઈ. જાણે ઈશારામાં એ કહેતો ન હોય કે – ડોન્ટ વરી એલેક્સ ! આ વખતે પણ આપણે કરી બતાવશું !

‘હેલ્લો એવરીવન !’ ત્યાં જ અંદરનાં રૂમમાંથી પ્રોફેસર બેન બહાર આવ્યા અને અમારો ઈશારાનો સંબંધ તૂટી ગયો.

‘હેલ્લો પ્રોફેસર બેન !’ મેં કહ્યું. પાછળથી મારા મિત્રોએ પણ એક પછી એક કરીને પ્રોફેસર બેન સાથે હાથ મિલાવીને હેલ્લો કર્યું.

‘ઓલ રાઈટ. જવા માટે તૈયાર છો ને બધા ?’ પ્રોફેસર બેને એક પછી એક કરીને અમારા ચહેરા પર નજર કરતાં પૂછ્યું.

‘અરે પ્રોફેસર સાહેબ ! અમને એક વાર મોકો તો આપો...બધું હલાવી દઈશું.’ આ વખતે જેમ્સે કહ્યું. એની વાતમાં સાથ પુરાવીને થોમસ બોલ્યો, ‘હા પ્રોફેસર સાહેબ, તમે યોજના બનાવવાનું ચાલુ કરો. પછી એ સ્પેક્ટર્ન ટાપુ છે ને અમે છીએ. કોઈ રોકી નહીં શકે અમને.’

‘ગુડ ગુડ માય બોયઝ.’ કહીને પ્રોફેસર બેને ટેબલ નીચેથી એક કાગળ કાઢ્યો અને ટેબલ પર અમારી સામે મૂકી દીધો. પછી કહ્યું, ‘આમાં આપણી યોજનાનો પ્રથમ તબક્કો છે, દોસ્તો. આજે સવારે જ જ્યારે એલેક્સનો ફોન આવ્યો એ પછી આ તૈયાર કર્યું છે. આને તૈયાર કરવા માટે મેં એન્ડરસનની ડાયરીનો પણ ઉપયોગ કર્યો છે. કેમકે એની ડાયરીની માહિતી વગર એ શક્ય નહોતું.’

મેં માથું હલાવ્યું.

એ પછી પ્રોફેસર બેને કાગળ મને આપ્યો, ‘તમે લોકો એક પછી એક વાંચી જાઓ. આ બધી તૈયારીઓ કરવાની રહેશે.’

મેં કાગળ લીધો. એમાં આ મુજબની માહિતીઓ હતી:

સાથે લઈ જવાની જરૂરી સામગ્રી

- હોકાયંત્ર, ભૂપૃષ્ઠને લગતાં સાધનો, અક્ષાંશ-રેખાંશ માપક, એક મોટો સમેટી શકાય તેવો તંબુ, બે કેમેરા.

- દરેકનાં વધારાના બે જોડી કપડાં, આશરે એક મહિનો ચાલે તેટલો ખોરાક (સુકવેલું માસ, બિસ્કીટના ડબ્બા, ટોસ્ટ તથા બ્રેડના ડબ્બા, ખાંડ, કૉફીના પેકેટ, દૂધનો પાવડર વગેરે)

- વાસણો, પ્રાથમિક સારવારનું બોક્સ અને દવાની પેટી, બધા માટે ટોર્ચ અને બેટરીઓ

- કાંડા ઘડિયાળ, છ ચાકુ, છરા, એક રિવોલ્વર, એક રાઈફલ, દારૂગોળો, બે બોમ્બ.

  બસ. લિસ્ટમાં આટલું લખ્યું હતું.

મેં લિસ્ટ વાંચીને થોમસને આપ્યું. ત્યાં અચાનક જ મારી બાજુમાંથી એક મોટો પડછંદ કૂતરો પૂંછડી પટપટાવતો પ્રોફેસર બેન પાસે જઈ પહોંચ્યો. આમ અચાનક કૂતરાને આવેલો જોઈને હું ડઘાઈ ગયો. પછી પૂછ્યું, ‘હેં પ્રોફેસર બેન... તમે આને ક્યારે પાળ્યો ? મને તો ખબર જ નથી.’

મેં અચાનક જ પૂછ્યું એટલે થોમસે કાગળ વાંચતા-વાંચતા એનું મોં ઊંચું કર્યું. વોટસન, વિલિયમ્સ વગેરે પણ એ ભરાવદાર કૂતરા સામે જોઈ રહ્યા.

‘અરે એલેક્સ ! આ ટોમી છે. હજુ ત્રણ મહિના જ થયા છે. છતાં એ મને એનાં જીવથી પણ વધારે પ્રેમ કરે છે.’ કહીને પ્રોફેસરે ટોમીના ગળા પર હાથ ફેરવ્યો અને અંદર એનાં બિસ્કીટ લેવા ગયા. થોડી વાર પછી એ બિસ્કીટ લઈને પાછા આવ્યા ત્યારે અમે બધાએ લિસ્ટ વાંચી લીધું હતું.

પ્રોફેસરે એક બાઉલમાં થોડા બિસ્કીટ કાઢીને આપ્યા એટલે ટોમી પુંછડી હલાવતો એ ખાવા મંડી પડ્યો.

પછી બિસ્કીટનું પેકેટ બાજુ પર મૂકીને પ્રોફેસર પાછા સોફા પર બેઠા.

મેં લિસ્ટ વાળો કાગળ પાછો ટેબલ પર મૂક્યો ત્યાં જ વોટસને કહ્યું, ‘પણ પ્રોફેસર સાહેબ, બીજું બધું તો સમજ્યા, પણ રિવોલ્વર, દારૂગોળો, બોમ્બ...આ બધી હિંસક વસ્તુઓ તો કોઈ પાસે નથી તેમ તેનું લાઇસન્સ પણ નથી.’

‘એ હિંસક વસ્તુઓ માટે તમે તાણ ન રાખશો. લાઇસન્સ સાથેની રિવોલ્વર અને રાઈફલ તો છે મારી પાસે. બાકીના બોમ્બ અને દારૂગોળાની વ્યવસ્થા મારો મિત્ર કરશે. એ લીમાનાં નૌકાદળમાં છે અને સાહસિક પણ ખરો. મારા ખાતર એ નૌકાદળના શસ્ત્રાગારમાંથી દારૂગોળો અને બોમ્બની વ્યવસ્થા કરવાનું કામ કરી જ શકશે. કોઈ જ ચિંતાની વાત નથી. એ બધું સંભાળી લેશે.’

પ્રોફેસર બેનની વાતથી થોડી ધરપત થઈ હતી.

‘હવે સાંભળો યોજનાનો બીજો તબક્કો...’ એમણે આગળ ચલાવ્યું, ‘આપણે બે દિવસ પછી એટલે કે શુક્રવારે નીકળી જશું. આજે બુધવાર છે. બે દિવસમાં તમે લોકો તૈયારી કરી લો. શુક્રવારે આપણે એક પ્રાઈવેટ કેબિન ક્રુઝરમાં જવાનું છે અને એ બધું ફિક્સ...’

‘પણ, નૌકાદળનાં શસ્ત્રાગારમાંથી કઈ રીતે દારૂગોળાની વ્યવસ્થા થશે ? નૌકાદળના તો બધા હિસાબો કડક અને ક્યાંય પણ લિક ન થાય એવા હોય...’ જેમ્સે ત્વરિત સવાલ કર્યો. ઘણો જ અગત્યનો સવાલ.

‘તમારી મૂંઝવણ હું સમજી ગયો છોકરાઓ, પણ તમે એ બાબતે બિલકુલ નચિંત રહો. મારો મેક્સ એ બધું સંભાળી લેવાનો છે...’

‘મેક્સ કોણ ?’ મેં પૂછ્યું.

‘મેક્સ એ જ નૌકાદળનો મારો મિત્ર જેની મેં તમને હમણાં વાત કરી. એ જ આપણને ટાપુ સુધી લઈ જશે. એ એક કુશળ નાવિક છે.’

પ્રોફેસર આ બધું શું આડું-અવળું બોલતા હતા એ જ મને તો સમજ નહોતી પડતી. પણ અત્યારે તો અમારે હા એ હા જ કર્યે રાખવાની હતી.

‘એટલે તમારો એ મેક્સ પણ આપણી જોડે જ ટાપુ પર રહેશે ?’ વિલિયમ્સે પૂછ્યું.

‘હા...એ પણ આપણને સાથ આપવાનો છે.’ પ્રોફેસર બેને કહ્યું અને આગળ વધાર્યું, ‘હવે આપણો રોકાવાનો પ્રોગ્રામ પણ જાણી લો મિત્રો... આ સ્પેક્ટર્ન ટાપુના અક્ષાંશ-રેખાંશ પ્રમાણે આપણને ટાપુ સુધી પહોંચતા લગભગ આઠેક દિવસ થશે. નવમે દિવસે આપણે ટાપુ પર પગ મૂકીશું. હવે લિસ્ટમાં મેં જેમ લખ્યું છે તેમ લગભગ એક મહિનો થઈ રહે તેટલો ખોરાક લઈ લેવાનો છે. અત્યારે તો આપણે એક મહિનાની ગણતરી કરીને જ ચાલીએ છીએ.’

‘પણ પ્રોફેસર સાહેબ, એક મહિનાની શોધ-ખોળ પછી પણ જો ભેદ ન ઉકેલી શકાયો તો ?’ શાંત બેઠેલા ક્રિકે નકારાત્મક ઢબે કહ્યું.

‘એક મહિનાની અંદર જ ભેદ ઉકેલવો પડશે, ક્રિક. આપણે એ કરવું જ પડશે. અને જો મહેનત કર્યા પછી પણ આપણે સફળ ન થયા તો લીમા પાછા ફરીશું. વધુમાં વધુ એક મહિનો આપણી પાસે હશે. એથી વધારે રોકાઈ શકાય એવું સ્પેક્ટર્ન ટાપુમાં કંઈ નથી.’

હવે પ્રોફેસર બેનની વાતથી મને રોમાંચ થતો હતો. શરીરમાં એક નવો ઉત્સાહ...નવું જોમ આવી ગયું હતું, કે ક્યારે અમે એ ટાપુ પર પહોંચીએ અને ક્યારે જૂના-પુરાણા એ ભેદનો પર્દાફાશ થાય.

‘અને બીજી એક અગત્યની વાત કહી દઉં છોકરાઓ...’ પ્રોફેસર અત્યંત રહસ્યમય રીતે બોલ્યા.

અમે એમની સામે મીટ માંડેલી રાખી. એમણે આગળ ચલાવ્યું, ‘સ્પેક્ટર્ન ટાપુની આજુ-બાજુ લગભગ કંઈ નથી. એટલે શક્ય છે કે દરિયાઈ ચાંચિયાઓ પોતાના જહાજ સાથે વિસામો ખાવા માટે કે એમ સ્પેક્ટર્ન પર ઊતરે...’

ચાંચિયાનું નામ સાંભળતાં જ અમારે સજાગ થઈ જવું પડ્યું. સાથે જ હ્યદય પણ બે ઘડી જોરથી ધડકી ઊઠ્યું. ખૂંખાર દરિયાઈ લૂંટારાઓ એટલે કે પાયરેટ્સ જ આવી સફરોનું મોટામાં મોટું જોખમ હોય છે. ચોરી અને દાણચોરીના માલની આવા ચાંચિયાઓ એક ટાપુ પરથી બીજા ટાપુ પર હેરાફેરી કરતા રહે છે. સમુદ્ર પર જ એમનું જીવન હોય છે. પણ ચાંચિયાઓ પોતાનું ભલું થવા માટે કોઈને પણ ગણકારતા નથી અને ખૂન-ખરાબા સર્જતા હોય છે.

‘...તો એ લૂંટારાઓ સામે ટકવું જરા મુશ્કેલ પડશે.’ પ્રોફેસરે આગળ કહ્યું, ‘આ સિવાય બીજું કોઈ ખાસ જોખમ નથી. એન્ડરસનના કહ્યા પ્રમાણે સ્પેક્ટર્ન પર લગભગ ખૂંખાર જાનવરો પણ નથી. છતાં આપણે સાવધાની તો રાખવી જ પડશે.’

‘ચાંચિયાઓના દર્શન ન થાય એ જ સારું રહેશે.’ થોમસે રમુજ કરી. પણ વોટસન લડવાના મુડમાં હતો, ‘ભલે ને આવતા...આપણા હાથનો માર ખાઈને જશે...’

અમે લોકો તો બંનેની વાત સાંભળીને હસી પડ્યા. પ્રોફેસર બેનને પણ હસવું આવી ગયું.

થોડી વાર પછી પાછી શાંતિ પ્રસરી ગઈ.

‘ચાલો...’ પ્રોફેસર બેને ઊભા થતાં કહ્યું, ‘હવે તમે લોકો કામે લાગી જાઓ.’

અમે પણ એમનું અનુકરણ કરીને ઊભા થયા. એમણે આગળ કહ્યું, ‘તો હવે આપણે શુક્રવારે સવારે અહીં મારા ઘરે જ મળીએ છીએ. ચાલો, ઓલ ધી બેસ્ટ ટુ એવરીવન.’

‘થેન્ક યુ પ્રોફેસર બેન ! આપણે ચોક્કસ કરી બતાવશું.’ મેં એમની સાથે હાથ મિલાવતાં એમને વિશ્વાસ આપ્યો. એમણે પણ સામે વિજય સૂચવતો ઈશારો આપ્યો.

એમનાં ઘરેથી નીકળ્યા પછી મનમાં આ જ પ્રશ્ન ઘૂંટાતા હતા – આખરે આ મેક્સ અમને નૌકાદળનો દારૂગોળો કેવી રીતે લાવી આપશે ? અને પોતે અમને ટાપુ પર લઈ જઈ શકે એટલો સક્ષમ હશે કે કેમ ?

***