આંસુડે ચીતર્યા ગગન - 2 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંસુડે ચીતર્યા ગગન - 2

આમ્સુડે ચિતર્યા ગગન ૨ અને ૩

બીજે દિવસે એસ.ટી. બસ પકડીને સિદ્ધપુરથી અમદાવાદ ઉતર્યો ત્યારે હું વિચાર કરતો હતો કેવી હશે બિંદુભાભી ? વળી જિંદગીમાં પહેલી વખત મોટાભાઈએ બાલુમામાથી વાત ગુપ્ત રાખવાનું કહીને સસ્પેન્સ ઊભું કર્યું હતું.

શેષભાઈની હોસ્ટેલ જવા માટે નવરંગપુરા જવાની બસ પકડવાની હતી. યુનિવર્સિટી જતી બસો નવરંગપુરા થઈને જતી જ હોય ને… એમ વિચારીને ૫૨/૩ નંબરની બસમાં હું ચડી ગયો. રુઆબથી કંડક્ટર પાસે નવરંગપુરાની ટીકીટ માંગી – તો કંડક્ટર દયામણી નજરે મારી સામે જોવા માંડ્યો

‘ભાઈ ! ચશ્મા આવ્યા છે કે શું?’

‘કેમ ?’

‘બસ નંબર વાંચ્યો છે ?’

‘હા – ૫૨/૩ છે. બરાબર ને?’

‘હા બરાબર. પણ બોર્ડ વાંચ્યું હતું?’

‘હા, ગુજરાત યુનિવર્સીટી’

‘પણ આ સેન્ટ ઝેવિયર્સ કૉર્નરથી જાય એ વાંચ્યું નહોતું?’

‘કેમ? યુનિવર્સિટી જતી બધી બસો નવરંગપુરા ના જાય?’

‘એવો સાદો નિયમ નાનકડા ગામડામાં હોય જ્યાં એક જ રસ્તો હોય . શું ભઈલા?’

‘તો…. હું દયામણો બનીને તેની સામે જોઉં છું. ’

‘લાલબંગલા ઊતરી જજો અને રિક્ષા પકડી લેજો.’

કન્ડક્ટર હવે ભલો લાગ્યો

પહેલા એક કે બે વખત અમદાવાદ આવ્યો હતો. પરંતુ એક વખત બાલુમામા જોડે હતો અને બીજી વખતે શેષભાઈ હતા. તેથી આવી નાની નાની તકલીફોનો ખ્યાલ નહોતો આવતો.

જ્યારે એકલા ફરવા માંડો ત્યારે જ સમજાય ને સંગાથનો મતલબ.

હોસ્ટેલ ઉપર પહોંચ્યો ત્યારે શેષભાઈ નહોતા. બીજો કઠિન તબક્કો શરૂ થયો.

રૂમમાં પૂછ્યું ‘એસ. કે. જોશી ક્યાં ગયા છે?’ – ‘ખબર નથી.’ શુષ્ક જવાબ . ‘ક્યારે આવશે?’ ‘ખબર નથી’ ફરી શુષ્ક જવાબ. ‘હું બેસી શકું ?’ ‘જગ્યા નથી?’ ‘છે’ ‘તો બેસો.’

………………………

થોડી ક્ષણોનાં મૌન બાદ તેણે પૂછવાનું શરૂ કર્યું

‘તમારું નામ ?’

‘એ.કે.જોષી’

‘શેષનો ભાઈ?’

‘હા’

‘નાનો કે મોટો?’

‘દેખાતું નથી હજી માંડ મૂછો ઊગી છે.’

હવે ચોંકવાનો વારો શુષ્ક જવાબ આપનારનો હતો. મેં ફરી શરૂ કર્યું.

‘તમારું નામ ?’

‘રાવજીભાઈ મગનભાઈ પટેલ ઉર્ફે આર.એમ.પી. ઉર્ફે રાવજી સલુંદાવાળા’

‘આપનો પરિચય આપશો ?’

શેષ જોષીનો કટ્ટર ભાઈબંધ – શેષ સિધ્ધ્પુરીયા ને રાવજી સલુંદીયા એટલે એક સિક્કાની બે બાજુ. પણ ક્યારેય ન ચાલેલ ખોટો સિક્કો.

‘મને તરસ લાગી છે પાણી આપશો? મિ. મુલુંદીયા !’

‘તમે મિ. મુલુંદીયાને બોલાવો છો. તે તો અહીંથી છઠ્ઠા રૂમમાં રહે છે. ’

‘ઓહ સોરી ! આપ તો સલુંદીયા છો ખરું ને?’

‘ખરો ખરો… સિધ્ધ્પુરીયો શેષ કરતા પણ સવાયો.’

‘ચાલો આપણે ચા પીવા જઈએ. ’

‘ના… રાવજીની ચા પીવા તો આખી લોબી આવશે. અહીંયા જ ચા પીએ છીએ. ’

રાવજી ઊભો થયો. પાંચ મિનિટમાં આવું કહીને બહાર નીકળ્યો … હોસ્ટેલમાં હલચલ મચાવીને જ્યારે પાછો આવ્યો ત્યારે એના દીદાર જોવા જેવા હતા. એક હાથમાં સ્ટવનો દાંડિયો, સ્ટેન્ડવાળી તપેલી , ચા ખાંડનું મિશ્રણ ભરેલ કપ તથા બીજા હાથમાં એક બીજી તપેલી જેમાં દાંડી તૂટેલા, દાંડીવાળા, ચાર પાંચ ડીઝાઈનોવાળા કપ, ગ્લાસ તથા કીટલીમાં દૂધ અને પાછળ રાવજી સલુંદાવાળાની જય …. ની કીકીયારીઓ કરતા દસ સરખી ઉંમરના મિત્રોનું ટોળું જોઇ પહેલા તો હું બઘવાઈ ગયો. પછી રમૂજ પડી. અને હું પણ બોલ્યો ‘રાવજી સલુંદીયા… ઝિન્દાબાદ…’

નાનો રૂમ અને એમાંના બે પલંગ હકડેઠઠ ભરાઈ ગયા અને દાંડીવાળી તપેલીને માઈકની જેમ ધરીને રાવજી એ શરૂઆત કરી.

‘hello… hello… mike is working… no silence please… all should keep murmuring, chitchatting and gunguning… otherwise your lobby leader Shesh Sidhdhpuriya will be angry… like a bull… and will make you all bulbul… know … what is the reason?

બધાએ એક સાથે અવાજ કર્યો … no… here is our chief guest Ansh Sidhdhpuriya. A young Sidhdhpuriya… and we all be keeping him busy otherwise… otherwise… hip… hip… hurray….

બધાએ ઉંચા થઈને મને જે રીતે અનુમોદન આપ્યું તે જોઈને હું હસી હસીને બેવડ વળી ગયો.

‘now … our chief guest Mr. Sidhdhpuriyaa …. Will speak…. Something…’ કરીને રાવજી સલુંદાવાળાએ માઈક હાથમાં આપ્યું.

મૃગાંગ મુલુંદીયા ઊભો થયો. ‘હું મુલુંદનો મૃગાંગ, આ છિલોદાનો અજય, આ રમણ કાલુપુરીયો, આ અક્ષત ગોંદીયાવાલા અને અમર નંદગાંવકર , આ બે મારા મિત્રો છે મોહન મહેસાણીયા અને ચીમન તરસાલીયા. અમારામાં ઓળખાણ આપવાનો રિવાજ ગામના નામનો છે. અને જો ગામનું નામ જુદું ન હોય તો વિસ્તારનું નામ અને એ પણ જો એક હોય તો કોઈક ખાસિયત ઉપરથી નામ પાડીયે છીએ. એવા કૉમ્પ્લિકેટેડ ટ્વિન છે ગોવિંદ પીલવાઈયા – બંને એક જ ગામનાં છે, બાપાનું નામ પણ એક જ એટલે કે નાથાલાલ છે તેથી એક ગોવિંદ એટલે કે સામેના પલંગમાં જમણી બાજુએ જે ત્રીજો બેઠો છે ને તેને અમે ગોવિંદ ગબડેલો કહીએ છીએ. કારણ કે બસમાં ચડતા ચડતા એક વખત ગબડેલો. જ્યારે એની જોડે જ બેઠેલો છેલ્લો આપણો મિત્ર ગોવિંદ વાડકો. જ્યારે ફીસ્ટ હોય ત્યારે વાડકો ભરીને દૂધપાક પીવાને બદલે એક વખત ડોલ ભરીને બેઠો હતો. અને આચાર્ય સાહેબે કહ્યું હતું , ‘અલ્યા ગોવિંદ વાડકો લે અને પછી પી. – ત્યારથી એનું નામ ગોવિંદ વાડકો પડેલ.

થોડી વારમાં ખોંખારો ખાઈને મૃગાંગે શેષનું પરાક્રમ કહેવાનું શરુ કર્યું.

શેષ સિધ્ધ્પુરીયો – આમ તો ખૂબ શાન્ત છોકરો. કોઈ માથાકૂટ નહીં, પણ કોણ જાણે કેમ તે દિવસે મગજ ગુમાવી બેઠેલો.

હોસ્ટેલમાં ઇલેક્શનને આગલે દિવસે અમારી લોબી તટસ્થ હતી. હોસ્ટેલાઈટ નટુ પટેલ અને શહેરના પી.સી.ચુડાસમા બંનેના જીતવાના ચાન્સીસ અમારી લોબીના ચાલીસ મત ઉપર હતા. રાવજી સલુંદીયાએ એ બંને પાસે હોસ્ટેલના ફૂડબિલમાં ૧૦ % સબસિડી અપાવો તે રીતે માગણી મૂકેલ હતી. વાતચીત અને ચર્ચા એ નેચરલી રાવજીના રૂમમાં થાય.

તે દિવસે અચાનક પી.સી.ચુડાસમા એમના પાંચેક મિત્રો લઈને આવી પહોંચ્યા. નટુ પટેલ પણ ત્યાં જ બેઠો હતો અને ગરમાગરમી થઈ ગઈ. શેષ બેઠો બેઠો તમાશો જોતો હતો. ચુડાસમા ઉશ્કેરાઈને ગાળાગાળી પર આવી ગયો અને રૂમમાં દેકારો મચી ગયો. રાવજીના રૂમમાંથી અવાજ આવતા સાંભળીને આખી હોસ્ટેલ ભેગી થઈ ગઈ. અને કેટલાક ખાટસવાદિયાઓ પણ મીઠું મરચું ઉમેરવા માંડ્યા.

ચુડાસમા – ‘રાવજી તું ડબલક્રોસ કરે છે. તને હું જોઈ લઈશ !’ નટુ પટેલ – ‘પરબતસીંહ આ તારા ગામનો મહોલ્લો નથી કે ગમે તેને તું ધમકી આપીને જતો રહે. અને સ્પષ્ટતાથી કહી દઉં. વોટિંગ એ દરેકનો પવિત્ર હક છે. એમાં જોઈ લઈશ વાળી ધમકીથી તું ચૂંટણીમાંથી ફેંકાઈ જઈશ !’

બે મહારથીઓ પોતપોતાની તાકાતનું પ્રદર્શન કરવા હુંકારા દેકારા કરવા માંડ્યા, અને નટુ પટેલનું આખુ જૂથ – પરબતસીંહના જૂથને ઘેરી વળ્યું.

ટપલા ટપલી શરૂ થઈ જવાની સૌને ધાસ્તી લાગી તે ક્ષણોમાં ગોવિંદ વાડકાએ ગીત લલકાર્યું… દૂર હટો… દૂર હટો…. એ ઈંગ્લીસ્તાની હિન્દોસ્તાં હમારા હૈ.. !’

પરબત પોતાના રક્ષણ માટે રાવજીને પોતાની આડમાં લેવા ઊભો થયો. તે વખતે શેષ સિદ્ધપુરીયાને કોણ જાણે કેમ ઉંઝાની ઉમિયાજી કે પાવાગઢની કાળકા કે ગબ્બરના અંબાજી આવ્યા હોય તેમ તે ધૂણવા માંડ્યો… આ ધુણાટની પહેલી તમાચ નટુ પટેલને પડી પછી પરબત રંગાયો. પછી પરબતના જોડીદાર…. પછી નટુ પટેલના જોડીદાર… અર્ધી મિનિટની તમાચાબાજીમાં તો હો હા થઈ ગઈ. ફફડાટી વ્યાપી ગઈ. બંને ગ્રૂપ બાઘા બનીને જોવા લાગ્યા… તમાશેબાજના ભૂંડા હાલ થાય તો તમાશો જોવા કોઈ ઊભુ રહે ખરું?

અને એ સમયે શેષનો અવાજ પડઘાતો થયો.

‘જો જો અમારી લોબીમાં ફરીથી ગુંડાગર્દી કરવા આવ્યા છો તો… અમે અમારી રીતે સ્વતંત્ર છીએ. અમારું વોટિંગ અમારી રીતે કરીશું. ખબરદાર… જો તમારું મોં પણ અમને બતાવ્યું છે તો.. અમારા ફૂડબિલની પડી નથી અને તમારો જ સ્વાર્થ જુઓ છો… સ્વાર્થીઓ. ફૂડબિલ ૫૦ રૂપિયાથી કદી વધવું ન જોઇએ સમજ્યા… અંદર અંદર તડ પડાવીને બે બિલાડી અમને બનાવીને રોટલો ખાવાની વાત કરી છે ને તો તમારું મોં કાળું કરીને કૉલેજમાં ફેરવીશ… વાંદરાની જેમ…. સમજ્યા ને…!’

આ ધમાલને કારણે પોલીસ આવી… ને ચૂંટણી રદ થઈ અને ઇલેક્શનને બદલે સિલેક્શન થયું. સિલેક્શનમાં આચાર્યશ્રીએ શેષને લૉબીનો લીડર બનાવ્યો. શેષે રાવજીને ટેકો જાહેર કરી રાવજીને જી.એસ. બનાવ્યો. અને રાવજી જ્યારથી ફૂડબિલમાં છે… હજી સુધી ફૂડબિલ ૩૧ રૂપિયાથી વધ્યું નથી….

‘ચાય તૈયાર છે…’

રાવજી સુલુંદીયાની મહેમાનગતિમાં અને બીજા મિત્રોની તહેનાતમાં બે કલાક પસાર થઈ ગયા. શેષભાઈ આવ્યા ત્યારે એ બધા મિત્રોની આંખોમાં જે અહોભાવ ડોકાતો હતો તે જોઈને હું ગર્વ અનુભવવા લાગ્યો.