આંસુડે ચીતર્યા ગગન ૮ Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંસુડે ચીતર્યા ગગન ૮

આંસુડે ચીતર્યા ગગન(8)

ટ્રેનો ઓછી અને મુંબઈ જવું એટલે જાણે પરદેશ જવું એ રીતે તૈયારી થતી હતી. જરૂરી ઘરવખરીથી વધુ કાંઈ પણ લેવાનું બિંદુ ના કહેતી હતી. પરંતુ દિવ્યા અને મામી કોઠારમાંથી કંઈક અને કંઈક આપતા જતા હતા. મોટી પતરાની ત્રણ બેગો, બિસ્તરો, બે ત્રણ બગલ થેલા, નાની બેગ વગેરે ઘણી બધી વસ્તુઓ ત્યારે બિંદુએ કહ્યું., ,,

‘અંશભાઈ, મુંબઈ મૂકવા તમે આવશો ને?’

‘કેમ કંઈ શંકા છે?’

‘શંકા તો નથી પરંતુ હવે બંધાતા જતા સામાનથી મનમાં દ્વિધા વધતી જાય છે.’

‘અરે આ તો કંઈ જ નથી – શેષભાઈ જોડે હોત ને તો હજી બે ચાર બેગ બંધાત… મામા ખબર છે ને… બે વાર મા… એટલે મા મા… અને શેષનું ઘર વસાવવાનું છે. એ કંઈ નાની વાત છે? ’

‘ના એવું નથી. પરંતુ એમની કાગળમાં બહુ લાવવાની ના પાડી છે.’

‘કારણ ?’

‘સરળ છે. ત્યાં તેમને ફર્નીશ બંગલો મળ્યો છે.’

‘હેં !’

‘હા , અશોક કંસ્ટ્રક્શનના એંજિનિયર તરીકે નિમણુંક મળી છે.’

‘સરસ કહેવાય. પણ સુખે કે દુ:ખે આટલું લઈ તો જવું જ પડશે. નહીંતર એમને ખોટું લાગશે.’

‘ભલે પણ હવે ન વધે તે જો જો ’

‘હજી થોડુંક વધશે…’

‘શું?’

‘એમની શુભેચ્છાના પ્રતીક રૂપે મળનાર નળિયેર, સાકર અને ફૂલહાર…’

‘બાપ રે ! હું તો અમેરિકા કે આફ્રિકા જતી હોઉં તેવું લાગે છે.’

‘ના એવું તો નથી. પરંતુ પહેલીવાર જવાના છો ને તેથી આવું બધું તો રહેવાનું જ …’

‘અને અમદાવાદથી સુમીમાસી વધારાની બે બેગ લાવશે એનું શું ?’

‘વાંધો નહીં … અંશ સિદ્ધપુરીયો… જોડે છે ને… ચિંતા કેમ કરો છો….?’

નક્કી થયેલ તારીખે અને મુહુર્તે જ્યારે નીકળ્યા ત્યારે અર્ધું જોષી ફળિયું ઘરે ભેગુ થયું હતું. અને દરેકને પગે લાગતા જ્યારે મામીને પગે લાગી ત્યારે બિંદુથી રડી પડાયું… આટલો બધો ઘરનો પ્રેમ જોઈને તેનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. મામીને ભેટીને તે ધ્રુસ્કે ચડી ગઈ. કદાચ એને એની મૃત્યુ પામેલી માતા યાદ આવી ગઈ હતી. ફૂલહાર દિવ્યાએ કર્યા ત્યારે પણ ફરીથી એની આંખો ડબડબી ગઈ. આટલી નાની ઉંમરે બિંદુ આટલી સમજુ થઈ શકે ખરી?

અમદાવાદ સ્ટેશને ગાડી બદલવાની હતી. પોર્ટરોની દોડધામ અને ચિક્કાર ગિરદી વચ્ચે હું અને બિંદુ ઊભા હતા. અળવીતરું મન અર્ચનાને શોધતું હતું… તો કદીક બિંદુ બિંદુ જ રહેતી અને હું શેષભાઈ થઈ જતો… અને પછી શરમાઈને વાસ્તવિકતા સ્વીકારી લેતો… કે હજી એવી બધી વાતોને વિચારવા હું ઘણો નાનો છું. ડૉક્ટરી પુરી કરવાની છે… હજી તો એકડે એક શરુ કરું છું.

સુમીમાસી આવ્યા. સાથે નાસ્તો લાવ્યા હતા અને ગરમા ગરમ ચા પણ જોડે હતી. જે પતાવીને હું લટાર મારવા નીકળ્યો.

સુમીમાસીએ બિંદુને પૂછ્યું ‘શેષનો નાનો ભાઈ કેવો છે?’

‘એમને કારણે તો મારામાં આટલી હિંમત આવી.’

‘એટલે ?’

‘બીજા એ છે. બહુ મદદ કરી છે. ખડે પગે રહ્યા છે. મુંબઈ જઈને પણ અંશભાઈને ભૂલાય તેમ નથી.’

‘અચ્છા, મામા અને મામીનો પ્રતિભાવ કેવો રહ્યો હતો?’

‘બધું નાટકીય ઢબે થયું. પરંતુ આપણે ધારતા હતા એટલા જુનવાણી ન નીકળ્યા. બધું જ મનથી કર્યું છે. સોનું – ઘરવખરી – સાડીઓ – બધું જ કર્યું છે. હું એમના કાગળને આધારે ના ના કરતી હતી તો મામીનું મન પડી જતું હતું. અને પૂછતા કેમ અલી ના પાડે છે? તારી સાસુ જેટલું નહીં કરી શકું એમ લાગે છે?’ મારે કહેવું પડતું કે ‘મામી તમે તો એનાથી પણ વધુ કર્યું છે.’

‘પછી ?’

‘પછી શું? અંશભાઈને વચ્ચે નાખ્યા. પણ એમનું મામા પાસે કંઈ ના ઉપજ્યું – અને આટલું બધું લઈને નીકળું છું.’

‘ભલે દીકરી સુખી થજે. અને મારી એક વાત સમજજે.’

‘શું માસી ?’

‘પારકા ગામમાં જાય છે. ત્યાં સદા મોં હસતું રાખજે કોઇનું કામ કરવાનું હોય તો કરી છૂટજે અને જબાન પર મધ રાખજે.’

‘માસી, મામા એક બે વાત કરતા હતા તે મને સમજાતી નહોતી.’

‘શું ?’

‘ભગવાને બે કાન આપ્યા છે. અને મોં એક આપ્યું છે. એટલે શું? અને ડોસી બત્રીસ હાડકાની વચ્ચે રાખવાની સલાહ આપતા હતા.’

‘બિંદુ, સમજવાની વાત કહી ગયા છે તારા મામા સસરા… ભગવાને બે કાન એટલા માટે આપ્યા છે કે તમે સાંભળો વધુ અને મોં એક આપ્યું છે એટલે બોલો ઓછું. અને બત્રીસ હાડકાની વચ્ચે ડોસી રાખવાની એટલે પતિ સામે મોં કાયમ બંધ. અને જીભને બત્રીસ દાંત વચ્ચે કચડી રાખવાની તો જ જીવનનૈયાનું ગાડું સંસારના કોઈ ખરાબે અથડાય નહીં. કારણ કે ખરાબા સામે ઢાલ બની રહે છે પતિ… પણ જો એને પણ તમે જીભથી વાકબાણો મારીને અધમૂઓ કરી નાખો તો જીવન ખરાબે ચડી જાય… ’

‘વાહ ! હું તો આ બધું સમજતી નહોતી. અંશભાઈ પણ ગૂઢાર્થ નહોતા સમજ્યા…’

‘અને હા ! આ અંશભાઈ… અંશભાઈ હવે ભૂલી જજે, ત્યાં વાતવાતમાં અંશભાઈનો બહુ ઉલ્લેખ ન કરતી. નહીંતર શેષને થશે કે આ બધું શું થયું છે હં કે ?’

‘કેમ માસી ?’

‘એ તું નહીં સમજે દીકરી. પણ માસીની વાત ફરીથી યાદ કરાવું. મોં સદા હસતું રાખવાનું. કોઇનું કામ કરી છૂટવાનું અને જીભ ઉપર મધ રાખવાનું યાદ રાખજે હં !’

‘ભલે માસી, તમારી તબિયત સાચવજો.’

‘તું પણ સાચવજે…આ તારા અંશભાઈ આવ્યા. ટ્રેનમાં બેસી જા સામાન તે ગોઠવી દેશે.’

બારી પર સામસામે જગ્યા મળી હતી. રાતની મુસાફરી હતી. ટ્રેન શરુ થઈ. સુમીમાસીને પગે લાગતી વખતે બિંદુ રડી પડી હતી. ધ્રુસ્કે ચડેલ બિંદુને આવજો કહેતા તેમની આંખ પણ રડતી હતી. કન્યાદાન કે કન્યા વળાવવાની વિધી થઈ નહોતી તે આ સમયે થઈ હોય તેવું લાગ્યું. મને પણ અચાનક ઝળઝળીયા આવી ગયા. ‘ ખેર ! આ આંસુઓને શું કહેવું? અણધાર્યા ગમે ત્યારે ટપકી પડે છે ?’

હીબકાં ભરતી બિંદુને શાંત પાડવા જતો હતો ત્યાં આંખમાંથી ડોકાઈ ગયેલ આંસુઓને લીધે હું બહુ વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ ગયો. બિંદુને હું કહેવા જતો હતો કે બિંદુ હવે છાની રહે… પણ આંસુ તો મારી આંખમાંથી પણ ડોકાતા હતા… આંસુના પડદા પાછળ ઝળુંબતું સંવેદનશીલ હૃદય કહેતું હતું ‘અંશ ! ક્યારેક આંસુ પણ હૃદયના બોજને હળવો કરી દે છે… રડવા દે દોસ્ત… મારા અને બિંદુના દુખતા હૈયાને આંસુના રૂપે વહેવા દે… પણ આ પ્રસંગે હું રડું તે કેમ ચાલે? વહેવારુ મન રોકતું હતું માંડ માંડ મૂછનો દોર ઉગેલ … પણ પોતાની જાતને પુરુષ માનતું મન પોચકા મૂકવા સામે બંડ પોકારતું હતું. તેથી ઊભા થઈને બાથરૂમમાં જતો રહ્યો… મોં સાફ કર્યું અને વોટરબેગમાંથી પાણી ભરી બે ઘૂંટડા પાણી પી લીધું. મનનો ડૂમો હળવો થઈ ગયો. હતો.

બિંદુને પણ પાણી આપ્યું એની રડતી આંખને કંઈક નવા સ્વપ્ન બતાવવા મેં વાત કરવાનું વિચાર્યું ત્યાં તે બોલી.

‘મારું લગ્ન આંસુઓમાં થયું. ન શરણાઈ વાગી ન અગ્નિની સાખે હું ફેરા ફરી… માની ચિતાનો અગ્નિ અમારા લગ્નનો સાક્ષી બન્યો… ન આણું કર્યું. ન દિયર મને તેડવા આવ્યો… સાસરે આવી ત્યારે સાસુ જેવી મામીને વહુને ઓવારવાનું જ્ઞાન નહોતું… કન્યાદાન પછીની વિદાય ઘરને આંગણે થવી જોઇએ તેને બદલે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર થાય છે અંશભાઈ… મારી જિંદગીમાં આ બધું શું અજુગતું થાય છે. મને લાગે છે કે ડગલે ને પગલે મારા દોસ્ત – મારા મિત્ર – મારા સગા – મારા સ્વપ્નો – મારા અરમાનો – બધા જ આંસુની સાક્ષી લઈને આવે છે…’

‘…રે ગાંડી ભાભી …. આંસુ તો હાસ્યની બીજી બાજુ છે. હમણાં રડતી હતી ને કાલે શેષભાઈને જોઈને હસતી થઈ જઈશ. શેષને પ્રમોશન – સરસ તૈયાર ઘર … ઊંચો પગાર બધું તારે પગલે તો મળ્યું છે. ગાંડી…. ક્યાં યજમાનવૃત્તિ કરતો કોઈક ગામડાંનો ગોર જ મળવાનો હતો તેને બદલે લોખંડ, ઈંટ, સિમેન્ટ, ચૂનાની માટી ગૂંદી સુંદર મકાન બનાવતો સ્થપતિ મળ્યો. શું નસીબ નથી? ભગવાને મા છીનવી લીધી અને શેષભાઈ આપ્યા. ભગવાને દુ:ખ દઈને સુખને આવવાની રાહ ખોલી છે. રડ નહીં. કાલે સવારે શેષભાઈ મળશે… જિંદગીની વિસ્તરતી નવી ક્ષિતિજોમાં ગગન અને ધરાનું મિલન કેટલું જલદી થશે? કલાકોમાં ગણતરી કરીએ તો બાર કલાક, મિનિટોમાં ગણીએ તો ૭૨૦ મિનિટ અને ક્ષણોમાં ગણીએ તો ૪૩૨૦૦ સેકન્ડ… ’

થોડીક ક્ષણના મૌન પછી અચાનક મને એનું ગમતું ગીત યાદ આવી ગયું… જો મૈં હોતી રાજા બનકી કોયલિયા … ચહેક રહેતી રાજા તોરે બંગલે પે…નજર લાગી રાજા તોરે બંગલે પે… અને હું તે ગણગણવા માંડ્યો… એટલે એની આંખમાં શરારતનો ચમકારો થયો….

‘અંશભાઈ …’

‘હં…’

‘કેમ આ ગીત ગાવા માંડ્યા…?’

‘આવતીકાલની વાત યાદ કરો ભાભી સાહેબ… મહેકવા માંડશો… આવતીકાલે… તોરે બંગલે પે… નજર લાગી રાજા…. તોરે બંગલે પે…’ બિંદુ હસવા માંડી હતી…

ખરેખર રડતી બિંદુને હસતી જોવી એ લહાવો હતો. હોઠ હસતા હતા અને ગાલ ઉપર આંસુ સુકાતા હતા.