આંસુડે ચિતર્યા ગગન Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંસુડે ચિતર્યા ગગન

આંસુડે ચિતર્યા ગગન ૩-૪

‘અંશ ! ક્યારે આવ્યો?’

‘બે એક કલાક થયા.’

‘બાલુમામાને વાત કરી?’

‘ના…. પણ એમણે ચિઠ્ઠી આપી છે. ’

‘શેષભાઈ, ચાલોને બિંદુભાભીને મળવા જવું છે.’

‘સાંજે જમવા જઈશું એટલે એ મળશે જ.’

‘પણ મારે હમણાં મળવું છે. ’

‘બહુ ઉતાવળો તું તો ભાઈ.’

‘વાત જ એવી છે ને ભાઈ… મારે કંઈ દસ બાર ભાભી તો છે નહીં..’

‘ભલે, જઈશું. પણ થોડો આરામ કરી લે. અને બિંદુ વિશે રાવજી સિવાય કોઈને ખબર નથી. તે વાતનું ધ્યાન રાખજે. ’

‘શેષભાઈ જમવાનું બહાર કેમ રાખો છો? હોસ્ટેલના ફૂડબિલમાં લોકોને ફાયદો કરાવીને તમે બહાર જમો છો.’

‘મારું બી.ઈ. પતી ગયા પછી રાવજીના ગેસ્ટ તરીકે હોસ્ટેલમાં રહું છું. ખરેખર હવે હું હોસ્ટેલમાં ન રહી શકું. પણ રાવજી ફેલ થયો. અને આ વરસે એની સાથે અમદાવાદમાં રહેવાનો પ્રશ્ન મટી ગયો.’

‘મામા શું લખે છે? ’

‘સિદ્ધપુરના વોરાસાહેબ પી.ડબલ્યુ.ડી.માં Chief Engineer છે તેમને મળવાનું કહે છે. જોબ મળી જશે.’

‘પછી?’

‘મારે પ્રાઈવેટમાં કરવું છે. ભલે શરૂમાં પગાર ઓછો પણ પછી વાંધો ન આવે ને… ’

‘પણ ગવર્નમેન્ટ જોબ પેંશનેબલ તો ખરી ને? ’

‘એ બાલુમામાને મતે છે. મારો મત જુદો પડે છે.’

‘એ આપણા હિતમાં જ વિચારતા હોય ને?’

‘હા, એ સાચું… પણ મને હવે એમને વધારે ભારરૂપ થવું યોગ્ય નથી લાગતું.’

‘પ્રાઈવેટમાં મળી જશે?’

‘નોકરીઓનો ક્યાં તૂટો જ છે?’

‘આજે ક્યાં ગયા હતા?’

‘Interview આપવા જ ગયો હતો.’

‘શું થયું?’

‘નોકરી અને છોકરી બંને મળી.’

‘સમજ્યો નહીં !’

‘મારા જવાબોથી ખુશ થઈને ઈન્ટરવ્યુઅર મેડમે છોકરીની ઑફર પણ કરી.’

‘પછી?’

‘પછી શું? મેં કહ્યું કે હું વિચારીશ. ’

‘કેમ જુનિયર સીનિયર સિદ્ધપુરીયા વચ્ચે શું ગપસપ ચાલે છે…. અચાનક રાવજી ટહુક્યો.’

‘બસ બેઠા છીએ.’

‘શેષ, અંશનો શું પ્રત્યાઘાત છે?’

‘શાના વિશે ?’

આંખ મીંચકારતા રાવજી બોલ્યો, ‘તારા પરાક્રમ વિશે?’

‘એ તો જ્યારે બિંદુને મળશે ત્યારે ખબર પડશે ને?’

‘એટલે આજે તું જવાનો ખરું ને?’

‘હા , અંશને મળે તે હેતુથી.’

સાંજે સુમીમાસીને ઘરે ગયા ત્યારે એ રાહ તો જોતા જ હતા. અમને જોઈને પ્રસન્ન વદને આવકાર્યા.

‘કેવો ગયો ભાઈ Interview? ’

‘અરે જવા દો ને માસી નોકરી અને છોકરી બંનેના હમણા બહુ પાવરફુલ યોગ ચાલે છે.’

‘કેમ શું થયું?’

‘બંદા સિલેક્ટેડ પણ…. ’

‘પણ શું?’

‘મને ઘરજમાઈ બનાવવા માગે છે.’

‘એટલે ?’

‘એટલે એમ કે નોકરી અને સાથે સાથે છોકરી પણ…’

‘પછી?’

‘પછી શું? હજી છોકરી જોઇ નથી. જોયા પછી વિચારીશ. ’

‘એટલે?’ એક તીણો અવાજ આવ્યો.

‘એટલે વિચારીશ અને શેષભાઈએ પાછળ જોયા વિના જવાબ આપ્યો ત્યારે જ ખબર પડી કે બિંદુ પડદા પાછળ ઊભી ઊભી સાંભળતી હતી.’

‘હં વિચારજો… વિચારજો…’

‘અરે ! અરે ! પણ મારું કાનપટીયું તો છોડ?’

‘શું કામ ?’

‘વિચાર તો મગજમાં થાય છે કાનથી નહીં… કહું છું છોડ..!’

‘છોડે છે મારી બલારાત…’

‘હા ભાઈ હા ન છોડતી. પણ કાન તો છોડ !’

‘બોલો શું વિચાર કર્યો?’

‘વિચાર શુભ કર્યો છે.’

‘શું?’

‘શુભ…’

‘શુભ એટલે?’

‘શુભ એટલે સારો.’

‘હા હવે એ તો ખબર છે… પણ પેલી છોકરીનો !’

‘આ સ્ત્રી એટલે જ ઈર્ષા…’

‘ફરીથી પકડું?’

‘યાર થોડી તો ઇજ્જત રાખ. સુમીમાસી બેઠા છે.’

‘મા તો આવી છેડછાડ જોઈને રાજી થાય… માસી તો મા કરતાં પણ વધુ હોય… એટલે જો કેવા ખુશખુશાલ છે?’

‘બાય ધ વે – આ સવાઈ સિદ્ધપુરીયા… અંશ.’

હું સુમીમાસીને પગે લાગ્યો.

‘સો વરસનો થજે દીકરા.’ – સાચા અંતરથી મને માના આશિષ મળ્યા હોય તેમ હું ખુશ ખુશ થઈ ગયો.

‘કેમ છો બિંદુભાભી?’

‘અંશભાઈ, તમે મારા કરતા મોટા ને ?’

‘ના તમે તો ભાભી એટલે મા ને સ્થાને કહેવાય.’

‘ઓ મારા લક્ષ્મણજી – એ યુગ જુની વાતો જવા દો. સીતામાના મુખ સામે ન જોવાય… એ જમાનો ગયો. જરા સામે જોઈને મલકાઓ તો ખરા…?’

‘હું વધુ શરમાઈ જઈશ . હં ભાભી.’

‘ફરીથી બોલ્યા…. ભાભી !’

‘કેમ ? ન બોલાય…?’

‘તમે એફ.વાય. માં અને હું પ્રી. માં, હવે કોણ મોટું ને કોણ નાનું તમે જ કહો.’

‘નાના મોટાની વાત છોડો. શેષભાઈ તો મારા કરતા મોટા – એટલે તમે પણ મોટા જ…’

‘જુઓ અંશભાઈ. મને ભાભી કહેશો તો હું નહીં બોલું હં ! હા બિંદુ કહેશો તો તમારી સાથે તમે કંટાળી જશો સાંભળતા સાંભળતા એટલી બધી વાતો કરીશ.’

‘ક્યારે આજે?’

‘ના, ‘એ’ નહીં હોય ત્યારે.’

‘ ‘એ’ ખરેખર ક્યારે હોતા નથી?’

બિંદુ ગુંચવાઈ ગઈ… અને શેષ ખડખડાટ હસી પડ્યો…

‘તમે તો મને ગુંચવી નાખો છો.’

‘કરુણાશંકરનું સંતાન છે…. શબ્દોમાં નહીં પકડી શકે હં કે !’

‘સોરી અંશભાઈ ! પણ તમારા ભાઈનું નોકરી અને છોકરી વાળું પ્રકરણ જરા સાંભળી લઈએ મઝા પડશે.’

‘ગઈકાલે ઇન્ટરવ્યુની તૈયારી કરતો બેઠો હતો. કંસ્ટ્રક્શનના નિયમો.. ઇંટ, ચુના અને લોખંડની જાતો. ભાવો વગેરે વાતોના સ્ટેટિસ્ટિક્સ માનસિક રીતે તૈયાર કરીને આજે સવારે ઇન્ટરવ્યુ આપવા ગયો ત્યારે લાગ્યું ભારતમાં બેકારી વધી રહી છે.’

‘કેમ ?’ બિંદુ ટહુકી.

‘કારણ કે Engineer નો Interview આપવામાં લાંબી ક્યૂ હતી. અશોક કંસ્ટ્રક્શન નામ મોટું હતું તેથી પણ કદાચ Interview આપનારની સંખ્યા વધુ હોય ખેર જે હોય તે પણ પચ્ચીસેક મિનિટના ઇંતેજાર પછી કૉર્ટમાં છડી પોકારાય તે રીતે એસ.કે.ત્રિવેદીનું નામ પોકારાયું. બંદા તો વાળ સીધા કરતા કરતા ઊભા થયા. અંદર જવાની તૈયારી કરું તે પહેલા… મિ. ત્રિવેદી થોડીકવાર વધુ બેસો. ચા પાણી ચાલે છે.’

એટલે આપણા વટમાં થોડો કટ પડ્યો… બીજી પંદર મિનિટની અંતે હું સામે બેઠેલ ત્રણ Interviewers ની સામે ગોઠવાયો.

‘પછી ?’ સુમીમાસીએ પૂછ્યું.

‘તો મિસ્ટર તમે બી.ઈ. કઈ સાલમાં થયા? એક મૅડમ ઇન્ટરવ્યૂઅરે પૂછ્યું. મેં કહ્યું ચાલુ વર્ષે.’

એટલે કહે ‘તો તમે ફ્રેશ ગ્રૅજ્યુએટ કેમ?’ એટલે મારે કહેવું પડ્યું કે ફ્રેશ માણસ દરેક રીતે ફ્રેશ હોય જ એવું જરૂરી તો નથી.

‘હા – ફ્રેશ માણસ દરેક રીતે ફ્રેશ પણ હોય તો ખરો… અને ન પણ હોય. તમારી ફ્રેશનેસની કસોટી કરવી છે. કેવી રીતે કરું?’ હું મુંઝવાયો. તમે પૂછો અને હું જવાબ આપું મારી મૂંઝવણને માણતા હોય તેમ બીજા ઇન્ટરવ્યૂઅરે પૂછ્યું.

‘Mr. Trivedi, I think being an Indian citizen you might be knowing where Tamilnadu is situated ? ’

માર્યા ઠાર… ભૂગોળ સાથે તો બાપે માર્યા વેર છે. મેં ફેરવી તોળ્યું… ‘Being an Engineer I am confident about the engineering work but geography is my poor subject… I regret about it but… if that is the thing you might be also knowing where Mohamayi is situated?’

‘what?’

‘મો હ મ યી’ sir, I hope my citizenship would not be in danger because you are also coming in my line.

મોહમયીનો ભદ્રંભદ્રીય પ્રાસ સાંભળીને પેલા બાનુ ખડખડાટ હસી પડ્યા…

‘you lost the game Mr. Diar, he seems to be scintillating boy. ’

‘But madam, what is this Mohamayee?’

મુંબઈનું નામ મોહમયી છે એવું ક્લિયર થતાં મિસ્ટર ડાયર પણ હસવા માંડ્યા… ત્રીજા ઇન્ટરવ્યૂઅર ભાઈ મને પૂછે તે પહેલા પેલા બાનુએ પ્રશ્નનો દોર સંભાળી લીધો અને કહે

‘શેષભાઈ તમે પરિણીત કે કુંવારા?’

હું ગૂંચવાવા માંડ્યો . હું શું કહેવાઉં?

‘madam but is there any relation between નોકરી & છોકરી?’

‘ના. એવું તો નહીં પણ… જાણ માટે…’

મેં કહ્યું ‘કુંવારો’

‘એટલે?’ બાનુ બોલ્યા…

‘હું તમને છોકરી આપીશ.’

‘હેં !’ હવે બાઘા બનવાનો વારો મારો હતો… અને બાનુ હસતા હતા.

‘પણ મેડમ ! મારે નોકરીની જરૂર છે છોકરીની નહીં.’

અત્યાર સુધી ચૂપ રહેલા ત્રીજા ઇન્ટરવ્યૂઅરે દખલ કરતા કહ્યું …

‘મિસ્ટર શેષ, અશોક કંસ્ટ્રક્શનના આ બાનુ માલિક છે.’અને એમની આ વાતને મજાક ન માનતા. એ સિરીયસ છે…

‘શું?’

‘હા, I like young boy like you and he must have scintillating nature like this for my daughter !’ મૅડમ બોલ્યા.

‘ઉફ’

‘We belong to Vadanagar Brahmin and have no rigidity for Trivedi Mevada. ’

‘પરંતુ મૅડમ જો હું ના કહું તો જોબ સાથે કંઈ સંબંધ ખરો?’

Naturally not… it is your right. But I hope you would not say no.’

‘madam, I am already engaged ’

મારા જવાબથી મૅડમની હવા નીકળી ગઈ અને હું નીકળી આવ્યો…. નોકરીના નામે નાહીને …

‘હવે?’ બિંદુ દ્વિધામાં બોલી.

‘હવે શું? ફરીથી પ્રયત્ન …’

‘ભાભી તમે હોત એ મૅડમ બલાને શું કહ્યું હોત….?’

‘ધૂળ ને ઢેફા… એવી મેડમો નોકરીના નામે પોતાની ઉકરડે નાખવા જેવી છોકરી સારા મુરતિયાને પધરાવી દે… ’

‘ભાભી વાત કંઈ જામી નહીં. ’

‘ધત્…’ મારો ગર્ભિત ઇશારો સમજી જઈને માથા ઉપર શિંગડા જેવું નેજવું કરી બિંદુ જતી રહી.

બે દિવસ અમદાવાદ ખૂબ ફર્યો. હું, બિંદુ અને શેષભાઈ આશ્રમ રોડથી ચાલતા ચાલતા નહેરુ પૂલ વીંધીને સરદાર બાગ ઉપર ફરતા ફરતા વાતોના ગપાટા મારતા જતા હતા.

અચાનક બિંદુ બોલી… ‘અંશભાઈ ! ’

‘હં !’

‘તમે મને કહ્યું નહીં કે હું કેવી છું?’

‘કેવી એટલે?’

‘કેવી એટલે કેવી? તમારા ભાઈની સાથે શોભું ખરી?’

‘હં ! એ દિશામાં મેં વિચાર્યું જ નથી. પણ હવે વિચારવું પડશે…’

શેષભાઈ મારી સામે મલકીને જોઇ રહ્યા.

‘તો વિચારો ને…’

‘હું વિચારું છું…‘આમ તો વાને શામળી છે. એટલે ચાલે તો નહીં જ વળી આ મોટું સપાટ ભેંસના પેટ જેવું તારુ કપાળ અને એની નીચે ગબ્બરની ભેખડોમાં પડઘાતી ખીણો જેવા મોટા નસકોરા, હિમગીરીની સપાટ શિલા જેવા સીધા ગાલ. આ બધું જોતા તું શેષભાઈને માથે પડી હોય તેમ લાગે છે.’

‘શું કહ્યુ? મારું કપાળ ભેંસના પેટ જેવું છે અને ગાલ હિમગીરી જેવા સપાટ છે…?’ એણે મારો કાન પકડીને આમળ્યો.

‘પણ શેષભાઈએ જો પહેલા તમારું બુકિંગ ન કર્યું હો તો હું તમારા પ્રેમમાં પડીને સંયુક્તાની જેમ હરી જાત.’ મેં કાન છોડાવવા મસ્કો માર્યો….

‘લાજો લાજો હવે… મારા પ્રેમમાં પડવાવાળા ન જોયા હોય તો… ભણો અને મોટા ડૉક્ટર બનો… પછી વાત…’

‘મારી હળવી ગમ્મત શેષભાઈ પણ માણી રહ્યા હતા….’

‘અંશભાઈ તમે મારાથી મોટા ને ?’

‘હા, એટલે જ તો કહું છું કે શેષભાઈએ બુકિંગ ન કર્યું હોત તો હું તમારા પ્રેમમાં પડ્યો હોત. તમે એવા સરસ છો.’

‘બહુ મસ્કા નહીં દિયરજી… પણ હું તમારાથી નાની ને…?’

‘હા !’

‘તો મને ખાલી બિંદુ ન કહો?’

‘કેમ?’

‘બસ આ તમે મને તમે તમે કરો છો તે ગમતું નથી. ’

‘ના ભાઈ ના. શેષભાઈ મારી ધૂળ કાઢી નાખે.’

‘અંશ – એને ન ગમતું હોય તો ભાભીનું તૂત કાઢી નાખને.’

‘ભલે તમે કહો તો – અને સાથે સાથે હવે આ કબાબમાં હડ્ડી પણ દૂર થાય છે. રૂપાલી થિયેટર નવું નવું બંધાયું છે. ભાભી સાથે પિક્ચરમાં ઘૂસી જાવ… ’

‘તું પણ ચાલ ને અંશ…’

‘ના ભાઈ… ના બિંદુ મારશે…’

‘ચાલો ને અંશભાઈ.’

‘ના તમે જાવ… મારે થોડું બીજું કામ છે. હું હોસ્ટેલ ઉપર આવી જઈશ. ’

પાછા ફરતી વખતે બ્રિજ પરથી પસાર થતી વખતે લાગ્યું કે ખરેખર શેષભાઈએ બહાદુરીનું કામ કર્યું છે. બિંદુ સારી છોકરી છે. વાને શામળી છે, પરંતુ નાક નકશો ખૂબ સરસ છે.મને મારી ગમ્મત ઉપર હસવું આવ્યું. પણ જેમ જેમ વધુ વિચારતો ગયો તેમ તેમ લાગ્યું કે ખરેખર પ્રેમમાં પડી જવાય તેટલી પ્રેમાળ છે. અને યોગ્ય પાત્ર છે. બાલુમામા, મામી, દિવ્યા વગેરે તેને સ્વીકારશે કે નહીં તે તો જાણે પછીની વાત છે. પણ મેં તો ભાભી તરીકે એને સ્વીકારી લીધી.