આંસુડે ચીતર્યા ગગન Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંસુડે ચીતર્યા ગગન

આંસુડે ચિતર્યા ગગન ૧

પ્રિય અંશ,

દ્વિધાજનક પરિસ્થિતિમાં મેં બિંદુ સાથે લગ્ન કરી લીધા છે. તને કદાચ ખબર હશે કે હશે જ્યારે અમદાવાદ હોસ્ટેલમાં હતો ત્યારે મને માતાનું સુખ જેમને ત્યાં હું જમતો હતો તે સુમીમાસીએ આપેલું. તે સુમીમાસીની બિંદુ ભાણેજ થાય. તું એફ.વાય. બી.એસ.સી.ની છેલ્લી પરીક્ષાઓની તૈયારીમાં હતો અને સુમીમાસી ની બેન અને બિંદુ બંને ત્યાં આવ્યા હતા. બિંદુની મમ્મી એટલે કે સુમીમાસીના બેન લીલાબેન રોગગ્રસ્ત હાલતમાં હતા અને બિંદુને કારણે એમની અંતિમ ઘડીઓમાં જીવ છૂટતો નહોતો.

બિંદુ બેસુમાર રડતી હતી કારણ કે બિંદુના જન્મ સમયે ભારત છોડોની ચળવળમાં એના બાપુજી અંગ્રેજોની ગોળીનો શિકાર બન્યા હતા. અને બિંદુને મા અને બાપ બંનેનો પ્રેમ આપીને એમણે જ મોટી કરી હતી. તેથી નોધારા કે અનાથ બની જવાનો ભય તેને ડંખતો હતો. વળી જુવાન છોકરીનું ઠેકાણું પડે નહીં અને તે પહેલા મોટું ગામતરું લીલાબેન કરી જાય તો પણ અસુવિધા તો રહે જ.

સુમીમાસીને ત્યાં હું જમવા ગયો ત્યારે લીલામાસીનો વલોપાત ચાલુ હતો. ‘અલી સુમી! મારી જુવાન જોધ છોડીને ઠેકાણે પાડ્યા સિવાય જો મોત મને ભરખી જશે તો શું થશે? ’ સુમીમાસી આશ્વાસન આપતા હતા. ‘લીલા તું વલોપાત ન કર. એ છોકરી પણ એનું નસીબ લઈને આવી હશે. આમ ને આમ જીવ બાળવાને બદલે આરામ કર. દવા દારુ કર અને ભગવાનને પ્રાર્થના કર, આવું અમંગળ કે અઘટિત ન બોલ.’

આ વાત ચાલતી હતી અને એમને હાર્ટએટેક આવ્યો. શ્વાસ અધ્ધર ચડી ગયો અને પોક પાડી ‘સુમી… મારી છોડીનું શું થશે? ’ પરસેવે રેબઝેબ થતા શરીરને મનની શાંતિ મળે તે હેતુથી કોઈક અજ્ઞાત કારણોને અનુસરતો હું એમની પાસે પહોંચી ગયો. અને બિંદુનો હાથ પકડીને બોલ્યો – ‘લીલામાસી બ્રાહ્મણનું સંતાન છું અને વચન દઉં છું કે બિંદુને હું પરણીશ.’ બિંદુની નજર લીલામાસી પર હતી . લીલામાસીની નજર સુમીમાસી પર હતી. અને સુમીમાસીએ હા પાડી એટલે એમણે મારી સામું જોયું. – બિંદુની સામે જોયું માથે હાથ ફેરવ્યો – અને શાંતિથી દેહ છોડ્યો.

આમ મારા લગ્ન વખતે રોકકળ ચાલતી હતી. તને ખબર કરવાનો સમય નહોતો.

એમના મૃત્યુથી ખૂબ દુ:ખ થયું – મા ના મૃત્યુ વખતે હું રડ્યો નહોતો કદાચ પંદર વરસની ઉંમરે એટલું ભાન નહોતું. મૃત્યુની ગંભીરતા સમજાય તેટલો પુખ્ત નહોતો. મારી જેમ જ બિંદુ પણ ખૂબ રડી. ખેર ! બિંદુ અઢાર વર્ષની છે. તારા કરતા પણ છ એક મહિના નાની – સુમીમાસીએ મારી નોકરી મળે ત્યાં સુધી એમને ત્યાં રાખી છે.

આ પત્ર તને મળશે ત્યારે તારું છેલ્લું પેપર ચાલતું હશે. એ પતાવીને સિદ્ધપુરથી અમદાવાદ આવી જજે. પૂ. બાલુમામાને આ વાત હજુ કરી નથી. અને મારી ઇચ્છા પણ નથી – તારા પેપરો કેવા ગયા? તારી રાહ જોઉં છું.

– શેષના આશિષ.

અંશે કાગળની ગડી વાળીને ચોપડીમાં મૂકી દીધો.

સાંજે બાલુમામાએ કાગળ વિશે પૃચ્છા કરી તો અંશ કંઈ બોલ્યો નહીં બાલુમામા એમના ચોપડા લખવામાં ગુંથાઈ ગયા. અંશ છેલ્લું પેપર સારું ગયું છે એમ કરીને બજારમાં લટાર મારવા નીકળ્યો.

દ્વિધાભરી પરિસ્થિતિની વાત લખીને શેષભાઈએ ખરેખર સૌને ગૂંચવણમાં મૂકી દીધા હતા. બાલુમામાના અમારા ઉપર ઘણા ઉપકાર હતા. અને મામીના ભાઈની દીકરી સાથે એના લગ્નની વાતો ચર્ચાતી હતી. બ્રાહ્મણની નાતમાં એન્જીનીયર થનાર છોકરા એક તો ઓછા હોય અને વળી આ તો આપબળે સ્કોલરશીપ લઈને આગળ વધેલો હોનહાર છોકરો. કુટુંબમાં જે ગણો તે હું, બાલુમામા, મામી અને દિવ્યા. મામા અને મામીએ અમને બંને ભાઈઓને ઉછેરેલા. દિવ્યા એ બાલુમામાની દીકરી.

શેષભાઈના આ પગલાંને કેવું ગણવું એની દ્વિધામાં હું ગામના ચોરે ચાલ્યો. બાબુ સુરતીનું પાન આખા ગામમાં પ્રખ્યાત. કોણ જાણે કેમ તે દિવસે તેનું પાન ખાવાની ઇચ્છા થઈ ગઈ. બાબુ સુરતી મૂળ તો સ્કૂલનો મિત્ર. પણ ભણવામાં ઢ સાબિત થયો અને બાપે ધંધા પર બેસાડ્યો…. હસમુખ સ્વભાવ અને રોઝી ટૉકીઝ સામે એની દુકાન આ બે કારણે પાંચ વર્ષના ટૂંકા ગાળામાં જામી પડેલો.

મને આવતો જોઈને બાબુ બોલ્યો… પધારો પધારો જોષી મહારાજ… આજે તો બાબુનું નસીબ ઊઘડી ગયું. શું વાત છે અંશ ! આજે ચોપડીઓનો સથવારો છૂટી ગયો. અને ટહેલવાનું મન થયું? બોલ શું બનાવું?

‘ના રે ના , બસ એમ જ નીકળી પડ્યો. પરીક્ષા પતી ગઈ છે. અને કાલે અમદાવાદ જવું છે. શેષભાઈ મને ત્યાં બોલાવે છે. તેથી વિચાર થયો એકાદ પિક્ચર જોઈ નાખું એમ કરીને નીકળ્યો હતો.’

‘અચ્છા ! અચ્છા ! બોલ ૧૨૦ ચાલશે કે પછી જનાના પાન બનાવું?’

‘સાદું જ પાન બનાવ યાર ! ૧૨૦ ની ગંધ દિવ્યાડી પારખી જાય છે અને બાલુમામાનો ઠપકો મળે છે.’

‘તું પણ હજી સુધર્યો નહીં. એ દિવ્યાડી ચાડી ખાય ત્યારે એકાદ પંજો બતાવી દે ને ! થઈ જશે સીધી.’

‘ના યાર ! છોડ એ વાત.’

‘બોલ પિક્ચરની ટીકીટ જોઇએ છે?’

‘હા દોસ્ત – પણ દેવું ચૂકતે અમદાવાદથી આવ્યા પછી થશે હોં !’

‘માગ્યા છે યાર કદી પૈસા?’

રાત્રે નવ વાગ્યે ઘરે જઈને બાલુમામાને વાત કરી પરીક્ષા પતી ગઈ છે ને શેષભાઈને થોડું કામ છે તેથી અમદાવાદ જાઉં છું..

‘શેષને કહેજે ગવર્નમેંટની નોકરી જ લે. પ્રાઈવેટમાં સેફ્ટી હોતી નથી. ઊભો રહે હું તને ચિઠ્ઠી લખી દઉં.