Jindagi tadiya vinanu patra chhe. books and stories free download online pdf in Gujarati

જિંદગી તળિયા વિનાનું પાત્ર છે.

જિંદગી તળિયા વિનાનું પાત્ર છે.

આજે સફળતા, શોહરત અને સલામતીની તલાશ માં ૨૪ કલાક નો પૂરેપૂરો નીચોડ કાઢી લેવા મથતા લોકો પોતાની એક-એક સેકન્ડ ગણી ગણી ને વાપરે છે, છતાં જેને સૌથી વધારે ક્વોલીટી ટાઈમ કહેવાય છે એ 'ફુરસત કે રાતદિન' વર્ષો સુધી આવતા જ નથી.

બસ સ્ટેન્ડ, બર્લિન, બિકાનેર બધ્ધે જ માણસો ભાગતા રહે છે, કોઈને ટ્રેન પકડવી છે કોઈને પ્લેન, કોઈ વધુ સક્ષમ બનવા દોડે છે, તો કોઈ બીજાથી આગળ નીકળી જવા દોડે છે, રાત્રે મોડે સૂવાનું છે ને છતાં સવારનો એલાર્મ મૂકવાનો છે, સૂતા-સૂતા વિતેલા દિવસની ચિંતા ને સાવ ઢુકડી છે એવી સવાર નું આયોજન !

"સૌના ઈરાદા નેક છે, સૌના ઈરાદા એક છે"- 'ચાચી ૪૪૦'નું ટાઈટલ સોન્ગ યાદ છે ને ? 'દોડા દોડા ભાગ ભાગ સા... વક્ત એ સખ્ત હૈ થોડા, થોડા સા... હરકોઈ ને બહુ જ જલ્દી પોતાની આસપાસ ના પડોશી, સાથી મિત્રો, સ્વજનો થી આગળ નીકળી જવું છે, આજના માનવીને એ જ સમજાવાય છે કે આ જરૂરી છે. જો ભરપૂર નાણા નહી કમાયા તો તું આ દુનિયામાં ટકી નહી શકે, તારે આજનું તો ખરું આજથી ૨૦, ૩૦ વર્ષ પછીનું પણ પ્લાનિંગ વિચારવું પડશે, સંતાન ની તેની તગડી સ્કૂલ ફી, તેના લગ્ન, મકાનની ચિંતા કરી... તારૂં અકાળે મૃત્યુ થશે તો તારા પરિવાર માટે અત્યારથી ગજા બહાર ના જીવન વીમા ઉતરાવ અને બિમારી થોડી કહીને આવવાની છે- હાર્ટ એટેક, બાયપાસ, કિડની ફેઇલ્યોર... મેડીકલેઈમ તો હોવો જ જોઈએ! બેન્ક બેલેન્સ, થોડી પ્રોપર્ટી, થોડા શેર, થોડું સોનું, થોડો ભપકો... આ પણ અનિવાર્ય છે.

એક જિંદગી માં આટલું બધ્ધું જ બધ્ધા માટે શક્ય નથી, છતાં લગભગ બધ્ધા જ આ માટે ભાગતા રહે છે. "જિંદગી તળિયા વિનાનું પાત્ર છે, હોય છે સૌની મમત એને ભરવાની" એ મુજબ જિંદગી ના જે ઉત્તમ વર્ષો છે, એમાંથી મોટાભાગનો હિસ્સો આ દોડધામ ખાઈ જાય છે.

માનસિક શાંતિ માટે પાયાના સિદ્ધાંતો કહે છે કે તમને રૂપિયા અને સમય બેમાંથી એક ની પસંદગી કરવાનું કહે તો સમય પસંદ કરજો. કારણ કે જેની પાસે ઘડીની ફૂરસદ નથી એવો કરોડપતિ સૌથી કંગાળ છે. સૌથી સુખી ગણાય એ છે જેની પાસે સમય અને નાણા ઠીક-ઠીક માત્રામાં છે. મહીને બે હજાર રૂપિયા વધતા હોય અને બે દિવસનો સમય હોય એ સ્થિતિ કોઈ અત્યંત વ્યસ્ત લખપતિ કરતા મોટી લકઝરી ગણાય! અલ્ટીમેટલી આ બધી ભાંજગડ જીવવા માટે છે. ૨૫ વર્ષ થી કમાવાને જીવનમંત્ર બનાવી લેવાય એ ઠીક પણ ૩૫, ૪૫, ૫૫, ૬૫ અરે મરીએ ત્યાં સુધી જો એકમાત્ર મિશન ધનસંપત્તિ જ હોય તો જીવવું નિરર્થક છે.

રૂપિયા નું ઘણું મહત્વ છે પરંતુ રૂપિયાને વાપરવાનું મહત્વ તેનાથી વધારે છે, રૂપિયા વપરાય તો જ એ નાણા છે, નહિતર તેનામાં અને રદ્દી માં કોઈ ફરક નથી, એટલે જ કહે છે ને કે ઉદારવાદી અમીરના સંતાન થવા કરતા કંજૂસ કરોડપતિ ના ઘરનાને નસીબદાર ગણવા કારણ કે કંજૂસ પાઈ-પાઈ મુકીને જાય છે, અને તેની તમામ દોલત તેના વારસદારોને મળે છે.

રૂપિયા કમાવા માટે દોડમાં માનવીએ સ્વનિયંત્રણ મુકી મહામૂલી જિંદગી ને માણવા જેવી છે. જયારે એક મધ્યમવર્ગીય પરિવાર નો પિતા સ્કૂટર માં બાળકને લેવા જાય છે - બાળકને પોતાના પિતા ગમે છે, બીએમડબલ્યુ નહી!

જે ઘરમાં બધા સભ્યો સાથે જમતા હોય, સાથે બેસીને (ટી.વી. જોવાને બદલે) હસીમજાક કરતા હોય ત્યાં મુસીબતો આવે તો પણ બહુ જલ્દી જતી રહે છે-હકીકત માં આજે લંચ કે ડીનરના સમયે સર્વે કરવા જેવો છે. કોરમ અધૂરું જ હોય છે, કોઈક ખૂટતું જ હોય છે.

ઘર વિષે રાજેશ વ્યાસ 'મિસ્કીન' નો અદભૂત શેર છે. 'સાંજ પડતા રોજ ઊભું થાય ઘર, ને પછી એકાંત નો પર્યાય ઘર.'

શાંતિ,સુખ, એકાંત, સર્વ નો પર્યાય ઘર છે - ઘર એ તો ભાવાત્મક સંજ્ઞા છે. ઘર વિશેની મધૂકાંત જોષીની અફલાતુન ત્રણ રચના-

(૧) માત્ર એટલો ફરક છે ઘર અને મકાન માં મકાનની બહાર નીકળી શકાય છે.

(૨) સુગરીનો માળો જોઉં છું... જોઉં છું ને ઘર વિષેના તમામ પ્રશ્નો ના ઉતર આપોઆપ મળી ગયા: ઘરમાંથી !

(૩) શાંતિ ને પામી શકાય છે ને,

બોલી ઉઠશે અંતર:

હાશ! ઘર એ ઘર!

બીગ બી, એટલે કે અમિતાભ બચ્ચન ના બ્લોગ પર એક વાર આ પોસ્ટ હતી કે,"હું મુંબઈ પહોચી રહ્યો છું ત્યારે કદાચ અભિષેકને ઇસ્તુંમ્બલ થી આવતા હજુ એકાદ દિવસ નીકળી જશે, ઐશ્વર્યા આજે જ તેની જાહેરાત ની કંપની ના પૂર્વ આયોજન મુજબ દક્ષીણ આફ્રિકા રવાના થઇ છે, અભિષેક અને ઐશ્વર્યા એ બે દિવસ પછી 'રાવણ' ના પ્રમોશન માટે લંડન જવાનું છે' દસ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ માં એડ ફિલ્મનું શુટિંગ કર્યા પછી પોતાના ઘર તરફ જતા અમિતાભ બચ્ચન ના બ્લોગ માં આવું વાંચવા મળ્યું હતું. આપણ ને થોડી ઈર્ષા થાય કે, કેવું હાઈ પ્રોફાઈલ સેલીબ્રીટી હાઉસ છે, જ્યાં દરેક વ્યક્તિ ઇન્ટરનેશનલ છે અને વિશ્વભરમાં ઉડતા રહે છે, સારામાં સારી એરલાઇન્સ સારામાં સારી, હોટેલો, ઉત્તમ આતિથ્ય અને જબ્બર પ્રસિધ્ધી છતાં વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોમાંથી મોટાભાગનાને જો કોઈ કમી લાગતી હોય તો એ ઘર ની અને પરિવાર માટે અપાતા ઓછા સમય ની હોય છે. અમિતાભ લખે છે કે, જયારે પણ બહાર હોઉં છું ત્યારે ઘરની યાદ આવે છે, લોકોમાં વર્ષો સુધી મારી એન્ગ્રીયંગમેન તરીકે ની ઈમેજ રહેલી છે, પરંતુ હકીકત માં હું તદ્દન ભાવુક ઇન્સાન છું, પોઝીટીવ એટીટ્યુડ માટેની એડ ફિલ્મોમાં હું દેખાઉં છું પરંતુ હું એટલો આશાવાદી પણ રહી શકતો નથી, આમ આદમીઓ જેવી લાગણી ને કારણે પૂરા વિશ્વમાં દરેક વર્ગના લોકોની વચ્ચે હું ખુદ ને એમના જેવો જ મહેસુસ કરું છું.

અમિતાભ બચ્ચન ને તેના અભિનય માટે સલામ કહેનારા કરોડો છે પરંતુ એક લેખક તરીકે તે અત્યારે જે કરી રહ્યા છે, તેમાંથી હરકોઈ પ્રેરણા લઇ શકે છે. જેની એક એક સેકન્ડની કિંમત હજ્જારો લાખ્ખો માં થતી હોય, જેના સમયપત્રક માં વધારાનો કોઈ સમય ણ જ હોય છતાં અમિતાભ બચ્ચન દરરોજ પોતાની રોજનીશી, મંતવ્યો, ટીકા ટિપ્પણ ને નિયમિત પણે વર્ષો થી લખે છે.

મોટા માણસો ને મળતા નામ અને દામ પાછળ રહેલા ભવ્ય સદગુણો બહુ ઓછા લોકો જાણે છે. અમિતાભ અત્યારે તેના પિતા હરિવંશરાય બચ્ચન ની કવિતાઓ માં રહેલા દર્દ ઉપર એક ખાસ પ્રોજેક્ટ ચલાવે છે, તેના બ્લોગ ને ખોલતા જ હરિવંશરાય ની ઉત્કૃષ્ટ રચના નજરે પડે છે.

પંડિત રવિશંકર હોય કે મન્ના ડે કે પછી લાંબા અંતરાલ પછી હમણાં ફિલ્મ 'હાઉસફૂલ' માં ગાનાર શબ્બીરકુમાર કોઈ જ પ્રોફેશનલ કાર્યક્રમ હોય કે ન હોય દરરોજ રિયાઝ કરે છે.

બારક ઓબામાં દરરોજ ૪ વાગે ઉઠી જાય છે. તાતા, અનિલ અંબાણી, સુનિલ મીતલ પાસે એટલા નાણા છે કે, હવે એ ૨૪ કલાક ફિલ્મો,પુસ્તકો, પાર્ટીઓ, આરામ અને મોજમજામાં વિતાવે તો પણ તેને કોઈ ચિંતા નથી, પરંતુ એ લોકો કોઈ શ્રમિક જેટલો જ પરિશ્રમ કરે છે, વધુ શિસ્તબધ્ધ અને જવાબદારી પૂર્વક !

કેટરીના કૈફ અને કરીના કપૂર ઉપર મરવાવાળા અનેક આશિકો છે, પરંતુ જેના લૂક અને ફિટનેસ ની કિમત છે એવી અભિનેત્રીઓ એ શરીર જાળવવા ગણી ગણીને ખાખરા ખાવા પડે છે. મહીને એકાદ મેંદુવડું કે પીત્ઝા ચાખવા હોય તો ડાયેટીશ્યન ને પૂછવું પડે છે. રોલની જરૂરિયાત મુજબ ચરબી વધારવી પડે તો રોલ મુજબ ઘટાડવી પણ પડે છે.

હીરો-હિરોઈનો પડદા ઉપર હાસ્યાસ્પદ પ્રેમ કહાની રજુ કરે હ્ચે, તેને જોઇને આપણા ટીનેજરો બેઠી કોપી કરવા જાય છે. હકીકતમાં આ હીરો-હિરોઈનો તેની રીયલ લાઈફમાં આવા પ્રેમપ્રકરણો થી જોજનો દૂર હોય છે. શિલ્પા શેટ્ટી ફિલ્મોમાં કોઈ વેઈટર ને દિલ દઈ બેશે પરંતુ વાસ્તવ માં તો એ ધનવાન ઉદ્યોગપતિ રાજ કૂન્દ્રાને જ પરણે. ઐશ્વર્યા રાય ની જીવનસાથી તરીકે ની પસંદગી તો અભિષેક બચ્ચન જ હોય!

ધીરૂભાઈ અંબાણી તો કહેતા કે માણસ કામ કરે એટલું જ એ જીવ્યો ગણાય ! કામથી કદી માણસ થાકતો નથી, કામ ને ધીક્કારવાથી કે કામચોરી થી જ થાક લાગે છે.

મોટા માણસો કાઈ અચાનક કે રાતોરાત મોટા બની જતા નથી. આમ લોકોમાં જોવા મળતી નબળાઈઓને તેણે ફગાવી દીધી હોય છે, આમ લોકો કામથી મો ફેરવી લે તેવું પણ સાવ ચાલે નહી, મનોરંજન ને ઝંખતા હોય એવા તબક્કે પણ એ લોકો કામમાં ખુંપેલા રહે છે. હા, કેટલાક લોકો વારસાગત મિલકત થી અમીર, ઉમરાવ બની ગયા હોય એને અપવાદ ગણી શકાય.

  • karishma
  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED