Unghnu Vigyaan books and stories free download online pdf in Gujarati

ઊંઘનું વિજ્ઞાન

ઊંઘનું વિજ્ઞાન ... ડો.કિશોર પંડ્યા

માનવી ખોરાક વગર થોડા દિવસ ખેંચી શકે છે. પાણી વગર ચાર-પાંચ દિવસ સ્વસ્થતા જાળવી શકે છે. પરંતુ ઊંઘ વગર આંખનું મટકું માર્યા વગર કેટલા સ્વસ્થ રહી શકે એ કહેવું મુશ્કેલ છે. આપણાં જીવનનો ત્રીજો ભાગ આપણે ઊંઘતા હોઈએ છીએ.

‘મીઠાં લાગે રે સખી મને રાતના ઉજાગરા’ કહેનારને પણ જો આખી રાત જાગતા રહેવાનુ હોય તો કેટલા દિવસ એ ઊંઘ વગરની મીઠાશ જળવાઈ રહે એ કહેવું શક્ય નથી. સતતા જાગતા રહેવાને પરિણામે શારીરિક થાક ઉપરાંત માનસિક સંતુલન જળવાતું નથી. થોડા દિવસો ઊંઘ વગર કાઢ્યા હોય તો પછી કાળનું ભાન રહેતું નથી. શરીર પણ આરામદાયક ઊંઘ વગર સ્વસ્થ રહી શકતું નથી.

ઊંઘ વગર માણસ કેટલા દિવસ જીવતો રહી શકે ? આ સવાલના જવાબની આપણને ખબર નથી .છતાં ઊંઘ વગર માણસની શી હાલત થાય છે એ આપણે જરૂર કહી શકીએ. અગિયાર દિવસ ઊંઘ વગરનો રેકોર્ડ કરનાર ચોથા દિવસે પોતાને ફૂટબોલનો મહાન ખેલાડી કહેવા લાગ્યો હતો.

ઊંઘ વગર માણસની આંખમાં બળતરા થવા લાગે છે. માથું ભારે ભારે થઈ જાય છે.નજર ધૂંધળી બનવા લાગે અને સ્વભાવ ચિડિયો થવા લાગે.આટલું તો ખરું જ પણ દીવાબત્તીની આજુબાજુ પ્રકાશના કુંડાળાં દેખાવા લાગે અને કોઈપણ બાબતમાં ધ્યાન કેન્દ્રિત થઈ શકતું નથી. પરિણામે મગજ અસ્વસ્થ થઈ જાય છે. ઊંઘનું પણ વિજ્ઞાન છે. અનિદ્રાની સીધી અસર મગજ ઉપર થાય છે. સંશોધનને પરિણામે પૂરવાર થયું છે કે ઊંઘ વગર સત્તર કલાકથી વધારે કામ થઈ શકતું નથી. બદલાતી પરિસ્થિતિમાં અચાનક નિર્ણય લેવાના હોય તેવા સંજોગોમાં સાચો નિર્ણય લઈ શકાતો નથી. વાસ્તવિક્તા એ છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોટી જાનહાનિ થઈ હોય એવા અકસ્માતો જેવા કે ચેર્નોબિલ; થ્રી માઈલ આઈસલેન્ડ અને ચેલેંજર શટલ ના ધડાકા પાછળ ઓછી ઊંઘ પણ એક જવાબદાર પરિબળ તરીકે ગણાઈ છે.

માનવી ઊંઘે છે ત્યારે શું થાય છે? ઊંઘ દરમિયાન પણ આપના શરીરમાં અનેક ફેરફારો થતાં હોય છે. જાગૃત અવસ્થામાં અને ઊંઘમાં લોહીનું દબાણ જુદું જુદું હોય છે. ઊંઘ દરમિયાન નાડીના ધબકારામાં દર મિનિટે દસથી માંડીને ત્રીસ ધબકારનો ઘટાડો થતો હોય છે. સ્વાસોચ્શ્વાસ ની ગતિ ધીમી થઈ જાય છે. શરીરની ગરમીમાં થોડો ઘટાડો થાય છે અને સ્નાયુઓ શિથિલ બને છે. ઊંઘ દરમિયાન મગજમાં પણ અનેક પ્રકારના રસાયણિક ફેરફારો થતાં હોય છે. જે જાગૃત અવસ્થામાં સંતુલન જાળવી રાખવામા ઉપયોગી બને છે. ઊંઘ દરમિયાન હોર્મોન્સ અને રસાયણિક ફેરફારો શરીરના સંતુલન માટે ઉપયોગી છે. ઓછી ઊંઘને કારણે શરીર મેદસ્વી બનતું જાય છે.

આમ શરીરની સ્વસ્થતા જાળવી રાખવા માટે ઊંઘ જરૂરી છે. ઊંઘ વગર માણસની બેચેની તરત જ નજરે ચડી આવે છે. સ્વસ્થ શરીર અને પ્રફુલ્લિત મન રાખવા માટે ઊંઘ જરૂરી છે. આપણાં શરીરને જ્યારે પૂરતી ઊંઘ નથી મળતી ત્યારે શરીરને વધારે ને વધારે શક્તિની જરૂર પડે છે. શરીરમાં આને લીધે એક પ્રકારની તાણ પેદા થાય છે. રોગનો સામનો કરવામાં તે પાછું પડે છે.

શરીરમાં થતી ક્રિયાઓની નિયમિતતા જાળવવા પૂરતી ઊંઘ જરૂરી છે. આ ક્રિયાઓનો મુખ્ય આધાર માણસની ઉમર, સ્વાસ્થ્ય , જીવન જીવવાની પધ્ધતિ અને વારસાગત લક્ષણો ઉપર નિર્ભર કરે છે. ઉપરની બાબતો ઉપરથી માણસને ઊંઘની કેટલી જરૂર છે એ વાત નક્કી થતી હોય છે.

માનવી પાંચ કલાકથી લઈને અગિયાર કલાક સુધીની ઊંઘ ખેચી શકે છે. પણ એક સામાન્ય માણસને માટે સાતથી આઠ કલાકની ઊંઘ પૂરતી ગણાય છે. એમ તો એવા માણસો પણ મળી આવે છે કે જે ઓછું ઊંઘતા હોય છતાં એમની શરીરની સ્વસ્થતા પૂરેપુરી જળવાઈ રહેતી જોવા મળે છે. નેપોલિયન બોનાપાર્ટ, માર્ગરેટ થેચર અને ફ્લોરેન્સ નાઇટિંગેલ માત્ર ચાર કલાકની ઊંઘ લેતા હોવાનું કહેવાય છે. આવા કિસ્સાઓમાં શરીર કેટલા પ્રમાણમાં અનુકૂલન પામેલું છે એ મહત્વની વાત બની રહે છે.

કેટલાક લોકોને બપોરના સમયે એકાદ ઝૉકું ખાઈ લેવાની ટેવ હોય છે. આમ કરવાથી એમનું શરીર સ્ફૂર્તિમાં રહે છે અને વધારે સારું કામ કરી શકે છે. બપોરના ઊંઘ આવતી હોય તો ચા-કોફી લેવાને બદલે આડે પડખે થઈ થોડું ઊંઘી લેવું જોઈએ. કેટલાક લોકો તો દસ-પંદર મિનિટના સમય માટે પણ ઊંઘી શકતા હોય છે. એમનું શરીર એ પ્રકારની ટેવથી કેળવાયેલું હોય છે. થોડો આરામ કરીને પછી એ વધારે સ્ફૂર્તિથી કામ કરતાં જોવા મળે છે.

એમ તો માનવીનું શરીર ઊંઘ વગર પણ કેટલીક રીતે આરામ મેળવી લેતું હોય છે. જેમ કસરત કરવાથી હૃદય અને ફેફસાની કાર્યક્ષમતામાં વધારો થાય છે એવી જ રીતે જે અવયવ આરામ કરી લે છે એનું કાર્ય પણ તે સરસ રીતે કરી શકે છે.આપણે ઊભા હોઈએ ત્યારે કે બેઠા હોઈએ ત્યારે કેટલાક સ્નાયુઓ તાણ અનુભવતા હોય છે.અને કેટલાક શિથિલ બનતા હોય છે.સ્નાયુઓ શિથિલ અવસ્થામાં પોતાને જરૂરી આરામ મેળવી લે છે. સ્તતા ઊભા રહેવાનુ હોય ત્યારે આપણે વારાફરતી એક પગ પર શરીરનું વજન આપી બીજા પગના સ્નાયુને આરામ આપતા હોઈએ છીએ. કસરત કરતી વખતે કેટલાક સ્નાયુઓ ક્રિયાશીલ હોય છે અને શારીરિક ક્રિયાઓ માટેના સ્નાયુઓ કાર્યરત હોય છે અને મગજ આરામ કરતું હોય છે.

પાચનતંત્રના અવયવો પણ ભોજન વચ્ચેના ચોક્કસ સમયગાળામાં આરામ કરતાં હોય છે. નિયમિત સમયે ભોજન લેવા પાછળ શરીરની સ્વસ્થતા જળવાઈ રહેવાનુ આ પણ એક કારણ છે. રાતના સમયે વધુ પડતું ઝવાઈ ગયું હોય તો પડખા ઘસતા ઊંઘ વગરની બચેન રાત પસાર કરવી પડે છે. બે વખતના ભોજનની વચમાં સતત કઈ ને કઈ મોમાં નાખતા રહેવાથી પાચન તંત્રને જરૂરી આરામ મળતો નથી.

આંખ બંધ કરીએ એટલે તરત ઊંઘ આવી જતી નથી. ઊંઘ તબક્કાવાર આવતી હોય છે. ઊંઘ આવવાનો સમયગાળો નેવું મિનિટથી એકસોને દસ મિનિટ સુધીનો હોય શકે છે. હળવી ઊંઘ અને ગાઢ નિદ્રા એમ જુદા જુદા તબક્કામાં ઊંઘનું આગમન થતું હોય છે. હળવી ઊંઘ દરમિયાન આપણે અર્ધજાગૃત અવસ્થામાં હોઈએ છીએ. અ સમયે આપણી શારીરિક ક્રિયાઓ અને સ્નાયુઓની ગતિ ધીમી થવા લાગે છે. આ પરિસ્થિતિમાં આપણે ફરી સરળતાથી જાગૃત થઈ શકીએ છીએ.

હળવી ઊંઘ બાદ દસ મિનિટના સમયગાળામાં જ ઊંઘનો બીજો તબક્કો શરૂ થાય છે જે વીસેક મિનિટનો હોય છે. આ સમયગાળામાં શ્વસન અને હૃદયના ધબકાર ધીમા પાડવાની શરૂઆત થાય છે. માનવી માટે ઊંઘનો આ સમયગાળો સૌથી મોટો હોય છે. ત્રીજા અને ચોથા તબક્કાની ઊંઘ ગાઢ નિદ્રા તરીકે આપણે ઓળખીએ છીએ. ત્રીજા તબક્કામાં મગજ દ્વારા ડેલ્ટા તરંગો શરૂ થાય છે. જે મહત્તમ અને ઓછી તરંગ લંબાઇવાળા હોય છે. આ ગાળા દરમિયાન શ્વાસ અને હૃદય તેમની સૌથી ઓછી સ્થિતિએ ચાલતા હોય છે. અરે ભાઈ આખો દિવસ સતત ધબકતા હૃદયને થોડો આરામ તો કરવા જોઈએ જ ને. સાથોસાથ એ પણ યાદ રાખવું જોઈએ કે જાગૃત અવસ્થા કરતાં ઊંઘમાં મગજ બમણું કામ કરે છે.

ગાઢ નિદ્રામાં શ્વાસ નિયમિત બને છે. સ્નાયુઓની ગતિ મર્યાદિત બને છે. ઊંઘ આવ્યાની સિત્તેરથી નેવું મિનિટ બાદ બંધ આંખનું હલનચલન શરૂ થાય છે. સમગ્ર રાત્રિ દરમિયાન ત્રણથી પાંચ વખત આવું બનતું હોય છે. ઉઘાડી આંખ પાસેથી આપણે કેટલું બધુ કામ લઈએ છીએ એનો કદી વિચાર કર્યો છે ખરો. આપણે તો ઊંઘમાં જ હોઈએ છીએ પણ મગજ દોડતું હોય છે એટલે સપના આવવાની શરૂઆત થાય છે. શ્વાસની ગતિ અને લોહીનું દબાણ વધે છે. આપણું શરીર સ્નાયુઓની મન્દ ગતિને લીધે લગભગ અચેતન અવસ્થાએ હોય છે એટલે સ્વપ્ન આવતા રોકી શકાતા નથી.

શરીરનું સમતોલન જાળવી રાખવા માટે, સ્વસ્થતા જાળવી રાખવા માટે, સૌંદર્ય જાળવી રાખવા માટે આરામ જરૂરી છે; ઊંઘ જરૂરી છે. આપણી ઊંઘ એટલા પ્રમાણમાં હોવી જોઈએ કે જેથી દિવસ દરમિયાન કોઈ આપણને ઊંઘતા ના ઝડપી લે.

ડો.કિશોર પંડ્યા

એ-101, નિર્મલ રેસિડેન્સિ, રજવાડું પાસે, જીવરાજ પાર્ક, વેજલપુર, અમદાવાદ-380051.

મોબાઈલ: 98 25 759666 e-mail:- kisspandya@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED