Kesar books and stories free download online pdf in Gujarati

કેસર

કેસર (વિજ્ઞાન લેખ) ડો.કિશોર પંડ્યા

‘સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા’ એ લોકગીતમાં કેસરને સોનાની વાટકીમાં ઘૂંટવાની વાત કરી છે. લોકહૈયામાં કેસરનું સ્થાન કેટલું ઊંચું છે તે વાત અહી ઉપસી આવી છે. ભારતીય સમાજમાં કેસરનું સ્થાન સર્વોચ્ચ છે અને સદાય રહેશે એ નિર્વિવાદ હકીકત છે. હિન્દુ પરિવારમાં કોઈ પણ ધાર્મિક અનુસ્થાનન હોય કે માંગલિક પ્રસંગ હોય, સૌભાગ્યવતીનું કુમકુમ હોય કે ઇષ્ટદેવની આરાધના, દરેક શુભ અવસરે કેસરનો ઉપયોગ થતો જોવા મળે છે. કેસર એ કેસર છે એની તોલે અન્ય કોઈ વનસ્પતિ આવતી નથી. કેસર એના રંગ અને ગુણને લીધે વિશેષ ઉપયોગી બની રહે છે.

ભારતનો જમ્મુ-કશ્મિરનો પ્રદેશ એ કેસરની જન્મભૂમિ છે. કેસરની ખેતી પંદર સો વરસથી અહિયાં નિયમિત રીતે થતી આવી છે. કાશ્મિર ખીણના પમ્પોર વિસ્તારમાં સન 550 થી કેસરની ખેતી શરૂ થઈ હોવાનો ઉલ્લેખ મળી આવે છે. આજે પણ આ વિસ્તારમાં કેસરની ખેતી થાય છે. જમ્મુના ડોડા જિલ્લાના કિશ્તવાડ તાલુકાનાં પૂછલ, મટ્થા, ચરહાર તથા ટુંડમાં ઉત્પન્ન થતું કેસર આજે વિશ્વનું સૌથી સારું અને સુગંધી કેસર ગણાય છે.

કશ્મીરનું વિશેષ પ્રકારનું વાતાવરણ, જમીનની ખાસ પ્રકારની માટી, ઢોળાવવાળી જમીન આ બધાને લીધે આ વિસ્તારમાં થતું કેસર દુનિયાભરમાં પંકાય છે. દેશ-દેશાવરમાં અહીના કેસરની મહેક ફેલાઈ છે. પમ્પોરમાંથી કેસરનો ફેલાવો અનેક જગ્યાએ થયો હોવા છતાં જમ્મુ કાશ્મીરનું હવામાન કેસરને માટે સવિશેષ અનુકૂળ હોવાથી અહી ઉચ્ચ ગુણવત્તાવાળું કેસર પ્રાપ્ત થાય છે.

કેસરનું સંસ્કૃત નામ ‘કશ્મીરજ’ છે. સંસ્કૃત નામ પરથી પણ માહિતી મળી રહે છે કે કાશ્મીરમાં પ્રાચિન કાળ થી કેસર ઉગાડવામાં આવે છે. કેસરને ઘણા લોકો જાફરાન તરીકે પણ ઓળખે છે. તમાકુને સુગંધીદાર બનાવવા માટે તેમાં કેસર ઉમેરવામાં આવે છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરન કરવામાં આવેલું છે, તેમાં કેસરનો છોડ ઇરિડેસી કૂળમાં આવે છે. કેસરનું વૈજ્ઞાનિક નામ ‘કોકસ સેટાઈવસ’ છે. સામાન્ય રીતે તેની ખેતી શુષ્ક શીતોષ્ણ વિસ્તારમાં સારી થાય છે. વર્ષ દરમિયાન ત્રીસ-ચાલીસ સેન્ટિમીટર જેટલો વરસાદ પડતો હોય એવા ઊંચા ઢોળાવવાળા વિસ્તારમાં તથા ફૂલ બેસે ત્યારે દિવસનું તાપમાન વીસથી ત્રીસ ડિગ્રી સેન્ટિગ્રેડ રહેતું હોય તે પ્રકારનું હવામાન કેસરને માટે સાનુકૂળ છે. ઓગષ્ટ મહિનાથી શરૂ કરી સપ્ટેમ્બર મહિનામાં કેસરની ખેતી શરૂ થાય છે.

કેસરની ગાંઠ ઢોળાવવાળી સમતલ જમીનમાં રોપવામાં આવે છે. એક જ ગાંઠમાથી દસ-પંદર વર્ષ સુધી ફસલ લઈ શકાય છે. કેસરનો છોડ નાનકડો હોય છે જે લગભફ ચાલીસ સેન્ટિમીટર એટલેકે સવાથી દોઢ ફૂટ જેટલો ઊંચો થાય છે. જ્યારે જમીનમાંથી છોડના અંકુર ફૂટે છે ત્યારે અણીદાર ઘાસ જેવો એનો દેખાવ હોય છે. પર્ણની વચમાંથી સરસ મજાનું જાંબલી રંગનું ફૂલ નીકળે છે, જે લામ્બા નળાકાર અને સોઈ જેવા આકારના હોય છે. ફૂલની પાંદડીઓ વચ્ચે પરાગ ભરેલી ત્રણ લાંબી કેસર દાંડી તથા ત્રણ નાની વળેલી પીળી દાંડીઓમાં કેસર હોય છે. લાંબી દાંડીનું કેસર સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. તે શાહી કેસર તરીકે ઓળખાય છે. નાની દાંડીમાં પણ કેસર હોય છે. આથી કેસરની શુધ્ધતા તપાસવી એ અઘરું કામ છે. ચાલીસથી પચાસ હજાર રૂપિયે કિલો મળતા કેસરનો ભાવ , કેવા પ્રકારનું કેસર છે એની ઉપર આધારિત હોય છે. એક કિલો કેસર મળવવા માટે લગભગ દોઢ લાખ જેટલા ફૂલ વીણવા પડે છે. કેસરનું ફળ અથવા સંપુટ – કેપ્સુલ તરીકે ઓળખાય છે. તેમાં બીજ હોતા નથી. તે બટેટા, આદું, હળદરની માફક જમીનમાં ફેલાય છે.

કેસર તૈયાર કરવા માટે સ્ત્રીકેસરના ઉપરનો ભાગ ઉપયોગમાં લેવાય છે.કેસરના વૃધ્ધિ અને વિકાસ માટે તાપ નુકસાન કારક છે, એટલે દિવસ ઊગે એ પહેલાં જ છોડ પર ઉગેલા ફૂલ વીણી લેવામાં આવે છે. ફૂલને શાહી જાફરાન, મોગરા, લચ્છો તેમજ તુરેલા એમ ચાર ભાગમાં જુદા પાડવામાં આવે છે.વીણેલા ફૂલોને સવાર-સાંજ ખુલ્લામાં સૂકવવામાં આવે છે.ત્યારબાદ તેને હવાચૂસ્ત ડબામાં ભરવામાં આવે છે.

કેસરનો ઉપયોગ શાહી પરિવારમાં થતો આવ્યો છે. મોગલ રાજવી અકબરે તેને શાહી ફસલ તરીકે ઓળખાવી છે. સૌંદર્ય પ્રસાધનોમાં એના રંગ અને સુગંધને લીધે કેસર વપરાય છે. પરંતુ હેનરી આઠમાએ ઇંગ્લેન્ડમાં સ્ત્રીઓ જે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરતી હતી તેમાં કેસરનો ઉપયોગ કરવા સામે પ્રતિબંધ મૂક્યો હતો.

કેસર અતિ મોંઘુ હોવાથી તેમાં ભેળસેળ થવાનું પ્રમાણ વધતું જાય છે. 1456ની સાલમાં હાંસ કોલબેલે કેસરમાં ભેળસેળ કરી એટલે નૂરેમ્બર્ગમાં એને જીવતો દાટી દેવામાં આવ્યો હતો. આજે કશ્મીરી કેસરની સાથે ઈરાની કેસરની ભેળસેળ થતી જોવા મળે છે.

ભારતનો એ ભવ્ય ભૂતકાળ હતો કે એક સમયે કેસરનું ઉત્પાદન માત્ર ભારતમાં જ થતું હતું. આપણે ત્યાંથી જ અન્ય દેશોમાં કેસરની નિકાસ થતી હતી. આજે દુનિયાના અનેક દેશોમાં કેસર ઉગાડવામાં આવે છે. તેમાં સ્પેનના લોમેકા વિસ્તારમાં કેસરની ખેતી થાય છે. આજે ભારત ઉપરાંત ઈરાન, સ્પેન, ગ્રીસ, અરબેઝન, મોરોક્કો-ઈટાલી વગેરે જગ્યાએ કેસર ઉગાડવામાં આવે છે.

બ્રીટનમા પણ ભારતના પગલે કેસરની ખેતી શરૂ થઈ ગઈ હતી. આજે કશ્મીર ઉપરાંત હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના ઉત્તર કાશી, પિથોરાગઢ, ગઢવાલ,સાંગલા વગેરે જિલ્લાઓમાં કેસરનું ઉત્પાદન લેવાના પ્રયાસો સફળતા પૂર્વક થઈ રહ્યા છે.

મીઠાઈમાં પણ રંગ અને સુગંધનો સુમેળ સાધવા કેસર સર્વશ્રેષ્ઠ બની રહે છે. પ્રાચીન ભારતમાં તેમ જ ગ્રીસ અને રોમમાં શાહી જનાનખાનામાં સ્નાન કરતી વખતે પાણીમાં કેસર ઉમેરવામાં આવતું હતું. તેનો ચળકતો પીળો રંગ ચિત્રકારીમાં વપરાતો હતો. ચીન અને ભારતમાં કાપડ રંગવા માટે કેસરનો ઉપયોગ થતો હતો.

કેસરમાં દોઢસો જેટલા બાષ્પશીલ પદાર્થો રહેલા છે. જેમાં મુખ્યત્વે ઝેન્થેનીન અને લાઈકોપીન હોય છે.તેના રંગ માટે આલ્ફા ક્રોસીન મુખ્ય રસાયણ છે જ્યારે સુગંધનું કારણ સેફ્રેનાલ છે. કેસરનો ઉપયોગ દવામાં થાય છે. આયુર્વેદ અને યુનાની પધ્ધતિથી તૈયાર થતી દવાઓમાં કેસર વપરાય છે. પ્રાચીન સમયમાં 90 જેટલા રોગો માટે કેસર ઈલાજ કરવા માટે વપરાતું હતું. આધુનિક વિજ્ઞાને કેન્સર સામે તેમ જ એન્ટિ ઓક્સિડંટ તરીકે કેસરને મહત્વનુ ઔષધ ગણાવ્યું છે॰

વૈશ્વિક બઝારમાં કેસરની માંગ વધતી જતી હોવાથી અનેક નવા વિસ્તારોમાં એની ખેતી કરવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતનું હવામાન જુલાઈથી ફેબ્રુઆરી સુધી ઓછું તાપમાન રહેતું હોવાથી અને પર્વતીય વિસ્તારને લીધે ઢોળાવવાળી જમીનમાં કેસરનું ઉત્પાદન કરી શકાય એ પ્રકારની શક્યતા રહેલી છે.

*** *** ***

ડો.કિશોર પંડ્યા

એ-101, નિર્મલ રેસિડેન્સિ , રજવાડું પાસે, જીવરાજ પાર્ક, વેજલપુર, અમદાવાદ-380 051

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED