થોડાસા રૂમાની હો જાયે Dr Kamdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થોડાસા રૂમાની હો જાયે

કોલમ હેડિંગ- થોડાસા રૂમાની હો જાયે

આર્ટિકલ હેડિંગ- સેક્સને પીડાદાયક બનાવતું મેનોપોઝ

લેખકઃ ડૉ.કામદેવ

વૈવાહિક જીવનના સત્તાવીસ વર્ષો બાદ અંજનાનો રસ સેક્સમાંથી ઊડવા લાગ્યો. પિસ્તાલીસની વયે પહોંચેલી અંજનાને સેક્સ દરમિયાન યોનિમાં પીડા અને બળતરા થતી. તેનો પતિ મહેશ કોઈપણ પ્રકારના ફોરપ્લે વિના સીધું જ સેક્સકર્મ શરૂ કરી દેતો. યુવાનીના વર્ષોમાં તો અંજનાની યોનિમાં ચિકાશનો યોગ્ય સ્ત્રાવ થતો એટલે ખાસ પીડા નહોતી થતી પણ વધતી વયે તે મેનોપોઝમાં આવી એ પછી ખરી સમસ્યા શરૂ થઈ. યોનિમાં શિશ્નપ્રવેશ થાય એ સાથે જ તેને ખૂબ બળતરા થતી. ભૂતકાળમાં સમાગમને ભરપૂર માણતી અંજના મનોમન ઈચ્છતી કે આ કસરત જેમ બને એમ જલદી પતે તો સારું! મહેશ માટે હજીય આનંદમય પ્રક્રિયા રહેલું સેક્સ અંજના માટે તો હવે ફક્ત કસરતમાત્ર રહી ગયું હતું, પણ એ બિચારી ફરિયાદ કરી શકતી નહોતી.

બીજો એક કિસ્સો પચાસની વયે પહોંચેલી કવિતાનો જોઈએ. અવિવાહિત એવી કવિતાના જીવનમાં સેક્સનો સદંતર અભાવ હતો. પાકટ વયે હવે તેનું માસિક બંધ થઈ ચૂક્યું હતું અને એને લીધે તેની યોનિમાં સૂકાપણું આવી ગયું હતું. મેનોપોઝની આડઅસર રૂપે તેને યોનિમાર્ગમાં ખંજવાળની સમસ્યા શરૂ થઈ હતી. ગમે ત્યારે તેને ખંજવાળ ઊઠતી. ઘરે હોય ત્યારે તો ઠીક પણ જાહેર સ્થળોએ આવું થાય ત્યારે તેની પરિસ્થિતિ વિકટ થઈ જતી. શરમાળ સ્વભાવ હોવાથી તે પોતાની સમસ્યા વિશે કોઈને કહી શકતી નહોતી અને મનોમન મૂંઝાતી રહેતી હતી.

ઉપરોક્ત બંને સમસ્યા મેનોપોઝને લીધે સર્જાઈ હતી. આવી સમસ્યાઓને ગંભીરતાથી લઈને યોગ્ય સારવાર કરાવવામાં આવે તો તેનાથી ચોક્ક્સ છૂટકારો મેળવી શકાય છે.

મહિલાઓને દર મહિને આવતું માસિક ખરેખર તો તેમની સેક્સલાઈફ માટે લુબ્રિકેશનનું કામ કરતું હોય છે. પ્રૌઢ વયે માસિક બંધ થતાં યોનિમાં ચિકાશ તદ્દન ઘટી જાય છે. આ સ્થિતિને મેનોપોઝ (રજોનિવૃત્તિકાળ) કહેવાય છે. આ એક અત્યંત સહજ શારીરિક પરિવર્તન છે. સ્ત્રીનાં અંડાશયમાંથી બનતો ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઘટવાને કારણે યોનિમાર્ગમાં સૂકાપણું આવી જાય છે. યોનિમાર્ગની અંદરની દીવાલ પોથેલિયમ ઉપર અસર થવાથી ‘ડ્રાય’ અથવા ‘એટ્રોફિક વજાઇના’ જેવી સ્થિતિ થઈ શકે છે. મેનોપોઝ વખતે ઇસ્ટ્રોજનની માત્રા ઘટવાને કારણે સ્ત્રીની કામેચ્છામાં ઘટાડો થઈ શકે છે એવામાં સીધો શિશ્નપ્રવેશ પીડાદાયક નીવડતો હોઈને સ્ત્રી સેક્સથી ઓર વિમુખ થઈ શકે છે. પીડાને લીધે મહિલાને સેક્સ થકી મળતા આનંદમાં ઘટાડો થાય છે. યોગ્ય લુબ્રિકેશનને અભાવે સેક્સ મજા ઓછી અને સજા વધુ સાબિત થાય છે, પરિણામે સ્ત્રી સેક્સ ટાળવાની કોશિશ કરતી રહે છે અને દંપતિની સેક્સલાઇફ ખોરવાઈ જાય છે. ઘણી સ્ત્રીઓ તો મેનોપોઝ શરૂ થાય એટલે પોતાની સેક્સલાઇફ પૂરી એવું ધારી બેસે છે અને પછી ફક્ત પતિને ખરાબ ન લાગે એ માટે એક રોબોટની જેમ સેક્સકર્મમાં જોડાતી રહે છે.

મેનોપોઝની અવસ્થા સ્ત્રીને શારીરિક ઉપરાંત માનસિક રીતે પણ અસર કરતી જોવા મળે છે. ઘણી સ્ત્રીઓ ઉદાસ, અસ્વસ્થ અને ચીડિયા સ્વભાવની થઈ જતી હોય છે. તેમની ભૂખ, ઊંઘ, વિચારશક્તિ ઉપર પણ આ શારીરિક બદલાવો નકારાત્મક અસરો કરતા હોય છે. મહિલાઓમાં નિરુત્સાહ, અણગમો, કંટાળો, થાક જેવા લક્ષણો તો બહુ સામાન્ય થઈ પડે છે. અને અમુક કિસ્સાઓમાં તો સ્ત્રીઓ ડિપ્રેશનનો ભોગ પણ બનતી હોય છે. નવાઈની વાત એ છે કે મોટાભાગની સ્ત્રીઓ મેનોપોઝને લીધે પોતાની માનસિક અવસ્થા ખોરવાઈ રહી છે એનાથી અજ્ઞાત જ રહે છે. તેમને ખ્યાલ જ નથી આવતો કે મેનોપોઝ જેવી અવસ્થાને લીધે આવી પણ માનસિક સમસ્યા સર્જાઈ શકે છે. અને અજ્ઞાનેને પરિણામે તેઓ કોઈપણ પ્રકારની ડોક્ટરી સારવાર લેવા તૈયાર થતી નથી, જેને લીધે તેમની સમસ્યા ઓર વકરે છે.

સ્ત્રીની શારીરિક અને માનસિક સ્થિતિ ખોરવી નાંખતા મેનોપોઝ સાથે કામ પાર પાડવા માટે પુરુષે થોડી ધીરજપૂર્વક કામ લેવું પડે છે. સૌથી પહેલી વાત એ ધ્યાન રાખવી કે બેડરૂમમાં પ્રવેશીને તરત જ સેક્સ શરૂ ન કરવું. ભરયુવાનીમાં આવું કરનાર પુરુષે પણ હવે થોડું સાચવીને આગળ વધવું જોઈએ. યાદ રાખવું કે કોઈપણ પ્રકારની જલ્દબાજી પાર્ટનરને નુકસાન પહોંચાડી શકે છે. યોનિપ્રવેશ પહેલા યોગ્ય માત્રામાં ફોર પ્લે કરવું, જેથી કામક્રિયા માટે સ્ત્રીશરીર પૂરી રીતે તૈયાર થાય છે. લુબ્રિકેશન મળે એ માટે નારિયેળ તેલ, ક્રીમ અથવા વોટર કે ઓઇલ બેઝ્ડ જેલી વાપરવું. લુબ્રિકેશન વાપરવામાં કંજૂસી ના કરવી. યોનિની અંદર યોગ્ય ચિકાશ જણાય છે કે નહીં એ સ્ત્રીને જ પૂછી લેવું જેથી જનનાંગોનું મિલન આસાન બને. સ્ત્રી પૂરી રીતે તૈયાર થાય પછી જ શિશ્નપ્રવેશ કરાવવો.

યોગ્ય લુબ્રિકેશનના ઉપયોગ થકી મોટેભાગે તો સ્ત્રી માટે પીડાદાયક સંભોગની સ્થિતિ નિવારી શકાતી હોય છે, પણ ઇસ્ટ્રોજનની ઊણપને લીધે જો વધુ પડતી જાતીય તકલીફો હોય તો ડૉક્ટરની સલાહ લઈ ‘હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી’ લેવી જોઈએ. ઇસ્ટ્રોજન ત્રણ પ્રકારના હોય છે. પહેલો ‘ઇથનિલ ઇસ્ટ્રિડાયોલ’, જે સ્ટ્રોંગ હોય છે. એ ‘ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ’નો એક ભાગ હોય છે. બીજો નેચરલ ઇસ્ટ્રોજન ‘ઇસ્ટ્રોન’ છે તથા ત્રીજો ‘ઇસ્ટ્રિઓલ’, જે ઓછો તીવ્ર છે. આ ત્રણ પૈકી કઈ થેરપી કઈ સ્ત્રી માટે બેસ્ટ ગણાય એ ડૉક્ટર પર છોડી દેવું. સ્ત્રીના શરીરની પૂરી તપાસ બાદ નિષ્ણાંત ડોક્ટર જ નક્કી કરી શકે કે એને કયા હોર્મોનની જરૂર છે અને કેટલી માત્રામાં. આ પ્રકારની હોર્મોન ટ્રીટમેન્ટથી શરીરમાં ખોરવાયેલા હોર્મોનને ટ્રેક પર લાવી શકાય છે અને એ પછી આપની ખોરવાયેલી સેક્સની ગાડીને પણ ટ્રેક પર આવતા વાર નહીં લાગે.