verchual detingna jokhamo books and stories free download online pdf in Gujarati

વર્ચ્યુઅલ ડેટિંગના જોખમો

થોડા સા રૂમાની હો જાયે

વર્ચ્યુઅલ ડેટિંગના જોખમો

લેખકઃ ડૉ.કામદેવ

સોશિયલ મીડિયાના ઘણા લાભ છે, તો ઘણા ગેરલાભ પણ છે. એક જોખમી પાસું છે ઓનલાઇન ડેટિંગ! ઓનલાઇન ડેટિંગની સગવડ પૂરી પાડતી વેબસાઇટનો ફાયદો એ છે કે, વાસ્તવિક જીવનમાં લોકોને હળવા-મળવામાં લઘુતાગ્રંથિ અનુભવતા શરમાળ-અંતર્મુખી લોકો આવી સાઇટ્સના માધ્યમથી મિત્રો બનાવી શકે છે અને ડેટિંગ માટે પાર્ટનર પણ શોધી શકે છે. જોકે ઓનલાઇન ડેટિંગના આ દેખીતા ફાયદા સામે ઘણા ગેરફાયદા પણ છે. પહેલા અમુક વાસ્તવિક કિસ્સાઓ જોઈએ.

એક જાણીતી ઓનલાઇન ડેટિંગ સાઇટ પરથી વિશ્વાને એક યુવાનનો પરિચય થયો. થોડા દિવસોની ચેટિંગ દરમિયાન ફોટોગ્રાફ્સ અને ફોન નંબરની આપ-લે થઈ. એક દિવસ રૂબરૂ મુલાકાત ગોઠવાઈ. પણ વિશ્વા માટે એ મિટિંગ આઘાતજનક નીવડી કેમ કે જેને તે અત્યાર સુધી યુવાન સમજતી હતી એ તો કોઈ આધેડ વયનો પુરુષ નીકળ્યો. તેણે જે ફોટા શેર કર્યા હતા એ પણ કોઈ બીજા જ યુવાનના હતા. પેલાએ માફી માગી પણ વિશ્વા તેને માફ કરવાના મૂડમાં નહોતી. એ જૂઠાડાને બરાબરનો ખખડાવી વિશ્વા ત્યાંથી જતી રહી. ગણતરીના કલાકોમાં વિશ્વાના ફોન પર બિભત્સ માગણી કરતા ફોન કોલ્સ આવવા લાગ્યા. પેલા નાલાયકે વિશ્વાનો ફોન નંબર ઇન્ટરનેટ પર મૂકીને તેને કોલગર્લ તરીકે ખપાવી દીધી હતી! બે-ત્રણ દિવસના સતત માનસિક ત્રાસ બાદ વિશ્વાએ પોલિસ ફરિયાદ કરવી પડી.

બીજા એક કિસ્સામાં અનન્યા નામની એક પરિણિત મહિલા ફક્ત મિત્ર બનાવવાના ઈરાદાથી ઓનલાઇન ડેટિંગ સાઇટ પર ચેટિંગ કરતી હતી. કોઈ પુરુષને મળીને રોમાન્સ કરવાની તેને જરાય ઈચ્છા નહોતી. પોતાનું નામ અભય જણાવતો એક યુવાન અનન્યા સાથે લાંબા સમયથી ચેટિંગ કરતો હતો. એક દિવસ તેણે રૂબરૂ મળવાની માગણી કરી. અનન્યાએ તેને ના પાડી ત્યારે અભયે તેને બ્લેકમેઇલ કરવા માંડી. તેની પાસે અનન્યાના ફોન નંબર, ઘરનું એડ્રેસ, પરિવારજનો વિશેની માહિતી વગેરે બધું જ હતું (ખુદ અનન્યાએ તેને મિત્રભાવે એ બધું જણાવ્યું હતું) એટલે જો તે મળવા નહીં આવે તો અભયે તેના ઘરે ફોન કરી તેને બદનામ કરી દેવાની ધમકી આપી. અનન્યા ડરી ગઈ અને અભયને શરણે થઈ ગઈ. અભય તેની મજબૂરીનો લાભ ઊઠાવી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો.

ત્રીજા કિસ્સામાં મંથન નામના હેન્ડસમ યુવાનના ફોટોગ્રાફ્સ એના પ્રોફાઇલ પરથી ડાઉનલોડ કરીને કોઈક ભેજાબાજે પોર્ન વેબસાઇટ્સ પર વેચી માર્યા હતા. ગણતરીના દિવસોમાં મંથનના સંપૂર્ણ નગ્ન ફોટા પોર્ન સાઇટ્સના ઇન્ડિયન સેક્શનમાં ધૂમ મચાવવા લાગ્યા. એ ફોટામાં ચહેરો તો મંથનનો હતો પણ બાકીનું શરીર કોઈ ભળતા જ યુવાનનું હતું. પોતાની લાઇફ સાથે કરવામાં આવેલા આ ચેડાંની મંથનને જાણ થઈ ત્યાં સુધીમાં તો તે અનેક પોર્ન સાઇટ્સની શાન બની ચૂક્યો હતો!

ચોથો કિસ્સો થોડો ફની છે. ઓનલાઇન ડેટિંગના માધ્યમે પ્રાર્થનને પ્રતિક્ષા નામની છોકરીનો પરિચય થયો. એકાદ-બે મહિનાના ચેટિંગમાં પ્રાર્થનને પ્રેમ થઈ ગયો. એક દિવસ બંનેએ મળવાનું નક્કી કર્યું. પ્રાર્થન તો જાણે કે હવામાં ઊડી રહ્યો હતો. પણ તેનો ઉત્સાહ ત્યારે કડડભૂસ થઈ ગયો જ્યારે તે પ્રતિક્ષાને મળ્યો. પ્રતિક્ષા ખરેખર તો છોકરી નહીં બલકે છોકરો હતી, કે હતો! અત્યાર સુધી પ્રાર્થન જેને બાઈ સમજતો હતો એ તો હકીકતમાં ભાઈ નીકળ્યો! ફની, રાઇટ?

ઉપરોક્ત કિસ્સાઓ ચોંકાવનારા છે. ઓનલાઇન મૂકાતી અંગત વાતોનો મિસયૂઝ કઈ રીતે થઈ શકે એની ફક્ત એક ઝલક છે આ કિસ્સાઓ. ગણતરીના પ્રશ્નોના જવાબ આપીને ઓનલાઇન ડેટિંગ સાઇટ્સના મફતમાં મેમ્બર બની જવું આસાન હોય છે. ઘણી સાઇટ્સ શરૂઆતમાં અમુક દિવસો ફ્રી સર્વિસ આપ્યા પછી ચાર્જ વસૂલ કરતી હોય છે. વર્ષોથી જામી પડેલી અને લાખોની સંખ્યામાં કસ્ટમર ધરાવતી અમુક સાઇટ્સ દાવા કરતી હોય છે કે, તેમના કસ્ટમર્સની માહિતી તેઓ ખાનગી જ રાખે છે, પણ આવા દાવાઓથી ભરમાવાની જરૂર નથી. એક વાત હંમેશાં યાદ રાખવી કે ઇન્ટરનેટ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં મૂકાયેલી કોઈપણ માહિતી ખાનગી નથી રહેતી. ભેજાબાજ, ભાંગફોડિયા હેકર્સ અમેરિકન સંરક્ષણ સંસ્થા પેન્ટાગોનની ફાઇલ્સ ચોરી લેતા હોય તો ઇન્ટરનેટ પર મૂકાયેલી મારી-તમારી અંગત વાતો કેટલી અંગત રહી શકે?

મંથનના કિસ્સામાં જોયું એમ આવી સાઇટ્સ પર મૂકાયેલા ફોટોગ્રાફ્સનો મિસયૂઝ થવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે. અનેક સેલિબ્રિટીના ફોટામાંથી તેમનો ચહેરો લઈને નગ્ન મોડેલ્સના શરીર પર ચોંટાડી તેની રોકડી કરવામાં આવતી હોય છે. આવી હરકત તમારા ફોટા સાથે પણ થઈ શકે છે. વિશ્વાના કિસ્સામાં જોયું એમ તમારો ફોન ઓનલાઇન મૂકીને તમને કોલગર્લ તરીકે બદનામ કરી દેવાનું પણ શક્ય છે. શક્ય હોય તો તમારા અને તમારા બાળકોના ફોટોગ્રાફ્સ પણ ઓનલાઇન શેર કરવાનું ટાળો. વિકૃત દિમાગના લોકો બાળકોના ફોટાનો પણ મિસયૂઝ કરતા પકડાયા છે.

ભારતમાં હજુ પણ ઓનલાઇન ડેટિંગને અયોગ્ય માનનારો બહોળો વર્ગ છે. લોકો ચોરીછૂપે ઓનલાઇન ડેટિંગ કરતા હોય છે એટલે એવા લોકોને બદનામ કરવાના ડરે બ્લેકમેઇલિંગ કરનારાને ફાવતું મળી રહે છે, જે આપણે અનન્યાના કેસમાં જોયું.

ઓનલાઇન ડેટિંગ માટેની સેફ્ટી ટિપ્સઃ

આવી સાઇટ્સ પર મોટેભાગે તો પરિચયની શરૂઆત જૂઠાણાથી જ થતી હોય છે. પોતાને સારી, સભ્ય, ભરોસાપાત્ર વ્યક્તિ તરીકે પ્રસ્તુત કરવા માટે જૂઠાણા ખડકાતા રહે છે. ખોટી ઉંમર અને ખોટા નામ-સરનામાં તો ઠીક અહીં તો લોકો જેન્ડર પણ ખોટું જણાવતા હોય છે. પોતે કુંવારા હોવાના જૂઠાણાથી લઈને જાતિ-ધર્મ-દેખાવ-વ્યવસાય-આવક સુધીની અનેક બાબતે ખોટા દાવાઓ થતા રહે છે. વ્યક્તિની પ્રત્યક્ષ હાજરીમાં જૂઠ બોલવામાં બે આંખની શરમ નડતી હોય છે, પણ કમ્પ્યુટર સામે બેસીને ટાઇપિંગ કરતી વખતે આવી મર્યાદા નહીં નડતી હોવાથી લોકો બેફામ જૂઠાણાનો મારો ચલાવતા હોય છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે પ્રથમ પરિચયમાં પોતાના વિશે સંપૂર્ણ સાચી માહિતી આપતી હશે. માટે કોઈને પણ રૂબરૂ મળતા પહેલા લાંબા સમય સુધી તેની સાથે ચેટિંગ કરવું. ભરોસાપાસ લાગે એવી વ્યક્તિને જ મળવું.

અમુક વેબસાઇટ્સ ‘ક્રિમિનલ ચેક’ કરતી હોય છે. આ એક એવી સિસ્ટમ છે જેમાં ભૂતકાળમાં અન્યો સાથે ખરાબ વ્યવહાર કરનાર કસ્ટમરનો રેકોર્ડ તેની પ્રોફાઇલમાં દેખાડાતો હોય છે અને વધુ માથાભારે હોય એવાનું તો સભ્યપદ જ રદ કરી દેવામાં આવે છે. એટલે જોખમી તત્વોથી બચવું હોય તો ‘ક્રિમિનલ ચેક’ ધરાવતી સાઇટ્સનું જ સભ્યપદ લેવું.

નવી વ્યક્તિને મળો ત્યારે રેલવે કે બસ સ્ટેશન, ગાર્ડન કે રેસ્ટોરાં જેવા પબ્લિક પ્લેસ પર જ મળો, જેથી તમારી સલામતિ જળવાઈ રહે. રાતને બદલે દિવસે જ મળવાનું રાખો. શક્ય હોય તો તમારા કોઈ મિત્ર કે પરિજનને તમે ક્યારે, ક્યાં અને કોને મળવાના છો એની માહિતી આપી રાખો જેથી તમે કોઈ જોખમમાં ફસાઈ જાઓ તો એ માહિતી મદદે આવી શકે. મિટિંગ દરમિયાન તમારા ઓળખીતાને અમસ્તો જ એકાદ ફોન કોલ કરી દો જેથી સામેવાળી વ્યક્તિને ખબર પડે કે, કોઈ તમારી ડેટ વિશે જાણે છે.

સાચવવાનું ફક્ત તમારે જ નથી પણ તમારા ટિનેજર બાળકો પર પણ નજર રાખવાની છે કે ક્યાંક તેઓ તો આવી વેબસાઇટ્સ યુઝ નથી કરતાને! એક સર્વે મુજબ આવી સાઇટ્સ પરથી ટીનેજ યુવતીઓને ભોળવી દેવાનું અને એમનું શારીરિક શોષણ કરવાનું બહુ આસાન બની રહ્યું છે.

ઓનલાઇન ડેટિંગ થકી મળેલા લોકો બળાત્કાર અને હત્યા જેવા જઘન્ય અપરાધોનો ભોગ બન્યાના કિસ્સા પણ બન્યા છે! પશ્ચિમી દેશોમાં તો ધર્મનો આશરો લઈને ટીનેજર્સને ભોળવવામાં આવતા હોવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે. બાઇબલના આદર્શ વચનો લખી-સંભળાવીને ક્રિમિનલ માઇન્ડના લોકો ટીનેજર્સને ભોળવે છે અને પછી રૂબરૂ મળીને ક્યાં તો તેમનું સેક્સયુઅલ એક્સ્પ્લોઇટેશન કરે છે અથવા તેમની પાસે નાણાં કઢાવવા બ્લેકમેઇલિંગનો રસ્તો અપનાવે છે.

વાત આખીનો ટૂંકસાર એ જ કે ઓનલાઇન ડેટિંગ કરવામાં વાંધો નથી, પણ ક્યાંક ફસાઈ ન જવાય એ માટેની તકેદારી રાખવી અને કોઈના પર પણ આંધળો વિશ્વાસ ન મૂકવો.

નોંધઃ લેખમાં લેવાયેલા તમામ નામો કાલ્પનિક છે.

બીજા રસપ્રદ વિકલ્પો