Thoda sa Rumani ho Jaye books and stories free download online pdf in Gujarati

થોડાસા રૂમાની હો જાયે

કોલમ હેડિંગ- થોડાસા રૂમાની હો જાયે

આર્ટિકલ હેડિંગ- જાહેર સ્થળોએ કામાચાર! કેટલું યોગ્ય, કેટલું અયોગ્ય?

લેખકઃ ડૉ.કામદેવ

રવિવારનો દિવસ અને બપોરનો સમય હોવાથી મુંબઈની લોકલ ટ્રેન ખાસ્સી ખાલી હતી. મધુરિમા પોતાની દસ વર્ષની દીકરી સાથે ટ્રેનમાં બેઠી. થોડીવારમાં મધુરિમાના ધ્યાન પર આવ્યું કે ખૂણામાં બેઠેલું એક યુવા કપલ અણછાજતી હરકતો કરી રહ્યું હતું. છોકરો-છોકરી બંને પ્રેમમાં એટલા મશગૂલ હતા કે જાણે એમને આસપાસની દુનિયાનું ભાન જ નહોતું. મધુરિમાએ થોડો સમય તો આંખ આડા કાન કર્યા, દીકરી એમના તરફ ના જુએ એનીય તકેદારી રાખી, પણ પેલા પેમલા-પેમલીના ચેનચાળા હદ બહાર જવા લાગ્યા, તેમના રૂમાની અવાજો કાને અથડાવા લાગ્યા, ત્યારે તેનાથી ના રહેવાયું. તેણે ઊઠીને બંનેને ટપાર્યા કે આવી હરકતો જાહેરમાં ના કરો. ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટેને નાતે બંને જણા મધુરિમા પર વરસી પડ્યા. કહેવા લાગ્યા, ‘આંટી, આપ અપના કામ કરો ના. હમેં ક્યું દેખ રહે હો? હમ કુછ ભી કરેં. હમારી મરજી.’

મધુરિમાએ કડક શબ્દોમાં ઠપકો આપ્યો એટલે પેલા બંને જાણે કે બાઝવા આવ્યા. આજુબાજુ બેઠેલા પ્રવાસી મધુરિમાની વહારે આવ્યા અને સૌએ એક થઈ પેલા કપલને ખખડાવી નાંખ્યું. સામા થયેલા યુવાનને બે-ત્રણ પુરુષ યાત્રીઓએ ભેગા મળી ફટકારી દીધો અને આગલા સ્ટેશને રેલવે પોલીસને બોલાવી બંને પાસે માફી મગાવી. રેલવે પોલીસે ઠપકો આપી એમને જવા તો દીધા, પણ એ દરમિયાન લોકજોણું થયું અને એ ઉન્મુક્ત પ્રેમીપંખીડાનું અપમાન પણ થયું.

બીજા એક કિસ્સો જોઈએ. મુંબઈના જુહૂ બીચ પર ચોપાટી પર ગોઠવાયેલા પથ્થરોની ઓથે રોમાન્સ કરતા કપલ્સ દેખાવાનું બહુ સહજ છે. પોલીસ કોન્સ્ટેબલ છાશવારે આવા કપલ્સને ઝડપી પાડતા હોય છે. આકાશ અને આકાંક્ષા આવું જ એક કપલ હતું. એક દિવસ ઢળતી સાંજે બંને એક મોટા પથ્થરની પાછળ એકાંત માણી રહ્યા હતા. આસપાસ કોઈ નથી એમ માની તેઓ બિન્દાસ બની ગયા. હળવા રોમાન્સથી શરૂ થયેલી રૂમાનીયત ગંભીર રૂપ ધારણ કરવા લાગી. તેઓ મર્યાદા ચૂકીને હદ વટાવવા લાગ્યા ત્યારે તેઓ એ વાતથી બેખબર હતા કે ત્રણ ટીખળિયાં યુવાનો તેમની અંગત ક્ષણોને મોબાઇલમાં કેદ કરી રહ્યા હતા! અચાનક આકાંક્ષાની નજર નજીકમાં છુપાઈને તેમનું શૂટિંગ કરી રહેલા એ મસ્તીખોર યુવાનો તરફ ગયું. બંને હાંફળા-ફાંફળા થઈ ગયા. આકાશને પોતાના કપડાં ઠીકઠાક કરવામાં અમુક સેકન્ડ લાગી અને એનો લાભ ઊઠાવી પેલા ત્રણે પલાયન થઈ ગયા. આકાશે એમનો પીછો કર્યો પણ પેલા ના ઝડપાયા. એ જ રાતે આકાશ અને આકાંક્ષાની અંગત પળો મુંબઈના સેંકડો મોબાઇલ ફોન્સના વોટ્સએપને શોભાવી રહી હતી. જાહેરમાં કામાચાર આચરવાનું આટલું ભારે પડશે એનો આકાશ-અકાંક્ષાને સહેજ પણ અંદાજ નહોતો. બદનામીથી બચવા તેઓ અઠવાડિયા સુધી મુંબઈથી દૂર આવેલા આકાંક્ષાના પિયરમાં છુપાઈ રહ્યા. હકીકતમાં બંને પતિ-પત્ની હતા, પણ નાનકડા ઘરમાં મોટા પરિવાર સાથે રહેતા હોવાથી એકાંત માણી નહોતા શકતા એટલે…

મુંબઈના એ કપલ જોડે જે થયું એમાં વાંક એ કપલનો જ હતો. તમારા ઘરમાં રોમાન્સ કરવાની તક ન મળતી હોય એનો અર્થ એ નથી કે તમે જાહેરમાં પ્રેમનું પ્રદર્શન કરવા માંડો. આવું જોખમ ઊઠાવશો તો ઉપરોક્ત બે કિસ્સામાં જોયું એમ પસ્તાવાનો વારો આવશે જ. માત્ર ભારત જેવા પારંપરિક દેશમાં જ નહીં પણ દુનિયાના મોટાભાગના દેશોમાં જાહેરમાં વધુ પડતા પ્રેમપ્રદર્શનને અશોભનીય ગણવામાં આવે છે. પ્રેમની અભિવ્યક્તિ ખાનગીમાં કરવાની હોય, એને જાહેર જનતા માટે ખુલ્લી ના મૂકવાની હોય. હાથમાં હાથ પકડીને ચાલવું કે હળવું આલિંગન કરવું હજુ સ્વીકૃત છે, પણ એકબીજાના શરીર સાથે અડપલાં કરવા અને જાતીય મજા માણવા સુધી પહોંચી જવું સહેજ પણ સ્વીકાર્ય નથી. જાહેરમાં પ્રેમચેષ્ટા થતી હોય તો એની બાળકો અને કુમળા માનસના કિશોર-કિશોરીઓ પર અવળી અસર પડી શકે છે.

પબ્લિક પ્લેસીસ પર લવમેકિંગમાં કશું ખોટું ન જોનારા કદાચ દલીલ કરશે કે, આપણા દેશમાં કામસૂત્ર રચાયું છે અને અહીં ખજૂરાહોના મંદિરો પર મૈથુનશિલ્પોની ભરમાર છે, તો પછી આવો દંભ શા માટે રાખવો? આવા લોકોને કહેવાનું કે, સમાજમાં સભ્યતા જાળવવાની દરેક વ્યક્તિની ફરજ છે, અને પ્રેમપ્રદર્શનની હરકત કે હિમાયત કરીને આપણે એ ફરજ ચૂકીએ છીએ. બીજાની પરવા ન કરનારા આવા આધુનિક લોકો શું એમના જ કુમળી વયના સંતાનો સામે પ્રેમાસક્ત થવા તૈયાર છે? એમની સાથે ક્યાંક જતું એમનું અબુધ બાળક કોઈ અન્ય કપલને અઘટિત દશામાં જોઈને એમને પ્રશ્ન કરશે તો એમને કેવું લાગશે? ઘરમાં હાથે જમનારા લોકો હોટલમાં જાય તો કેવા છરી-કાંટાથી જમવા લાગે છે! પોતે સભ્ય દેખાય એ માટે જ ને? બાકી એવો તો કોઈ કાયદો નથી કે હોટલમાં હાથેથી જમી ન શકાય. આ જ વાત પ્રેમપ્રદર્શનને પણ લાગુ પડે છે. અંગત ક્ષણો ઘરની અંદર જ માણવાની હોય, જાહેરમાં નહીં.

સવાલ ફક્ત બાળકોનો જ નથી, વડીલોની આમાન્યા પણ જળવાવી જોઈએ. અને જેમણે પ્રેમાચાર કરવો જ છે એમને માટે હોટેલ્સની ક્યાં કમી છે. પ્રેમપ્રદર્શન ચાર દીવાલો વચ્ચે આકાર લે એ જરૂરી છે. કામપ્રસંગની જાહેર નુમાઈશ ન થાય એ તંદુરસ્ત સમાજ માટે ઈચ્છનીય છે.

નોંધઃ લેખમાં લેવાયેલા તમામ નામો કાલ્પનિક છે.

‘કામ’નું ક્વૉટ

સ્ત્રી સેક્સ માટે કારણ શોધે છે, પુરુષ ફક્ત જગ્યા.

  • બિલિ ક્રિસ્ટલ (હોલિવુડ એક્ટર)
  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED