Featured Books
શ્રેણી
શેયર કરો

સેક્સલાઇફ તંદુરસ્ત રાખવા જરૂરી હાઇજિન કોન્સિયસનેસ

કોલમ હેડિંગ- થોડા સા રૂમાની હો જાયે

આર્ટિકલ હેડિંગ- સેક્સલાઇફ તંદુરસ્ત રાખવા જરૂરી હાઇજિન કોન્સિયસનેસ

લેખકઃ ડૉ.કામદેવ

સંજય અને રાધિકાના નવા નવા લગ્ન થયા હતા. નિમ્નમધ્યમ વર્ગનો તેમનો પરિવાર. સુરત શહેરની ભાગોળે વસેલું નાનકડું ગામ. ઘરમાં ખાસ કોઈ સુવિધા નહિં. નહાવાનુંય ઘરની પાછળના ખુલ્લા ખેતરમાં. રાધિકા વહેલી સવારે ઊઠીને અંધારાનો લાભ લઈ ફટાફટ નહાઈ લેતી. પછી આખો દિવસ કામ, કામ ને કામ. રાતે સંજય ખેતર કે વાડીએથી પાછો ફરતો અને બંને પ્રેમમાં પરોવાતા. સદ્‍ભાગ્યે તેમને એક નાનકડો અલાયદો રૂમ ફાળવી આપવામાં આવ્યો હતો એટલે એમની સેક્સ લાઇફમાં કોઈ રૂકાવટ નહોતી આવતી. પણ થોડા દિવસ બાદ સંજયને બે સાથળ વચ્ચે કંઈક ચેપ લાગ્યો. શરૂઆતમાં તો તેણે ખાસ ધ્યાન ન આપ્યું પણ વારે વારે થતી ખંજવાળ અસહ્ય બનવા લાગી ત્યારે તે નાછૂટકે ગામના વૈદ પાસે દવા લેવા ગયો. વૈદજીએ તેને પેન્ટ ઉતારીને સમસ્યા બતાવવા કહ્યું ત્યારે સંજય શરમથી લાલ લાલ થઈ ગયો. ભારે ક્ષોભ સાથે તેણે વૈદને પોતાની સમસ્યા દેખાડી. તેના બે પગ વચ્ચેનો હિસ્સો ચામડીના રોગથી ખૂબ જ ખરાબ રીતે ગ્રસિત થઈ ગયો હતો. શિશ્નની આસપાસ અને બંને જાંઘોની ચામડી રોગગ્રસ્ત થઈને કાળી પડી ગઈ હતી. વૈદજી જણાવ્યું કે એ દરાઝનો ચેપ હતો. તેમણે પૂછ્યું તો સંજયે જણાવ્યું કે, તેની પત્ની રાધિકાના પણ એ જ હાલ હતા. કોણે કોને ચેપ લગાડ્યો હતો એની એ અબૂધ દંપતિને ખબર જ નહોતી. વૈદજીએ મલમ આપ્યો અને સાથોસાથ પતિ-પત્ની બંનેને હાઇજિન કોન્સિયસ (જનનાંગોની વ્યવસ્થિત સફાઈ) રહેવાની સલાહ આપી.

રખે માનતા કે ઉપરોક્ત કિસ્સો ગામડાનું કપલ અભણ હોવાથી બન્યો હતો. શહેરોના ભણેલા-ગણેલા અને ટીપટોપ થઈને ફરતા લોકો પણ આવી નાની-મોટી સમસ્યાઓથી પરેશાન રહેતા હોય છે. કારણ છે, હાઇજિન (જનનાંગોની સાફસફાઈ) બાબતે સેવાતી ઉપેક્ષા. ઉપરના કિસ્સામાં તો કારણ એ હતું કે, ખુલ્લામાં અને અંધારામાં નહાવાનું હોવાથી ઉતાવળે, જેમ તેમ સ્નાન પતાવી દેવામાં આવતું જેથી જનનાંગોની સફાઈ પ્રત્યે દુર્લક્ષ્ય સેવાઈ જતું. પણ ઘણા લોકો બંધ બાથરૂમમાં, એકાંતમાં નહાતા હોવા છતાં પોતાના પ્રાઇવેટ પાર્ટ્સની યોગ્ય સફાઈ નથી રાખતા. એના ઘણા કારણો હોઈ શકે.

ભારતીય પરિવારોમાં વડીલો બાળક નાનુ હોય ત્યારથી જ તેના મનમાં તેના જનનાંગો પ્રત્યે એ ‘ગંદું’ હોવાના વિચારો ઠસાવી દેતા હોય છે. અબૂધ બાળક નિર્દોષપણે પોતાના અંગને સ્પર્શે એટલે ‘છી… છી… એ તો ગંદું કહેવાય!’ બોલીને એને ટોકવામાં આવે છે. આ વાત નાનકડા માનસમાં ઘર કરી જાય છે અને પછી આજીવન એ બાળક એના પ્રાઇવેટ હિસ્સાને ગંદું જ માનતો રહે છે.

આપણા ધાર્મિક સંસ્કાર પણ આ માટે કારણભૂત છે. જનનાંગો સીધી રીતે મૂત્રોત્સર્જન અને મળોત્સર્જન સાથે સંકળાયેલા હોવાથી પણ તેમને ગંદા ગણવામાં આવે છે. બાળકને બરાબર બ્રશ કરવા કે જમતા પહેલા સાબુથી હાથ ધોવાનું કહેતા વડીલો તેને કદી તેના જનનાંગો વ્યવસ્થિતપણે ધોવાનું નથી કહેતા. એટલે જ ઘણા બાળકો કિશોર વયે જાતે નહાતા થાય ત્યારેય પોતાના પ્રાઇવેટ પાર્ટ્સને હાથ પણ અડાડવાથી દૂર રહેતા હોય છે. કિશોરીનું માસિક શરૂ થાય અને કિશોરના શરીરમાં વીર્યનું નિર્માણ થવા માંડે પછી તો તેમના જનનાંગોની સાફસફાઈ અત્યંત જરૂરી બની જાય છે. એમાં કરાયેલી બેદરકારી ત્વચાના અને અન્ય રોગોની ભેટ આપે છે. આવા ઘણા રોગો તો એટલા હઠિલા હોય છે કે, લાંબા સમય સુધી કાબૂમાં નથી આવતા. સારા થાય તો પણ વારંવાર ઉથલા મારતા હોય છે.

સૌથી સારી બાબત તો એ છે કે, આવા રોગ થાય એવી સ્થિતિ જ નિર્માણ ન થવા દેવી. પ્યુબિક હેર (જનનાંગો પરના વાળ) એક હદથી વધવા ન દો. સમયાંતરે તેને કાતર કે રેઝર વડે કાપતા રહો. ભૂલમાંય હેર રિમૂવલ ક્રીમ ન વાપરતા! આવા ક્રીમમાં રહેલા કેમિકલ જનનાંગોની સંવેદનશીલ અને પાતળી ચામડીને નુકશાન કરતા હોય છે. નહાતી વખતે પાણી અને સાબુથી જનનાંગોને બરાબર ધૂઓ. સાબુ ચામડી પર ચોટેલું ના રહી જાય એનું ધ્યાન રાખો. સ્ત્રીઓ સાબુ યોનિમાં ન જાય એનું ધ્યાન રાખે અને પુરુષો શિશ્નની ચામડી ઉપર સરકાવી શિશ્નના અગ્રભાગને સાફ કરે એ જરૂરી છે. શિશ્નના આ અગ્ર ભાગમાં જે દુર્ગંધયુક્ત, સફેદ, ચીકણો પદાર્થ જમા થતો હોય છે એ દૂર થાય એ ઈચ્છનીય છે. સ્નાન બાદ શક્ય હોય તો પ્રાઇવેટ પાર્ટ પર અને બે પગની વચ્ચે ટેલ્કમ પાઉડર છાંટો. આ એરિયામાં પરસેવો બહુ જલદી થઈ જતો હોય છે એટલે પાઉડરને લીધે એમાં રાહત રહેશે. જનનાંગો પર બાઝતો પરસેવો જ ઘણા ચેપનું મૂળ હોય છે, એ યાદ રહે. પાઉડરનો ઉપયોગ ઈચ્છનીય છે, પણ પરફ્યુમ કે ડીઓડરન્ટ વાપરશો નહીં. ઘણા કપલને આદત હોય છે કે સેક્સમાં પરોવાતા પહેલા રૂમ ફ્રેશનર વડે રૂમને મઘમઘતો કરવો અને પરફ્યુમ કે ડીઓડરન્ટ વડે પોતાના તનબદનને સુગંધિત કરવું. આમ કરવામાં કોઈ વાંધો નથી, પણ એ સુગંધી દ્રવ્યો મહેરબાની કરી આપના જનનાંગો અને તેની આસપાસની ત્વચા પર ના છાંટશો. અગાઉ જણાવ્યું એમ જનનાંગોની ચામડી સંવેદનશીલ અને પાતળી હોવાથી પરફ્યુમ કે ડીઓડરન્ટમાં રહેલા તત્ત્વોથી તેને નુકશાન થવાની સંભાવના રહે છે.

અંડરવેર હંમેશાં કોટનના જ પહેરો. જિન્સ જેવું સખત કપડું પહેરીને લાંબો સમય ચાલવાથી ઘણીવાર જાંઘની ચામડી છોલાઈ જતી હોય છે. આમ ન બને એ માટે કોટનના વસ્ત્રોને પ્રાધાન્ય આપો. વખતોવખત જનનાંગોને તપાસતા-જોતા રહો. જો સહેજ પણ ચેપ જેવું કંઈ લાગે તો તાત્કાલિક ડૉક્ટરને બતાવો, આપોઆપ સારું થઈ જશે એમ માનીને બેદરકાર ન રહો. ઘર વૈદું કરવામાં પડશો તો તકલીફ વધી જશે, એ યાદ રાખો. ઘર વૈદાના અનુસંધાનમાં એક કિસ્સો યાદ આવે છે. હોસ્ટેલમાં રહીને કોલેજ ભણતા એક યુવાનને વૃષણની આસપાસ દરાજનો ચેપ લાગી ગયો હતો. ચેપ પ્રત્યે બેદરકારી રાખવાથી થોડા જ વખતમાં દરાજે વિકરાળ રૂપ ધારણ કરી લીધું. બે પગ વચ્ચે તેને વારંવાર સખત ખંજવાળ આવતી. હોસ્ટેલમાં અને એકાંત સ્થળે તો તેને વાંધો ન આવતો પણ જાહેર સ્થળે અન્ય લોકોની હાજરીમાં ખંજવાળ આવતી ત્યારે તેની સ્થિતિ કફોડી થઈ જતી. આ સમસ્યા લાંબો સમય ચાલી. તે કોઈને કહી નહોતો શકતો. એક દિવસ તેના રૂમ મેટએ તેને ખંજવાળતો જોયો. તેણે પૂછતાં પેલા ચેપગ્રસ્ત યુવાને તેને પોતાની સમસ્યા કહી. અને મિત્રએ દરાજના ઈલાજ રૂપે જે સલાહ આપી એ અવિશ્વસનીય કહી શકાય એવી હતી. તેણે લીલા મરચા વાટીને દરાજ પર ઘસવા કહ્યું! પેલો યુવાન થોડો ડરી ગયો, પણ તેના મગજમાં એવું ઘુસાડવામાં આવ્યું કે મરચાની તિખાશથી દરાજના જંતું મરી જશે! લો, બોલો! આવાય ઈલાજ લોકો બતાવતા હોય છે. પછી શું થયું? પેલા યુવાને પોતાની બુદ્ધિ વાપર્યા વિના મરચા વાટીને દરાજ પર ઘસ્યા અને પછી તેને જે અસહ્ય ચચરાટ થયો એ કોઈને કહી શકવાની એની સ્થિતિ નહોતી. બાથરૂમમાં બેસી એક કલાક સુધી ચામડી પર ઠંડું પાણી રેડ્યા પછી તેને માંડ માંડ શાતા વળી હતી. અને દરાજનું શું થયું? એ તો જૈસે થે રહી! માટે જ કહ્યું છે કે, ઘર વૈદું ના કરવું. ક્યારેય નહીં.

આપણા શરીરના અન્ય હિસ્સાને સીધા સૂર્યપ્રકાશનો લાભ મળતો હોવાથી આવા હિસ્સાઓમાં ઘણું કરીને ચામડીના રોગો થતા નથી, પણ જનનાંગોના નસીબમાં કુદરતી દવા સમાન વીટામિન ડીથી ભરપૂર સૂર્યપ્રકાશનો લાભ નથી હોતો એટલે આપણી જાતે જ એ હિસ્સાની સવિશેષ કાળજી લેવી પડે છે. આ તમામ કાળજી કોઈપણ ઉંમરના, દેશના, જાતિના અને ધર્મના લોકોએ લેવી, કેમ કે બીમારી જાતપાત જોઈને નથી આવતી. તમે કાળજી નહિં લો તો તમારો ચેપ તમારા સેક્સ પાર્ટનરને પણ લાગશે એ ન ભૂલતા. હાઇજિન કોન્સિયસ રહેશો, જનનાંગો ચેપ-રોગથી મુક્ત હશે તો સેક્સ લાઇફ પણ તંદુરસ્ત રહેશે.