કસોટી nehaa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કસોટી

‘આજે ફરી એ કોલેજની બહાર ઉભો છે જરૂર એ મને જોવા જ આવ્યો હશે.’ આવો વિચાર કરતી રેખા પોતાની સખીઓ સાથે ચાલી રહી હતી. સખીઓની વાતો પર એનું ધ્યાન હતું જ નહિ એ તો દુર ઉભેલા પેલા મહેશ સામું જોઈ રહી હતી. થોડેક આગળ જતા જેવું મહેશે એની તરફ જોયું રેખાએ જાણે એને ઓળખતી ન હોય તેમ પોતાનું મ્હોં ફેરવી લીધું. સખીઓની વાતોમાં સુર પુરાવતી અને મઝાક મસ્તી કરતી કરતી રેખા કોલેજના દરવાજામાં પ્રવેશી ગઈ. મહેશ આજે પણ નિરાશ થયો. એણે પાનના ગલ્લાવાળા પાસે એક બીજી સિગરેટ માંગી અને સિગરેટના ધુમાડા કાઢવા માંડ્યો. ધુમાડામાં દેખાતા રેખાના ચહેરાને નિહાળવા માંડ્યો અને મનોમન પૂછવા માંડ્યો કે ‘ગયા વરસ સુંધી હસીને બોલતી હતી તો હવે શું થયું કે મારી સામું પણ જોતી નથી.’

રેખા દાહોદ પાસે આવેલા એક નાનકડા ગામમાં રહેતી હતી. આખા ગામમાં સૌથી પહેલીવાર જો કોઈ છોકરી હાઈ-સ્કુલમાં ભણવા ગઈ હોય તો એ રેખા હતી. એના પપ્પા ગામના સરપંચ હતા, એ પોતે એ જમાનામાં દસમું પાસ થયેલા હતા એટલે રેખાને એમણે ભણવા માટે પ્રોત્સાહન આપ્યે રાખેલું.

હાઈસ્કુલ પાસ કરીને કોલેજમાં જવાનું હતું રેખાને એનો અદમ્ય ઉત્સાહ હતો. રોજ હવે શહેરમાં જવું પડશે. પહેલા તો મહિનામાં એકાદ વખત કોઈ ખરીદી કરવા માટે એના બાપુ એની ફોઈ કે કોઈ સગુંવહાલું જયારે શહેરમાં જતા હોય ત્યારે જ રેખાને મોકલતા. હવે તો એકલા જવાનું હતું. રેખા પહેલેથીજ એમના સમાજના લોકો કરતા થોડી વધારે ફોરવર્ડ હતી, અને એટલેજ એ ભણવામાં રસ લેતી હતી. એ લોકોનો સમાજ એટલે એકદમ પછાત ગણાતો આદિવાસી સમાજ. અડધું ગામ મજૂરીઅર્થે નાના-મોટા શહેરમાં ગયેલું હોય. છોકરો દસમામાં પાસ થયો કે ફેલ એની એમને પડીજ ન હોય. એ સીધો મજુરી કરવા શહેરમાં જ જતો રહ્યો હોય. રેખાના બાપુ ગામના સરપંચ હતા અને રેખા એમની એકની એક છોકરી એટલે એમણે એની પરવરિશમાં કોઈ કસર રાખી નહોતી. રેખા એટલું ભણી શકી એમાં એની સ્કુલના એક પ્રિન્સિપાલનો મજબુત હાથ હતો. કોઈ કામસર એના ગામમાં જયારે આવેલા ત્યારે એમણે રેખાના બાપુને રેખાના ભણતર માટે રાજી કરેલા એ જાણતા હતા કે રેખાને મોટા થઇ શિક્ષક બનવું છે. રેખા ભણવામાં એકથી પાંચમાં નંબર લાવતી એટલે પ્રિન્સિપાલનો આગ્રહ હતો કે જો ગામમાં એક છોકરી વધારે ભણશે તો એનું જોઈ બીજી છોકરીઓ અને છોકરાઓ ભણશે. ભણતર વધશે તો ગામનો અને સમાજનો ઉદ્ધાર થશે. રેખાને કોલેજમાં એડમીશન માટે પણ એ સાહેબે મદદ કરેલી.

મહેશ રેખાથી એક વરસ મોટો હતો. જયારે રેખાએ કોલેજના પહેલા વરસમાં એડમીશન લીધું ત્યારે એ કોલેજના બીજા વરસમાં હતો. એ પણ આદિવાસી સમાજમાંથીજ આવતો હતો એટલે એ બંને વચ્ચે બોલચાલનો વહેવાર થયેલો. પછી બેચાર મહિનામાં એણે લાઈબ્રેરીમાંથી કઈ ચોપડીઓ વાંચવી અને પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી એ બાબતે પણ રેખાને સમજાવી હતી. સાથે બસમાં જવાનું અને સાથે આવવાનું. કોલેજથી પાછા ફરતી વખતે મોટેભાગે બસ નહોતી મળતી એટલે ઠાંસી ઠાંસીને ભરેલા છકડાઓમાંજ બેસીને આવવું પડે એ સમયે મહેશ સાથે અડોઅડ બેસવાનું રેખાને ગમવા માંડેલું. મહેશ પણ એને વધારે સાચવતો હતો. ગામના કોઈ જાણીતા માણસનો છકડો હોય તો એ એમાં બેસવાનું ટાળતો. એ જાણતો હતો કે રેખાના બાપુ સુંધી જો એ બંને લોકો વિશે કંઈપણ વાત પહોંચશે તો રેખાનું ભણવાનું જ બંધ થઇ જશે અને રેખા તરફના પોતાના ખેંચાણ બાબતે એ હવે પુરેપુરો સભાન હતો.

એક વખત એ બંને જયારે કોલેજ પહોંચ્યા ત્યારે કોલેજમાં હડતાલ પડી હતી. આગલે દિવસે જાહેરાત થયેલી હોવાથી ગણ્યાગાંઠ્યા લોકો જ કોલેજ આવેલા. જે આવેલા એ લોકો પણ ઘેર પરત જવા નીકળી ગયા ત્યારે મહેશે રેખા સમક્ષ થીયેટરમાં મુવી જોવા જવાની વાત કરી. રેખા પણ હરખપદુડી હતી એ તૈયાર થઇ ગઈ. એ દિવસે ભલે છકડામાં જે રીતે ભીંસોભીંસ બેસતા એ રીતે નહોતા બેઠા પણ મહેશના હાથના સુંવાળા સ્પર્શ રેખાને ગમી ગયેલા. એ દિવસ પછી એ લોકો પ્રેમી પંખીડાની જેમજ વર્તવા માંડેલા. હવે એ લોકોનું ગામના તળાવે છુપાઈને મળવાનું, બગીચામાં જવાનું, નવું પિક્ચર પડે તો દેખવા જવાનું, બધી જ રીતે એમની જવાનીના દિવસો રંગમય બનવા માંડેલા.

એકવાર રેખાના બાપુને ઉડતી માહિતી કોઈકે આપી તો રેખાએ બાપુને ઉડાઉ જવાબ આપી દીધો કે આપણા ગામના લોકો તો બાપુ વાતો ઉડાડશે જ કારણ કે એ લોકોને તો મારું ભણવા જવું ગમતું જ નથી. રેખા પર આંધળો વિશ્વાસ હોવાથી એના બાપુએ એ વાત માની લીધી.

આમને આમ બે વરસ પસાર થયા. મહેશ કોલેજના છેલ્લા વરસમાં હતો અને એની ફાઈનલની પરીક્ષા પતી ગઈ એટલે મહેશને એના કાકાએ નવું બાઈક ખરીદીને આપ્યું. એટલે એ દિવસે રેખાને લઈને એ નજીકમાં આવેલા ડેમ પાસે ફરવા ગયા. ડેમમાં પાણીનો સંગ્રહ થયેલો હતો કાળઝાળ ઉનાળો હોવા છતાં ત્યાં શીતળતા અનુભવાતી હતી. એકલદોકલ લોકો સિવાય ત્યાં કોઈની અવરજવર નહોતી. શાંત અને રમણીય વાતાવરણમાં રેખાના મનમાં બહુ ઉચાટ હતો. એ જાણતી હતી કે મહેશ એકાદ મહિનામાં નોકરીએ લાગી જશે અને એનું તો એક વરસ હજુ બાકી છે.

ઘાસના તણખલા તોડતા તોડતા રેખાએ મહેશને પૂછ્યું કે, ‘મહેશ તને મારા વગર ગમશે?’

‘આ પ્રશ્નનો ઉત્તર તું જાણે છે છતાંય તું મને પૂછે છે? મારી ઈચ્છા તો કોલેજની નજીક કોઈ જગ્યાએ જ નોકરી ચાલુ કરવાની હતી. પણ મારા કાકાએ હાલોલ જી.આઈ.ડી.સીમાં એક ફેકટરીમાં મારી નોકરી નક્કી કરી દીધી છે. હું એમની વાતને ટાળી શકું તેમ નથી.’

‘એમાં શું ના પાડી દેવાની કે હું ત્યાં નોકરી નહિ કરું. કાલે ઉઠીને એ મને મળવાની પણ ના પડશે તો તું એવું કરીશ?’ રેખાએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો.

‘ના રેખા એ એવું નહિ કહે નોકરીના બદલામાં મેં એમની પાસે વચન લીધું છે હું લગ્ન મારી મરજીથી જ કરીશ. મારા બાપુ તો હું નાનો હતો ત્યારે જ ગુજરી ગયેલા મારા કાકાએ જ અમારી ખેતી અને અમારું કુટુંબ સાચવ્યું છે. દસમાં ધોરણના વેકેશનમાં મેં જયારે શહેરમાં એકાદ મહિના માટે કામે જવાની વાત કરી ત્યારે એમણે મને સણસણતો લાફો મારી દીધેલો અને મને સમજાવ્યો હતો કે મારે ભણીને નોકરી જ કરવાની છે આજ પછી ક્યારેય મજુરી કરવાની વાત ન કરીશ.’ મહેશ આટલું બોલતા ગળગળો થઇ ગયો.

રેખાએ પોતાના થેલામાંથી પાણીની બોટલ કાઢી એની સામે ધરી પછી બોલી ‘મહેશ હું જાણું છું કે તારા કાકાના તમારી ઉપર ઘણા મોટા અહેસાન છે પણ આ વેકેશન પછી મને તો તારા વગર કોલેજ જવું જ નહિ ગમે.’

‘એક ઉપાય છે. તું કહે તો આપણે લગન કરી લઈએ. તારે તારું ભણવાનું ચાલુ રાખવું હોય તો તું રાખી શકે છે મને કોઈ વાંધો નથી. એ રીતે આપણી મુશ્કેલીઓનો પણ અંત આવશે અને મારો પ્રેમ પણ મારી પાસે કાયમ માટે રહેશે.’ મહેશ રેખાના ગાલ પર આંગળી ફેરવતા બોલ્યો.

મહેશના હાથને એક ઝાટકે દુર કરી રેખા બોલી: ‘ના એ તો હજુ કોઈ કાળે શક્ય નથી. મેં મારા બાપુને કીધું છે કે હું બી.એડ કરી લઉં ત્યાં સુંધી મારા લગ્નની વાત કરવી નહિ. તું મને મળ્યો એ પહેલાનું જોયેલું મારું સ્વપ્ન છે. જીવનનું એ સૌથી પહેલું લક્ષ્ય છે.’

‘એટલે હું તારા માટે કશું નથી એમ ?’

ના મહેશ વાતને બીજી તરફ ના વાળીશ. જેમ હું તારા નિર્ણયોનું સન્માન કરું છું એમ તારી પણ ફરજ બને છે મારા નિર્ણયો તું માને.’ રેખાએ ગુસ્સે થયેલા મહેશને પ્રત્યુતર આપ્યો.

થોડીવાર સુંધી બેમાંથી કોઈ કશું બોલ્યું નહિ ઝાડ ઉપર બેઠેલા કલબલાટ કરતા પંખીઓ સિવાય કોઈનો અવાજ ત્યાં હતો નહિ. બંને જણા મનોમન ધૂંધવાયેલા હતા અને એમનો ઉચાટ પેલા ઘાસના તોડવા સાથે ધીમે ધીમે ઓછો થતો ગયો.

થોડીવારે રેખા બોલી કે, ‘તું તો કહેતો હતો કે નવું બાઈક લીધું એની મીઠાઈ ખવાડીશ...!! તું તો મારા માટે કંઈ નઈ લાવ્યો.’

મહેશે પ્રેમભરી નજરે રેખા સામું જોયું અને ધીમેકથી પોતાના હોઠ એના હોઠ સાથે ચાંપી દીધા. એકદમ કોઈક ખખડાટ સાંભળી રેખા મહેશના આલિંગનથી છૂટી પડી અને એની પીઠ ઉપર ધબ્બો મારીને બોલી, ’જુઠ્ઠાડા ...તેં આવી મીઠાઈની વાત કરી’તી?’

મહેશ કશું બોલ્યો નહિ ફક્ત માથું હલાવીને એની આંખમાં આંખ નાખી એના કામણને પીતો રહ્યો. ફરી મળવાના વાયદા સાથે એ બંને ત્યાંથી નીકળ્યા ત્યારે તડકો પોતાનું સામ્રાજ્ય સમેટવાની તૈયારી કરતુ હતું. બાઈક પાછળ મહેશને વળગીને એની પીઠ પર માથું ચિપકાવીને બેઠેલી રેખા પોતાના સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ.

રેખા માટે એની કોલેજનું છેલ્લું વરસ માનસિક રીતે ઉથલપાથલનું બની ગયું. શરૂઆતમાં ફક્ત રવિવારની રજામાં ગામ આવતો મહેશ ક્યારેક તો એને મળી પણ નહોતો શકતો. ક્યારેક ક્યારેક તો પંદર દિવસે આવતો. ફેકટરીમાં કામનો વધારે લોડ છે એટલે ઓવરટાઇમ કરવો પડે છે તેવું કહેતો. એવે સમય છેલ્લા વરસમાં વધુ મહેનતની આશમાં એ કોલેજની લાઈબ્રેરીમાં વધારે સમય વિતાવતી એટલે એના ક્લાસમાં ભણતા રોહિત સાથે એની મૈત્રી વધતી ગઈ. એ પણ સ્કોલર સ્ટુડન્ટ હતો એટલે એની મદદ પણ એને લેવી પડતી. ક્લાસના મોટાભાગના સ્ટુડન્ટ લેકચર ભરતા નહિ એટલે એ સમયમાં એ બંને એકબીજાના ચોપડાઓ સાથે વાંચતા. એ બંનેના વિચારોમાં બહુજ સામ્યતા હતી. રોહિતને પણ ગ્રેજ્યુએટ થઈને બી.એડમાં એડમીશન લેવાનું હતું.

દિવાળીના વેકેશન પહેલા સ્ટેટ લેવલે ઇન્ટરકોલેજ કોમ્પીટીશન અને સેમિનારમાં ભાગ લેવા માટે કોલેજે એ બંનેને દિલ્હી મોકલ્યા અને કોલેજ માટે એ લોકો મેડલ પણ લઈને આવ્યા. કોલેજમાં એ બંનેની વાહવાહ થઇ ગઈ. વાહવાહ તો રેખા માટે બરાબર હતી પણ દિલ્હીમાં સાથે વિતાવેલા ચાર દિવસ અને ટ્રેનની મુસાફરીમાં રોહિતે એની જે નાની નાની બાબતોમાં જે ધ્યાન રાખ્યું એ બધું એના દિલના તાર ઝણકાવી ગયું. કોલેજમાં સાથે ભણતા હોવાથી મહેશ સાથેની રેખાની મિત્રતા વિશે એ જાણતો હતો પરંતુ રેખા એના પ્રેમમાં હતી એવું એને ખબર નહોતી અને દરેક કિસ્સામાં હોય એમજ રેખાએ એ બાબત છુપાવેલી હતી. એટલે જ જયારે રોહિતે એને દિલ્હીમાં પ્રપોઝ કર્યું ત્યારે કોઈ અગમ્ય કારણસર એણે મુક સંમતિ આપી દીધી. દિલ્હીમાં લાલકિલ્લામાં કે ચાંદની ચોકમાં એ લોકોએ એકબીજાનો હાથ પકડીને મુક્ત મને વિહાર કરેલો. રોહિત અને રેખા બંને એકબીજા માટેજ સર્જાયા છે તેવું માનવા લાગ્યા. મહેશના સ્થાને હવે રોહિતે રેખાના હૃદયમાં કબજો કરી દીધો હતો. એ બંને જણાએ વિદ્યાનગરની બી.એડ કોલેજમાં પણ સાથેજ એડમીશન લેવાનું નક્કી કર્યું.

ઉનાળામાં કુટુંબમાં એક લગ્ન હોવાથી એ કારણે લીધેલી રજાઓમાં મહેશ જયારે પોતાના ગામ આવ્યો ત્યારે એણે રેખાને ડેમના દરવાજે મળવાનો મેસેજ મોકલાવ્યો. ત્રણ કલાક રાહ જોઇને એ પોતાના ઘેર પાછો ગયો. બીજે દિવસે સાંજે જયારે તળાવના મંદિરે એણે રેખાને જોઈ એટલે એણે ગુસ્સે થઈને ન આવવાનું કારણ પૂછ્યું. રેખા એના ગુસ્સાથી વાકેફ હતી એટલે એણે જવાબમાં એટલું જ કીધું કે, ‘તું મારો ધણી નથી કે મને આ રીતે ધમકાવે છે.’

‘થયો નથી પણ થવાનો તો છું જ ને?...નહોતી આવવાની તો મને જાણ કરી દેવી’તી ને..??..મારો તો કાલનો આખો દહાડો બગાડ્યો.’ મહેશે ફરી ગુસ્સામાં જ વેણ કાઢ્યા.

‘જો આ રીતે જ તું ગુસ્સે જ થવાનો હોય તો તું તો મારું આખું જીવતર બગાડીશ.’રેખાએ પણ ગુસ્સામાં જવાબ આપ્યો.

મહેશ તો એના આવા જવાબથી ડઘાઈ ગયો. એ પણ ગુસ્સામાં એવું કહીને ગયો કે, ‘કાલે તો હું ઘરના લગ્ન છે એટલે નવરો નથી પરમદિવસે તું ડેમ પર આવી જજે હું રાહ જોઇશ.’

રેખા પણ એવું બોલીને સડસડાટ મંદિરના પગથીયા ચઢી ગઈ કે, ‘સારું હુંય નવરી હોઈશ તો ડેમ પર આવી જઈશ.’

ત્રીજે દિવસે મહેશ ડેમ પર પહોંચી ગયો.કલાકેક દરવાજે રાહ જોઈ એવી આશાએ એ અંદર ગયો કે કદાચ પેલા બાંકડા પર કદાચ એ પહેલેથી જ આવીને બેસી ગઈ હોય. ત્યાં પણ ખાલી બાંકડો દેખી એ પાછો દરવાજે ગયો. બે કલાક રાહ દેખી ડેમના પેલા બાંકડા પર જઈને બેસી ગયો. મતલબ કે ફસડાઈ પડ્યો એમ કહેવાય. ધોમધખતા ઉનાળાને કારણે ડેમમાં પાણી નહીવત હતું. એની આશાઓ પણ નહીવત હતી. કંટાળીને આખરે એણે ઘેર જઈ તપાસ કરાવડાવી તો ખબર પડી કે એ તો શહેરમાં ખરીદી કરવા ગઈ છે.

ક્યારેક ગામ આવતા મહેશને તો એ ખબર જ ન પડી કે રેખાને શું થયું છે? એના એક અંગત મિત્રએ મહેશને એવી માહિતી આપી કે રેખાનું કોઈ બીજા છોકરા જોડે ચક્કર ચાલુ છે. શરૂઆતમાં મહેશે એ વાત માની નહિ પણ પછી એજ માહિતી એના એક બીજા સગા દ્વારા મળી. એણે બે-ચાર વખત એના ગામમાં એનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એ સફળ ન થયો. જયારે રૂબરૂ મળી ત્યારે પણ એણે ઉડાઉ જવાબ જ આપ્યા.

થોડા મહિનાઓ પછી વિદ્યાનગર બી.એડમાં રેખાએ એડમીશન લીધું છે એવી ખબર પડતાં જ મહેશે હાલોલની નોકરી છોડી દીધી. વિદ્યાનગર પહોંચીને એણે ત્યાં ટેમ્પરરી એક નોકરી શોધી લીધી. રેખાની કોલેજની તપાસ કરી એણે મળવાનો ટ્રાય કર્યો. રેખાએ સાવ બેફિકરાઈથી એને ટાળ્યો. સતત પંદર દિવસ એણે રેખાને મળવાની કોશિષો કરી. એકાદ બે વખત રેખાએ વાત કરી પણ એય સાવ ઉધ્દ્ધતાઈથી. આજે પણ એટલેજ એ ઉભો હતો કે કદાચ વાત થાય પણ આજે રેખા જાણી જોઇને એની બહેનપણીઓ સાથે આવી એટલે એ એને મળવા માટે આગળ ન વધ્યો.

એકસામટી ચાર સિગારેટ ઉપરાઉપરી પી ગયો. સાંજ સુંધી ત્યાં બેસીને રેખાની કોલેજમાંથી બહાર આવવાની રાહ દેખી. જેવી રેખાને એણે જોઈ એણે હાથ પકડીને ઉભી રાખી દીધી અને હાથમાં એક કાગળ પકડાવીને એ ચાલ્યો ગયો. રેખા એકધારી નજરે એને દુર સુંધી ઓઝલ થયો ત્યાં સુંધી દેખતી રહી પછી મનમાં મલકાતી રોહિતની રાહ જોતી બસ-સ્ટેન્ડે જઈને બેસી ગઈ. હાથમાં રહેલા કાગળને ડૂચો કરીને પોતાના થેલામાં નાખ્યો.

એ પછી સતત એક અઠવાડિયા સુંધી એણે કોલેજ આવવાના સમયે રેખાએ પાનના ગલ્લા તરફ જોયું. મહેશ આજે પણ નથી આવ્યો એમ વિચારી એ મલકાતી કે થાકી ગયો બિચારો.

અઠવાડિયા પછી બે દિવસની ભેગી રાજા હોવાથી એ હોસ્ટેલમાંથી પરમીશન લઈને ઘેર ગઈ ત્યારે ગામમાં એની એક ખાસ બહેનપણીને એને સમાચાર આપ્યા કે મહેશે ડેમમાં કુદીને આત્મહત્યા કરી લીધી. એ વાત સાંભળી રેખાના ચહેરા પરની એકપણ રેખામાં કોઈપણ બદલાવ ન આવ્યો.

=======