અધુરપ nehaa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરપ

અધુરપ

હરિહરભાઈ રીટાયર થયા પછી એક જ વર્ષ વીત્યું ત્યાં એમની પત્નીનું અવસાન થયું. કેટલીય ઈચ્છાઓ મનમાં જ ધરબાઈ ગઈ. એમને એમ હતું કે રીટાયર થયા પછી જશોદાને સમય આપી શકીશ. રોજ સવારે હિંચકે ઝુલીશું, હાથમાં ચાનો કપ હશે અને ચૂસકી ભરતા ભરતા જૂની-જૂની વાતો કરીશું. સરકારી ઉચ્ચ અધિકારી હોવાના નાતે ચાલુ નોકરીમાં તો દોડાદોડ સિવાય કશું હાથ લાગ્યું નથી, એટલે પછી નિરાંતે અલકમલકની વાતો કરીશું. એકમાત્ર સંતાન ખુશીને અમેરિકા પરણાવી દીધી એટલે કોઈ જવાબદારીઓ બાકી હતી નહીં. શરૂઆતના એકાદ વરસમાં ચારધામ યાત્રા કરી એટલું પુણ્ય, એ સિવાય થોડા અધૂરા સામાજિક કામો અને વતનમાં રહેલી થોડી પ્રોપર્ટીના વહીવટમાં સમય ક્યાં પસાર થયો એ ખબર જ ન પડી. એક રાત્રે જશોદાબેનને ઊંઘમાં જ આવેલો એટેક હરિહરભાઈને એકાકી બનાવી ગયો.

બારમાની વિધિના બીજા દિવસે જ એમની પુત્રી ખુશી અમેરિકા પાછી ગઈ. હરિહરભાઈને માંડ માંડ એટલું સમજાવી શકી કે હું ત્યાં જઈને પેપર્સ કરું છું અને તમે થોડા દિવસ માટે અમેરિકા આવો છો એ નક્કી છે.

અમેરિકા ગયેલા હરિહરભાઈને પંદર દિવસમાં જ ઘર યાદ આવ્યું અને ત્યાંથી પરત આવી ગયા. દીકરીએ બહુ સમજાવ્યું હવે તમે ત્યાં એકલા શું કરશો પણ એમનું મન દીકરીને ત્યાં વધુ રોકાવા રાજી ન થયું. ઘર સાથે જોડાયેલી પત્નીની યાદો સાથે પોતાનું જીવન સારું જશે તેવી એમની માન્યતા ઘેર આવ્યા પછી ખોટી પડી. ઘરના દરેક ખૂણે સચવાયેલી પત્નીની યાદો સતત એકલતાનો અહેસાસ કરાવવા લાગી. ખાલીપા સાથે જીવવું કઠીન લાગવા માંડ્યું.

પુત્રી ખુશી ભલે અમેરિકા રહેતી હોય પણ એ સમજતી હતી કે ચાર બેડરૂમના આ મોટા મકાનમાં એના પપ્પા કેટલી એકલતા અનુભવતા હશે. પોતાના પપ્પાના સ્વભાવને બરાબર પીછાણતી એણે પોતાના ઘરમાં જ ઘરડાઘર ખોલવાનો પ્રસ્તાવ મુક્યો. પ્રવૃતિમય રહેવા ઈચ્છતા સેવાભાવી સ્વભાવના માલિક એવા હરિહરભાઈને આ પ્રસ્તાવ ગમી ગયો.

આજે એ વાતનેય વરસ થયું. હરિહરભાઈની દેખરેખ હેઠળ અત્યારે બાવીસ વૃદ્ધ એમના ઘરડાઘરમાં રહે છે. બાજુવાળા બંગલાને ખરીદીને દસ બેડરૂમના એ કોમ્પ્લેક્ષમાં ઘરડાઘરને લગતી બધીજ સગવડ એમણે ઉભી કરી દીધી છે. પત્ની જશોદાની યાદ હવે આછી થઇ ગઈ છે. સમયનું આજ એક મહત્વનું કર્તવ્ય છે કે એ માણસનો નવો અધ્યાય લખે ત્યારે જુના અધ્યાયને સિફતથી નજરઅંદાજ કરી દે છે. જુનો વિશ્વાસુ નોકર કાંતિ ઘરડાઘરના લોકો માટે હાથ-લાકડી બની ગયો હતો. માલિકની સેવાભાવી પ્રવૃત્તિ દેખી હવે એ પોતે પણ એ રંગે રંગાઈ ગયો હતો.

ઘરડાઘરનો એક નિયમ હતો કે એમાં ફક્ત એકાકી વૃધ્ધોને જ આશરો આપવામાં આવતો હતો. બાવીસ વૃધ્ધોમાં આઠ બહેનો અને બાકીના ભાઈઓ હતા. રસોઈની બધી જવાબદારી હવે ઇલાબેન નામના એક વૃદ્ધા સંભાળતા હતા.લગભગ પચાસેક વર્ષની ઉંમરવાળા ઇલાબેન થોડે દુર આવેલા કોચરબ ગામમાં રહેતા હતા. છેલ્લા એકાદ વરસથી એટલે કે નિયમિત રીતે ઘરડાઘર ચાલુ થયું ત્યારથી વાસણ ઘસવા અને બધાની રૂમોમાં કચરા-પોતું કરવા આવતા ઇલાબેન બે મહિના પહેલા જ વિધવા થયા હતા. ઘરડાઘરના બધાજ વૃધ્ધોને ત્યારે આઘાત લાગ્યો હતો કારણ કે ઈલાબેને એમના સ્વભાવથી બધાના દિલ જીતી લીધેલા હતા. પતિના અવસાન થયાને એકજ મહિનામાં દીકરાએ પિતાનું ઘર વેચી કાઢ્યું અને માતા તરીકેના બધા સંબંધો એણે કાપી નાખ્યા. બધાની ઈચ્છાને માન આપી હરિહરભાઈએ ઘરડાઘરમાં રહેવાની સંમતિ આપી હતી.

થોડા વખતમાં જ હરિહરભાઈને એમ લાગ્યું કે આ ખંતથી કામ કરતા ઇલાબેનને રસોડું સોંપી દઈએ તો કેવું? એજ દુનિયાના નિયમો અને વિરોધ ત્યાં પણ લાગુ થયો અમુક વૃધ્ધોએ એનો વિરોધ કર્યો પણ ધીરે ધીરે એ લોકોએ એ પણ છોડી દીધું. કારણ બીજું કઈ નહિ પણ ઈલાબેનના હાથનો જાદુ. પહેલા જે મહારાજ રસોઈ બનાવતો એમાં અને હવેની રસોઈમાં આભ-જમીનનો ફેર હતો. હવે તદ્દન ઘર જેવી લોકોને રસોઈ ખાવા મળતી.

હવે કાંતીએ બધા રૂમોની સાફસફાઈનું કામ ઉપાડી લીધેલું. ફક્ત હરિહરભાઈનો રૂમ હવે કાંતિને બદલે ઇલાબેન ચોખ્ખો રાખતા. હરિહરભાઈની દરેક જરૂરિયાતો એ સમજી ગયેલા. નાનામાં નાની ચીજ જેવીકે વિકસની ડબ્બી, વાંચવાના ચશ્માં, પાણીની બોટલ જે અડધી રાત્રે એમને જરૂર પડે, તો એ રીતે એમના પલંગની બાજુમાં રાખે. સવારે બાથરૂમમાં જાય ત્યારે એમનો ટુવાલ-કપડા બધું એમની જરૂરિયાત પ્રમાણે વ્યવસ્થિત ગોઠવેલું મળે. જમવા બેસે ત્યારે હરિહરભાઈની થાળી પણ એજ પીરસે. કાંતિ પણ ઈલાબેનની વ્યવસ્થા જોઈ દંગ થઇ ગયેલો.

રોજની જેમ આજે પણ સુરજ માથે ચડેલો હતો. આખા કેમ્પસમાં ફેલાયેલી હરિયાળીને કારણે એની અસર અહી ઓછી દેખાતી હતી કેમ્પસમાં આવેલા રાધા-કૃષ્ણ ભગવાનના નાના એવા મંદિરના ઓટલે બેઠેલા હરિહરભાઈ ઉભા થયા અને બાળપણમાં જેમાં શાળામાં ઘંટ વાગતો એમ વગાડવાનો ચાલુ કર્યો. ઘંટનાદનો ફેલાવો આખા કેમ્પસમાં ફરી વળ્યો અને નાના એવા એ બે માળના બિલ્ડીંગમાં ધીમી હલચલ ચાલુ થઇ ગઈ. મંદિરની મૂર્તિ સમક્ષ મુકેલો થાળ ભગવાનને ધરાવી હરિહરભાઈ ભગવાનને જમાડી લીધાના ભાવ સાથે એ થાળ લઈને પરત રસોડા તરફ ગયા. થાળમાં મુકેલા ભોજનની દરેક વાનગીને ફરીથી રસોડામાં મુકેલા મૂળ પાત્રોમાં ભેળવી દીધી. પછી રસોડાની પાછળના દરવાજેથી તેઓ મકાનને અડીને બનાવેલા શેડ એટલેકે ડાઈનીંગ એરિયામાં ગયા. કાંતિ લાઈનસર ગોઠવેલા ટેબલ પર થાળી વાડકી મુકવામાં મશગુલ હતો. એ જાણતો હતો કે પાંચ મીનીટમાં આ ટેબલ સામેની બધી ખુરશીઓ ભરાઈ જશે એટલે કાયમની જેમ એ ઝડપથી કામ કરવા માંડ્યો. દસેક મીનીટ પછી બધાએ સાથે પ્રાર્થના કરી અને થાળીમાં પીરસયેલું શુદ્ધ અને સાત્વિક ભાણું જમવામાં મશગુલ થઇ ગયા. રોજની જેમ બધા વૃધ્ધોએ જમી લીધું એટલે ઇલાબેન રસોડામાંથી બહાર આવ્યા હરિહરભાઈની થાળી પીરસી અને પાછા રસોડામાં જતા રહ્યા. આજે ઇલાબેનને જતા જોઈ હરિહરભાઈએ એમને પાછા બોલાવ્યા અને આજથી સાથે જ જમવા બેસવાનો આદેશ આપ્યો. ઘણી આનાકાની કર્યા પછી એ થાળી પીરસી સાથે જમવા બેઠા પણ, જમતા જમતા પણ સતત એમણે હરિહરભાઈનું ધ્યાન રાખ્યું. હરિહરભાઈ આજે ગળગળા થઇ ગયા. એમને જશોદાબેન યાદ આવ્યા એ પણ આવુજ કરતી હતી.

કાંતિ આ બધું જોઈ બહુ ખુશ થતો કારણકે હવે તેના જુના શેઠ પોતાના મૂળ સ્વભાવમાં પાછા ફરતા હોય એમ લાગતું. હરિહરભાઈ રોજ રાત્રે ઉદાસ થઇ જતા. હવે ભૂલાઈ ગયેલી જશોદા રોજ યાદ આવતી. એની ગેરહાજરીમાં પોતાના કામ જાતે કરવાની એમણે ટેવ પાડી દીધી હતી. હવે ધીરે ધીરે ફરીથી ઇલાબેનને લીધે પરતંત્રતા તરફ જતા હોય તેમ અનુભવી રહ્યા હતા.

એકદિવસ એમની પુત્રી ખુશી સાથે વાતવાતમાં એમણે આ વાતનો ઉલ્લેખ કર્યો. હરિહરભાઈએ પુત્રીએ પુછેલા સવાલોના બધા જવાબો સાહજીકતાથી આપ્યા. ખુશીએ પછી કીધું કે પપ્પા અહી અમેરિકામાં તો લોકો સિત્તેર શું પંચોતેર વરસે પણ લગ્ન કરે છે. અહી તો કોઈ નવાઈ નથી પણ મને એમ લાગે છે કે પપ્પા તમારે પણ લગ્ન કરી લેવા જોઈએ. પાછલી જીંદગીમાં તમને કોઈ સાથીદાર મળશે તો મને પણ તમારી ચિંતા ઓછી થશે.

એ રાત્રે હરિહરભાઈ આખી રાત જગ્યા. બીજે દિવસે સખ્ત તાવમાં પટકાયા. ત્રણ દિવસ સાવ પથારીગ્રસ્ત રહ્યા. એ શેનો સંકેત હતો એ ખબર નહોતી પડતી કારણકે એ ત્રણેય દિવસ ઈલાબેને મનથી ખુબ સેવા કરી. હરિહરભાઈ પહેલા પોતાના મૃત્યુ તરફથી ભયભીત રહેતા હતા. પત્નીનું આકસ્મિક મૃત્યુ જીરવી શકેલા પણ એવુંજ પોતાને પણ ક્યાંક આકસ્મિક થાય તો? આ ઘરડાઘરમાં મારી જેમ સેવા કોણ કરશે તેવો પ્રશ્ન હવે તેમને સતાવી રહ્યો હતો. હવે તેમણે જીંદગી પ્રત્યે ધ્યાન આપવાનું ચાલુ કર્યું પણ આ ઉંમરે બીજા લગ્ન કરી લેવાની વાત એમના મગજમાં ઘુમરાઈ રહી હતી. જશોદાને મારાથી અન્યાય કેવી રીતે કરાય અને હજુ આપણો રૂઢીચુસ્ત સમાજ આ વાતને સાહજીકતાથી સ્વીકારતો નથી. મારા માટે હવે મારી પુત્રી કોઈ પાત્ર શોધશે? કેટલાય સવાલો મનમાં ઉઠતા હતા.

રોજીંદા ક્રમ મુજબ વહેલી સવારે ઉઠી તેમણે બ્રશ કર્યું અને બહાર લટાર મારવા નીકળ્યા. અમુક સ્વસ્થ વૃધ્ધો રોજની જેમ બહાર કંપાઉંડમાં ચાલી રહ્યા હતા. અમુક બાંકડા પર બેસી હળવી કસરતો કરતા હતા. જેટલા લોકો સામે મળ્યા એ બધાને ‘જેશ્રીક્રષ્ણ’ કહેતા કહેતા રસોડા તરફ ગયા. રસોડાની બહાર ચાની કીટલી તૈયાર જ હતી. એમણે એક ગ્લાસ લઇ એમાં ચા ભરી એટલામાં જ સામેથી ઇલાબેન આવ્યા. આજે રોજ કરતા ખુશ હોય એમ લાગ્યું. આછી આસમાની રંગની નવી સાડીમાં હજુય સુંદર લાગતા હતા. આવીને એ હરિહરભાઈને પગે લાગ્યા. હરિહરભાઈને નવાઈ લાગી ‘શું વાત છે આજે કેમ આટલા ખુશ છો? અને મને પગે કેમ લાગો છો?’

‘આજે હું વનમાં પ્રવેશી એની ખુશીમાં.’ સાડીનો છેડો સરખો કરતા ઈલાબેને જવાબ આપ્યો.

‘શું વાત છે ...વાહ જન્મદિવસની શુભકામનાઓ તમને. બોલો શું આશીર્વાદ આપું તમને?’

‘આશીર્વાદ તો ભગવાન પાસે મેં માગી લીધા છે એ ફળીભૂત તમારે જ કરવાના છે.’

‘બોલો બોલો આજે તમે જે માંગો એ હું આપીશ. શું માંગ્યું તમે ભગવાન પાસે?’

‘ હું આખી જીંદગી અહીંજ રહેવા માંગુ છું અને તમારી અને તમારા આ મુલ્યોની સેવા કરવા માંગુ છું. તમે એકજ આશીર્વાદ આપો કે તમે મને અહીંથી જાકારો નહિ આપો અને એક સગા ભાઈની જેમ મારી કાળજી લેશો જે હું અહીં આવી ત્યારથીજ અનુભવી રહી છું.’

‘મારા આશીર્વાદ સદા તારી સાથે છે અને રહેશે.’ એમ બોલતા બોલતા હરિહરભાઈની આંખો હર્ષથી ભીંજાઈ ગઈ અને ઈલાબેનના માથે હાથ મુક્યો. દુર ઉભા રહેલા કાંતીએ પણ જાણે એ વાતનો સાક્ષી બની પોતાની આંખો લુછી.