ઠોકર nehaa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઠોકર

ઠોકર

એક જમાનામાં શહેરથી દુર આવેલા ફાર્મહાઉસમાં પાણીના ભાવે બે હજાર જગ્યા લઈને બનાવેલો બંગલો અત્યારે એક વૈભવનો અનુભવ કરાવતો હતો. વહેલી સવારે લીલાછમ ગાર્ડનની વચ્ચે મુકેલી ચેરમાં આરામ ફરમાવી રહેલા અનીશ શર્મા કાલે જ ફેમીલી સાથે દુબઈ ફરવા માટે એટલે એના નોકરને સૂચનાઓ આપતા હતા. પેકિંગ પણ બાકી હતું ખરીદી કરવા માટે ડોલર લેવા જવાનું પણ બાકી હતું.

ત્યાંજ કોક અજાણ્યો ફોન આવ્યો અને અનીશ એની પત્ની ઉમાને લઈને તાત્કાલિક ત્યાં જવા નીકળી ગયો. પંદર મિનીટ પછી તેમની કાર હાઈવે પર હતી.

અનીશ ફૂલસ્પીડે કાર ચલાવતો હતો ને અચાનક પાસેના વળાંક પરથી એક ટ્રક આવતા તેણે બ્રેક મારી...

પુરઝડપે આવતી ટ્રકથી બચવા અનીશે કારને સ્હેજ રોડ પરથી ઉતારવાનો ટ્રાય કર્યો પણ ભગવાનની કૃપાથી ગરનાળાની પાળને અથડાઈ કર ત્યાંજ ઉભી રહી ગઈ.સતીશની આ પ્રકારની ગફલત જોઈ ઉમા એકદમ બરાડી ઉઠી ‘અનીશ ...હું ક્યારની તારા ચહેરા પરની ચિંતાની રેખાઓ વાંચી રહી છું..!! તું કોઈક ટેન્શનમાં લાગે છે. કમસેકમ તું આવા જોખમી વળાંક ઉપર તો ધ્યાનથી ચલાવ’

‘ઓહ શટ-અપ ઉમા .....જીંદગીમાં આવા કેટલાય જોખમી વળાંકો આવ્યા..... અત્યારે જેમ બચ્યા તેમ લગભગ બચ્યા જ છીએ ને..??.જો આ કારને મામુલી સ્ક્રેચ પડ્યા છે એટલુંજ નુકસાન છે.’ કપાળ પરનો પરસેવો લૂછતો અનીશ બોલ્યો.

‘દરવખતે મારા પપ્પાને કારણેજ તું બચ્યો છું નહીતર તું તારા આવા બધા કરતુતને કારણે અત્યારે જેલમાં જ હોત.’

બસ હવે તારા પપ્પા મંત્રી છે ....મોટા માણસ છે એવી બધી ફિશિયારીઓ ચાલુ ન કરી દઈશ...ઉફ્ફ ઉમા તું મને એ કહીશ કે આપણી દીકરી અત્યારે ક્યાં છે ??

‘મેં તને કીધું તો હતું કે એ સંતકૃપા આશ્રમમાં ત્રણ દિવસની ‘યોગ અને ગીતા શિબિર’માં ગઈ છે. આજે બપોરે આવી જ જવાની છે. એને પણ ખબર જ છે ને કે કાલે આપણે દુબઈ જવાનું છે.’

‘ઓહ ગ્રેટ ....કહતા બી દીવાના સુનતા ભી દીવાના...એટલેજ આપણે એ સંતકૃપા આશ્રમમાં જઈ રહ્યા છીએ’ આટલું બોલી અનીશે ધીમેથી એક્સીલેટર દબાવ્યું અને કાર રોડ ઉપર દોડવા માંડી.

‘પણ અનીશ આપણે આ કોનો ફોન આવ્યો એટલે તાત્કાલિક નીકળ્યા એ તો કહે.....તું કેમ આવું ભેદી બોલે છે??? વાત શું છે એ સ્પષ્ટ બોલ ને.’

‘યસ માય ડીયર....મેં તને કીધું તું ને ...કે તું આ આશ્રમ-બાશ્રમના ચક્કરમાં ના પડીશ......આ બાવાઓ ..’

‘જો અનીશ તું ગુરુજી વિરુદ્ધ એક પણ શબ્દ ના બોલીશ.તને ખબર છે કે મેં મારા પપ્પાની ઓળખાણને લીધે એમને ગુરુ બનાવ્યા છે. બાકી એ પૂનમ સિવાય ક્યાં કોઈને દર્શન પણ આપે છે અને તને ખબર છે કે એ ગુરુજીએ એમના પાવન પગલાં આપણા ઘેર પાડ્યા છે જે આખા શહેરમાં એવી ચોથી ઘટના છે.’

‘હા પણ ... તારા મંત્રીશ્રી પપ્પાના કોઈ પ્રતિસ્પર્ધી કેટલાય વખતથી એ ગુરુજીની પાછળ પડેલા છે. એટલેજ કાલે રાત્રે અહીની લોકલ પોલીસને અંધારામાં રાખી દિલ્હી પોલીસે રેડ પાડી છે.’

‘ઓહ શું વાત કરે છે ..શું તે પપ્પાને વાત કરી?’ ઉમાના ચહેરા પરના ભાવ એકદમ બદલાઈ ગયા.

‘ખબરદાર જો અત્યારે વાત કરી છે તો .....એ અત્યારે આમેય બરાબર ફસાયેલા હશે એટલે ફોન પણ નહિ ઉપાડે. એ બધું કરવા કરતા તારી દીકરીને ફોન કર એ પોલીસના સકંજામાં છે.’

‘વ્હોટ ..શું વાત કરે છે? એ બિચારી તો ત્યાં શિબિર માટે ગઈ છે એને શું કામ....??’ઉમાએ સોનમના ફોન પર રીંગ મારીને ટ્રાય કર્યો પણ ફોન સ્વીચઓફ આવતો હતો. એ અકળાઈ ગઈ શું કરવું શું બોલવું કશું સૂઝતું ન હતું.

થોડીવાર એકદમ સન્નાટો રહ્યો. હાઇવે પર દોડતી ગાડીના ખખડાટ સિવાય કોઈ અવાજ હતો નહિ. એકએક ઉમા બોલી; ‘અનીશ સોનમને કોઈ વાંધો તો નહિ આવે ને? એ બિચારી બહુ ગભરુ છે. એણે તો મને ત્યાં જવાની ના જ પાડી હતી. પણ ગુરુજીએ સંદેશો મોકલાવ્યો હતો એટલે મેં જ એને ત્યાં જવા માટે ફોર્સ કર્યો.’

‘એ બધું ત્યાં પહોંચીએ ત્યારે ખબર પડે ને. તારા પપ્પાને તો કાલે રાત્રે જ ખબર પડી ગઈ હશે પણ એમને થોડી એવી ખબર હોય કે આપણી લાડકવાયી પણ ત્યાં હશે. મને જે માણસે ફોન કર્યો છે એ માણસના કહેવા મુજબ ત્યાં ડ્રગ્સના નશામાં ચકચૂર સો થી પણ વધારે લોકોને ગિરફ્તાર કર્યા છે એમાં કદાચ સોનમ પણ આવી ગઈ.’ અનીશ જેમ જેમ બોલતો ગયો એમ ઉમાના હૃદયની ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ વધારે વેગથી વહેતું ગયું.

‘મારી વાત ધ્યાનથી સાંભળ ઉમા સાચી વાત તો આપણે ત્યાં જઈશું એટલે જ ખબર પડશે પણ તું એક કામ કર તારા પપ્પાને ફોન કરીને જાણ તો કરી દે. કદાચ ત્યાં પહોંચીએ એ અરસામાં એ એમની ગતિવિધિઓ એ દિશામાં ચાલુ થઇ જાય.’

ઉમાએ એના પપ્પાને ફોન કરવાનો ટ્રાય કર્યો પણ આઉટ ઓફ રીચ આવ્યો.

અનીશનું ધ્યાન બરાબર રસ્તા પર જ હતું પણ એનું મન અત્યારે કેટલીય દિશામાં ફરી રહ્યું હતું. અનીશનો પોતાનોજ ડ્રગ્સ નો મોટો કારોબાર હતો. ઉમાને ખબર નહોતી પણ એના પપ્પાના બધા ગોરખધંધા એ જાણતો હતો. અમુક ધંધામાં એ ભાગીદાર પણ હતો. કાલે એ દુબઈ ફરવાના બહાને ડ્રગ્સની એક ડીલ માટે જ જવાનો હતો. આવા જોખમી કામમાં એટલે જ એ ફેમિલીને લઈને જતો એટલે પોલીસને એના પર શંકા ન પડે. ઉમાને એમ હતું કે એના પપ્પા મંત્રી છે એટલે એ પોતાના જમાઈ અનીશને બચાવી શકે છે પરંતુ એને એ ખબર ન હતી કે અનીશને ના બચાવે તો એનું નામ અને ધંધો બંને જોખમમાં આવી જાય. ગુરુજીના આશ્રમમાં ડ્રગ્સના પેકેટ મોકલવાનું કામ પણ એ પોતાના માણસો દ્વારા જ કરતો હતો. જયોતિષ વિદ્યામાં અને સંસ્કૃતમાં પારંગત હોવાથી એ ગુરુજીની જ્યાં જાય ત્યાં વાહ વાહ થતી. એને ક્યાં એવી ખબર હતી કે આ ડ્રગ્સના કારોબારના છાંટા પોતાની દીકરીના ભવિષ્ય પર પણ પડશે.

આંખો બંધ કરીને બેઠેલી ઉમા પણ વિચારી રહી હતી કે ગુરુજીના આશ્રમમાં એક આધુનિકતા હતી એ વાત સાચી અને એટલા માટે જ એ પોતે પણ ગુરુજી પ્રત્યે આકર્ષાઈ હતી. દર રવિવારે એ આશ્રમમાં જતી હતી. ત્યાં એને માનપાન પણ બહુ મળતા કારણકે એ મંત્રીજીની પુત્રી હતી. પોતાના માટે થતી વીઆઈપી સરભરા જોઇને એ પોતાની જાત ઉપર ગર્વ કરતી હતી. એનાથી વિરુદ્ધ અત્યારે એ પોતાની જાત ઉપર ગુસ્સો કરતી હતી. પોતાની જાત પર નફરત કરવા લાગી. ગુરુજીની વિદ્વતા જોઈને જેમ મીરાં કૃષ્ણના પ્રેમમાં પડી હતી એમ એ ગુરુજીના પ્રેમમાં પડી હતી. હકીકતમાં ગુરુજીના એક શિષ્ય દ્વારા આ વાત તેના મગજમાં ઠસાવામાં આવી હતી. શું સોનમ પણ એ રીતે ગુરુજી પ્રત્યે...???એકદમ એ ચિત્કાર કરી ઉઠી ‘ના ..ના...મારી દીકરીને કંઇજ નહિ થાય ..કશું નહિ થવા દઉં.’

ત્યાંજ એના મોબાઈલ પર સોનમની રીંગ આવી. હાંફળીફાંફળી થઇ એણે ફોન રીસીવ કર્યો.’હેલો સોનમ બેટા તું ક્યાં છે?’

‘મોમ હું અહીં આશ્રમમાં જ છું. બસ હવે ઘેર આવવા જ નીકળું છું.’સોનમે શાંતિથી જવાબ આપ્યો.

‘બેટા તું ત્યાંજ રહે અમે દસ જ મીનીટમાં ત્યાં પહોંચીએ છીએ. તને લેવાજ નીકળ્યા છીએ.’ ઉમા મનોમન ભગવાનનો પાડ માનતી રહી.

અનીશે આશ્રમના ગેટ પર પહોંચીને જોયું તો સોનમ ત્યાંજ ઉભી હતી. સોનમ કારમાં બેઠી અને આશ્રમમાં ગયા વગર અનીશે કાર ઘર તરફ જવા માટે પાછી વાળી.

સોનમ પોતાના પેરેન્ટ્સને ઓળખતી હતી એ સમજી ગઈ કે આ લોકો કેટલા ટેન્શનમાં અહી મને લેવા આવ્યા હશે. પછી રસ્તામાં એણે કાલે રાતની ઘટનાનો ટૂંકો ચિતાર આપ્યો.

મોમ મને એક ફ્રેન્ડ મારફતે અહીં ચાલતા ગોરખધંધાઓ વિષે ઉપરછલ્લી માહિતી મળેલી હતી. એટલે જ હું તને ત્યાં જવા માટે ના પડતી હતી. પણ તું ગુરુજી પ્રત્યે એટલી શ્રધ્ધા રાખે છે કે તને સાચી વાત કહેવી મુશ્કેલ હતી, અને આમેય કોકની કીધેલી વાત પર વિશ્વાસ ન મુકાય પણ એનાથી સાવચેત રહી શકાય એ હું જાણતી હતી. એટલે આ શિબિરમાં ગયા પછી જયારે ત્યાં દર વખતની જેમ ત્રણ પ્રકારની પ્લેટીનમ-ગોલ્ડ-સિલ્વર નામની સેવા તમારે પોતે સ્વીકારવાની હોય. એટલેકે એના ફોર્મ ભરવાના હોય છે. પ્લેટીનમ સેવામાં ગુરુજીની અને તેમના મુખ્ય શિષ્યના સાનિધ્યમાં તમને શિક્ષણ મળે એમાં તો ફોર્મ ભરવાવાળા ઘણા હતા. ગોલ્ડમાં તમને એમના દ્વારા બહારથી બોલવામાં આવેલા યોગ અને ગીતા વિશે શિક્ષણ આપે અને સિલ્વર સેવામાં જે લોકો હોય તેમને ભાગે શિબિરના ત્રણ દિવસ રસોઈ કે સફાઈકામમાં તમારે યોગદાન આપવાનું રહે. સિલ્વર સેવા આશ્રમવાળા જે પહેલીવાર આવ્યા હોય એમને આપતા હોય છે. મારું ફોર્મ ગુરુજીના પેલા મુખ્ય શિષ્ય રાધામણીએ ગોલ્ડમાં ભરી કાઢ્યું હતું પણ મેં ખુબ આગ્રહ કરી સિલ્વરમાં કન્વર્ટ કરાવ્યું હતું. કાલે રાત્રે જયારે દિલ્હીની પોલીસે ત્યાં રેડ પાડી ત્યારે ભજનના નામે બધા જ શિબિરાર્થીઓ ડ્રગ્સ અને અફીણના નશામાં ચુર હતા. હું ત્યારે એ લોકોના કિચનમાં કામ કરતી હતી કારણકે બધાને અમારે ફ્રેશ જ્યુસ આપવાનો હતો. અમને પોલીસની રેડની માહિતી એ કિચનમાં મળી ગઈ. બધે નાસભાગ મચી ગઈ બહાર કોઈ પોલીસવાળો મારા નામથી કોઈને પૂછતો હતો કે ‘સોનમ શર્મા કહાં હે?’

હું સમજી ગઈ એટલે મેં ત્યાં પડેલો એપ્રન પહેર્યો અને હાથ અને મોઢા પર થોડા કાળા લીસોટા જેવું કરી વાળ છુટા કરીને ત્યાંથી બહાર નીકળી. પેલા પોલીસવાળાએ અંદર આવીને મને જ મારી વિશે પૂછ્યું. મેં કીધું કે એને તો ગુરુજીના શિષ્ય રાધામણી લઇ ગયા હતા. ચારેક કલાક ચાલેલા એ ડ્રામામાં એ લોકો બધાને પોલીસની ગાડીઓમાં ભરી ભરીને લઇ ગયા. કેટલાય બેહોશીની હાલતમાં હતા. અમે થોડા જણા ઝાડના ઓટલા પર બેસીને જોઈ રહ્યા કારણકે એ લોકો નશામાં હોય એ લોકોને શોધી શોધીને લઇ જઈ રહ્યા હતા. પછી લોકલ પોલીસ આવી એટલે આશ્રમની બહાર કોઈને જવાની મનાઈ હતી. મારો ફોન ચાર્જીંગ ડાઉન હતો. આશ્રમની લાઈટ કાપી નાખવામાં આવેલી હતી. છેક સવારે નવ વાગ્યા પછી લાઈટ આવી અને બધાને આશ્રમ ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી.

ડેડ ત્યાં પોલીસવાળા તો એવી વાત કરતા હતા કે આ બધું નાનાજીનું જ ઉભું કરેલું તૂત છે. આશ્રમની જમીન પણ નાનાજીના નામે જ છે. એ લોકો તો મને ઓળખે નહિ એટલે બોલ્યા કરતા હતા કહેવાય છે કે કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને હથિયારો પણ આશ્રમમાંથી મળ્યા છે. ગુરુજીને એ લોકો હવે છોડશે નહિ.

અનીશ અને ઉમા આ બધી વાતો સાંભળી એકબીજાની સામું જોઈ લેતા હતા. એક ઠોકરથી સજ્જ થયેલા એ બંને વિચારી રહ્યા હતા કે હવે દીકરી સોનમને કારણે જીંદગી જીવવાના મુલ્યો બદલવા પડશે.