અમુક સંબંધો હોય છે... 14 Dharmishtha parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમુક સંબંધો હોય છે... 14

Bhag 14

આગળ ભાગ ૧૩માં આપે જોયું કે એન્જલ અને નયન આતુરતા પૂર્વક સાંજ પડવાની રાહ જોઈ રહ્યા છે. બંનેના મનમાં એકબીજાના વિચારો અવિરત ચાલી રહ્યા છે.

હવે આગળ

સાંજના છ વાગવામાં હજુ અડધો કલાકની વાર હતી. એન્જલ અને નયન બંને વારંવાર પોતાના કાંડા પર બાંધેલ ઘડીયારમાં સમય જોઈ રહ્યા હતા. આજે ફક્ત ત્રીસ મિનીટ બંનેને ત્રીસ કલાક જેવી લાગી રહી હતી. છ વાગતા જ નયન પોતાનું લેપટોપ ઓફીસ બેગમાં મુકતા એન્જલને ફોન કરે છે. આ તરફ એન્જલ પણ નયનના ફોનની જ રાહ જોઈ રહી હતી, માટે ફક્ત એક જ રીંગ વાગતા તે ફોન રીસીવ કરે છે – “હેલ્લો”

નયને પોતાની ઓફીસ બેગ ખંભા પર મુકતા કહ્યું, “હેલ્લો નહિ હાલો... હાલો મારા સાથી હાલો...... બોલ ક્યાં આવું તને લેવા?”

“મારા ઘરે”

નયને આશ્ચર્યથી પૂછ્યું, “શું”

“એમાં આટલો ગભરાય છે કેમ? ‘પ્યાર કિયા તો ડરના ક્યાં’ ક્યાંક તું મારી સાથે ટાઇમ પાસ તો નથી કરી રહ્યો ને?”

“લો આવી ગયું ભૂત..., રોજ તો રાત્રે અગિયાર પછી તારામાં ભૂત આવે છે પણ આજ તો સાંજે જ આવી ગયું...!”

“મારી એક વાત કાન ખોલીને સાંભળીલે, જો તે મારી સાથે સપનામાં પણ ટાઇમ પાસ કરવાનું વિચાર્યું ને તો ભૂતની સાથે તને ચુડેલ અને ડાકણના પણ સાક્ષાત દર્શન થઇ જશે સમજ્યો...!” એન્જલે ગુસ્સો કરતા કહ્યું.

“તને વારંવાર એવું કેમ લાગે છે કે હું તારી સાથે ટાઇમ પાસ કરી રહ્યો છું?”

“ મેં તને મારા ઘરે આવવાનું કહ્યું તો તું ડરી કેમ ગયો?”

“હું ડરી નથી ગયો, પણ હું નથી ઈચ્છતો કે મારા લીધે તને કોઈ પ્રોબ્લમ થાય”

“બસ બસ હવે ખોટા બહાના નહી બનાવ”

“ઓકે, તો ઠીક છે... હું ફક્ત દસ જ મીનીટમાં તારા ઘેર પહોચું છું અને તારા મમ્મી પપ્પા સામે જ તને પ્રપોઝ કરું છું”

“અરે... હું તો મજાક કરું છું”

“પણ હું મજાક નથી કરતો, હું સાચે જ તારા ઘેર આવું છું, અને તારા મમ્મી પપ્પાને પણ મળું છું”

“ઘરે આવીને શું કરીશ...! મમ્મી પપ્પા તો ઘરે છે જ નહી”

“જુઠ્ઠું બોલમાં... કેમ ડરી ગઈ?”

“સાચું કહું છું. અને હું શું કામ ડરું...! અરે..., જબ પ્યાર કિયા તો ડરના ક્યાં...”

“હવે તું તારો આ ઓનલાઈન રેડિયો બંધ કરવાનું શું લઈશ...!”

“ફક્ત એક ચોકલેટ” એન્જલે થોડું હસતા કહ્યું

“ઓકે, તું તૈયાર રહેજે. હું થોડી જ વારમાં તને લેવા આવું છું”

“ઓકે... ક્યાં છે તું?”

“રસ્તામાં જ છું”

“તો શું તું ડ્રાઈવ કરતા મારી સાથે વાત કરે છે?”

“હાસ્તો વળી”

“શું.....????? કાર ચલાવતા વાત નથી કરવી ઓકે, બાય” એન્જલ ફોન કટકા કરતા મનમાં જ કહે છે, “પાગલ”

આ તરફ રસ્તામાં નયનની નજર ગુલાબના ફૂલોથી સજાવેલ એક ગુલદસ્તા પર પડે છે. તે કાર સાઇડમાં પાર્ક કરી ગુલદસ્સો ખરીદે છે, ત્યાં જ તેમને એન્જલે કહેલ વાત યાદ આવે છે, “ફક્ત એક ચોકલેટ”

નયન સામે મોલમાં જઈ અવનવી ચોકલેટો લાવે છે અને ગુલદસ્તામાં ગુલાબના ફૂલો સાથે મૂકી દે છે. ગુલદસ્તો જોતા જાણે એવું જ લાગી રહ્યું હતું કે ગુલદસ્તો ફૂલોનો નહી પણ ચોકલેટનો હોય.

ડોરબેલ વાગતા એન્જલ આતુરતા પૂર્વક દરવાજો ખોલે છે. એન્જલને જોતા નયન થોડીવાર માટે સ્તબ્ધ થઇ જાય છે. નયને આજ સુધી એન્જલને ફક્ત જીન્સ ટીશર્ટ, લેગીસ કુર્તી અને ડ્રેસમાં જ જોય હતી. આજે અચાનક સાડીમાં જોય નયન એક અલગ જ એન્જલને જોઈ રહ્યો હતો. પર્પલ કલરની બોર્ડર વાળી પિંક સાડી, પર્પલ તેમજ પિંક બેન્ગલ્સ, પિંક બિંદી અને કાનમાં પહેરેલ પર્પલ ઈયરીંગ તેમજ પગમાં પહેરેલ પાયલ. આ તમામ શ્રુંગાર એન્જલને નયનની દદ્રષ્ટિએ બેસ્ટ ભારતીય નારી હોવાનો એવોર્ડ આપી રહ્યા હતા.

નયનને આ રીતે સ્ટેચ્યુ બનેલ જોય એન્જલે નયનના કાનમાં મોટેથી ચીસ પાડતા કહ્યું, “ હેલ્લો... ક્યાં ખોવાય ગયો?”

નયને પોતાની પાછળ છુપાવેલ ચોકલેટ તેમજ ફૂલોનો ગુલદસ્તો એન્જલને આપતા કહું, “તારામાં જ”

ગુલદસ્તો જોતા જ એન્જલે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, ઓહ.... “થેન્કયુ સો મચ” તે ગુલદસ્તા માંથી એક ચોકલેટનું રેપર ખોલી અડધી ચોકલેટ પોતાના હાથે નયનને ખવડાવતા કહે છે, “આજે તને મારામાં એવું તે શું દેખાયું કે તું મારામાં ખોવાય ગયો...! ક્યાંક તને મારામાં ચુડેલ કે ડાકણ તો નથી દેખાણી ને...!”

નયને એન્જલનો ચહેરો પોતાની બંને હથેળીમાં લેતા કહ્યું, “આજે તો મને તારામાં રાધા અને મીરાં દેખાઈ રહી છે”

“ઓહ મિસ્ટર, મારે તારા જીવનમાં રાધા કે મીરાનું સ્થાન નથી જોઈતું. મારે તો તારા જીવનમાં રૂક્ષમણીનું સ્થાન જોઈએ છે સમજ્યો...!”

“હા મારી રૂક્ષમણી હા હા સમજી ગયો... હવે નીકળીએ...!

“હા મારા કૃષ્ણ હા” એન્જલે થોડું હસતા કહ્યું.

એન્જલ મેઈન ગેડ બંધ કરતા કહે છે, “હા તો મારા કૃષ્ણ, કઈ વિચાર્યું છે કે ક્યાં જઈશું?”

“કૃષ્ણ તો ત્યાં જ જાય ને જ્યાં સૌથી વધુ ગોપીઓ હોય” નયને થોડી મજાક કરતા કહ્યું.

“ઠીક છે તો હવે ફિલ્મ પણ તારી ગોપીઓ સાથે જ જોઈ લેજે” એન્જલે થોડો ગુસ્સો કરતા કહ્યું.

“અરે,,, હું તો મજાક કરું છુ”

“તો તને કોણે કહ્યું કે હું ગંભીર છું...! અરે,,, હું પણ મજાક જ કરું છું મારા કૃષ્ણ”

બંને એકી સાથે હસવા લાગે છે. નયન બે ડગલા આગળ ચાલી કાર તરફ જાય છે. એન્જલ એક ડગલું આગળ વધે છે ત્યાં જ તેમનો પગ લપશે છે. નયન તેમનો હાથ પકડતા કહે છે, “જિસ કા કામ, ઉસી કો સાજે”

“સાચી વાત છે યાર, એક વાત કવ...! આજે બપોરના બે વાગ્યાથી હું નેટ પરથી સાડી પહેરતા જ શીખી રહી હતી. સાડી પહેરતા તો શીખી લીધી પણ સાડી પહેરીને ચાલતા ન ફાવ્યું”

એન્જલ એક ડગલું વધુ આગળ ચાલે છે ત્યાં જ તેમની સાડીની લેસ સેન્ડલની હિલમાં ફસાઈ જતા તે સાડી પર ગુસ્સો કરતા પોતાની જાતને જ ઠપકો આપે છે, “ આ ફેશન આપણા માટે નથી, આપણે તો જેવા છીએ એવા જ સારા” તે સાડી બદલવા ફરી દરવાજો ખોલે છે ત્યાં જ નયન તેને ગોદમાં ઉચકીને કારની સીટમાં બેસાડે છે.

નયન કાર ચાલુ કરતા કહે છે, “આજનો દિવસ મારા માટે ખુબ જ ખાસ છે, કારણ કે તું એ જ છો જેને હું છેલ્લા ઘણા સમયથી સપનામાં નિહાળી રહ્યો હતો. એજ પિંક સાડી અને એ જ માસુમ સ્વર જે હું સપનામાં મહેસુસ કરી રહ્યો હતો. તું જ તો છે મારી ‘શ્યામસુંદરી’ સપના કદી સાકાર નથી થતા, પણ આજે તને આ સાડીમાં જોય મને એવું જ લાગી રહ્યું છે કે, મારું સપનું સાકાર થઇ ગયું છે”

નયનની આટલી વાત સાંભળતા એન્જલ પાસે ઉચ્ચારમાં માટે કોઈ શબ્દો જ ન હતા. બે ઘડી એમના મનમાં નયનને વળગી પડવાની તીવ્ર ઈચ્છા જાગે છે. તે પોતાના બંને હાથ નયન તરફ ફેલાવે છે ત્યાં જ તેમને તેમની બેસ્ટ ફ્રેન્ડ રિયાની વાત યાદ આવે છે, “શરૂવાતમાં બધા મર્યાદા પુરુષોતમ રામ જેવા જ હોય છે પણ પછી સમય જતા ઇમરાન હાસમી બની જાય છે”

નયન એન્જલની નજીક જવા થોડો આગળ વધે છે ત્યાં જ એન્જલ તેમને અટકાવતા કહે છે તારો મોબાઈલ આપ ને... જોવ તો ખરા, એમાં ‘જબ વી મેટ’ ફિલ્મ જોવાની મજા આવશે કે નહિ”

“તો શું તે મોબાઈલ માટે મારા તરફ હાથ ફેલાવ્ય હતા? મને તો એમ કે....” નયને થોડું ઉદાસ અવાજમાં કહ્યું.

“તને શું લાગ્યું કે હું તને હગ માટે આમંત્રણ આપી રહી છું...!” એન્જલે થોડી મજાક કરતા કહ્યું.

“હવે તારામાં અત્યારે જ ભૂત આવી જાય એ પહેલા આપણે અહીંથી નીકળીએ...!”

એન્જલને નયન પર પૂર્ણ વિશ્વાસ હતો, આમ છતાં શહેરથી થોડે દુર સુમસાન સડક પરથી કાર પસાર થતા તેમના મનમાં નયન પ્રત્યે થોડી આશંકા જન્મે છે. તે મનમાં જ પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે, “એન્જલ તારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહિ..! તું ક્યાં જઈ રહી છે? કોની સાથે જઈ રહી છે? કઈ ભાન છે કે નહિ? તને નાનીમા એ કહેલ વાત યાદ છે કે નહિ... ‘દારૂ અને દેતવા મળે એટલે સળગ્યા વિના રહી જ ન શકે’ તું સામે ચાલીને....”

એન્જલને વિચારોમાં ખોવાયેલ જોઇને નયને પોતાનો હાથ એન્જલના હાથ પર મુકતા કહ્યું, “શું થયું? તું ઠીક તો છેને? તારા હાથ કેમ આટલા ઠંડા છે? ઠંડી લાગે છે? તો એસી બંધ કરી દઉં”

એન્જલથી ધીમા અવાજમાં ફક્ત એક જ વાક્ય બોલાયું, “મારે ઘરે જવું છે, પ્લીઝ મને ઘરે મૂકી જા”

એન્જલને આગળ કઈ પણ પૂછ્યા વિના જ નયન ગાડી પાછી વાળીને એન્જલના ઘર તરફ ચલાવે છે. થોડીવાર બંને ચુપ રહે છે. નયનને પહેલીવાર આટલો ગંભીર જોય એન્જલ પૂછે છે, “તે મને ઘેર પાછા જવાનું કારણ ન પૂછ્યું?”

નયને કારમાં ચાલી રહેલ મ્યુઝીક બંધ કરતા કહ્યું, “કારણ હું જાણું છું”

એન્જલે આશ્ચર્ય સાથે ફરી બીજો સવાલ પૂછ્યું, હા તો કહે શું છે કારણ?”

નયન આકાશમાં ઉડી રહેલ પક્ષીઓ સામે જોતા કારની બહાર આવે છે. થોડીવાર બાદ એન્જલ પણ કાર બહાર આવી નયનને ફરી એ જ સવાલ પૂછે છે, “શું છે કારણ?”

નયને આકાશમાં મંદ મંદ હસી રહેલ ચંદ્રમાં સામે જોતા કહ્યું, “તું બોલવામાં ભલે બિન્દાસ હોય, તારી વાણીમાં ભલે આધુનિકતા હોય, તારો પહેરવેશ ભલે મોર્ડન હોય પણ આખરે તું પણ એક સ્ત્રી જ છો ને..! અને કોઈ પણ સ્ત્રી માટે ચારિત્રથી વધુ કિમતી બીજું કઈ જ નથી હોતું. તે ભલે કાલે મજાકમાં જ એવું કહી દીધું કે ત્યાં મળીશું ‘જહાં કોઈ આતા જાતા નહી’. હા એ વાત સાચી કે હું તને થોડે દુર શહેરની બહાર લઈ જઈ રહ્યો હતો, પણ મારો ઈરાદો તારી સાથે કોઈ અયોગ્ય વર્તન કરવાનો બિલકુલ ન હતો. હું તો તને શહેરથી થોડે દુર આવેલ રાધાકૃષ્ણના મંદિરે લઇ જઈ રહ્યો હતો”

નયનની આટલી વાત સાંભળતા એન્જલની બંને આંખોમાં આંસુના બિંદુ ઉપસી આવે છે. એક ક્ષણ માટે તે અચાનક નયનને વળગી પડે છે, પણ બીજી જ ક્ષણે મર્યાદાનું ભાન થતા તે નયનથી દુર થતા પોતાની આંખમાં આવેલ આંસુને રૂમાલમાં સમાવી લે છે.

આજે પહેલીવાર એન્જલને આટલી ઈમોસનલ થતા જોય નયન તેમના ચેહરા પર ફરી હાસ્ય લાવવા કહે છે, “લે અમને તો આજે ખબર પડી કે મિસ એન્જલ શાહને રડતા પણ આવડે છે”

એન્જલે નયન પર થોડો ગુસ્સો કરતા કહ્યું, “ તમે મારી મજાક ઉડાવો છે?”

“હું કોઈ સપનું તો નથી જોઈ રહ્યો ને...! આજે મિસ એન્જલ શાહ મને ‘તું’ ને બદલે ‘તમે’ કહીને બોલાવી રહ્યા છે” નયને ફરી મજાક ઉડાવતા આશ્ચર્ય સાથે પૂછ્યું.

“હા... કારણ કે, અત્યાર સુધી તમે ફક્ત મારા બેસ્ટ ફ્રેન્ડ હતા પણ હવે...” એન્જલ આગળ બોલતા અટકી જાય છે.

નયને એન્જલનો હાથ પકડતા કહ્યું, “તો હવે શું છું?”

એન્જલ થોડી જુકીને નયનના પગને સ્પર્શ કરતા કહે છે, “રામ તું, શ્યામ તું, મારા જીવનનો નાથ તું”

એન્જલનું આ વાક્ય સાંભળતા નયનની આંખોમાં છુપાયેલ લાગણીના આંસુ બહાર આવી તેમના જ ગાલને ભીના કરી રહ્યા હતા. તે નીચે જમીન પર ઘુટણ પર બેસી આંખોમાં આંસુ સાથે એન્જલને પ્રપોઝ કરે છે.

નયનને અચાનક આટલો ઈમોસનલ થતા જોઈ એન્જલે પોતાના મોબાઈલમાં વિડીયો સોંગ ચાલુ કર્યું, ‘જીલમિલ સિતારો કા આંગન હોગા, રીમઝીમ બરસતા સાવન હોગા’ બંને ચંદ્રમાની ચાંદનીમાં આ સોંગમાં એવા તે ખોવાય જાય છે કે થોડીવાર માટે બંને એકબીજાને પતિપત્નીના રૂપમાં જોવા લાગે છે. સોંગ પૂરું થતા બંનેને સમયનું ભાન થાય છે. એન્જલ મોબાઈલ સ્ક્રીન પર સમય જોતા કહે છે, “ ઓહ...માય ગોડ, આઠ નવ વાગી ગયા? આપણે તો છ થી નવ જબ વી મેટ ફિલ્મ જોવાનું નક્કી કર્યું હતું, પણ આપણે તો આપણી જ ઈમોસનલ ફિલ્મનું સુટ કરવા લાગ્યા અહી” બંને ખુશી ખુશી પાછા ફરે છે.

ક્રમશ:

( મિત્રો, પ્રસ્તુત સ્ટોરી આપને પસંદ આવી રહી હોય અને આગળ પણ વાચવા ઉત્સુક હોય તો વોટ્સઅપ પર મને મેસેજ કરી આપનો અભિપ્રાય જણાવવા વિનંતી.)