અમુક સંબંધો હોય છે - part 5 Dharmishtha parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમુક સંબંધો હોય છે - part 5

ભાગ 5

મિત્રો, મારી દ્રષ્ટિએ કોઈ પણ સ્ટોરી સંપૂર્ણ કાલ્પનિક કે વાસ્તવિક નથી હોતી. પ્રસ્તુત સ્ટોરી "અમુક સંબંધો ? હોય છે " કાલ્પનિક હોવા છતા ક્યાંકને ક્યાંક આપને વાસ્તવિકતાનો અહેસાસ કરાવતી રહેશે. સ્ટોરીના અમુક પ્રસંગો વાંચતી વખતે આપ એવુ અનુભવશો કે ભૂતકાળમા મને પણ આ પરિસ્થિતિનો અહેસાસ થઈ ચૂક્યો છે.

************************

આગળ ભાગ 4 મા આપે જોયુ કે,અનમોલ બેભાન હાલતમાં દવાખાનાના બેડ પર સુતો હતો. જાનવી અનમોલ પાસે જઈ હળવેથી તેમના માથા પર હાથ ફેરવે છે. જાનવીનો સ્પર્શ થતા થોડી જ વારમાં અનમોલ ભાનમાં આવી જાય છે. જાનવીના કઈ પણ કહ્યા વિના જ અનમોલ તેમને ઓળખી જાય છે. પહેલી વાર બંને એક બીજાને મળ્યા હતા આમ છતાં એ મિલનમાં સાચો પ્રેમ, લાગણી અને સંવેદનાની મીઠી હૂફ હતી. બંનેએ એકબીજા પ્રત્યે એવું જ અનુભવ્યું કે એમનો એકબીજા સાથે કોઈ સંબંધ નહિ પણ ઋણાનુંબંધ હોય. બંને એકબીજાને શબ્દો વિના માત્ર આંખોના આંસુ દ્વારા પોતાની મનોવ્યથા જણાવી રહ્યા હતા. થોડીવાર મૌન રહ્યા બાદ જાનવી પોતાનો બધો જ ગુસ્સો અનમોલ પર ઉતારે છે પરંતુ એ ગુસ્સામાં પણ અનમોલ પ્રત્યેનો સાચો પ્રેમ વ્યક્ત થતો હતો.

હવે આગળ...

જાનવી : શું છે આ બધું ? મને પૂછ્યા વિના જ આટલું મોટું પુણ્ય કરવા જઈ રહ્યો હતો...!

અનમોલ : પહેલા તું મને એ કહે કે તે મને ખોટું શા માટે કહ્યું કે તું અપંગ છે ?

જાનવી : હું તો ફક્ત તારા પ્રેમની પરીક્ષા લઇ રહી હતી.

અનમોલ : એ પરીક્ષામાં હું પાસ થયો છું કે હજુ મારે તને પામવા માટે ઘણી પરીક્ષાઓ આપવી પડશે ?

જાનવી : બસ,...હવે આગળ કઈ જ નહિ બોલે સમજ્યો...!

અનમોલ : ‘આઈ લવ યુ’ પણ ના બોલું ?

‘આઈ લવ યુ’ શબ્દ સાંભળતા જ જાનવી અનમોલને ગળે વળગી પડે છે. તે બંનેના પ્રથમ મિલનમાં બંનેના દિલની પીડા આંસુ બની આખો માંથી પસાર થઇ ગાલ પર છવાય જાય છે. બંનેના એકબીજા પ્રત્યેના નિસ્વાર્થ પ્રેમને જોઈ રૂમની બહાર ઉભેલ માનવની આંખોમાં પણ સંવેદનાના આંસુ આવી જાય છે. તે અંદર આવે છે

માનવ : સોરી હું તમને ડીસ્ટર્બ કરી રહ્યો છું પણ....

અનમોલ : અરે દોસ્ત,... આજે તારા લીધે જ તો હું જાનવીને મળી શક્યો છું.

માનવ : પ્રેમ સાચો હોય તો ઈશ્વર પણ બે આત્માને એક કરવામાં મદદરૂપ બને છે. દોસ્ત,... હું જાણું છું કે તું જે કરવા જઈ રહ્યો છે એ ખુબ મોટું પુણ્યનું કામ છે પણ હજુ એક વાર વિચારી લે... શું તું આજીવન એક આંખના સહારે જીવી શકીશ ખરો...!

(માનવ અને અનમોલના સંવેદનશીલ વાક્યો સાંભળી જાનવીને પોતાની જાત પર જ ખુબ ગુસ્સો આવવા લાગે છે. તે પોતાની ભૂલનું પાર્યશ્ચિત કરવા માટે પોતાની એક આંખ અંધ સ્ત્રીને આપવાનો નિર્ણય લે છે.)

જાનવી : હવે અનમોલે પોતાની એક આંખ ગુમાવવાની કોઈ જ જરૂર નથી,

અનમોલ : એમ સોરી જાનવી, પણ હું કોઈકને મારી એક આંખ આપવાનું વચન આપી ચુક્યો છું.

જાનવી : તો હું તને ક્યાં વચન તોડવાનું કહી રહી છું..! એ સ્ત્રીને હું આપીશ મારી એક આંખ.

અનમોલ : વચન મેં આપ્યું છે તો તેને પૂરું પણ હું જ કરીશ.

જાનવી : પણ વચન તો તે મારા લીધે જ આપ્યું છે ને...! તો તેને પૂરું કરવાની જવાબદારી પણ મારી જ છે.

અંધ સ્ત્રીનું ચેકપ કર્યા બાદ ડોક્ટર નયન અનમોલ પાસે આવે છે અને જણાવે છે- "તમારા બંને માંથી કોઈએ પણ પોતાની આંખ ગુમાવવાની કોઈ જ જરૂર નથી. અને અનમોલ તું તે આપેલ વચનની બિલકુલ ચિંતા ન કર. તારું વચન હું પૂરું કરીશ. મેં પેલી અંધ સ્ત્રીનું ચેકપ ફરી એકવાર કર્યું છે. તેમની આંખ બદલવાની કોઈ જ જરૂર નથી. ફક્ત ઓપરેશન કરવાથી એ સ્ત્રી ફરી જોઈ શકશે."

ડોક્ટરની વાત સાંભળતા જ અનમોલ, જાનવી અને માનવના ચહેરા પર આશ્ચર્યની સાથે ખુશીની ચમક જોવા મળે છે.

માનવ : જેમનો ઈરાદો સાચો અને સારો હોય તેમને ઈશ્વર પણ મદદરૂપ બને છે. ડોક્ટર સાહેબ,..તમને નથી લાગતું કે આપણે આ બંને પ્રેમી પંખીડાઓને થોડીવાર એકાંત આપવું જોઈએ..!

જાનવી પણ એકાંતમાં થોડી ક્ષણો અનમોલ સાથે વિતાવવા ઈચ્છતી હતી માટે તે મજાક કરતા કહે છે,- "પ્રેમી પંખીડાઓને એકાંતની સાથે ઉડવા માટે આકાશ પણ જોઈએ ને...!"

જાનવીનું આ વાક્ય દવાખાનાના ગંભીર વાતાવરણમાં થોડી હળવાશ લાવે છે.

જાનવી : ચલ ચલે અપને ઘર હમસફર....

અનમોલ : હું તારો હમસફર બનવા તૈયાર જ છું પણ પેલી અંધ સ્ત્રીનું ઓપરેશન થઇ ગયા બાદ. મેં તેમને મારા જીવનમાં બહેનનું સ્થાન આપ્યું છે. જ્યાં સુધી તેમનું ઓપરેશન સફળ નહિ થાય ત્યાં સુધી હું એવું જ ફિલ કરતો રહીશ કે મેં આપેલ વચન પાળવમાં હું અસફળ રહ્યો છું.

અંધ સ્ત્રી પ્રત્યેની અનમોલની ચિંતા જોઈ તેમનો દોસ્ત નયન જણાવે છે- “મહાપુરુષ,... હવે થોડું પુણ્ય કમાવવાનો મોકો અમને પણ આપો. ઓપરેશનને સફળ બનાવવાની જવાબદારી મારી...”. ડોક્ટર નયનનું અધૂરું વાક્ય પૂરું કરતા માનવ કહે છે-“અને તારી અે બહેનને તેમને એમના ઘર સુધી સહીસલામત પહોચાડવાની જવાબદારી મારી. ઘેર પહોચતા જ હું તેમની સાથે ફોન પર તારી વાત કરાવી આપીશ”

માનવ અને ડોક્ટર નયનની વાતો અનમોલના માથા પરથી પોતે આપેલ વચનનો બોજ સાવ હળવો કરી દે છે. તે પોતે પણ અંદરથી તો જાનવી સાથે થોડી ક્ષણો એકાંતમાં વિતાવવા ઇચ્છતો જ હતો માટે બંને હોસ્પીટલની સામે આવેલ રાધાકૃષ્ણના મંદિરે જાય છે. અનમોલ મનોમન ઈશ્વરનો આભાર માનતા મનમાં જ ઈશ્વર સાથે વાતો કરી રહ્યો હતો.- “તે મારી રાધાના હદયમાં મારા પ્રત્યે પ્રેમ જગાવ્યો એ બદલ તારો ખુબ ખુબ આભાર પ્રભુ” જાનવી મળતા અનમોલને જાણે જીવનનું સર્વસ્વ મળી ગયું હતું. દર્શન કરતી વેળાએ જાનવી એકી નજરે બંધ આખે ઈશ્વરનો આભાર માની રહેલ અનમોલ સામે જોઈ રહે છે. થોડીવાર બાદ અનમોલની આખો ખુલતા તે અનમોલ સમક્ષ પોતાના મનની વાત જણાવે છે.- "આજે મેં પહેલીવાર કોઈકની આંખોમાં મારા પ્રત્યેના સાચા પ્રેમના દર્શન કર્યા છે. સમજાતું નથી કે ગયા ભવમાં મેં એવા તે ક્યાં પુણ્ય કર્યા હશે કે આ ભવમાં મને તારા જેવો પ્રેમાળ ભરથાર મળી રહ્યો છે..!"

અનમોલ : "પુણ્ય તો મેં કર્યા હશે કે આ ભવમાં મને તારા જેવી માસુમ અને પવિત્ર જીવનસાથી મળી રહી છે."

દર્શન કર્યા બાદ બંને મંદિરના પટાંગણમાં વૃક્ષની છાયામાં બેસે છે. સંધ્યાનો સમય હતો. સૂર્ય પૃથ્વી પરથી વિદાઈ લઇ રહ્યો હતો અને ચંદ્રમાનું આગમન થવાની તૈયારી હતી. ઢળતા સૂર્યને જોઈ જાનવી અનમોલને પૂછે છે- “ તું તો મારા વિશે કઈ જ જાણતો ન હતો, તે તો મને કદી જોઈ પણ ન હતી આમ છતાં મને આટલો પ્રેમ કરે છે? "

અનમોલ માટે જાનવીના આ પ્રશ્નનો ઉતર આપવો સાવ સરળ હતો, તે આકાશમાં ઉડતા પક્ષીઓ સામે જોયને કહે છે- “જાનવી મેં તારા આત્માને પ્રેમ કર્યો છે, તારા સ્વભાવ અને સંસ્કારને પ્રેમ કર્યો છે, મેં તારી સાદગી અને સરળતાને પ્રેમ કર્યો છે, તારા વિચારોને પ્રેમ કર્યો છે. મારા માટે તારી ખૂબીઓની સાથે સાથે તારી ખામીઓ પણ એટલી જ મહત્વની છે. જોકે તારી ખામી જ મારી દ્રષ્ટીએ ખૂબી છે. જેમકે તારું કડવું અને સ્પષ્ટ બોલવું સમાજને ભલે ન ગમતું હોય પણ તારો એ ગુણ મને વધુ તારી નજીક ખેચી લાવે છે”

અનમોલના મુખેથી આટલું સાંભળતા જ જાનવી સામેથી જ અનમોલ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુકે છે- “લગ્ન કરીશ મારી સાથે? તારા જીવનમાં એક ખાસ સ્થાન આપીશ મને? શું તું જીવનસાથી તરીકે મારો સ્વીકાર કરવા તૈયાર છે?” જાનવીના મુખે બોલાયેલ આ ત્રણ નાના વાક્યો અનમોલ માટે દુનિયાની સૌથી શ્રેષ્ઠ ભેટ પુરવાર થાય છે. એ દિવસની સંધ્યા અને સંધ્યાની એ ક્ષણ અનમોલ અને જાનવી માટે ખાસ બની જાય છે.

અનમોલ બાળપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચુક્યો હતો માટે તેમનો ઉછેર તેમના પિતાના સૌથી વફાદાર નોકર રામુકાકાએ કર્યો હતો. મોટો થતા જ તે પોતાના પિતાનો વ્યવસાય સંભાળે છે. અનમોલ પાસે પૈસો અઢળક હતો પણ હમેશા કોઈકના પ્રેમ માટે તરસતો. જયારે જાનવી પણ હમેશા કોઈકના પ્રેમ માટે જ તરસતી હતી. કારણ કે પરિવાર હોવા છતાં તે પોતાની જાતને અનાથ સમજતી હતી. તેમની મમ્મી માટે તે સાપના ભારા સમાન હતી જયારે મોટા ભાઈના લગ્ન બાદ ભાઈ ભાભી માથે પણ બોજ જ હતી. સમાજમાં જાનવીનું એક ખાસ સ્થાન હતું પણ પરિવારમાં તેમનું કોઈ જ સ્થાન ન હતું. સમાજના લોકો તેને લેખક તરીકે ઓળખતા હતા જયારે પરિવારના લોકો તેને કાગળ અને પેનનો બગાડ કરનાર દુનિયાની સૌથી મુર્ખ વ્યક્તિ સમજતા હતા. જાનવીનું લખવું પરિવારમાં કોઈને પસંદ ન હતું જયારે એ લખવું જ અનમોલને જાનવીની નજીક લાવે છે. માટે જાનવી પોતાના પરિવારને જાણ કર્યા વિના જ અનમોલ સાથે લગ્ન કરી લે છે. લગ્ન કર્યા બાદ તે પોતાના ભાઈને મેસેજ કરીને પોતાના લગ્નનો એક ફોટો મોકલી આપે છે.

જાનવી અને અનમોલ માટે લગ્ન એ માત્ર શરીરનું મિલન ન હતું પણ આત્માનું મિલન હતું. લગ્ન બાદ બને હર એક પળને ખુશી ખુશી વિતાવી રહ્યા હતા. બંને માટે જીવનની હર એક પળ યાદગાર બની રહેતી. બંનેની દુનિયા એકબીજાની આસપાસ જ ફર્યા કરતી.

એક દિવસ રાત્રીના સમયે જાનવી સ્વપ્નમાં દેવાંગને “એક દિન આપ યુ હમકો મિલ જાયેગે....” ગીત ગાતો નિહાળે છે. સ્વપ્નમાં દેવાંગને જોતા જ જાનવી ઊંઘ માંથી જબકીને ઉઠી જાય છે અને રડવા લાગે છે. જાનવીને અચાનક રડતી જોય અનમોલ ગભરાય જાય છે તે જાનવીને શાંત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જાનવી રડતા રડતા અનમોલના પગમાં પડી જાય છે અને માફી માગવા લાગે છે. તે અનમોલને દેવાંગની તમામ હકીકત જણાવે છે. જાનવી અને દેવાંગના સંબંધની હકીકત જાણ્યા બાદ અનમોલ માત્ર એટલું જ કહે છે કે ‘મેં તને પહેલા પણ કહ્યું હતું અને આજે દેવાંગ વિશે જાણ્યા પછી પણ એ જ કહું છું કે મને તારા ભૂતકાળ સાથે કોઈ જ નિસ્બત નથી, મને તો ફક્ત તારો વર્તમાન અને ભવિષ્ય જોઈએ છે. જે તું મને સાચા દિલથી આપી રહી છે’ અનમોલ જાનવીના ચહેરા પર ફરી સ્મિત લાવવા ગીતની એક કળી ગાઈને સંભળાવે છે- “મેરી દુનિયા હે તુજમે કહી, તેરે બિન મેં ક્યાં કુછભી નહી” અનમોલનો માસુમ સ્વર સાંભળી જાનવી ધ્રુસકે ધ્રુસકે વધુ રડવા લાગે છે

જાનવીને ફરી વર્તમાનમાં લાવવા અનમોલ તેને લોંગ ડ્રાઈવ પર લઇ જાય છે. જોતજોતામાં બંને એવી જગ્યાએ પહોચી જાય છે જ્યાં દુર દુર સુધી કોઈ જ ન હતું. માત્ર ચંદ્રમાની ચાંદની બંનેને એકબીજાની સાથે હોવાનો અહેસાસ કરાવી રહી હતી. એ પળ જાનવી માટે અત્યાર સુધીની જીવનની સૌથી યાદગાર પળ બની રહે છે. હવે તેમના દિલમાં દેવાંગનનું કોઈ જ સ્થાન ન હતું. તે અનમોલને જણાવે છે કે મારા જીવનમાં મારા પતિનું સ્થાન હંમેશાથી ખાલી જ હતું,, અને એ સ્થાન મારા પતિ સિવાય બીજું કોઈ લઇ શકે તેમ ન હતું. હું તો બાળપણથી જ તમારા આવવાની રાહ જોઈ રહી હતી પણ દેવાંગે મારા જીવનમાં એવું તે તુફાન સર્જ્યું કે મને પ્રેમ, લાગણી, અને સંબંધોથી જ નફરત થવા લાગી હતી. પરંતુ આજે તમે એ નફરતને ફરી પ્રેમમાં પલટાવી નાખી છે. આટલું બોલતા જાનવીના મુખેથી અમુક પંક્તિઓ સરી પડે છે.....

‘સાવરીયો રે મારો, સાવરીયો.....

હું તો ખોબો માગું ને, દઈ દે દરિયો......’

ખુબ રડ્યા બાદ જાનવી ચંદ્રમાની ચાંદનીમાં અઢળક ખુશીનો અનુભવ કરે છે. જાનવીને ખુશ જોઈ અનમોલ પણ હળવો થાય છે. બને ખુશી ખુશી ઘેર પાછા ફરે છે.

એક દિવસ બંને સંધ્યા સમયે બગીચામાં ટહેલવા જાય છે. ત્યાં અનમોલની નજર એક નાના બાળક પર પડે છે. બાળકને ખીલખીલાટ હસતું જોઈ તેમના મનમાં પણ પોતાના બાળકને જોવાની ઈચ્છા જાગે છે, પરંતુ તે જાનવી સમક્ષ પોતાના મનની વાત કહેતા અચકાય રહ્યો હતો.. ઘેર આવ્યા બાદ બંને સાથે ભોજન કરીને સુઈ જાય છે. થાકને કારણે જાનવીને થોડી જ વારમાં ઊંઘ આવી જાય છે પણ અનમોલની આખો સામે વારેવારે પેલા બાળકનો ખીલખીલાટ હસતો ચહેરો આવી જાય છે, માટે તે આખી રાત વિચારોમાં જ વિતાવે છે કે બાળક વિશે જાનવીના દિલમાં કેવી લાગણી હશે અને કઈ રીતે પોતાના મનની વાત જાનવીને કહેવી. સવાર પડતા જ અનમોલ રાબેતા મુજબ ઓફિસે જતો રહે છે, પણ આજે ઓફિસના કામમાં પણ તેમનું મન પરોવાતું ન હતું. આ તરફ જાનવીનું મન પણ આજે ઘરકામમાં લાગતું ન હતું. અનમોલની ગેરહાજરી આજે તેને એકલતાનો અહેસાસ કરાવી રહી હતી. તે એકાંતથી બચવાબાલ્નીમાં જઈ ઈયરફોન મોબાઈલ જોડી સોંગ સાંભળવા લાગે છે. સંધ્યાનો સમય હતો, આકાશમાં ઘેરાયેલ કાળા વાદળો વરસવાની તૈયારીમાં હતા. સ્કુલ યુનિફોર્મમાં સ્કુલેથી ઘેર પાછા ફરી રહેલ બાળકોને વરસાદી માહોલમાં મસ્તી કરતા જોઈ જાનવીના મનમાં પણ ક્યાંકને ક્યાંક પોતાના બાળકને જોવાની ઈચ્છા જાગે છે. તે બાલ્કની માંથી બહાર આવી સીડી ઉતરતી હોલમાં આવે છે અને સોફા પર બેસી વચ્ચે ટિપોઇ પર પડેલ રિમોટ હાથમા લઈ ટીવી ચાલુ કરે છે. ટીવી પર 'રસોઇ સો' જોતા તેમના મનમાં પણ અણમોલને ભાવતી વાનગી બનાવવા વિચાર આવે છે માટે તે રિમોટ વડે ટીવી બંધ કરી અંદર કિચનમાં જાય છે અને અનમોલને ભાવતી અવનવી વાનગીઓ બનાવે છે. . તે પણ હવે પોતાના મનની વાત અનમોલને કહેવા આતુરતા પૂર્વક તેમના આવવાની રાહ જોઈ રહી હતી.પણ આજે ઘડીયારનો કાટો જાણે ત્યાં જ થંભી ગયો હતો. જાનવી વારવાર ઘડીયાર સામે તો ક્યારેક દરવાજા સામે જોયા કરે છે. ડોરબેલ વાગતા જ તે ઝડપથી કિચન માંથી બહાર મેઈન ગેટ તરફ દોડી જાય છે અને દરવાજો ખોલે છે તે આસપાસ નજર કરે છે પણ ત્યાં કોઈ જ ન દેખાયું. તે દરવાજો બંધ કરવા જાય છે ત્યાં જ તેમની નજર દરવાજા પાસે નીચે પડેલ ફૂલોથી સજાવેલ ગુલદસ્તા પર પડે છે. ફૂલોની મહેક જાનવીને અનમોલ પોતાની પાસે હોવાનો અહેસાસ કરાવે છે. તે ગુલદસ્તાને અંદર બેડરૂમમાં લઇ જાય છે અને તેને ડ્રેસિંગ ટેબલની બાજુમાં રાખે છે. આજે ફરી તે એ જ ડ્રેસ પહેરે છે જે પહેરીને તે પ્રથમવાર અનમોલને મળી હતી. સંપૂર્ણ શ્રુંગાર કર્યા બાદ છેલ્લે સેથીમાં સિંદુર પુરતી વેળાએ તેમની નજર ફૂલોના ગુલદસ્તામાં રાખેલ ચિઠ્ઠી પર પડે છે. પોતાના કંકુ વાળા હાથ લૂછ્યા વિના જ તે આતુરતા પૂર્વક ચિઠ્ઠી વાચે છે. અનમોલે ચિઠ્ઠી દ્વારા જાનવી સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું....”જાનું....હવે હું આપણા એક અંશને જોવા ઈચ્છું છું. મારે એક પરી જોઈએ છે કે જેમાં તારું જ પ્રતિબિંબ હોય. આપીશ ને મને !"

ચિઠ્ઠી વાચતા જ તે અરીસામાં જોઈ પોતાની જાતથી જ શરમાય છે. અનમોલના પ્રશ્નનો જવાબ તો હા જ હતો પણ આટલો લાગણી અને પ્રેમથી તરબોર અનમોલના પ્રશ્નનો જવાબ માત્ર એક શબ્દમાં આપવો જાનવી માટે મુશ્કેલ હતું. બંનેના સંબંધમાં એટલો પ્રેમ ફેલાઈ ચુક્યો હતો કે પોતાના મનની વાત રજુ કરવા માટે શબ્દોની હાજરીની જરૂર ન હતી. માટે જાનવી અનમોલના પ્રશ્નનો જવાબ મેસેજમાં આપતી વખતે ‘હા’ લખવાને બદલે એક નાના બાળકનો ફોટો સેન્ડ કરે છે. ફોટો જોતા જ અનમોલ જાનવીનો જવાબ સમજી લે છે.

ક્રમશઃ ..........

(મિત્રો, પ્રસ્તુત મારી આ સ્ટોરી આપને પસંદ આવી હોય અને આગલા પણ વાંચવા ઉત્સુક હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરીને આપના અભિપ્રાયો જણાવવા વિનંતી)

Dharmishtha parekh

8460603192