અમુક સંબંધો હોય છે ( ભાગ-3 ) Dharmishtha parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમુક સંબંધો હોય છે ( ભાગ-3 )

સવાર પડતા જ તેમના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી કોઈકનો ફોન આવે છે. જાનવી ફોન રીસીવ કરે છે-

હેલ્લો...

હેલ્લો... શું હું જાનવી મેહતા સાથે વાત કરી શકું?

હું જાનવી જ બોલું છુ. આપ કોણ?

નમસ્તે મેમ...મારું નામ ધર્મેશ દોશી છે. હું એક નવું ન્યુઝ પેપર શરુ કરી રહ્યો છુ.

પણ અમારા ઘરમાં કોઈ પેપર વાંચતું જ નથી.

મેમ...હું તમને મારું પેપર વાંચવાનું નથી કહી રહ્યો પણ હું તો તમને મારા પેપર માટે આર્ટીકલ લખવાનું કહી રહ્યો છુ

મને લાગે છે કે તમારાથી રોંગ નંબર લાગ્યો છે.

મારાથી રોંગ નંબર નથી લાગ્યો. મારે તમારું જ કામ છે

બોલો હું તમારી શું મદદ કરી શકું એમ છું?

તમારી પર્સનલ બુક કાલે મારા હાથમાં આવી હતી. તમે બગીચામાં બેંચ પર જ ભૂલીને જતા રહ્યા હતા

ઓહ.....નો.....

મેમ, તમે બિલકુલ ચિંતા નહી કરો. તમારી બુક મારી પાસે જ છે જે હું તમને ચોક્કસ પાછી આપીશ

. થેન્ક્યુ સો મચ....

માફ કરજો મેમ,... મેં તમારી પર્સનલ બુક વાચી છે. તમારું લખાણ ખુબ જ ધારદાર છે. શું તમે વિકમાં ફક્ત એક આર્ટીકલ મારા દૈનિક માટે લખશો?

અરે....પણ હું કોઈ લેખક નથી.હું તો ફક્ત મારી લાગણી અને મારા અનુભવોને મારી બુકમાં વ્યક્ત કરું છું

માન્યું કે તમે કોઈ એટલા મોટા લેખક નથી પણ તમારું લખાણ લેખકોના લખાણથી કઈ ઉતરતું પણ નથી. જો તમારી અનુમતિ હોય તો તમે તમારી બુકમાં કરેલ સાચા પ્રેમનું વર્ણન હું મારા ન્યુઝ પેપરમાં છાપું. આમ પણ કાલે વેલેન્ટાઈ ડે’ છે.

શું તમને સાચે જ મારું લખાણ તમારા ન્યુઝ પેપરમાં છાપવા યોગ્ય લાગે છે?

હા સો ટકા, તો શું હું તમારી હા સમજુ?

નેકી ઔર પૂછપૂછ.....!

થેન્ક્યુ મેમ... થેન્ક્યુ સો મચ.... મેમ તમારી બુક હું તમને કુરિયર કરી આપું?

કુરિયર કરવાની શી જરૂર છે? હું જયારે મારો બીજો આર્ટીકલ આપવા આવીશ ત્યારે લઇ જઈશ.

એનો અર્થ એ થયો કે તમે આગળ પણ મારા દૈનિક ન્યુઝ પેપર માટે લખશો...!

પ્રોમિસ નથી આપતી પણ કોશિસ ચોક્કસ કરીશ.

હોતી ઉસકી જીત હે, જો ના માને હાર.... બેસ્ટ ઓફ લક

થેન્ક્યુ.....

૧૪ ફેબ્રુઆરીની સવારનો સૂર્ય જાનવીના જીવનમાં ખુશીના કિરણો પાથરે છે. કહેવાય છે કે, જયારે કોઈ માણસની સંવેદના, સહનશીલતા, સ્નેંહ અને સારાઈ સાથે સ્વાર્થની રમત રમાય છે ત્યારે એમના દિલનું દર્દ કાવ્ય કે નવલકથામાં રૂપાંતરિત થાય છે. તેમની પીડા ગઝલ, શાયરી કે લેખ સ્વરૂપે સમાજ સમક્ષ પ્રસ્તુત થાય છે. જાનવીના જીવનનો કડવો ભૂતકાળ જ તેને સફળતાના શિખર તરફ લઇ જાય છે. તે પોતાના દિલની વાત કલમના સથવારે કાગળ પર ઉતારવા લાગે છે. તેમના દ્વારા લખાયેલ લેખો એટલા પ્રખ્યાત બને છે કે ટુક સમયમાં જ સમાજમાં તેનું એક અલગ સ્થાન બની જાય છે. તેમની અંદરમાં છુપાયેલ ખૂબી બહાર આવતા તેમની સફળતાની ગાડીએ એવી તે સ્પીડ પકડી કે સમયના પ્રવાહમાં તેનો કડવો ભૂતકાળ પણ વહી ગયો. હવે તેમના લેખો અવારનવાર વર્તમાનપત્રમાં પ્રસ્તુત થવા લાગ્યા હતા. સમય જતા જાનવીના લેખો વાચનાર વાચકોની સંખ્યામા વધારો થવા લાગ્યો.

જાનવીનો પ્રથમ લેખ-

‘Love’ અને ‘પ્રેમ’ વચ્ચેની પાતળી ભેદરેખા

‘Love’ શબ્દોથી વ્યક્ત થાય છે, જયારે પ્રેમ અહેસાસથી વ્યક્ત થાય છે.

વેલેન્ટાઈ ડે એટલે પ્રેમનો એકરાર કરવાનો દિવસ. આ દિવસે પ્રેમનો એકરાર નહિ, પરંતુ અહેસાસ થવો જોઈએ. આજના યુવાધને પ્રેમ જેવા પવિત્ર સંબંધને સાવ નિમ્ન કક્ષાએ પહોચાડી દીધો છે. આજનો યુવાવર્ગ એકબીજાને Love તો કરી શકે છે. પણ સાચો પ્રેમ નથી કરી શકતો કે નથી પામી શકતો. આજના આધુનિક પુરુષને સીતા જેવી પવિત્ર અને સંસ્કારી ધર્મ પત્ની જોઈએ છે, પણ પોતાને રામ નથી બનવું. અને એજ રીતે આજની મોર્ડન સ્ત્રીને શંભુ જેવો ભોળો ભરથાર જોઈએ છે,પણ પોતાને પાર્વતી જેવું કઠોર તપ નથી કરવું. પરંતુ એક વાત હમેશા યાદ રાખવી, "ફક્ત ગળામાં મંગળશુત્ર પહેરવાથી કે સેથીમાં સિંદુર પૂરવાથી કોઈની પત્ની નથી થઇ જવાતું. પણ તેના માટે સ્ત્રીએ પોતાનું સર્વસ્વ પોતાના પતિ પર ન્યોછાવર કરવું પડે છે". આજના આધુનિક યુગમાં પણ માતાપિતા પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને ઉંચ્ચ અભ્યાસ માટે સારી એવી સ્કુલ કોલેજોમાં મોકલે છે.પરંતુ સંતાનો સ્કુલ કોલેજ જવાને બદલે બગીચાઓમાં વધુ જોવા છે. પણ આવું કરવાથી સંતાનો માતાપિતાનો વિશ્વાસ તો ગુમાવે જ છે.પરંતુ સાથોસાથ યુવતીઓ પોતાનું સૌથી કીમતી અેવુ ચારિત્ર પણ ગુમાવે છે.

પ્રેમ કોઈ વ્યક્તિના શરીરને નહિ પણ આત્માને થાય છે.પ્રેમ વ્યક્તિની ખૂબીને નહિ પરંતુ ખામીને થાય છે. પ્રેમ વ્યક્તિની બાહ્ય સુંદરતા નથી જોતો પણ આંતરિક સુંદરતાને અનુભવે છે. પ્રેમ કરવો સહેલો છે. પરંતુ કોઈના પ્રેમને સમજવો એટલો જ મુશ્કેલ છે. પ્રેમ પામવો સહેલો છે પરંતુ તેને જીવનભર ટકાવી રાખવો મુશ્કેલ છે. સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓંળખીએ છીએ. જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે. પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીને સ્વીકારનાર ભાગ્યે જ કોઈ એક હોય છે.

પ્રેમનો સંબંધ એ લોહીના સંબંધથી અનેકગણો ચડિયાતો છે. જીવનમાં પરિસ્થિતિ ભલે બદલાય પણ સાચો પ્રેમ કદી બદલાતો નથી. સાચો પ્રેમ એ નિરંતર વહેતા પાણીના પ્રવાહ જેવો છે. તે પોતાનો રસ્તો આપોઆપ જ કરી લે છે. વ્યક્તિ જ્યાં પણ સાચો પ્રેમ અનુભવશે ત્યાં આપોઆપ જ તણાતો રહેશે. પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે. જે રીતે સરિતા સાગરમાં ભળીને એક થઇ જાય છે. એ જ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ એકબીજામાં ભળીને એક થઇ જાય છે. જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં વિશ્વાસ આપોઆપ આવી જાય છે. પણ જ્યાં વિશ્વાસ જ નથી હોતો ત્યાં કદી ભવિષ્યમાં પણ સાચો પ્રેમ પાંગરતો નથી. સમાજના લોકો આપણી થોડીગણી પણ મદદ કરશે તો અનેકવાર સંભળાવશે. પણ માત્ર એક પ્રેમ કરનાર વ્યક્તિ જ એવી છે જેને હમેશા આપણી ખૂબી જ દેખાય છે. અને આપણામાં રહેલ ખામીને પણ ખુબીમાં પલટાવી જાણે છે.

જીવનમાં પ્રેમની બુનિયાદ જ નબળી હશે તો જીવનભર એ પ્રેમને ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે. દરેક સંબંધનું એક સત્ય હોય છે. બે વ્યક્તિના સત્ય જયારે એક થાય છે ત્યારે જ સાત્વિક પ્રેમનું નિર્માણ થાય છે. પ્રેમ એટલે એકબીજામાં ઓગળવાની આવડત. સંબંધમાં સત્ય કેવું છે એના પરથી જ પ્રેમની આવરદા નક્કી થાય છે. આપણને ખબર હોવી જોઈએ કે આપણી વ્યક્તિને આપણા પાસેથી શું જોઈએ છે. પ્રેમના સત્યનું પણ લોહી જેવું જ છે. જેરીતે બ્લડગ્રૂપ સરખું ન હોય તો લોહી ચડતું નથી. એ જ રીતે પ્રેમનું સત્ય સરખું ન હોય તો પ્રેમ લાંબો સમય ટકતો નથી. અમુક લોકો મૌન રહે છે. એનો અર્થ એવો નથી કે એમને કઈ કહેવું નથી. કહેવું તો હોય છે પણ એમના મૌનને સમજનાર કોઈ હોતું નથી. સાચો પ્રેમ મૌનને પણ સમજી શકે છે.

પ્રેમમાં પામવાનું અને ગુમાવવાનું તો ચાલ્યા જ કરે. તમે તમારું બધું જ ગુમાવીને પણ અમીર બની જાવ એ જ સાચો પ્રેમ. ગમે તેવું દુઃખ હોય પણ સાચો પ્રેમ આપનાર વ્યક્તિ આપણી પાસે હોય, આપણી સાથે હોય અને બધું દુઃખ વિસરાઈ જાય એ જ સાચો પ્રેમ. પરસ્પરના વિશ્વાસને કોઈ ડગાવી ન શકે એ જ સાચો પ્રેમ. પ્રેમ તો દરેકનો સરખો જ હોય છે. પણ પરિસ્થિતિ અને સંજોગો અલગ અલગ હોય છે. દરેકના જીવનમાં રાધા કૃષ્ણ જેવો પ્રેમ હોય એ જરૂરી નથી. વર્તમાન સમયમાં કોઈ સ્ત્રી કે પુરુષ વચ્ચે રાધાકૃષ્ણ જેવો સંબંધ હોય તો આપણે તેને એક અલગ જ નજરથી જોઈએ છીએ. કૃષ્ણની પત્ની તો રૂક્ષ્મણી હતી. આમ છતાં કૃષ્ણ સાથે તો હમેશા રાધાનું નામ જ લેવાય છે. આ બંનેના સંબંધમાં પ્રેમ હતો, પણ આકર્ષણ નહતું. માત્ર લાગણી અને સવેદના હતી. માટે જ રાધા કૃષ્ણના પ્રેમને પવિત્ર માનવામાં આવે છે.

એક વ્યક્તિના સપોટને લીધે બીજાનો થતો વિકાસ એ પ્રેમ છે. પ્રેમનો કોઈ જ આકાર નથી હોતો, પણ પ્રકાર હોય છે. પ્રેમનો સંબંધ માત્ર દિલ સાથે નહિ પરંતુ આત્મા સાથે જોડાયેલ હોય છે. સાચો પ્રેમ દર્પણ અને પડછાયા જેવો હોય છે. દર્પણ કદી જુઠ્ઠું બોલતું નથી અને પડછાયો કદી સાથ છોડતો નથી. પ્રિય વ્યક્તિ પાસે માણસને સમયનું ભાન નથી રહેતું અને અપ્રિય વ્યક્તિ પાસે એક સેકંડ પણ એક મહિના જેવી લાગે છે. પ્રેમમાં કઈ પામવાનો ભાવ નથી હોતો માત્ર સમર્પણ ભાવ જ હોય છે. પ્રેમમાં જેટલું પામીએ છીએ એથી વિશેષ ગુમાવવું પડે છે.

પ્રેમ કોઈ કહીને કરવાની વસ્તુ નથી. એ તો બસ આપોઆપ થઇ જાય છે. પ્રેમ એક ખુબસુરત અહેસાસ છે. જેનું કોઈ જ નામ નથી હોતું.કહ્યા વિના જ એકબીજાની વાતને સમજવી, દુઃખ એકને હોય અને પીડાનો અનુભવ કોઈ બીજું કરે. દુર હોવા છતાં પાસે હોવાનો અહેસાસ. કોઈક એવું કે જેમની દરેક વાત આપણને સાચી લાગે. કોઈક એવું કે જેમના દરેક શબ્દો આપણા દિલ સુધી પહોચે. કોઈક એવું કે જેમના આવવાથી આપણા જીવનમાં જડમુળથી પરિવર્તન આવી જાય. કોઈક એવું કે જેમના આવવાથી દુનિયાની તમામ સમસ્યાઓનું નિવારણ મળવા લાગે. કોઈક એવું કે જેમના આવવાથી જીવનનું તમામ દુઃખ સાવ નિમ્ન બની જાય અને જીવન જીવવું સહેલું બની જાય. કોઈક એવું કે જેમને આપણે વધુમાં વધુ ઓળખવા ઇચ્છીએ છીએ. કોઈક એવું કે જેમના દ્વારા મળેલ નાનામાં નાની વસ્તુ પણ મુલ્યવાન બની જાય. કોઈક એવું કે જેમના આવ્યા બાદ અન્ય વ્યક્તિને એ સ્થાન આપવું મુશ્કેલ બની જાય. કોઈક એવું કે જેમની પાસેથી શારીરિક કોઈ જ ભૂખ ન હોય પણ માનસિક હુફનો અહેસાસ હોય. જાણે એવું જ લાગે કે એમની સાથે આપણો કોઈ સંબંધ નહિ પણ રુન્નાનુંબંધ હોય.

પ્રેમ પાણી જેવો નિર્મળ છે.માનો તો ગંગા છે અને માત્ર ભોગવો તો ગટર છે. ગંગામાં પણ પાણી હોય છે અને ગટરમાં પણ પાણી હોય છે. આમ છતાં ગંગાના પાણીને પવિત્ર માનવામાં આવે છે, જયારે ગટરના પાણીને અપવિત્ર માનવામાં આવે છે. એ જ રીતે સાચા દિલથી પ્રેમ કરવામાં આવે તો ગંગા જેવો પવિત્ર છે.પણ જો તે માત્ર એક પ્રકારનું આકર્ષણ હોય તો ગટર જેવો અપવિત્ર છે. આકર્ષણની ઉમર બહુ લાંબી હોતી નથી. સમય જતા એ ઘટતું જાય છે. જયારે સાચો પ્રેમ સમય જતા વધતો જ જાય છે. તેમાં કદી ઓટ આવતી નથી અને ભરતી આવ્યા વિના રહેતી નથી.

બહુ ઓછા લોકોને આવા પવિત્ર પ્રેમનો અહેસાસ થતો હોય છે. બહુ ઓછા લોકોને આવો અલૌકિક સ્નેહ મળતો હોય છે. આવો સંબંધ એક એવો સંબંધ હોય છે કે જેને આપણે ઇચ્છવા છતાં તોડી શકતા નથી. જયારે ઋણાનુબંધ વાળી વ્યક્તિ શ્રેષ્ઠ સ્થાને હોય, પ્રેમી હોય અને તે આપણને યોગ્ય પંથ પર લઇ જઈને તે જ પંથ પર ટકાવી રાખનાર હોય ત્યારે માનવું કે આપણો આ ભવ સફળ રહ્યો.

“જીવનનું ખાતર નાખ્યા વિના પ્રેમનું વૃક્ષ મોટું થતું નથી. ‘ભૂલ તારી નહિ’ પણ ‘ભૂલ મારી છે’ એમ સમજવું એ જ સાચો પ્રેમ”

જાનવીનો લેખ દર રવિવારે ન્યુઝ પેપરની પૂર્તિમાં પ્રસ્તુત થતો. અનમોલ જાનવીનો લેખ વાચવા માટે આતુરતા પૂર્વક રવિવારની રાહ જોઇને બેસતો. રવિવારની સવાર પડતા જ તે પૂર્તિ ધાબે લઇ જતો અને ખુબ જ ધ્યાનથી જાનવીના લેખો વાંચતો. લેખના તમામ વાક્યો અનમોલના હદયને સ્પર્શી જતા. તેમના દિલમાં એકવાર જાનવીને મળવાનો ભાવ જાગે છે. તે ફેસબુક પરથી જાનવીના સંપર્કમાં આવે છે. જયારે પણ જાનવીનો લેખ પ્રસ્તુત થતો ત્યારે તે મેસેજ કરી જાનવીને શુભેચ્છા પાઠવતો. સમયનું ચક્ર ફરતા બંને વચ્ચે મિત્રતા બંધાય છે. આજ સુધી અનમોલે માત્ર જાનવીના લેખો વાચ્યા હતા. પણ તેમની સાથે મેસેજમાં વાત કર્યા બાદ તે જાનવીને વધુ પસંદ કરવા લાગે છે. એક દિવસ તે મેસેજમાં જ જાનવી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુકે છે. તે I LOVE YOU તો નથી કહેતો પણ I LIKE YOU ચોક્કસ કહે છે. અનમોલનો મેસેજ વાચતા જાનવીને થોડું આશ્ચર્ય થાય છે તે પૂછે છે – "જો તું મને પ્રેમ નથી કરતો માત્ર પસંદ જ કરે છે તો શા માટે મારી સાથે લગ્ન કરવા ઇચ્છે છે? "

અનમોલ : કારણ કે હું લગ્ન પહેલાના પ્રેમમાં બિલકુલ નથી માનતો. તારા વિચારો અને તારું વ્યક્તિત્વ મારા હદયને સ્પર્શી ગયું છે. માટે જ મેં તારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. તારા પ્રથમ આર્ટીકલના એક વાક્યએ તો મને લગ્ન જીવનની સાચી વ્યાખ્યા સમજાવી દીધી. તારા એ એક વાક્યએ તો મને પ્રેમને ઊંડાણ પૂર્વક સમજવા માટે મજબુર કરી દીધો.

જાનવી : કયું એક વાક્ય ?

અનમોલ : “ફક્ત ગળામાં મંગળશુત્ર પહેરવાથી કે સેથીમાં સિંદુર પૂરવાથી કોઈની પત્ની નથી થઇ જવાતું. પણ તેના માટે સ્ત્રીએ પોતાનું સર્વસ્વ પોતાના પતિ પર ન્યોછાવર કરવું પડે છે”

જાનવી : (મજાક કરતા) તો એનો અર્થ એ થયો કે તને મારો આખો આર્ટીકલ નતો ગમ્યો પણ એ આર્ટીકલનું માત્ર એક જ વાક્ય ગમ્યું...

અનમોલ : એવું નથી, તારું દરેક લખાણ હદયસ્પર્શી હોય છે. મેં અત્યાર સુધી પ્રેમ વિષે ઘણું વાચ્યું છે અને સાંભળ્યું છે. પણ તે ફક્ત એકજ વાક્યમાં પ્રેમ અને લગ્ન જીવનનો મર્મ સમજાવી દીધો. એક વાત પૂછું? તને લખવાની પ્રેરણા ક્યાંથી મળે છે? તું કયા લેખકનું લખાણ સૌથી વધુ વાચે છે? તારા ગુરુ કોણ છે?

જાનવી : સાચું કહુંને તો મારો ભૂતકાળ જ મારો ગુરુ છે. મને લખવાની પ્રેરણા મારા ભૂતકાળના અમુક અનુભવો જ આપી જાય છે. તને જાણીને આશ્ચર્ય થશે, પણ હું કદી કઈ જ વાંચતી નથી. હું તો બસ મારા અનુભવો અને મારા વિચારોને શબ્દોમાં વાચા આપું છું. સમાજની દ્રષ્ટિએ હું ભલે લેખક હોય, પણ મારી દ્રષ્ટીએ હું ફક્ત એક ખુબ જ સંવેદનશીલ સ્ત્રી છું.

અનમોલ : શું હું તારો ભૂતકાળ જાણી શકું? આખરે તારા જીવનમાં એવું તે શું બન્યું હતું કે તારા દર્દને કાગળ અને કલમનો સહારો લેવો પડ્યો...!

જાનવી : માણસના જીવનમાં અમુક વાત એવી બની જાય છે કે જેને તે કોઈને નથી કહી શકતો કે નથી કહ્યા વિના રહી શકતો. આવા સમયે કાગળ અને કલમ જ માણસના દર્દને ઓછું કરી શકે છે.

અનમોલ : આખરે શું છે તારું દર્દ? શું છે તારો ભૂતકાળ?

ક્રમશ: ....