Amuk Sambandho Hoy chhe - 9 books and stories free download online pdf in Gujarati

અમુક સંબંધો હોય છે... - 9

ભાગ ૯

આગળ ભાગ ૮ માં આપે જોયું કે,દેવાંગ માળીની વાતનો જવાબ આપ્યા વિના જ બગીચેથી ઘેર જવા નીકળે છે. બે ત્રણ ડગલા ચાલતા તેમની નજર નીચે જમીન પર પડેલ જાનવીના ઝાંઝર પર પડે છે. અનમોલ એ ઝાંઝરને જાનવીના સ્નેહની નીસાની સમજી પોતાના ખિસ્સામાં મુકે છે. તેમની પાસે કાર હોવા છતાં આજે તે ચાલીને ઘેર જઈ રહ્યો હતો. રસ્તામાં તેમને જાનવીના તમામ વાક્યો ફરી ફરીને યાદ આવી રહ્યા હતા. રસ્તા પર ચાલી રહેલ દરેક કપલમાં તેમને અનમોલ અને જાનવી જ દેખાઈ રહ્યા હતા. ક્યાંક રસ્તા પર વરસતા વરસાદમાં ગરમા ગરમ પકોળા ખાઈ રહેલ નિહાળે છે તો ક્યાંક મકાઈનો શેકેલ ડોડો ખાઈ રહેલ નિહાળે છે. પોતાનું ઘર ગાર્ડનથી સાવ નજીક હોવા છતાં આજે તેમને ખુબ દુર લાગી રહ્યું હતું. દેવાંગ કાયમ રાત્રે ઘેર મોડો જ આવતો. ક્યારેક મોડે સુધી ફૂટપટ પરની બેંચ પર બેસી રહેતો તો ક્યારેક ઓફિસે જ સુઈ જતો માટે તેમની પત્ની કાવ્ય દરવાજો અંદરથી લોક કરી સુઈ જતી. દેવાંગ હમેશા પોતાના ખિસ્સામાં પોતાના ઘરની એક ચાવી અચૂક રાખતો માટે ડોરબેલ માર્યા વિના ચાવીથી દરવાજો ખોલી અંદર આવી જતો અને ભૂખ હોય તો ડાયનીંગ ટેબલ પર ઢાંકીને રાખેલ ભોજન ખાઈને સુઈ જતો. આજે વર્ષો બાદ તેમને પોતાનો ભૂતકાળ વર્તમાનમાં દેખાઈ રહ્યો હોવાથી દેવાંગ જમ્યા વિના જ બેડરૂમમાં સુવા જતો રહે છે. થોડીવાર બાદ તેમને ખ્યાલ આવે છે કે પોતાના કપડા ખુબ ભીના છે. માટે કપડા ચેન્જ કરી બેડ પર લાંબો થાય છે. સતત બે કલાક સુધી બેડ પર પડખા ફેરવે છે પણ તેમને ઊંઘ આવતી નથી. દેવાંગનું શરીર થાકને કારણે આરામ ઇચ્છી રહ્યું હતું પણ મનમાં ઉઠેલ વિચારોના તુફાને તેમની ઊંઘ છીનવી લીધી હતી. તેમની આંખ સમક્ષ વારેવારે જાનવી, અનમોલ અને એન્જલનો ખુશીથી ખીલેલ ચહેરો આવી જતો હતો. તે વિચારોના તુફાન માંથી બહાર નીકળવા બાલ્કનીમાં આવી પોતાના મોબાઈલમાં ઈયરફોન જોડી એફ એમ સાંભળવા લાગે છે. મોટા ભાગે રાત્રીના ૧૨ વાગ્યા પછી એફ એમ પર જુના ગીતો જ સાંભળવા મળે છે.

એફ એમ ચાલુ થતા જ અનમોલને કટી પતંગ ફિલ્મનું ટાઈટલ સોંગ સંભળાય છે, -

“ના કોઈ ઉમંગ હે, ના કોઈ તરંગ હે.

મેરી ઝીંદગી હે ક્યાં, એક કટી પતંગ હે”

આજે એફ એમ પણ જાણે દેવાંગના દાજ્યા પર મીઠું ભભરાવી રહ્યું હોય તેમ દેવાંગને વધુ દુખી કરી રહ્યું હતું.

હવે આગળ-

આ તરફ જાનવીની હાલત પણ દેવાંગ જેવી જ હતી. અનમોલની પાસે હોવા છતાં આજે તેમને દેવાંગના વિચારો ફરી ભૂતકાળ તરફ ખેચી રહ્યા હતા. રેસ્ટોરેન્ટમાં ડીનર કર્યા બાદ ત્રણે ઘેર જવા નીકળે છે. ભાવતું ભોજન કર્યા બાદ પણ જાનવીના ચેહરા પર ઉદાસી છવાયેલ જોવા મળી રહી હતી. અનમોલ જાનવીનો ચહેરો જોતા જ સમજી ગયો હતો કે જાનવી દેવાંગ વિશે વિચારી રહી છે. તે જાનવીને દેવાંગના વિચારો માંથી બહાર લાવવા કારમાં રહેલ મ્યુઝીક સીસ્ટમ ચાલુ કરે છે.

“એક પ્યાર કા નગમા હે,

મોજોકી રવાની હે.

ઝીંદગી ઓંર કુછભી નહિ,

તેરી મેરી કહાની હે.”

સોંગની ફક્ત ચાર લાઈન જાનવીની આંખમાં આંસુ લાવી દે છે. તે અનમોલને ગળે વળગી વધુ રડવા લાગે છે. અનમોલે જાનવીના આંસુ લુછતા કહ્યું, ‘આ સોંગ આપણા બંનેનું ખુબ જ ફેવરીટ છે આમ છતાં આજે આ જ સોંગ તારી આંખમાં આંસુ લાવે છે તો મારે પણ આ સોંગ નથી સાંભળવું’ તે સોંગ ચેન્જ કરે છે. અચાનક વોલ્યુમ વધી જતા મોટેથી ‘ચુમ્મા ચુમ્મા દે દે’ સોંગનું મ્યુઝીક વાગવા લાગે છે. કારની પાછલી સીટમાં ટેડીબીયર સાથે રમી રહેલ એન્જલ જાનવી અને અનમોલને પૂછે છે, ‘ચુમ્મા એટલે શું?’ એન્જલનો આ પ્રશ્ન સાંભળતા જાનવી જડપથી મ્યુઝીક સીસ્ટમ બંધ કરે છે અને અનમોલને કહે છે, ‘લો હવે આપો જવાબ... ચુમ્મા એટલે શું?’ અનમોલ એન્જલને પોતાના ખોળામાં લે છે અને ખિસ્સા માંથી ચોકલેટ કાઢી એન્જલને આપે છે. એન્જલ ચોકલેટ ખાતા ફરી એ જ સવાલ પૂછે છે, ‘ચુમ્મા એટલે શું?’ એન્જલના સવાલનો જવાબ આપવા અનમોલ અને જાનવી એકી સાથે એન્જલના ગાલ પર ચુંબન કરવા નજીક આવે છે ત્યાં જ એન્જલ ફરી મ્યુઝીક સીસ્ટમ ચાલુ કરવા થોડી આગળ જુકે છે. પરિણામે અનમોલ અને જાનવીના હોઠનો સ્પર્શ અજાણતા જ એક બીજાના હોઠને થઇ જાય છે. એ દરમ્યાન મર્ડર ફિલ્મનું સોંગ સંભળાય છે ‘ભીગે હોઠ તેરે’ જાનવી અનમોલને ધક્કો મારતા તેમના પર મીઠો ગુસ્સો કરતા કહે છે, “ તમને કેટલીવાર કહ્યું હતું કે હવે પેનડ્રાઈવ માંથી આવા સેક્સી અને રોમેન્ટિક સોંગ ડીલેટ કરી નાખો. માન્યું કે હજુ આપણી એન્જલ નાની છે પણ મોટી થશે ત્યારે આપણા વિશે શું વિચારશે?” અનમોલે સોંગ ચેન્જ કરતા કહ્યું , “ એન્જલ હજુ એટલી પણ મોટી નથી થઇ ગઈ કે સોંગના શબ્દનો અર્થ સમજી શકે. એ તો બસ મ્યુઝીકના તાલ પર ડાન્સ કરવામાં જ મસ્ત રહે છે” જાનવીએ મ્યુઝીક સીસ્ટમ બંધ કરતા કહ્યું, “ સોંગના શબ્દનો અર્થ નથી સમજતી માટે જ તો હમણાં સવાલ કર્યો કે, ચુમ્મા એટલે શું?”

એન્જલ મમ્મી પપ્પાની વાતો સાંભળતા સાંભળતા કારમાં જ સુઈ જાય છે. ઘેર આવ્યા બાદ જાનવી એન્જલને બેડ પર સુવડાવી કપડા ચેન્જ કરી બાલ્કનીમાં જતી રહે છે અને આકાશ સામે જોઈ કઈક વિચારવા લાગે છે. થોડીવાર બાદ અનમોલ જાનવી પાસે આવી તેમને પોતાની બાહોમાં ભરતા કહે છે, “જાનું... આપણા ભૂતકાળની અસર આપણા વર્તમાન અને ભવિષ્ય પર ના પડે એ વાતનું ધ્યાન રાખજે. આપણો વર્તમાન અને આપણું ભવિષ્ય એક માત્ર આપણા પ્રેમની નીસાની એન્જલ છે, દેવાંગ નહિ” જાનવી બેડ પર સુતેલ એન્જલ પાસે જઈ તેમના માથા પર હાથ ફેરવતા કહે છે, “હું સમજુ છું, પણ આજે અચાનક...” જાનવીને આગળ બોલતા અટકાવી અનમોલ ફરી તેમને પોતાની બાહોમાં ભરતા કહે છે, “જોભી હે, બસ એક યહી પલ હે..”

સવાર પડતા અનમોલ રાબેતા મુજબ ઓફિસે જતો રહે છે અને જાનવી પોતાના રોજીંદા કાર્યો પૂર્ણ કરવામાં જોડાય જાય છે. એન્જલ હોલમાં રમકડાઓ સાથે રમતા ટીવી પર કાર્ટુન જોઈ રહી હતી. રમતા રમતા અજાણતા તેમનો પગ ટીવીના રીમોટ પર પડતા ટીવી પર કાર્ટુનને બદલે સોંગ આવવા લાગે છે. એન્જલ જ્યારથી સમજણી થઇ ત્યારથી તેમને પોતાના મમ્મી પપ્પા પાસેથી વારંવાર એક જ સોંગ સાંભળ્યું હતું,

“હસતી ખેલતી, મસ્તી સે ભરી

દુનિયા પ્યાર કી, દુનિયા ખ્વાબ કી

નાઝો મેં પલી, મીસરી કી દલિ

ઇટ્સ માય ફેમીલી...”

આજ સુધી એન્જલે ફક્ત આ સોંગ સાંભળ્યું જ હતું, પણ કદી જોયું ન હતું. આજે આ સોંગ ટીવી પર નિહાળતા તેમના મનમાં એક પ્રશ્ન ઉદભવે છે. તે દોડીને કિચનમાં જાનવી પાસે જાય છે અને પૂછે છે, “મમ્મી... ફેમીલીમાં તો ચાર લોકો હોય છે, પણ આપણે તો ત્રણ જ છીએ. ચોથી વ્યક્તિ કોણ છે? તે ક્યારે આપણી સાથે રહેવા આવશે?”

એન્જલના માસુમ સ્વરમાં પુછાયેલ આ સવાલ જાનવીના મનને ખુબ વિચલિત કરી રહ્યો હતો. તેમની પાસે એન્જલના સવાલનો કોઈ જ જવાબ ન હતો માટે તે વાત બદલવા એન્જલને કહે છે, “બેટા... તારે આજે સ્કુલે નાસ્તામાં શું લઇ જવું છે?”

એન્જલ રમકડા સાથે રમતા કહે છે, “મમ્મી... આજ તો સ્કુલમાં રક્ષાબંધનની રજા છે. મમ્મી... આપણે રક્ષાબંધનનો તહેવાર શા માટે ઉજવીએ છીએ?”

જાનવી એન્જલના પહેલા પ્રશ્નથી તો બચી ગઈ હતી, પણ હવે આ બીજા પ્રશ્નથી કઈ રીતે બચવું એ વિચારી રહી હતી. ત્યાજ ફોનની રીંગ વાગે છે. તે પોતાના ભીના હાથ લુછતા કિચન માંથી બહાર હોલમાં આવી ફોન રીસીવ કરે છે.

હેલ્લો...

સામેથી અવાજ સંભળાય છે, “ હેલ્લો... હું એન્જલની બેસ્ટ ફ્રેન્ડ ક્રિષ્નાની મમ્મી સુનીતા બોલું છું. આજે ક્રિષ્નાનો બર્થડે છે અને રક્ષાબંધન નિમિતે સ્કુલમાં પણ રાજા છે માટે આજે સાંજે મારા ઘેર પાર્ટી છે. તો આપ એન્જલને લઇ જરૂર આવજો”

“એમ સોરી સુનીતા. હું તો નહિ આવી શકું પણ હા એન્જલને જરૂર મૂકી જઈશ”

“શક્ય હોય તો જરૂર આવજો. અને હા એન્જલની ચિંતા બિલકુલ ન કરતા. રાત્રે મોડું થશે તો હું જાતે તેને ઘેર મૂકી જઈશ”

“થેન્કયુ સો મચ સુનીતા”

સુનીતા સાથે ફોન પર વાત કર્યા બાદ જાનવી હોલમાં અહી તહી પડેલ રમકડાઓને એક બોક્સમાં ભરતા એન્જલને કહે છે, “બેટા... તને પાર્ટીમાં જવું ખુબ ગમે છે ને ! આજે સાંજે તારે ક્રિષ્નાની બર્થડે પાર્ટીમાં જવાનું છે. ક્રિષ્ના તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને ! બોલ .. તારે ક્રિષ્નાને શું ગીફ્ટ આપવી છે ? આપણે હમણાં જ બજારમાં ગીફ્ટ ખરીદવા જઈશું. તું જલ્દી તૈયાર થઇ જા”

“મમ્મી... મારી આ ઢીંગલી ક્રિષ્નાને ખુબ જ ગમે છે. અને આ જો મેં હમણાં જ આ ઢીંગલીને દુલ્હનના કપડા પહેરાવી ખુબ સુંદર રીતે સજાવી છે. તો હું આ ઢીંગલી જ ક્રિષ્નાને ગીફ્ટમાં આપી દઉં?”

“બેટા... પણ આ ઢીંગલી તો તને પણ ખુબ પસંદ છે ને!”

“હા મમ્મી, પણ આ ઢીંગલી ક્રિષ્નાને આપ્યા બાદ હું મારા ઢીંગલાના લગ્ન ક્રિષ્નાની ઢીંગલી સાથે કરાવી આપીશ તો આ જ ઢીંગલી ફરી આપણા ઘરમાં દુલ્હન બનીને આવી જશે ને !”

એન્જલની આ વાત સાંભળી જાનવીએ હસતા હસતા કહ્યું, “પણ ક્રિષ્નાએ આ ઢીંગલીના લગ્ન તારા ઢીંગલા સાથે ન કરાવી આપ્યા તો?”

“તો.....તો હું એમના લવ મેરેજ કરાવી આપીશ”

“મારી દીકરી એટલી મોટી થઇ ગઈ કે તેમને લગ્ન અને લવ વિશે પણ સમજ પડવા લાગી !”

“મમ્મી...તે પપ્પા સાથે લવ મેરેજ કર્યા છે માટે જ નાના નાની અને મામા આપણાથી નારાજ છે ને?

જાનવી પાસે એન્જલના આ સવાલનો કોઈ જ જવાબ ન હતો માટે તે વાતને ત્યાં જ અટકાવતા ગીફ્ટ પેક કરવા લાગે છે. પણ એન્જલના મનમાં હજુ ઘણા સવાલો ઉઠી રહ્યા હતા. “મમ્મી... હું મારા રાજકુમાર સાથે લવ મેરેજ કરીશ તો તું અને પપ્પા પણ મારી સાથે વાત કરવાનું છોડી દેશો ને !”

“બસ હવે બહુ થયું.. તું હજુ ખુબ નાની છે. તારે લગ્ન કે લવ જેવી વાતોમાં પડવાની કોઈ જ જરૂર નથી સમજી” જાનવીએ એન્જલ પર ગુસ્સો કરતા કહ્યું.

સાંજ પડતા જાનવી એન્જલને ક્રિષ્નાના ઘેર મૂકી આવે છે. અને પોતે ફરી ઘેર આવી અનમોલ માટે રસોઈ બનાવવા લાગે છે. રોજ રસોઈ બનાવતી વેળાએ જાનવીનું સંપૂર્ણ ધ્યાન રસોઈમાં જ રહેતું. પણ આજે સવારે એન્જલે પૂછેલ સવાલો તેમને વારંવાર યાદ આવી રહ્યા હતા. “મમ્મી.. ફેમીલી તો ચાર લોકોથી બને છે ને ! પણ આપણે તો ત્રણ જ છીએ. ચોથી વ્યક્તિ કોણ છે? ક્યારે આવશે?”

એન્જલના જન્મ બાદ કદી અનમોલે બીજા બાળક વિશે જાનવી સાથે કોઈ જ વાત કરી ન હતી. પણ આજે એન્જલના સવાલોએ જાનવીને બીજા બાળક વિશે વિચારવા મજબુર કરી દીધી હતી. જાનવી અને અનમોલના લગ્ન જીવનને દસ વર્ષ પૂર્ણ થવા આવ્યા હતા આમ છતાં બંનેના લગ્ન જીવનમાં હજુ પહેલા જેવો જ રોમાન્સ યથાવત હતો. માટે આજે પોતાના દિલની વાત અનમોલને કહેવા માટે જાનવી આજે ફરી પોતાના બેડરૂમને રોમેન્ટિક લૂક આપવાનું વિચારે છે. કિચનનું તમામ કામ પૂર્ણ કર્યા બાદ તે બેડરૂમને ગુલાબના ફૂલો અને સુગંધિત મીણબતીઓથી સજાવે છે. અને આજે ફરી તે એ જ ડ્રેસ પહેરે છે જે આઠ વર્ષ પહેલા અનમોલે વેલેન્ટાઈન ડે પર ગીફ્ટમાં આપ્યો હતો. લગ્નના આટલા વર્ષ બાદ પણ જાનવી પહેલા જેવી જ નાજુક અને નમણી હતી. માટે આઠ વર્ષ પહેલાનો ડ્રેસ આજે પણ તેને એટલો જ સુંદર લાગી રહ્યો હતો.

સાંજના સાત વાગવા આવ્યા હતા. જાનવી આતુરતાથી અનમોલના આવવાની રાહ જોઈ રહી. થોડી જ વારમાં ડોરબેલનો અવાજ સાંભળતા જાનવી દોડીને દરવાજા તરફ જઈ મેઈન ડોર ખોલે છે. અનમોલ અંદર પ્રવેશતાની સાથે જ પૂછે છે, “એન્જલ ક્યાં છે?”

જાનવીએ થોડા માસુમ સ્વરમાં કહ્યું, “ એન્જલ સામે નથી તો પણ એન્જલ દેખાઈ છે, અને એન્જલની મમ્મી આટલા શણગાર સજીને તમારી સામે ઉભી છે તો પણ તમને નથી દેખાતી”

અનમોલે ઓફીસ બેગ સોફા પર મુકતા એક નજર જાનવીના પગથી લઇ માથા સુધી ફેરવતા કહ્યું, “અરે વાહ...શું વાત છે આજે આટલી સુંદર લાગી રહી છે. બહાર જવાનું છે? અને એન્જલ ક્યાં છે?”

જાનવીએ પોતાની ચુની આંગળીમાં વીટતા કહ્યું,”આજે એન્જલની બેસ્ટ ફ્રેન્ડ ક્રિષ્નાની બર્થડે પાર્ટી છે તો...”

અનમોલ જાનવીની પુરી વાત સાંભળ્યા વીના જ સીડી ચડી ઉપર બેડરૂમ તરફ જતા જતા કહે છે, “ માં એવી જ દીકરી છે. આપણી લાડકી પણ તારી જેમ અરીસા સામે ઉભી રહીને તૈયાર થઇ રહી હશે”

અનમોલ એન્જલને શોધતા શોધતા ઉપર બેડરૂમમાં જતો રહે છે અને મોટેથી એન્જલને બોલાવે છે. બેડરૂમ માંથી અનમોલનો અવાજ સાંભળતાં જાનવી અનમોલ પાસે જાય છે અને કહે છે, “અરે... મારી પુરી વાત તો સાંભળો. એન્જલ એમની ફ્રેન્ડ ક્રિષ્નાની બર્થડે પાર્ટીમાં ગઈ છે. પાર્ટી પત્યા બાદ સુનીતા જાતે જ એન્જલને ઘેર મૂકી જશે. આજે સ્કુલમાં રક્ષાબંધન નિમિતે રજા હતી અને કાલે સન્ડે છે માટે પાર્ટીમાં મોડું જ થશે”.

અનમોલે જાનવીને પોતાની બાહોમાં ભરતા તેમના કપાળ અને આંખ પર ચુંબન કરતા કહ્યું, “અચ્છા... હવે સમજાયું કે આજે તે બેડરૂમ આટલો રોમેન્ટિક કેમ બનાવ્યો છે ! ઉપરથી આજે આટલા વર્ષ બાદ તે ફરી કેમ આ સેક્સી ડ્રેસ પહેરયો છે! એક વિક પહેલા મારા બર્થડે પર મેં તને આ ડ્રેસ પહેરવાનું કહ્યું હતું તો પણ તે નતો પહેરયો, પણ આજે કહ્યા વિના જ પહેરી લીધો ? કારણ જાણી શકું?”

જાનવીએ પ્રેમ પૂર્વક પોતાની જાતને અનમોલની બાહો માંથી છોડાવતા કહ્યું, “સાચું કહું ને તો આ ડ્રેસ મને પણ ખુબ જ ગમે છે, પણ હું જયારે આ ડ્રેસ પહેરું છું ત્યારે તમે એન્જલની હાજરીમાં પણ મને સેક્સી ગર્લ કહીને બોલાવવા લાગો છે. અને તમારા ઓફિસે ગયા બાદ એન્જલ પણ મને સેક્સી ગર્લ કહીને બોલાવવા લાગે છે”

અનમોલે ફરી જાનવીને પોતાની બાહોમાં જકળતા કહ્યું, “અરે જાનું... હજુ એન્જલ ખુબ નાની છે” તેમની વાતને બહુ મગજ પર ના લેવાની હોય. ચાલ હવે આ બધી વાતો છોડ. તે આજે બેડરૂમને આટલો રોમેન્ટિક બનાવ્યો છે તો...”

“ના અનમોલ હવે આપણી એન્જલ એટલી પણ નાની નથી રહી કે થોડી જ વારમાં બધું ભૂલી જાય. આજે સવારે એમણે મને જે સવાલો પૂછ્યા એમના જવાબો આપવા મારા માટે ખુબ મુશ્કેલ હતા”

અનમોલે જાનવીને બેડ પર બેસાડતા કહ્યું, “કેમ શું થયું?”

“આજે ટીવી પર ‘ઇટ્સ માય ફેમીલી’ સોંગ જોયા બાદ એમણે મને ઘણા સવાલ પૂછ્યા, “ મમ્મી... ફેમીલીમાં તો ચાર વ્યક્તિ હોય છે ને? પણ આપણે તો ત્રણ જ છીએ. ચોથી વ્યક્તિ કોણ છે? ક્યારે તે આપણી સાથે રહેવા આવશે?”

“એ તો બાળક છે. પણ તારે ત્યારે જ વાત બદલી નાખવી જોઈતી હતી”

“મેં વાત બદલવાની જ કોશીસ કરી હતી. પણ ત્યાં જ થોડીવાર બાદ એમણે મને ફરી એક નવો જ સવાલ કર્યો, ‘મમ્મી આપણે રક્ષાબંધનનો તહેવાર કેમ ઉજવીએ છીએ?’ હું હવે આગળ એન્જલના સવાલોથી નહિ બચી શકું. અનમોલ... તમને એવું નથી લાગતું કે હવે આપણે બીજા બાળક વિશે વિચારવું જોઈએ?”

જાનવી પાસેથી બીજા બાળક વિશેની વાત સાંભળતા અનમોલ ત્યાંથી ગુસ્સામાં બહાર જતો રહે છે. જાનવી અનમોલને મનાવવા તેમની પાછળ જતા કહે છે, “એન્જલને હવે એક ભાઈની જરૂર છે. અને સમય જતા એન્જલ મોટી થતા એમને સાસરે વળાવ્યા બાદ આપણું કોણ?”

જાનવીને આગળ બોલતી અટકાવતા અનમોલે ખુબ જ ગુસ્સામાં કહ્યું, “બસ... જાનવી... બહુ થયું હવે. આજ પછી બીજા બાળક વિશે કદી કઈ જ નહિ વિચારતી સમજી ! મારી દુનિયા તારાથી જ શરુ થઇ હતી અને તારા અને એન્જલના સથવારે જ પૂર્ણ થશે. મારા જીવનમાં તમારા બે સિવાય ત્રીજી કોઈ પણ વ્યક્તિ માટે કોઈ જ સ્થાન નથી”

“હું મારા અને એન્જલ પ્રત્યેના તમારા પ્રેમની કદર કરું છું. પણ આવનાર વ્યક્તિ પણ તમારું અને મારું જ અંશ હશે ને!

“પણ એ શક્ય નથી”

જાનવીએ ગુસ્સા સાથે જીદ કરતા કહ્યું, “પણ કેમ શક્ય નથી! મારે હજુ એક બીજું બાળક જોઈએ છે બસ..”

જાનવીના મોઢે વારંવાર એક જ વાત સાંભળતા અનમોલની આંખમાં આંસુ આવી જાય છે. તેમના હાથ અને પગ ધ્રુજવા લાગે છે. આજે પહેલીવાર અનમોલની આંખ માંથી અવિરત વહી રહેલ આંસુ જોઈ જાનવી ખુબ ગભરાય જાય છે. તે અનમોલના આંસુ લુછતા પૂછે છે, “શું વાત છે અનમોલ? તમે જરૂર મારાથી કઈક છુપાવી રહ્યા છો”

ક્રમશ: ..........

( મિત્રો, પ્રસ્તુત સ્ટોરી આપને પસંદ આવી રહી હોય અને આગળ પણ વાચવા ઉત્સુક હોય તો વોટ્સઅપ પર મને મેસેજ કરી આપનો અભિપ્રાય જણાવવા વિનંતી.)

ધર્મિષ્ઠા પારેખ

૮૪૬૦૬૦૩૧૯૨

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED