સપનાંનું નગર Sapana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપનાંનું નગર

સપનાનું નગર

સપના તણું છે નગર
કોને ભલા છે ખબર

ફૂલો મહેકે ચમન
એની હવામાં અસર

લોહીમાં ખળખળ થયું
તારી અડી છે નજર

આસાન રસ્તા નથી
ક્યાં છે એ હમસફર?

‘સપનાં’ સહેવા પડે
આપે ખુદા પણ સબર!!!

સપના વિજાપુરા

મન થાય છે

વિશ્વાસ કરવાનું ફરી મન થાય છે
આકાશે ઊડવાનું ફરી મન થાય છે

બચપન ગલી નાકે પહોંચ્યુ બસ હશે
પાંચીકે રમવાનું ફરી મન થાય છે

તાજી કબર છે આજ પણ તારી બહેન
કૈં વાત કરવાનુ ફરી મન થાય છે

વરસાદ મોસમનો પહેલો છે સખા
વ્હાલા પલળવાનું ફરી મન થાય છે

ઉદાસ મન ને આંસું આંખોમાં ભલે
મન મૂકી હસવાનું ફરી મન થાય છે

વેરાન આંખો છે હ્ર્દય પથ્થર છતાં
‘સપનાં’સજાવાનું ફરી મન થાય છે

સપના સપના

હળહળતું નથી

એકધારુ જીવન કદી હોતું નથી
ફૂલ કરમાઈ જાય એ ખીલતું નથી

વાળ તડકે ધોળા કર્યા લાગે છે મેં
અટપટુ જીવન સાલું સમજાતુ નથી

રાત કાળી ડીબાંગ છે ને હું રડું
ડૂસકાથી પણ કોઈ સળવળતું નથી

ઓહ દુનિયા ક્યાં છે અસર તુજ ઝહેરમાં
જીવુ છું તારું ઝહેર હળહળતું નથી

રોજ ‘સપના’જોઉં ભરી આંસું નયન
કોઈ સપનું આંસુંથી પીગળતું નથી.

સપના વિજાપુરા

દરિયો બોલાવે

રહી રહીને મને દરિયો બોલાવે
હાથ ફેલાવી મને દરિયો આવકારે

ચાંદ રૂપેરી જાળ બીછાવે
પ્રેમાન્ધ દરિયો મોજા ઉછાળે
બુંદ બુંદ પ્રેમથી ચરણો પખાળુ
આંખો મારી પ્રેમ વરસાવે
રહી રહીને મને દરિયો સંભારે

ચાલું હું વ્હાલા દરિયા ઉપર
ના ડુબું ના તરું દરિયા ઉપર
ગળે વ્હાલા દરિયાને લગાડું
વ્હાલનો હાથ ફેરું દરિયા ઉપર
રહી રહીને મને દરિયો પંપાળે

છે મારાં પાલવમાં શંખલા
કે છે નાના નાના ‘સપનાં’
આંખોનાં આ સપનાં સમેટું
છે આ અવસર કે ઘટના
રહી રહીને મને દરિયો મમળાવે

સપના વિજાપુરા

દશા યાદ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ
બીજું તો બધું ઠીક છે આવ્યો ન ખુદા યાદ (મરીઝ)

હર એક કદમ પર છે તમારી જ નિશાની
આવી ન મને આજ તો મારી જ દશા યાદ

મારાં જ તો મૃત્યુ પછી મારી થઈ ચર્ચા
જીવનમાં ન જાણી, છે એને મારી કઝા યાદ

આવીને પથારી કને રડતાં જો હશે એ
કોઈ ના દુઆ કે ન રહેશે કો’ દવા યાદ

આંસું ભરી આંખે એ જો મય્યતમાં પધાર્યા
સોગંદ ખુદાના ન રહી કોઈ ખતા યાદ

આવી એ ઘડી છે કે ન સપના રહી સપના
ભૂલી એ ગઈ દુનિયાને, રહ્યો બસ એ ખુદા યાદ
સપના વિજાપુરા

વાત આવી

વાતવાતે એમ તારી વાત આવી
નામ લઉં કોઈનું ને તારી યાદ આવી

દોષ ગણ્યાં રોજ લોકોના ને જુઓ,
આયના સામે લો મારી જાત આવી

તારલાની ગણત્રી પૂછી લો મને પણ
આજ ગણતાં એમને મધરાત આવી

પ્રેમ માટે દોષ સ્ત્રીનો હોય છે બસ
ભીખુ ભાગ્યો, રુખી માટે નાત આવી

વિંટળાઈ સાપ માફક આ એકલતા
રોજ રોજ એવી વિરહની સાંજ આવી

નામ તારું ના રહ્યુ હાથમાં પણ
રંગ વિનાની હિનાની ભાત આવી

સાંજ પડતાં આંખમાં સપનાં રહે છે
તું ન આવ્યો પણ આ તુજ સોગાત આવી

સપના વિજાપુરા

રહેવાય

દર્દ જેવું રોજ દિલમાં થાય છે
વાતે વાતે નામ તુજ લેવાય છે

આડકતરુ કૈંક ગઝલથી મેં કહ્યું
સીધેસીધુ આમ ક્યાં કહેવાય છે?

છોડવા બેસું તો છોડું હાલ હું
ક્યાં મને એક જણ વિના રહેવાય છે?

ચાંદ, રાત્રિ,તારલા છે સાથમાં
એકલા ક્યાં આ વિરહ સહેવાય છે?

લો મલિનતા, ધોઈ મારી ડૂબકી
પણ હ્રદયના પાપ ક્યાં ધોવાય છે?

એક જાતું ને ફરી આવે બીજું
એમ ક્યાં દુખથી પિછો છોડાય છે?

હું તને તાકું, તું તાકે છે મને
આમ સપનાંમાં તું પણ ખોવાય છે

સપના વિજાપુરા

સપનું જોઇએ

---જીવવાને એક સપનું જોઈએ
એ જ સપનાં કાજ લડવું જોઈએ

હોય છે પીડા ઘણી આ પ્રેમમાં
સૌ એ એમાં તો ય પડવું જોઈએ

છો પહોંચી જાઓ ઊંચાઈ ઉપર
પણ ખુદાને રોજ નમવું જોઈએ

સુખ હજારો હોય તારી આસપાસ
આંખથી આંસું ય દડવું જોઇએ

યાદ તારી સાચવીને રાખું છું
ડૂબતાંને એક તરણું જોઈએ

વેદના સર્વત્ર છે દુનિયા મહી
તોય બાળક જેમ હસવું જોઇએ

એક સ્મિત દુઃખીને આપી તો જુઓ
આ મફતનું કામ કરવું જોઈએ

છો રહે ‘સપનાં’મહેલોમાં છતાં
એક સપનું નોખું તરવું જોઈએ

બે નયયમાં લાખ સપના ગ્યાં સજી
એક તો સાચું ય પડવું જોઇએ
સપના વિજાપુરા

આવડી ગયું

જિંદગીની ચાલ રમતા આવડી ગ્યું
તું કરે છે એમ કરતા આવડી ગ્યું

આ જગતની દોર તારે હાથ છે તો
આ જગતને હાથ ઉડતા આવડી ગ્યું

છેતરી છે જાતને તે તો મને પણ
આંખ મિંચોલી ય કરતા આવડી ગ્યું

તે કહેલી વાત સાચી તો નથી પણ
કાનમાં એ ઝ્હેર ભરતાં આવડી ગ્યું

સાપ જેવી આ ત્વચા છે તો સુંવાળી
ચામડીના મેલ અડતાં આવડી ગ્યું

આંખનાં સપનાં તો છે લલચાવનારા
આંખને પણ લાંચ ધરતાં આવડી ગ્યું


સપના વિજાપુરા

માંગીશ હું

મારાં ઉદાસ દિવસોનો હિસાબ માંગીશ હું
મારાં ઉપરના જુલ્મોનો જવાબ માંગીશ હું

કરચો હજી કણી માફક ખૂચે છે જે આંખમાં
મારાં બધાં એ તૂટેલાં ય ખ્વાબ માંગીશ હું

છલકાવ્યા તો નથી મે જામ મયકદામાં કદી
જન્નતમાં જામે કૌસરની શરાબ માંગીશ હું

છાયુંં છે અંધકારે આસમાન આ આજ તો
તારી અવેજમાં એક માહતાબ માંગીશ હું

પીળૉ લઈ રંગ પીંછીથી બનાવું સૂરજ અહીં
ઝળહળ કરે જે જીવન આફતાબ માંગીશ હું

નહીં હુ ડરું કબરનાં અંધકારથી દોસ્તો
મારી કબરમાં મૌલા અબુ તુરાબ માંગીશ હું

તારાં કહેરથી દુનિયા ડરે છે જાલિમ, છતાં
નિર્દોષ કાજ તડપીને અજાબ માંગીશ હું

પંડિત કે મૌલવી જે કહે છે પ્રેમ તો છે ગુનો
જેમાં લખ્યું ગુનો છે એ કિતાબ માંગીશ હું

‘સપના’ સહેજ અમથા સળવળે નયનની તળે
સંતાડવા એ પાપણની નકાબ માંગીશ હું
સપના વિજાપુરા

મળવા દો

મને મારી જાત સાથે મળવા દો
હવે તો મુજ આપ સાથે મળવા દો

કરેલી હર ભૂલને ભૂલાવી દો
કરી દિલને સાફ સાથે મળવા દો

ડરાવો ના મોતના આઘાતોથી
મને મારી ઘાત સાથે મળવા દો

કરી દો પરદા ગયેલી હર પળ પર
મને મારી આજ સાથે મળવા દો

ચકાચૌંધે આંખને આંજી દીધી
હવે શીતલ રાત સાથે મળવા દો

જગત જૂઠાનું છે ‘સપના’ સાચું છે
કહો સાચું સાચ સાથે મળવા દો

સપના વિજાપુરા

મૌલા

જુલમની હદ નજર કરી દે મૌલા
જખમનાં તું મલમ કરી દે મૌલા

બચે નિર્દોષનાં કતલથી દુનિયા
તું ખંજરને કલમ કરી દે મૌલા

હટાવી દે બિહામણા મંજર યા
હ્રદય મારું પથ્થર કરી દે મૌલા

અમન શાંતી કરી દે દુનિયામાં યા
કયામતની ખબર કરી દે મૌલા

ફરી સપનાએ હાથ ઉઠાવ્યાં છે
દુઆમાં તું અસર કરી દે મૌલા

સપના વિજાપુરા

આવ તું

આવ તારું હું પણુ ભૂલી જઈને આવ તું,
જિંદગીમા પ્રેમનું અમૃત ભરીને ને આવ તું.

પ્રેમનો આભાસ આપી ને ગયો છે પ્યારથી
પ્રેમનું સ્પન્દન ફરી મનમા લઈ ને આવ તું.

મૌનથી થાકી ગઈ છું હું તું આ સન્નાટામાં હવે
પ્રેમના સંવાદની પરિભાષા લઈ ને આવ તું.

આંખ ના ઊંડાણમાંથી નીતર્યા છે વ્હાલ તો
આંખમાં સપના સુનેરા હા બની ને આવ તું
સપના વિજાપુરા