નીલા હાથમાં ચાનો કપ લઈ ઊભી હતી. એનાં હાથ થરથર કંપતા હતાં.સોફા પાછળથી એણે ચાનો કપ સુનીલને આપવા હાથ લાંબો કર્યો. સુનીલે ત્રાડ પાડી," જરાં પણ મેનરસ જ નથી શીખી ડફોળ." અને નીલાનાં કંપતા હાથમાંથી ચાનો કપ પડી ગયો.સુનીલ ગુસ્સામાં ઊભો થઈ ગયો..જાણે હમણા નીલાને ઝૂડી નાખશે.અને ખરેખર એણે નીલાના ગાલ પર જોરથી એવો તમાચો માર્યો કે નીલા બેવડ વળી ગઈ!નીલા પોતાને સંભાળતા કાચની કરચો વિણવા લાગી જે એના સપનાં જેવી હતી!! આ કાચની કરચો તો હાથમાં વાગી અને લોહીના ટશીયા ફૂટ્યાં પણ જે કરચો આંખનાં સપનાં અને હ્ર્દયનાં સપનાં ની છાતીમાં વાગી હતી એને કોણ જુએ છે!! નીલા નત મસ્તકે ઊભી રહી!!
સવારથી કામે લાગી જતી. ઘરમાં બધાં માટે નાસ્તો બનાવવો.સાસુ સસરાની જરુરીયાતનો ખ્યાલ રાખવો. બાળકોને સ્કુલ માટે તૈયાર કરવાં. સ્કુલમાં મૂકવા જવાં સુનીલના કપડાં ઈસ્ત્રી કરવાં એને નાસ્તો કરાવી કામે મોકલવો..કામવાળી,ધોબી બધાં સાથે માથાકૂટ કરવી..સાથે સાથે સાસુના મેણા સાંભળવા..અને પતિ ક્યારે ગુસ્સે થઈ જશે એની ખબર નહીં તેથી એની દરેક બાબતનું ધ્યાન રાખવું. સુનીલ ઘરમાં આવે એટલે એના ચહેરા ઉપરથી સ્મિત ઊડી જતું। આમ તો પતિ ઘરે આવે એટલે પત્ની ખુશખુશાલ થવી જોઈએ પણ જેવો સુનીલ ઘરમાં દાખલ થતો તો નીલા જાણે મૌન થઇ જતી. હંમેશા ડરતી રહેતી કે એના મોઢામાંથી કોઈ એવો શબ્દ નીકળી જાય એ સુનીલ હંમેશા માટે પકડી રાખશે અને જિંદગીભર એને સંભળાવશે। મોઢા ઉપર તાળું મારી દીધું હતું। મૌન ધારણ કરી લીધું હતું ..કારણ પતિનો સ્વભાવ આકરો.સુનીલ વાતવાતમાં એનું અપમાન કરતો. ડફોળ તો એનું લાડકું કે અપમાનનું નામ થઈ ગયું હતું!! દલીલ કરવા એક શબ્દ બોલવા ના દેતો!! છેલા દસ વરસથી એનાં મેણા ટોણા સાંભળી એનાં કાન બધિર થઈ ગયાં હતાં!! હવે કોઈ અપમાનની અસર જ થતી ના હતી!! જાણે એ અપમાન સાથે સાત ફેરા ફરીને આવી હતી!
અને માહિલા દિવસના ચા ઢોળાઈ ગઈ..નીલા નતમસ્તકે ઊભી હતી..જાણે કોઈ ભયંકર ગુનાની સજા ભોગવવાની હતી..ટી વી ઉપર સોનિયા ગાંધી મહિલા દિવસ પર જોર જોરથી ભાષણ આપી રહ્યા હતાં..સ્ત્રી શક્તિની વાત ચાલી રહી હતી.. શક્તિ પરનું ભાષણ કરવું કે સાંભળવવું કેટલું સહેલું હતું!! પણ સ્ત્રીને સન્માન આપવું કેટલું અઘરું!! દુનિયા સામે બતાવવા એક ચહેરો હોય છે અને પ્રાઈવેટમાં બીજો ચહેરો!! આવા દોગલા માણસોને સમાજ સામે લાવવા ખૂબ જરૂરી છે!! અને ભાષણ સાંભળી વાહ વાહ કરનારા તો ઘણાં જોયા પણ એને અમલના મૂકનારા કેટલા છે? સંસારનો ભાર વેઢારતી એ સ્ત્રી ને પૂછો તને સન્માનની જરૂર છે? તારી કોઈ ઈચ્છા છે?! આ સમાજ સ્ત્રી સન્માનની વાતો તો કરે છે પણ જ્યારે પોતાના ઘરની વાત આવે ત્યારે બધા પુરુષો આંખ બંધ કરી બેસી જાય છે!! કહે છે ને સિંદુર તારા નામનું ચૂંદડી તારા નામની અને નવ મહીના મારા ગર્ભમાં રાખેલું બાળક પણ તારા નામનું તો મારું શું છે અહીં? સ્ત્રી શક્તિ છે!! એ દુર્ગા છે કાલી છે પણ ..નતમસ્તકે નીલા વિચારી રહી હતી..કઈ સ્ત્રી શક્તિ? મેણા ટોણા સહન કરવાની શક્તિ કે જ્યારે પતિ બીજી સ્ત્રીઓ સાથે મોબાઈલમાં વાતો કરે ત્યારે આંખ આડે કાન કરવાની શક્તિ..કે માર સહન કરવાની શક્તિ? કઈ શક્તિ? નીલાની મૂઠીઓ એકદમ ભીડાઈ ગઈ ..કે પછી આ બધું છોડી મુકત ગગનમાં ઊડવાની શક્તિ!!
સોનિયા ગાંધીએ ભાષણનું સમાપન કર્યુ. મહિલા દિવસ મુબારક!! સુનીલે ચેનલ બદલી!! એક જુનું ગીત વાગી રહ્યું હતું!! "પંછી બનું, ઊડતી ફીરું મસ્ત ગગનમે આજ મેં આઝાદ હું દુનિયાકે ચમન મેં!!"
સપના વિજાપુરા