મને ધ્વજવંદન માટે કેસરપુરાની એક શાળામાં બોલાવવામાં આવી હતી. શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૬ માં જાહેર કર્યુ હતું કે આ વરસે શિક્ષિત મહીલાઓ ધ્વજવંદન કરશે. ડો. રાજપુરા સાહેબનો કોલ આવ્યો કે સપનાબેન તમે અમારી સ્કુલમાં ધ્વજવંદન કરવા આવો. મારી આંખમાં હર્ષનાં આંસું આવી ગયાં. હું લગભગ ચાલીસ વરસથી યુ એસ એ માં રહું છું. પણ વતનપ્રેમથી દિલ ભારોભાર ભરેલું છે. હજું સપનાં પણ વતનના જ આવે!! વતનની યાદથી દિલ ભારોભાર ભરેલું રહે!! ભલે પરદેશ આવી ગયાં પણ..
અહીં 'સપનાં' ઘણાં લઈને અમે આવ્યાં
સગાવ્હાલા બધાં છોડીને અમે આવ્યાં
વતનને ખૂબ દૂર છોડીને અમે આવ્યાં
હા બંધન પ્રેમના તોડીને અમે આવ્યા
અહીં સાંજ પડતાં આ હ્રદયમાં ઉંડે ઉંડે કૈંક ખૂચતું
નથી છૂટતું નથી છૂટતું આ અમેરીકા નથી છૂટતું..
આવી હાલતમાં જ્યારે રાજપુરા સાહેબે ધ્વજવંદન માટે આમંત્રણ આપ્યું તો હ્ર્દય ગદ ગદ થઈ ગયું. કેસરપુરા ગામમાં વહેલી પ્રભાતે પહોંચી ગયાં. ખૂબ માન સન્માન સાથે તિરંગો લહેરાવ્યો. આવી રીતે પહેલી વાર ધ્વજને વંદન કરવાનો મોકો મળ્યો. જ્યારે મેં ધ્વજને સલામી આપી મારી નજર તિરંગા પર મંડાયેલી હતી. આમ તો હું પાંચ ફૂટની છું પણ મારું કદ એટલું વધી ગયું જાણે તિરંગાને સ્પર્શી લઈશ.. ડો અબ્દુલ રેહમાન રાજપુરા સાહેબની શાળામાં જવાનો આ પહેલો પ્રસંગ હતો. ધ્વજવંદન પછી શાળામાં સાંસકૃતિક કાર્યક્રમ થયો. ઈનામ વિતરણ પણ થયું અને એક પછી એક નામ બોલાતા ગયાં .. ઝહીર, કિશન, રમેશ, ઉસ્માન, સાકીરા, ફાતીમા, રાધા મધુ .. ઘણાં ઈનામો વહેચાણા.. મને ખુશી થઈ રહી હતી કે કોઈ પણ ભેદભાવ વગર, કોઈ પણ પક્ષપાત વગર, કોઈપણ જ્ઞાતિભેદ વગર આ શાળામાં ફક્ત અને ફક્ત બાળકોની કાબેલીયત જોઈને ઈનામો વહેંચાય રહ્યા હતાં. મારી કુતુહલતા આસમાને પહોંચી!! ડો અબ્દુલભાઈ રાજપુરા અને એમના પત્નિ અમને લંચ માટે એમના ઘેર લઈ ગયાં. મન તો આનંદથી ભરેલું હતું. હવે પેટની ક્ષૃધા મીટાવવાની હતી. મારાથી વધારે રાહ ના જોવાય મેં ડો રાજપુરા સાહેબને પૂંછી લીધું," ડો, સાહેબ આપને આ શાળા ખોલવાનો વિચાર શી રીતે આવ્યો? જ્યારે તમે તો ઈંગ્લેન્ડના સીટીજન છો," આપે હળવા સ્મિત સાથે જણાવ્યું, " આ દરેક બાળકમાં મને નાનકડો અબ્દુલ દેખાય છે. "હું વિસ્મયથી એમની સામે તાકી રહી!!
એમણે જણાવ્યુ," બહેન, મારો જન્મ કેસરપુરા ગામમાં થયો. એ સમયે ગામમાં ઈલેકટ્રીકસિટી પણ ન હતી. પણ ભણવાનો શોખ એટલો બધો કે ફાનસની લાઈટમાં પણ લેશન કરતો. ગામમાં ફક્ત ચાર ધોરણ સુધીની શાળા હતી.. એ પણ એક જુના જેવાં મકાનમાં ભોંય પર બેસીને માટીમાં બેસી ભણવાનું!!જ્યાં હવાની પણ અવર જવર ના હતી. ચાર ધોરણ સુધી આ શાળામાં ભણ્યો. પાંચમાં ધોરણમાં દાખલ થવું હોય તો બાજુના ગામ ઉમેદગઢમાં જવું પડે જે ચાર કિ. મી દૂર હતું. માંનું હૈયુ માનતું ન હતું.. કાળો તડકો, વરસાદ, કાદવ પાણીનાં ખાબોચીયા અને શિયાળામાં કડકડતી ઠંડી!!! આવી નાજુક ઉંમરમાં બાળકને ચાર કિ. મી દૂર જવાની રજા શી રીતે અપાય? પણ પિતા મક્કમ હતાં. જાણતા હતાં શિક્ષણનું મહત્વ!! અબ્દુલ સ્કુલે જવા લાગ્યો. એ નાનકડા બાળકને શાળાએ જવા માટે ઘણી કઠિણાઈ વેઠવી પડી. પણ અબ્દુલના સર પર શિક્ષણ સવાર હતુંં. એ ના હાર્યો. રોજ શાળાએ જાય તો પોતાની સાથે વાતો કરે," એક દિવસ એવો આવશે કે બાળકોએ બીજે ગામ ભણવા નહીં જવું પડે હું સ્કુલ બનાવીશ, જેમાં હિન્દુ, મુસલમાન, દલિત અને કોઈ પણ જાતીના લોકો ભણી શક્શે. ભણવા માટે બાળકને મુશ્કેલી નહીં વેઠવી પડે!!" આવા વિચારોમાં સ્કુલ આવી જતી! સાંજના માં લીમડા નીચે ઊભી ઊભી દીકરાની રાહ જોતી. આમ કરતા વરસો વીતી ગયાં. મેટ્રીક સુધી ભણી એ અમદાવાદ બી. જે મેડિકલમાં એડમીશન લીધું. કેસરપુરા ગામ એટલું નાનું હતું કે સવારના બસ એક સમાચાર પત્ર આવે!! પિતા કોગંગ્રેસવાદી અને સ્વરાજ મેળવવા માટે કામ કરતા!!બસ આ પેપર વાંચી વાંચી પિતા સ્વરાજ મેળવવાના કામમાં રસ લેતા અને પિતાની ઈચ્છા ખરી કે ગામનો ઉધ્ધાર થાય ગામના માણસો શિક્ષણ મેળવે અને આઝાદી મેળવવામાં ભાગ લે! એટલે દીકારાને પણ શિક્ષણ આપવાને મહત્વ આપેલું!!
ભણવામાં હોંશિયાર અબ્દુલે પહેલા નંબર સાથે મેડિકલની પરિક્ષાઓ પાસ કરી. ઈન્ટરશીપ એમને સુરતમાં મળી સુરતમાં બે વરસ કામ કર્યુ. સુરતમાં એક ડોકટર આલીપૂરથી આવ્યા જેમણે ડો રાજપુરા સાહેબને આલીપૂર આવવા કહ્યુ. ડોકટર સાહેબ આલીપૂર આવી ગયાં. ત્યાં ઘણાં મિત્રો એવા મળ્યાં જેમના ઘરે ઈંગલેન્ડથી મહેમાનો આવતા જેઓ ઉચ્ચ પદવી માટે વિદેશ ગયેલાં. ડો રાજપુરાનું સપનું ખરું કે વિદેશ જઈને ઉચ્ચ પદવી હાંસીલ કરવી પણ મા બાપનો એકનો એક દીકરો દિલ નહોતું માનતું. ૧૯૬૪ માં લગ્નબંધનથી બંધાયા.. પત્નિ આબીીદાબેને પણ સાયકોલોજીમાં એમ. એ. કરેલુ. આબીદાબેનની સાસુને લોકો મહેણા મારતાં કે ભણેલી છોકરી લાવ્યા પણ તમને કોઈ મદદ નહીં કરે ઘરનું કામ નહીં કરે.. પણ આબીદાબેને બધાંને ખોટા પાડી દીધાં. અને ઉલટા ગામવાળા કહેવા લાગ્યા કે જો આ ગામમાં શાળા બનશે તો અમારી દીકરીઓને પણ ભણાવીશું ત્યારથી અબ્દુલભાઈનું સપનું હવે આબીદાબેનનું સપનું બની ગયું. આબીદાબેનના મમ્મી પણ સ્કુલ ટીચર હતાં. ૧૯૩૮ માં આબીદાબેનના નાનાએ જ્યારે આબીદાબેનનના મમ્મીને બરોડા પી ટી સી નું ભણવા મોકલ્યા ત્યારે એમના નાના રણુજ મહેસાણા જીલ્લામાં માં રહેતા હતાં અને પોતાની દીકરીને પી ટી સી કરવા મોકલવા માટે એમને તથા એમના આખાં કુટુંબને નાતબાર મૂકવામાં આવેલા. આથી એમના નાનાને તથા મામાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પણ જ્યારે આબીદાબેનના મમ્મી શિક્ષીકા બની આવ્યા અને ગામની સ્કુલમાં કામ કરવા લાગ્યા ત્યારે ગામવાળાની આંખો ખૂલી ગઈ અને સ્વિકાર્યુ કે સ્ત્રી શિક્ષણ કેટલું જરૂરી છે!!! આબીદાબેનના મમ્મીને શ્રી જવાહરલાલ નેહરુને હાથે બેસ્ટ શિક્ષીકાનો એવોર્ડ પણ આપવામાં આવેલો. આ દંપતીના દિલમાં મમતા અને દેશ માટે તથા શિક્ષણ માટે કૈંક કરી છૂટવાની ભાવના ! સુખી સંસાર ચાલવા લાગ્યો. આલીપૂર જવાનું થતું. મિત્રો આગ્રહ કરતાં ઈંગલેન્ડ જવા માટે.. પિતાજી પણ છેવટે માની ગયાં. ડો રાજપુરાના સાળાએ પેપર વર્ક મોક્લી આપ્યું અને ડોકટર સાહેબ ૧૯૭૪માં ઈંગલેન્ડ આવી ગયાં. ઈંગલેન્ડ આવી એલ આર સી પી અને એમ આર સી પાસ કરી ડાયાબીટીસમાં ડિપ્લોમા ડિગ્રી મેળવી. આ સુખી સંસારમાં ચાર મજાના ફૂલ ખીલ્યાં. અસ્મા,અંજુમ આરીફ, અને આસિમ. શિક્ષણને ખૂબ મહત્વ આપતા આ દંપતીએ પોતાના બાળકોને હાયર એજ્યુકેશન આપ્યું. બન્ને દીકરા અને બન્ને દીકરીઓ ડોકટર છે.
ડો રાજપુરાના મમ્મી ઈંગલેન્ડ આવતા પણ ગમે નહીં એટલે વતન ચાલ્યાં જાય આવું ઘણીવાર બન્યું. તેથી ડો રાજપુરા અને એમના પત્નિ શિયાળામાં ત્રણ ચાર મહીના માટે વતન માં સાથે રહેવા જાય. એમની ક્લિનીક બીજા ડોકટરો સંભાળી લેતા. અને પેલું શાળા બનાવવાનું સપનું પણ હજું સપનું જ હતું. ૨૦૦૫ માં ડો રાજપુરા ભારત ગયાં. અને માંને પોતાનું સપનું જણાવ્યું. માં તો સાંભળીને ખુશ થઈ ગઈ. આંખમાં હર્ષના આંસું આવી ગયાં એક વાર પતિએ પણ આ સપનું જોયું હતું. જે દીકરો સાકાર કરવા માંગતો હતો. એમણે ચાર એકરનું ખેતર શાળા માટે દાન કર્યું. શાળા બનાવવા માટેની લીગલ કાર્યવાહી શરૂ થઈ ગઈ. પેપર વર્ક કરવામાં એક વરસ નીકળી ગયું. ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ જ્યાં સંકલ્પ હોય છે ત્યાં રસ્તાઓ પણ હોય છે. ચણતરનું કામ કાજ ચાલુ થયું. ડો રાજપુરાએ ટ્રસ્ટીઓ નીમ્યા અને ગામવાળાએ પણ ખૂબ મદદ કરી અને મુશ્કેલીઑનો સામનો કરતાં કરતાં લગભગ ચાર વરસમાં શાળાનું સર્વ કામ સંપન્ન થયું. ૨૨ ૨ ૨૦૦૯માં ખૂબ જોરોશોરથી આશિષ વિદ્યાલય કેસરપુરાનું ઉદઘાટન કરવામાં આવ્યું. શાળાનું ઉદઘાટન શ્રી કુમારપાળ દેસાઈને હાથે થયું. અધ્યક્ષશ્રી
દાઉદભાઈ ઘાંચી અને મુખ્ય મહેમાન તરીકે શ્રી બળવંતભાઈ જાની અને અતિથી વિષેશ તરીકે એ. કે રાઠોડ અને જી એમ રબારીને આમંત્રીત કરવામાં આવ્યાં. ઉદગાટન સમયે ૧૫૦૦ લોકોએ હાજરી આપી. બપોરના સમયે કવિ સંમેલન રાખવામાં આવ્યું જેમાં મશહૂર કવિ શ્રી અદમ ટંકારવી સાહેબ, શ્રી અઝીજ ટંકારવી સાહેબ, શ્રી ચીનુભાઈ મોદી સાહેબ. શ્રી પ્રફૂલ અમીન સાહેબ, શ્રી મણીભાઈ હ. પટેલ સાહેબ, શ્રી કૃષ્ણ દવે સાહેબે હાજરી આપેલી. અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ થયેલો જેમા શ્રી સિરાજ રંગવાળાએ મનોરંજન કરેલું. છ ધોરણથી હાયર સેકેન્ડરી સુધીના ક્લાસ ચાલું થયાં. મોટા ભાગનું શાળાનું ફંડીંગ ડો રાજપુરાએ કર્યુ.
ડો રાજપુરાની પડખે પડખ આબીદાનબેન ઊભા હોય છે. શાળાના કોર્સ અને શાળાના કાર્યક્રમો.. અતિથી વિષેશને બોલાવવા,ઈનામોની વ્યવસ્થા કરવી વિગેરે કામ આબીદાબેન સંભાળી લેતા હોય છે. પેપર વર્ક પણ આબીદાબેન સંભાળે. દાતાઓ સાથે વાત કરવી તથા શિક્ષકોને હાયર કરવા તથા એમના ં ઈન્ટરવ્યુ લેવા વિગેરે કામ રાજપુરા સાહેબ સંભાળી લે. આ શાળામાં ફક્ત બાળકોના જ નહીં પણ બાળકીઓના શિક્ષણ પર ખૂબ ભાર મૂકવામાં આવે છે. આસપાસની ગામની કોઈ કન્યા શિક્ષણ વગર ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આજુબાજુના ગામ જેમકે જેઠીપુરા હરીપુરા, કિશોરગઢ, બોલુન્દ્રા, ઝહીરપુરા, ખેરપુરા, બારોડિયા, ઈમાનપુરા, પહાડીયોલ જેવા નાના ગામડાઓના વિધ્યાર્થીઓ અને વિધ્યાર્થીનીઓ કેસરપુરા સ્કુલમાં બસ દ્વારા અથવા બીજા સાધનોથી ભણવા માટે આવે છે. ડો રાજપુરાએ જે કઠિણાઈ વરસો પહેલા વેઠી હતી. એ કઠિણાઈ એને બીજા બાળકોને આપવી ના હતી. તેથી આ સપનું ડો રાજપુરા જોયું અને જે સપનું જોયુ હતું તેનાથી હજારો વિધ્યાર્થીઓને ફાયદો થયો. હવે કોઈ બાળકને કડકડતી ઠંડીમાં, વરસાદમાં કે કાળા તડકામાં પગે ચાર કી. મી ચાલીને ભણવા નહીં જવું પડે. વિચારો કે આવા સોશીયલ વર્કર ગામ દીઠ એક જ હોય તો પણ ભારતના ગામડાઓ સાક્ષર થઈ શકે!! કેટલી સ્કુલો ખૂલી શકે ક્ન્યાઓ સાક્ષર થઈ શકે!!
આ શાળામાં ૨૫૦ વિધ્યાર્થી અને ૨૦૦ વિધ્યાર્થીનીઓ છે. જે બતાવે છે સ્ત્રીઓ કેળવણીમાં પાછી પડતી નથી. કન્યાઓ અભ્યાસને ઘણી વાર દીકરાઓ કરતાં વધારે ગંભીર લેતી હોય છે. આ દંપતી ક્ન્યા શિક્ષણ વધારે ભાર મૂકે છે. કન્યા શિક્ષણ અને ખાસ કરીને ગરીબ ક્ન્યાઓને ધ્યાનમાં રાખી આ શાળા ખોલવામાં આવી છે. કહેવાય છે કે બાળકની સૌ પ્રથમ શિક્ષીકા બાળકની માતા હોય છે. તો મજબૂત અને સાક્ષર સમાજ માટે કન્યા શિક્ષણ ખૂબ જરૂરી બને છે. ભારતમાં શિક્ષિત સ્ત્રીઓની કમી નથી. ઈન્દીરા ગાંધી, સરોજીની નાયડુ,વિજ્યા લક્ષ્મી પંડિત વિગેરના દાખલા આપણી નજર સમક્ષ છે.
શ્રી નરેન્દ્ર મોદીએ આ શાળાને કોમ્પ્યુટર પણ આપ્યા છે જેથી બાળકો ટેકનોલોજી પણ શીખી શકે. શ્રી મોદી સાહેબે ડો રાજપુરાની આ શાળાને ખુલ્લા દિલથી આવકારી છે તથા શાળાના ખૂબ વખાણ પણ કરેલા છે. હાલમાં હાયર સેકન્ડેરી કોમર્સ અને આર્ટના જ વિષયો આપે છે પણ નજીકના ભવીષ્યમાં સાયન્સના વિષયો પણ આપવામાં આવશે એના માટે ૮૦ લાખનો પ્રોજેકટ છે. સાયન્સ માટે લેબ પણ રાખવાના છે. ઘણાં દાતાઓએ દાન આપ્યાં છે અને દાનની આશા પણ છે જો કોઈને આ શુભ કામમા દાન આપવાની ઈચ્છા હોય તો મારો સંપર્ક કરી શકે છે. આ સ્કુલમાથી બે વિધ્યાર્થીની મેડીકલ અને એક વેટનરી સ્કુલમાં ગઈ. છ વિધ્યાર્થી એન્જીનીયરીંગમાં, બે એમ. બી એ સત્તર ડિપ્લોમા એન્જીનીયરીંગ અને વીસ બી એસ સી. ૫૦૦ જેટલા વિધ્યાર્થી આગળ અભ્યાસ માટે ગયાં છે. આમ આટલા નાના ગામની શાળાનું ધોરણ કેટલું ઉંચું છે તે ખ્યાલ આવે છે.
ડો રાજપુરા ઈંગ્લેન્ડ આવ્યા ત્યારે બે વરસ સુધી હોસ્પીટલમાં જોબ કરી. અને ૧૯૭૬ બેટલીમાં ડ્યુજબરી હોસ્પીટલમાં જોબ મળી. ત્યાં બીજા ભારતીય ડોકટરોના સંપર્કમાં આવ્યાં. બધાં એ મળી એક ક્લિનિક ખોલવાનું નક્કી કર્યુ, જેમાં વ્યાજબી ભાવે દર્દીઓને સહુલત આપવાનું નક્કી કરવામાં આવ્યું. સાત ડોકટરોએ મળીને આ સેવાનું કામ ચાલું કર્યુ. અને હાલમાં ડો રાજપુરા નિવ્રુત થયાં છે. જ્યારે એમણે ક્લિનિક છોડ્યું ત્યારે તેર હજાર પેશન્ટ હતાં. એટલે જ્યારે દિલ સેવાભાવી હોય ત્યારે સ્કુલ કે ક્લિનિક તમારું સેવાનુ કામ ચાલુ જ રહે છે. ઋજુ દિલના માલિક ડો રાજપુરાએ એક સપનું જોયું ખૂલી આંખે સપનું જોયું.. . તન. મન ધન ત્રણે દાવ પર લગાવી સપનું સાકાર કર્યુ.
મારી બે પંકતિઓ અહીં ટાંકીશ કે
જીવવાને એક સપનું જૉઇએ
એજ સપનાં કાજ લડવું જોઇએ
એક જગાએ ડો શ્રી અબ્દુલ કલામ આઝાદે કહ્યુ હતું કે,' સપને વોહ નહીં જો નીંદમે દેખે જાતે હૈ, સપને વોહ હૈ જીસે પૂરે કિયે બગૈર નીંદ નહી આતી!!" તો ડો રાજપુરાએ એક સપનું કાદવ કીચડમાં ડગલા મૂકી શાળામાં જતાં જોયેલું અને સપનું પૂરું કરવા માટે આંખો ખૂલી રાખી અને બાળકોના ભવિષ્ય માટે તનતોડ મહેનત કરી મોટી પદવીઓ મેળવી પણ આ સપનું જે એમણે નાનપણમાં જોયેલું તે કદી ના ભૂલ્યાં.
શિક્ષણ જીવનમાં પ્રકાશ લાવે છે. શિક્ષણ અંધકારને ભગાડે છે. ડો રાજપુરા જ્યારે એક નાનાં બાળક હતાં ત્યારે આ વાત જાણી ગયેલાં. સૈનિક દેશની રક્ષા કરે છે. ડોકટર બીમારની સેવા કરે છે. શિક્ષક સમાજને શિક્ષિત કરે છે. બીઝનેસમેન દેશની આર્થીક સ્થિતી સારી કરે.. લેખક સમાજ સુધાર કરે. એકટર પ્રજાનું મનોરંજન કરે છે. પોલીસ પ્રજાનું રક્ષણ લરે છે.. પણ ડો રાજપુરાએ શાળા બનાવી આ બધાં હીરોનું જન્મસ્ત્થળ બનાવ્યું છે.. આ શાળા ન જાણે કેટલાં ડોકટર કેટલાં એન્જીનીયર કેટલાં શિક્ષક કેટલાં સૈનિક બનાવશે.
આ શાળા જે ડો રાજપુરા સાહેબનું બચપણનું સપનું હતું. સપનું જોવું ખૂબ સહેલુ છે પણ એ સપનાંને સાકાર કરવું ખૂબ અઘરું છે. હું પણ ચાલીસ વરસ પહેલા સાસરે આવી ત્યારે સ્ત્રીઓની હાલત જોઈ દિલમાં ખૂબ દુઃખ થયેલું. સ્ત્રીઓને જે રીતે ટ્રીટ કરવામાં આવતી હતી.. પુરુષો પાનના ગલ્લા પર બેસી રહે અને સ્ત્રીઓ ખેતરના કામ કરે, ભેંશ માટે ચાર લેવા જાય, કુવેથી પાણી ભરે,રસોઈ કરે ,વ્યહવાર કરે,બાળકોને સાચવે.. ઘરનાં તથા બહારના બધાં કામોની જવાબદારી સ્ત્રીઓ પર હતી. આટલી કુરબાનીથી કુટુંબને સંભાળતી સ્ત્રીને કશું બોલવાનો હક પણ ન હતો. પણ જરાં જેટલી ભૂલ હોય કે ના હોય પતિનો માર સહન કરતી અને સાસુના અને નણંદના મેણા સાંભળતી!! એ ગામ સિવાય બહાર કોઈ દુનિયા પણ છે એ પણ એમને ભાન ના હતું. બસ આમજ જિંદગી જીવવાની હોય એમ માની સ્ત્રીઓ નતમસ્તકે બધાં જુલમ સહન કરતી હતી. ત્યારે મારાં દિલે પણ એક સપનું જોયેલું કે હું ક્યારેક આ સમાજને સુધારીશ. પણ હું કોઈ પગલાં ભરું એ પહેલાં સમાજમાં ઘણાં હકારાત્મક ફેરફાર થયાં છે. હવે સ્ત્રીઓને એમના હક આપવામાં આવ્યાં છે. જે માનને લાયક તે છે એ માન અપાવવામાં શ્રી મુજાહીદ હુસૈન જાફરી સાહેબે ખૂબ જ મહેનત કરી છે. મારું સપનું મૈં જોયું પણ કૉઇ શ્રી મુજાહીદ હુસૈન સાહેબે પુરું કર્યુ. ડો રાજપુરા સાહેબે મને ખૂબ પ્રેરણા આપી છે કે કોઈ સપનું પૂરું કરવા માટે ઉમરનો બાદ નથી. "યા હોમ કરી જંપલાવો ફતેહ આગળ છે. "સ્ત્રીઓની કેળવણી તથા પુખ્ત વયની સ્ત્રીઓને જ્ઞાન આપવું, ગરીબ સ્ત્રીઓને હુન્નર શીખવાડવા, થોડું બહારની દુનિયાનું પણ જ્ઞાન આપવું, પોતાના સ્ત્રી તરીકેના હકનું ભાન કરાવવું. શીવણ ક્લાસ, મહેંદી ક્લાસ, બ્યુટી પાર્લર જેવાં નાના હુન્નર શીખવી એમને પગભર કરવા..
ડો રાજપુરા સાહેબ જેવાં સમાજ સેવક જો એક એક ગામડામાં પહોંચી જાય કન્યા શિક્ષણ માટે કામ કરે તો ભારતનું કોઈ ગામ અશિક્ષિત નહીં રહે.. અને પછી એક મજબુત અને સાક્ષર સમાજનું બંધારણ થશે. એક ચાઈનીઝ કહેવત છે કે " વ્યકતિ જે કહે છે કે તમે નહીં કરી શકો,એવી વ્યક્તિએ જે વ્યકતિ કરી રહી છે તેની જિંદગીમાં દખલગીરી ના કરવી જોઈએ!! લોકો તમને કહેવાવાળા મળવાને કે તમારાથી નહીં થાય!! પણ એવી વ્યકતિ પર ધ્યાન આપ્યા સિવાય જે તમે કરતાં હો તે કરતાં રહો. રસ્તામાં રોડા નાખવાવાળા મળવાના પણ તમે ચાલતા રહો. કોઈ મોટું સપનું પૂરું કરવા માટે ઘણાં નાના નાના સપના જોવા પડે છે.. અને છેવટે કોઈ પણ વ્યક્તિને તમે મળૉ એની પાસે કૈંક તો શીખવા જેવું હશે… ડો રાજપુરા પાસેથી મને પણ શીખવા મળ્યું કે કોઈપણ કામ નિષ્ઠાથી કરવામાં આવે તો ઈશ્વર એનો સ્વિકાર કરે જ છે. આમ ડોકટર રાજપુરા મારાં દિલ પર એક અમિટ છાપ મૂકી ગયાં!!
સપના વિજાપુરા