સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 4 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 4

સરસ્વતીચંદ્ર

ભાગ : ૨

ગુણસુંદરીનું કુટુંબજાળ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૪

ગુણસુંદરી

જે દિવસે બહારવટિયાઓએ મનોહરપુરીની પાડોશમાંના ત્રિભેટામાં આટલી ધામધૂમ મચાવી મૂકી તે દિવસે એ ગામડામાં પણ કેટલીક ધામધૂમ મચી રહી, થોડીક સરખી વસ્તીમાં ઉમેરો થયો અને તેને લીધે ગામના લોકોને એક નવો ધંધો જાગ્યો.

બહારવટિયાઓએ ત્રિભેટામાં સંકેતસ્થાન રાખ્યું હતું તેનાં કેટલાંક કારણ હતાં. ત્રણ રાજ્યની સીમ આગળ એ લોકોને પકડવા એ કામ કઠણ પડતું હતું. કારણ આ રાજ્યનાં માણસ પકડવા આવે તો આ રાજ્યની સીમમાં જવાતું. એ ઠેકાણે ઘણાક રસ્તાઓનો સંગમ હતો એટલે એ લોકને પોતાને પણ વેરાઇ જઇ એકઠા થવામાં ઘણી સવડ પડતી હતી. મનોહરપુરીના ગામડામાં વસ્તી પણ આછી અને નિર્દોષ હતી અને બહારવટિયાઓ તેને કનડતા ન હતા. પાસે સમુદ્ર, પર્વત, આંબાવાડિયું, તાડનાં વન, ઊંચાં ઘાસનાં બીડ, નદી વગેરે હોવાથી નાસવામાં એકઠાં થવામાં, ભરાઇ રહેવામાં, હુમલા કરવામાં અને બચી જવામાં બહુ સગવડ પડતી હતી.

જે સાંયકાળે લૂંટાયેલા સરસ્વતીચંદ્રે લૂંટાતાં આખર બાકી રહેલી મણિમુદ્રા અર્થદાસને પહેરાવી દીધી અને અર્થદાસ પોતાના મનમાં ચોરી કરી નાસી ગયો, તે જ સાયંકાળે બહારવટિયાઓએ ચંદ્રકાંતને લૂંટ્યો હતો તે આપણને ખબર છે. રત્નનગરીથી સુવર્ણપુર આવવા ચંદ્રકાંત નીકળ્યો ત્યાર પછી તેને રસ્તામાં અચિંત્યો વિદ્યાચતુર ભણીથી સંદેશો મળ્યો કે સુવર્ણપુરના કેટલાક બહારવટિયા સર્વ રસ્તા રોકી તોફાન કરે છે માટે હું તમારી જોડે બીજા સવાર મોકલું ત્યાંસુધી આગળ ન જશો. ગુણસુંદરીને ભદ્રેશ્વર જવું હતું અને તે રસ્તે બીક ન હતી માટે એ પણ ત્યાં જવા પોતાના કુટુંબને સાથે લઇ નીકળીહતી અને કુમુદસુંદરીની વાટ જોવાના વિચારથી મનહરપુરીમાં પોતાના બાકીના કુટુંબ સાથે રોકાવાની ધારણાથી આજ જ બપોરે આવી પહોંચી હતી.

રત્નનગરીના સવાર આવી પહોંચતાં ચંદ્રકાંતને બીજા સમાચાર મળ્યા કે બહારવટિયા લોક ઘણા પાસે ભમે છે તે છતાં સરસ્વતીચંદ્રને મળવાની આતુરતાથી ભયને ન ગણી તે નીકળ્યો, લૂંટાયો અને સારે ભાગ્યે સવારોની મદદથી બચવા પામ્યો. સવારોની શિખામણથી એને પણ મનહરપુરી જવું પડ્યું અને સાયંકાળે પાછો ગુણસુંદરીનો અતિથિ થયો.

મનહરપુરીમાં ગુણસુંદરી અને ચંદ્રકાંત બેના તથા એ ગામના થાણાના સૌ મળી ચાળીસેક હથિયારબંદ સવાર ભેગા ગયા.

કુમુદસુંદરીએ મોકલેલા ત્રણ સવાર સરસ્વતીચંદ્રને ખોવાથી ખેદ પામી મનહરપુરી ભણી વળ્યા. ત્રિભેટાના વડ નીચે બહારવટિયા મળવાના છે એવો કંઇક સ્વર માર્ગમાં કાને પડવાથી હરભમજી આખી રાત વડ પર ગાળવાનું માથે લઇ વડની ડાળોમાં ચડી સંતાઇ રહ્યો અને બીજા બે જણ મનહરપુરી ગયા.

વિદ્યાચતુર અને તેનું કુટુંબ આ ગામની વસ્તી પર બહુ મમતા રાખતું ને વસ્તી પણ તેમના ઉપર મમતા રાખતી હતી. ગામની ગરીબ વસ્તી પોતાના પ્રિય પ્રધાનની ગુમિયલ પત્નીની ખાતર કરવા ઉપર નીચે થઇ રહી હતી. વિદ્યાચતુરનો એવો સખ્ત નિયમ હતો કે ગામના લોક પાસેથી વેઠવૈતરું કે કાંઇ ચીજ ગમે તે થાય તો પણ અમસ્તી લેવી નહીં. હાથ નીચેના અધિકારીઓને પોતાના કુટુંબની જ વર્તણૂકથી દ્દૃષ્ટાંત આપતો. આથી આ કુટુંબ વસ્તીને ઘણું પ્રિય થઇ પડ્યું હતું. ગુણસુંદરીની પાસે પોતાનાં સુખદુઃખની વાતો કરી જવી, ગુણસુંદરીના પોતાના ઘરની નાની નાની વિગત જાણી આશ્ચર્ય પામવું, પોતાની નાનીમોટી ઇચ્છાઓ ખુલ્લા દિલથી જણાવવી, આવાં આવાં અનેક કાર્યથી ગુણસુંદરીનો વખત ગામની સ્ત્રીઓ રોકતી, ગરીબ અને ધર્મિષ્ઠ બ્રાહ્મણીઓ, ઉદાર ગરાસિયણો કરકસરથી ઘર ચલાવવાની આવડત્રેવડવાળી વાણિયણો, અને ઉદ્યોગી કણબણો ગુણસુંદરી આવ્યાની ખબર પડતાં જ નિત્ય પેઠે તેના ઉતાર ભણી ચોમાસાની નદીના પૂર પેઠે વળવા લાગી. બિચારી ભંગિયણો પણ એના ઉતારાની પછીતની બારી પાછળ છેટે ઊભીઊભી કંઇ કંઇ આનંદના કોલાહલ કરવા લાગી.

ગામમાં વસ્તી ત્રણચાર હજાર માણસની હતી. વધારે ભગા કણબી વર્ગનો હતો. તે લોક ઉદ્યમી અને હિંમતવાન હતા. થાણદારો તથા વહીવટદારો તેમની સાથે હેતભાવથી વર્તતા અને પ્રામાણિક રહી ગણી સૂચનાઓ કરતા. આથી એ લોક હંમેશ ઉત્સાહમાં રહેતા અને મનહરપુરીના જમીનદારો તથા ખેડુઓનો ઘણે ઠેકાણે દાખલો લેવાતો. અધિકારીઓના સહવાસથી આત્મપ્રતિષ્ઠા તેમની બુદ્ધિમાં દાખલ થઇ હતી, અને તેથી તેમની નીતિ પણ ઊંચા પ્રકારની બની હતી. ગામમાં એક નાનીસરખી નિશાળ સારી રીતે ચાલતી હતી અને એક બે છોકરા તો છેક મુંબઇની પાઠશાળા સુધી અભ્યાસ કરવા ગયા હતા. આ સર્વ લોકને વિદ્યાચતુર ઉપર કુટુંબપ્રીતિ હતી અને ગુણસુંદરી સાથેના ચાળીસે સવારો સાથે કણબી લોક રસભેર આનંદમાં પડી વાતો કરતા હતા. પૈસા મળતા તે તો લેતા પણ ઊંચામાં ઊંચી ચંદી સવારોના ઘોડાઓ સારુ આપી, ઘોડાને થાબડી, ઘોડાઓના ઇતિહાસ પૂછી, કોઇ કોઇ સવારના ઘરનાં સુખદુઃખની વાતો કાઢી વિદ્યાચતુરના રત્નનગરીમાંના ચાકરોની ખબર પૂછી, સાદા અને ભલા કણબીઓ ગાતા, ગવરાવતા, અને ચૈત્રી બીજની રમણીય સંધ્યાકાળે ગામને પાદરે ગોરજની ઊઢતી ધૂળમાં ભળી જઇ ગરબડાટ મચાવી મૂકતા; તે ગામને છેવાડે આવેલા પોતાના ઉતારામાં ઊંચી ઓસરીએ ઊભી ઊભી ગુણસુંદરી લાંબી નજર નાખી જોતી હતી અને ઓસરી નીચે આવતી સ્ત્રીઓની ઠઠને આવકાર દેતી હતી.

વાણિયાબ્રાહ્મણની પણ થોડીક વસ્તી હતી. ખેતીની પેદાશ પાસેના બંદરમાર્ગે અથવા જમીનમાર્ગે થઇને પરદેશ જતી હતી અને તેથી કેટલાક વાણિયા વ્યાપારીઓ ગામમાં આવી વસ્યા હતા. આ ગામમાં પ્રથમ તો આસપાસના ગામોના વાણિયા શાહુકારો ખેડુઓને દ્રવ્ય ધીરતા અન માત્ર ઉઘરાણી સારુ જ જતા-આવતા રહેતા. ખેડુઓમાં વિદ્યા કાંઇક દાખલ થવાથી, અધિકારીઓની શિખામણથી, પ્રધાનના ઉત્તેજનથી, અને ઊંચી નાતોની દેખાદેખીથી, ખેડુ તેમજ જમીનદાર વર્ગ મરણપરણનાં ખરચ કમી કરતાં શીખ્યા હતા તેમજ પોતાના ધંધામાં ઉદ્યોગ, કરકસર, વેતરણ અને વિચાર દાખલ કરતા હતા. ગામમાં કર માત્ર જમીનનો જ હતો અને તે પણ ઘણો જૂજ હતો. આથી આ લોક પૈસો એકઠો કરતાં શીખ્યાં હતા અને પ્રધાનની સૂચનાથી કણબી લોક અરસપરસ ધીરધાર કરતાં પૈસાની કિંમત સમજવા લાગ્યા અને તેમાંથી પોતે પોતાના નાણાવટી થતાં થતાં દેવાદાર મટી ધીરનાર થવા લાગ્યા હતા. આનાં મુખ્ય પરિણામ ઘણાં થયાં. ખેડુઓનો ધંધો સ્વતંત્ર અને હોંસભર્યો બન્યો. નવા પ્રયોગ કરવા અને બુદ્ધિ અજમાવવી એ એક સારો ચેપ આખી વસ્તીમાં ફેલાયો. ખેડુઓના દીકરા પોતાના માબાપની સ્થિતિ ઊંચી જોઇ તેમના ધંધામાં પડવાનું અભિમાન રાખતાં શીખ્યા અને તેમની વિદ્યા ખેતીના સુધારામાં ખરચાવા લાગી. તેમના ઉપર કર ઘણો જૂજ હતો તેથી પ્રધાનનો તેઓ ઉપકાર માનતા અને આસપાસનાં અંગ્રેજી ગામો કરતાં પોતાના ગામને ભાગ્યશાળી ગણતા. તેમનો કર ઓછો કરવાથી સંસ્થાનને લાભ એ થયો કે દુકાળ અને એવા હરકતના પ્રસંગમાં મનહરપુરીની વસ્તી સંસ્થાનના આશ્રય વગર સુખી રહેતી. એ જોઇ વિદ્યાચતુર અતિ સંતોષ પામતો. ગામ અને ગામની સીમનાં લોકોપયોગી ખરચ લોકો ખુશીથી કરતા અને રાજ્યને માથે ભાર અને ગાળ રહેતાં નહીં. આર્યદેશમાં કૂવા, ધર્મશાળાઓ, ચોતરા, તળાવો અને એવી હજારો વસ્તુઓ પ્રજાએ ધર્મનિમિત્તે કરી છે અને એ ધર્મવાસનાને ઉત્તેજન આપવામાં ચતુર પ્રધાન પોતાના પ્રધાનપણાની એક સાર્થકતા માનતો હતો. મનહરપુરીની પ્રજા પોતાના પ્રધાન ઉપર આથી પ્રેમ રાખે તો કાંઇ નવાઇ ન હતી. તેના બદલામાં તેને પોતાને કાંઇ ખપે એમ ન હતું; બદલામાં એ એટલું માગી લેતો હતો કે રાજ્યને જરૂર પડે અને કર વધારવો પડે ત્યારે કોઇએ મન ચોરવું નહીં અને આપ્યા વગર તો છૂટકો નથી તો તે ખુશીથી આપવું. તેમનો નિઃશ્વાસ રાજ્ય જપ્ત થાય તે કરતાં વધારે ભયંકર છે અને તેમનો આશીર્વાદ એ પોલીટિકલ એજન્ટની કૃપાના કરતાં અને સરકારના ખિતાબો કરતાં વધારે કલ્યાણકારક છે એવું વિદ્યાચતુર માનતો અને મણિરાજના મનમાં વસાવતો. રાજ્યના ભંડારમાં ખરચ કરતાં ઘણું વધારે પડી રહે એ પ્રજાના ભંડારમાંથી ઓછું થયા જેવું છે. રાજા લોભાય છે તો આ દ્રવ્ય તેની વિષયવાસના પૂરી પાડવા, તેની મૂર્ખતા સંતોષવા, તેના છોકરાવાદીપણાને જાળવવા અથવા તો તેની કીર્તિનું પોલાણ વધારવા, સ્ત્રીઓમાં, ઢોંગસોંગમાં, રમતગમતમાં, કારીગરોમાં, પરદેશમાં અને પરદેશીઓમાં ઢોળાય છે. એ દ્રવ્યથી દેશનાં પ્રજાનું મન ચમકે છે અને પરદેશના રાજાનો ડોળો ડસકે છે. પ્રજાનાં ભંડારમાં રહ્યું હોય તો પ્રજા કેમ વિશ્વાસ નહીં રાખે ? આપણા ભંડાર કરતાં પ્રજાના ભંડારને ઓછો ભય છે માટે એ ભંડારને જ આપણી ‘બૅન્ક’ કરી રાખવી. આંવા આવા પાઠ વિદ્યાચતુર મણિરાજને ભણાવતો અને ઉદાર અને જિતેન્દ્રિય રાજા સ્વતંત્ર અને શાણા પ્રધાનનું કહ્યું યથાર્થ સમજતો. એના રાજયમાં ઘણાંક ગામ બીજા અધિકારીઓની દેખરેખ નીચે મનહરપુરી જેવા બન્યાં હતાં અને મનહરપુરી પ્રધાનની પોતાની દેખરેખ નીચે હોવાથી દ્દૃષ્ટાંતરૂપે રહેતી અને એ દ્દૃષ્ટાંત જોઇ બીજા અધિકારીઓ રાજાપ્રધાનની ઇચ્છા શી છે અને પોતે શું કરવું તે સમજતા. ગુણસુંદરી રાજ્યકાર્યમાં માથું ઘાલતી ન હતી. પરંતુ મનહરપુરી તે પોતાની ગણતી અને રાજ્યકાર્યમાં માથું ઘાલ્યા વિના એકલી મનહરપુરીમાં સ્વામીનું કામ કર્યા જેવું કરતી.

વિદ્યાચતુરે અંગ્રેજી અને દેશી રાજ્યનો અનુભવ કરી એક સિદ્ધાંત એ બાંધ્યો હતો કે, પોતાનામાં સરસ્વતી, બુદ્ધિ, નીતિ અને વૃત્તિ હોય તો દેશી રાજ્યના તંત્રીઓ પોતાની પ્રજાનું કલ્યાણ અને રાજ્યની ઉન્નતિ એટલે સુધી કરી શકે કે ગમે એટલા પરમાર્થી હોવા છતાં પોતાના પેટ ઉપર અચૂક લક્ષ આપનાર અંગ્રેજી અને દેશી રાજકર્તાઓને વશ થયેલી દેશી પ્રજા સ્વપ્ને પણ દેખી ન શખે. માથે અનીતિ અને અન્યાયનો જુલમ હોવા છતાં ઘણાંક દેશી રાજ્યોની પ્રજાદ્રવ્યનું સુખ ભોગવે છે એનું અંગ્રેજી અને દેશી હદનાં ગામડાં સરખાવનારના મનમાં આવ્યા વિના રહે એમ નથી-તો જુલમ વિનાની પ્રજા દેશી હકમાં કેવી ઉન્નતિ પામી શકે તે જગતને દેખાડી આપવું એવો વિદ્યાચતુરનો ઉત્સાહનું વીર્ય સ્વાભાવિક રીતે પત્નીના હ્ય્દયમાં ઢોળાતું અને ગર્ભ જેવા પ્રતિધ્વનિરૂપે અંતરમાં ને અંતરમાં સ્ફુરતું. આવી સગર્ભાનું દોહક મનહરપુરીની પ્રજાના કલ્યાણના ઉપભોગથી પુરાતું. આવુંઆવું જોઇ પ્રધાન પોતાની સ્ત્રીને આપેલી વિદ્યા સફળ થઇ માનતો અને પુત્રપ્રાપ્તિનાથી અધિકતર આનંદ પામતો. તેને આનંદ પામતો જોઇ પત્ની વધારે ઉત્સાહી બનતી. પતિપત્નીનાં હ્ય્દય એક જ રસથી ઊભરાય, એક જ વિષયથી આનંદ પામે, પરસ્પર આનંદને વધારે અને ભોગવે : આ પરિણામથી ગુણસુંદરી પોતાનું લગ્ન સફળ થયું માનતી.

જેમ મિત્રો એકબીજાની છાની વાત જાણી ખરી મિત્રતા બંધાઇ સમજે છે, જેમ શેઠના દ્રવ્ય અને વ્યાપારનો મંત્ર જાણી સદ્‌ગુણી મુનીમ પોતાને શેઠનો ખરો વિશ્વાસપાત્ર સમજે છે; જેમ રાજાના અત્યંત વિશ્વાસનું પાત્ર બનતાં સત્પ્રધાન પોતાની સદ્‌બુદ્ધિ વાપરવામાં સ્વતંત્ર બને છે અને રાજ્યસેવાનો ઉત્સાહી થાય છે; જેમ શુદ્ધ અંતઃકરણની સાથે ઉચ્ચ સંસ્કારનો યોગ થતાં ભિન્નભિન્ન રૂપે પરમાનંદ ઉદ્દીપ્ત થાય છે; તેમ જ વિદ્યાચતુરનાં સુખદુઃખ સમજવાની ઇચ્છારૂપ બીજ વિકાસ પામતાં વધવા પામ્યું, પોતે તેના પૂર્ણ વિશ્વાસનું પાત્ર છે તે અનુભવવા લાગ્યું, પોતાના અભિલાષ પૂરવામાં સ્વતંત્ર અને પતિના સ્નેહનું ઉત્સાહી બન્યું, પતિભક્ત થયું, અને શરીરવાસનાઓથી ભિન્ન રહેતા ઉચ્ચ અને માનસિક પ્રેમના આનંદના ચમકારાથી ચમકવા લાગ્યું. અશિક્ષિત પણ બુદ્ધિશાળી સ્ત્રીઓની બુદ્ધિ જેવી રીતે ઘરકામમાં અને સંસારવ્યવહારમાં આગલ પડી આવે છે તેમ જ આખી મનહરપુરીને પોતાના ઘર જેવું માનતી ગુણસુંદરી નાના સરખા ગામડામાં વારે ઘડીએ આવી જતી અને ત્યાંની ગરીબ અને અજ્ઞાની વસ્તીને પોતાના ગજા પ્રમાણે સુખી કરવા પ્રયત્ન કરતી તે જણાઇ આવતું. મોટી વયનાં માણસનું અનુકરણ કરવા જતાં નાનાં બાળકો પોતાનાં રમકડાંને જીવતાં કલ્પી તેનાં ખરાં સંસારનાં જેવો સંસાર ચલાવવાનું ભાન પામી પ્રફુલ્લ-હ્ય્દય રહે છે તેમજ રાજ્યવ્યવહારમાં બાળક જેવી પત્નીને મનહરપુરીમાં જુદા જુદા પ્રયોગ કરી આનંદમાં રહેતી જોઇ, એ પ્રયોગના સૂક્ષ્મ અવલોકન કર્યાથી વિનોદ પામી, કદી કદી સ્મિત કરી, ને કદીક સૂચના પામી વિદ્યાચતુર ગુણસુંદરીના સામું જોઇ રહેતો, તેનો હાથ પોતાના હાથમાં હોય તો જોરથી દાબી ગદેતો અથવા તો પોતાના અધરપુટ ઉપર મૂકતો, કોઇ પ્રસંગે તેનો વાંસો થાબડતો, અને એકાંત હોય ને અત્યંત ઉમળકો આવે ત્યારે હ્ય્દયદાન કરતો. મનહરપુરીમાં આવ્યાથી આજ ગુણસુંદરીમાં આ સર્વ સંસ્કારનું સ્મરણ આવ્યું અને પવનથી મોરનો કલાપ ફરફર થઇ ચમકે તેમ આ સ્મરણથી તેનું હ્ય્દય થવા લાગ્યું.

ગુણસુંદરીનું વય આજે પાંત્રીસેક વર્ષનું હતું, પરંતુ તેને સંતતિમાં માત્ર બે જ પુત્રીઓ હોવાથી અને તે પણ ઘણાંક વર્ષ ઉપર જન્મેલી હોવાથી તેનું શરીર સુંદર હોવા છતાં નબળું પડ્યું ન હતું અને માત્ર છવ્વીસ સત્તાવીસ વર્ષની તે દેખાતી હતી. તો યે ચતુર જોનાર તેની મુખમુદ્રા ઉપરથી ખરું વય કહી આપતાં. એ શરીરે મધ્યમ કાઠાની એટલે જાડી યે નહીં અને દૂબળી યે નહીં એવી હતી. એનો વર્ણ છેક સોનેરી નહીં તેમ જ છેક રૂપેરી પણ કહેવાય નહીં એવો હતો. મોં ભરેલું હતું. વાળ કાળા, સુંવાળા, ચળકતા, ઝીણા અને અંબોડો છૂટો હોય ત્યારે છેક ઢીંચણ સુધી આવે એટલા લાંબા હતા. કપાળ મોટું હતું. આંખો ચળકતી, ચંચળ ને ચકોર હતી પણ બહુ મોટી ન હતી. તેનો સ્વર છેક કુમુદસુંદરીના જેવો ન હતો તોપણ તેમાં સ્ત્રીસ્વરની કોમળતા શુદ્ધ સ્પષ્ટ હતી અને ગાન સમયે કુમુદના જેવો જ સ્વર કાઢી શકતી. ઊંચાઇમાં પણ તે એના જેટલી જ હતી. તેનું મોં હંમેશા હસતું રહેતું અને ઘણાંક માણસ પ્રાતઃકાળે એનું મોં પ્રથમ જોતાં અને આજનો દિવસ ખરા આનંદમાં જશે એવી શ્રદ્ધા રાખતાં. તેનો સ્વભાવ પોતાન પતિના જેવો કાર્યગ્રાહી હતો તેથી તેનું મન ઘણું સુખી રહેતું. ‘કામ સાથે કામ’ એવું જ તે સમજતી કુમુદસુંદરીમાં જે સહનશીલતા અને સુશીલતા હતી તે પણ ગુણસુંદરીની જ હતી. તેનો ઉત્સાહ નાના બાળકના જેવો સપક્ષ હતો અને નાની કુમુદસુંદરીમાં તેને આ ગુણ ઊતર્યો હતો. પિયર તથા સાસરાની ડોસીઓના પ્રસંગથી તેનું હ્ય્દય કુટુંબવત્સલ અને ક્ષમાધર૧ થયું હતું, પરંતુ પતિના સહવાસથી આખા પરિચિતમંડળને આ ગુણનો અનુભવ કરાવતી. આખી મનહરપુરી એમ કલ્પતી કે ગુણસુંદરીની અમારા પર અમીદ્દૃષ્ટિ છે. તોપણ કોઇ તેની આર્દ્રતાનો દુરુપયોગ કરી શકતું નહીં, કારણ એને ખેદ થતો તે સામું માણસ ખમી શકતું નહીં. આ શિક્ષાપ્રભાવ તેના પુરુષગુમી પતિમાં ન હતો, કારણ પ્રજાની ન્યાયતુલા હાથમાં રાખનારને પ્રત્યક્ષ શિક્ષાનો દંડ રાખવો પડતો હતો.

ગુણસુંદરીનું પિયર આ જ ગામમાં હતું. વિદ્યાચતુર તેનાથી માત્ર પાંચસાત વર્ષે મોટો હતો અને મોસાળમાં ઊછર્યો હતો. તેનું મોસાળ અને ગુણસુંદરીનું પિયર ઉભય પાડોશમાં સાખોસાખ હતાં. ગુણસુંદરીની મા પોતાની દીકરીના જન્મ પહેલાં બાળક વિદ્યાચતુર ઉપર બહુ હેત રાખતી, તેને રમાડતી, તેનું માથું હોળતી, ખાવાનું આપતી અને લડાવતી. પોતાને પેટ દીકરી થતાં જોષીને પણ પૂછવાની વાટ ન જોતાં વિવાહ કરી દીધો. નાનો જમાઇ મસ્તીખોર, લડાક અને બોલકણો હતો અને સાસુ વરકન્યાને સાથે બેસાડી જોઇ રહેતી અને લજ્જા ન સમજનાર બાળકોને મુગ્ધવચન બોલાવી વિનોદ પામતી. એમ કરતાં કરતાં વિદ્યાચતુર જરી મોટો થતાં તેના સંતાનહીન મામાએ તેને રત્નનગરીમાં વિદ્યાભ્યાસ સાથે બોલાવી લીધો. મુંબઇ જઇ ત્યાંની પાઠશાળામાં ઠેઠ સુધી અભ્યાસ કરી ત્રેવીસેક વર્ષની વયે એ પાછો રત્નનગરી આવ્યો તે પ્રસંગે ગુણસુંદરીને સોળસત્તર વર્ષ થયાં હતાં, અને સાસરે ત્રણેક વર્ષ થયાં જતી આવતી થઇ હતી. પતિને વિદ્યા સારુ પરદેશ રહેવું થયું તે પ્રસંગમમાં તેની સાથે પત્રવ્યવહાર રાખતી; અને પત્રોમાં દુહા, સાખીઓ, ગરબીઓ વગેરે લખતી અને અતિ આનંદ પામતી. પોતાના પત્રો પોતાની સહીઓમાં વંચાવી આનંદને વધારતી પણ ખરી. પાઠશાળામાં શૃંગારરસ અને પ્રીતિરસનાં ભરેલાં અંગ્રેજી તથા સંસ્કૃત કાવ્યોનો રસિક અભ્યાસી પતિ આવો પત્રોનો રસ ભોગવતો અને આવાં સાધન દ્ધારા અભ્યાસ-સમયની વિરહાવસ્થાએ પતિપત્નીનો સ્નેહ ઘણોક વધાર્યો. બાળલગ્નથી હાનિને બદલે આવી રીતે સુખ અનુભવતો અને તે સુખનું મૂળ પોતાના બાલ્યપરિચયને જ ગણતો પતિ ઘણી વાર એવું વિચારતો કે બાળલગ્ન સામેનો મારો વિરોધ નિર્મૂળ તો નહીં હોય ? આપણા વિદ્યાનિકષ૧ સામજે આપણા જુવાનનિયાઓના હાથમાં શૃંગારાદિથી ભરેલાં પુસ્તકો મૂકેલાં છે તેનું ફળ એક એ થાય છે કે તેઓમાં એક જાતનું કૃત્રિમ દાક્ષિણ્ય ઉત્પન્ન થાય છે. આ દાક્ષિણ્ય નાનપણથી સહચારિણી બનેલી ઉપર સ્વાભાવિક રીતે ઢોળાય છે. આપણી અભણ પણ ભણેલાઓને પરણેલી સ્ત્રીઓના સુખનું મૂળ એવી રીતે રોપાય છે અને ગુણસુંદરીને પણ તેમ જ થયું હતું. પતિપત્નીને એકઠાં રહેવાનો પ્રથમ સમય આવ્યો તે પ્રસંગે અભણ ગુણસુંદરી કેવી રીતે ભણી તે આ પુસ્તકના પ્રથમ ભાગમાં વાંચનારને વિદિત કહેલું છે.

પતિના અભ્યાસના સમયમાં જુદા રહેવા પાડવાથી ગુણસુંદરીના શરીરે પત્નીપણું મોટી વયે અનુભવ્યું અને તેથી તેના શરીરનો બાંધો પણ યોગ્ય વયે પામવા જોઇતા વિકાસને પામી શક્યો.

પાઠશાળા છોડી કે તરત વિદ્યાચતુરને રત્નનગરીમાં શાળાના માસ્તરની જગા મળી અને તે જ પ્રસંગે સંસારમાં પડેલાને સારુ પત્નીનાં તનમન પણ આવી રીતે તેના નવીન સંસારનું વાહનપણું કરવા યોગ્ય બન્યાં. “અડોઅડ કપોલ લાગી રહેલ” ઇત્યાદિ ન સમજનારી મુગ્ધા આ પ્રસંગે સર્વ સમજવા શક્તિમતી બની અને બેત્રણ વર્ષ લગી સંતતિ ન થઇ અને વિદ્યાચતુર માત્ર શાળાના માસ્તરની નિશ્ચિન્ત અને નિઃસ્પૃહી નોકરી પણ રહ્યો ત્યાં સુધીના કાળમાં આ યુવાન દંપતીને શૃંગાર અને સ્નેહની પરિસીમા ભોગવી.

ઘણી વાર રાત્રિના દશ વાગતા સુધી આ સમયમાં વાળુ પાછી દંપતી સાથે બેસી અનેક પુસ્તકો વાંચતાં; રાજકીય અને સાંસારિક વિષયો પર વાર્તા ચાલતી, તરુણી નાના નાના સૂચક પૂછતી, તરુણ તે સર્વ ઉપર ચર્ચારૂપે વ્યાખ્યાન કરી પ્રશ્નોનું નિરાકરણ કરતો, અને પોતાના કરેલા સિદ્ધાંતોમાં નવી વિદ્યાની મુગ્ધા શંકાઓ ઉત્પન્ન કરતી અને શંકાઓ ઉપરથી કોઇ કોઇ પ્રસંગે સિદ્ધાંત ફેરવવો પડતાં પત્નીની બુદ્ધિનું ઉચ્ચપણું મપાતું; અને આ સર્વ માનસિક સ્નેહભોગને અંતે માનસિક વિહારની શિખરક્રીડા થતી હોય તેમ શય્યાખંડનાં દ્ધાર બંધ કરી પાછળના એકાંત ઉદ્યાનમાં બપતી મોટી બારી તરુણ તરુણીને ખેંચી જતો જતો વહાલની ઊર્મિ ઊછળતાં અધરે અધરદાન કરતો કરતો ધીમે રહી ગાતો :-

“નિદ્રા તણા કર સુકોમળ તુજ જેવા,

તેના જ સ્પર્શથકી મોહિત વિશ્વ સૂતું;

આ શાંતિ ઉપર ક્ષપાપતિ૧ સ્મિતભોગી

જો ફેરવે મૃદુ અનેક કરો ધીમેથી. ૧

જો ! જો ! પ્રિયે ! ધીમી ધીમી વિકસાવ આંખો !

તેજસ્વી ચન્દ્ર નભકણ્ઠશું બાઝી ચાલે !

ર્‌હે ઊભી, પ્રિય ! ધર કાન ચકોર ત્હારા

શી વાત ચંદ્રશ્રવણે કરતી સુ-તારા ?” ૨

ઘણા દિવસ લાગટ આ રમણીય પ્રસંગ અનુભવતી અને ઘણા દિવસ આ ગાન પતિમુખે સાંભળતી ગુણસુંદરી તેનો અર્થ સમજી એટલું નહીં, તે ગાનરસ પીતી હતી એટલું નહીં, પણ તેના હાર્દનો હ્ય્દયમાં ઉપભોગ કરવા લાગી. કવિતાના શબ્દાર્થ અથવા વાક્યાર્થ સમજવા, કવિતાનો મર્મ સમજવો, કવિતાના રસિક બની કવિતાના રસથી આનંદ પામવો-એ સર્વથી કવિતાનો ઉપભોગ એ એક જુદો જ અનુભવ છે. ગાનથી ચિત્ત લય પામે છે-જેમ સર્પ પણ ગાન સાંભળી ડોલે છે અને ભાન ભૂલી જાય છે; શૃંગારવશ માનવી તલ્લીન થઇ જાય છે-જેમ ગોપીઓ વાંસળીના સ્વરથી ઘેલી બનતી હતી; સ્નેહવશ માનવી અભેદયોગ અનુભવે છે-જેનું જયદેવ અને પદ્માવતીની આખ્યાયિકા એ દ્દૃષ્ટાંત છે; ભક્તિરસમાં નિમગ્ન માનવી સંસારને ભૂલી જ જાય છે-જેનાં દ્દૃષ્ટાંત અનેક ભક્તરાજનાં ચરિતમાં રહેલાં તે આર્યલોકને સુપરિચિત છે; બ્રહ્માનંદ પામતા આત્મા પાસે સંસાર અંધકાર જેવો અભાવ બને છે અને શુદ્ધ જ્યોતિ એ એક જ અદ્ધિતીય પદાર્થ બને છેઃ તે સૌ અને તેવો જ કવિતાનો ઉપભોગ છે-આવાં વ્યાખ્યાન રસીલી સ્ત્રીની પાસે વિદ્યાચતુર ઘણી વાર કરતો. ઘણી વાર ફરી ફરી સાંભળ્યાથી, વધેલી વિદ્યાએ ઉગાડેલાં લોચનથી, મહાકવિઓએ તેના હ્ય્દયમાં નવા સળગાવેલા રસદીપથી, શૃંગારવયની પરિપક્વ અવસ્થા પામવાને લીધે, શય્યાનો સમય અને શય્યાનું સ્થાન એ ઉભયના કરેલા ઉદ્દીપનથી, અને અંતે ઇશ્વરપ્રસાદથી, પતિમુખમાંથી નિત્ય પડતા ગાનસ્વરોમાં આજ જ નવો જીવ આવ્યો હોય અથવા તો પોતે જ હમણા નવી જન્મી હોય તેમ ગાયેલી કવિતાનો ઉપભોગ ગુણસુંદરીને એકદમ અચિંત્યો થયો, તેનું મુખ મલકાઇ ગયું, રોમોત્કમ્પ થયો; નેત્ર વિકાસ પામ્યાં, અંતરમાં વળી રહ્યાં, અને અંતે સ્નેહના ઉલ્લાસને બળે પતિનેત્ર સામું અનિમિષ જોઇ રહ્યાં. જાતે ચળકતાં રહ્યાં, અને ચંદ્રિકાથી પ્રકાશિત થયેલાં એ સ્ત્રીનેત્રની કાળી કીકીઓની વચ્ચોવચ પોતાના આકારનું પ્રતિબિંબ પડેલું હતું તેના ઉપર સ્નેહસમાધિસ્થ વિદ્યાચતુરની દ્દૃષ્ટિ પડી. પત્નીની ન્હાની કીકીઓમાં પોતે ન્હાને રૂપે સંક્રાંત થયો જોઇ - “આજ તારા હ્ય્દયમાં પણ હું ન્હાને રૂપે-કવિતારૂપે-સંક્રાંત થયો છું, અને તારી કીકીઓની પેઠે-તારા સર્વાંગ પેઠે-તારું હ્ય્દય પણ અનિમિષ બની મારા પ્રતિબિંબનું ધારણ કરે છે” એવું સૂચવતો હોય તેમ પતિ પણ ગંભીર આનંદમય વદનથી પત્ની સામું જોઇ રહ્યો. માનસિક સ્નેહનો આજ પ્રથમ જ ઉભયને અનુભવ થયો. નવો ગર્ભ ધરનારીની પેઠે પત્નીએ બીજો દિવસ પ્રફુલ્લ વિચારમાં ગાળ્યો અને અંતે અભણ અવસ્થામાં ગરબીઓ રચનારીએ આજની અવસ્થાએ પહોંચી પતિના શ્લોકના પ્રતિધ્વનિરૂપ-પ્રત્યુત્તરરૂપ-નવી કવિતા વાલ્મીકિની પેઠે ઇશ્વરપ્રેરણાથી રચી કાઢી. પાછો રાત્રિએ એ જ પ્રસંગ આવતાં શુદ્ધ સ્નેહના નવા ચાખેલા રસના લોલુપ વિલાસી પતિએ એ જ શ્લોક ફરી ગાયો-એ જ હ્ય્દયસંયોગ ફરી ભોગવ્યો; પણ ગઇ કાલનાથી આજ અધિક અનુભવ મળવા વારો આવ્યો. મુગ્દ જેવી પત્ની પતિઉત્સાહનો પ્રતિધ્વનિ કરવા ઘૃષ્ણ૧ બની. પતિએ ગાયેલા ગાનને અંતે થયેલું તારાલગ્ન દ્દઢતર કરી, ઉદયમાન ચંદ્રકલા પોતાના કર સામા ઊભેલા અને નવા તેજથી ચળકતા મેઘ ઉપર ટેકવે તેમ પતિના સ્કંધ ઉપર સુકુમાર અને ગૌર કર ટેકવી, ચન્દ્રતેજના સ્પર્શથી ચંદ્રકાંત રસ ઝરવા લાગતો હોય, પતિના સ્પર્શે પોતે જ શૃંગાર ઝરવા લાગી હોય, તેમ નવરસિક લલના પોતાની નવી કવિતા એકદમ આરંભી ધીમા મૃદુ સ્વરથી ગાવા લાગી અને ગાતી ગાતી ચંદ્ર અને તારા ભરેલા આકાશની સમક્ષ નવી શશિકલા જેવી ખીલવા લાગી :-

“ચમક ચમક તારા થાય આ વ્યોમમાં આ-

મુજ ઉર સ્વર થાતા પ્રિયના આજ જેવા;

શીશીતણું ધીમું રેલે તેજ આ વ્યોમમધ્યે

તમ ઉરથકી મારે જેમ આનંદ રેલે.

શશીપદઅંકે બેઠી આ શાંતિ કરે સ્મિત, નાથ !

જુઓ ! જુઓ ! પ્રિય ! ગોઠડી કેવી એ બે કરે એકાંત !

એવી ગોઠ મુજશું કરોની !

શશીઉરમાં લપટાઇ આ શાંતિ ધરે પ્રકાશ !

જુઓ ! જુઓ ! પ્રિય ! ગાંઠે એ બેની કેવી પડી આ આજ !

એવી ગાંઠ મુજશું રચોની !”

આ સાખીઓ ગવાઇ તેટલી વાર તો વિદ્યાચતુરે તેનો ઉપભોગ કર્યો. ગવાઇ રહેતાં, તેના હાર્દનો વિચાર થતાં, અચિંતી કાંઇ નવી શોધ થઇ ગઇ હોય, શુદ્ધ કન્યા ઉપર મદનાવસ્થાનો પ્રથમ અવતાર પ્રથમ જ વ્યક્ત થયો હોય, મુગ્ધાનું લજ્જાદ્ધાર ઊઘડતાં તેના અંતરમાં વસતા દૈવતું નવલ દર્શન થયું હોય, તેમ પત્નીનું ગૂઢ રહેલું કવિત્વ પુષ્પ પેઠે સહસા વિકાસ પામેલું જઇ વિદ્યાચતુર અદ્‌ભુત આશ્ચર્ય, ઉત્સાહ અને આનંદનો ભોગી થયો. પોતાની કવિતા કરતાં પણ સ્ત્રીની કવિતા વધારે કોમળ અને વધારે ઉત્સાહી લાગી અને તે ભાનથી હ્ય્દય આનંદગર્વમાં ઊછળવા લાગ્યું અને તેનો હાથ પોતાને ઓઠે મૂક્યો.

સાત્ત્વિક આનંદના પ્રસંગ વિરલ હોય છે. આ બનાવ વિદ્યાચતુરને પહેલો તેમ જ છેલ્લો થયો. આવી રાત્રિ વીતતાં બીજે દિવસે તેના મામા જરાશંકરે તેને બોલાવ્યો. રત્નનગરીના હાલના રાજામણિરાજના પિતા મલ્લરાજ પાસે જરાશંકર ખાનગી મંત્રીનું કામ કરતો હતો. બાળક મણિરાજને અંગ્રેજી શીખવવા બસ્કિનસાહેબ તરફથી તાકીદ આવતાં વિશ્વાસુ માણસ જોઇતો હતો અને તે કામ ઉપર જરાશંકરની ભલામણથી વિદ્યાચતુરની નિમણૂક થઇ. તેના મનમાં એવું હતું કે આ જગાનું કામ પણ માત્ર પુસ્તકશિક્ષકનું હશે; પરંતુ એ કામ તો માત્ર ગૌણપક્ષનું જ નીવડ્યું. મલ્લરાજનો અંગ્રેજી વિદ્યામાં પ્રવેશ ન હતો એટલે તે વિદ્યાનું મૂલ્ય પણ ન હતું. મલ્લરાજ શરીરે તેમ સ્વભાવે શુદ્ધ ક્ષત્રિય હતો. આખા રજવાડામાં શુદ્ધ રાજબીજનાં દ્દૃષ્ટાંતમાં સૌ તેને પ્રથમ ગણતા. અંગ્રેજી સત્તાના આરંભમાં થયેલાં યુદ્ધ, સામદામ આદિથી ભરેલી રાજ-નીતિ, રાજ્ય બહારના અને રાજ્યમાંના શત્રુઓ, ઇત્યાદિનો તેને નાનપણમાંથી અનુભવ હતો. પોતાનું અન્ત્ય સાધ્ય શું છે તેનો વિચાર કરતો અને પછી સાધન ખોળતો. રાજવિદ્યાને ચતુરંગ (શેતરંજ)ની બાજી જેવી ગણી ખેલ રમ્યાં કરતો અને તેમાં સર્વ સાર માનતો. અંગ્રેજી વિદ્યાને તે એક સાધન ગણતો. અને મણિરાજને તે સાધન પ્રાપ્ત થાય તેમાં તેને બાઘ ન હતો. મલ્લરાજ તરફથી વિદ્યાચતુરને પ્રથમ સૂચના એ થઇ કે ભલે આને ભણાવો પણ તમારું કામ ચૂકશો મા. “મારા કુંવર પાસે તમને રાખું છું તે કંઇ એની બુદ્ધિ અંગ્રેજી કરવા નથી રાખતો. એનું વય આજ કોમળ છે માટે બહુ સંભાળથી એને ઉછેરજો. સરત રાખજો કે એને મારે તમારા જેવો બ્રાહ્મણ નથી કરવો કે વૈશ્ય નથી કરવો. બ્રાહ્મણ, વૈશ્ય, મ્લેચ્છ, અંગ્રેજ અને એવા સર્વ લોકની વિદ્યા એ સમજી જાય અને સર્વની કળા જાણી જાય, સર્વની સાથે પોતાના ધર્મ પાળવા સમજે, એવું એવું સર્વ એને શીખવજો. પણ યાદ રાખજો કે અંગ્રેજ, બ્રાહ્મણ કે બીજા કોઇનો કે તમારો એવું સર્વ એને શીખવજો. પણ યાદ રાખજો કે અંગ્રેજ, બ્રાહ્મણ કે બીજા કોઇનો કે તમારો પોતાનો કંઇ પણ ગુણ એનામાં આવ્યો દીઠો તો તમારી નોકરીમાં કસૂર થઇ ગણીશ. તમારું એક કામ એ કે એનામાં શુદ્ધ રજપૂતના ગુણ ભરવા. એ કુમાર મારી વૃદ્ધાવસ્થામાં મારે ટેકવાનો દંડ છે, મારા રાજ્યની આશા છે, મારા વંસનું ભવિષ્ય છે, મારા કુલની પ્રતિષ્ઠા છે, અને તમે એના શિક્ષક છતાં નોકર છો, અને એ પ્રજા નહીં પણ રાજા થવા સરજેલો છે, તે સર્વ ધર્મને યોગ્ય એને કરજો. એનું શરીર ખીલવવા, એનું શૌર્ય વધારવા, મારા ક્ષત્રિય યોદ્ધાઓ હું તમને સોંપું છું. એને રાજવિદ્યા શીખવવા તમારી મરજી પડે તે સગવડ માગજો. એને રાજ કરજો. બ્રાહ્મણને હાથે રજપૂત સ્વધર્મ શીખે એ આપણા દેશમાંની જૂની પ્રણાલિકા છે અને તે પ્રમાણે હું એને તમારા હાથમાં મૂકું છું. તમારા બીજા વખતમાં શું કામ કરવું તે તમને જરાશંકર બતાવશે. તમારું કામ અહીં નિશાળના માસ્તરનું નથી. સ્ત્રીને કેટલાં કામ કરવાં પડે છે તે જુઓ. છોકરાંને ઉછેરવાં, કુટુંબના વડીલોનું કામ ઉપાડવું, ચાકરો ઉપર સત્તા રાખવી, ઘરધંધામાં પ્રવીણ રહેવું, ઘરની અને ઘરના સામાનની સંભાળ રાખવી, ઘરમાં આવતાંજતાં માણસ આગળ ઘરનું નાક રાખવું, અને તે બધું જાતે મર્યાદા પાળી કરવું ! અને દિવસ વીત્યે શૃંગારશાળામાં પતિના ઉપર રાજ્ય ચલાવવું ! આટલું તો એક સામાન્ય સ્ત્રી કરે છે; અને તેની સાથે લોકના બોલ સહી જવા, ઘરમાં જુલમ અને અપમાન ખમતાં ગમ ખાઇ જવી, પોતાના દુઃખને ગણવું નહીં, મન અને પેટ એ બે મોટાં રાખવાં; એ બદું પણ સ્ત્રીને કરવું પડે છે અને તેટલું જો તે કરે તો જ સ્ત્રીને સ્ત્રી કહેવી. ન કરે તો તે પુરુષ તો નથી જ ને સ્ત્રી પણ નહીં જ-તેને તો જેમ અનંગરંગમાં શંખણી કહી છે તેમ આપણે સંસારરંગમાં શંખણી કહેવી. કહો-હવે એક સ્ત્રીને માથે આટલા ધર્મ છે તો સ્ત્રીના ધણી પુરુષના કેટલા ધર્મ હોવા જોઇએ ? જે પુરુષને આટલું સ્ત્રીનું કામ આવડે નહીં તે સ્ત્રીના કરતાં પણ નપાટ ને મારા રાજ્યમાં નોકરી કરવા નાલાયક. સ્ત્રી અને પુરુષ બેનું કામ આવેડ તે મારી નોકરીને યોગ્ય અને એ યોગ્યતા તમારે મેળવવી. જેનામાં આ સૌ ભાગ્યતા વધારેમાં વધારે હોય તે મારો કારભારી થવા લાયક છે. બીજું લોભ ન કરવો એમ હું નથી કહેતો પણ સામાનું ઘર સાચવી લોભ કરવો. અમારા પુરાણી એક શ્લોક કહે છે કે વાછડાને ધવરાવી ગાયને દોહવાની છે તેમ જ રાજાએ પણ પ્રજાને સંતોષ આપી રાજભંડાર ભરવાનો છે.૧ હું તમને તે જ રીતે કહું છું કે રાજા પ્રજાનો સ્વાર્થ સંભાળી તમારા સ્વાર્થના વિચાર રાખજો, નીકર મારે તમારે સગાઇ નથી તે સરત રાખવી. તમે પ્રમાણિક છો તે હું જાણું છું પણ પ્રમાણિકપણું પૈસા ન ખાધામાં જ આવી જાય છે એમ નથી, પણ બીજી ઘણી બાબતોમાં જોઇએ છે તે તમને અનુભવ શીખવશે. તમને એ પ્રમાણિકપણિુ હાલ વાત કરતાં સહેલુ લાગશે પણ અધિકારે ચડતાં ‘માયા દેખી મુનિવર ચળે’ એ તમે હળવેહળવે જોશો. મણિરાજને કાચી અવસ્થાને સમયે તમારા હાથમાં મૂકું છું તેથી છલકાઇ કે છેતરાઇ ન જશો ને હંમેશ યાદ રાખજો કે એ મણિ છે પણ નાગને માથે છે ને તમારે નાગની સાથે કામ છે. નાગ પ્રસન્ન થાય તો રત્નનો ભંડાર ઉઘાડો મૂકે પણ તે કોપે તો તેની દાઢમાં યમના દૂત નિરંતર સજ્જ છે તે યાદ રાખજો. મલ્લરાજ એ નાગના જેવો છે.”

રાજકુમારના શિક્ષક થનારના અંતરમાં શબ્દેશબ્દ જડાઇ ગયા, પ્રત્યેક શબ્દામાં ઉપદેશના ગ્રંથ ભરેલા લાગ્યા, પ્રથમ જ જાતે મ્યાન ઉઘાડનારને તરવાનું મૂળ નીકળતાં જ આંગળીઓ સંભાળવી પડે એવો અનુભવ થયો, અને ઘેર ગયા પછી આ નવા સંસારે તેના તાર્કિક મસ્તિકને એવું તો ચકડોળે ચડાવ્યું કે તે દિવસથી ગુણસુંદરી સાથેના સાત્ત્વિક પ્રસંગો સ્વપ્ન જેવા થઇ ગયા, કવિતા કરવી ભૂલી ગયો, અને રાજસંસારના તીવ્ર ભ્રમણમાં પડેલી આંખ સ્નેહસંસારને નિત્ય ખરતા તારા પેઠે પળવાર જ જોવા પામતી.

આ જ પ્રસંગે ગુણસુંદરીને પણ તેને યોગ્ય વિષય સંસારજાળમાં લપટાવું પડ્યું અને પૂર્વાવસ્થામાં વિદ્ધાન પતિ અને વિદ્યાએ આપેલી કળા તે જાળ ઉકેલવામાં ઉપયોગી થવા લાગી. વિદ્યાચતુરે મલ્લરાજના શબ્દ અમૂલ્ય ગણી એક પુસ્તકમાં ઉતારી રાખ્યા હતા તે વાંચી ગુણસુંદરીએ પણ પોતાના નવા વ્યવહાર સંબંધી ઘણો બોધ લીધો. બુદ્ધિવાળાના અનુભવ વિદ્ધાનોને પણ બોધ આપે છે. એટલું જ નહીં પણ સામાન્ય મનુષ્યો કરતાં વિદ્ધાનો તે અનુભવમાંથી વધારે બોધ લે છે. વિદ્યાનું સાધન પુસ્તકભંડાર માત્ર અનેક બુદ્ધિમાનોના અનુભવનું રહસ્ય શીખવે છે અને આ રહસ્ય શીખવે છે અને આ રહસ્ય ગ્રહી લેનારને જ વિદ્ધાન ગણવા એવો વિદ્યાચતુરનો મત હતો અને તેથી બુદ્ધિવાળાના અનુભવને તે પુસ્તક જેવો જ ગણતો. અનુભવી મલ્લરાજની પ્રથમ આજ્ઞામાં વસેલો ક્ષાત્ર ઉદ્રેક તેને અતિપ્રિય લાગ્યો, તેમાંનું રાજઅભિમાન તેને નમવા યોગ્ય લાગ્યું, અને આવી સુંદર લાગતી આજ્ઞામાંથી સર્વને માત્ર સુંદર લાગતા પુષ્પમાંથી મધમાખી મધ લે તેમ-તેણે અનુભવબોધ લીધો અને એ બોધથી તેનું પોતાનું નીતિબીજ બંધાયું જ નહીં પણ ગુણસુંદરીએ પણ તે બીજ સ્વીકાર્યું. માત્ર એકને એ બીજ રાજકાર્ય આદિ અનેક સ્થળે કામ લાગ્યું અને સ્ત્રીને તે ગૃહકાર્યમાં કામ લાગ્યું.

પોતાના મામા રાજશંકરને સંતતિ ન હોવાથી વિદ્યાચતુર મોસાળમાં ઊછર્યો હતો. એ જન્મ્યો ત્યારે તેના બાપ માનચતુરનું વય પાંત્રીસેક વર્ષનું હતું એને તેને અંગ્રેજી રાજ્યમાં નાના ગામમાં મામલતદારના કારકુનની નોકરી હતી. તે સાધારણ ભણેલો હતો પરંતુ બુદ્ધિશાળી ગણાતોઅને જ્યાં બુદ્ધિ સતેજ હોય છે ત્યાં યુવાવસ્થાનું ઉત્કટપણું પણ તેવું જ હોય છે એ વાત સાચી માનનાર વર્ગ માનચકતુરનું દ્દૃષ્ટાંત બતાવતાં. વૃદ્ધાવસ્થા પર્યંત ન છૂટેલી લંપટતામાંથી મહાન અને અસાધ્ય રોગને વશ થઇ નોકરી છોડી ઘેર આવવું પડ્યું. વિદ્યાચતુર સિવાય માનચતુરને બીજે પણ કુટુંબવિસ્તાર પુષ્કળ હતો. વિદ્યાચતુરના પહેલા માનચતુરને બીજા બે પુત્ર અને બે પુત્રીઓ થયાં હતાં. સૌથી મોટો પુત્ર સુંદરગૌરી નામની રૂપવતી બાળવિધવા મૂકી ગુજરી ગયો હતો. સુંદરગૌરી પોતાને પિયર રહેતી હતી. પરંતુ તેનાં માબાપ ગુજરી ગયાં અને ભાઇભાભીના ઘરમાં એ વધારે પડી. એક દિવસ તો તેને મારી કાઢી મૂકી આખી રાત ભૂખીતરસી બારણે ઓટલે બેસાડી મૂકી. ગુણસુંદરીને આ વાતની ખભર થતાં ત્યાં ગઇ અને ચોધાર રોતી નિરાધાર જેઠાણીને પોતાને ઘેર લઇ આવી. બીજા જેઠનું નામ ગાનચતુર હતું. તે વિદ્યાચતુરથી દસબાર વર્ષ મોટો હતો અને એને ભણાવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. કારણ નાનપણમાંથી મોજશોખમાં પડેલા બાપે લડાવ્યો અને બાપના જેવી સોબત વળગી. આખરે મામલતદારને ત્યાં ઘણી કડાકૂટ કરતાં તેને એક તલાટીની જગા મળી. પણ જાતે વ્યસની તથા ખરચાળ હોવાથી કોડી બચતી ન હતી. વળી ગામના મુખીની સ્ત્રી સાથે એની ચર્ચા ચાલતી હતી તેથી મુખી વેર રાખતો. એમ કરતાં કરતાં એક દિવસ એક ખેતરના ધણી પાસે ચારપાંચ આના પાનસોપારીના લીધા હશે તે બાબત મામલતદાર પર ‘રિપોર્ટ’ કરી મૂખીએ તેને બરતરફ કરાવ્યો અને ચંડિકા નામની પોતાની સ્ત્રી તથા ચાર છોકરાંના વિસ્તાર સાથે રત્નનગરી આવ્યો અને ગુણસુંદરીભાભીનો અતિથિ થયો. વિદ્યાચતુરની મોટી બહેન દુઃખબાના પતિ સાહસરાયને વ્યાપાર કરતાં દેવું થયું, દેવામાંથી છૂટાય નહીં એટલું ઋૃણ થયું, અને દુઃખને લાજનો માર્યો ચાનોમાનો ગામપરગામનાસવા લાગ્યો અને ન ચાલ્યે દુઃખબાને એના ભાઇને ત્યાં મોકલી દીધી. દુઃખબાને સંતતિમાં માત્ર એક કુમારી નામની કુંવારી કન્યા વયે પહોંચવા આવેલી હતી. જેવું પતિનું દુઃખ મોટું હતું તેવું જ કુમારીને ક્યાં પરણાવવી અને શા વતે પરણાવવી એ દુઃખ પણ બિચારી દુખબાને થોડું ન લાગતું. એ દુઃખ બાઇભાભીને ન કહેવાતું અને કન્યાવસ્થા ત્યજતિ કુમારીને જોઇ તેની મા રાતદિવસ સોસાઇ જતી. વિદ્યાચતુરની બીજી બહેન ચંચળબા આ અરસામાં વિધવા થઇ. તે કામકાજમાં નામ પ્રમાણે ચંચળ હતી પણ તેનામાં અભિમાનનું પાસું હતું તેમ જ જૂઠુંસાચું કરવાની ટેવ હતી. આથી તે સાસરિયામાં સમાય એમ ન હતું, પણ સાસરામાં બીજી કોઇ આધેડ સ્ત્રી ન હોવાથી તેની ત્યાં ગરજ હતી. આખરે એની દેરાણી ઘર ઉપાડે એવી થઇ એટલે દિયરને ભાભીની ગરજ ના રહી. ચંચળબાનું નિત્ય અપમાન થવા લાગ્યું અને આખરે થાકીને દેરાણીનાં મહેણાં ન ખમાતાં ભાભીને બોલાવી ભાઇને ત્યાં રહેવા આવી. એને પંદરેક વર્ષનો યશપ્રસાદ નામનો દીકરો હતો. તેની વહુ સાલસબા નહાતીધોતી થઇ હતી પણ ચંચળબા ભાઇને ઘેર આવી એટલે સાલસબાને સાસરે રાખવાનું બંધ રહ્યું.

જે વર્ષમાં વિદ્યાચતુર મણિરાજનો શિક્ષક થયો તે જ વર્ષમાં થોડા થોડા દિવસને અંતરે માનચતુર, સુંદરગૌરી, ગાનચતુર, ચંદિકા, દુઃખબા અને ચંચળબા પોતપોતાના પરિવાર લઇ વિદ્યાચતુરને ઘેર ઊભરાયાં. એ સૌ ભાર એકદમ અને અચિંત્યો ગુણસુંદરીને માથે પડ્યો. સૌનાં જુદી જુદી જાતનાં દુઃખની સંભાવના કરવી, સૌના જુદા જુદા સ્વભાવની સાથે પાલવતું કરવું, અને સૌની કુટેવો વેઠવી-આ સૌ કારભાર ને આ સૌ ચિંતા ઉપાડતાં શુદ્ધ યુવાવસ્થામાં ધૈર્ય અને શાણપણ શોધવું પડ્યું. એનું ઘર નાનું હતું. એના પતિની આવક આ સર્વ ખર્ચના પ્રમાણમાં જૂજ હતી, અને સર્વના મનમાં એની પાસેથી સંભાવનાની અપેક્ષા તથા આશા વિદ્યાચતુરની પદવીના પ્રમાણમાં મોટી રાખવામાં આવતી. તે અપેક્ષા અને આશા પૂરતાં જાણ્યે અજાણ્યે, ચાલ્યે ન ચાલ્યે જેટલી ન્યૂનતા રહી જતી તેટલો અસંતોષ થતો અને તેટલા દોષ વિદ્યાચતુર અને ગુણસુંદરીને માથે મુકાતા.

આ સર્વ કુટુંબભાર ઊગતી ગુણસુંદરીને માથે પડ્યો તે પ્રસંગે તેને જગતનો અનુભવ ન હતો અને એ ભાર નીચે કેટલાં કચડાવું પડશે અને તે પ્રસંગે કેટલું બળ રાખવું પડશે તેની એને કલ્પના પણ ન હતી. પ્રથમ વીશીની જુવાનીમાં પતિ સાથે એકલી રહેલી માણસની ભૂખી હતી અને કુટુંબની સંભાવના કરવામાં પોતાની ઉદારતા અને મમતા દેખાડવાથી જન્મારો સફળ થયો માનતી હતી. પતિની સાથે વિકસેલો સ્નેહ કુટુંબજન સાથે વિકસવા ઇચ્છતો હતો. પોતાના જેવાં જ પારકાંના અંતઃકરણ કલ્પતી હતી અને વત્સલ ડોસીઓમાં વસી વત્સલ થયેલી ગુણિયલ યુવતી કુટુંબભારની ધુરંધર થવા ઇચ્છતી હતી. સંસારનું એક જ પાસું તેણે અનુભવેલું હોવાથી પોતાના સદ્‌ગુણના વિકાસને સંસાર સર્વથા અનુકૂળ પડશે એવી તેમે આશા રાખી હતી. આ સર્વ ઉત્સાહભરેલી બાળાને કુટુંબભારની દુર્વહનીયતાનાં પડ અનુભવે ધીમે ધીમે ઉઘાડી આપ્યાં.

ઘરમાં માણસો ઊભરાયાં ત્યારે પ્રથમ તો ગુણસુંદરીને ઘણી સગવડ અને ઘણો આનંદ થયો. કેટલીક નાનીનાની અગવડો પડી તેનો બદલે તો વસ્તીમાં રહેવાના આનંદથી જ મળી ગયો. નાના સરખા ઘરમાં જરા સંકડાશ પડવા લાગી, પણ આખો દિવસ ભર્યા રહેતા ઘરમાં કલ્લોલ જેવું લાગવા માંડ્યું. પરસાળમાં સર્વ સ્ત્રીઓને તથા તેમનાં છોકરાંને સૂવાબેસવાનું રાખ્યું. પરસાળ પરની મેડીમાં જેઠજેઠાણીને વાસ્તે એકાંત શયનગૃહ કરી આપ્યું. પરસાળ પાછળ ઓરડો હતો તેમાં જોખમ રહેતું અને તેને હવે ચામડાનું તાળું થયું. ગણાયું. ઓરડા પર મેડીમાં દાણાની વખાર હતી તે પ્રસંગે લેવા જવું પડે ત્યારે જ માત્ર જેઠાણીની મેડીમાં જવું પડે. પરસાળની આગળ ચૉકની એક પાસ રસોડું, પાણિયારું વગેરે હતાં અને બીજી પાસ બે ઓરડીઓ હતી તેમાંની એકમાં વડીલ માનચતુરને એકાંતવાસ આપ્યો ને બીજી વૃદ્ધ સાસુ ધર્મલક્ષ્મીને સારુ રાખી. ચૉક આગળ ખડકી હતી અને તેના ઉપર મેડી હતી. બાકીના ભાગ ઉપર અગાશી હતી. સૌ આવ્યા પહેલાં પોતાને સૂવાનું પરસાળની મેડીમાં હતું અને ખડકીની મેડીમાં વિદ્યાચતુરની કચેરી હતી. હવે સૂવાનું ઠેકાણું ખડકીની મેડીમાં કર્યું અને કચેરી ખડકીમાં કરી. ખડકી ને ચૉક વચ્ચે પડદો ભરી લીધો છીંડી હતી. ચૉકમાં રસોડા જોડે પાણિયારું અને ટાંકાની ઓરડી વગેરે હતું. નાની સરખી જગામાં થોડે ખરચે ઘણો સમાસ કેમ કરવો તે આપણાં ઘર બંધાવનાર વડીલો આપણા કરતા વધારે સમજતા હતા એવું વિદ્યાચતુર હંમેશ કહેતો, અને પોતાના મોટા કુટુંબને પોતાના નાના ઘરમાં સર્વને અનુકૂળ સમાસ કરી આપનારી પત્નીએ આ ઘર બંધાવનારની બુદ્ધિને સફળ કરી આપી જોઇ પતિને અત્યંત સંતોષ થયો, અને બદલામાં પોતાને સૂવાના નવા સ્થાનમાં સાન કરી સ્ત્રીને બોલાવી હ્ય્દયદાન દીધું. આ પ્રીતિદાય લેતાં લેતાં પત્નીબોલીઃ “જુઓ, વડીલ શરીરે સારા રહેતા નથી અને નાનડિયાંમાં એમને હરકત પડે માટે એમને એકાંતજોઇએ, પણ તેની સાથે એમને જો મેડીે ચડાવીએ તો કંઇ જોઇતું કરતું હોય તો બૂમો પાડવી પડે માટે એમનું નીચે ઠેકાણું રાખ્યું. એમાં સારું બેસવાનું ઠેકાણું ઓછું થયું, પણ એમને ઠીક પડશે. ખડકીની મેડીમાં મોટાભાઇને ખડકીનો ગરબડાટ ઠેકાણું ઓછું થયું, પણ એમને એકલાં બેઠાં બેઠાં ગાયા કરવાની ટેવ તો આ ગોઠવણ ઠીક પડશે. ખડકીમાં લોકો બેઠા હોય એટલે મારાથી વારેઘડીએ હવે ખડકીની મેડીમાં નહીં અવાય, પણ આખી રાત આપણી ક્યાં નથી ? “બહુ સારું કર્યું, મારી ગુણિયલ” એમ કહી ફરી હ્ય્દનદાન દીધું. આ ધન્યવાદના શબ્દ પત્નીને ઘણાં વર્ષ સરત રહ્યા અને કેટલીક વાર તો તેના ભણકારા વાગતાં આનંદથી ચમકતી. આ હ્ય્દયદાન પણ તે ભૂલી નહીં. આ શબ્દ અને આ હ્ય્દનદાન કેટલાક દિવસ સુધી તો ગુણસુંદરી એકલી પડે ત્યારે સંભારી સંભારી તેમાં લીન થતી. વિદ્યાચતુર અને ગુણિયલ કરી રોજ બોલાવતો, પણ આજનું ‘ગુણિયલ’ કાંઇક જુદા જ અર્થવાળું લાગ્યું. કુટુંબસંસાર ચલાવવો એ રાજ્ય ચલાવવા જેવું છે. તે ચલાવન્નારી ગૃહિણીનું કામ રાજ્ય ચલાવનાર જેવું ગહન છે. દીર્ધદ્દૃષ્ટિ, સ્વાર્થત્યાગ, સહનશીલતા, ઉદ્યોગ, ઉદારતા, વ્યવહારકુશળતા, સેવ્યબુદ્ધિ, સેવકબુદ્ધિ, ઇત્યાદિ અનેક મહાગુણોનો ઉપયોગ ચતુર ગૃહિણીને પ્રધાનના જેટલો જ છે. ગૃહિણીનું સ્ત્રીને બાહ્યસંસારમાં ધકેલવી એ પાશ્ચાત્યબુદ્ધિ વિદ્યાચતુરને ઘણાં કારણથી રુચતી ન હતી. એ કારણોનો ટૂંકામાં સમાસ એક પ્રસંગે તેને ગુણસુંદરીે જ કરી બતાવ્યો હતો. એક પારસી વર્તમાનપત્રમાં સ્ત્રીઓને બહાર પાડવા વિશે નિબંધ હતો તે વાંચી રહી પત્ર પતિના હાથમાં મૂકતી મૂકતી પત્ની બોલી : “મારા ચતુર વ્હાલા ! આ લોકો લખે છે તે શું તમે ખરું ધારો છો ? અમારે અમારું શું ઓછું છે ? અમારાં શરીર છે તે સંસારને ઊછેરવાનું સ્થાન છે. એ શરીરને પુરુષના સંસારને ધકેલે ચડાવવા તે જીભની પાસે દાંતનું કામ કરાવવાના પ્રયત્ન જેવું છે. તમે દાંત - અમે જીભ. તમે તમારું કામ કરો. અમે અમારું કરીશું. તમે કમાવ, અમે ઘરસંસાર નિભાવીશું. સ્ત્રી વિના તમારી કમાઇનો અર્થ કોણ સરાવશે ? તમે પણ પેટની સેવા સારુ જીવશો અને અમે પણ એમ કરીશું, ત્યારે તમારી સંતતિની, તમારા કુટુંબની, તમારા ઘરની, તમારા મનની, તમારા ધર્મની સંભાળ લેશે ? શું ઇશ્વરે જગત એવું નિર્મેલું છે કે સ્ત્રીએ પણ ધનની સેવા કરવી ? અમને અમારું કામ જે આવું મોટું છે તે શીખવવામાં મદદ આપો. તમારી પાસે દ્રવ્ય વધે તો અમને અમારા કામમાં ઊંચી પદવી આપો. કુંવારા પુરુષો ગરીબ હોય છે ત્યારે પોતે પોતાના ચાકર ને રસોઇયા બને છે તેવી જ રીતે ગરીબ પતિની સ્ત્રી બને છે. રસોઇનું કામ સોંપી સ્ત્રીને હલકી કરી નાંખી એવું બોલનારા વગર વિચાર્યું બોલે છે, કારણ તે કામ તો સ્થિતિ પ્રમાણે પુરુષ અને સ્ત્રી ઉભયને કરવું પડે છે. દસ રૂપિયા કમાવા બજારમાં મજૂરી કરવી અથવા બસો રૂપિયા કમાતા દાક્તર બની દવા ઉકાળવી અને ગૂમડાંનાં પરુમાં હાથ બોળવા તેના કરતાં રસોઇને કિયા ઇશ્વરે હલકી કહી છે જે ? અમે અમારી બુદ્ધિ રસોઇમાં ચલાવીશું. તમારાં સાધન વધશે ને રસોઇયો રાખી આપશો તો તમારા ઘરને ઠેકાણે અમે મહેલ રચીશું, તમારા પુત્રને તમારા જેવા કરી આપીશું, તમને જે વિદ્યા સેવવાને અવકાશ નહીં મળે તે અમે સેવીશું; તમારી રસવાસનાને, તમારા કવિત્વને, તમારા જ્ઞાનને, તમારા શૌર્યને, તમારી દેશભક્તિને, ઋૃણાનુબંધ પ્રમાણે ઉછેરીશું ને વધારીશું. જીભ કોમળ કામ કરશે ને દાંત કઠોર ચાવણું ચાવશે. તમારાથી અમારું કામ નહીં થાય. અમે અમારું કામ યોગ્ય રીતે કરીશું તો જ તમારો સંસાાર આગળ ચાલશે, તમારો સંસાર આગળ ન ચાલેતો અમને પણ હાનિ જ છે. મારી તો એવી બુદ્ધિ છે.” આ સાંબળી વિદ્યાચતુર હસ્યો અને બોલ્યો : “ઠીક, તને પણ ભલું મનવતાં આવડે છે. આપણામાં સ્ત્રીઓ પોતાને પતિની દાસી કહેવડાવે છે. સેવકનું કામ છે કે સેવ્યને મોટપ આપવી. પણ, અમે તો હવે અંગ્રેજી ભણ્યા એટલે આપણા હક સરખા !”

ગુણસુંદરી- “કોણ કહે છે જે હક સરખા નથી ? ખાવું, પીવું, સર્વ તમારે ને અમારે સરખું જોઇએ છે. પણ સરખા હક કરીને તમારાથી ગર્ભ ધરાવાનો નથી ને અમારાથી અમારું કામ છોડવાનું નથી. સેવ્ય સેવક એ નામથી કોઇ મોટું નાનું બનતું નથી. શેઠ નોકરને વાસ્તે મજૂરી કરે છે ને નોકર શેઠને સારુ મજૂરી કરે છે. દેખાવમાં શેઠ ઉપરી ને નોકર હાથ નીચે, પણ ઉભયને પરસ્પરની ગરજ. હાથ ઉફર ને પગ નીચે - એથી ઇશ્વરને મન હાથ વધારે નથી ને પગ ઓછા નથી. શાના વગર ચાલશે ? સ્ત્રીપુરુષને પણ એમ જ છે. મારા ને તમારા સરખા હક, પણ મને ઇશ્વરે તમારા કરતાં ચાર તસુ નીચીકરી તે કંઇ ઊંચાં થવાશે ને સ્ત્રી મટી પુરુષ થવાશે ? મારા કામમાં તમે અમને અયોગ્ય રીતે હરકત કરતા હો, અમને માણસને ઠેકાણે ઢોર ગણતા હો ત્યારે તમારો દોષ. આ તો શું ? પુરુષ તો પુરુષનું કામ કરેસ્તો ને સ્ત્રીએ ઘરની ચિંતા ન ઉપાડવી, ને ડાહ્યાંડમકાં બની ટાપટીપ કરી ગપાટા મારવા ને બેસી રહેવું ને ધણીને કહેવું કે મારે તો ખાવાનું જોઇએ, પહેરવાનું જોઇએ, રસોઇયો જોઇએ, ને તમારાં માબાપ વૃદ્ધ થયાં માટે હું કાંઇ મારું જોબન જવા દઉં ? -એ તો કેવું કે તારું મારું સહિયારું ને મારું મારું પોતાનું. આપણે એવાં થઇ આપણું ઘર બગાડવું ને દીકરીઓને એવી કરી જમાઇનાં ઘર બગાડવાં એ તો બહુ સારો ધંધો માંડ્યો. તમે બહાર દીવાન થાઓ તો તમારું ઘર દીવાનના જેવું કરવુંં, તમારા કુટુંબને દીવાનના કુટુંબનું સુખ આપવું, ને તમે તમારા બહારના કામના વમળમાંથી થાકી ઘેર આવો ત્યારે તમારી પદવી જેટલા ઊંચા સુખસંસારમાં તમને લઇ લેવા એ અમારું કામ ને એમાં અમારી વડાઇ.”

“વારુ, હું દીવાન થાઇ તો એમ કરજે. હાલ તો આપણા આ નાના ઘરમાં તારી ચતુરાઇ કેટલી પહોંચે છે તે દેખાડજે. પણ હાલ અભ્યાસ કેમ ચાલે છે ?” વિદ્યાચતુરે પૂછ્યું ને ગુણસુંદરી નરમ જવાબ આપશે એમ ધાર્યું.

ગુણસુંદરી : “અભ્યાસ ? આ બધો યે અભ્યાસ જ છે કની ? કાગળનું પુસ્તક કે સંસારનું પુસ્તક. જેમાંથી શીખીએ તેમાંથી શિખાય ! - વંચાશે હળવેહળવે- ત્યારસોરું બધું રસ્તે પડશે એટલે. હાલ તો ઘરમાં ગમ્મત છે. ચાર વાગે કૂકડો બોલતાં ઊઠી તમારી પાસેથી નીચે જાઉ છું તે તમને ખબર છે. જઇને પહેલું કામ એ કે ઘરમાં દીવા કરું છું એટલે તમારા ઘરમાં અંધારાનું અજવાળું થાય છે. ચાકર બિચારો બાર વાગે સૂવા પામે છે તેને ઊંઘમાંથી ઉઠાડવાનું પાપ વહોરવું એ સવાર થતાં પહેલાં મારું બીજું કામ. શું કરું ? કોઇ જાગે નહીં એમ ધીમે ધીમે ઉઠાડવાનું કરું છું, તે કોઇ વખત તો ઊઠે અને કોઇ વખત તો દયા આવે છે એટલે સૂવા દઉં છું. પછી એ ગરમ પાણી મૂકે કરે એટલામાં હું મારી મેળે દાતણબાતણ કરી, મારી જાતનું કામ કરી, નાહીધોઇ, ચોટલોચાંલ્લો કરી, પરવારું છું. ત્યારપછી સાસુજીની પૂજની સામગ્રી તૈયાર કરી એ ઊટ્યાં હોય એટલે એમને સ્વાધીન કરું છું. એ કામ બીજા કોઇને સોંપું પણ એમનો સ્વભાવ ચટવાળો ને આકળો ને તેથી જેને સોંપું તેને તે એમને બેને દુઃખ થાય એવું છે માટે હું જ કરું છું. એટલામાં ઘરમાં સૌ ઊઠ્યાં હોય તો પોતપોતાનું કામ કરવામાં રોકાય તેટલી વારમાં રસોઇનો સામાન હું તૈયાર કરું છું. દુઃખબાબહેન ઘણુંખરું-દિલગીર રહ્યાં કરે છે એટલે કામ કરતાં કરતાં વિચાારમાં પડી જાય છે ને એમનાથી હેરાફેરા થતા નથી એટલે રસોઇમાં નાહવાનું એમને ઠીક પડે છે ને કુમારીને સાથે શીખવાને નવડાવું છું. આપણે શીખવીએ ત્યારે ઠીક ન પડે ને બહેન શીખવે ધમકાવે તેથી હરકત નહીં. ઘરમાં હાલ છોકરાં બહુ થયાં છે તેમને નવરાવવાં, શણગારવાં વગેરે કામ સુંદરભાભીને ગમે છે ને એમની મેળે કર્યા કરે છે. ચંચળબહેન સવારનો વખત વડીલને સારુ ચા, ઓસડ વગેરે તૈયાર કરવામાં ગાળે છે અને હું ઘરમાં સૌને સારુ હેરાફેરા કરું છું ને સામાનસુમનની ગોઠવણ કરાવી ચાકર ઉપર દેખરેખ રાખું છું. એના પર દયા રાખું છું ખરી પણ દેખાડતી નથી કારણ દયા દેખાડીએ તો બગડી જાય. આમ ને આમ આખો દિવસ ચાલ્યો જાય છે ને ઘરમાં આનંદ વર્તે છે.”

“એમાં તમારી શી ચતુરાઇ ?” વિદ્યાચતુરે હસી કહ્યું.

ગુણસુંદરી ચિન્તાતુર મુખ કરી બોલી : “એ તો ઇશ્વર જાણે. પણ હવે મારે સાતમો મહિનો જાય છે એટલે મારાથી જોઇએ તેટલું નીપજતું નથી ને સુવાવડમાં હું નકામી થઇશ તે પ્રસંગની બહુ ચિન્તા રહે છે. જોઇએ હવે શું થાય છે.”

આટલું બોલે છે એટલામાં નીચે કોઇએ એને બોલાવી તેથી એ ગઇ. પણ એને ચિન્તા પડી હતી તે ખોટી ન હતી. જુદા જુદા સ્વભાવનાં ઘરનાં માણસોને જરા પણ તકરાર ન પડે એ રીતે પોતે ચતુરાઇથી સૌને અનુકૂળ બની જઇ રાખતી હતી અને જાતે છડી હોવાથી ખરેખરુ કામ તો પોતે જ કરતી હતી. પણ સુવાવડ આવશે એટલે માળા વગરના મણકા જુદા પડશે, કામકાજમાં વાદ પડશે, ઘરમાં બગાડ થશે અને કુટુંબમાં વિખવાદ (વિષવાદ) એવી ગુણસુંદરીની સંપૂર્ણ ખાતરી હતી. સુવાવડમાંથી પરવાર્યા પછી પણપોતે છડી મટવાની એટલે આ સૌ ગૂંચવાડો મટાડવા પોતાને જોઇતી સગવડ નહીં પડે તેની પણ એને બીક હતી. સૌના સ્વભાવ એને ગુણદોષ તે થોડા અનુભવથી જાણી ગઇ હતી અને હાલ તો ગૂંચવાડો જન્મ જ ન પામે અને ગુણદોષ તે થોડા અનુભવથી જાણી ગઇ હતી અને હાલ તો ગૂંચવાડો જન્મ જ ન પામે અને પાણી પહેલી પાલ જ બાંધવી એટલું કરવું તેમાં, ગૂંચવાડો જામ્યા પછી મટાડવા જેટલી મુશ્કેલી ન હતી. મીઠા અને મધુર સ્વરથી, વિજ્ઞપ્તિ (વિનંતી)ના આકારની આજ્ઞાથી, કોમળ સૂચનાથી કોને અનુકૂળ શું કામ પડશે તે શોધી કાઢી તેને જ તે કામ સોંપ્યાથી, પોતે કોઇના ઉપર સિરજોરી તો કરતી જ ન હોય એવી વર્તણૂકથી, કેડે છેડો બાંધી આખો દિવસ ખરેખરી માથાકૂટનું કામ જાતે ખરા ઉદ્યોગથી અને વણવિસામે ઉપાડી લઇ તે કામ કરતાં તેનામાં દેખાઇ આવતા ઉત્સાહના દ્દૃષ્ટાંતથી, અત્યંત શાન્તિ અને સહનશીલતા રાખી સામાને જણાય નહિ પણ તેના મનમાં રમી જ જાય એવી રીતે શિખામણ આપવાની કળાથી, અત્યંત કુટુંબવત્સલતાથી, ઉદારતાથી, આત્માર્પણથી અને બીજી અનેક જાતની ચતુરાઇથી, નાની વયની ઊગતી ગુણસુંદરીએ ઘણાં માણસથી ભરેલા ઘરનું નાવ સંસારસાગરમાં વેગથી ધપાવ્યું હતું અને તેના ઘરમાં આનંદ અને સપની સીમા ન હતી. ગુણની કિંમત ગુણ ન હોય ત્યારે થાય છે, સુખની કિંમત દુઃખમાં થાય છે, અને સારાની કિંમત નરસું કરાવે છે તેમ ગુણસુંદરીને સુવાવડ આવી ત્યારે સૌને તેની કોટ જણાવવાનો પ્રસંગ આવ્યો. ઇશ્વરદત્ત બુદ્ધિ અને પતિદત્ત વિદ્યા, સ્વાભાવિક અને ઉદાર સદ્‌ગુણો, અવિરામ ઉદ્યોગ, યૌવનયોગ્ય ઉત્સાહ અને વૃદ્ધજનના જેવી નિર્મળ વત્સલતા - આ ઉત્તમ ગુણભરેલી ગુણસુંદરીથી ભાગ્યવાન વિદ્યાચતુરને તેની પરીક્ષા કરવાનો પ્રસંગ સમીપ આવતો હતો. પોતે એને મોઢે એનાં વખાણ કરતો ન હતો, પણ જેમ જેમ બહોળા કુટુંબની સરભરા કરવામાં તેના નવાનવા ગુણ પ્રકાશમાં આવતા હતા અથવા પરિચિત ગુણ વિકાસ પામતા હતા તેમ તેમ સંતોષ પામતો હતો અને ઇશ્વરનો ઉપકાર માની પોતાની રાજસેવાના પ્રસંગોમાં મલ્લરાજની આજ્ઞા સ્મરી એ જ ગુણોનું ઉપયોગીપણું પરખતો હતો. રાજ્યસંબંધમાં પડેલાં માણસો જેવાં હોય તેવાં જ નિભાવવાં પડે છે, તેને જ ઉપયોગી કરી દેવાં પડે છે, તેમની સાથે સહનશીલતા અને ઉદાર ચિત્ત રાખવાં પડે છે, ઇત્યાદિ અનુભવ પોતાને થતો હતો તેમાં અને ગુણસુંદરીને થતા અનુભવમાં ઘણુંક સરખાપણું લાગ્યું.

ગુણસુંદરીના સીમન્તવિધિનો પ્રસંગ આવ્યો તે સમયે ઘરમાં વધેલી વસ્તી ઘણી કામમાં લાગી. પરંતુ તે જ રીતે તેમનાં મન જાળવવાં એ મોટું કામ ગુણસુંદરીને કરવું પડ્યું અને તેમ કરવા સિવાય એ પ્રસંગની સર્વ ચિંતા તો પોતાને જ રાખવી પડી. જ્ઞાતિભોજનની ખટપટ કરવામાં, બહારનો સામાન લાવવાના કામની ચિંતામાં ગાનચતુરે ઘણો ભાગ ઉપાડી લીધો અને જરાશંકર અને બીજા સંબંધીઓ કામ લાગ્યા તથાપિ તે સર્વ કારભારમાં અંધેર થતું અટકવું તે ગુણસુંદરીની સંભાળથી જ થયું. કારણ કામ કરવા સર્વ તત્પર રહેતાં અને ઊલટ બતાવતાં પણ ક્યું કામ કેણે કરવું અને કાળક્ષેપ ન થતાં જે કામ જે ઘડીએ જોઇએ તે વખતે જ કરાવવાની ચિન્તા ગુણસુંદરીને રહી. આ સર્વનું કારણ એ જ કે ‘આ ઘર અને આ કામ તો મારું પોતાાનું જ છે અને મારે પોતે જ પાર ઉતારવાનું છે’ એ ફિકર કોઇને ન હતી. ઘરમાંથી સામગ્રી જોઇએ તે આણવામાં સર્વ સ્ત્રીમંડળ તત્પર હતું, પરંતુ કઇ સામગ્રી કોને જોઇએ અને ક્યાં મૂકેલી હશે અને ક્યારે તેનો શો ઉપયોગ કરવો એ સર્વ કામ ગૃહિણીનું જ રહ્યું. વળી સામગ્રીનો આ મહાસમારંભમાં વખતોવખત બગાડ થતો હતો તે કોઇ પ્રસંગે અટકાવાય અને કોઇ પ્રસંગે મોટું પેટ રાખી થવા દેતો પડતો હતો તે પ્રસંગોનો વિવેક ઘરમાં કોઇ સમજતું ન હતું, અને ઘડી ઘડી કલેશના અને તકરારના પ્રસંગ આવતા તે ગુણસુંદરી સમયસૂચકતાથી જાળવી લેતી હતી અને બગાડ થતો અટકાવતી હતી. જ્ઞાતિવ્યવહાર જાળવવા એ પણ એક વિકટ કામ હતું. એ શાસ્ત્રમાં ધર્મલક્ષ્મી સાસુ પ્રવીણ હતાં, પણ અવસ્થાને લીધે તેમનું શરીર જર્જરિત થયું હતું એટલે ઘર બહાર નીકળતાં ન હતાં કે સૌ બાબતની ખબર રખાય. પરંતુ બધી વાતની બેઠાં બેઠાં પૂછપરછ કરતાં હતાં. એમને મોટું પદ આપવા અભિમાન વિનાની ગુણસુંદરી બધી બાબતમાં તેમનો અભિપ્રાય લઇને કામ કરતી હતી. તોપણ પોતાના અભિપ્રાયનો અમલ કેમ થાય છે, શામાં શામાં પોતાને પૂછ્યા વગર વહુ આગવું ડહાપણ ચલાવે છે, શામાં શામાં સારુંનરસું બોલાય છે, વગેરે તપાસ ડોસી ચંચળ મારફત કરતા; ચંચળ છાશમાં પાણી ઉમેરતી; અને ડોસી સમજુ હોવાથી વહુની કિંમત સમજતી તોપણ કોઇ કોઇ વખત મનમાં એની ભૂલ કાઢતી, કોઇ વખત ચંચળ આગળ મોં મરડતી, અને કોઇ વખત ગુણસુંદરીને ધીમે રહીને શિખામણ દેતી અને ‘કોઇ વખત ટાઢા ડામ દીધા જેવું પણ કરતી. કોઇ વખત મનમાં ખોટું તો લાગતું પણ આખરે ‘હશે, મોટાં છે’’ કરી ઉદાર વહુ સહુ વાત ભૂલી જતી અથવા સહી જતી. પોતાના સીમંતની ચિંતા સ્વાભાવિક રીતે વડીલોને માથી હોવી જોઇએ તે છતાં સીમન્તિનીને જ માથે આવી, અને જે સમયે તેનાં તનમનને આરામ અને આનન્દ જોઇએ તે સમયે તેને પ્રભાતથી મધ્યરાત્રિ સુધી કળ વાળી બેસવાનો વારો આવતો ન હતો અને તેમ છતાં તેને ‘જસમાં જૂતિયાં’ જ મળતાં. દુઃખી દુઃખબાને શ્રમ ન પડે જાણી તેને માત્ર ઘરમાં આવતાં જતાંને આવકાર દેવાનું અને જમાડવાનું કામ સોંપ્યું હતું અને એક ઠેકાણે બેસી રહી છોકરાંને વસ્ત્રાલંકાર પહેરાવવા ઉતારવાનું તથા ઉતારી સંભાળી મૂકવાનું સોંપ્યું હતું, પરંતુ સાહસરાયની આપત્તિ જાણે ગુણસુંદરીએ જ આણી મૂકી હોય અને તે પરદેશ હતો તે સમયે સીમન્તનું મંગળકાર્ય કરવાનો પ્રસંગ આવ્યો તે દોષ ગુણસુંદરીનો હોય તેમ તેની સમક્ષ દુઃખબા નિઃશ્વાસ મૂકતી અને તેની પાછળ રોતી અને તેની પાછળ રોતી અને જોડે બેસનારા પાસે કંઇ કં બોલતી તે વાતો ગુણસુંદરી પાસે વધઘટ પામી જતી, પરંતુ ધીર અને શાંત ગૃહિણી સૌને ગંભીર અનુકંપક ઉત્તર આપી ખોટું નહોતી લગાડતી. આ ગડબડાટને પ્રસંગે માંદા માનચતુર અને ધર્મલક્ષ્મીને જોઇતી સવડમાં ખામી ન આવે તેની સંભાળ રાખવી અને અવકાશ મળે તો સવડ પ્રમાણે દીઠું કામ કરવું એ ચંચળબાને માથે હતું અને તે રીતે ચંચળનણંદ ભાભીને ઠપકો પણ મળતો. પરંતુ સામો ઉત્તર દેવાને ઠેકાણે અથવા દુઃખબાનો દોષ કાઢવાને બદલે ગુણસુંદરી વધારે સારી વ્યવસ્થા કરવાનું માથે લેતી. લોકને નોતરાં દેવાનું અને ઘરના સર્વ પરિવાર સાથે શૃંગાર સજી બહાર જ્ઞાતિજનમાં ફરવાનું અને શોભા લેવાનું કામ ચંડિકાને સોંપ્યું હતું. આ કામ તેને ગમતું અને કરતી, પરંતુ તે વિવેકમાં ભૂલતીસ, અથવા રસ્તામાં સ્ત્રીઓ સાથે વાતો કરવામાં રસળતી, અથવા કોઇની લડવાડ ઘરમાં લાવવા ચૂકતી નહીં. એનો દોષ કાઢ્યા વિના ગુણસુંદરીને માત્ર કોઇને મોંએ આ સાંભળવાનો બળાત્કારે પ્રસંગ આવે એટલે પારકાએ મૂકેલો આરોપ તેણે જ મૂકેલો ગણાતો, અને ઉપયોગી કામમાંથી ખોટી થઇ ચંડિકાનાં મહેણાં દિવસમાં એક બે વાર સાંભળવાં પડતાં. જેઠાણીના ઊભરા પડવા દો’ ડાહી દેરાણી તેને શાંત પાડે; ‘એને અત્યારે મારી વાત સાચી નહીં વસે-ટાઢાં પડવા દો’ એવો મનમાં વિચાર કરી, મલકતે મોંએ જેઠાણીએ કરેલા કામમાંથી કાંઇ સારું કામ શોધી કાઢી, તે કામ બાબત શાબાશી આપી, કાંઇક આનંદવાર્તા કાઢી, ક્રોધવાર્તા ભુલાવી, ચતુર દેરાણી જેઠાણીને હસતી કરી કંઇ કામ કરવા મોકલી દેતી અને પોતે પોતાને કામે વળગતી. સુંદરીગૌરીને ઘરમાં દાગીનાની તથા સામાનના ઓરડાની સંભાળ લેવા રાખી હતી. એના ઉપકારવશ બની ઓછી ઓછી થઇ જતી. પરંતુ આ જ સંબંધને લીધે ઘરનું સર્વ સ્ત્રીમંડળ તેની અદેખાઇ કરતું અને તેને માથે દોષ આવે એટલે રાજી થતું. ગુણસુંદરી એ સર્વ સમજતી અને અનાથનું રક્ષણ કરવા સદા તત્પર રહેતી; પરંતુ સામાથી કળાય નહીં એમ એ રક્ષણ કરતી, કારણ પોતે એનો પક્ષ લે છે એવું સ્પષ્ટ થતાં સુંદરગૌરીને વધારે ખમવું પડશે એવી તેની ખાતરી હતી. સુંદરગૌરીનાં ભાઇભોજાઇ સીમન્તભોજનમાં આવતાં અને “બહેનને એની ભાભીનું ઉપરાણું મળ્યું અને આપણું નાક નીચું થયું” સમજી એ ભાઇભોજાઇ ઉઘાડો ખાર કરતાં ને વૈર રાખતાં. એક વખત તો જ્ઞાતિભોજન સમયે કાંઇક કામ સારુ સુંદરગૌરીને બહાર આવેલી દેખી લાગ જોઇ એના ભાઇએ હાથ ઝાલી ઘસડવા માંડી. ગાળો દેતો બોલ્યો કે “રાંડ, મારું કુળ વગોવ્યું. હું કિયે દહાડે ખાવા નથી આપતો કે દિયરને ઘેર જઇ રહી ?” ગરીબ બિચારી સુંદરગૌરી અનાથ થઇ રોવા લાગી. ગુણસુંદરીને ખબર પડતાં માણસો લઇ આવી એને છોડાવી અને બંદોબસ્ત કર્યો કે ગમે તે થાય તોપણ સુંદરબહેનને કોઇએ બહાર ન મોકલવાં. આ સૌના બદલામાં ગુણસુંદરીને સુંદરના ભાઇભોજાઇએ અગણિત ગાળો દીધી. પોતે ઘરમાં ઝઇ બેઠી એટલે એ ગાળો તો બંધ પડી; પરંતુ “આ શાં સુંદરબહેનનાં માન !” “રાંડ અપશુકનિયાળ એ તે શીદ ઘરમાં જોઇએ ?”, “એના વિના તે શું ઊણું રહ્યું હતું ?” ઇત્યાદિ નિર્દય વચન છાનાંછાનાં ઘરમાં બોલાાતાંહતાં, ચંચળ મોં મરડતી હતી, ચંડિકા ઓઠ વડે પૂત્કાર કરતી હતી; એ અને એવું ઘણુંક સાંભળ્યું અને જોયું અને તેથી ગુણસુંદરીનું અંતઃકરણ ચિરાતાં પોતાના હાથમાં હજાર ઉપયોગી કામ હતાં તે જેમનાં તેમ પડતાં મૂકી ચૉક વચ્ચોવચ પાટ ઉપર સુંદરગૌરીનો હાથ ઝાલી બેઠી. સુંદરશરીરે ગોરી અને અત્યંત લાવણ્યવાળી કોમળ કાન્તિવાળી હતી. સુવર્ણ કાન્તિવાળા એના ગાલ અત્યારે તપાવ્યા જેવા દેખાતા હતા અને તે ઉપર ઊકળતાં આંસુ ઉપરાઉપરી ગરતાં હતાં. ડૂસકાંથી તેની કોમળ છાતી ધડકતી હતી. રાખોડીના ઢગલા નીચે સંતાઇ રહેલા દેવતાના અંગારા સાથે દીવાસળીને સંયોગ થતાં તે ભભૂકવા માંડે તેમ વિધવાવસ્ત્ર નીચે સંતાઇ રહેલું કાન્તિવાળું શરીર દુઃખસંયોગથી કંપતું ધડકતું જણાયું. મોંએ અને આંખોએ કોમળ હાથ દઇ તે ઝીણે સ્વરે રોતી હતી. પોતે પાટ ઉપર બેસી, એને જોડે બેસાડી, એનું માથું ખોળામાં લઇ, એક હાથ એના માથાતળે રાખી, બીજો હાથ તેને વાંસે મૂકી, તેને છાતીસરસી ગુણસુંદરી ચાંપવા લાગી, અને આંખમાં પાણી આણી મધુર અને મીઠાં વચનથી આશ્વાસન કરવા લાગી. ઘરનાં સર્વ માણસ આસપાસ ભરાઇ ગયાં અને અત્યાર સુધી ચાળા કરતાં હતાં પણ હવે સૌને દયા આવી અને ગુણસુંદરીની જોડે આશ્વાસનવચન બોલવામાં ભળ્યા. બોપાગાળાવેડા ન ઠરે એવું ઇચ્છી સર્વ ભરાઇ જતાં સુંદરગૌરી આંસુ લોહી બેઠી થઇ અને કામે વળગી. ગુણસુંદરીના સીમંતમાં આમ કંઇ કંઇ નાટક થયાં. દરબારમાં અત્યારે સાહેબ આવેલા હોવાથી વિદ્યાચતુરને ઘેર રહેવા નવરાશ ન હતી અને આવાં પ્રસંગે એ ચિંતા રાખી શકત તે ચિંતા પણ ગુણસુંદરીને રાખવી પડી. સીમંતપ્રસંગમાં સૌ વાતમાં સૌ તરફથી જશ આવ્યો અને તે સારુ પુરુષવર્ગમાં ગાનચતુરને જશ મળ્યો અને સ્ત્રીવર્ગમાં ધર્મલક્ષ્મીને જશ મળ્યો. ગુણસુંદરીને તો કોઇએ લેખામાં જ ન ગણી. છતાં પોતાને મળવાનો યશ સાસુ અને જેઠને મળ્યો અને તેથી તેમને સંતોષ વળ્યો જોઇ ગુણસુંદરી પોતાને જ યશ મળ્યો સમજી અને રાચી.

બે માસ વધારે ગયા. સુવાવડના દિવસ સુધી ગુણસુંદરી ઘરકામમાંથી છૂટી નહીં ઘર એનું કહેવાય એટલે સૌ કોઇ એમ જાણતું કે કામ કરે તેમાં નવાઇ નહીં અને સપાડું યે નહીં. પોતે જેમ જેમ કામ કરવા અશક્ત થઇ અને ઘરમાં સૌનાં મન સાચવવાનું બનતું તે શરીરની સ્થિતિને લીધે ઓછું થયું તેમતેમ સૌએ પોતપોતાનું કામ આઘું કરવા માંડ્યું, અવ્યવસ્થા વધવા લાગી, અને કામમાંથી બચતો વખત કુટુંબક્લેશનાં બીજ રોપવામાં રોકાતો થયો. ગરીબ સ્વભાવની દુઃખબા પણ બદલાઇ. તેની જ દયા જાણી તેને માત્ર રસોઇનું કામ સોંપવામાં આવ્યું હતું, પણ હવે તે કહેવા લાગી કે ‘હું તો ઘરની ભઠિયારી છું-લચકો ધાન ખાઉં છું ને ભઠિયારું કરું છું.’ ધર્મલક્ષ્મીએ પણ એ વેણમાં હાજિયો ભણ્યો. આ વાત ગુણસુંદરીને ખબર પડતાં, ખોટું લગાડ્યું નહિ પણ ધીમે ધીમે પોતે રસોઇમાં દાખલ થઇ અને તેને નવમો માસ હોવાને લીધે સૌને ખોટો વિવેક કરવો પડતો પણ આખરે તેને રસોઇ કરવા દેતાં. સાડા નવ મહિના પૂરા થવા આવ્યા હતા તેવામાં છેક છેલ્લે દિવસે તેણે ઘરનાં સત્તરઅઢાર માણસની રસોઇ કરી અને રસોઇ વખત પણ એની પાછળ હેરોફેરો કરવા કોઇ કામ લાગતું નહીં તેથી મેર ભણી પાણી પાણિયારેથી રસોડામાં આણી મેર હેઠળ મૂક્યો ને અને ઓછું આવતાં રોઇ પડી. એની પાછળ એની દયા જાણનારી સુંદરગૌરી દોડી. ચંડિકાએ પોતાની મેડીમાંથી બેને જતાં જોયાં, પણ તપાસ ન કરી. ચંચળ એની સાથે ગપાટા મારવાના ગુણસુંદરીની દયા જાણનાર બીજું માણસ વૃદ્ધ માનચતુર હતો. માંદો માંદો તે સૌ તાલ જોયાં કરતો, દીકરીઓને ધમકાવતો ને ડોસીને ખીજતો. પોતાના ખાટલામાં સૂતેસૂતે ગુણસુંદરીને જતાં જોઇ તે કારણ ચેતી ગયો અને મંદવાડ ન ગણી લાકડી ઝાલી ઓરડી બહાર આવી ગાજી ઊઠ્યો : ‘દુઃખબા, ચંચળ, રાંડો કરો છો શું ? મોઇ તમારી મા ને એની પૂજા. પેલી બિચારીની ખબરે કોણ રાખે છે ? ઊઠો !” વડીલને હોંકારે ઘરમાંની સર્વ ભરતી ગજાર ભણી પ્રયત્ન કરી દોડ્યાં. ચંચળ દોડતી દોડતી ઊતરી. દુઃખબા ખડકીમાંથી ધીમે ધીમે આવવા લાગી તેને વડીલે રીસ કરી ધમકાવી : “ઓહો ! ઓહો ! આ તે કાંઇ તને જ દુઃખ હશે ! પગ શા ભાંગી ગયા છે જે દોડ, નીકર પછવાડેથી ધક્કો મારીશ કેની એટલે વેગ આવશે !” પોતાના ઉપર અન્યાય અથવા જુલમ ગુજરતો હોય એવું મોં કરી એણે પગલાંમાં વેગે ચાલી. પરસાળના બારણામાં નજર પડતાં ડોસાએ તેનો ચાળો જોયો અને બબડ્યો : “કોણ જાણે ક્યાંથી એ કુભારજા મળી છે ! બાઇને કમાવું નહીં ને ભાઇનું શરીર જરી જરીમાં ઘસાય છે !”

ગજારમાં સૌ એકઠાં થઇ ગયાં. ખાટલામાં ગુણસુંદરી બેભાન જેવી પડી હતી અને સુંદરગૌરી ઇસ પર તેનું શરીર ઝાલી બેઠી હતી. તેમની આસપાસ સૌ વીંટાઇ વળ્યાં. ચંચળે મોટાભાઇને બૂમ પાડી સુયાણીને તેડવા મોકલ્યો. ભાંગ અને ગાનના ઘેનમાંથી જાગી તે ચાલ્યો અને તેને ચાલતો જોઇ તેની પાછળ માનચતુરે નિઃશ્વાસ મૂક્યો. વૃદ્ધ અને અશક્ત, ધર્મધ્યાનવાળાં અને વહેમી, પણ પ્રસંગે સૌ આઘું મૂકનારાં, બોલે ખરાં પણ માંહ્યથી વ્હાલવાળાં ડોશીવહુના ખાટલાની પાંગત પર જેઇ બેઠાં અને કામ કરવામાં તત્પર દીકરી ચંચળ પાસે હેરાફેરા કરાવી વહુની સરભરા પોતાના અનુભવ પ્રમાણે કરવા લાગ્યાં. ગુણસુંદરીનું દરદ વધતું ગયું. તે ટાઢી થઇ જતી હતી, અને ખરેખર બેભાન થતાં થતાં ભાન આણી અંબોડે કૂંચી હતી તે ઉપર હાથ મૂકી આંખમાં આંસુ આણી સુંદર ભણી નજર કરી “લો, આપજો,” એટલું બોલી પોપચાં ઢાળી દઇ આંખ મીંચી બેભાન થઇ ગઇ અને કૂંચી છોડતી છોડતી સુંદરગૌરી અત્યંત રોવા લાગી. એના પર ગુણસુંદરીનો આવે વખતે પણ આટલો વિશ્વાસ જોઇ એક ચંડિકાના ચશ્મા ફરી ગયાં પણ એના સિવાય સૌનાં કાળજાંધડકવા લાગ્યાં અને નકામી જેવી દુઃખબા પણ કામની થઇ. બધા વચ્ચેથી ઊઠી વડીલ પાસે આંખ લોહતી લોહતી એ ગઇ અને હળવે રહી તેમની ઓરડીના ઊમરા પર ઊભી રહી બોલી : “ભાઇને કોણ બોલાવશે ? મને ભાભીની આશા નથી” કહી રોઇ પડી. સુંદરને બિચારીને આવા પ્રસંગનો અનુભવ ન હતો તે સાસુ અને નણંદો સામું રોતી રોતી જોઇ રહી અને શું કરવું તે સૂઝયુ નહીં. અનુભવી ચંચળ અગ્નિ કરી ગરમ ઔષધો આણી સુંદરની મદદથી શેક કરવા લાગી અને શરીર પર ગરમ ઔષધો ઘસવા લાગી.

માનચતુર ચાલી શકતો ન હતો, છતાં લાકડી લઇ ઊઠ્યો અને વિચાર કરવા લાગ્યો કે હું છોકરાને તેડવા જઇશ તો ઘરમાં કોઇ પુરુષ નથી. એકદમ વિચાર નક્કી કરી બારણા આગલ બેસવાનું દુઃખબાને સોંપી તે જાતે બહાર નીકળે છે એટલામાં સુયાણી મળી અને આઘે વિદ્યાચતુરને લઇ ગાનચતુરને આવતો દીઠો. ગાનચતુરને આટલું સૂઝ્‌યું જોઇ પિતાને સંતોષ વળ્યો. સુયાણી દુઃખબા જોડે ગજારમાં ગઇ અને બે ભાઇઓ ઘરના બારણામાં ઉતાવળા ઉતાવળા પેઠા. સુંદરને સૌનો ઘસારો લાગ્યો એટલે ઉતાવળી આંખે હાથ દેતી દેતી બહાર આવી, વિદ્યાચતુરના હાથમાં કૂંચી મૂકી, અને ભય ઉપજાવનાર સમાચાર કહી વીજળીની પેઠે પાછી ચાલી ગઇ. વિદ્યાચતુર ભાઇને દાક્તરને તેડવા મોકલી પોતે મેડી પર ગયો. અત્યંત શોકના પ્રથમ અનુભવથી ચમકવા લાગ્યો, શરીર ધ્રૂજવા અને ટાઢું થવા લાગ્યું, કંઠ ગદ્‌ગદ થયો, ચાલ બેસી જતા હોય એમ અવસન્ન થયા, કપાળ સંકોચાઇ જતું અનુભવ્યું, નાસિકામાં ઉષ્ણ પવન ઉત્પન્ન થયો, જીભ સુકાઇ ગઇ, અને મગજમાં ગૂંચવાડો થયો, આંખ ભેજવાળી થઇ, શું કરવું તે સૂઝ્‌યું નહીં. હિંદુ સંસારની રીત પ્રમાણે ગજાર આગળ જઇ આ વખત પ્રિયાનું મુખ જોવાય - ખબર પુછાય - તે પણ મર્યાદાહીન થાય. અચિંતી હાથમાંની કૂંચી ઉપર નજર પડી, કેમ મોકલી તેનો વિચાર થતાં કંઇ કંઇ તર્ક ઉત્તરરૂપે ઊઠ્યા, અંતે ગુણસુંદરીની પેટી ઉઘાડી, તો ઉપલા ખાનામાં જ પોતાને લખેલો એક પત્ર ! તે ઝડપથી લીધો અને વાંચ્યો.

“મારા ચતુર વ્હાલા, આજ હું રસોઇ કરવા નાહું છું પણ મારું શરીર કહ્યું નથી કરતું. મને લાગે છે કે આજ સાંજ સુધીમાં હું હતી ન થઇશ. ઘરકામને લીધે બે માસ થયા દિવસે તમારી સાથે વાત કરવાને પા કલાક સરખો મળ્યો નથી અને રાત્રિએ તમે થાક્યાપાક્યા નિદ્રા શોધતા હો તે પ્રસંગે તમને મારાં ટાયલાં સંભળાવતાં મને કંપારી છૂટતી હતી એટલે હું તમને સૂવા જ દેતી. આથી ઘણી ઘણી વાતો તમને કહેવાની હતી તે મનમાંની મનમાં જ રહી ગઇ છે ને કાગળમાં તે શું લખું ? લખવાની યે મારામાં આજ સત્તા નથી. ટૂંકામાં બે બોલ કહીશ.

“ઓ મારા વ્હાલા ! મારી પાછળ તમારી શી વલે થશે ? તમે મારા ઉપર આટલું વ્હાલ શું કરવા રાખ્યું કે તમને આટલું દુઃખ થવા વારો આવ્યો ? અરેરે ! હું અભાગણી મરતી મરતી યે તમને દુઃખ દેવા સરજેલી છું. હું ધારું છું કે હું ગર્ભસુધ્ધાં પાર પડીશ. પણ જોછૂટાછેડા થાય તોતે બાળકની હું ચિન્તા નથી રાખતી. તમારા વ્હાલનો મને પૂરો વિશ્વાસ છે અને હું ગઇ એટલે મારી નામનિશાનીમાં તો એટલું એસ્તો ! તેની સંભાળ તમે રાખ્યા વિના કેમ રહેશો ? તમારું વ્હાલ બીજે ઠેકાણે ઢોળાશે તોપણ, ઓ મારા વ્હાલા, તમે ડાહ્યા છો, ગંભીર છો, નિષ્પક્ષપાતી છો, જોઇવિચારીને સૌ કરો એવા છો-તમમારા વ્હાલને બાદ કરું તોપણ ઓ ઘણાક ગુણના મારા ભંડાર ! તમારા ગુણ ઇશ્વર અમર રાખો અને તમારા બાળકની સંભાળ રાખશો એવી પૂરી ખાતરી રાખી હું નિશ્ચિંતપણેથી જમની જાળમાં લપટાઉ છું. મને એક બિચારી સુંદરની ચિંતા છે-એ બિચારીનું પલ્લું પણ એનો ભાઇ ખાઇ ગયો છે તોપણ એની સંભાળ રાખજો-કારણ એનું કોઇ નથી. મારું ઘરેણું એને આપી દેજો એટલે મારો જીવ ગતે જશે. ને મારી નામનિશાની-જો બાળક જીવે તો-સુંદરને જ ઉછેરવા સોંપજો-વ્હાલા ! એટલું મારું કહ્યું કરજો.

“ઓ મારા વ્હાલા ! તમારી શી વલે થશે ? તમે મારા પર આટલું વ્હાલ શું કરવા રાખ્યું કે તમને આટલું દુઃખ થવા વારો આવ્યો ? શું કરીએ કે એ દુઃખ તમને ન થાય ? મારું એક કહ્યું નહીં કરો ? મેં મારી યશોદાને કહી મૂક્યું છે ને એની કન્યા દસ વર્ષની છે-મારા કરતાં સારી નીવડશેએનો સ્વીકાર મારા પછી નહીં કરો ? એ મને તમારા મનમાંથી ખસેડશે ને સૌની સંભાળ રાખશે. ઓ મારા વ્હાલા ! મને તમારી બહુ ચિંતા રહે છે - તમે એટલું કરજો. જન્મથી કુંવારાહોય તેની ચિંતા નહીં, પણ સ્નેહમાં રહેલું માછલું બીજે ઠેકાણે ન જીવે !-ને વ્હાલા, મને ભૂલી જ્જો ! આપણે જે જે આનંદ ભોગવ્યા છે તે સૌ અત્યારે મારી આંખ આગળ તારી આવે છે-તમને પરણી મારો જન્મારો સફળ થયો-ઓ ઇશ્વર, આવતે અવતારે પણ મને પાછા મારા વ્હાલા ચતુર જ આપજે-પણ ઓ વ્હાલા ! તમને એ સૌ ભૂલી જ્જો !-જાણે કાંઇ થયું જ નથી એમ ! હોં !-અરેરે ! પણ વ્હાલા ! શું આપણે છૂટાં પાડીશું ? જેમ ઇશ્વરની ઇચ્છા.

મારા વ્હાલા ! વ્હાલ વીસરજો રે ! દુઃખ સૌ ડુબવજો !

માયાની ભુલામણી રે એમાં ભમ્યું ભુલવજો !

લિ. તમારી ગુણહીન ગુણિયલ.”

કપાળે હાથ ફેરવી વિદ્યાચતુરે ઊંચે જોયું. મરણ પાસે જોનારી પ્રિય સ્ત્રીની પત્રથી તેના હ્ય્દય પર બહુ અસર થઇ અને પશુપાત પણ થઇ જાય. પરંતુ પત્રમાં લખેલી વિગત ઉપરથી અને તેમાં સ્ફુરી આવતી નિર્બળતા ઉપરથી ભૂત, વર્તમાન અને ભવિષ્યના વિચારમાં મન પડી ગયું અને હ્ય્દયે ધૈર્ય ધર્યું.

“મારા જેવો કઠણ પુરુષ નહીં હોય, બબ્બે માસ થયાં ઘરમાં ને ઘરમાં છતાં એની સાથે મને બોલવા વારો આવ્યો નથી એ એને લાગે ખરું. હું આ મારી જંજાળમાં લપટાયો અને એ એની જંજાળમાં લપટાઇ. મને પણ અવકાશ નહીં અને એને પણ અવકાશ નહીં. એને કામમાં ને ચિંતામાં પલોટવી એ હેતુથી આ સૌ થવા દીધું-પણ હું જરાક હદ કરતાં વધારે ગયો ખરો. છેક આટલે સુધી આવવા દેવું જોઇતું ન હતું. કેવી બહાદુર સ્ત્રી ! હજી તો ઊગતી અવસ્થા છે એટલામાં મને ઘરની બાબત નિશ્ચિંત કરી દીધો. પણ એના મનમાં નિર્બળતા આવી ગઇ છે-ના, ના, એ ધારે છે એવી કાંઇ બીક નથી. જો એ ગઇ તો મારું કર્મ ફૂટશે-જો એ મારો ભાઇ હોય તો કારભાર કરે એવી સ્ત્રી છે. હું એનાથી ભાગ્યશાળી છું-ઇશ્વર ! તું જે સારું હશે તે જ કરીશ. હ્ય્દય બળવાન કેમ રાખવું તેની આજ મારી પણ કસોટી છે. શું એનું હ્ય્દય ! મારા ઘરની-મારી એ કેવી ચિંતા રાખે છે ! ગુણિયલ ! મારી ગુણિયલ ! હું તારે સારું શું કરું ? - તું મારે સારુ કરે છે એમાંનું તારે સારુ મારાથી કાંઇ બનતું નથી. હું કૃતઘ્ની છું. હે હરી !”

દાક્તર અશરણશરણબાબુની ગાડીનો ઘોષ સંભળાયો.

“ગુણિયલ ! રે ગુણિયલ !

ઓ રે મારી ગુણિયલ ! રે ગુણિયલ !”

એવું વિચાર ને શોકમાં લીન થઇ ગાતાં ગાતાં ગાડીના ઘોષથી જાગી વિદ્યાચતુર ઊઠ્યો ને ઊઠતો છાતી ઢોકી બોલ્યો : “બસ, આ પહેલું તો એ કરીશ કે લોકલજ્જા છોડી દાક્તરની સાથે જઇ મારી ગુણિયલની પાસે જઇ ઉભો રહીશ ને દાક્તરને મદદ આપીશ. લાજ મૂકવી એ અત્યારે કર્તવ્ય છે તે કરીશ ને મારી ગુણિયલ કરતાં લાજને વધારે વ્હાલી નહીં કરું.”

દાક્તર ઉપર આવતો હતો તેને લઇ સ્ત્રીમંડળ વચ્ચોવચ થઇ ચાલ્યો અને સ્ત્રીઓ જોતીને જોતી રહી અને એ ગજાર આગળ આવી દાક્તર સાથે ઊભો અને લાજ છોડી બોલ્યો : “કેમ સુંદરભાભી ! શી ખબર છે તે જરા દાક્તર સાહેબને કહો.” કમાતું માણસ તેને કોણ ઠપકો કે “અહીં સ્ત્રીઓનું જ કામ ને આમ લાજ ન મુકાય ?” ગાનચતુરે આ કામ કર્યું હોત તો એના પર વાદળ તૂટી પડત. સૌ વિદ્યાચતુરને અનુકૂળ થઇ ગયાં. ગુણસુંદરી પર દયા બતાવવા મંડી ગયાં, અને સુંદરગૌરી એનું માથું ખોળામાં રાખી નીચું જોઇ હકીકત કહેવા માંડે છે એટલામાં તો ગુણસુંદરી બેભાન અવસ્થામાં બેઠી થઇ અને ઘેનવાળી દેખાતી અર્ધી નીંચેલી આંખે પણ જાણે ભાન હોય અને જીવ કાંઇ ઊંડાણમાં પડ્યો હોય ને ત્યાંથી બોલતી હોય તેમ ધીમે અને તણાને સ્વરે ગાવા લાગી અને છાતી પર હાથ નાખી ડોક અર્ધી નાંખી દઇ દયામણે મોંએ ગાતાં ગાતાં શોકરસની સીમા ઉત્પન્ન કરવા લાગી :

“દયા ના દીસે રજ પણ, જમ, તુજ આંખમાં રે;

બિહામણું ઝાંખ મા રે ! (ધ્રુવ.)

ઊભો રહે પળવાર તું આજે ! જોઇ લેવા દે પ્રિયને નિરાંતે !

મરણ પ્રસંગે પણ ના ખસતો, કનકરેખ એ તો છે જડી જ્યમ

દાંતમાં રે.-દયા ના૦ ૧

જરી હજી જોવા દે વ્હાલાને, જોયો છે પમ મન ના ભરાયે,

મીંચાતી મારી આંખ મરણથી તો ય રહે એ કીકી જ્યમ મીંચી

આંખમાં રે.-દયા ના૦ ૨

ઊબો રહે, ઊભો રહે, જમ, તું ! નથી આવવું મુજને ગમતું,

વ્હાલ મૂકી વ્હાલાનું આવું શી રીતે તું રાક્ષસ કેરી સાથમાં રે ?

-દયા ના૦ ૩

હાર મુજ હૈયાનો એ તો, નથી એ તારી પેઠે નમેરો;

રોવા દે, રોવા દે મુને, રોઇ લેવા દે જઇને એની બાથમાં રે !

-દયા ના૦ ૪

વ્હાલા ! વ્હાલ વિસારો તમારું, જમ આ કહ્યું ન મારે મારું,

તમને જપતી મરતી મરતી રોતી રોતી પણ હસતી હું આ આશમાં ક

પામીશ મારો ચતુર અવર અવતારમાં છે !

દયા હરિ આંખમાં રે !-દયા ના૦ ૫

ધીમી પડતી પડતી ગુણસુંદરીએ ગાઇ રહેતાં રહેતાં આંખ ઉઘાડી અને ભાન આવ્યું હોય તેમ વિદ્યાચતુર સામું તાકી જોઇ રહી અને હાથ પાછળ કરી બોલી : “સુંદરભાભી ! મને બેશરમ ન કહેશો હોં ! મરવા સૂતું તેને વ્હાલામાં વ્હાલાને બે બોલ કહેવા જેટલી શરમ મૂકવાનો યે છેલવહેલો અધિકાર નહીં ?” એમ કહી તે પાછી પથારીમાં પડી ગઇ અને સુંદર વધારે હકીકત કહેવા લાગે છે એટલામાં હ્ય્દયમાં કાંઇક આવેશ થઇ આવ્યો તે દાબ્યો ન રહેવાથી, “આવું છું” એટલે દાક્તરને કહી, વિદ્યાચતુર ઉતાવળથી દોડવા જેવું કરી પોતાની મેડી પર ચડ્યો, પલંગમાં માથું મૂકી અશ્રુપાત કરી, મોં ધોતાં ધોતાં ફરી ફરી અશ્રુપાત થતાં ફરીફરી ધોઇ ધોઇ, નીચે જવાનું યોગ્ય ન ધારી, નિઃશ્વાસ મૂકી બેઠો, પોતાના ધૈર્યનું અભિમાન ઊતરી ગયું, અને અંતે બારીમાંથી ડોકું કાઢી નીચે કુમારી ફરતી હતી તેને કહ્યું કે “દાક્તર સાહેબને કહે કે પરવારો ત્યારે ઉપર આવજો, હું બેઠો છું.” દાક્તરને આવતાં વાર થઇ તેટલો વખત વિચિત્ર વિચારોમાં ગાળ્યો. “મલ્લરાજના પ્રિયતમ મિત્ર યુદ્ધમાં મરી ગયા ત્યારે શત્રુ પર ધસવાની જરૂર હોવાથી મિત્રના શબ ઉપર પગ મૂકી એમને દોડવું પડ્યું : એ તે ધૈર્ય - ક્યાં આ મારી વિકલતા અને ક્યાં એ ધૈર્ય ? ક્ષત્રિય તે ક્ષત્રિય અને બ્રાહ્મણ તે બ્રાહ્મણ ! પણ વ્યવહારનો કાર્યભાર અને સ્નેહની દીનતા એકઠાં શોભતાં નથી એવું જરાશંકરમામા પણ કહે છે તે પુરુષાર્થનું કાર્યગ્રાહી વચન છે. કર્તવ્યકર્મમાં ધપવા શોક ત્યજવો એ એક પુરુષાર્થનો ધર્મ. ગુણિયલ ! એમાં પણ તું મારાથી ચડી ! અરેરે, તેં પણ એક કષ્ટતપ જ તપ્યું. કેવું એનું કર્તવ્યભાન૧ આટલું આટલું કામ કરવા છેલ્લા કાળ સુધી દ્દઢ વ્યવસાય, મને શોક ન થવા દેવા તે સૌ મારાથી છાનું રાખવું, આટલો ઉદ્યોગ અને આટલો સ્નેહ ! કઠણ થવું અને વ્યવહારને મોટો ગણી આ સમયે ખિન્ન ન થવું - એ શું આટલા સ્નેહનો યોગ્ય બદલો ગણાય ? ક્ષત્રિયો ગમે તે કરે, પુરુષાર્થ ગમે તે હો, ધર્મ ગમે તે કહો-પણ, ઓ મારી ગુણિયલ ! તારે સારુ ઘડીવાર હું બાયલો બની અશ્રુપાત કરીશ-મરતાંમરતાં પણ તારે તારે ચતુર !- “પામીશ મમારો ચતુર અવર અવતારમાં રે !” - “દયા હરિઆંખમાં રે !” હરિની આંખમાં દયા છે જ. ગુણિયલ ! તું જીવવાની છે. હરિ તારા ઉપર ને તારા ચતુર ઉપર-બે ઉપર દયાળુ છે.” જે ધૈર્ય પુરુસાર્થના વિચારથી ન આવ્યું તે ‘હરિ દયાળુ’ના વિચારથી આવ્યું. તે ઊઠ્યો. આશા અને ઉત્સાહથી તેની આંખો ચળકવા લાગી. “પુરુષ થઇને રોવું શું ?” એ બુદ્ધિ સતેજ થઇ તેના હ્ય્દયમાં ઉત્કટ બળ મૂકવા લાગી. અંતે એ હસ્યો અને દાદર ઉપર ઊતરતાં ઊતરતાં આનંદ ગર્વથી મનમાં બોલ્યો : “મારી ગુણિયલ ! હરિની દયાનું મને ભાન કરાવનારી પણ તું જ ! તારી પ્રીતિને કોરે મૂકીએ તોપણ તારા ગુણકર્મની મનમાં આવૃત્તિ કરવાથી જ આમ આ અને આવતા સંસારને તરાવે-કારભાર કરતાં શીખવે અને અને ઇશ્વરનો માર્ગ બતાવે એવી તું છે. મલ્લરાજે મંગળાચરણનો ઉપદેશ એ કર્યો કે કારભાર કરવો હોય તેનામાં સ્ત્રીના પણ ગુણ હોવા જોઇએ. જો એ મર્મવચન ખરુંહોય તો મારે નક્કી કારભારે ચડવું જોઇએ-ગુણિયલ !” પક્ષપાત વિના પ્રીતિ નથી. ગાઢ પ્રીતિનો પ્રેર્યો ધૈર્યવાન પતિ પત્નીના ગુણ જપતો જપતો નીચે આવ્યો તો દાક્તર ખડકીમાં બેઠેલા.

કેટલાક લોક વૈદ્યહકીમનો આદર કરી દાક્તરનો તિરસ્કાર કરે છે અને કેટલાક એથી ઊલટું કરે છે અને દાક્તરનો જ આદર કરે છે. જરાશંકર ને મલ્લરાજ સરખી વયના હતા અને રાજા પાસે નર્મવચન બોલવાનો અધિકાર ધરાવનાર જરાશંકર રોજ ટૉળ કરતો કે “આમ લોકો કરે તેમાં તેમનો દોષ નથી, કારણ દાક્તરો અને વૈદ્યો એકબીજાનો તિરસ્કાર કરે એટલે લોક પણ તેમ કરવું શીખે. વૈદ્યો લડે ત્યારે રોગીને થોડા પૈસામાં કામ કરનાર મળે-લોકોનો તો એ લડવાડ વધારવામાં જ સ્વાર્થ !” મલ્લરાજને મન બે સરખા હતા અને દરદ મટાડે તે ખરો એ બુદ્ધિ હતી. અકબર બાદશાહ ઘણા ધર્મવાળાને એકઠા કરતો એ દાખલો આપી અલ્લરાજ દાક્તર, વૈદ્ય, હકીમ અને હજામ સૌને એકઠા કરતો, સૌને ઉત્તેજન આપતો, અને એમ કહેતો કે એમની ચડસાચડસીમાં લોકોને સુખ થશે અને એમની સૌની હોશિયારી વધશે. પણ બે-ત્રણ રાજસ્થાનમાં એવા દાખલ બન્યા હતા કે પોતાની અંગ્રેજી વિદ્યાનો લાભ લઇ એજન્સીમાં સત્તા મેળવી દાક્તરોએ કારભારમાં માથું ઘાલ્યું હતું અને તે જોઇ મલ્લરાજ મિજાજ જતાં બોલતો કે “એ દાક્તર અંગ્રેજી ભણ્યો માટે કારભાર કરશે ત્યારે તો તેમનું જોઇ કાલ સવારે હજામ અંગ્રેજી ભણશે તો તેનો યે કેમ કારભારનો વારો નહીં આવે ?-એવો દાક્તરો ને હજામો ન જોઇએ-ને આ દક્ષણી દાક્તરો તો એવા જ-ને દક્ષણી વગર કોઇ દાક્તર નહીં ! આપણે દાક્તર વગર ચલવીશું.‘ વિદ્યાચતુરને સ્વાભાવિક રીતે અંગ્રેજી વૈદ્યો ઉપર પક્ષપાત હતો અને મલ્લરાજને વાંધો ન પડે તે માર્ગ શોધી કાઢી બંગાળી બાબુ દાક્તરને જગા આપવામાં સાધનભૂત વિદ્યાચતુર જ હતો. બાબુ દાક્તરને બોલાવવાનો વિચાર એને સૂઝયો તે મલ્લરાજને ઘણાં કારણથી ગમી ગયું. બાબુ વિદ્ધાન અને પ્રવીણ હતો, પ્રમાણમાં થોડા પગારમાં આવ્યો હતો, દૂર છેટેથી સગાંવહાલા ઘણુંખરું આવે નહીં એટલે એના પોતાના જ પેટનો રાજ્યમાં સ્વાર્થ, મુંબઇ સરકારમાં માથું ઘાલવાનો એને લાગ નહીં, બોલવે વાઘ પણ અંદરથી ગાય, ઇત્યાદિ અનેક કારણોને લીધે બાબુને મલ્લરાજે પસંગ કર્યો અને બાબુ આણવાના વિચાર શોધનારને જશ આવ્યો. વિદ્યાચતુર પોતાને નોકરી અપાવનાર હતો તે જાણી તેમ જ એને કેળવાયેલો સમજી બાબુ એની સાથે મિત્રતા રાખતો. વિદ્યાચતુર ગજાર આગળથી ગયો તેનું કારણ તે સમજી ગયો હતો પણ ગુણસુંદરી વાસ્તે પોતાને નીચે રહેવા વધારે જરૂર વધારે જરૂર હતી તથા વિદ્યાચતુર એકલો પડવાથી ઊભરા કાઢી શાંત પડી પાછો આવશે જાણી બાબુ નીચે જ ખડકીમાં બેઠો.

સૌ બેઠાં છે એટલામાં દુઃખમાં ધીમે ધીમે આવી અને ગુણસુંદરીને પુત્રીનો પ્રસવ થયાના સમાચાર કહ્યા. બહુ વધામણીની વાત ન ગણાઇ તે છતાં આર્યલોકોનો સ્વાભાવિક સંતોષ સૌમાં જણાયો. “ચાલો, લક્ષ્મી પધાર્યા” કહી સૌએ સંતોષ વાળ્યો અને પૃથ્વી પર નવા આવેલા બાળકને સત્કાર આપ્યો. માનચતુરે બાળકની માના સમાચાર પૂછ્યા અને તેનું આરોગ્ય જાણી સર્વ આનંદ પામ્યા. દાક્તર કેટલીક સૂચના આપી ઘેર ગયો અને તે બારણા બહાર નીકળતાં સુધી વિદ્યાચતુર તેની સાથે સંતોષભર છાનોમાનો વાતો કરતો કરતો ગયો, અને દાક્તરને વિદાય કરી પાછો પોતાની મેડી પર ગયો.

ગુણસુંદરી સુવાવડમાં સ્વાભાવિક રીતે ખાટલાવશ રહી. સૌએ પોતપોતાનું કામ તે વખતમાં ઉપાડી લીધું અને બેચાર દિવસ તો કામ સારી રીતે ચાલ્યું પણ ધીમે ધીમે ગૃહયંત્રના સર્વ ચક્ર શિથિલ પડ્યાં અને એ યંત્રની સંભાળ રાખનારની ખોટ અન કિંમત જણાવા લાગી. પ્રથમ તો ઘરનાં સર્વ માણસને પોતપોતાાની બાબતમાં જરીજરી અગવડ લાગવા માંડી. માનચતુરની સરભરા ઓછી થઇ, કારણ સરભરા કરનારને બીજાં કામમાં ગૂંથાવું પડ્યું; એટલું જ નહિ પમ એ સરભરા પર દેખરેખ રાખનારી સુવાવડમાં પડી અને તેની ચતુરાઇ, ધીરજ, મોંની મીઠાશ અને અંતરનું વ્હાલ વગેરે દેખાડનાર કોઇ રહ્યું નહીં અને ડોસો અકળાવા લાગ્યો. ઘરનાં કામમાં વાદ થવા લાગ્યો અને સુવાવડીની પણ સંભાળ એવી જ રહેતી. ધર્મલક્ષ્મીથી હેરાફેરો થતો નહીં અને જરીજરી હેરોફરો ગુણસુંદરી સારુ કરતી, પરંતુ પોતાની દેવસેવામાં હરકત પડવાથી એ હેરોફેરો કોઇ વખત થતો નહીં; અને સૌનું કામ તે કોઇનું નહીં એમ થતાં સુવાવડીનું ખાવાપીવાનું પણ સંભાળ લેવાતી નહીં. એક પ્રસંગ એવો બન્યો કે માનચતુરનુ ઔષધ બપોર થતાં સુધી કોઇએ તૈયાર કર્યું નહીં. જમવાની વખત તો થાય શાની, અને ડોસો આકળો થઇને લાકડી લઇ છાનોમાનો ઘરમાં સર્વ શું કરે છે તે જોવા ફરવા લાગ્યો. પ્રથમ તો વિદ્યાચતુરની મેડીએ ચડ્યો. વિદ્યાચતુર પોતે બહારથી આવેલો પણ ભૂખ લાગવાથી પલંગમાં સુઇ રહ્યો હતો અને ઊંઘી ગયો હતો. તેના પલંગ પર માકણની હાર હતી ચાદર મેલી થઇ ગઇ હતી, અને મેડીમાં વાસીદાનો કચરો એકઠો થયેલો. સૌને ગાળો દેતો દેતો ડોસો નીચે ઊતર્યો અને રસોડે ગયો તો દુઃખબા રસોઇ કરવા નાહી હતી અને સૌ તૈયાર જેવું હતું પણ શાક શમાર્યા વિના પડી રહેલું અને સામું જોઇ દુઃખબા પણ બેસી રહેલી. ડોસો વધારે ક્રોધમાં આવી ત્યાંથી ચાલ્યો અને પરસાળ ભણી ગયો તો ત્યાંની મેડીમાંથી ગાનચતુરનું ગાયન સંભળાયું અને નીચે ચંડિકા હીંચકા પર સૂતી હતી તેની સાથે હાથમાં સાવરણી લઇ ચંચળ વાતો કરતી હતી તે બેમાંથી કોઇએ વાતના રસમાં ડોસાને દીઠો નહીં. ગજાર ભણી જાય છે તો સુંદર બિચારી એકલી ઘડીમાં સુવાવડીનું ઔષધ તૈયાર કરે અને ઘડીકમાં ઘોડિયામાંના બાળકની સંભાળ રાખે, અને ગુણસુંદરી ખાટલામાં સૂતીસૂતી ભૂખે પેટ દાબતી સુંદરને સૂચના આપે. ક્રોધ હતો તેમાં દયા ઉમેરી ડોસો પરસાળ બહાર નીકળ્યો તો અગાશીમાં છોકરાં ધક્કામુક્કી કરે, ઘરનું બારણું ઉઘાડું તેમાં આવી શેરીનું કૂતરું જીભ કાડી હાંફતુંહાંફતું ઊભેલું, અને બારણે સામે કૂવો હતો ત્યાં પાણી ભરવા ગયેલો ચાકર કોઇની સાથે ગપાટા મારે. ડોસો કૂતરાને હાંકી બારણું વાસી ધર્મલક્ષ્મીની ઓરડી ભણી ગયો. ડોશી દેવસેવામાં હતાં. દહાડો ઘમો ચડ્યો હતો તેથી દેવના દીવામાં ઘી અને વાટ બે થઇ રહ્યાં હતાં, દીવો ઘેર ગયો હતો, અને દેરાસર પરના પાટિયા પર ડોસી રૂ, ઘી અને દીવાસળી શોધતાં હતાં અને ડોસો બારણામાં ઊભો હતો તેના ભણી એની પૂંઠ હતી. સૌની રીસ ડોસાએ ડોસી ઉપર કાઢી. બોલ્યાચાલ્યા વિના નગર ન્હાયેલા ડોસાએ દેરાસરના પાલખાને અડકી બધા દેવ ઉપાડી લીધા અને પોતાનો ઘસારો માલૂમ ન પડે એ રીતે નીકળી જઇ ઘરના ટાંકા આગળ જઇ તેમાં દેવને પધરાવવા વિચાર કર્યો. પણ કંઇક વધારે શાંત વિચાર થવાથી તેમાં ન નાખતાં પાણી પીવાની ગોળીમાં બધા દેવને નાખી દઇ છાનોમાનો પોતાને ઠેકાણે જઇ સૂઇ ગયો અને સું તાલ થાય છે તે જોવા લાગ્યો.

ડોસાડોશીના સ્વભાવમાં ઘણીક જાતનો ફેર હતો. છતાં તેમનો સંસાર નિર્માલ્ય ન હતો. ડોસો નાનપણમાંથી બુદ્ધિવાળો હતો; અને કાંઇ પણ કામમાં પડે તે તેને આવડી જતું એટલું જ નહીં પણ તેની સાથે જે કામ હાથમાં લે તે ત્વરાથી આટોપવા પર તેની દ્દૃષ્ટિ રહેતી અને તે કરી દે તે સિવાય તેને જંપ વળે નહીં. કામ કરવા બેસે તે પ્રસંગે ગમે તે હરકત આવે તેને દૂર કરતાં કદી આંચકો ખાતો નહીં; પછી તે હરકત કોઇના સ્વભાવની હો કે પોતાના સ્વભાવની હો, દૈવી હો કે માણસની હો, ધર્મની હો કે નીતિની હો, સ્વાર્થની હો કે પરમાર્થની હો. ડોસાને મન તો એટલી જ વાત કે તે હરકત દૂર કરી ધારેલો અર્થ સિદ્ધ કરવો. માણસના સ્વભાવની હરકત આવે અને તે માણસ પારકું હોય તો તેને સમજાવી, ફોસલાવી, ઊંધુંચત્તું સમજાવી, ને જરૂર પડે તો આશ ને ફાવે તો ત્રાસ આપી, તેના સ્વભાવને પોતાને વશ કેમ કરી દેવો તેનો અભ્યાસ માનચતુરે નાનપણમાંથી કર્યો હતો. તે માણસ પોતાનું હોય તો સિરજોરીથી કામ કરાવતો. પોતાના સ્વભાવની હરકત દૂર કરવાની હોય તો, અને ધારેલું કામ કરવા જતાં ખરેખરી ન જ ગમે એવી વસ્તુ કરવી પડે તો, તેમ કરતાં જરી પણ અચકાતો નહીં, ને મહાવત હાથીના કુંભસ્થળ પર અંકુશ વાપરે તેમ પોતાના મર્મસ્થળમાં પેસી તેને પ્રસંગવશ કરી નાંખે એવી અર્થાનુસારી બુદ્ધિ રચી દેતો અને અણગમતી વાત કરવી પડે તે અણગમાના બદલામાં ધારેલો અર્થ ઝટ પાર પાડવામાં પુરુષાર્થ અને યશ માનતો. એ કાંઇ જાતે નાસ્તિક અથવા અનીતિને રસ્તે ચડેલો ન હતો અને કામમાં હરકત ન થાય ત્યાં સુધી ધર્મ અને નીતિ ઉભય સાચવતો, પણ પોતે આવો દ્દઢ અને બળવાન સ્વભાવનો માણસ હોવાથી પ્રસંગ પડ્યે એ કશાને ગાંઠતો નહીં એમાાં કાંઇ નવાઇ ન હતી. ધર્મ ઉપર અત્યંત આસ્થાવાળી અને વૃદ્ધાચાર તથા લોકાચારના હવાપાણીમાં જન્મથી વસવા પામેલી ધર્મલક્ષ્મી ઊઠે ત્યાંથી સૂતાં સુધી ડગલે ડગલે ધર્મના નિયમ જાળવતી અને ધર્માચારના પ્રશ્નોનું નિરાકરણ કરતાં શાસ્ત્રીઓને પ્રવીણતા વાપરવી પડે તેટલી જ પ્રવીણતા અને શ્રમ લોકાચારનો નિર્ણય કરવામાં વાપરતી. ગામની અને જ્ઞાતિની સ્ત્રીઓ લોકાચારના પ્રશ્ન લઇ ધર્મલક્ષ્મી પાસે આવતી; તેમને ઉત્તર દેતી વખત ડોશી જૂના કાળનાં કંઇ કંઇ દ્દૃષ્ટાંત કાઢતી, કંઇ કંઇ પાનાં જીભ ઉપર ઉથલાવતી, કંઇ કંઇ નિયમ શોધી કાઢતી, અને સામાના મનમાં બેસી જાય એવા કંઇ કંઇ માર્ગ દેખાડી આપતી હતી. માનચતુર આ સૌ જોઇ ખુશી થતો, નવા નવા પ્રશ્ન ઉઠાવવામાં અને ડોશીની ચતુરાઇ કસી જોવામાં ગમ્મત માનતો, અને ‘બૈરક શાસ્ત્ર’ની શાસ્ત્રિણીની નાતમાં પ્રતિષ્ઠા જોઇ જરીક ગર્વ પામતો. નાતમાં પ્રશ્ન ઊઠે એટલે સૌ કોઇ એમ કહેતું કે ‘જાઓ, ધર્મલક્ષ્મી એનો માર્ગ બતાવશે.’ આવી સ્ત્રીના વહેમ હદ કરતાં વધારે થાય, નાનીનાની બાબતોમાં અંટેવાળે આવે, અને મોટી બાબતોમાં પણ પ્રસંગે પથ્થરની ભીંતરસ્તા વચ્ચે ચણી લીધી હોય તેમ આડે આવીને ઊભા રહે એ સ્વાભાવિક હતું. આ સ્વભાવથી હરકત ન થાય ત્યાંસુધી તો માનચતુરને ગમતું, પણ હરકત થાય ત્યોર એ હરકત દૂર કરવા તત્પર થતો, ઘણુંખરું મશ્કરીઓ કરી, કેટલીક વખત આજ્ઞા કરી, કેટલીક વખત સમજાવી, કેટલીક વખત સ્વામી નાખુશ થશે એમ જાતે જ સમજીને સ્ત્રી ચાલે એવી વગરબોલ્યે યુક્તિઓ કરી, કોઇ વખત તો મિજાજ ખોઇ વિવાહનું વરશી કરી મુકી, અને એવી અનેક પણ ગમે તે રીતથી માનચતુર ધર્મલક્ષ્મી ભણીની સર્વ હરકતો ખંખેરી નાખતો. ગુણસુંદરીની સુવાવડમાં પોતાના ઘરમાં જે જ્યાં ને ત્યાં થયું જોયું. ધર્મલક્ષ્મી વગર રથનું ચક્ર હવે ચાલે એમ નથી અને એ તો પોતાના જ ખટકર્મમાં પડેલી તેથી કાંઇ જલક ઉપાય વગર એને ભાન નહીં આવે એવું ધારી ડોશીના દેવને ગોળીા પાણીમાં ઝબકોળી પોતાના ઓરડીમાં સૂતેલો ડોસો, જામગરી સળગાવી બંદૂકનું નિશાન બરોબર વાગે છે કે નહીં તે જોતો હોય તેમ, નિરાંતે પડેલો દેખાતો છતાં અત્યંત આતુરતાથી શું થાય છે તેની વાટ જોવા લાગ્યો, જોતો જોતો નીચલો ઓઠ દાંત તળે ચૂસવા લાગ્યો અને આંખો ચગાવી મૂછે તાલ દેવા લાગ્યો.

ડોશીને દીવાસળી જડી અને તેણે દીવો પ્રગટાવ્યો અને પાલખા પાસે દીવો મૂકે છે તો દેવ ન મળે. ડોશીના દિલમાં ત્રાસ પડ્યો અને ચમકી પાલખાની તળે તથા ચારેપાસ શોધવા લાગ્યાં. ભક્તિવાળી ડોશીને સમજણ ન પડી કે આ શો ચમત્કાર થયો. ડોશી દેવસેવાની ઓરડી બહાર આવ્યાં પણ ત્યાં કોઇ હતું નહીં. “બારણું ઉઘાડી અંદર આવી દેવને કોઇ છાનુંમાનું ચોરી તો નહીં ગયું હોય ? મારું ધ્યાન બીજી પાસ હતું”-આ વિચાર થતાંવધારે ફાળ પડી અને બારણું ઉઘાડે તો ડોસાએ કાઢી મૂકેલો કૂતરો ઊભેલો અને કૂવે ચાકર ગપાટા મારે. “કોઇ ઘરભણી આવ્યું હતું ?” એમ ચાકરને પૂછ્યું અને ધમકાવી તેને ઘરમાં બોલાવ્યો. ઘરમાં પાછાં ફરી અકળાઇને બૂમ પાડી : “ચંચળ ! ચંચળ ! આ જોને મારા દેવ ક્યાં ગયા ?” બૂમ સાંભળી હાથમાં સાવરણી ઝાલી ચંચળ આવી, તેની પાછળ ચંડિકા, તેની પાછળ સુંદર, બીજી પાસથી દુઃખબા અને ઘરમાં છોકરાં સૌ આવી ચૉકમાં ભરાઇ ગયાં. પૂછાપૂછ અને શોરબકોર થઇ રહ્યો. એક પાસથી ગાવાનું બંધ કરી ગાનચતુર આવ્યો અને બીજી પાસથી વિદ્યાચતુર સફાળો જાગી દાદર પરથી ઊતર્યો. દેવ ક્યાં ગયા તે વિષે ઉપરઉપરી પ્રશ્નો અને ઉત્તર થવા લાગ્યા અને સૂચનાઓ તથા શોધાશોધ થઇ રહી. દુઃખબા કહે : “કોઇ છોકરાં દેવને રમવા લઇ ગયાં હશે. ચંચળ અને ગાનચતુરને એમ વિચાર થયો કે ઉદર તાણી ગયા હશે. વિદ્યાચતુર કહે : “પાલખામાંથી ગબડી ગયા હશે-આસપાસ ફરી શોધો.” છેવટે ડોસો આંખો ચોળતો ચોળતો લાકડી પર ટેકી બહાર આવ્યો અને ગુસ્સે થઇ બોલ્યો : “આ શું તોફાન માંડ્યું છે ? ઘરમાં ન કોઇને ખાવાની ચિન્તા ને ન કોઇને ખવરાવવાની ચિન્તા. એક વાગી ગયો ત્યાંસુધી જાણે ઘરમાં બૈરું જ ન હોય તેમ નથી કોઇ પૂછતું કે ખાવાને કેટલી વાર છે અને નથી કોઇ કહેતું કે જમવા ઊઠો !” વિદ્યાચતુર કહે : “પિતાજી ! માતુશ્રીને દેવ નથી જડતા તેની આ ભાંજગડ છે. અચિંત્યા પાલખામાંથી ક્યાં ગયા તે જણાતું નથી.”

માનચતુર- ‘દેવ એના જડવાનો હશે તો જડશે ને નહીં જડવાના હોય તો નહીં જડે. પણ આ બધા જીવતા પરમાત્માના પેટની ચિન્તાફિકર હોય કે ન હોય ? એની ચિન્તા ન રાખે તેના પર તો દેવ ન કોપતા હોય તો કોંપે અને દેરાસર વાસેલું હોય તેમાંથી અદ્દૃશ્ય થાય તો ઉઘાડા પાલખાનું શું પૂછવું ? ચાલ, દુઃખબા, અમને જમાડ તરત. એને તો દેવ જડશે ત્યાંસુધી લાંઘણો કરવી પડશે.”

ડોશીને એક દુઃખમાં બીજું દુઃખ આ વચન સાંભળવાનું આવ્યું. કઠોર તીક્ષ્ણ વચન અને તેમાં પણ ઇષ્ટદેવનો તિરસ્કાર : આ સાંભળી ચારપાસ અને પોપચે કરચલીઓવાળી આંખોમાં ધર્મલક્ષ્મીને આંસુ ભરાયાં, અને કાન ઉપર હાથ દેતી દેતી બોલી : “અરેરે ! આવાં નાસ્તિક વચન ન બોલતા હો તો શું થાય ? સતજુગમાં દેવની સેવા કર્યાનું ફળ છે તેથી વધારે ફળ કળજુગમાં દેવસેવા કરાવ્યાનું છે. આ અવતાર આટલું આટલું દુઃખ તમે ખમો છો અને હું ખમું છું ને આવતે અવતારે પણ ખમવું છે ? આપણે તો એકબીજાનાં પુણ્યપાપનાં ભાગિયાં છીએ. તમારાથી થતું નથી ને મારે હાથે થવા દેતા નથી. બળ્યું આ પેટ ને બળ્યા આ ધોળા વાળ ! પેટે દેવની નિંદા કરાવી ને દોળા વાળે પણ દેવનું સ્મરણ ન કરાવ્યું ! દેવસેવાનું પુણ્ય હશે તો આ છોકરાં પણ સારાં ઊઠશે. કંઇ તો વિચાર કરો. દુઃખબા ! ચંચળ ! ચંડીવહુ ! આ તમારા પાપને લીધે મારે આ વચન સાંભળવા પડ્યાં ! નાની વહુ ઘરમાં હરતીફરતી હોય તો મારે આ વખત ન આવે ! તમે મહિનોમાસ પણ ઘરની સંભાળ ન રાખી શક્યાં-ચંચળ ! દેવ ક્યાં ગયા તે હું સમજી છું; તારા બાપ નો સ્વભાવ તને ખભર છે. જા, એમને અને સૌને જમાડ. મારે તો દેવ જડે ત્યાંસુધી જમવું નથી.” આંખે ન માય એમ રોતાં રોતાં ડોશી દેવના પાલખા આગળ બેસી રોયાં ને આખરે પાલખા આગળ નાકલીટીઓ તાણી દેવને કાલાવાલા કરવા લાગ્યાં “મહારાજ, ક્ષમા કરો-એમના કર્યા સામું જોશો નહીં-એમનું પાપ મને આવજો ને મારું પુણ્ય એમને જ્જો, પણ ક્ષમા કરો.”

ઘરમાંનું સર્વ મંડળ ભરાયું હતું તેમાં સૌની સાથે લડતો લડતો ડોસો સૌને ધમકાવવા લાગ્યો. દુઃખબા સામે આંખો કાઢવા લાગ્યો, ચંચળ સામે ઓઠ કરડવા લાગ્યો, ચંડિકા સામે દાંત પીસવા લાગ્યો, ગાનચતુર સામે ચાળા કરવા લાગ્યો, ચાકર સામે દૂરથી હાથ ઉગામવા લાગ્યો; વિદ્યાચતુર ઉપર પક્ષપાત દેખાય નહીં માટે તેની પૂઠ કરી તેને ન દેખતો હોય તેમ ઊભો, સુંદરગૌરીના સામું જોયું નહીં; અને ઘરની અવ્યવસ્થા બાબત પોતે જેટલું સૂતાંસૂતાં જોયા કર્યું હતું અને જેટલાં જેટલાં જેનાં અપલક્ષણ હતાં તે તે તેમને ધમકાવી ધમકાવી કહી બતાવ્યાં અને ચંડિકાને તથા પોતાની બે દીકરીઓને લાકડી ઉગામી ઘર બહાર કાઢી મૂકી સાંકળ, ગાનચતુરને હુકમ કર્યો “આપણે સૌને સારુ જમવાનું તૈયાર કર-રાંડોને તો આમ જ ઘટે.” વિદ્યાચતુર નાનપણમાંથી પરદેશ રહેલો એટલે પિતાનું આવું ઉગ્ર સ્વરૂપ જોવાનો વારો તેને આજ જ આવ્યો, અને આશ્ચર્યથી આભો હતો ત્યાં ને ત્યાં જ ઊભો રહ્યો. બહાર લોકો ભરાઇ ગયા અને બારણાં હચમચાવી મૂક્યાં. નાટક વધી ગયું જોઇ, ડોસો હાથમાં નથી એવું સમજી, આખરે ડોશી દેવમંદિર છોડી પાછાં બહાર આવ્યાં. આંસુ લોહી નાખ્યાં. મહાદેવના ગુણ તપોધન જાણે તેમ ડોસાને સ્વભાવ વર્તી જનારી ડોશીને પોતાનો સ્વભાવ બદલવો પડ્યો. ધર્મ અને આચાર ઉભયને ઠેકાણે વ્યવહારને આગળ કરવામાં આગ્રહ ધરનારનો પતિનો સ્વભાવ છે અને એ સ્વભાવ સમુદ્રનાં મોજાં પેઠે અત્યારે ઉછાળા મારી રહ્યો છે, તેના સામા થવા કરતા તેને વશ થવાની તેના હેલારાનું બળ ઓછું લાગશે એ ભાન ડોશીને આવ્યું. એ ભાન આવવાની સાથે ડોશીની સ્વાભાવિક બુદ્ધિ સ્વચ્છ બની, ડોસાના વચનમાં સત્ય હતું તે સમજાયું, ઘરની અવ્યવસ્થા દ્દૃષ્ટિ આગલ તરવા લાગી, તેનો ઉપાય પોતાના જ હાથમાં આવે એવો હતો તેને લીધો, હ્ય્દયને શાંત કર્યું, મુખ ગંભીર કર્યું, કુટુંબનું હિત જાળવવું એ પણ એક ધર્મ છે એવો વિચાર થયો, એ ધર્મને સર્વ ધર્મથી મોટો કેમ ન ગણવો એવો પ્રશ્ન મનમાં ઊભો થયો, સર્વ સૃષ્ટિ જેને વ્હાલી છે અને સૌ સૃષ્ટિના સુખનો ભરનાર વિશ્વંભર તેને એ જ ધર્મ સૌથી વ્હાલો હોવો જોઇએ એવી શ્રદ્ધા ઉત્પન્ન થઇ, શ્રદ્ધા થતાં તે ધર્મમાં પ્રવૃત્તિ થઇ, અને એ ધર્મની ઉત્સાહી ડોશી દેવનું દુઃખ ભૂલી પતિદેવ ભણી ચાલી. ઘરની અવ્યવસ્થા, પતિનાં વચન, ઘરબહાર જામી જતો ફજેતીનો ખેલ, અને કુટુંબનાં સર્વમંડળનું દુખ-આ સર્વ સરોવરમાંથી નીકળતી કુટુંબવત્સલતાના પવિત્ર પ્રવાહમાં ડોશીની બુદ્ધિ નાહવા લાગી, અને નદી સમુદ્ર પાસે જતાં પોતાનો પટ વધારે વધારે પહોળો કરે તેમ પતિની પાસે જતી જતી અને પતિની ઇચ્છા જાણી વળતી વળતી ડોશી પોતાના અંતઃકરણને વધારે વધારે ઉદાર કરવા લાગી. તેનામાં થયેલો ફેરફાર તેને આવતી જોતાં જ તેનો પતિ સમજી ગયો. ડોસાના મનનો અર્થ મનમાં સિદ્ધ થયો જણાયો.

ડોશી નાનપણથી ધર્મસંસ્કારનું બંધન પામી હતી. પુરુષો કરતાં સ્ત્રીજાતિમાં કેટલાક ગુણ વધારે વિકાસ પામે છે, અને પુરુષો કરતાં તેમની બુદ્ધિ-તેમનાં શરીર પેઠે-વહેલી પક્વ થાય છે, તેનું ધર્મલક્ષ્મી એક દ્દૃષ્ટાંત હતું. છેક નાનપણમાંથી તેના હ્ય્દય ઉપર જે જે સંસ્કાર પડતા તે તરત જ એ ગ્રાહી લેતી. એના બાપ ધર્માધ હતા અને તેના ઘરમાંથી ધર્મના સંસ્કાર ધર્મલક્ષ્મી પર કુમળી વયમાંથી જ વજ્રલેપ થયા હતા. એનું દસેક વર્ષનું વય હતું ત્યારે તો શેરીની સર્વ કન્યાઓમાં ધર્મલક્ષ્મી જેવું બીજું કોઇ ધર્મિષ્ઠ ગણાતું ન હતું. એનામાં સારી બુદ્ધિ છથાં આ ધર્મસંસ્કાર જડ થાત અને એ છેક ધર્માંધ બનત તો તેના ઘર પ્રમાણે કાંઇ નવાઇ ન હતી. પણ માનચતુરના ઘરમાં ગયા પછી એને, માનચતુરને દેશપરદેશ નોકરીમાં આથડવું પડતું, તેની સાથે ફરવાનું થતું અને પરદેશમાં ધર્મલક્ષ્મીના સંસ્કાર સાચવવા કઠણ હતા. તેમાં વળી માનચતુરનો સ્વભાવ ઉગ્ર હતો એટલે ગૃહિણીને વખત જોઇ ગીત ગાવાં કન્યાવયમાંથી જ ઇશ્વરે સૂક્ષ્મ બુદ્ધિ આપી ન હોત તો ધર્મલક્ષ્મીનો પતિ સાથે એકરાગ થાત જ નહીં. લોક એવું કહેતા કે “આવા માનચતુરનો મિજાજ ધર્મલક્ષ્મી જ જાળવે - બીજી હોય તો એના ઘરનાં પળવાર પણ ટકવા ન પામે.” ધર્મિષ્ઠ છતાં ધર્માંધ ન બની, દુર્ગાસા જેવા પતિના ઘરમાં વૃદ્ધાસ્થાપર્યત રહી શકી, અગ્નિ જેવા પતિની પ્રીતિ મેળવી છેવટ સુધી સાચવી શકી અને તેના ઉપર પોતે પ્રીતિ રાખી શખી, અને વળી તે સર્વ સાથે પોતાના ધર્મસંસ્કાર છેવટ સુધી જાળવી રહી; આ સર્વ અદ્‌ભુત પરિણામ ધર્મલક્ષ્મીની શુદ્ધ વત્સલતા, પૃથ્વી જેવી ક્ષમા, વિષ્ણુ જેવી શાંતિ, સૂક્ષ્મ બુદ્ધિ અને ઊંચી કુલીનતા : તે સર્વનું દુર્લભ ફળ હતું. એ સર્વ ગુણોનો આ પ્રસંગે આવિર્ભાવ થતો વિદ્યાચતુરે આજ પ્રથમ જ જોયો અને એ જોતાંજોતાં આ ગુણવાળી માતાથી પોતાનો જન્મ છે એ વિચારથી એનું હ્ય્દય ગર્વવડે ફૂલવા લાગ્યું.

ડોસો ક્રોધથી રાતો થયો હતો અને તેના અવયવમાત્ર કંપતાં હતાં. તેની આંખમાં લોહી તરી આવ્યાં અને કપાળે ભ્રૂકુટી ચડી આવી. જાણે નરસિંહાવતાર પ્રકટ થયો. દવને થયેલા અપમાનની ડોશીને તીવ્ર વેદના થતી હતી એટલે બળાત્કાર કરતાં પણ તેના મુખ પર સ્મિત તો ન ફરકી શક્યું, પણ એ પોતાની વેદના ઢાંકી શકી અને પતિનો ક્રોધ શમાવવા ચાલી. તેનું શરીર વૃદ્ધ પણ બાંધી દડી જેવું હતું. ધીમાં પણ સ્થિર પગલાં ભરી, ગંભીર આકાર ધરી, તે પતિ પાસે આવી. તેનું વૃદ્ધ હ્ય્દય ધડકતું દેખાતું હતું. દાંતના આધાર વગરના ગાલ અંતરના વિકારથી ભરાતા લાગ્યા દેખાયા. જુવાનીના તેજ વિનાની પણ બુદ્ધિની તીવ્રતાએ અંદરથી ચળકતી આંખ પર પાણીનું પડ બંધાયું, અને નિષ્કલંક ધોળા કેશ નીચે કેશ જેવી જ વાંકીચૂંકી કરચલીઓ ભરેલા ગોરા કપાળ ઉપર પરસેવો વળ્યો તેણે સૌભાગ્યચિહ્નનું કુંકુમ ભીનું કરવા માંડ્યું.

“હા, હું તમારો ભાવાર્થ સમજી. હું શું કરું ? મારો સ્વભાવ છે તે દેવસેવામાં ચિત પરોવાય છે ત્યારે ઘરસેવા પર રહેતું નથી. મારો હું વાંક કબૂલ કરું છું. પણ આટલો બધો કોપ ન ઘટે - ત્રણ જણીઓને બહાર કાઢી તે ઢેડફજેતી થાય છે ને લોક બારણે ભરાયા છે.”

ડોશી ધીમે ધીમે ચાલી અને બારણાં ઉઘાડી ત્રણે ને ઘરમાં બોલાવી લીધી. ડોસો ઢર ભણી જોઇ રહ્યો, ગયો, અને લોકોને ધમકાવી કાઢી. બારણાં બંધ કરી પાછો આવ્યો.

“જા ! દેવને પાણીની ગોળીમાંથી કાઢી લે. આજ તો ગોળીમાં નાંખ્યા, પણ હવે ભૂખે મારીશ તો કૂવામાં નાખીશ.” ડોસો વિકરાળ અને રાતીચોળ આંખ કરી બોલ્યો. એના ક્રોધને શમતાંશમતાં કલાક લાગતો હતો. ડોશી બિચારી પાણીભરેલી ગોળીમાં હાથ ઘાલી દેવને લઇ આવી - બીજાં બધાંમાંથી કોઇને ડોશીનું એટલું કામ કરવું ન સૂઝ્‌યું. દેવને દેરાસરમાં લઇ જઇ, અશ્રુપાત કરતાં કરતાં છાતીસરસા ચાંપી, પાછા પાલખા પર પધરાવી. ઘરકામમાં વળગી અને આજથી ધર્મલક્ષ્મીની દેખરેખ નીચે આ ઘરને સંસાર પાછો ઠેકાણે આવી રસ્તે પડ્યો દેખાયો. પણ દેવને અપવિત્ર સ્થળે નાંખ્યા તે વાતનો ડંખ ડોશીના દિલમાંથી મરણ સુધી ગયો નહીં.

પણ ઘરમાં કામકાજની ચિંતાની જ ઘરસંસારની સિદ્ધિ પૂરી ન થઇ. ડોશી તો સૌની પાસે કામકાજ લેતી, પણ અવસ્થાનું શરીર તેથી જાતે ફરી વળાતું નહીં અને તેની આજ્ઞાઓ કેટલી પળાતી તે જાણવાનું સાધન તેની પાસે રહેતું નહીં. “શેઠની શિખામણ ઝાંપા સુધી પહોંચે” એ કહેવત પ્રમાણે થતું. જુવાન સ્ત્રીમંડળમાં ધીમેધીમે ડોશી કોહ્યાં અને કચકચિયાં ગણવા લાગ્યાં. સર્વના હ્ય્દય પર ડોશીની સત્તા ઓછી થઇ, તેની સાથે તેનો આજ્ઞાભંગ થવા લાાગ્યો, તેને અંતે સૌ તેને પ્રથમ મનમાં ગાળો દેવા લાગ્યાં અને ધીમે ધીમે ક્વચિત્‌ ઉઘાડું અપમાન તથા નિંદા કરવા લાગ્યાં. ડોશી અકળાવા લાગી, ડોસા પાસે ફરિયાદ કરવા લાગી અને ગજારમાં ગુણસુંદરી પાસે જઇ વખતોવખત રોવા લાગી. સુવાવડી વહુએ સાસુની શુદ્ધ પ્રીતિ મેળવવામાં આ પ્રસંગનો લાભ લઇ લીધો અને બુદ્ધિશાળી, વૃદ્ધ અને અનુભવી સાસુ કરતાં જુવાન અને ઊગતી વહુની બુદ્ધિ ચડિયાતી છે એવું આથી સિદ્ધ થયું. જે વ્યવસ્થા સાસુથી ન થઇ શકી તે વ્યવસ્થા મારે કરવી પડશે એવું વહુને લાગ્યું અને વૃદ્ધ સાસુને માથેથી ભાર ઉપાડી લેવામાં હું ફાવીશ એવી આસાની હોંસીલી વહુ કામકાજ કરવા હું ક્યારે શક્તિશાળી થઇને એ વિચાર આતુરતાથી કરવા લાગી. આ ભાર તો ગુણસુંદરીને માથે મૂળ હતો તે જ પાછો પડવાનો હતો પણ બીજી કેટલીક જાતનો ભાર એવો પડવાનો હતો કે તેનો તેને અનુભવ સરખો ન હતો.

હિંદુ સંસારમાં સુખદુઃખનાં રૂપ ભાતભાતનાં છે. અનુભવ અથવા અવલોકન વિના તેની કલ્પના પણ કઠણ છે. ગુણસુંદરીના મનમાં એક વખત એમ હતું કે મને સૌ વાતનો અનુભવ વીતી ગયો છે. પણ જ્ઞાન તેમ જ અનુભવની સીમા નથી એટલું જ નહીં. પણ ઉભય વિષયમાં ઊગતા બાળકને કલ્પના જ થતી નથી કે દેખીતા જ્ઞાન અને અનુભવની પાછળ બીજું કાંઇ હશે. જેમજેમ અભ્યાસ અને વય વધતાં જાય છે તેમ તેમ નવી નવી જાતનાં જ્ઞાન અને અનુભવ પર્વતના શિખર પાછળનાં શિખરો પેઠે-સમુદ્રનાં મોજાં પાછળનાં મોજાં પેઠે-દ્દૃષ્ટિમર્યાદામાં દ્દૃષ્ટિ આગળ ખડાં થાય છે અને મન એ ચમત્કારનું સાક્ષી બનતાં બનતાં ઇશ્વરની અનંતતામાં તલ્લીન અજાણતાં થઇ જાય છે-અનંત અનુભવનાં એક પાછી બીજા પગથિયાં જુએ છે અને તે પર ચડે છે. પોતાના ઘરમાં દિવસેદિવસે વધતી રચના જોઇ, નવરી પડેલી સુવાવડીનું મગજ આવાઆવા વિચારોથી ભરાઇ ઉચ્ચગ્રાહી વિષયોનું ગ્રાહક થતું અને ડગલેડગલે કહેતું કે “આ પણ એક નવો અનુભવહવે કાલ બીજો શો અનુભવ થવા સરજાયેલો હશે ?” ક્ષુદ્ર ઘરસંસારમાં પણ પર્યેષક બુદ્ધિને જોઇએ તેટલા વિચાર જડી આવે એમ છે અને મનને કેળવમી આપવા માટે દિશારૂપી મુખોમાંથી ઇશ્વરનું બ્રહ્મસ્વરૂપ શ્રુતિઓ સંભળાવી રહે છે. સુવાવડના ખાટલા ઉપર, અને ગજારના અંધારામાં, આધિવ્યાધિથી ઊકળતા મગજમાં આવી તીવ્ર કવિતા ઊભરાતી હતી અને નવા જન્મેલા બાળકની સમોવડિયણ બનતી હતી.

જે દિવસે માનચતુરે તોફાન મચાવી મૂક્યું તેને બીજે દિવસે ગુણસુંદરીની સહિયર યશોદા ખભર જોવા આવી અને એકાંતમાં ગામમાં સંભાળાતા સમાચાર કહ્યાં : “એવી વાત ઊડી છે કે વિદ્યાચતુરે ગઇ કાલ ઘરમાંથી બે બહેનોને અને ભાભીને કાઢી મૂક્યાં, ડોશીએ તેમને મનાવીને ઘરમાં આણ્યાં, અને તે બાબત માદીકરો લડ્યાં ને વિદ્યાચતુરે ચિડાઇને પાલખામાંથી ડોશીના દેવને નાખી દીધા !” નિર્દોષ પતિની નિન્દા સાંભળી પતિવ્રતાને અત્યંત દુઃખ થયું અને મોઢે તો શાંત રીતે સૌ વાતોનો ખુલાસો કર્યો; પણ મનમાં બધા કુટુંબ ઉપર તિરસ્કાર થયો, પળવારમાં મટી ગયો, એ સૌ ગયાં એટલે મોં પર ઓઢી સૂઇ ગઇ અને બે કલાક સુધી તેવી સ્થિતિમાં છાનુંમાનું રોઇ અને તેથી અંત તાવ આવ્યો તે કોઇએ જાણ્યો પણ નહીં.

બેત્રણ દિવસ થયા એટલે નવું ધતિંગ જાગ્યું. ઘરને સામાન પરસાળની પાછળની મેડીમાં રહેતો. તે સામાન લેવા લાવવા સુંદરગૌરીને જવું પડ્યું. એ અનાત વિધવાનું આ ઘરમાં ગુણસુંદરી સિવાય બીજું કોઇ નહોતું. સર્વ સ્ત્રીમંડળ એના ભણી કડવી આંખે જોતું અને પુરુષવર્ગને એનાં કાંઇ પડી ન હતી. તે છતાં દેરાણીની મમતા એને સુખી રાખતી. એક દિવસ નીચે સર્વ સ્ત્રીમંડળ જમવા બેઠેલું હતું અને પુરુષવર્ગ જમી કરી પોતપોતાને સ્થાનકે વેરાઇ ગયો હતો. તેવામાં ગુણસુંદરી સારુ ઔષધની સામગ્રી લેવા વહેલીવહેલી જમી સુંદરગૌરી પરસાળની મેડીએ ચડી. બપોરના બાર વાગ્યા હતા અને અગાશીમાં તપતો તાકો ધીમે ધીમે મેડીની બારીમાં ખસતો ખસતો આવતો હતો. એ તડકામાં વિધવા યુવતી પળવાર ઊભી રહી અને તેના ગૌર ગાલ તડકાથી રાતાચોળ થતાં વાર ન લાગી. બારીની પાછળનાં હાંલ્લાંમાંથી નીચી વળી તે સામાન કાઢવા લાગી. સૂર્ય ઉપર આવેલા વાદળા પેઠે તેનું સાદું કાળું વસ્ત્ર બારીના પવનથી જરી જરી ઊડતું હતું, અને વાદળામાંથી સૂર્યનું બિંબ કોઇ કોઇ ઠેકાણે દેખાઇ આવે તેમ એનો વાંસો દેખાતો હતો. મેઘના ધનુષ્ય પેઠે એ વાંકી વળી હતી. માથાની એક લટ સરી પડી આલમ્બમાન પયોધરભારને ટેકવી રાખવા સાહી લેતી લાગતી હતી. વસ્ત્રની નીચલી કોર અને તડકાવાળી પૃથ્વી, એ બેની વચ્ચે આવી ગયેલી પગની સોનેરી પ્હાનીઓ ચળકારા મારતી હતી અને જોનારને જો બે આંખો હોય તો તે બે યે આંખોને ચળકારાથી ભરી નાખી-આંધળી કરી દેવા-યત્ન કરતી હતી હતી. આમ આંધળી થનારી આંખો પણ દૂર ન હતી અને પોતાનું કામ કરવામાં લીન થયેલી નિર્દોષ સ્ત્રી જાણતી ન હતી કે અત્યારે મારા પર કોઇની દ્દૃષ્ટિ પડે છે.

પુરુષ ભોકતા અને સ્ત્રી ભોગ્ય, એ બુદ્ધિ મનુષ્યના મોટા ભાગને અને પશુપક્ષીઓને સામાન્ય છે. પશુપક્ષીઓમાં નર માદાની પાછળ શિકાર કરવા દોડતો હોયો તેમ દોડે છે; ફેર માત્ર એટલો રહે છે કે ઉપભોગાર્થ શિકારનો નાશ કરવામાં આવે છે ત્યારે માદાનું પાલન કરવામાં આવે છે. સોનાનાં ઇંડાં મૂકનાર કૂકડી જેવા માદાને નજ જાળવી રાખે છે ઉચ્ચયોનિમાં આ પાલકબુદ્ધિ વિશેષ રહે છે, તેનું દ્દૃષ્ટાંત મનુષ્યજાતિ છે. પારકા ઘરની સ્ત્રી - નહીં સગી - નહીં વહાલી - તે સગામાં સગી થઇ રહે છે - વ્હાલામાં વ્હાલી થઇ રહે છે લગ્નાદિકની રૂઢિ એ આ પાલકબુદ્ધિનું જ પરિણામ છે. મનુષ્યના પશુભાગ પર એના મનુષ્યભાગનો જય થાય છે ત્યારે આ પાલકબુદ્ધિ રહે છે, અને પશુભાગ વિજયી હોય છે ત્યારે ઉપભોગાર્થ સ્ત્રીને શિકાર જેવી ગણતો પુરુષ સ્વાર્થ અથવા પરમાર્થ કાંઇ વિચારી શકતો નથી, કારણ મનુષ્યભાગની સાથે વિચાર પણ પરાભવ પામે છે. કેટલેક ઠેકાણે આ ઉભય ભાગોનો સંયોગ સૂક્ષ્મ હોય છે અને એક ભાગ બીજા પર પરાભવ કરી શકતો નથી મૃગયા કરવા નીકળી પડેલો હોય તેવી રીતે સીતાને પકડી પોતાની સત્તામાં આણ્યા છતાં વર્ષોનાં વર્ષો સુધી રાવણે સીતાને અખંડિત રહેવા દીધી તેનું કારણ આવો જ સૂક્ષ્મ સંયોગ હતો. એના પશુભાગે બળાત્કારથી હરણ કર્યું; એની ઉચ્ચ રસિક વૃત્તિએ તેને શીખવું કે અનાદરોત્કંઠિતયોઃ પ્રસિધ્યતા સમાગમેનાપિ રતિ ર્ન માં પ્રતિ ।।

પુરુષમાત્રમાં આ મનુષ્યભાગ ઘોડોઘણો પણ હોય છે અને અનાથ અબળાઓનો પાલક થઇ પડે છે. સ્ત્રીબહુમાન પુરુષના ચિત્તમાં ઉદય પામે તો પુરુષ અને સ્ત્રી ઉભયની વિશુદ્ધિ સ્વાભાવિક રીતે વજ્રલેપ થવા પામે અને સ્ત્રી નિર્ભય થાય તેનું કારણ આવું જ છે.

તડકામાં ઊભી રહેવાથી વધારે સુંદર થયેલી; નીચી વળી ઊભી રહેવાથી દ્દૃષ્ટિમાં નવતા ભરવા માંડતી સુંદરગૌરી ઊભી થાય છે તો તેની જોડાજોડ આવી ગાનચતુર ઊભેલો ! જમી રહેલો તેની ભરેલા પેટનો એને નશો ચડેલો હતો-તેનું શરીર અને મુખ અન્નના તેજથી ચળકતું હતું અને એ ચળકાટમાં જ ઘેનું ભરેલું દેખાતું હતું. એ જ અન્નના ભારથી-ઘેનથી તેનું સૂતાં સૂતાં કાંઇખ ઘસારો લાગ્યો અને બહાર આવ્યો તો સુંદરગૌરીને એકાંતમાં રમણીય રૂપે સ્થિર ઊભેલી દીઠી; તેને જોતાં જ પશુભાગે પુરુષના મગજ પર બળાત્કાર કર્યો, અને શુદ્ધબુદ્ધિનો ઉપભોગ કરવામાં નપુંસક બનેલો પુરુષ એકદમ પણ છાનોમાનો સુંદરગૌરી પાસે આવી ઊભો હતો - તેને ન થયો વિશુદ્ધિનો વિચાર, ન રહ્યું સગપણનું ભાન, એને ન લાગ્યો વસ્તીવાળા ઘરનો ભય ! પરંતુ પશુભાગે આટલું બળ કર્યું ત્યારે છેક મોડો પણ મનુષ્યભાગ મૂંગો ન રહ્યો. સુંદરની પાસે આવી ઊભો રહેવા છાતી ચલાવનારની છાતી વધારે ન ચાલી, તેના હાથપગ સ્તબ્ધ થયા, તેના ઓઠ ઊઘડી શક્યા સરખા નહીં, અને મનુષ્યભાગ ભ્રષ્ટ થતાં પશુભાગ દેખાયો તેમ પશુભાગનો પરાભવ કરી જડભાગ જીત્યો હોય તેમ ગાનચતુર કેવળ જડ જેવો ઊભો રહ્યો અને માત્ર તેની આંખના જરીજરી ફરકતા હોય તેમ ગાનચતુર કેવળ જડ જેવો ઉભો રહ્યો અને માત્ર તેની આંખના જરીજરી ફરકતા ડોળામાં આવી એનો ભ્રષ્ટ મનોદય જણાવા લાગ્યો. એના ઉપર દ્દૃષ્ટિ પડતાં સુંદર લેવાઇ ગઇ, તેના હોસકોસ ઊડી ગયા, એના નખથી શિખ સુધી કેવળ ભય વ્યાપી રહ્યો, અને સૌને અંતે સામાન એમનો એમ રહેવા દઇ અચિંતો દોટ મૂકી દાદર પરથી નીચે ઊતરી પડી, ઉતાવળમાં ને ઉતાવળમાં છેલ્લું પગથિયું ચૂકી, પડી, વાગ્યું તે ગણ્યું નહીં, અને ગુણસુંદરીવાળી ગજારમાં કેવળ જડ જેવો ઉભો રહ્યો અને માત્ર તેની આંખના જરીજરી ફરકતા ડોળામાં આવી એનો ભ્રષ્ટ મનોદય જણાવા લાગ્યો. એના ઉપર દ્દૃષ્ટિ પડતાં સુંદર લેવાઇ ગઇ, તેના હોસકોસ ઊડી ગયા, એના નખથી શિખ સુધી કેવળ ભય વ્યાપી રહ્યો, અને સૌને અંતે સામાન એમનો એમ રહેવા દઇ અચિંતો દોટ મૂકી દાદર પરથી નીચે ઊતરી પડી, ઉતાવળમાં ને ઉતાવળમાં છેલ્લું પગથિયું ચૂકી, પડી, વાગ્યું તે ગણ્યું નહીં, અને ગુણસુંદરીવાળી ગજારમાં જઇ ઊભી રહી અને ભય ગયો દીઠો તે છતાં ભય સમક્ષ જ હોય તેમ થરથર ધ્રૂજવા લાગી અને આંસુ સારવા લાગી. તેનો ધ્રુજારો કેમે કર્યો બંધ થાય નહીં અને ફટક્યા જેવું તેનું કાળજું ધડકતું મટે નહીં. પણ ગુણસુંદરી જમવા ગઇ હતી તેથી આ દશા જોનાર કોઇ હતું નહીં અને તે આવી તેટલામાં તો પોતો સ્વસ્થ થઇ સુંદરગૌરી કામે વળગી અને એના ચિત્તને સદાનો ભય વળગ્યો કે “આ વાત હું હવે કોને કહીશ ? આ ઘરમાં હવે કેમ રહેવાશે ? એના આ ઘર મૂકી ક્યાં જવું ?” શરીરરૂપ પશુભાગ ધારણ કરનારે એ ભાગને હાથમાં રાખવા નિરંતર સાવધાન રહેવાનું છેએ હાથમાં ન રહે તો પછી મનુષ્યત્વ સર્વથા નષ્ટ થયું જ સમજવું, અને મનુષ્યરૂપ આવું પશું પશુંરૂપ પશું કરતાં અનેકધા ભયંકર છે. આ ભયંકર પ્રામીનો ભય અનાથ વિધવાના કોમળ હ્ય્દયમાં શલ્ય પેઠે પેસી ગયો. એ શલ્પ હ્ય્દયને વીંધવા લાગ્યું અને હ્ય્દયમાંથી બહાર ન કઢાયું. “કોને કહેવું ? શી રીતે કહેવું જીભ શી રીતે ઊપડે ? છાતી કેમ ચાલશે ? કોણ માનશે ? અરેરે ! આમને આ શું સૂઝ્‌યું ? હવે શું કરશે ? શું થશે ? શું કરું ? ક્યાં જાઉં ?” એવા એવા અનેક પ્રશ્નો હ્ય્દયમાં દિવસરાત ઊઠવા લાગ્યા, પ્રશ્ને પ્રશ્ને મુખમાંથી નિઃશ્વાસ અને આંખમાંથી આંસુ નીકળવા લાગ્યાં, કામમાં ચિત્ત ગોઠતું બંધ થઇ ગયું. જેનું જગતમાં કોઇ ન હોય તેની નિદ્રા તો હોય જ તે પણ આ અનાથ સ્ત્રીની મટી ગઇ, શરીર નિસ્તેજ થવા લાગ્યું, મુખારવિંદ કરમાઇ સુકાઇ જવા લાગ્યું, શરીરનાં માંસરુધિર અતર્ધાન પામવા માંડ્યા, અને હાસ્યવિનોદ અને શૂન્ય સ્મિત પણ અશક્ય થઇ ગયાં. ગુણસુંદરી પાસે નીચું જોઇ આંખ પાણીથી ભરાઇ જતી અને ઉચ્ચાર નીકળવા પામે ત્યારપહેલાં ચતુર જોનાર વગર કોઇને જણાય નહીં એવા નિઃશ્વાસ નીકળી જતાં. આ સર્વ ફેરફાર કોઇને જણાશે તેનો પોતાને તો વિચાર પણ થયો નહીં અને ભાન પણ રહ્યું નહીં. ગાનચતુરે પસ્તાતા અંતઃકરણથી એ ફેરફાર જોયો પણ પોતે નિરુપાય જેવો થઇ ગયો. ગુણસુંદરીના હેતસ્વી હ્ય્દયને એ ફેરફાર થયો સમજાતાં વાર લાગી નહીં, પણ ફેરફારનું કારણ સમજાયું નહીં, અને ઘરના બીજા મંડળને તો એ જાણવાની જરૂર પણ ક્યાંથી હોય ? ગુણસુંદરી વિના સુંદરગૌરીનું આખા ભરેલા જગતમાં કોઇ ન હતું. ગુણસુંદરીએ ઘણું પૂછ્યું, ઘણા દિલાસા દીધા, ઘણી આજીજી કરી, ઘણું કર્યું, તો યે એટલો જ ઉત્તર મળ્યો કે “ના, ના, કાંઇયે નથી. એ તો અમસ્તો તમને વહેમ આવે છે. બીજું કાંઇ કારમ નથી. મને જરા બે દિવસથી શરીરે અસુખ રહે છે, તે સિવાય બીજું કાંઇ નથી.” ગુણસુંદરીને એ ખુલાસો ખરો ન લાગ્યો. આખરે પોતાના અને પોતાના બાળકના સમ ખવરાવ્યા, અને સુંદરગૌરી ખરી વાત કહે ત્યાંસુધી હું ખાઇશ નહીં એવી હઠ લીધી, ત્યારે સુંદરગૌરી બળાત્કારે હસવું આણી બોલી : “વારુ, અમસ્તાં એમ શું કરો છો ? તમને નહીં કહું ત્યારે બીજા કોને કહીશ ? આપણા બાયડીઓના જીવ, તેને તે કંઇ અંત સુધી પેટમાં ને પેટમાં સમાઇ રહેવાનું છે ? પણ હું તમારું કહ્યું કરીશ ત્યારે તમે મારા સમ ખાઇ હા કહો કે એક વાતમાં તમે મારું કહ્યું માનશો, એટલે એ વાતમાં હું તમારું કહ્યું માનીશ.” ગુણસુંદરીએ હા કહી સમ ખાધા એટલે સુંદર બોલી : “બહુ સારું, ત્યારે હું તમને કહીશ. પણ તમારે મારું કહ્યું માનવાનું એટલે કે હું તમને મારી મેળે કહું ત્યાં સુધી તમારે મને એ વાત પૂછવી નહીં. તમે મારા સમ ખાઇ બંધાયાં છો...હુ તમારા સમ ખાઇ બંધાઉં છું.”

“પણ હાલ કહેવામાં કંઇ નુકસાન છે ?”

“કંઇ હશે ત્યારે સ્તો.”

“હું જીવું છું ત્યાં સુધી તો તમારો વાળ વાંકો નહીં થવા દઉં.”

“એ તો હું જાણું છુંસ્તો. તમારા વિના મારે બીજું કોણ છે ? પણ આટલું મારું કહ્યું કરો.”

“ત્યારે બહુ સારું. જોજો હોં ! કહો સાંજે કહેશો કે રાતે ?”

“હવે તે મને ઠીક પડશે ત્યારે. બે ત્રણ દિવસ પછી પૂછજો.”

આ રકઝક ચાલી. પણ ન કહેવા ધાર્યું હોય તો કોઇ શું કહેવરાવનાર હતું ? આ વાતમાં સુંદરના ઓઠ ઊઘડે એવું એનું કહ્યું એનું હ્ય્દય જ કરે એમ ન હતું.

ગુણસુંદરી નાહી, ઘરમાં હરતીફરતી થઇ, સૌ જાતે જોવા લાગી, પણ હજી સૂતક હતું અને કંઇ સ્પર્શ થાય એમ ન હતું. જાતે જોવા લાગી એટલે વળી ઘરમાં કંઇ કંઇ નાટક નજરે પડ્યાં.