દ્રાક્ષ ખાટી છે Altaf lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દ્રાક્ષ ખાટી છે

શિયાળા ની સવાર હતી. કુણો તડકો પડી રહ્યો હતો. નાના ભુલકાઓ સ્વેટર- જર્સી ચડાવીને શાળા એ જવા માટે નીકળી પડ્યા હતા. ગામનાં વડીલો કે જે સૌથી વહેલા જાગી જતા હોય, તેઓ ગામ નાં ચોરે બેઠાં-બેઠાં 'ખુબ અગત્યની ચર્ચા' કરી રહ્યા હતા. તો કયાંક સુંદર પનિહારીઓ પાણી ભરવા જતી હતી, એમનાં વૃંદમાંથી કાબરો નાં કલબલાટ જેવો 'મધુર' અવાજ આવી રહ્યો હતો. એક પશુપાલક એનાં માલ-ઢોર ને ચારવા માટે લઈ જઈ રહ્યો હતો. એ ગાય-ભેંસ નાં ભાંભરવાનો અવાજ પણ આ સુંદર સવાર નાં સૌંદયઁમાં થોડે-ઘણે અંશે વધારો કરી રહ્યો હતો.

ગામનાં ચોરાની બરાબર સામે જ શાક-માર્કેટ હતી. ગૃહીણીઓ બની શકે તેટલાં ઓછા ભાવમાં વધારે સારુ શાકભાજી ખરીદવાનો પ્રયત્ન કરી રહી હતી. કંઈક ઓછુ હોય તેમ ગૃહીણીઓનો શાકભાજી વાળા સાથે ભાવતાલ કરવાનો અવાજ પણ આવી રહ્યો હતો. રખડતી ગાયો શાકભાજીની લારીની આસપાસ ભટકતી 'તી એ આશાએ કે હમણાં આ લારીમાંથી એકાદ ટમેટું, બટેટું કે રીંગણું નીચે પડશે અને પોતે તેને આરોગી લેશે, પરંતુ એ લારીમાં મોઢુ મારવાની હિમ્મત કરી શકતી નહોતી કારણ કે લારી વાળા પાસે રહેલ લાકડી એમને લારીથી દૂર રહેવા મજબુર કરતી 'તી.

***

આ ભુલકાઓનાં અવાજ, વડીલોની ચર્ચા, પનિહારીઓનો કલબલાટ, ગાય-ભેંસોનાં ભાંભરવાનાં અવાજ, ગૃહીણીઓનાં અવાજ, કુતરા ભસવાનાં અવાજ, અને આવા કેટલાંય શ્રવણ ગમ્ય અવાજો ભરેલી સવારને માણવાને બદલે , ચંચળતા ભરી સવારનાં મસ્ત વાતાવરણથી અજાણ બનીને, અન્યમનસ્ક થઈને એક વ્યક્તિ પોતાનાં સાત-આઠ વરસનાં બાળક ને લઈને જતો હતો.... જાણે કે આ દુનિયાથી વિખુટો ન પડી ગયો હોય!!!

.

હરીશ.... હરીશ નામ હતુ એનુ. નામ તો ઘણું સુંદર હતુ. હર + ઈશ - ઈશ્વરને પુજનાર, ઈશ્વરનિ ભક્તિ કરનાર. પરંતુ હરીશની હાલત જોતાં એવુ લાગતુ 'તુ કે જાણે ઈશ (ઈશ્વર) એ તેની પ્રાથૅના ક્યારેય સાંભળી જ ન હોય !!! જુની કહેવત "નાણાં વગરનો નાથીયો, નાણે નાથાલાલ" પ્રમાણે હરીશનું નામ પણ 'ઉપરવાળાની કૃપા'થી ગામલોકોએ 'હરીયો' કરી નાખ્યુ હતુ.

શાળાએ જતાં બાળકોને જોઈને હરીશને પણ પોતાનાં પુત્રને શાળામાં દાખલ કરવાની ઈચ્છા થઈ આવી, પરંતુ એક બુક-પેન અને યુનિફોમૅ લેવા માટેનાં પૈસા તો હોવા જોઈએ ને ! આમ વિચારમગ્ન બનીને હરીશ તેનાં પુત્ર સાથે શાક-માર્કેટમાંથી પસાર થતો હતો. પૈસાથી યાદ આવ્યુ હજુ આજે લાઈટબીલ ભરવાનું છે, ઘરડી માને શ્વાસની તકલીફ છે તો એમની પણ દવા લાવવાની છે, અને સવારનાં પહોરમાં પત્નીએ પકડાવેલ યાદી પ્રમાણેનું કરીયાણું પણ લાવવાનુ છે......

'પપ્પા, પપ્પા પેલા જમરુખ અપાવોને...' આંગળી પકડીને ચાલતા પુત્રનાં અવાજથી હરીશની વિચારધારા તુટી ગઈ અને જાણે કે એ આ જીવતી-જાગતી દુનિયામાં પરત ફર્યો.

'હા, બેટા મારે તને જમરુખ અપાવવા જ છે પરંતુ પૈસાની મજબુરી.....' હરીશ મનમાં બબડયો.

'ના, બેટા એ જમરુખ તો સડેલા છે, ના ખવાય એ.' હરીશથી રડી ન પડાય એ રીતે બોલ્યો આમ છતાં તેની આંખમાં ઝળઝળીયા આવી જતાં મોં બીજી તરફ ફેરવી લીધું.

થોડું જ આગળ ચાલ્યા હશે કે ફરી તેનાં પુત્ર એ કહ્યુ, 'પપ્પા, મારે પેલા કેળા ખાવા છે, એ તો સારા છે, એ તો ખવાય ને ?'

અને માસુમીયત ભર્યા ભાવ સાથે હરીશની સામે જોઈ રહ્યો.

'હા,,,, પણ કેળા ખાવાથી શરદી થઈ જાય'

આવુ સાંભળતા જ નિરાશ વદને તેનાં પુત્ર એ કોઈ બીજા ફળની ખોજ આદરી.

અને આ બાજુ હરીશે ચાલવાની ઝડપ વધારી એ વિચાર સાથે કે હજુ કોઈ બીજા ફળની માંગણી થાય એ પહેલા શાક-માર્કેટ પસાર કરીને જલ્દીથી લાઈટ બીલની ઓફીસે પહોંચી જાય... તેનો પુત્ર પણ પિતાની ઝડપને પહોંચી વળવા દોડવા લાગ્યો.

પરંતુ ચંચળતા એ બાળકનું બીજુ નામ,હજુ તો માંડ બે લારી વટાવી હશે કે તરત બોલ્યો, 'પપ્પા, પેલી

દ્રાક્ષ તો અપાવો ને...'

હવે હરીશ પાસે કોઈ બહાનુ ન હતુ, એટલે મનમાં થયુ કે લાઈટ બિલ ભરતા અને કરીયાણા તેમજ દવા ના પૈસા ચુકવતા સાતેક રુપીયા તો વધશે જ. આવો વિચાર આવતા જ જાણે તેનાં શરીરમાંથી ખુશીની લહેર પસાર થઈ ગઈ. પોતાનાં પુત્રને થોડી દ્રાક્ષ અપાવીને પણ પિતૃધમૅ નિભાવી શકશે એ વાતથી રાજી થઈ ગયો. અને ઝડપથી દ્રાક્ષની લારી તરફ આગળ વધ્યો.....

પણ વિધીની વક્રતા કહો કે કરમની કઠણાઈ કહો, જેવો હરીશ ઝડપથી ચાલવા ગયો કે પગમાં પથ્થરની ઠોકર વાગી અને તેનાં સાત મહીનામાં સત્તર વખત મોચી પાસે ઓપરેશન કરાવેલાં સ્લીપર તુટી ગયા.... ફરી એક વાર ઓપરેશન કરાવવા જેવી સ્થિતિ થઈ ગઈ તેનાં ચપ્પલની.....

હાથમાં ચપ્પલ લઈને દ્રાક્ષની લારીની બાજુમાં બેઠેલાં મોચી તરફ આગળ વધ્યા એ બંન્ને.... અને ચાલતા ચાલતા હરીશ કહેવા લાગ્યો, 'બેટા, મને લાગે છે કે એ દ્રાક્ષ ખાટી છે.'

આટલી વારમાં તો બંન્ને મોચી પાસે પહોંચી ગયા.

'આવ, હરીયા આવ ! કાં પાછુ ચપ્પલ તુટી ગયુ ?'

મોચીએ વક્રતાભર્યા 'સુવાક્ય' થી બંન્નેનું સ્વાગત કર્યુ.

હરીશ એ કંઈ જ બોલ્યા વિના તુટેલુ ચપ્પલ આગળ કરી દીધુ અને ફક્ત એટલુ જ બોલ્યો કે, 'લ્યો ને જરાક એકાદ-બે ટાંકા મારી દ્યો ને'

'અરે, હરીયા, હવે તો આ ચપ્પલ મુક. નવા લઈ લે ભાઈ' આમ કહી મોચીએ કંઈક વેપાર કરવાની લાલચે નવા ચપ્પલ દેખાડવા મંડયા.

પણ હરીશે તેની વાત તરફ ધ્યાન ન આપ્યુ એટલે મોચીએ મોઢુ બગાડીને એ ચપ્પલ બાજુમાં મુકી દીધા. અને હરીશનાં તુટેલા ચપ્પલ ને સાંધવા લાગ્યો. 'ઓપરેશન કરવા માંડયો.'

આ દરમિયાન હરીશનાં પુત્રની નજર તો બાજુમાં ઉભેલી દ્રાક્ષની લારી પર જ હતી. તેનાં મોં માં પાણી આવી ગયુ. તો બીજી બાજુ મોચીનાં રેડીયો પર ગીત વાગતુ હતુ "ઉપરવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે…" અને હરીશ આકાશ તરફ જોઈને હસ્યો અને બોલ્યો, 'છપ્પર ફાડ કે ?????'

પછી નીચે જોઈને બોલ્યો, 'ચપ્પલ તોડ કે…'

ત્યાં સુધીમાં ચપ્પલ સંધાઈ ગયુ હતુ.અને ત્યાં જ તેનો પુત્ર બોલ્યો, 'પપ્પા, દ્રાક્ષ અપાવોને...'

હરીશે ચપ્પલમાં પગ નાખતા - નાખતા કહ્યુ

'ના, બેટા એ દ્રાક્ષ ખાટી છે'

અને તરત જ મોચી તરફ જોઈને બોલ્યો, 'કેટલા રુપીયા આપવાના ?'

મોચીએ કહ્યુ,

"સાત રુપીયા…"

મોચીને પૈસા આપતી વખતે હરીશનું મોં ગમગીન થઈ ગયુ.અને એ જ સમયે તેનાં પુત્ર એ ફરી એકવાર કહ્યુ, 'પપ્પા, ચાલોને પેલી દ્રાક્ષ અપાવોને... દ્રાક્ષ તો મીઠી હોય, ખાટી ન હોય.' છોકરાએ દલીલ રજુ કરી અને સાથે જ હરીશનો મેલો-ઘેલો શર્ટ પકડીને ખેંચવા માંડયો.

હવે હરીશની ધીરજ ખુટી ગઈ તેણે શર્ટ છોડાવીને તેના પુત્રનાં ગાલ પર એક તમાચો મારી દીધો અને દાજ સાથે ફક્ત એટલું જ બોલ્યો, "તને કીધુ નહી મેં, કે 'દ્રાક્ષ ખાટી છે…'

થોડી વાર માટે બધુ શાંત થઈ ગયુ. નીરવતા વ્યાપી ગઈ. ચંચળતા ભરી સવારનો અવાજ બંધ થઈ ગયો.બધા લોકો હવે આ પિતા-પુત્ર તરફ જોઈ રહ્યા હતા.હવે ફક્ત એક જ અવાજ આવતો હતો....'હરીશનાં પુત્રનો રડવાનો અવાજ.....'

હા સાથે કોઈ બીજુ પણ રડતુ હતુ. હરીશ રડતો હતો, પણ મનમાં જ... કે જેને આ લોકો સાંભળી શકતા નહોતા.પરંતુ હરીશનાં મનમાં થઈ રહેલા આ રુદનનો અવાજ કદાચ ઈશ (ઈશ્વર) સાંભળી રહ્યો હતો..... મૂકભાવે......

.

.

સમાપ્ત...