વિપશ્યના 1
વર્તમાન સમયમાં તમામ લોકો પોતાના જીવનમાં ખુબજ વ્યસ્ત હોય છે. કોઈપણ વ્યક્તિને પોતાના માટે સમય નથી હોતો. લોકો પોતાની માનસિક અવસ્થાથી પીડવા માંડે છે. અને અંતે ડીપ્રેશન નો શિકાર બને છે. અમુકનો અંત તો આત્માહત્યા હોય છે. તો શું આ બધું વ્યજબી છે ખરી? શું આપણે મન થી સુખી અને સ્વસ્થ રહેવું નથી ગમતું? બધાને ગમે છે. જીવનમાં દરેક વ્યક્તિ પોતાના માનસિક સમસ્યાથી પીડાય છે, માનસિક સમસ્યાનો કૈક તો ઉપાય હશે ને? હા છે જેને આપને વિપશ્યના સાધના થી જાણીએ છીએ તેમાં બધોજ ઉપાય છે. તો શ્રી સત્યનારાયણજી ગોઈન્કાના પ્રવચન પર આધારિત આપણે વિપશ્યના વિષે માહિતી મેળવશું.
બધા સુખ શાંતિને ઈચ્છે છે કારણકે સાચી સુખ શાંતિ આપણા જીવનમાં હોતી નથી. આપણે બધા ક્યારેકને ક્યારેક દ્વેષ, દૌર્મનસ્ય, ક્રોધ, ભય, ઈર્ષ્યા આદિથી દુખી થતા હોઈએ છીએ. અને જયારે આપણે દુખી થઈએ છીએ ત્યારે આ દુઃખ આપણે આપણા પોતાના જ સુધી સીમિત રાખતા નથી. જયારે કોઈ વ્યક્તિ દુખી થાય છે ત્યારે તે આસપાસના આખા વાતાવરણને અપ્રસન્ન બનાવી દે છે, અને એની સાથે સંપર્કમાં આવનાર લોકો પર પણ એની અસર થતી હોય છે. સાચેમાંજ આ રીતે જીવન જીવવું યોગ્ય નથી.
બધાને પોતાનું જીવન શાંતિપૂર્વક જીવવાની અને બીજા બધા માટે શાંતિનું નિર્માણ કરવાની ઈચ્છા હોય છે. આખરે આપણે સામાજિક પ્રાણી છીએ, આપણે સમાજમાં રહેવું છે અને સમાજની અન્ય વ્યક્તિઓની સાથે પારસ્પરિક સંબંધ પણ રાખવો છે. આવી સ્થિતિમાં આપણે કેવી રીતે શાંતિપૂર્વક આંતરિક સુખ શાંતિનું જીવન જીવીશું અને આપણી આસપાસ પણ શાંતિ અને સૌમનસ્યતાનું વાતાવરણ બનાવીશું કે જેથી કરીને સમાજના અન્ય લોકો પણ સુખ શાંતિનું જીવન જીવી શકે?
આપણું દુ:ખ દૂર કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે આપણે અશાંત અને બેચેન કેવી રીતે બનીએ છીએ. ઊંડાઈમાં જઇને ધ્યાનથી જોતા બિલકુલ સ્પષ્ટ થશે કે જયારે આપણું મન વિકારોથી વિકૃત બને છે ત્યારે તે અવશ્ય અશાંત થઈ જાય છે. આપણું મન વિકારોથી ભરેલું હોય અને આપણે સુખ અને સૌમનસ્ય્તાનો અનુભવ કરતા હોઈએ એ વાત અસંભવ છે.
આ વિકારો કેમ આવે છે, કેવી રીતે આવે છે? ફરીથી ઊંડાઈમાં જઈને ધ્યાનથી જોવાથી સ્પષ્ટ થશે કે જયારે પણ કોઈ અણગમતી ઘટના ઘટે છે ત્યારે તેની પ્રતિક્રિયા સ્વરૂપે વિકારો આવે છે, જેમ કે જયારે કોઈ વ્યક્તિ આપણી સાથે મનધ્યારો વ્યવહાર નથી કરતી. અણગમતી ઘટના ઘટવાની સાથે જ આપણે તણાવગ્રસ્ત થઇ જઈએ છીએ. મનગમતું ના થાય, મનગમતું થવામાં કોઈ વિધ્ન નડે, તો પણ આપણે તણાવગ્રસ્ત થતા હોઈએ છીએ, અને આપણી અંદર ગાંઠો બાંધવા માંડીએ છીએ. જીવનભર અણગમતી ઘટનાઓ તો થતી જ રહેતી હોય છે, મનગમતું કોઈક વાર થાય અને કોઈક વાર ન પણ થાય, પરંતુ જીવનભર આપણે પ્રતિક્રિયા કરતા, ગાંઠો બાંધતા રહેતા હોઈએ છીએ. આપણું આખું શરીર અને માનસ એટલા વિકારોથી, એટલા તણાવથી, ભરાઈ જતું હોય છે કે આપણું જીવન દુઃખમય બની જાય છે.
આ દુઃખથી બચવાનો એક ઉપાય એ છે કે જીવનમાં કશું અણગમતું થવા જ ના દઈએ અને ઇચ્છીએ કે બધું મનગમતું જ થાય. ક્યાંતો આપણે એવી કોઈ શક્તિ જગાવીએ અથવાતો પછી કોઈ આપણા મદદગાર પાસે એવી કોઈ તાકાત હોય કે જેથી અણગમતું થવા જ ના દે અને એ આપણી બધી મનોકામનાઓ પૂરી કરી દે. પરંતુ આ અસંભવ છે. વિશ્વમાં એવું કોઈ વ્યક્તિ નથી કે જેની બધી ઇચ્છાઓ પૂરી થયેલી હોય, કે જેના જીવનમાં મનગમતું જ થતું હોય અને ક્યારેય અણગમતું થતું જ ના હોય. જીવનમાં અનિચ્છનીય, અણગમતું તો થતું જ હોય છે. આથી કરીને એક પ્રશ્ન ઉઠે છે કે, "કેવી રીતે આપણે વિષમ પરિસ્થિતિઓની સામે અંધપ્રતિક્રિયા ના કરીએ? કેવી રીતે આપણે તણાવગ્રસ્ત થયા વગર આપણા મનને શાંત અને સંતુલિત રાખી શકીએ?"
ભારત અને ભારતની બહાર પણ એવા કેટલાય સંત પુરુષો થઈ ગયા કે જેઓએ આ સમસ્યાના – મનુષ્ય જીવનના દુઃખની સમસ્યાના, સમાધાનની શોધ કરી. તેઓએ એક એવો ઉપાય બતાવ્યો કે જયારે કશું અનિચ્છનીય થાય અને મનમાં ક્રોધ, ભય અથવા કોઈ અન્ય વિકારની પ્રતિક્રિયા શરૂ થાય તેની સાથે જ જલ્દીમાં જલ્દી પોતાના મનને કોઈ બીજા કામમાં પરોવી દો. ઉદાહરણ તરીકે ઉઠીને એક પ્યાલો પાણી પીવાનું શરૂ કરી દો – તમારો ગુસ્સો વધશે નહી, ઓછો થઇ જશે. અથવા આંકડા ગણવાના શરૂ કરી દો – એક, બે, ત્રણ, ચાર. અથવા કોઈ શબ્દ કે મંત્ર કે જપ કે પછી જેના પ્રત્યે તમારા મનમાં શ્રદ્ધા હોય એવા કોઈ દેવતા કે સંત પુરુષનું નામ જપવાનું શરૂ કરી દો. મન બીજા કોઈ કામમાં પરોવાઈ જશે અને થોડીક હદ સુધી તમે વિકારોથી, ક્રોધથી મુક્ત થઈ જશો.
આનાથી મદદ થઈ. આ ઉપાય કામમાં આવ્યો. આજે પણ કામમાં આવે છે. એવું લાગે છે કે મન વ્યાકુળતાથી મુક્ત થયું. પરંતુ આ ઉપાય કેવળ માનસના ઉપર ઉપરના સ્તર પર જ કામ કરતો હોય છે. વસ્તુત: આપણે વિકારોને અંતરમનની ઊંડાઈઓમાં દબાવી દેતા હોઈએ છીએ, જ્યાં એમનું પ્રજનન અને સંવર્ધન ચાલતું રહે છે. પોતાના માનસ ઉપર શાંતિ અને સૌમનસ્યાતાનો એક લેપ લાગી જાય છે. પરંતુ માનસની ઊંડાઈઓમાં દબાયેલા વિકારોનો સુપ્ત જ્વાળામુખી તો એવો ને એવો જ પ્રજ્વલિત રહે છે. જે સમય પાકતા અવશ્ય ફાટી નીકળશે.
આંતરિક સત્યની શોધ કરનારા કેટલાક વૈજ્ઞાનિકોએ આની ઉપર વધુ આગળ શોધ કરી. પોતાના મન અને શરીરની સચ્ચાઈનો આંતરિક અનુભવ કર્યો. તેમણે જોયું કે મનને બીજા કામમાં પરોવવું એટલે કે સમસ્યાથી દૂર ભાગવું છે. પલાયન થવું એ સાચો ઉપાય નથી. એના બદલે સમસ્યાઓનો સામનો કરવો જરૂરી છે. મનમાં જયારે વિકાર જાગે છે, ત્યારે તેને જુઓ, એનો સામનો કરો. જેવું વિકારને જોવાનું શરૂ કરી દેશો તેની સાથે જ તે વિકાર ક્ષીણ થતો જશે અને ધીરે ધીરે એનો ક્ષય થઇ જશે.
આ સારો ઉપાય છે કે જે દમન અને ખુલ્લી છૂટ એ બંને અતિઓને ટાળે છે. વિકારોને અંતરમનની ઊંડાઈઓમાં દબાવવાથી એમનું નિર્મૂલન નથી થતું હોતું. વિકારોને અકુશળ શારીરિક તથા વાચિક કર્મો દ્વારા ખુલ્લી છૂટ આપવાથી તો વળી સમસ્યા અધિક વધતી હોય છે. પરંતુ આ જ વિકારોને આપણે કેવળ માત્ર જોઈએ તો તેમનો ક્ષય થતો જશે અને એમનાથી આપણને છુટકારો મળતો જશે. આમ જીવનમાં ડીપ્રેશન અને ઘણી સમસ્યાથી દુર થવા વિપશ્યના તે મહત્વતા ધરાવે છે. જીવનમાં એક વાર વિપશ્યનાનો લાભ લેવો તે જીવનનું સોભાગ્ય ગણવામાં આવે છે. જીવનમાં અનેકો પ્રકારના દુઃખ અને માનસિક વેદનાઓ થી શાંતિ મેળવા વિપશ્યના તે ખુબજ ઉતમ ઉપાય છે, આમ જો સમજવામાં આવે તો વિપશ્યના તે સંયમ, શાંતિ, જેવી અનેકો વસ્તુઓ ત્યાં પ્રાપ્ત થાય છે જેનાથી સુખ અને દુઃખથી પરે જવાય છે. અને જીવન સુંદર અને સુખમય થાય છે જીવન ખીલી ઉઠે છે.
આમ શ્રી સત્યનારાયણ ગોઈન્કાના પ્રવચન પર આધારિત એટલી માહિતી પ્રાપ્ત થઇ અને આનાથી આગળ ની માહિતી વિપશ્યના ભાગ 2 માં જાણવા મળશે અને સમજવા મળશે. તેથી જીવનમાં વિપશ્યના માર્ગ પર આગળ વધવું તે ખુબજ સુખમય છે.
Banny dave