Kelvanikar Vivekanand Swami Vivekananda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Kelvanikar Vivekanand

કેળવણીકાર

સ્વામી વિવેકાનંદ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

કેળવણીકાર સ્વામી વિવેકાનંદ

પ્રકાશકનું નિવેદન

૧૯૬૩માં એક અસાધારણ ઘટના બની - તે વર્ષમાં મહાન રાષ્ટ્રપ્રેમી સંત સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દી ઉજવવા માટે આખો દેશ જાગી ગયો. પરિણામે દેશમાં એક નવી જ ચેતના ઉઠી અને તેને લીધે કન્યાકુમરી પાસેના કિનારા ઉપર ભવ્ય ‘વિવેકાનંદ શિલાસ્મારક’નું સર્જન થયું, અને માનવ ઘડતર અને રાષ્ટ્રના નવનિર્માણના હેતુથી વિવેકાનંદ સેવા સંગઠન જેવી અજોડ સંસ્થાનો જન્મ થયો. પરિણામે લાખો ભારતવાસીઓનો અવિરત પ્રવાહ વિવેકાનંદ શિલાસ્મારકને નિહાળવા તથા મહાન સંતના જીવનમાંથી પ્રેરણા મેળવવા માટે ઉમટ્યો. ૧૯૮પના વર્ષે સ્વામી વિવેકાનંદની વર્ષગાંઠને ‘રાષ્ટ્રિય યુવા દિવસ’ તરીકે ઉજવવાનું જાહેર થયું જે અત્યંત સાહજિક અને યોગ્ય હતું.

રાષ્ટ્રિય એકતાનું સ્વામીજીનું જે સ્વપ્ન હતું તે સ્વપ્નને સાકાર કરવા માટે તેમજ તેના ઉપર રાષ્ટ્રનું ધ્યાન કેન્દ્રિત કરાવ માટેની અદ્‌ભુત તક હવે આવી રહી છે ! ૧૯૯ર, ડિસેમ્બરમાં સ્વામીજીએ ‘શ્રીપાદ શિલા’ ઉપર ધ્યાન કર્યું હતું તેની શતાબ્દી પૂરી થાય છે - આ ધ્યાનમાં સ્વામીજીએ ભારતનો ભવ્ય ભૂતકાળ, વર્તમાનકાળ અને ઉજ્જવળ ભવિષ્ય અંગે ચિંતન કર્યું હતં, જે ચિંતનથી સ્વામીજીને ખાતરી થઈ હતી કે ભારત વિશ્વને સંદેશો આપશે. શિલા ઉપર ઊભા રહીને સ્વામીજીએ જોયું કે ભારત અખંડ છે અને તેમાં વસતા ભિન્ન-ભિન્ન લોકો એક જ છે. એકતાનું આ સ્વપ્ન વિસ્તૃત રીતે લોકો સમક્ષ રજૂ કરવાની જરૂર છે. આપણા દેશમાં તેનો ખંતથી પ્રચાર કરવાની અને આપણા યુવાનોને એક મહાન, એક નવા પડકારરૂપ કાર્યમાં લાગી જવા માટે તેમજ દેશની ભાવાત્મક એકતા અને રાષ્ટ્રના નવસર્જન માટે સ્વામીજીનાં સ્વપ્નોને સાકાર કરવાની જરૂર છે.

૧૯૯ર, ડિસેમ્બરમાં, કન્યાકુમારી પાસે આવેલ શ્રીપાદ શિલા ખાતે સ્વામી વિવેકાનંદની, ધ્યાન શતાબ્દીની ઉજવણી માટે વિવેકાનંદ કેન્દ્રે, એક મહાન કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યને ‘વિવેકાનંદ ભારત પરિક્રમા’ તરીકે મનાવવામાં આવશે. આ પરિક્રમામાં કલકત્તાથી કન્યાકુમારી સુધીનું રર,૦૦૦ કિ.મી.નું અંતર સાંકળી લેવામાં આવ્યું છે. તેમાં ૩૪૭ દિવસમાં ૧૮૭ શહેરો અને ગામોને સાંકળી લેવામાં આવેલ છે. પરિક્રમાનો હેતુ આપણા દેશની એકતા અંગે નવી જાગૃતિ તાજી કરવાનો તેમજ લોકોમાં ભાવાત્મક એકતા માટે પ્રયત્ન કરવાનો છે. આખા પ્રવાસ દરમિયાન ખાસ કરીને યુવાનોને સ્વામીજીના સંદેશા અંગે સજાગ કરવામાં આવશે. મજકૂર યાત્રા દરમિયાન ભાત-ભાતના કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં અસંખ્ય લોકોને સાંકળી લેવામાં આવશે.

વિવેકાનંદ કેન્દ્રે આ ઉજવણીના ભાગરૂપે અનેક ઓછી કિંમતની ચોપડીઓ છપાવવાનું નક્કી કરેલ છે, જે ચોપડીઓ સ્વામી વિવેકાનંદને આપણા યુવાનો સુધી લઈ જશે. ‘કેળવણીકાર સ્વામી વિવેકાનંદ’ નામની આ પુસ્તિકા પણ નક્કી કરેલી ચોપડીઓ પૈકી એક છે.

અમને આશા છે કે આ પુસ્તકનો સંદેશો આપણા લોકો યોગ્ય રીતે ગ્રહણ કરશે - ખાસ કરીને યુવાનો - જે તેમનામાં આત્મજાગૃતિ પ્રેરશે અને તેથી તેમનામાં આપણા દેશના મહાન આધ્યાત્મિક વારસાની સમજણ આવશે અને તે સાથે સંકળાયેલ સમસ્ત માનવજાત માટેનો સંદેશો તેઓ સમજતા થશે.

આપણા મહાન પ્રજાસત્તાક દેશમાં લોકોને જાગ્રત થવા માટે સ્વામી વિવેકાનંદ પ્રેરણા આપે એ પ્રાર્થના સાથે...

વિવેકાનંદ કેન્દ્ર

કન્યાકુમારી

કેળવણીકાર સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ એક અજોડ કેળવણીકાર છે. અજોડ એટલા માટે કે તેઓ માનવતાવાદી અને દેશભક્ત છે, સંત અને સુધારક છે, રાષ્ટ્રવાદી, મૂલ્યનિષ્ઠ અને નૈતિક દ્રષ્ટા છે. તેઓ આદર્શવાદી તત્ત્વવેત્તા, આર્ષદૃષ્ટા, વિચારક અને ભવિષ્યને સમજનાર એક જ વ્યક્તિ છે. તેઓ કહે છે કે શિક્ષણ એ પવિત્ર અને સાંપ્રદાયિક છે, તે માનવને સર્જે છે અને રાષ્ટ્રનું ઘડતર કરે છે. દરેક વ્યક્તિને સશક્ત બનાવે છે. શિક્ષણ અજોડ એટલા માટે છે કારણ કે તેમાં પ્રોત્સાહન અને ઉત્તેજના સમાય છે. શિક્ષણ વ્યક્તિના કલ્યાણની સાથે હાથ, હૃદય અને સમજણનો વિકાસ કરે છે અને તે દ્વારા વ્યક્તિ અને સમાજ બન્નેનું કલ્યાણ સાધે છે. કેળવણીનો હેતુ શરીરને માત્ર પોષણ પૂરું પાડવું એટલું જ નહિ, પણ શરીરનું સુખ અને મનની શાંતિ બન્ને કેળવણી મારફત મળવા જરૂરી છે. શિક્ષણ વ્યક્તિના જીવનમાંથી ભય અને અજ્ઞાનને દૂર કરે અને શક્તિ તથા આત્મવિશ્વાસ કેળવે તે જરૂરી છે.

શિક્ષણ બધાં જ દૂષણને દૂર કરે છે. અજ્ઞાન એ બધા દુઃખનું મૂળ છે. જ્યાં સુધી દર્દ મૂળમાંથી દૂર ન થાય ત્યાં સુધી તંદુરસ્તી જળવાય નહિ, ભય ચાલ્યો ન જાય ત્યાં સુધી હિંમત આવી શકે નહિ, અવિશ્વાસ હોય ત્યાં સુધી આત્મવિશ્વાસ સાંપડી શકે નહિ, અજ્ઞાન હોય ત્યાં સુધી સુખ અને શાંતિની કલ્પનાકરી શકાય નહિ, અંધકારને દૂર કરવા પ્રકાશની જરૂર છે તેવી જ રીતે અજ્ઞાનને દૂર કરવા સાચા જ્ઞાન-શિક્ષણમાં ફળની જરૂર છે.

ભારતમાં શિક્ષણ અને ધર્મ એકબીજા સાથે સંકળાયેલા છે. શિક્ષણ એ ધર્મ છે અને ધર્મ એ જ શિક્ષણ છે. ધર્મ, પવિત્રતા અને સત્ય એકબીજાથી અવિભાજ્ય છે. તેઓને જુદા-જુદા વિચારી શકાય નહિ. દરેક વસ્તુ અને જીવનની દરેક પરિસ્થિતિ પવિત્ર છે. સંન્યાસીનું જીવન જેટલું પવિત્ર છે એટલું જ પવિત્ર જીવન ગૃહસ્થનું છે. દરેક વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં મહાન છે. ધર્મગુરુનું કામ જેટલું પવિત્ર એટલું જ પવિત્ર કામ એક ચમારનું છે. ધર્મ અને શિક્ષણને જુદા પાડવા એ કામ સહેલું પણ નથી અને ઇચ્છનીય પણ નથી. જો જુદા પાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે બન્ને માટે નુકસાનકારક છે, રાષ્ટ્રને હાનિકારક છે અને માનવજાત માટે વિનાશકારી છે. માનવ એ કોઈ યંત્ર નથી, એ જ્ઞાન ભંડાર નથી કે પશુ નથી. તે માનવ છે અને શિક્ષણ દ્વારા દેવત્વનો વિકાસ કરવા સર્જાયો છે. માત્ર શિક્ષણ અને ધર્મ જ નહિ પણ ધાર્મિક શિક્ષણ, અને શૈક્ષણિક ધર્મ એ બધા ભરતીય પરંપરાના શિક્ષણમાં એકબીજા સાથે વણાયેલાં છે. શિક્ષણ એ માનવમાં રહેલી પૂર્ણતથાને પ્રકટ કરે છે, જ્યારે ધર્મ માનવમાં રહેલા દેવત્વને પ્રકટ કરે છે. સ્વામીજી શિક્ષણ અને ધર્મની સમાનતમ વ્યાખ્યા આપતાં કહે છે : “શિક્ષણ માનવમાં રહેલી પૂર્ણતાને પ્રક્ટ કરે છે તેવી જ રીતે ધર્મ પણ માનવમાં રહેલી પ્રભુતાને પ્રક્ટ કરે છે.” ધર્મ વગરનું શિક્ષણ એ સઢ વિનાની હોડી સમાન છે, જ્યારે શિક્ષણ વિનાનો ધર્મ એ હલેસા વિનાની હોડી સમાન છે. સાચા શિક્ષણમાં ધર્મ સમાયેલો જે જ્યારે સાચા ધર્મમાં શિક્ષણનો સમાવેશ છે. ધર્મ વિનાનું શિક્ષણ એ રાષ્ટ્રિયતા અને માનવસમાજનો નાશ નોતરશે અને લોકોને અંધશ્રદ્ધા, ખોટી કલ્પના, અને અલ્પ હરીફાઈ તરફ દોરી જશે. શિક્ષણ એટલે માત્ર સાહિત્ય એમ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. તે જ પ્રમાણે ધર્મ એટલે માત્ર ક્રિયાકાંડ એમ ન માનવું જોઈએ. દૂધ ભરવા માટે પ્યાલો એક સાધન છે તેવી રીતે ભાષા એ કેળવણી માટે સાધન છે. ક્રિયાકાંડ એ ધર્મને આચરવા માટેની ક્રિયા માત્ર છે.

શિક્ષણ અને ધર્મ માનવને જીવન સંઘર્ષનો સામનો કરવા, ચારિત્ર્યનું બળ કેળવવા અને હિંમતની પ્રાપ્તિ કરવા માટે તૈયાર કરશે. અને તેના પરિણામે માનવમાં નિઃસ્વાર્થ સેવાભાવના જગાવશે અને તે માટે પ્રોત્સાહિત કરશે અને એ રીતે માનવને પૂર્ણતા અને પ્રભુત્વ તરફ લઈ જશે.

કમનસીબે હાલનાં સંજોગોમાં શિક્ષણે નકારાત્મક વલણ અપનાવ્યું છે. તે યુવાનોમાં આશા અને પોતાની ઓળખ આપવામાં નિષ્ફળ રહ્યું છે. આનું મૂળ એ યુવાનોની હલકા પ્રકારની મહાત્ત્વાકાંક્ષા છે. સ્વામીજીના સમયમાં રેવન્યુ ખાતાનાં કારકુન બનવું અથવા વકીલ બનવું એ જ મહત્ત્વાકાંક્ષા હોય એમ જણાતું હતું. કોઈ પણ ભોગે કમાણી મેળવવા શિક્ષણ મેળવવું એવી સામાન્ય માન્યતા હતી. મોટામાં મોટી મહત્ત્વાકાંક્ષા એ પરદેશીઓને ઉચ્ચ કક્ષાની ગુલામી કરતી નોકરી મેળવવી એ જ હતી. સ્વામીજી પોતાના સમયના યુવાનોનાં મનની વાત ગુસ્સા અને તિરસ્કાર સાથે દર્શાવે છે કે તેઓ નિરાશામય આશા સેવી રહ્યા છે.

સ્વામીજી જ્યારે યુવાનને પ્રશ્ન પૂછે છે : “તમે ભારતીય યુવાન છો, તમે શું કરી રહ્યા છો ?” આ પ્રશ્નમાં પરદેશી શિક્ષણ તરફનો તેમનો તિરસ્કાર નજરે તરી આવે છે. તેઓ યુવાનોને કહે છે - હાથમાં પુસ્તક લઈને દરિયા કિનારે સહેલગાહ કરવી, યુરોપીય વિદ્વાનોનાં લખાણો વાંચી તેમાં રાચવું, થોડો પગાર મેળવી કારકુન બનવું, સમગ્ર જીવન માત્ર કમાણી માટે વલખાં મારવા, આવું જ શિક્ષણ વિશ્વવિદ્યાલયમાંથી મળતું હોય અને એને જ મહત્ત્વાકાંક્ષા ગણવામાં આવતી હોય તો તમારાં પુસ્તકો અને પદવીઓને અફાટ સાગરનાં પાણીમાં ડુબાડવી.

ઉપરની વાત વિચારતાં આજના યુવાનમાં પણ મહત્ત્વાકાંક્ષાનો અભાવ નજરે પડે છે તેઓ ઉચ્ચ આદર્શ અને ધ્યેયની પ્રાપ્તિને છોડીને હલકી મનોવૃત્તિ અને મહત્ત્વાકાંક્ષા સેવી રહ્યા છે તે દુર્ભાગ્યની વાત છે.

મહત્ત્વાકાંક્ષાની પાછળ પ્રયત્ન અને પ્રયત્નનું પરિણામ-ફળ હોય જ છે. જો મહત્ત્વાકાંક્ષા ઊંચી નહિ હોય તો વ્યક્તિમાં રહેલી શક્તિ અને આવડત વિકસશે નહિ અને બહાર આવશે નહિ. આશા અને અરમાન વિનાનો યુવાન નિર્બળ અને નિર્જીવ છે. અને તે શક્તિ અને સમૃદ્ધિનાં પગને ચુંબન કરતો જ જીવે છે, અને તે નિર્બળતા અને નબળાઈનું પ્રતીક છે.

સંતોષનો અર્થ બીજા ઉપર આધારિત થઈને જીવવું એવો નથી પરંતુ પોતાને જે મળે છે અને યોગ્ય રીતે મળે છે તેનાથી સંતુષ્ટ થવું તે છે. શાંતિનો અર્થ આળસ નથી પણ પ્રવૃત્તિ સાથે શાંતિ જરૂરી છે. સહનશીલતાનો અર્થ નબળાઈ નથી પણ શક્તિ હોવા છતાં સહન કરવું તે જરૂરી છે. સંતોષ, શાંતિ અને સહનશીલતા એ ઉચ્ચ આદર્શોનું પરિણામ છે અન ેસતત પ્રાયત્ન અને શક્તિ દ્વારા મેળવી શકાય છે. સાચું શિક્ષણ વ્યક્તિના જીવનમાં શ્રદ્ધા, અભિલાષા અને આત્મવિશ્વાસ જગાવે છે. તે માણસને શક્તિ, હિંમત અને દયા સાથે સંપૂર્ણ માનવ બનાવે છે. સાચું શિક્ષણ માનવને માનવ બનાવે તે જરૂરી છે. પરદેશીઓએ સેંકડો વરસ પહેલાં અયોગ્ય પ્રકારની શિક્ષણ પ્રણાલી શરૂ કરી તેમાં કારકુનો, ગુલામો અને સેવકો બનાવવા માટેની તાલીમ હતી. ખરું પૂછો તો તેમાં વ્યવસ્થાતંત્રનાં મદદનીશો મેળવવાનું જ શિક્ષણ હતું. આપણને માનવ છીએ અથવા આપણા દેશમાં મહાન વ્યક્તિઓ જન્મી છે તેવું કદી શીખવવામાં આવ્યું નથી. આપણા શરીરનાં અંગોનો યોગ્ય ઉપયોગ કરવા તાલીમ કદી આપવામાં આવી નથી. શક્તિ અને સમજણનો શિક્ષણ સાથે સુમેળ થવા દીધો નથી. આવું હતું પરદેશીઓ દ્વારા અપાતું શિક્ષણ ! આપણે આપણા પૂર્વજોને ધિક્કારવાનું અને પાશ્ચાત્ય વિદ્વાનોને પૂજવાનું શિક્ષણ મેળવવામાં તલ્લીન રહ્યા, આપણી સંસ્કૃતિ, ધર્મ ને ધાર્મિ રીત - રિવાજો તરફ ઉપેક્ષા સેવી અને આપણે તેના તરફ અજ્ઞાન બન્યા. આમ થતાં વ્યક્તિત્વનો વિકાસ અટકી ગયો. અને તેના પરિણામે પરદેશીઓના કામ વિશે જ આપણે વિચારતા થયા અને ગુલામીની મનોદશા તરફ દોરાતા ગયાં. એ નિષ્ક્રિય કેળવણીનાં પરિણામે માનવતા વિસરાઈ ગઈ, સર્જનાત્મક શક્તિ કુંઠિત બની ગઈ અને સ્વાર્થવૃત્તિ અને ગુલામી વધી ચાલી. માનવમાં રહેલું પ્રભુત્વ છુપાઈ ગયું. આ પરદેશી શિક્ષણના માળખા વિશે સ્વામીજી આગળ કહે છેઃ “આ કેળવણી માનવનું ઘડતર કરનાર કેળવણી નથી, તે નિષ્ક્રિય અને બિનઉત્પાદક છે, તે માનવને ચેતનવંતો બનાવવાને બદલે હતોત્સાહી બનાવે છે, તે મૃત્યુ કરતાં પણ વધારે ખરાબ છે. આ કેળવણી પૂર્વજોને મૂર્ખ અને અજ્ઞાની માનતા બનાવે છે. આ કેળવણીના શિક્ષકો દંભી છે, આ નિષ્ક્રિય કેળવણી આપણા ધાર્મિક પુસ્તકોમાં રહેલા સત્યને અસત્ય અને અયોગ્ય સમજે છે. આ છે આપણી કેળવણીનું પરિણામ !”

છેલ્લા કેટલાક વરસોથી આવું ચીલાચાલુ શિક્ષણ અપાતું આવ્યું છે જેમાં ઘટતો ફેરફાર કરવાનો સમય આવી ગયો છે.

ટૂંકમાં કહું તો, હાલની કેળવણી માનવતા અને રાષ્ટ્રિયતાને હાનિકારક છે. આજે પણ આ પરિસ્થિતિમાં બહુ સુધારો થયો નથી. અભ્યાસક્રમમાં થોડો ફેરફાર કરવો અથવા અભ્યાસની સમય મર્યાદા વધારવી એમ કરવાથી શિક્ષણમાં મહત્ત્વના ફેરફાર થતા નથી. આપણા મનમાં ગુલામીની મનોદશા હજુય ઘર કરીને બેઠી છે. આ કહેવાતી કેળવણીને લીધે આપણે શિક્ષિત પશુનો અથવા બુદ્ધિજીવી ગુલામ સર્જ્યા છે. આજે નોકરી કરનારા ઘણા છે નોકરી ઓછી છે, કાયદા ઘણા છે પણ કાયદાને અનુસરનારા થોડા છે. વિદ્યાનો અફાટ સાગર છે વિદ્યાર્થીઓ ઓછા છે, નોકરી મેળવવાની ઇચ્છા ધરાવનારા ઘણા છે જ્યારે નોકરીની તકો ઘણી ઓછી છે. આ કહેવાતા સમૂહશિક્ષણમાં સમાજને આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસ તરફ લઈ જવાનો અભાવ છે. જ્યાં સુધી કેળવણી નોકરી મેળવવાનું સાધન અથવા ધનપ્રાપ્તિ માટે છે એવી માન્યતા હશે ત્યાં સુધી શિક્ષણ અંગે સાચો રાહ આપણને નહિ સૂઝે.

સાચું શિક્ષણ શું છે એ સમજાવતાં સ્વામીજી કહે છે “સાચી કેળવણીમાં વ્યક્તિના મનમાં માહિતી એકઠી કરી તેના વ્યક્તિત્વને દબાવી દેવું તે નથી; સાચી કેળવણી તો વ્યક્તિનો વિકાસ કરનારી, માનવતાને તાદૃશ કરનારી અને સારાસારનો વિચાર કરનારી હોવી જોઈએ. માત્ર અનેક પુસ્તકોનો અભ્યાસ કરવાને બદલે પસંદ કરેલા થોડાં પુસ્તકોનો અભ્યાસ કરી તેમાં રજૂ થયેલ આદર્શને જીવનમાં ઉતારવો અને તેમ કરીને વ્યક્તિ અને સમાજનો વિકાસ કરવો તે છે. હાલની કેળવણી સુખડના લાકડાને ઉપાડી જતા ગધેડા સમાન છે. ગધેડાને સુખડની સુગંધનું ભાન નથી તેવી રીતે હાલનો યુવક જ્ઞાનના ભારથી લદાયેલો છે પણ એ જ્ઞાન તેણે આત્મસાત કર્યું નથી, હાલનાં પુસ્તકાલયો જ્ઞાનનું કેદખાનું બની ગયાં છે.

આ બધાં દૂષણોનો રામબાણ ઇલાજ સાચું શિક્ષણ છે અને તેથી જ સાચું શિક્ષણ સક્રિય અને વ્યવહારુ હોવું જોઈએ. શિક્ષણનું સૌથી મહત્ત્વનું કાર્ય આત્મવિશ્વાસ અને રાષ્ટ્રિય ગૌરવ જન્માવવાનું છે. જો એમ બને તો વ્યક્તિ અને રાષ્ટ્ર બન્ને સશક્ત બની શકે. પણ કમનસીબની વાત છે કે શિક્ષણની નીતિ ઘડવામાં રાષ્ટ્રવાદી ભારતીયોનો ફાળો બહુ ઓછો રહ્યો છે. અને જેમણે સાચો રાહ દર્શાવ્યો છે તેને મહત્ત્વ આપવામાં આવ્યું નથી. આઝાદીનાં આટલાં વરસો પછી પણ પરદેશીઓએ ઘડેલી શિક્ષણની નીતિમાં આપણે નજીવો જ ફેરફાર કરી શક્યા છીએ.” સ્વામીજીની આ વ્યથા આજે પણ એટલી જ અને એ રીતની જ છે. તેઓ પોતાના સમયમાં ચારિત્ર્યનું ઘડતર કરે અને રાષ્ટ્રવાદની ભાવના જન્માવે તેવા યોગ્ય શિક્ષણની ઝંખના સેવતાં હતાં. તેઓ કહેતા કે આપણા દેશનું શિક્ષણ આપણા કબ્જામાં હોવું જોઈએ અને આપણા રાષ્ટ્રને માટે, વ્યવહારુ પદ્ધતિ દ્વારા અપાવું જોઈએ. પરદેશી શાસકોએ આપણને વારસામાં સોપેલ શિક્ષણ નીતિના વશીકરણમાંથી હજુ આપણે મુક્ત થયાં નથી અને તેનાથી રાષ્ટ્રને જે નુકસાન થયું છે તે ઘણું જ મોટું અને દુઃખદાયક છે. રાષ્ટ્રનાં વિકાસ અને પ્રગતિ માટે જરૂરી ફેરફાર જેટલો વહેલો થાય તેમાં વ્યક્તિ અને રાષ્ટ્ર બન્નેનો લાભ છે. આમ કરવા માટે પરદેશી વશીકરણને દૂર કરી રાષ્ટ્રિય ભાવનાને જાળવવી જરૂરી છે. સ્વામીજીના મત મુજબ વ્યક્તિનો વિકાસ, સ્વાભિમાન, આત્મવિશ્વાસ અને એ બધા મારફત રાષ્ટ્રભાવના જન્માવવી તે મહત્ત્વનું છે. સુધારણાની પાયાની જરૂરિયાત અજ્ઞાનીને જ્ઞાન, અને કેળવાયેલો સાચો રાહ દર્શાવવાની જરૂર છે. શિક્ષિત લોકોએ ‘રાષ્ટ્ર ઘડતર માટે કેળવણી’ એ મહત્ત્વ સ્વીકારીને ચાલવું પડશે. આમ નહિ કરવામાં આવે તો આપણે યોગ્ય સ્થાને પહોંચી શકીશું નહિ.

મન, હૃદય અને શારીરિક અંગોનો સામૂહિક વિકાસ :

શિક્ષણ મારફત પૂર્ણતા અને પ્રભુતા બન્ને પ્રકટ થવા જરૂરી છે. વ્યક્તિમાં ત્રણ બાબત મહત્ત્વની છે. અંગ (શરીરી), હૃદયની લાગણી અને મન દ્વારા વિચાર શક્તિ. સશક્ત શરીરમાં જ સશક્ત મનનો વાસ હોય છે, વ્યક્તિ શક્તિશાળી નહિ હોય તો તેની પાસે શક્તિ સાથે સંકળાયેલ અન્ય બાબતની આશા રાખી કેમ શકાય ? નબળા બાંધાનો અને રોગી સારા વિચારોનું સેવન ક્યાંથી કરી શકે ? સારા શિક્ષણની પહેલાં સારા અને સશક્ત શરીરની જરૂર છે. સ્વામીજી શક્તિ માટે કહે છે કે માત્ર આધ્યાત્મિક અભ્યાસ કરતાં તંદુરસ્ત શરીર અને દૃઢ મનોબળ સ્વર્ગની પ્રાપ્તિ માટે વધારે ઉપયોગી છે. તેઓ ઉદાહરણ આપતાં જણાવે છે કે નિર્બળ શરીરવાળા માત્ર ગીતાનો અભ્યાસ કરે તેને બદલે રમત રમી શરીરને કેળવી શક્તિ અને દૃઢ મનોબળ કેળવે તો તેના માટે સ્વર્ગ મેળવવું વધારે સહેલું બને છે.

વ્યક્તિ શારીરિક શક્તિની સાથે માનસિક શક્તિ કેળવશે તો ગીતાને વધારે સારી રીતે સમજી શકશે. હીરાને પારખવા જેમ ઝવેરીની જરૂર છે તેમ ભગવાન શ્રીકૃષ્ણની શક્તિને પારખવા શક્તિશાળી વ્યક્તિત્વની જરૂર છે. વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વનો વિકાસ થશે ત્યારે ઉપનિષદ અને તેમાં રહેલા આત્મજ્ઞાનને સમજવું સહેલું બનશે. ઉપનિષદમાં જ કહ્યું છે કે નિર્બળ માણસ આત્માને ઓળખી શકતો નથી. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે નિર્ભય બનીને નિષ્કામ કર્મ કરો. આજે રાષ્ટ્ર તરીકે આપણે જો નિર્બળ રાષ્ટ્ર હોઈએ તો ભયને દૂર કરી નિર્ભયતા કેળવવી એ જરૂરી છે. તેથી વ્યક્તિ અને રાષ્ટ્ર બન્ને માટે નિર્ભયતા કેળવવી એ જરૂરી છે. આજે ભારતને લોખંડી સ્નાયુ અને શિરાની જરૂર છે. શિક્ષણ આપતી એવી કોઈ સંસ્થાન ન હોવી જોઈએ કે જેમાં શારીરિક શિક્ષણને સ્થાન ન હોય. હાડ, ચામ, માંસથી બનેલા આ શરીરને શારીરિક શિક્ષણ ખૂબ જ જરૂરી છે. યોગાસનની તાલીમ, સમૂહ કસરત અને સમૂહ કવાયત એ શિક્ષણ આપતી સંસ્થામાં રમત-ગમતની જેમ જ રોજિંદા અને ફરજિયાત હોવાં જોઈએ.

હૃદયની શક્તિ વિના શારીરિક શક્તિ નકામી છે. આપણને સૌને અનુભવ છે કે આપણે જે અનુભવીએ છીએ તેને શબ્દોમાં વર્ણવી શકતા નથી અને જેને વર્ણવીએ છીએ તેને કાર્યમાં મૂકી શકતા નથી. તેનું કારણ નબળાઈ અથવા નામર્દાઈ છે. શારીરિક સશક્ત માણસ બીકણ હોઈ શકે છે, સારામાં સારો કુસ્તીબાજ કે લશ્કરનો વડો અધિકારી નાનાં જંતુઓથી ડરે એમ ઘણી વખત બનતું હોય છે.

શક્તિશાળી કંસ ભગવાન શ્રીકૃષ્ણ બાળક હોવા છતાં તેનાથી કેટલો ડરતો હતો? હિંમત વિનાનું શારીરિક બળ તદ્દન નકામું છે. હિંમત એ જ હૃદયની તાકાત છે. સંકુચિતતા અને સ્વાર્થ એ ભય તરફ દોરી જાય છે. નિર્ભેળ પ્રેમ હોય ત્યાં ભયને સ્થાન નથી. માનવપ્રેમ અને ઉદાહરતા મારફત ભય અને નિર્બળતાને દૂર કરી શકાય છે. માનવપ્રેમી અને દેશભક્તોનાં જીવનચરિત્ર દ્વારા બાળકોનાં મનમાં તે ભાવનાનો વિકાસ કરી શકાય છે. સમૂહપ્રાર્થના, સ્વાર્પણ માટેની સભાઓ, સમાજસેવાના શિબિરો વગેરેને અભ્યાસક્રમમાં યોગ્ય સ્થાન આપવું જોઈએ. અને તે દ્વારા વ્યક્તિમાં પ્રેમ અને હિંમત કેળવવા માટે વ્યક્તિનું યોગ્ય ઘડતર કરવું જોઈએ.

અજ્ઞાન એ ભયનું મૂળ કારણ છે. સાચું જ્ઞાન ભયને નિર્મૂળ કરે છે. અજ્ઞાન અને જુલમને દૂર કરવા માટે વ્યક્તિએ શક્તિપૂર્વક સામનો કરવો જોઈએ. સત્યને સમજવા માટે અને અસત્યને દૂર કરવા માટે યોગ્ય રીતે સામનો કરવામાં આવે તો જ વ્યક્તિ નિર્ભય બની શકે. સ્વામીજી કહે છે કે ત્રાસ, દુઃખ, જુલમ આ બધાથી આપણે દૂર ભાગવા પ્રયત્ન કરીશું તો તેઓ આપણો પીછો નહિ છોડે, પણ બહાદુરીપૂર્વક તેનો સામનો કરીશું તો તેઓ આપણાથી દૂર ભાગશે. પોતાના જીવનનો એક પ્રસંગ જણાવતાં સ્વામીજી કહે છે કે એક વખત પોતે બનારસમાં ચાલ્યા જતા હતા. જંગલી વાનરોનું ટોળું તેમની પાછળ દોડ્યું, સ્વામીજી દોડવા લાગ્યા અને ટોળું તેમની પાછળ દોડ્યું. તેઓ ઝડપથી દોડતા ગયા તેટલી જ ઝડપથી ટોળું તેમની પાછળ આવતું ગયું. સ્વામીજીએ દૂરથી અવાજ સાંભળ્યોઃ “ભાગો નહિ, પણ તેનો સામનો કરો.” આ સાંભળી સ્વામીજી અટક્યા, પાછા ફર્યા અને વાનરાના ટોળા સામે તાકીને ઉભ રહ્યા. સ્વામીજીને આ રીતે દૃઢતાથી ઉભેલા જોઈને વાનરાનું ટોળું નાસી ગયું.

સાચું શિક્ષણ વ્યક્તિમાં હિંમત જન્માવે છે અને ભયને દૂર કરે છે. શક્તિ એ જીવન છે અને નિર્બળતા એ મરણ છે.આ નિર્બળતા એ આપણા હૃદયને કોરી ખાતું કેન્સર છે. નિર્બળતા ભયરૂપી સાગરમાં ખેંચી જતો મગર છે અથવા જીવનના પ્રવેશમાં એ ઘાતક હથિયાર છે. સ્વામીજીનો સૌથી પ્રથમ ઉપદેશ છે કે શક્તિશાળી બનો, નિર્ભય બનો. તેમનો આ સંદેશ શારીરિક, માનસિક, નૈતિક કે આધ્યાત્મિક દરેક બાબતમાં જ્ઞાનમાં સૌ પ્રથમ જરૂરી છે. સાચું શિક્ષણ તાકાતને જન્માવે છે, વિશ્વાસ સંપાદન કરે છે, શાંતિની પ્રતીતિ કરાવે છે અને આ રીતે વ્યક્તિ અને તે દ્વારા રાષ્ટ્રનો વિકાસ કરે છે. સ્વામીજી કહે છે આપણા દેશને સશક્ત સ્નાયુ અને દૃઢ મનોબળની જરૂર છે. એમ કરવાથી સાગરને તળીયે ડૂબકી મારવામાં કે મોતનો સામનો કરવામાં વ્યક્તિ પાછી નહિ પડે.

“ભયભીત બનીને લાંબો સમય આપણે રુદન કર્યું છે, રડવાનું બંધ કરો, હિંમત કેળવી સાચા માનવ બનો, બહાદુર અને નિર્ભય બનો તો તમારે માટેના બધા માર્ગ ખુલ્લા બની જશે. પ્યારા બાળકો ! તમારામાં લોખંડી સ્નાયુ અને દૃઢ મનોબળ રહેલાં છે તમારામાં ક્ષત્રિયનું વીર્ય (તાકાત) અને બ્રાહ્મણનું તેજ રહેલું છે, જે માનવતાના પ્રતીક સમાન છે. વિશ્વમાં કોઈપણ પાપ હોય તો તે ભય છે, ભયને દૂર કરો નિર્ભય બનો.” અત્યારે આપણો દેશ પ્રતિભાશાળી વ્યક્તિ અને સક્રિય માનવની જરૂરિયાત મહેસૂસ કરે છે. તાકાત એ જ તેને માટે યોગ્ય ઔષધિ છે. એ તાકાત તન, ન અને આત્માની હોવી જરૂરી છે. આને માટે વ્યક્તિમાં રહેલ ભય અને અજ્ઞાન એ બન્નેને દૂર કરવા એ જ સાચો ઉપાય છે. તાકાત એટલે નિર્ભયતા. વ્યક્તિને સાચું શિક્ષણ આપીને અજ્ઞાન અને ભયને દૂર કરો, તાકાત આપોઆપ આવી જશે. સાચો શિક્ષક એ છે કે વ્યક્તિને સત્કાર્ય કરવા અને નિર્ભયપણે બધાનાં કલ્યાણ માટે સજાગ અને સક્રિય બનાવે છે. સ્વામીજી કહે છે કે કોઈથી ડરો નહિ. આમ કરવાથી તમે કોઈ પણ કાર્ય કરવા શક્તિશાળી બનશો. આપણા દુઃખનું મૂળ કારણ ભય છે. નિર્ભયતા માણસના જીવનમાં સ્વર્ગ ખડું કરે છે. સ્વામીજીએ મહાન સૂત્ર આપ્યું છે : “ઊઠો, જાગ્રત બનો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”

તેઓ કહે છે કે ભગવાન શ્રીકૃષ્ણ આદર્શ કેળવણીકાર તરીકે અર્જુનને કહે છે, “હે અર્જુન ! તને આ પ્રતિકૂળ મોહ ક્યાંથી જન્મ્યો ? તું કાયર ન બન, તને આ શોભતું નથી, હૃદયની દુર્બળતા ત્યજી યુદધ કરવા માટે તૈયાર થા.” સર્વ દુઃખોનું મૂળ કારણ મોહ અને ભય છે. ભય એ જ પાપનું કારણ છે. મોહ ત્યજી નિર્ભય બની સત્કાર્ય માટે તૈયાર થઈ જા. નિર્ભયતા ત્યજીને સત્કાર્ય કરવું તે જ પુણ્ય છે.

કામ કરવા માટે આદર્શ અને વિદ્વાન શિક્ષકની જરૂર છે અને તેથી સ્વામીજી ‘ગુરુકુળ’ પદ્ધતિના શિક્ષણનો આગ્રહ કરે છે. શિક્ષણનું ક્ષેત્ર ત્યાગીઓને સોપવું જોઈએ. ત્યાગી અને સંન્યાસી વધારે સાચા અને સારા શિક્ષક બની શકે છે. તેમના શબ્દોમાં કહીએ તો શિક્ષણ અપાતું નથી, મેળવી શકાય છે. આને માટે નિઃસ્વાર્થ અને મમતાળુ શિક્ષકોને અનુભવ અને વિદ્વત્તા દ્વારા વિદ્યાર્થીને ધ્યેય પ્રાપ્તિ માટે પ્રોત્સાહિત કરવા યોગ્ય વાતાવરણ સર્જવું જોઈએ.

તેઓ કહે છે : ભય શા માટે ? ભયનાં દૂષણો શું છે ? અને તે દૂષણો દૂર કેમ કરી શકાય ? એક વ્યક્તિ બીજી વ્યક્તિને શા માટે ઇજા અથવા નુકસાન પહોંચાડે છે ? તેના જવાબમાં પોતે જ કહે છે કે વ્યક્તિને ભય લાગે છે કે બધી વ્યક્તિના કારણે પોતાને સંપૂર્ણ સુખ મળી નહિ શકે, અને તેવા માનસિક ભયને લીધે તે બીજાને ઇજા કરે છે અથવા પોતાના તાબેદાર બનાવે છે. જો એકબીજા વચ્ચે એકતા અને સમાનતાની ભાવના હશે તો ભયનું કારણ જ નહિ રહે. હું અને બીજી વ્યક્તિ જુદા નથી, અનોખા નથી. પ્લેગ આવે કે વાઘ આવે તો તે પ્લેગ કે વાઘ પણ હું જ છું. મૃત્યુ આવે તો મૃત્યુ પણ હું જ છું. આવી ભાવના જન્મે તો ભયનું ભયનું કારણ જ ન રહે. જીવન અને મરણ બન્ને હું જ છું. તેમાં ભય નથી, પણ જ્યારે વિશ્વમાં અનોખા પ્રાણીભાવ જાગે છે ત્યારે ભય જન્મે છે. આ ભયના મૂળમાં અજ્ઞાન કારણભૂત છે. સાચા શિક્ષણમાં સત્યને યોગ્ય રીતે સમજવાની શક્તિ તે જ સાચું જ્ઞાન છે. એ મેળવ્યા પછી વ્યક્તિને આધ્યાત્મિક શિક્ષણ આપી શકાય; અને એમ થાય તો વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિને હિંમત, વિશ્વાસ અને મનની એકાગ્રતાથી જીતી શકે છે.

વસ્તુ ઉપયોગની હોય તો જ તેની કિંમત આંકી શકાય છે અને તેની ઉપયોગિતા પ્રમાણે તેની કિંમત વધે-ઘટે છે જેમ ઉપયોગ વધુ તેમ તેની કિંમત વધુ. શિક્ષણ ઉપયોગી હોય તો તેની કિંમત છે અને જો કિમતી હોય તો તે ઉપયોગી છે. શિક્ષણ માણસને ચાર રીતે ઉપયોગી છે. શારીરિક, બૌદ્ધિક, ભાવાત્મક અને આધ્યાત્મિક. શારીરિક દૃષ્ટિએ બાળક સશક્ત હોવો જોઈએ. ભાવનાત્મક દૃષ્ટિએ બાળક સશક્ત હોવો જોઈએ. ભાવનાત્મક દૃષ્ટિએ બહાદુર અને પ્રેમાળ હોવો જોઈએ અને બૌદ્ધિક દૃષ્ટિએ સાચા-ખોટાને પારખી શકતો હોવો જોઈએઅને આધ્યાત્મિક દૃષ્ટિએ મનની શાંતિ સાથે દંભ વિનાનું અને સૌના ભલા માટેનું જીવન જીતી શકતો હોવો જોઈએ. આ રીતે આત્મવિશ્વસ, આત્મઉન્નતિ અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. અને એ જ સાચા શિક્ષણનું ધ્યેય છે. મનની એકાગ્રતા દ્વારા સંપૂર્ણ શાંતિ અને સંતોષ એ જ માનવજીવનનું ધ્યેય છે. માનવજીવનમાં ઉદ્‌ભવતા પ્રશ્નોને સારાસાર સમજી નિર્ણય કરવો તે બૌદ્ધિક પ્રાપ્તિનું ઉત્તમ લક્ષણ છે, અને એમ વિચારી કરીને વ્યક્તિ સર્જનાત્મક કાર્યમાં મગ્ન અને મસ્ત બની જશે. ભાવનાશીલ શિક્ષણમાં વ્યક્તિમાં છુપાયેલ પ્રેમને જાગૃત કરીને શુદ્ધ ચારિત્ર્યઘડતર તરફ લઈ જશે. શારીરિક શિક્ષણ દ્વારા વિશ્વકલ્યાણની ભાવના માટે પોતાની શક્તિનો સદ્‌ઉપયોગ કરતાં શીખશે. આ રીતે સ્વામીજીની શિક્ષણ માટેની વિચારધારા વ્યક્તિશિક્ષણ મારફત વિશ્વકલ્યાણ અને વિશ્વશાંતિની છે.

હાલમાં પ્રવર્તતી શિક્ષણની વિવિધ શાખાઓ જેવી કે સામાન્ય શિક્ષણ, સ્ત્રી શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, ધંધાકીય શિક્ષણ, ઔદ્યોગિક શિક્ષણ... વગેરે પ્રકારના જુદા જુદા ક્ષેત્રમાં શિક્ષણર્નુ કાર્ય થઈ રહ્યું છે. આ બધી શાખાઓ દ્વારા શિક્ષણની પ્રક્રિયા ચાલી રહી છે, પણ રાષ્ટ્રિય શિક્ષણ માટે આજ સુધી આપણે બહુ ઓછું કર્યું છે. રાષ્ટ્રિય શિક્ષણ એવં હોવું જોઈએ કે તે વ્યક્તિ, ચારિત્ર્ય અને રાષ્ટ્રનું યોગ્ય રીતે ઘડતર કરી શકે. જે શિક્ષણ સ્વાર્થ અને ગળાકાપ હરીફાઈ તરફ દોરી જાય તે સાચું શિક્ષણ નથી. સાચું શિક્ષણ તો વ્યક્તિને દૂષણનું દર્શન કરાવે ને અજ્ઞાનમાં અંધકારમાંથી બહાર લાવે તેવા પ્રકારનું હોવું જોઈએ. એક શિક્ષણકાર તરીકે સ્વામીજી કહે છે કે આ બધા દૂષણોનું મૂળ અજ્ઞાન છે અને એને માટે ‘ગુરુગૃહવાસ’ અને ‘ગુરુકુળ’ પદ્ધતિનું શિક્ષણ જરૂરી છે.

એવી કોઈ વ્યક્તિ નથી કે જેનામાં સુષુપ્ત શક્તિ ન હોય, અને એવી કોઈ વ્યક્તિ નથી કે જે ઉપયોગી ન હોય. દરેકમાં તાકાત છુપાયેલી પડી છે. દરેક વ્યક્તિ શાશ્વતતાની વારસદાર છે. દરેક આત્મા પરમાત્માનો અંશ છે. દરેક વ્યક્તિમાં છુપાયેલી શક્તિને તેના યોગ્ય ઉપયોગ માટે જાગ્રત કરવી જરૂરી છે. જીવનની પરિપૂર્ણતા માટે આ શક્તિનો ઉપયોગ કરવો જરૂરી છે. અને તેમ કરીને વ્યક્તિમાં રહેલ દેવત્વને સમાજ ઉપયોગી બનાવવું તે જરૂરી છે.

વ્યક્તિના પ્રયત્નો, તેની કાર્ય કરવાની પદ્ધતિ, એમ કરવા માટેનો તેનો હેતુ આ બધા માટે તેનામાં રહેલી સમજણ અને શક્તિને યોગ્ય રીતે વાળીએ એ જ સાચું શિક્ષણ છે. છુપાયેલી વીજળીની શોધ કરવા માટે આપણે અનેક પદાર્થનું નિરીક્ષણ અને પરીક્ષણ કરીએ છીએ અને પછી તેને શોધી કાઢીએ છીએ. તેવી રીતે વ્યક્તિમાં છુપાયેલી શક્તિઓની શોધ કરવી જોઈએ. સોનાની શોધ માટે પ્રથમ સોનાની ખાણ શોધી કાઢવી જોઈએ અને પછી પ્રક્રિયા દ્વારા સોનું મેળવવું જોઈએ. આ જ રીતે વ્યક્તિની શક્તિ પિછાણીને તે શક્તિને યોગ્ય માર્ગે વાળવા તાલીમ આપવી જોઈએ. વૈદ્યો અને હકીમો જડીબુટ્ટીની શોધ કરે છે અને પછી તેનો યોગ્ય ઉપયોગ કરે છે. આવી જ રીતે વ્યક્તિની શક્તિને પિછાણનારા યોગ્ય શિક્ષકોએ તેવી શક્તિને શોધી કાઢવી જોઈએ અને તેની યોગ્ય તક ઝડપીને તાલીમ આપવી જોઈએ.

કોઈપણ પ્રવૃત્તિ કે સંસ્થા એ માનવજાતના કલ્યાણ માટે હોવાં જોઈએ. તેના ફળ વિકાસ અને અસ્તિત્વ માટે કુશળ સ્ત્રી-પુરુષોની જરૂર છે. કોઈ પણ પેઢી કે કારખાનુ, સંસ્થા કે કાર્યાલય, લશ્કર કે કેળવણી સંસ્થા એ માનવસેવા માટે જ અસ્તિત્વમાં છે અને તે બધાને શક્તિ, રુચિ અને આવડત ઓછે-વત્તે અંશે ઈશ્વરે આપેલાં છે. આપણા દેશની સુધારણા માટે દરેક વ્યક્તિએ દરેક જગ્યાએ યોગ્ય કાર્ય કરવું જરૂરી છે. આ માટે સ્વામીજીએ દેશમાં પરિભ્રમણ કરીને અને રામકૃષ્ણ મિશન જેવી સંસ્થાનાં કેન્દ્રો સ્થાપીને ધર્મ અને શિક્ષણનો સમન્વય સાધીને યુવાનોમાં રહેલી શક્તિઓને જાગૃત કરવા પ્રયત્ન કર્યો છે.

રામાયણમાં વિશ્વામિત્રે સમાજકલ્યાણ માટે યજ્ઞનું આયોજન કર્યું હતું. આ કાર્ય પરિપૂર્ણ કરવામાં માત્ર વ્યક્તિની જ જરૂર હતી એટલું નહિ, પણ અસામાજિક તત્ત્વોનો નાશ કરવા શારીરિક સામર્થ્ય, દૃઢ મનોબળ, અને નિર્ભયતાની પણ જરૂર હતી. આ બધું કામ પરિપૂર્ણ કરવા માટે તેમણે શ્રીરામમાં છુપાઈને પડેલી શક્તિનાં દર્શન કર્યાં. રામ બહાદુર પિતા દશરથના બહાદુર અને શક્તિશાળી પુત્ર છે એમ ખાતરી થતાં તેમને પોતાના ‘ગુરુકુળ’માં લઈ ગયા અને ‘ગુરુગૃહવાસ’ સેવીને અનિષ્ટનો નાશ કરવા માટેની સંપૂર્ણ તાલીમ આપી. એ તાલીમ પૂરી કર્યા પછી સામાન્ય લોકોને ત્રાસ આપતા અને જનકલ્યાણનાં કામમાં બાધા પહોંચાડતા રાક્ષસોનો વિનાશ કરવા માટે સંપૂર્ણ સજ્જ કર્યા. આ રીતે વિશ્વામિત્ર એક આદર્શ શિક્ષણકાર છે જેણે વ્યક્તિમાં છુપાયેલી શક્તિનાં દર્શન કર્યાં, તેનામાં નિર્ભયતા કેળવી અને દૂષણનો નાશ કરવા માટે યોગ્ય તાલીમ આપી. એ તાલીમના પરિણામરૂપે જ સમાજને અડચણરૂપ રાક્ષસો તેમજ રાવણનો નાશ કર્યો અને તે દ્વારા માનવકલ્યાણનું એક ઉત્તમ કાર્ય કર્યું. એ જ રીતે સ્વામી વિવેકાનંદ કહે છે કે શિક્ષણની નીતિ એવી બનાવો કે યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે અને માનવકલ્યાણ અર્થે તે શક્તિ વાપરે તેવી તાલીમ મેળવે. માનવ સેવા માટે પોતાની સેવા અને શક્તિને સમર્પણ કરનાર ડૉક્ટર અન્ય સામાન્ય ડૉક્ટર કરતાં વધારે સારા ડૉક્ટર બની શકે છે. આ જ પ્રમાણે જુદાં-જુદાં ક્ષેત્રમાં રહેલ દરેક વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવે પોતાની શક્તિનો સદ્‌ઉપયોગ કરે તેવું શિક્ષણ આપે, તેને સ્વામી વિવેકાનંદ સાચું શિક્ષણ કહે છે. આ પ્રમાણેનું શિક્ષણ આપવામાં આવે તો સમાજમાં ઘર કરી બેસેલાં દૂષણો જેવાં કે ભ્રષ્ટાચાર, છેતરપિંડી, બિનવફાદારી, દંભ અને નફાખોરી નાબૂદ થઈ જશે.

સારી શિક્ષણનીતિના વિરોધમાં આપણને બે ઉદાહરણ જોવા મળે છે. આવી ભૂલભરેલી નીતિમાં વ્યક્તિની શક્તિને ઓળખવામાં ભૂલ થાય છે, તે શક્તિને યોગ્ય તાલીમ અપાતી નથી. અથવા તો તે શક્તિને યોગ્ય માર્ગે વાપરવામાં આવતી નથી. પ્રથમ ઉદાહરણમાં એકલવ્યની શક્તિને ગુરુ દ્રોણ પારખી શક્યા હશે પણ તેનામાં રહેલી શક્તિને ‘ગુરુગૃહવાસ’ પદ્ધતિ મારફત યોગ્ય તાલીમ આપી ન શક્યા. પોતાની આવડતથી પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિને ગુરુપ્રતિમાની પ્રત્યક્ષ રહેલી એકલવ્યે કેળવી અને સમાજસેવા માટે તે શક્તિનો ઉપયોગ કરવાનો સમય આવ્યો ત્યારે એકલવ્યનો અંગૂઠો દાનમાં માગી સેવા કરવાની દિશાઓ બંધ કરી દીધી. આમ શક્તિને યોગ્ય માર્ગે વાળવામાં ભયંકર ભૂલ થઈ.

બીજું કર્ણનું ઉદાહરણ છે. કર્ણની શક્તિને પિછાણવામાં આવે છે અને તેને યોગ્ય રીતે તાલીમ આપવામાં આવે છે ત્યાં સુધી કશો વાંધો નથી; પણ તે શક્તિનો સદ્‌ઉપયોગ કરવાને બદલે વેરવૃત્તિથી પીડાતા દુર્યોધને વેર વાળવા માટે જ કર્યો, પણ સમાજનાં સત્કાર્ય માટે થઈ શક્યો નહિ.

સ્વામીજી કહે છે કે યુવાનોમાં અખૂટ શક્તિ પડેલી છે. સૌ પ્રથમ તેવા શક્તિશાળી યુવાનોને પિછાણો, તે શક્તિને યોગ્ય તાલીમ મળે તેવું વાતાવરણ રચો અને વ્યક્તિ અને દેશની પ્રગતિ માટે યોગ્ય તાલીમ આપો. તે તાલીમની સાથે ત્યાગ અને સેવાની ભાવના વિકસાવો. આમ કરવા માટે કેટલીક બાબતો ખૂબ જ જરૂરી છે.

(૧) આત્મવિશ્વાસ :-

આત્મવિશ્વાસ વિનાની વ્યક્તિ એ જીવતા ગુલામ જેવી છે, આત્મવિશ્વાસ વિહોણી વ્યક્તિ એ બુદ્ધિ વિનાના પશુ સમાન છે. ભયથી જીવતી વ્યક્તિ ખરેખર નિર્જીવ છે. માત્ર હલન-ચલન કરે છે એટલું જ છે. સાચી કેળવણી તો માનવને સાચો માનવ બનાવે છે, તેનામાં રહેલી માનવતાને જાગ્રત કરે છે, તેનામાં રહેલા આત્મતત્ત્વનું ભાન કરાવે છે. ‘સ્વ’ વિશે સભાન બનાવે છે. આ માટે સ્વામીજી એક ઘણું જ સરસ ઉદાહરણ આપે છે, કે સિંહનું બચ્ચું ઘેટાનાં બચ્ચાં સાથે ઉછરીને મોટું થાય છે અને તેની સાથે રહ્યું હોવાથી તેનાં જેવું જ આચરણ કરતા ટેવાય છે. અને તેના લીધે ઘેટાનાં બચ્ચાની પલાયનવૃત્તિ અને ભય વિકાસ પામે છે. એક દિવસ પાણીમાં પોતાનું પ્રતિબિંબ એ જુએ છે ત્યારે બીજા બચ્ચા કરતાં તે જુદું હોવાનું તેને ભાન થાય છે. એક દિવસ તે સિંહની ગર્જના સાંભળે છે અને પોતે પણ તેવી જ ગર્જના કરીને તે સિંહની સાથે ચાલ્યું જાય છે. આમ વ્યક્તિને ‘સ્વ ભાન’ થાય છે ત્યારે તેનામાં રહેલી શક્તિ જાગૃત થાય છે. એ સમયે તે શક્તિને યોગ્ય માર્ગે વાળવી અને યોગ્ય તાલીમ આપવી તે કેળવણીકારનું કામ છે.

રામાયણમાંથી આ માટે સ્વામીજી એક સુંદર ઉદાહરણ આપે છે સીતાજીની શોધમાં નીકળેલા જાંબુવાન, હનુમાન, અંગદ વગેરે વાનસમૂહ ભારતના દક્ષિણ કિનારે પહોંચે છે. સાગર ઓળંગીને સામે કિનારે પહોંચવાનું ભગીરથ કાર્ય સામે આવે છે. સૌ મુંઝાઈને એકબીજાની સામે જુએ છે. હનુમાનજીને પોતાની શક્તિનો ખ્યાલ નથી અને તેથી તેઓ મુંઝવણ અનુભવે છે. એ વખતે જાંબુવાન કહે છે ‘હે અંજનીપુત્ર ! મુંજાઈને કેમ બેઠા છો ? તમને તમારી શક્તિનો ખ્યાલ નથી. જે બાળપણમાં સૂર્ય સુધી પહોંચી શકે તેને અહીંથી લંકા સુધી પહોંચવામં શી હરકત હોય ?’ આમ પ્રોત્સાહન મળવાથી હનુમાનજી તે કાર્ય કરી શક્યા. સ્વામીજી કહે છે કે આદર્શ શિક્ષણકારે યુવાનોમાં છુપાયેલી શક્તિ, માનવતા, અને પ્રભુત્વને શોધી કાઢવાનાં છે, તેને યોગ્ય તાલીમ આપવાની છે અને તેને યોગ્ય માર્ગે વાળવા અનુકૂળ વાતાવરણ સર્જવાનું છે.

(ર) રાષ્ટ્રિય ગૌરવ :-

આપણાં પૂર્વજોનાં ઉમદા વારસો, સંસ્કૃતિ તે રાષ્ટ્રિયતાને યાદ કરતાં આપણને આપણી છુપી શક્તિનું ભાન થાય છે. ભારતના દક્ષિણ છેડે (અઢારસો બાણુના) ડિસેમ્બરમાં એકાંત ખડક પર પ્રેમ અને ભક્તિભાવ પૂર્વક મા ભોમ ભારતને યાદ કરી એકપગે સ્વામી વિવેકાનંદ અચળ ઉભા રહ્યા. અને તેમણે મા ભારતીના મૂળ સ્વરૂપે દર્શન કર્યાં. તેમના જ શબ્દોમાં કહીએ તો ‘હે માતૃભૂમિ ! હું આપનો બાળક છું. તેનું મને ગૌરવ છે.’ આ સમયે તેમને માતૃભૂમિની ભવ્યતા અને તેના ગૌરવનો ખ્યાલ આવ્યો. માતૃભૂમિ ભારત સર્વધર્મોની માતા, માનવજાતનું પારણું અને પૃથ્વી પરનું સ્વર્ગ છે. અંગ્રેજ વિદ્વાન લોર્ડ મેકૉલે કબૂલ કરે છે : “જ્યારે ઇંગ્લૅન્ડના લોકો પ્રાથમિક અવસ્થામાં ભટકતા હતાં ત્યારે ઈશુ ખ્રિસ્તના જન્મ પહેલાં આ ભારત દેશે સૈકાઓ પહેલા સંસ્કૃતિની ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી છે.” પ્રો. ઉકાકુરા જાહેર કરે છે : “બુદ્ધના સમયની પહેલાં સાંખ્ય તત્ત્વજ્ઞાન, અણુપદ્ધતિ વિશે આ ભારત દેશે બુદ્ધિપૂર્વકની પ્રગતિ અને સંશોધન કર્યાં છે. આર્યભટ્ટે ગણિત, વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રના પાયાના સિદ્ધાંતોને વિકસાવ્યા છે. વીન ડોન્ટ જરા પણ ખટકાટ અનુભવ્યા સિવાય સ્વીકારે છે : “ભારત માનવવંશની સુધારણાનું મૂળ છે અને સંસ્કૃત ભાષા યુરોપની અનેક ભાષાઓની માતા છે, ઉદ્‌ભવસ્થાન છે. ગ્રામસ્વરાજ્ય અને લોકશાહીનો રાજકીય આદર્શ શીખવનાર આ ભારતભૂમિ છે. આ રીતે ભારતમાતા આપણા બધાની માતા છે. રોમાં રોલાં, એક ફ્રેન્ચ સંત કહે છે : “ભારત એક એવું સ્થળ છે કે જ્યાં માનવના અસ્તિત્વ વિશેની વિચારધારાનો સૌ પ્રથમ ખ્યાલ આવ્યો.” આપણી માતૃભૂમિની મહત્તા અને ગૌરવ વિશે જેમ જેમ વિચારીએ છીએ તેમ તેમ આપણા લોકોને આપણી ભૂમિ વિશે વધારે ને વધારે પ્રેમ અને શ્રદ્ધા જન્મતાં જાય છે. આપણી ભૂમિના બાળક સ્વામીજી આપણી પુરાતન સંસ્કૃતિ વિશે ગૌરવ અનુભવે છે. “કુદરત તરફ પાછા વળો, મજબૂત બનો અને આપણા ભવ્ય ભૂતકાળને યાદ કરી પોતાની જાતને ઓળખો.” સ્વામીજીનાં દરેક વક્તવ્યમાં રાષ્ટ્રિય ગૌરવ અને વ્યક્તિની શક્તિ તથા શ્રદ્ધાને મહત્ત્વનું સ્થાન આપવામાં આવે છે. તેઓ કહે છે “મહાન બનો, અને ભારતની શક્તિ, રચનાત્મક ભાવના, ચારિત્ર્ય અને ધાર્મિકતાને યાદ રાખો. આ બધી બાબતમાં ભારત વિશ્વમાં મોખરાનું સ્થાન ભોગવે તે માટે પ્રયત્નશીલ રહો.”

(૩) સર્જનાત્મકતા :-

વિદ્વાન માણસોએ જણાવ્યું છે તે મુજબ સ્વામીજી એક આદર્શ શિક્ષણકાર છે. કારણ કે, તેઓ દરેકમાં રચનાત્મક બાબત નિહાળે છે. કશાયમાં ખંડનાત્મક દૃષ્ટિથી જોતા નથી. સ્વામીજીએ હંમેશાં જેનો પ્રચાર કર્યો છે તે બે બાબતો મુખ્ય છે. પ્રથમ નિર્ભયતા અને તાકાત. શારીરિક શક્તિમાં બીજાના શ્રમથી જીવવું અને ગળાકાપ હરીફાઈમાં રાચવું એ યોગ્ય નથી, પણ સર્વ મનુષ્યો પ્રત્યે સહકારથી વર્તીને સમૂહલ્યાણની ભાવના મુજબ વર્તવું તે યોગ્ય છે. શારીરિક શક્તિનો સાચો ઉપયોગ આત્મસમર્પણ કરી વ્યક્તિમાં રહેલ દિવ્યતાને પ્રક્ટાવવી તે છે.

ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એ મૂર્ખાઈ નથી. તેવી રીતે માનવતા પ્રત્યેનો પ્રેમ એ નબળાઈ નથી. રચનાત્મક ભાવનાથી જીવનને જીવવા લાયક અને સુખી બનાવવું તે જ સાચી રચનાત્મક ભાવના છે. વૃત્તિઓને દબાવવી એ મુશ્કેલ છે. મનને સંયમમાં રાખવું તે તેનાથીય વધારે મુશ્કેલ છે. વૃિ ાઓનું ખોટી રીતે ઊર્ધ્વીકરણ થવા દેવું અને ખોટી કલ્પના સેવવી તે નર્યો દંભ છે. સામાન્ય લોકોનાં વૃત્તિ અને સમજણને યોગ્ય રીતે સમજીને તેને માનવતા તરફ અને તેમાંથી દિવ્યતા તરફ લઈ જવું તે શિક્ષણનું મુખ્ય કાર્ય છે. જ્યાં માનવ પ્રત્યેનો પ્રેમ છે ત્યાં મનની સંકુચિત વૃત્તિ રહેલી નથી. જ્યાં ભક્તિભાવ અને સમર્પણની ભાવના છે ત્યાં શક્તિ અને નિર્ભયતા આપોઆપ આવી જાય છે, બૌદ્ધિક સ્તરે આપણી સારાસારની સમજણને અયોગ્ય માર્ગે જવા દેવી તે ગુનો છે. ટોળાશાહીમાં ગુલામી માનસ પ્રક્ટે છે. જ્યાં સમજણનો અભાવ છે ત્યાં અંધશ્રદ્ધા ફેલાય છે. જ્યાં અભિમાન દ્વારા બુદ્ધિને પકડી લેવામાં આવે છે ત્યાં પશુતા પ્રક્ટે છે. અભિમાની વ્યક્તિ સ્વાર્થ તરફ ઢસડાય છે. તેથી અભિમાનને કાબૂમાં રાખવું તે માનવનું યોગ્ય લક્ષણ છે. અભિમાનને યોગ્ય રીતે દબાવીને વ્યક્તિનું વર્તન કરવું તે દૈવી છે. સ્વામીજી વહેમ, કલ્પના, પશુતા વગેરેને દબાવીને આત્મનિર્ભરતા, આત્મસમર્પણ, ભક્તિભાવ અને માનવતાવાદ તરફ જવા કહે છે. તેઓ કહે છે કે માનવ બીજું કશુંય ન બની શકે તો માત્ર માનવ બને અને તે પૂર્ણ માનવ.

(૪) સામૂહિક કેળવણી :-

ફળના નામે ઝાડ ઓળખાય છે. તેવી રીતે કોઈ પણ રાષ્ટ્રની સાચી પિછાણ તેની પ્રજા પરથી થઈ શકે છે. દેશમાં આવેલાં ખાણ, ખેતરો, પર્વતો, વન કે કારખાના પરથી ખરી પિછાણ મળતી નથી. માત્ર સંપત્તિથી નહિ પણ બધી રીતે સમૃદ્ધ નાગરિકોથી દેશ સાચો સમૃદ્ધ બને છે. આ સમૃદ્ધિ એટલે ભૌતિક સંપત્તિ ઉપરાંત શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક સંપત્તિનો સમાવેશ થાય છે. આવી સમૃદ્ધિ પ્રાપ્ત કરવા શિક્ષણ આવશ્યક બની રહે છે. એ શિક્ષણ એવું હોવું જોઈએ કે માનવમાં રહેલ પ્રભુત્વને પ્રદર્શિત કરે. અને માનવમાં રહેલી પશુતાને દૂર કરી, સંપૂર્ણ માનવ બનાવે.

પુરાતન ભારતમાં ધર્મ અને શિક્ષણનો સમન્વય સાધીને માનવીને વધારે સારો માનવ, નરમાંથી નારાયણ અને ધર્મપ્રિય સત્ય વ્યક્તિ બનાવવાનો ઉદ્દેશ હતો. શિક્ષણનું દરેક અંગ ધાર્મિક હતું અને ધર્મનું દરેક અંગ શૈક્ષણિક હતું. બન્ને એકબીજા સાથે એવા વણાઈ ગયા હતા કે તેમને જુદા માનવા અશક્ય હતું. માનવનાં કોઈ પણ કાર્યને અયોગ્ય કે હલકું માનવામાં આવતું ન હતું. આથી મનની શુદ્ધિ સાથે કરવામાં આવેલું કાર્ય એ કાર્ય ન રહેતાં ભક્તિ બની રહેતું અને એ રીતે માનવીનાં મનમાં શૈક્ષણિક ધર્મ પ્રત્યેની લાગણી અને રુચિ કેળવવામાં આવતી હતી. સ્વામીજી ધર્મ અને શિક્ષણ વિશે ભારપૂર્વક કહે છે કે સામૂહિક કેળવણી એ શિક્ષણ અને ધર્મને ઓતપ્રોત કરવાનું યોગ્ય સાધન છે. શિક્ષણ પામેલી વ્યક્તિ જો ગરીબ અને કચડાયેલા સમાજ માટે કશું જ ન કરી શકે તો તે સમૂહના ભોગે શિક્ષણ પામેલ માનવદ્રોહી વ્યક્તિ જ છે.

પ્રજા એ રાષ્ટ્રની સંપત્તિ છે. અને એ સંપત્તિનું મૂલ્યાંકન તેમાં રહેલા સદ્‌ગુણોથી થઈ શકે છે. તેથી રાષ્ટ્રની પ્રજાને યોગ્ય શિક્ષણ આપવું તે રાષ્ટ્ર માટે ફરજિયાત અને અનિવાર્ય બની રહે છે જ્યારે વિશાળ પ્રમાણમાં, વિશાળ સમૂહને આવા પ્રકારનું શિક્ષણ આપવાની પ્રક્રિયાને સામૂહિક શિક્ષણ કહી શકાય. સમૂહને માત્ર લખતાં-વાંચતાં શીખવવાથી સમૂહ શિક્ષણનું કામ પરિપૂર્ણ બની જતું નથી.

જીવનમાં આપણે એક યા બીજા પ્રકારે લોકોને સામૂહિક શિક્ષણ આપતા જ રહીએ છીએ. તે ફક્ત શાળામાં જ મર્યાદિત નથી. વ્યક્તિ જે ક્ષેત્રમાં કામ કરે છે ત્યાં તેના વાતાવરણમાં તેને સામૂહિક શિક્ષણ આપી શકાય અને તેનામાં રહેલી માનવતાને ઉચ્ચ માનવ બનવા માટે પ્રેરણા આપી શકાય.

સામૂહિક શિક્ષણ મારફત વ્યક્તિને ઉમદા વ્યક્તિ બનાવવી એટલું જ બસ નથી પણ તેનામાં રહેલી સુષુપ્ત શક્તિને જાગૃત કરવી અને સ્વભાન (આત્મજ્ઞાન) પણ કરાવવાનું છે. માનવને પશુતામાંથી પ્રભુત્વ તરફ લઈ જવામાં જેટલી સફળતા તે શિક્ષણની સાચી સફળતા છે. માનવ એક સામાજિક પ્રાણી છે તેમાં શંકા નથી, પણ તે પશુતાને દૂર કરી તેનામાં રહેલા દેવત્વને પ્રદર્શિત કરવું તે કેળવણીનો સાચો હેતુ છે. આના માટે પ્રેમ, શાંતિ અને ભાઈચારો જરૂરી છે. એકબીજાના પ્રેમ સિવાય ભાઈચારો શક્ય બનતો નથી. જ્યાં સુધી સમાજ શાંતિ અને સામાજિક એકતા સાધી ન શકે ત્યાં સુધી રાષ્ટ્રની પ્રગતિ શક્ય બનતી નથી.

ભણેલાને પણ કેળવણી આપવી જરૂરી છે. ડૉક્ટર, એન્જિનિયર કે વકીલ તેના ક્ષેત્ર માટે જરૂરી જ્ઞાન ધરાવતાં હશે જ. પણ સંભવ છે કે તેના આ જ્ઞાન અને અનુભવને સમાજને વધોર ઉપયોગી થવા માટે કેળવણી અથવા તાલીમ મેળવવાની જરૂર છે. આવા પ્રકારની કેળવણી એ સાચી સામૂહિક કેળવણી છે. આત્મસમર્પણ, આત્મવિશ્વાસ, અને સ્વાભિમાન, સેવા અને ત્યાગ એ ભારતનો અમૂલ્ય વારસો છે. સ્વામીજી આ બાબત પર ભાર મૂકતાં કહે છે કે આપણે તેને તપ અને યજ્ઞ દ્વારા ઓળખીએ છીએ. મનની લાગણીઓને ખોટે માર્ગે જતાં રોકવી તે તપ છે. તે લાગણીને યોગ્ય માર્ગે વાળીને વ્યક્તિની શક્તિનો સદ્‌ઉપયોગ કરવો તે યજ્ઞ છે. સંસ્થાગત કે સામૂહિક શિક્ષણમાં ‘ત્યાગ’ અને ‘સેવા’ આ બન્ને ભાવનાને વિકસાવવી તે મુખ્ય છે.

જો વ્યક્તિના હૃદયમાં યજ્ઞની ભાવના વિકસાવવામાં આવશે તો તપ તેને આપોઆપ અનુસરશે. ભારતના ઉત્તર છેડે ઉન્નત હિમાલય પર બિરાજેલ મહાદેવે અને ભારતના જ દક્ષિણ છેડે તપ કરતાં સ્વામીજીએ ભારતની પ્રજામાં આવા પ્રકારની ભાવના રેડાય અને રેલાય તેવું તપ કર્યું છે. અને આપણી માતૃભૂમિ ભારત પોતાની પ્રજાને માનવમાંથી પૂર્ણમાનવ અને તેમાંથી પ્રભુતા તરફ લઈ જવા પ્રેરણા આપે છે. એક કેળવણીકાર તરીકે સ્વામીજી ત્યાગ અને સેવાને માનવજાતની સુધારણા માટે અવિભાજ્ય અને અનિવાર્ય અંગ ગણે છે અને તેથી સામૂહિક શિક્ષણમાં આનો સમાવેશ અનિવાર્ય છે.