Safaltana Sopan books and stories free download online pdf in Gujarati

Safaltana Sopan

સફળતાનાં સોપાનો

વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરણાદાયી અને વિશેષ ઉપયોગી પુસ્તિકા

સ્વામી વિવેકાનંદ


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

પ્રકાશકનું નિવેદન

આજના સ્પર્ધાત્મક અને માનસિક તનાવપૂર્ણ યુગમાં એકાગ્રતા, આત્મશ્રદ્ધા અને ઉત્તમ વિચારશક્તિ કેળવીને દૃઢ મને જગત સામે ઊભા રહેવાની અને બધા પડકારોની વચ્ચે ઊભા થવાની શક્તિ અર્પતી સંજીવની સમી પુસ્તિકા ‘સફળતાનાં સોપાનો’ વિદ્યાર્થીઓ અને યુવાનો સમક્ષ મૂકતાં અમે આનંદ અનુભવીએ છીએ.

આ પુસ્તિકામાં ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ના બધા ભાગોમાંથી વિદ્યાર્થીના જીવનઘડતરમાં અત્યંત ઉપયોગી બને એવા ઉત્કૃષ્ટ વિચારોનું સંકલન કરવામાં આવ્યું છે. આ કાર્યમાં સહાયતા બદલ આચાર્ય શ્રીસુનીલ આર. માલવણકરના અમે આભારી છીએ.

અમને આશા છે કે આ પુસ્તિકા વાંચીને વિદ્યાર્થીઓ અને યુવાનો સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચવા પ્રેરાશે.

-પ્રકાશક

અનુક્રમણિકા

૧.વિચારશક્તિ

૨.પ્રાર્થના

૩.એકાગ્રતા

૪.ધ્યાન

૫.સામર્થ્ય અને શક્તિ

૬.આત્મશ્રદ્ધા

૭.ઇચ્છાશક્તિ

૮.ભાગ્ય

૯.ચારિત્ર્ય

૧૦.સાચું સુખ

૧૧.સ્વાસ્થ્ય

૧૨.આહાર

૧૩.કર્તવ્ય

૧૪.શિક્ષણ

૧૫.પ્રેમ અને નિઃસ્વાર્થતા

૧૬.સફળતા

૧૭.સાચોધર્મ

૧૮.ભારત

૧૯.અભયવાણી

વિચારશક્તિ

૧. કાર્ય કરવું તે ઘણું સારું છે. પણ કાર્ય વિચારમાંથી ઉદ્‌ભવે છે.. તેથી મગજને ઊંચામાં ઊંચા વિચારોથી, શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો; તે વિચારો અને આદર્શોને દિવસરાત તમારી સમક્ષ રાખો; તેમાંથી જ મહાન કાર્યો જન્મશે.

ર. એક જ વિચારને પકડો. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, - તેને વિશે જ વિચાર કરો. તેના જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનો એકે એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો, અને એ સિવાયના બીજા દરેકેદરેક વિચારને બાજુએ મૂકો. સફળ થવાનો આ જ માર્ગ છે.

૩. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારાં જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો એ માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી હોય તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.

૪. આપણને ગતિ આપનારું બળ વિચાર છે. મનને ઉચ્ચ વિચ્રોથી ભરી દો, તેના વિશે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે, જીવનનું સૌંદર્ય છે.. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કાંઈ કિંમત નથી.

પ. નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો. ખરાબ સંસ્કારોને દબાવવાનો એક માત્ર ઉપાય એ જ છે.

૬. જેમ ખોટા વિચારો અને ખોટાં કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે, તેમજ બીજે પક્ષે પ્રેરક - આશાનાં કિરણો પણ છે કે સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહસ્ત્રદેવતાઓની શક્તિથી સર્વદા અને સદા માટે તૈયાર હોય છે.

૭. બચપણથી જ રચનાત્મક, દૃઢ અને સહાયક વિચારો તેમના (બાળકોના) મગજમાં દાખલ થવા દો.

૮. ખરાબ વિચારો ભૌતિક દૃષ્ટિએ જોતાં, રોગના જંતુઓ છે.

૯. શરીર તો અંદર રહેલા વિચારો મુજબ ઘડાય છે. આ રીતે દરેક રાષ્ટ્ર તે પ્રજાના વિચારોની અભિવ્યક્તિ છે.

૧૦. સારા અને નરસા વિચારના આપણે જ વારસદારો છીએ. જો આપણે આપણી જાતને પવિત્ર બનાવીએ તેમજ સદ્‌વિચારોનું સાધન બનાવીએ, તો સદ્‌વિચારો આપણામાં પ્રવેશ કરશે. સારો માણસ ખરાબ વિચારોને ગ્રહણ કરવાને તૈયાર નહિ હોય. દુષ્ટ વિચારો દુષ્ટ માણસોમાં જ સારું સ્થાન જમાવી શકે છે; યોગ્ય પ્રકારની જમીન મળે ત્યારે જ જન્મે અને વધે તેવા કીટાણુંઓ જેવા જ ખરાબ વિચારો છે.

૧૧. જે લોકો આ જીવનમાં નિરંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે. તેઓ કશું કરી શકતા નથી.

પ્રાર્થના

૧. પ્રાર્થનાથી માણસની સૂક્ષ્મ શક્તિઓ સહેલાઈથી જાગ્રત કરી શકાય છે.

ર. પ્રાર્થનામાં આપણે ‘ઈશ્વર સહુનો પિતા છે’ એમ કહીએ, અને રોજિંદા જીવનમાં પ્રત્યેક માનવીને આપણા ભાઈ તરીકે ન ગણીએ તો તેમાં શું વળ્યું ?

૩. પ્રાર્થના અને સ્તુતિ ઈશ્વર તરફના વિકાસ માર્ગમાં પ્રાથમિક સાધનો છે.

૪. શબ્દો નહિ પણ જરૂરિયાતની લાગણી એ જ સાચી પ્રાર્થના છે. પણ તમારી પ્રાર્થના ફળે છે કે નહિ તેની રાહ જોવા માટે તમારામાં ધીરજ હોવી જોઈએ.

પ. વિષાદ એ બીજું ગમે તે હોય, પણ ધર્મ નથી. હંમેશાં પ્રાર્થનાથી આનંદી અને હસમુખા બનવાથી મનુષ્ય ઈશ્વરની વધુ સમીપ પહોંચે છે.

૬. માતા એ શક્તિનું પ્રથમ-પ્રાગટ્ય છે... વિશ્વમાં રહેલી સમગ્ર શક્તિનો તે કુલ સરવાળો છે... માની ભાવના મનમાં દૃઢ થયા પછી આપણે બધું જ કરી શકીએ; પ્રાર્થનાનો તે તરત ઉત્તર આપે છે.

૭. પ્રાર્થના શું કોઈ જાદુમંત્ર છે કે તેના રટણથી તમે સખત કામ કરતા ન હો છતાં તમને અદ્‌ભુત ફળ મળી જાય ? ના, સૌને સખત કામ કરવાનું છે; સૌએ એ અનંતશક્તિના ઊંડાણે પહોંચવાનું છે. ગરીબની પાછળ તેમજ શ્રીમંતની પાછળ, એ જ અનંતશક્તિ રહેલી છે. એવું નથી કે એક માણસને સખત મહેનત કરવી પડે અને બીજો થોડાક શબ્દોના રટણમાત્રથી ફળ મેળવી જાય ! આ વિશ્વ એક અખંડ પ્રાર્થના છે. જો તમે પ્રાર્થનાને એ અર્થમાં સમજો તો હું તમારા મતનો છું. શબ્દો જરૂરી નથી, મૂક પ્રાર્થના વધુ સારી છે.

એકાગ્રતા

૧. એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહિ. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો નેવું ટકા ભાગ વ્યર્થ જાય છે, અને તેથી તે સતત ભૂલો કર્યા કરે છે; કેળવાયેલું મન અથવા માણસ કદી ભૂલો કરે નહિ.

ર. મન એકાગ્ર થયું છે તે જાણવું કેવી રીતે ? મન એકાગ્ર થાય એટલે સમયનો ખ્યાલ ચાલ્યો જાય. ખ્યાલ રહ્યા વિના જેટલો વધારે સમય ચાલ્યો જાય તેટલી એકાગ્રતા વધારે. જ્યારે આપણને કોઈ પુસ્તકમાં ખૂબ રસ પડે છે ત્યારે આપણને સમયનો ખ્યાલ બિલકુલ રહેતો નથી.

૩. મન જ્યારે ઘણું શાંત, એકાગ્ર હોય ત્યારે જ તેની સમગ્રશક્તિ સારું કામ કરવામાં વપરાય છે. જગતે ઉત્પન્ન કરેલા મહાન કાર્યકર્તાઓનાં જીવનચરિત્રો જો તમે વાંચશો, તો તમને જણાશે કે એ વ્યક્તિ અસાધારણ શાંત સ્વભાવની હતી.

૪. આપણે સ્વતંત્ર ! આપણે એક ક્ષણને માટે પણ આપણા પોતાના મન પર સત્તા ચલાવી શકતા નથી, એક વિષય ઉપર મનને કેન્દ્રિત કરી શકતા નથી, બીજી બધી બાબતોને છોડી દઈને મનને એક જ મુદ્દા પર એકાગ્ર કરી શકતા નથી ! છતાં આપણે પોતાને સ્વતંત્ર માનીએ છીએ ! જરા વિચાર તો કરો !

પ. એકાગ્રતાની શક્તિ કેવી રીતે મેળવવી તે શીખવવાનું વિજ્ઞાન છે રાજયોગ.

૬. ધન મેળવવામાં કે ઈશ્વરની આરાધના કરવામાં કે કોઈ કાર્યમાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે.

૭. મન જેટલું વધારે શુદ્ધ તેટલું તેને સંયમમાં લાવવું વધારે સહેલું છે. તેને કાબૂમાં લાવવું હોય તો તેની પવિત્રતા માટે ખાસ આગ્રહ રાખવો જોઈએ.

૮. મનને એક વસ્તુ પર એકાગ્ર કર્યા પછી આપણી મરજી મુજબ તેને તેમાંથી અલગ પાડી દઈ શકાતું નથી. આ અવસ્થા બહુ દુઃખદાયક નીવડે છે. તેથી એકાગ્રતાની શક્તિ સાથે જ અલગ થવાની શક્તિ પણ કેળવવી જોઈએ. આપણે મનને એક જ વસ્તુ પર પૂરેપૂરું કેન્દ્રિત કરતાં શીખવું જોઈએ, એટલું જ નહિ; પણ એક ક્ષણમાં જ તેને તેનાથી વેગળું કરી દઈને બીજી વસ્તુ પર લગાડતાં આપણને આવડવું જોઈએ.

૯. બાલ્યાવસ્થામાં જ એકાગ્રતાની તેમજ અલિપ્તતાની શક્તિ સાથોસાથ જ કેળવવી જોઈએ.

૧૦. નિયમિત પ્રાણાયામ શરીરને સંવાદી સ્થિતિમાં લાવે છે, અને ત્યારે મનને વશમાં લેવું સહેલું બને છે... આ બાબતમાં ફક્ત સાદો પ્રાણાયામ જ જરૂર છે... પછી શરીરની સૂક્ષ્મ ક્રિયાઓનો, સૂક્ષ્મ અને વધુ અંદરની ક્રિયાઓનો અનુભવ થાય છે... નિયમિત અને પદ્ધતિસરના પ્રાણાયામથી પહેલાં સ્થૂળ શરીર પર નિયમન લાવીને અને પછી સૂક્ષ્મ શરીર પર કાબૂ મેળવીને મનને કાબૂમાં લાવવામાં આવે છે.

ધ્યાન

૧. ધ્યાન શું છે ? ધ્યાન એ એવી શક્તિ છે કે જે આ બધાનો (પ્રકૃતિની ગુલામીનો) સામનો કરવાને આપણને શક્તિમાન બનાવે છે... પ્રકૃતિ કહે છે : ‘..હવે બેસીને રડ ! દુઃખના દરિયામાં પડ.’ હું (ધ્યાન કરનાર) કહું છું : ‘નથી પડતો, જા.’ અને ઊભો થઈ જાઉં છું.. એ શક્તિ ધ્યાનની છે.

ર. દરેક પ્રકારના સ્વભાવ માટે તેનો (ધ્યાનનો) પોતાનો અલગ માર્ગ છે. પરંતુ સર્વસાધારણ સિદ્ધાંત આ છે : મનને કાબૂમાં લો. મન એક સરોવર જેવું છે; તેમાં નાખેલો દરેક પથરો તરંગો ઉત્પન્ન કરે છે. આ તરંગો આપણે શું છીએ એ જોવા દેતા નથી.. એને સ્થિર થવા દો; પ્રકૃતિને તરંગ ઉત્પન્ન કરતી અટકાવો. શાંત રહો; થોડાક સમય પછી એ તમને છોડી દેશે. ત્યારે આપણે જાણી શકીએ કે આપણે શું છીએ.

૩. ધ્યાન એટલે એકાદ વિષય પર ચિત્ત કેન્દ્રિત કરવું તે. મન જો એક વિષય ઉપર કેન્દ્રિત થઈ શકે તો તેને ગમે તે વિષય ઉપર કેન્દ્રિત કરી શકાય... એકાદ તુચ્છ બાહ્ય વિષય પરના ધ્યાનનો અભ્યાસ પણ ચિત્તને એકાગ્રતા તરફ લઈ જાય છે. છતાં એ સત્ય હકીકત છે કે જે વિષય પર મનનું વલણ સહજ રીતે સ્થિર થવાનું હોય તેના પર જ ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે તો મન બધુ સહેલાઈથી શાંત બની જાય છે.

૪. બધા અવતારી પુરુષો, કવિઓ અને શોધકોમાં મહાન કલ્પનાશક્તિ હતી.. ‘કલ્પનાશક્તિ એ પ્રેરણાનું દ્વાર છે અને સઘળા વિચારનો આધાર છે.’

(યોગાભ્યાસની સફળતા માટે) ત્રણ અતિ આવશ્યક વસ્તુઓ નીચે પ્રમાણેની છેઃ

પહેલી : પવિત્રતા, શારીરિક અને માનસિક; દરેક પ્રકારની અપવિત્રતા જે કશાથી મનની અવનતિ થાય તે સર્વનો ત્યાગ કરવો જોઈએ.

બીજી : ધૈર્ય.. જો તમારામાં ધૈર્ય હશે તો અંતે સફળતા ચોક્કસ છે.

ત્રીજી : ખંત, સારી કે નરસી ગમે તેવી પરિસ્થિતિમાં, સાજા હોઈએ, માંદા હોઈએ, છતં ખંતપૂર્વક વળગી રહો. (ધ્યાનના) અભ્યાસમાં એક દિવસનો પણ અંતરાય પાડો નહિ.

સ્નાન કર્યા પછી, આસન સ્થિર કરીને બેસો; એટલે કે એવી કલ્પના કરો કે તમે ખડકની જેમ દૃઢ છો, કશું પણ તમને હલાવી શકે નહિ. માથું, ખભા અને બેઠક સીધી લીટીમાં રાખો અને કરોડને મુક્ત રાખો... સમગ્ર શરીરને કોઈપણ પ્રકારની ખામી વગરનું માનો, સત્ય પ્રાપ્તિ માટે ઈશ્વરે તમને આપેલું સાધન માનો.. આમ કર્યા પછી બંને નસકોરાં વડે ઊંડો શ્વાસ લો. પછી બહાર કાઢો, અને પછી બની શકે ત્યાં સુધી શ્વાસને બહાર રોકી રાખો. ચાર વાર આવા બહિઃપ્રાણાયામ કરો.

પ. આપણે આ અસ્થિર મનને પકડવાનું છે અને ભટકવામાંથી ખેંચીને તેને એક વિચાર પર કેન્દ્રિત કરવાનું છે. આમ વારંવાર કરવું જોઈએ.

૬. મનને પકડવાનો, સૌથી સરળ માર્ગ છે પ્રથમ શાંત બેસવાનો અને થોડોક સમય તેની ઇચ્છા મુજબ તેને ભટકવા દેવાનો. ‘મારું મન ભટક્યા કરે છે, હું તેનો દૃષ્ટા છું; મન એ હું નથી - એ વિચારને મક્કમ રીતે વળગી રહો. પછી મન જાણે કે તમારી જાતથી જુદી વસ્તુ હોય તે પ્રમાણે તેને વિચ્ર કરતું જુઓ.

૭. શ્વાસ જ્યારે ડાબા નસકોરામાંથી વહેતો હોય ત્યારે આરામ લેવાનો સમય છે. જમણામાંથી વહે ત્યારે કાર્ય કરવાનો સમય છે અને બન્નેમાંથી વહે ત્યારે ધ્યાનનો સમય છે એમ જાણવું. આપણે જ્યારે શાંત હોઈએ અને બંને નસકોરામાંથી સરખો શ્વાસ લેતા હોઈએ ત્યારે નીરવ ધ્યાન માટેની યોગ્ય સ્થિતિમાં છીએ.

૮. જેના પ્રત્યે મનને પૂજ્યભાવ હોય, જેને તમે સંપૂર્ણ વીતરાગ થયેલા જાણતા હો તેવા કોઈક પવિત્ર પુરુષ, કોઈક સંત મહાત્માનો વિચાર કરો, અને તેના પવિત્ર હૃદયનું ચિંતન કરો. એ હૃદય આસક્તિરહિત બન્યું છે, તમે તેના પર ધ્યાન કરો; એથી મન શાંત થશે.

સામર્થ્ય અને શક્તિ

૧. મારા મિત્રો ! તમારા એક સગાભાઈ તરીકે; જીવન અને મૃત્યુમાં તમારા સાથી તરીકે; હું તમને કહેવા માગું છું કે આપણે જોઈએ છે સામર્થ્ય, સામર્થ્ય; અને હર સમયે સામર્થ્ય.

ર. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે પોતાને સબળ માનશો તો તમે સબળ બનશો.

૩. જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે; માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો.

૪. જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે, તેમ તેમ મને વધારે ને વધારે લાગે છે કે મર્દાનગીમાં જ સઘળું રહેલું છે. આ માનો નવો સંદેશ છે.

પ. મારા બાળકો ! યાદ રાખજો કે ડરપોક અને નિર્બળ માણસો જ પાપ કરે છે અને અસત્ય બોલે છે. બહાદુર માણસો હંમેશાં નિતિમાન હોય છે. નીતિવાન બનો, બહાદુર અને સહૃદયતાવાળા બનો.

૬. શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદરૂપ છે, શાશ્વત અને અમર છે. નિર્બળતા સતત બોજો અને દુઃખ છે, મૃત્યુ છે.

૭. લોખંડી સ્નાયુઓ અને કુશાગ્રબુદ્ધિનો સંયોગ થાય તો આખું જગત તમારાં ચરણમાં પડે.

૮. બહાદુર બનો. વાસ્તવિકતાનો વાસ્તવિકતા તરીકે સામનો કરો. અનિષ્ટથી ડરીને વિશ્વમાં નાસભાગ કરો નહિ.

૯. ઊઠો, જાગો, વધારે ઊંઘો નહિ; બધી ખામીઓ અને બધાં દુઃખોને દૂર કરવાની શક્તિ તમારી અંદર જ છે.

૧૦. ચમત્કારોની ઘેલછા અને વહેમીપણું એ હંમેશાં મુડદાલપણાનાં ચિહ્‌નો છે; આ બધી અધઃપાત અને મોતની નિશાનીઓ છે, માટે એમનાથી સાવચેત રહો; સમર્થ બનો અને પોતાના પગ પર ખડા રહો.

૧૧. શીખવાનો પહેલો પાઠ આ છે; બહારની કોઈ બાબતને નહિ ભાંડવાનો, બીજા કોઈ માણસ ઉપર દોષનો ટોપલો નહિ ઓઢાડવાનો નિશ્ચય કરો, મર્દ બનો અને ટટ્ટાર રહીને દોષ પોતા ઉપર વહોરી લો, તમને જણાશે કે એ હંમેશાં સાચું જ હોય છે.

૧ર. તમારા પોતાના જ દોષોને માટે અન્ય કોઈનો વાંક કાઢો નહિ; તમારા પોતાના પગ પર ખડા રહો અને બધી જવાબદારી પોતાને માથે લો. એમ બોલો કે જે આ દુઃખ હું ભોગવું છું તે મારી પોતાની જ કરણીનું ફળ છે, અને એ હકીકત પોતે જ બતાવે છે કે એનો ઉપાય મારે એકલાએ જ કરવો પડશે.

૧૩. મારા યુવક મિત્રો ! સુદૃઢ બનો; મારી તમને એ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો. આ શબ્દો આકરા છે, પણ મારે તમને તે સંભળાવવા પડે છે; કારણ કે હું તમને ચાહું છું. મેં થોડોએક અનુભવ લીધો છે. તમારાં બાવડં અને સ્નાયુઓ જરા વધુ મજબૂત હશે તો તમે ગીતા વધુ સારી રીતે સમજી શકશો. તમારામાં જરા તાકાતવાળું લોહી હશે તો શ્રીકૃષ્ણની શક્તિશાળી પ્રતિભા અને મહાન સામર્થ્ય વધુ સારી રીતે સમજી શકશો. જ્યારે તમારું શરીર તમારા પગ ઉપર ટટ્ટાર ઊભું રહેશે અને તમને લાગશે કે તમે માણસ છો, ત્યારે ઉપનિષદો અને આત્માનો મહિમા સારી રીતે સમજશો.

૧૪. શ્રદ્ધાવાન બનો; બીજું સર્વ આપોઆપ પાછળથી આવવાનું જ છે.. કોઈ પણ વસ્તુથી ડરો નહિ. તમે અદ્‌ભુત કાર્ય કરી શકશો. જે ઘડીએ તમે ડર્યા તે ઘડીએ તમે કંઈ જ નથી. આ દુનિયામાં દુઃખનું મોટું કારણ ભય છે. મોટામાં મોટા વહેમ તો તે ભય છે. આપણી સંપત્તિઓનું કારણ કોઈ હોય તો તે ભય છે. અને પળવારમાં અહીં સ્વર્ગ ખડું કરનાર કોઈ હોય તો તે નિર્ભયતા છે. એટલા માટે ઊઠો ! જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.

આત્મશ્રદ્ધા

૧. આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મોટામાં મોટી મદદરૂપ છે. જો આ આત્મશ્રદ્ધાનો ઉપદેશ અને આચરણ વધુ વિસ્તૃત પ્રમાણમાં કરવામાં આવ્યા હોત, તો મારી ખાતરી છે કે અત્યારમાં અનિષ્ટો અને દુઃખોનો ઘણો મોટો ભાગ અદૃશ્ય થઈ ગયો હોત.

ર. મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ પાડનાર આ તેની શ્રદ્ધાનો તફાવત છે, બીજું કંઈ નહિ. આ શ્રદ્ધા એક માણસને મહાન અને બીજાને નબળો તથા નીચો બનાવે છે.

૩. માનવજાતિના સમગ્ર ઇતિહાસમાં સઘળાં મહાન નરનારીઓનાં જીવનમાં કોઈ પણ પ્રેરકબળ બીજા કરતાં વધુ શક્તિશાળી નીવડ્યું હોય તો તે આત્મશ્રદ્ધાનું છે. પોતે મહાન થવાને જન્મ્યા છે, એવાં ભાન સાથે જન્મેલાં હોવાથી જ તેઓ મહત્તાને પામ્યાં.

૪. માણસ ગમે તેટલો પતિત બની નીચે ગયો હોય, પરંતુ એક એવો કાળ જરૂર આવશે જ્યારે તે કેવળ નિરુપાય થઈને પણ ઉચ્ચ માર્ગ ગ્રહણ કરશે અને પોતામાં શ્રદ્ધા રાખતાં શીખશે. પરંતુ આપણે જો પ્રથમથી જ એ જાણીએ તો વધુ સારું. આપણને પોતામાં શ્રદ્ધા જન્મે એટલા ખાતર આ બધા કડવા અનુભવો શા માટે લેવા જોઈએ ?

પ. વીર યુવકો ! શ્રદ્ધા રાખો કે તમારા સહુનો જન્મ મહાન કાર્યો કરવા માટે થયો છે. કુરકુરિયાંના ભસવાથી ડરી જશો નહિ; અરે, આકાશના વજ્રપ્રહારથી પણ ભયભીત થશો નહિ. પણ ઊભા થાઓ અને કામે લાગો !

૬. તમારા રક્તમાં ઉત્સાહ ભરીને ઊઠો. આવો વિચાર જ ન કરો કે તમે ગરીબ છો, અગર તમારો કોઈ મિત્ર નથી. અરે, પૈસાથી માણસને તૈયાર થતો કોઈ કાળે કોઈએ જોયો છે ? માણસ તો પૈસાને પેદા કરનાર છે. આખી દુનિયા માણસની શક્તિથી બનેલી છે, ઉત્સાહની શક્તિથી-શ્રદ્ધાની શક્તિથી બનેલી છે.

૭. એકવાર માણસ પોતાની જાતને તિરસ્કારવા લાગ્યો એટલે તેની પડતીના તમામ દરવાજા ખૂલા થયા એમ માનવું. આ વસ્તુ રાષ્ટ્ર માટે પણ એટલી જ સાચી છે.

૮. આત્મશ્રદ્ધા ખોવી એટલે ઈશ્વરમાં શ્રદ્ધા ખોવી. તમારી અંદર અને તમારા દ્વારા કામ કરી રહેલ એ અનંત, મંગલમય વિધાતામાં તમે માનો છો ? જો તમે માનતા હો કે આ સર્વવ્યાપક અંતર્યામી અણુએ અણુમાં વ્યાપેલ છે, દેહ, મન અને જીવમાં તે ઓતપ્રોત છે, તો તમે નાહિંમત કેમ બની શકો ?

૯. આપણા પૂર્વજોના અંતરમાં આ આત્મશ્રદ્ધા હતી, આ આત્મશ્રદ્ધાની પ્રેરકશક્તિએ તેમને સંસ્કૃતિની કૂચકદમમાં આગળને આગળ ધપાવ્યા; અને જો અધઃપતન આવ્યું હોય, જો ખામીઓ આવી હોય, તો મારા શબ્દો નોંધી લેજો કે એ અધઃપતનની શરૂઆત જ્યારથી આપણી પ્રજાએ આ આત્મશ્રદ્ધા ખોઈ ત્યારથી થઈ છે.

૧૦. શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા; પોતાનામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા ! મહત્તાનું આ જ રહસ્ય છે.

ઇચ્છાશક્તિ

૧. મહાન કાર્યો કદી આસાનીથી થઈ શક્યાં છે ? સમય, ધૈર્ય અને અદમ્ય ઇચ્છાશક્તિ પોતાનું પરિણામ બતાવી આપશે જ.

ર. સફળ થવા માટે તો તમારામાં જબરદસ્ત ખંત હોવો જોઈએ, પ્રબળ ઇચ્છાશક્તિ હોવી જોઈએ, ‘હું સાગર આખો પી જઈશ, મારી ઇચ્છાશક્તિના જોરે પર્વતોના ચૂરા થઈ જશે,’ ખંતીલો જીવ તો એમ બોલે. એ પ્રકારનો ઉત્સાહ રાખો, એ જાતની ઇચ્છાશક્તિ કેળવો, તો તમે ધ્યેયે પહોંચશો જ.

૩. ક્ષણવારને માટે પણ ડરને સ્થાન આપશો નહિ; સઘળું બરાબર થઈ રહેવાનું છે. ઇચ્છાશક્તિ જ જગતને ચલાવે છે.

૪. ઇચ્છાશક્તિ દ્વારા જ સઘળું કાર્ય સિદ્ધ થઈ શકશે.

પ. પરિવર્તનથી ઇચ્છાશક્તિ વધુ મજબૂત થતી નથી; તે નિર્બળ બને છે અને પરિવર્તનને વશ થાય છે. પણ આપણે હંમેશાં સંગ્રહણ વૃત્તિવાળા થવું જોઈએ. સંગ્રહણવૃત્તિથી ઇચ્છાશક્તિ મજબૂત થાય છે.

૬. બીજી બધી વસ્તુ કરતા ઇચ્છાશક્તિ વધુ બળવાન છે. એની આગળ બીજું કશું શિર ઝુકાવે છે. કારણ કે ઇચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા. પવિત્ર અને પ્રબળ ઇચ્છાશક્તિ સર્વશક્તિમાન છે.

ભાગ્ય

૧. તમારા ભાગ્ય વિધાતા તમે જ છો. તમારી જાતને દુઃખી કરનાર તમે જ છો. શુભ-અશુભના કરનાર તમે જ છો. તમે જ તમારી આંખો આડા હાથ દઈને બૂમો મારો છો કે અંધારું છે. આંખ આડેથી હાથ ખસેડી લો અને પ્રકાશને જુઓ; તમે પોતે જ્યોતિર્મય છો, પ્રથમથી જ તમે સંપૂર્ણ છો.

ર. ખડા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શિરે ઓઢી લો. અને સમજો કે તમરા નસીબના ઘડનારા તમે પોતે જ છો. જે કંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે; માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો.

૩. તમે પોતે જ તમારો ઉદ્ધાર કરો. મિત્ર ! બીજું કોઈ તમને મદદ નહિ કરી શકે. કારણ તમે જ તમારા મહાન શત્રુ છો અને તમે જ તમારા મહાન મિત્ર પણ છો.

૪. ઊભો થા અને યુદ્ધ કર ! એક ડગલું પણ પીછેહઠ ન કરીશ. એ જ મુદ્દો છે.. છેલ્લે સુધી લડત ચાલુ રાખ; પરિણામ ગમે તે આવે, તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે! સમગ્રજગત ભલે આપણી સામે ઊભું થાય ! મૃત્યુ એ માત્ર વેશબદલ્યો છે, એમાં શું ! માટે યુદ્ધ કર ! નામર્દ થવાથી તને કંઈ મળશે નહિ.. પીછેહઠ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહિ શકે... સામી છાતીએ લડીને મરો... ઊઠ, જાગ ! ઊભો થા અને યુદ્ધ કર !

ચારિત્ર્ય

૧. શુભનો માર્ગ વિશ્વમાં ઘણો જ કઠિન અને આકરા ચઢાણવાળો છે. આટલા બધા સફળ થાય છે, તે જ આશ્ચર્ય છે. અનેક નિષ્ફળ જાય છે તેમાં કંઈ આશ્ચર્ય નથી. હજારો ઠોકરો ખાઈને ચારિત્ર્યને દૃઢ કરવાનું છે.

ર. સત્કર્મ કર્યે જ જાઓ, નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો; હલકટ સંસ્કારોને દબાવવાનો એક માત્ર ઉપાય એ જ છે. કદી પણ એમ નહિ કહેતા કે અમુક માણસ સુધરી નહિ જ શકે; કારણ કે એ વ્યક્તિ એટલે અમુક પ્રકારનું ચારિત્ર્ય, એક ટેવોનું પોટલું કે જે ટેવો નવી અને વધુ સારી ટેવો વડે કાબૂમાં લાવી શકાય. ચારિત્ર્ય એટલે પુનરાવર્તન પામેલી ટેવો, એટલે કેવળ પુનરાવર્તન પામેલી ટેવ જ ચારિત્ર્યને સુધારી શકે.

૩. તમારી જાતને શુદ્ધ કરો એટલે જગત પણ શુદ્ધ થવાનું જ.

૪. ચારિત્ર્યના ઘડતરમાં દુઃખ અને સુખ, શુભ અને અશુભ, બંને સરખો ભાગ ભજવે છે. અને કેટલીકવાર તો સુખ કરતાં દુઃખ વધારે સારા શિક્ષકની ગરજ સારે છે.

પ. મહાન સંયોગો ક્ષુદ્રમાં ક્ષુદ્ર વ્યક્તિને પણ કોઈ પ્રકારની મહત્તા પ્રાપ્ત કરવા પ્રેરે છે, પણ એ જ ખરી મહાન વ્યક્તિ છે, જે હર કોઈ કાર્ય કરતી વખતે ચારિત્ર્યમાં એટલી જ મહાન રહે છે.

૬. જગતના ધર્મો નિર્જીવ અને હાંસી જેવા થઈ ગયા છે. દુનિયા ચારિત્ર્ય માગે છે. જેમનું જીવન એક નિઃસ્વાર્થ જ્વલંત પ્રેમરૂપ છે, તેવા પુરુષોની દુનિયાને જરૂર છે. એવા પ્રેમનો પ્રત્યેક શબ્દ વજ્ર જેવી અસર કરશે.

૭. માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેવી દીવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.

સાચું સુખ

૧. સુખ અને દુઃખ એ એક જ સિક્કાની ઊલટી અને સૂલટી બાજુઓ છે. જે સુખને સ્વીકારે તેણે દુઃખને પણ સ્વીકારવું જ જોઈએ. દુઃખ વગરનું સુખ આપણે મેળવી શકીએ એવો મૂર્ખાઈભર્યો ગાંડો વિચાર આપણા સહુમાં ઘર કરી રહેલો છે; આ વિચારે આપણને એટલા બધા ભરખી લીધા છે કે ઈન્દ્રિયો પર આપણો કાબૂ રહેતો જ નથી.

ર. પરાધીનતા દુઃખ છે, સ્વાધીનતા સુખ છે.

૩. માથે દુઃખનો મુકુટ પહેરીને સુખ મનુષ્યની પાસે આવે છે; જે સુખનું સ્વાગત કરે તેણે દુઃખનું પણ સ્વાગત કરવું પડે.

૪. જ્યાં સુધી મનની અંદર ઇચ્છા રહેલી છે, ત્યાં સુધી સાચું સુખ મળી શકે જ નહિ.

પ. દરેકના જીવનમાં સમાધાનવૃત્તિ હોવી જ જોઈએ, આ સનાતન પાઠને શીખી લઈને તેનું પાલન કરશે તો લોકો અત્યંત સુખી જીવન ગાળી શકશે.

૬. ઈન્દ્રિયપરાયણ જીવનથી ઊંચા જવાની આપણી અશક્તિ, શારીરિક ભોગો માટેનાં વલખાં જ જગતની બધી ભયંકરતા અને દુઃખોનું કારણ છે. મનની આવી બેફામ દોડાદોડીને કાબૂમાં રાખવાનું, તેને ઇચ્છાશક્તિના શાસન તળે મૂકવાનું, અને એમ કરીને તેના જુલમી હુકમોમાંથી આપણી જાતને મુક્ત કરવાનું આપણને શીખવનાર શાસ્ત્ર તે મનોવિજ્ઞાન છે.

સ્વાસ્થ્ય

૧. આ શરીર, તે કર્મ કરવાનું સાચું સાધન છે, જે તેને નરકસ્થાન બનાવે છે તે ગુનેગાર છે અને જે તેની સંભાળ રાખતો નથી તે પણ દોષપાત્ર છે.

ર. ઓછામાં ઓછા આપણા એક તૃતીયાંશ દુઃખોનું મૂળ આપણી શારીરિક નબળાઈ છે.

૩. નિયમિત કસરત વિના શરીર બરાબર રહેતું નથી

૪. સવારસાંજ ફરવા જાઓ અને શારીરિક મહેનત કરો, શરીર અને મન એક સાથે ચાલવા જોઈએ.

પ. ગંદુ પાણી અને ગંદો ખોરાક બધા રોગોનું મૂળ છે.

૬. રોગ કરતા રોગની ચિંતા વધુ ખરાબ હોય છે.

૭. પ્રાણાયામની પ્રથમ ક્રિયા સંપૂર્ણ સલામત અને ખૂબ સ્વાસ્થ્યદાયક છે. તે તમને સારું સ્વાસ્થ્ય આપશે, અને ઓછામાં ઓછી તમારી સામાન્ય તંદુરસ્તી તો સુધારશે.

૮. જો કોઈ ગ્રહ મારા જીવનમાં નડતો હોય તો તે જીવનની કિંમત એક કોડીની પણ નથી. તમે જોશો કે જ્યોતિષ અને આ બધી રહસ્યમય બાબતો, સામાન્ય રીતે નિર્બળ મનની નિશાની છે; તેથી આપણા મનમાં જ્યારે તે પ્રબળ થવા લાગે ત્યારે તરત જ આપણે વૈદ્યને મળવું, સારો ખોરાક ખાવો અને આરામ લેવો.

આહાર

૧. પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદૃઢ બનાવવું જોઈએ ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સૂક્ષ્મ ભાગ જ છે.

ર. મોટા ભાગનાં જે દુઃખો આપણે અનુભવીએ છીએ તેને માટે આપણો ખોરાક જવાબદાર છે. આપણે જાણીએ છીએ કે ભારે પચાવવો મુશ્કેલ પડે તેવો ખોરાક ખાધા પછી મનને કાબૂમાં રાખવું મુશ્કેલ બને છે.

૩. ખોરાક જેમાં પોષણતત્ત્વ વધારે હોય તેવો જ ખોરાક લેવો જોઈએ. ઢગલો એક ભાત ખાઈને પેટ ભરવું એમાં આળસનું મૂળ છે.

૪. યોગ્ય ખોરાક એટલે સાદો ખોરાક, ખૂબ મસાલાયુકત ખોરાક નહિ.

પ. જાપાનીઓને જુઓ; એ લોકો મટરની દાળ સાથે દિવસમાં બેત્રણવાર ભાત ખાય છે. અને મજબૂત બાંધાવાળા માણસો સુદ્ધાં એકી સાથે થોડુંક જ ખાય છે, જો કે તેઓ જમે છે વધારે વાર.

૬. બહુ તેલ-ચરબીવાળો આહાર લેવો સારો નથી. પુરી કરતાં રોટલી વધારે સારી.

૭. ખોરાક તે કહેવાય કે જે ખાધા પછી શરીરમાં એક રૂપ થઈ જાય; ગમે તે ખાઈને પેટની કોથળી ભરવા કરતાં તો ખાધા વિના રહેવું વધુ સારું છે. કંદોઈની દુકાનની મીઠાઈઓમાં પોષણ આપે એવું કંઈ જ નથી હોતું, ઊલટું એમાં તો વિષ હોય છે.

૮. ભૂખ લાગે તો એ મીઠાઈઓ અને તળેલા પદાર્થો ન ખાતાં ચણામમરા ખાઓ કે જે સસ્તા પણ પડશે અને પોષક પણ થશે. ભાત, દાળ, રોટલી, શાકભાજી અને દૂધ ! આટલી ચીજો પૂરતી પોષણદાયક થશે.

૯. આપણા દેશમાં જે માણસ સ્થિતિસંપન્ન હોય છે તે પોતાનાં બાળકોને તીરેહતરેહની મીઠાઈ અને ઘીમાં તળેલી ચીજો ખવરાવે છે; કારણ કે બાળકોને સાદાં દાળ, ભાત, રોટલી, શાક જ ખવરાવવાં એ કદાચ નાનપ જેવું લાગતું હોય, અને વળી લોકો શું કહેશે એવું પણ હોય ! આવી રીતે ખવરાવીને મોટાં કરેલાં બાળકો પ્રમાણ વગરનાં શરીરવાળા, આળસુ, નિર્માલ્ય, પોતાના મેરુદંડ વિનાના અને બુદ્ધિહીન નીવડે એમાં શી નવાઈ ?

૧૦. સ્વાદેન્દ્રિયને છૂટી મૂકો એટલે બીજી ઇન્દ્રિયો પર નિરંકુશ પણે દોડશે.

કર્તવ્ય

૧. આત્મનિંદા ન કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે. આગળ વધવા ઇચ્છનારમાં પ્રથમ આત્મવિશ્વાસ હોવો જોઈએ અને બીજું ઈશ્વર પર શ્રદ્ધા હોવી જોઈએ. જેને પોતાનામાં શ્રદ્ધા નથી તેને ઈશ્વરમાં શ્રદ્ધા શી રીતે હોઈ શકે ?

ર. દરેક માણસે પોતાનો આદર્શ અપનાવવો જોઈએ અને એ સિદ્ધ કરવાને પ્રયત્નશીલ થવું જોઈએ. સિદ્ધ થવાની જેની જરાયે આશા નથી એવા બીજા માણસોના આદર્શો લેવા, તેના કરતાં પોતાનો આદર્શ અપનાવવો અને તે માટે પ્રયત્નશીલ થવું, એ પ્રગતિનો નિશ્ચિત માર્ગ છે.

૩. આપણી પાસેમાં પાસેના, અરે, અત્યારે આપણા હાથમાં આવી પડેલા કર્તવ્યનું સારી રીતે પાલન કરવાથી આપણે આપણી જાતને મજબૂત બનાવીએ છીએ અને એ રીતે પગલે પગલે આપણું બળ વધારતા જઈને આપણે એવી પણ અવસ્થાએ પહોંચીએ કે જ્યારે જીવનમાં અને સમાજમાં એની ખૂબ અભિલાષા સેવતા હોઈએ, તેવાં માનદાયક કર્તવ્યો બજાવવાને આપણે હકદાર બનીએ.

૪. દરેક કર્તવ્ય પવિત્ર છે અને કર્તવ્ય પાલન એ ઈશ્વરની પૂજાનું ઊંચામાં ઊંચું સ્વરૂપ છે.

પ. તમે એક કાર્ય કરતાં હો ત્યારે એથી પાર કાંઈ જોવાનો કોઈ વિચાર ન કરો. જે કાર્ય કરો તે ઉપાસના તરીકે, શ્રેષ્ઠ ઉપાસના તરીકે કરો અને એ સમય દરમિયાન તમારા સમગ્રજીવનને એમાં ઓતપ્રોત રાખો.

૬. નાનાંમાં નાનં ક્ષુદ્રમાં ક્ષુદ્ર લાગતાં કામ પ્રત્યે પણ તુચ્છકારથી જોવું ન જોઈએ.

૭. કોઈ માણસને સહાય કરવી હોય, તો એ માણસની વૃત્તિ તમરા તરફ કેવી થશે તેનો વિચાર કરવાની જરૂર છે ? જો મહાન કાર્ય કરવું હોય, તો તેનું પરિણામ શું આવશે એનો વિચાર તમારે ન કરવો.

૮. પ્રમાદીપણું સર્વ પ્રયાસે ટાળવું જોઈએ. કાર્યશીલ થવું એટલે પ્રતિકાર કરવો. સર્વ માનસિક તેમજ શારીરિક અનિષ્ટનો સામનો કરો; જ્યારે તમે સામનો કરવામાં સફળ થશો ત્યારે તમને શાંતિ મળશે.

૯. બુદ્ધિપૂર્વક અને વૈજ્ઞાનિક રીતે કાર્ય કરવું તે કર્મયોગ, એમ ગીતામાં કહેલું છે; કેમ કાર્ય કરવું તે જાણવાથી માણસ મહાન પરિણામો લાવી શકે છે.

૧૦. ભવિષ્યમાં શું થવાનું છે તેની જ જે ગણતરી કર્યા કરે તે કદી કશું સિદ્ધ કરી શકતો નથી. તમે જે સાચું અને શુભ માન્યું હોય, તે તુરત જ કરવા લાગો.

૧૧. નાનામાં નાનું કામ પણ જો યથાર્થ રીતે કરવામાં આવ્યું હોય તો તે હેરતભર્યાં પરિણામો લાવે છે; એટલા માટે સૌ કોઈ એ પોતાથી બને તેટલું થોડું પણ યથાર્થ રીતે કરે.

૧ર. જેઓ મદદ ‘મળી જ’ રહેશે તેમ દૃઢતાપૂર્વક માને છે, તેઓ જ કામ કરી શકે છે. તેઓ સીધા કાર્યક્ષેત્રમાં ઝંપલાવે છે.

૧૩. જો કાર્ય મનગમતું હોય તો મૂર્ખ શિરોમણિ પણ તેને સિદ્ધ કરી શકે, પરંતુ ખરો બુદ્ધિમાન મનુષ્ય તો એ જ છે કે જે કોઈ પણ કાર્યને પોતાની રુચિને અનુકુળ બનાવી શકે. કોઈ પણ કાર્ય ક્ષુદ્ર નથી.

૧૪. દરેક કાર્યને ઉપહાસ, પ્રતિકાર અને પછી સ્વીકાર, તબક્કામાંથી પસાર થવું જ પડે છે. વિચારોમાં પોતાના જમાનાથી આગળ વધેલો પ્રત્યેક મનુષ્ય અવશ્યમેવ ગેરસમજનો ભોગ બને છે.

૧પ. સખત પરિશ્રમ કરો; દૃઢ બનો અને પરમેશ્વરમાં શ્રદ્ધા રાખો, કામે લાગી જાઓ. જો તમે કામમાં લાગી જશો તો સઘળાં સાધનો તમને પ્રાપ્ત થશે.

૧૬. સમયાનુસાર કર્તવ્ય બજાવ્યે જવું એ સૌથી ઉત્તમ માર્ગ છે.

૧૭. મેદાનમાં આવો, ભાઈ ! જિંદગી આખી સૂઈ રહેવાનું હોય ? સમય વેગથી વહી જાય છે. શાબાશ ! એ જ ખરો રસ્તો છે.

૧૮. જ્યારે તમે કોઈ કામ કરવાનું વચન આપો ત્યારે તમારે તે બારાબર નિયત સમયે કરવું જોઈએ. નહિતર લોકોને તમારામાંથી વિશ્વાસ ઊઠી જાય.

૧૯. એકવાર કાર્યમાં લાગી જાઓ. એટલે એટલી બધી જબરદસ્ત શક્તિ તમારામાં આવવા લાગશે કે તમારે એને ઝીલવી કઠણ થઈ પડશે.

ર૦. પરિણામની જે પરવા કરતો નથી એવા માણસને બધાં કર્તવ્યો એક સરખાં સારાં છે.

ર૧. જિંદગીમાં મેં શીખેલા અનેક મહાન બોધપાઠોમાંનો એક એ છે કે જેટલું ધ્યાન કાર્યના ધ્યેય તરફ આપવું જોઈએ તેટલું જ તેના સાધન તરફ પણ આપવું જોઈએ.

રર. બને તેટલું ઉત્તમ કાર્ય કરો. ‘બધુંય પાણી ખૂટી જશે ત્યારે નદી ઓળંગીશું’ એમ વાટ જોતાં બેસી ન રહો.

શિક્ષણ

૧. ‘જીવીએ ત્યાં સુધી શીખીએ’ પણ અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે, જ્યારે આપણે બીજાઓ પાસેથી કાંઈ લઈએ ત્યારે તેને આપણી રીત પ્રમાણે અને આપણને અનુકૂળ આવે તેમ ઘડી લેવું જોઈએ.

ર. બીજાઓ પાસેથી અવશ્ય આપણે ઘણી બાબતો શીખવાની છે; અરે, જે નવું શીખવાની ના પાડે તે મૂએલો જ છે !

૩. સારા શિક્ષણનું ધ્યેય છે : માનવનો વિકાસ.

૪. જે કેળવણી જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત આપતી નથી, જે ચારિત્ર્યબળને ખીલવતી નથી, જે પરોપકાર કરવાની ઉદાહરતા અને સિંહ સમાન હિંમત આપતી નથી, તે શું કેળવણીના નામને લાયક છે ? સાચી કેળવણી તો તે છે કે જે માનવીને પોતાના પગ ઉપર ઊભો રહેતાં શીખવે છે.

પ. જે અભ્યાસથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી.

૬. સાચું શિક્ષણ એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહિ, પરંતુ બુદ્ધિવિકાસનો વિકાસ; અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક ઇચ્છાશક્તિનો ઉપયોગ કરવાની તાલીમ.

પ્રેમ અને નિઃસ્વાર્થતા

૧. પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે ? માટે સર્વ પ્રકારનો પ્રેમ એ જ જીવન છે. સર્વ પ્રકારનું સ્વાર્થીપણું એ જ મૃત્યુ છે.

ર. મારા શિષ્યો ! ડરો નહીં. પેલા અનંત તારામંડિત આકાશનાં ઘુમ્મટ તરફ એ જાણે કે કચડી નાખશે એવી ભયભીત દૃષ્ટિથી જુઓ મા. જરા થોભો; થોડા જ વખતમાં એ આખું તમારા પગ તળે આવી જશે. થોભો; પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહીં, યશથી પણ નહીં, વિદ્યાથી પણ નહીં. માત્ર પ્રેમથી લાભ થાય છે; માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેમ દીવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.

૩. જે પોતે માણસ હોવા છતાં અન્ય માનવીને માટે જેમના હૃદયમાં લાગણી નથી, તેમને કોઈ પણ રીતે માણસ ગણી શકાય ખરાં ?

૪. કર્તવ્ય ભોગ્યે જ કોમળ હોય છે. એનાં પૈડાંઓમાં પ્રેમનું તેલ પુરાય ત્યારે જ એ સરળતાથી વહે છે; નહીં તો સતત ઘર્ષણ થયા જ કરે. પ્રેમ ન હોય તો માબાપ પોતાનાં બાળકો પ્રત્યનાં કર્તવ્યો શી રીતે બજાવે ? આપણા જીવનમાં દરરોજ ઘર્ષણ થતાં હોય એવા દાખલાઓ શું આપણે જોતા નથી ? પ્રેમ હોય તો જ કર્તવ્ય મધુર થઈ શકે.

પ. પ્રેમ કદાપિ નિષ્ફળ જતો નથી; આજે, આવતી કાલે કે યુગો પછી પણ સત્યનો જ જય થવાનો છે. વિજય પ્રેમનો જ છે... પ્રેમની સર્વ સમર્થ શક્તિમાં શ્રદ્ધા રાખો. કીર્તિના આ મિથ્યા ચળકાટવાળા પરપોટાઓની કોણ દરકાર કરે છે ? છાપાંઓ શું કહે છે તેના ઉપર હું કદાપિ લક્ષ આપતો નથી. શું તમારામાં પ્રેમ છે ? જો એ હશે તો તમે સર્વશક્તિમાન બનશો. હું તમે સંપૂર્ણતઃ નિઃસ્વાર્થી છો ? જો હશો તો કોઈ પણ વ્યક્તિ તમને રોકી શકશે નહિ. ચારિત્ર્ય જ સર્વત્ર સફળ નીવડે છે.

૬. હવામાં જતો તોપનો ગોળો ઘણો દૂર સુધી જઈને નીચે પડે છે અને બીજો ગોળો ભીંત સાથે અથડાય છે, એની ગતિ અટકે છે, અને દીવાલ સાથેની એની અથડામણથી સખત ગરમી (ઊર્જા) ઉત્પન્ન થાય છે. આ રીતે બહાર જતી શક્તિઓ જો સ્વાર્થી હેતુથી વપરાતી હોય તો નિરર્થક જાય છે. એના પરિણામે કોઈ શક્તિ તમે પ્રાપ્ત કરી નહિ શકો; પણ જો એ અંકુશસહિત હોય તો એનું પરિણામ શક્તિના વિકાસમાં આવશે. આ અંકુશ, આ સંયમ એક પ્રબળ ઇચ્છાશક્તિ પેદા કરશે.

૭. જેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણુ છે અને એ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે ‘હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ,’ તે મનુષ્ય સ્વાર્થી છે. નિઃસ્વાર્થી મનુષ્ય કહે છે, ‘હું છેલ્લો રહીશ...’ આ નિઃસ્વાર્થી વૃત્તિ જ ધર્મની કસોટી છે. જેનામાં આ નિઃસ્વાર્થવૃત્તિ વધુ હોય છે તે વધુ ધાર્મિક છે.

૮. સર્વ સ્થળે નિઃસ્વાર્થતાનું પ્રમાણ માનવીની સફળતાનું પ્રમાણ નક્કી કરે છે.

૯. નિઃસ્વાર્થવૃત્તિ હંમેશાં વિશેષ લાભ આપે છે; માત્ર માણસમાં કેવળ એની વૃત્તિનો અમલ કરવાની ધીરજ હોતી નથી. આરોગ્યની દૃષ્ટિએ પણ નિઃસ્વાર્થવૃત્તિ વધુ લાભદાયક છે. પ્રેમ, સત્ય અને નિઃસ્વાર્થવૃત્તિ એ નીતિ વિશેના માત્ર શાબ્દિક અલંકારો નથી, પણ એ આપણા ઊંચામાં ઊંચા આદર્શના ઘડવૈયા છે, એવાઓમાં જ શક્તિ પ્રગટ થાય છે.

૧૦. હંમેશા વિસ્તાર પામે તે જીવન છે, સંકુચિતતા એ મૃત્યુ છે. જે સ્વાર્થી માણસ પોતાના જ સુખની પરવા કરે છે અને આળસુ જીવન ગાળે છે, તેને માટે નરકમાં પણ સ્થાન નથી.

સફળતા

૧. વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશાં સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.

ર. ડરો નહિ. તમે કેટલી વખત નિષ્ફળ ગયા છો તેનો વિચાર ન કરો. હરકત નહિ, કાળ અનંત છે. આગળ વધો.

૩. દરેક માનવીની સફળતા પાછળ ક્યાંક પણ જબરદસ્ત સચ્ચાઈ, જબરદસ્ત પ્રામાણિકતા રહેલાં હોવાં જ જોઈએ; જીવનમાં તેની અસાધારણ સફળતાનું કારણ એ જ છે.

૪. અનંત શ્રદ્ધા અને બળ, એ જ માત્ર સફળતાનું રહસ્ય છે.

પ. દૃઢતાપૂર્વક આગળ વધો. અત્યાર સુધીમાં આપણે અદ્‌ભુત કાર્યો કર્યાં છે. બહાદુરો ! આગળ ધપો. આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીશું જ !

૬. અનંત ધૈર્ય, અનંત પવિત્રતા અને અનંત ખંત, એ જ કોઈ પણ શુભ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાનું રહસ્ય છે.

૭. હિંમત રાખો અને કાર્ય કર્યે જાઓ. ધીરજ રાખવી અને દૃઢતાથી કાર્ય કરવું, એ જ એકમાત્ર માર્ગ છે. આગળ ધપો; અને યાદ રાખજો કે... જ્યાં સુધી તમે પવિત્ર અને સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન હશો ત્યાં સુધી તમને નિષ્ફળતા કદી નહિ સાંપડે.

૮. કોઈ પણ કાર્યને સફળતા મળતાં પહેલાં સેંકડો મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. જેઓ ખંતથી મંડ્યા રહે છે તેમને સફળતા પ્રાપ્ત થાય છે, પછી વહેલી કે મોડી.

૯. આજ્ઞાપાલન, તત્પરતા અને કાર્ય માટે પ્રેમઃ જો તમારામાં આ ત્રણ હશે, તો તમારી પ્રગતિને કંઈ પણ રોકી નહિ શકે.

૧૦. ‘છાયા અને ફળ બંનેવાળું હોય તેવા મહાન વૃક્ષનો આશરો લેવો જોઈએ; છતાં, જો ફળો ન મળે તો પણ આપણને છાયાની મોજ માણતાં કોણ રોકે છે ?’ મહાન પ્રયાસો પણ તેવા જ વિચારથી કરવા જોઈએ, તે આનો સાર છે.

૧૧. કોઈ પણ અધીરો માણસ કદી પણ સફળતા મેળવી શકે નહિ.

૧ર. વિજય કે પરાજયની પરવા ન રાખો. સંપૂર્ણ નિઃસ્વાર્થ ઇચ્છા સાથે જોડાઈ જઈને કાર્ય કરો. એટલું જરૂર જાણજો કે જે માણસ ફતેહ પામવાને સર્જાયો હોય છે, તે પોતાના મનને પ્રબળ ઇચ્છાશક્તિ જોડે સાંકળે છે અને ખંતથી મંડ્યો રહે છે.

૧૩. નિરાશ ન થશો. અમૃત પીવા ન મળતું હોય તો ઝેર પીવું જોઈએ એવું કંઈ જ નથી.

૧૪. મારા ધ્યેયની સાથે મારું સમગ્રજીવન છે; મદદ માત્ર એક ઈશ્વરની, બીજા કોઈની નહિ. સફળતાની એ જ ચાવી છે.

સાચો ધર્મ

૧ ધર્મ એટલે પહેલેથી જ માનવામાં રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ.

ર. પવિત્ર અને નિઃસ્વાર્થી થવા પ્રયત્ન કરજો. બધો ધર્મ એમાં જ આવી જાય છે.

૩. જે ઈશ્વર અગર ધર્મ વિધવાનાં અશ્રુઓ લૂછી ન શકે કે અનાથના મૂખમાં રોટલાનું બટકું ન આપી શકે, એવા ઈશ્વર કે ધર્મમાં હું માનતો નથી.

૪. મારાં બાળકો ! તમારે માટે કેવળ નીતિમત્તા અને શૌર્ય સિવાય બીજો કોઈ ધર્મ નથી. ડરપોક, પાપી, ગૂનેગાર કે નિર્બળ બનશો નહિ. બાકી બધું થઈ રહેશે.

પ. સાચી ધાર્મિકતાની કસોટી સમસ્ત માનવજાત પ્રત્યેના પ્રેમમાં અને ઉદારતામાં રહેલી છે.

૬. તમે નિઃસ્વાર્થ છો કે નહિ આ જ મહત્ત્વનો પ્રશ્ન છે. તમે જો નિઃસ્વાર્થ હશો તો એકેય ધાર્મિક ગ્રંથ વાંચ્યા વગર કે એકેય મંદિરમાં ગયા વગર પૂર્ણ બનશો.

૭. જીવનમાં ઉત્તમમાં ઉત્તમ ભોમિયો છે સામર્થ્ય-તાકાત. બીજી બધી બાબતોની પેઠે ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ જ કરો, તેની સાથે કશો સંબંધ ન રાખો.

૮. ધર્મ વિશે કદી વાદવિવાદ ન કરો. ધર્મ વિશેના તમામ ઝઘડાઓ અને વિવાદો એટલું જ બતાવે છે કે આપણામાં આધ્યાત્મિકતા નથી. ધાર્મિક ઝઘડા હંમેશાં ફોતરાં માટે થાય છે. જ્યારે પવિત્રતા ચાલી જાય છે, જ્યારે આધ્યાત્મિકતા રહેતી નથી, જ્યારે આત્મા શુષ્ક બની જાય છે, ત્યારે જ ઝઘડા શરૂ થાય છે, તે પહેલાં નહિ.

ભારત

૧. જ્યાં સુધી લાખો મનુષ્યો ભૂખમરા અને અજ્ઞાનની દશામાં જીવે છે ત્યાં સુધી એ ગરીબોના ભોગે શિક્ષણ પામીને જે માણસ તેમનાં પ્રત્યે જરા પણ ધ્યાન આપતો નથી; એવા દરેકેદરેકને હું દેશદ્રોહી ગણું છું.

ર. મારા દેશબંધુઓને હું કહું છું કે તેમણે અત્યાર સુધી સારું કર્યું છે, હવે એથીયે વધારે સારું કરવાનો સમય આવ્યો છે.

૩. કાર્ય, કાર્ય અને કાર્ય જ કરો ! બાલીશ વાતો બંધ કરો, ઈશ્વરની વાતો કરો. માનવજીવન એટલું ટૂકું છે કે છળકપટ અને હવાઈ ખ્યાલો વિશેની વાતોમાં એને વેડફી નાખવું ન પાલવે.

૪. આપણો આખો દેશ તમો ગુણમાં ડૂબેલો પડ્યો છે; તે સિવાય બીજા કશામાં જ નહિ; આપણે પ્રથમ રજોગુણ જોઈએ છીએ; સત્ત્વગુણ પછી આવશે, એ તો ઘણી દૂરની બાબત છે.

પ. આપણે પોતે કંઈ પણ કરતા નથી ને બીજા કંઈ કરે તેની હાંસી ઉડાવીએ છીએ. આ ઝેરથી જ આપણા રાષ્ટ્રની અધોગતિ થઈ છે. બધાં દુઃખનું મૂળ સહાનુભૂતિ તેમજ ઉત્સાહનો અભાવ છે. તેથી આ બંને ખામી તજવી જોઈએ. અમુક માણસમાં કેટકેટલી શક્તિઓ છે તે ઈશ્વર સિવાય કોણ જાણી શકે ? સૌને તક આપો; બાકીનું બધું ઈશ્વર પર છોડો.

૬. આપણા દેશને અત્યારે લોખંડી સ્નાયુઓ અને પોલાદી જ્ઞાનતંતુઓની જરૂર છે. જેનો કોઈ સામનો કરી ન શકે, વિશ્વનાં રહસ્યો અને કોયડાઓમાં પ્રવેશ કરી શકે અને સમુદ્રને તળિયે પહોંચીને મોતનો સામનો કરવો પડે તો તેમ કરીને પણ પોતાનો હેતુ પાર પાડી શકે તેવી જબરદસ્ત ઇચ્છાશક્તિની આપણને જરૂર છે.

અભયવાણી

૧. આ દુનિયામાં તમે આવ્યા છો તો કંઈક નામ રાખી જાઓ; નહિતર તમારામાં અને પેલા ઝાડ કે પથ્થરમાં ફરક શો રહ્યો ? એ પણ જન્મે છે, જીર્ણ થાય છે અને નાશ પામે છે.

ર. જગતના સર્વદેવો સમક્ષ તમે રડ્યા છો. તેથી દુઃખ દૂર થયું છે ખરું ? છ કરોડ દેવો સમક્ષ ભારતના માનવો રોદણાં રડે છે અને છતાં કૂતરાને મોતે મરે છે. એ દેવો ક્યાં છે ? ...તમે સફળ થાઓ ત્યારે જ દેવો તમારી મદદમાં આવે છે. તો એથી લાભ શો?

૩. આપણે ઘણું રુદન કર્યું, હવે રડવું છોડી દઈ મર્દ બનો. મર્દ બનાવે એવો ધર્મની આપણને જરૂર છે. સર્વ રીતે મર્દ બનાવે એવી કેળવણીની આપણને જરૂર છે.

૪. આ દુનિયા કાયરો માટે નથી, તેમાંથી નાસવાનો પ્રયત્ન ન કરો. વિજય કે પરાજયની પરવા ન રાખો. વેડફી નાખવું ન પાલવે.

પ. જો હૃદય અને મસ્તકમાં મતભેદ ઊભો થાય તો હૃદયને અનુસરો.

૬. તમે ગરીબ છો એવું ધારશો નહિ; ધન એ કંઈ ખરી શક્તિ નથી પણ સૌજન્ય અને પવિત્રતા એ જ ખરી શક્તિ છે.

૭. ગઈ ગુજરીને યાદ કરવાની જરૂર નથી. તમારી સામે અનંત ભાવિ પડેલું છે.

૮. માણસ મરે છે માત્ર એક જ વાર. મારા શિષ્યો નિર્માલ્ય ન હોવા જોઈએ.

૯. તમારા મિત્રોના અભિપ્રાય સાથે બાંધછોડ કરવા હંમેશાં તત્પર રહેજો અને સર્વદા સમાધાનભર્યું વલણ દાખવવાનો પ્રયાસ કરજો. આમાં બધું આવી જાય છે.

૧૦. હું જે કંઈ ઉપદેશ આપું તે સર્વમાં પ્રથમ આવશ્યકતા તરીકે હું આ મૂકું છું કે જે કંઈ બાબત આધ્યાત્મિક, માનસિક યા શારીરિક નિર્બળતા લાવે તેને તમારા પગની આંગળીથી પણ સ્પર્શ કરશો નહિ.

૧૧. દુનિયા ચારિત્ર્ય માગે છે. જેમનું જીવન એક નિઃસ્વાર્થ જ્વલંત પ્રેમ રૂપ છે, તેવા પુરુષોની જરૂર છે. એવા પ્રેમનો પ્રત્યેક શબ્દ વજ્ર જેવી અસર કરશે.

૧ર. વિકાસ સાધવાનો પ્રયત્ન કરો. ખ્યાલમાં રાખજો કે ગતિ અને વિકાસ એ જ જીવનનું એકમાત્ર લક્ષણ છે.

૧૩. સખત પરિશ્રમ કરો. પવિત્ર અને શુદ્ધ બનો એટલે ઉત્સાહ આવશે જ.

૧૪. જ્યાં હોય ત્યાં પડ્યા રહેવાનો (વિકાસ નહિ પામવાનો) સ્વભાવ પશુનો છે. સારું શોધવું અને ખરાબ તજવું એ સ્વભાવ મનુષ્યનો છે.

૧પ. ‘ગમે તે થાય મારે મારા આદર્શે પહોંચવું જ છે’ આ છે પુરુષાર્થ, મર્દાઈભર્યો પ્રયાસ.

૧૬. દરેક વસ્તુની મજાક ઉડાડવાનો, જીવન પ્રત્યે ગંભીરતાથી જોવાના અભાવનો જે આ ભયંકર રોગ આપણા રાષ્ટ્રના લોહીમાં ધીરે ધીરે પ્રવેશી રહ્યો છે તેનો ત્યાગ કરો એને હાંકી કાઢો અને શ્રદ્ધાવાન બનો. બીજું સર્વ આપોઆપ પાછળથી આવવાનું જ છે.

૧૭. ફરી એક વખત હું તમને યાદ આપું કે ‘ઊઠો, જાગો અને ઇચ્છિત ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અટક્યા વગર આગળ વધો. ડરો નહિ કારણ કે માનવજાતિના સમગ્રઇતિહાસમાં મહાનમાં મહાન પ્રતિભા આમવર્ગમાંથી નીકળી આવે છે.’

૧૮. વાંદરાનકલ કરવી એથી પ્રગતિ કદી થતી નથી. એ તો સાચેસાચ માણસમાં આવેલ ભયાનક અધઃપતનની નિશાની છે.

૧૯. આપણે નિષ્ફળતાઓમાંથી જ ડહાપણ મેળવીએ છીએ. કાળ અનંત છે. આ દીવાલ તરફ જુઓ. તે કદીય અસત્ય બોલી હતી ? છતાં તે સદાને માટે દીવાલ જ છે. મનુષ્ય અસત્ય પણ બોલે છે અને દેવ પણ બને છે. કંઈક કરવું એ સારું છે.

ર૦. અહોરાત્ર પ્રાર્થના કર કે હે ‘ગૌરીપતે, હે જગજ્જનની અંબે ! તું મને મનુષ્યત્વ આપ ! હે સામર્થ્યદાયિની માતા ! તારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હઠાવ, મને મર્દ બનાવ !

ર૧. આપણાં જીવન સારાં અને પવિત્ર હોય તો જ દુનિયાસારી અને પવિત્ર થઈ શકે.

રર. આ જીવન આઘાતોથી ભરપુર છે; પરંતુ તેમની અસરો, કોઈ પણ રીતે ચાલી જાય છે; જીવનમાં એ જ આશા છે.

ર૩. ‘સારા કાર્યમાં સો વિઘ્નો હોય છે’ એ તદ્દન સ્વાભાવિક છે. ઊંડામાં ઊંડી મનની સમતુલા જાળવજો. ક્ષુદ્ર જીવો તમારા વિરુદ્ધ શું બોલે છે તે તરફ જરા પણ ધ્યાન ન દેતા. ઉપેક્ષા ! ઉપેક્ષા, માત્ર ઉપેક્ષા !

ર૪. આપણે અજ્ઞાનનો અને અશુભનો નાશ કરવાનો બનતો પ્રયત્ન કરવો જોઈએ. માત્ર આપણે એટલું જાણવાનું છે કે અશુભનો નાશ થાય છે શુભના વિકાસથી.

રપ. આશાવાદી થાઓ, હતાશ બનશો નહિ. સરસ શરૂઆત કર્યા પછી જો તમે હતાશ થાઓ તો તમે મુર્ખ છો.

ર૬. તમારામાં નિષ્ઠા છે ? તમે પરણપર્યંત નિઃસ્વાર્થ રહી શકો છો ? તમારામાં પ્રેમ-ભાવના છે ? તો પછી કશી બાબતનો ડર ન રાખો; ખુદ મૃત્યુનો પણ નહિ ! આગળ ધપો યુવકો ! સમસ્ત જગતને પ્રકાશની જરૂર છે; તેને માટે એ આશાભરી મીટ માંડી રહ્યું છે !

ર૭. વીરતાભર્યાં વચનો અને એથીયે વધુ વીરતાભર્યાં કાર્યોની જ આપણને જરૂર છે. જાગો ઓ મહાનુભાવો જાગો ! આ દુનિયા દુઃખમાં બળી રહી છે. તમારાથી સૂઈ રહેવાય કે ?

ર૮. મૈત્રી, કરુણા, પ્રીતિ અને ઉપેક્ષાની ભાવના કેળવવાની ચિત્તની સ્થિરતા આવે છે. આ ચાર પ્રકારની ભાવનાઓ આપણામાં હોવી જ જોઈએ. આપણે સૌની સાથે મિત્રતા કેળવવી જોઈએ; જેઓ દુઃખી હોય તેમનાં પ્રત્યે દયા દાખવવી જોઈએ; જો સુખી હોય તેમનું સુખ જોઈને આપણે સુખી થવું જોઈએ; અને દુષ્ટો પ્રત્યે આપણે ઉપેક્ષા રાખવી જોઈએ.

ર૯. તમારે જીવવું જ હોય તો યુગને અનુકૂળ બનવું જ પડે. આપણે જો જીવવું જ હશે તો વૈજ્ઞાનિક વિચારોવાળી પ્રજા બનવું પડશે.

૩૦. જેઓ પોચા દિલના કે ડરપોક હોય છે તેમની જ જીવનનૌકા કિનારા પાસે સાગરનાં તોફાની મોજાઓથી ડરીને ડૂબી જાય છે. જે વીર હોય છે તેઓ આ તોફાનો તરફ નજર પણ નથી નાખતા, ગમે તે થાય મારે મારા આદર્શ સુધી પહોંચવું જ છે, આ છે પુરુષાર્થ, મર્દાઈભર્યો પ્રયાસ. આવા વીર્યવાન પુરુષાર્થ વિના તમારી જડતા દૂર કરવામાં ગમે તેટલી દેવીસહાય પણ કામ નહિ આવે.

૩૧. જે લોકો આ જીવનમાં નિરંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે તેઓ કશું કરી શકતા નથી. જન્મે જન્મે શોક અને વિલાપ કરતાં તેઓ આવે છે અને જાય છે. વીર ભોગ્યા વસુંધરા ! એટલે કે વીર નરો જ પૃથ્વીને ભોગવે છે.

૩ર. હંમેશાં હૃદયને ઉન્નત બનાવો : હૃદય દ્વારા ઈશ્વર બોલે છે, જ્યારે બુદ્ધિ દ્વારા તમે પોતે બોલો છો.

૩૩. જીવનમાં તમને માર્ગદર્શક બને એટલા માટે હું તમને થોડુંક કહીશ. ભારતમાંથી જે બધું આવે તેને સાચું મનજો, સિવાય કે તેમ ન માનવાના તમારી પાસે બુદ્ધિપુરઃસરનાં કારણો હોય; યુરોપમાંથી જે બધું આવે તેને ખોટું માનજો, સિવાય કે તેવું માનવામાં તમારી પાસે બુદ્ધિપુરઃસરનાં કારણો હોય.

૩૪. જો મૃત્યુ અનિવાર્ય છે, તો લાકડા કે પથ્થરની માફક જીવવાં કરતાં વીરની માફક મરવું શું વધારે સારું નથી ? વળી આ ક્ષણભંગુર જગતમાં એકાદ-બે દહાડા વધારે જીવવાથી પણ શો લાભ છે ? પડ્યા પડ્યા કટાઈ જવા કરતાં, ખાસ કરીને બીજાનું જે થોડું પણ ભલું થઈ શકે તે કરતાં કરતાં ઘસાઈ મરવું વધુ સારું !

૩પ. સહુ પ્રથમ બળવાન, ચેતનવંતા અને અંતરમાં ઊંડી શ્રદ્ધાવાળા નવયુવકોની આવશ્યકતા છે. એકસો આવા નવલોહિયા યુવકો મળે તો દુનિયામાં ક્રાંતિ આવી જાય !

૩૬. સૌથી પહેલું આ સમજવાનો પ્રયાસ કરોઃ ...માણસ પૈસાને બનાવે છે કે પૈસો માણસને બનાવે છે ? માણસ કીર્તિને બનાવે છે કે કીર્તિ માનવને બનાવે છે ? મિત્ર! પ્રથમ માણસ બનો પછી તમે જોશો કે એ બધા અને બીજું સર્વ કંઈ તમારી પાછળ પાછળ આવશે. એ ધિક્કારપાત્ર દ્વેષ, એ કૂતરા જેવો એક બીજા પ્રત્યનો ઘુરઘુરાટ અને ભસવું મૂકી દઈને સારી ભાવના, સાચાં સાધનો, નૈતિક હિંમત વગેરે શીખો અને બહાદુર બનો. જો માણસનો અવતાર પામ્યા છો તો પાછળ કંઈક સુવાસ મૂકતા જાઓ.

૩૭. કોઈ પણ સંજોગોમાં માણસે જાતનું રક્ષણ કરવું જોઈએ. ‘ભગવાન દયા કરો’ એ વાત સાચી પરંતુ ઈશ્વર સ્વાશ્રયીને જ મદદ કરે છે.

૩૮. વત્સ ! વ્યવહારુ બનવાનું શીખી લો. હજી ભવિષ્યમાં આપણે મહાન કાર્યો કરવાનાં છે.

૩૯. અરે દરેકે દરેક સ્ત્રીપુરુષ અને બાળકોને કોઈ પણ પ્રકારની જ્ઞાતિની કે વંશની, સબળતાની કે નિર્બળતાની ગણતરી વગર સંભળાવો અને શીખવો કે સબળા અને નબળાની પાછળ, ઊંચા અને નીચાની પાછળ, દરેકે દરેકની પાછળ, સર્વ કોઈને સારો અને મહાન થવાની અનંત શક્યતા અને

અનંત શક્તિની ખાતરી આપનારો પેલો સનાતન આત્મા બિરાજી રહ્યો છે. આપણે એકેએક જીવને ઘોષણા કરી સંભળાવીએ છીએ... ‘ઊઠો, જાગો અને અટક્યા વગર ધ્યેયે પહોંચો.’

હું જે કહું છું તે તમે યાદ રાખશો, તેના વિશે વિચાર કરશો અને તેને પચાવશો તો તે જ્ઞાન તમારું બની જશે, તે તમને ઉચ્ચ સ્થિતિએ લઈ જશે, સત્યને સમજવાને તથા જીવનમાં ઉતારવાને શક્તિમાન બનાવશે... મારા શબ્દો પ્રાણ છે અને જીવન છે; તમારા મસ્તકમાં એ અગ્નિ પ્રવેશ કરશે અને એનાથી તમે કદી છટકી નહિ શકો.

-સ્વામી વિવેકાનંદ

બીજા રસપ્રદ વિકલ્પો