Part-3 Global Management books and stories free download online pdf in Gujarati

Part-3 Global Management

ગ્લોબલ મેનેજમેન્ટ

દિપક ભટ્ટ

E-mail : writetodeepakbhatt@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.


MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

  • મેનેજમેન્ટમાં ફોર આરની ફોર્મ્યુલા
  • •“કોર્પોરેટ પોલીટીક્સની પોઝીટીવ રમત”

    •શ્રેષ્ઠ સેલ્સમેનની વિવિધતમ શૈલીઓ

    •પ્રોફેશનલ કરિયરમાં ભૂલનો સ્વીકાર એ જ પ્રગતિને આવકાર

    •સફળતાનો મૂળમંત્ર : કામમાં ધ્યાન રાખવું”

    હું ગુજરાતી - ૧૧

    મેનેજમેન્ટમાં ફોર આરની ફોર્મ્યુલા

    મહાન લેખક વિક્ટર હ્યુગોએ એક વક્તવ્યમાં કહ્યું છે કે, જિંદગી ખૂબ જ ટૂંકી છે અને તેમાંય આપણે તેને બેદરકારીથી વેડફીને વધુ ટૂંકી કરીએ છીએ. એમાં કોઈ કંપનીના ઊંચા પદ પર બેસેલા વ્યાવસ્થાપક તો પોતે પણ પોતાને એ હક આપી શકે નહીં કે તે સમય વેડફે. કારણ કે તેના સમય સાથે તેની કંપનીના અનેક કર્મચારીઓનો સમય પણ જોડાયેલો હોય છે. સમયના બચાવ સાથે ડેડલાઇનમાં કામ કરવાની ક્ષમતા એક કુશળ મેનેજરે કેળવવી જ પડે છે. કુશળ મેનેજમેન્ટ માટે ફોર આર ખૂબ જ મહત્ત્વના છે એની પર મેનેજરે એક નજર નાંખી જવાની ટેવ હંમેશાં રાખવી જોઈએ.

    રિવિઝન

    વ્યવસ્થાપક એ કંપનીના અરીસા સમાન હોય છે. તેથી જ કંપનીની કોઈ નાની મિટિંગમાં પણ જ્યારે મેનેજરે કંઈ આયોજન કરવાનું હોય તો તેણે એ મિટિંગ પહેલાં મિટિંગના મુદ્દાઓ અંગે રિવિઝન કરવું જરૂરી છે. કંપનીનું પ્રતિનિધિત્વ જ્યારે અન્ય કોઈ વ્યાવસાયિક મુલાકાતમાં કરવાનું હોય ત્યારે તો તેણે સંલગ્ન મુદ્દાઓ અંગે વધુમાં વધુ રિવિઝન કરી લેવું જરૂરી બની જાય છે. ટૂંકમાં કહી શકાય કે મેનેજરે ક્યાંય પણ પોતાની જાતને કંપની વતી મૂકતાં પહેલાં અનેક મુદ્દાઓનું રિવિઝન કરી લેવું જોઈએ. રિવિઝન કરતી વખતે મેનેજરે પોતાની જાતને એક વિદ્યાર્થીની જેમ જ મૂલવવો જોઈએ. સ્પર્ધાત્મક યુગમાં કુશળ વિદ્યાર્થી કોઈ પણ પરીક્ષા આપતાં પહેલાં આકરી તૈયારી કરતા હોય છે. પરીક્ષામાં જતા પહેલાં દરેક પ્રશ્ન પર નજર કરવી એવી આદત રાખે છે. એ પ્રશ્ન કેવી રીતે પરીક્ષામાં લખવો એની પણ પદ્ધતિ વિકસાવે છે. મેનેજરે પણ એક વિદ્યાર્થી બનીને મિટિંગમાં સમાવિષ્ટ મુદ્દાઓને રિપ્રેઝેન્ટ કરવા માટે તૈયારી કરી લેવી જોઈએ. આ ઉપરાંત મિટિંગમાં ક્યા મુદ્દાઓ ઊઠી શકે છે. એ અંગેનો વિચાર અને તેનું નિરાકરણ પણ પહેલેથી જ વિચારી રાખવું જોઈએ.

    રિવ્યુ

    એક મેનેજરે મિટિંગ માટે રિવિઝન કર્યા બાદ પોતાની જાતનો સૌ પ્રથમ રિવ્યુ કરવો જોઈએ. મિટિંગ પહેલાં જે પણ મુદ્દા વિશે તેણે વિચાર કર્યો છે તે અમલમાં મૂકી શકાય તેમ છે કે નહીં તે અંગે વિચારી જોવું જોઈએ. આમ તો મેનેજરે પોતાને ક્યાં અને કેવી રીતે રજૂ કરવા છે એ અંગે અન્યોને પૂછવા કરતાં પોતે જ પોતાને સમજીને નિર્ણય કરવો બહેતર રહેશે, પણ જો એવું ન થાય અને પોતાના નિર્ણયો અંગે જો મેનેજરને શંકા હોય તો તેણે જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

    રિમૂવ

    દુનિયાનો કોઈ પણ વ્યક્તિ સર્વગુણસંપન્ન નથી. ખામી દરેક વ્યક્તિમાં હોય છે, પણ પોતાનામાં રહેલી ખામીને જાણીને તેને રિમૂવ કરી શકે એ જ સફળ વ્યક્તિ બની શકે. આ વાક્ય જેટલું વ્યાવસાયિક જીવનમાં લાગુ પડે છે તેટલું જ અંગત જીવનમાં પણ તાદૃશ છે. મેનેજરે કોઈ પણ પ્રોજેક્ટ અંગે રિવિઝન અને રિવ્યુ બાદ રિમૂવની પદ્ધતિને અપનાવવી જોઈએ. પ્રોજેક્ટ કે પ્લાન માટે પોતે બનાવેલી બ્લુ પ્રિન્ટ માટે ખુદને રિવ્યુ કર્યા બાદ ચકાસી જુઓ કે તમારે ખરેખર જેવા પ્લાનની જરૂરિયાત છે એવી જ બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ છે કે નહીં ? તમારો પ્લાન કે સ્ટ્રેટેજી જે તે પ્રોજેક્ટ માટે કામ લાગી શકે તેમ છે કે નહીં? કોઈ ખેતરમાંથી ખેડૂત નિંદામણ કાઢીને બહાર ફેંકી દે તેમ બિનજરૂરી પ્લાન્સ અને મુદ્દાઓને તમારી બ્લુ પ્રિન્ટમાંથી રિમૂવ કરી નાંખો.

    રિફ્‌લેક્શન

    આગલા દિવસે અથવા અગાઉ રિવિઝન થયેલા મુદ્દાઓ નિશ્ચિત મિટિંગમાં રિફ્‌લેક્ટ થવા પણ ખૂબ જ જરૂરી છે. માત્ર કોઈ મિટિંગ પૂરતું જ આ જરૂરી નથી, પણ વ્યાવસાયિક જીવનમાં આ મુદ્દો અતિમહત્ત્વનો છે. જિંદગી પ્રત્યેનું, શિક્ષણ પ્રત્યેનું, કારકિર્દી અંગેનું વિઝન જ્યારે ચોખ્ખું હોય અને યોગ્ય હોય તો તે રિફ્‌લેક્ટ થવું જ જોઈએ એટલે કે તમારા વિચારનો અન્યો સામે સતર્ક નિચોડ રિફ્‌લેક્ટ થવો જોઈએ. જો તમે એ માર્ગે ન હો તો તમે જે માર્ગે છો એ બદલવાની જરૂર છે. અથવા પોતાનામાં પરિવર્તન લાવવાની - વ્યાવસાયિક દૃષ્ટિએ જાતને બદલવાની જરૂર છે એ સમજી લેજો. મૂળ મુદ્દે તો તમે સામેની વ્યક્તિને જે સમજાવવા માગો છો એ સબળ રીતે સમજાવી શકો એવા રિફ્‌લેક્ટ થવા જોઈએ.

    હુંુ ગુજરાતી - ૧૨

    “કોર્પોરેટ પોલીટીક્સની પોઝીટીવ રમત”

    આજે દરેક સંસ્થામાં રાજકારણ પ્રવેશી ગયું છે. પ્રમોશન લેવાથી લઈને બીજાને કામની બાબતમાં નીચા દર્શાવવા માટે લોકો કંપનીમાં જાતજાતની રાજકારણની રમત રમે છે, જે કંપની માટે ભવિષ્યમાં નુકશાનકારક સાબિત થાય છે. આજે મસમોટા મેનેજમેન્ટ ગુરૂઓ અને લીડરશીપ ગુરૂઓ આ વિષય અંગેની ટ્રેનીંગ વિશ્વભરમાં આપે છે. પ્રખ્યાત મેનેજમેન્ટ નિષ્ણાત પ્રોફેસર સ્ટીફન રોબીન્સે કમચારીઓ સંસ્થામાં રાજકારણનો ભોગ ન બને તે માટે અને સંસ્થાનું કલ્ચર પ્રગતિ તરફ આગળ વધે તે માટે અમુક ઉપાયો સૂચવેલા છે.

    હંમેશા સંસ્થાના ધ્યેય વિશે જ બોલવુંઃ કર્મચારીઓએ પોતાના પર્સનલ ધ્યેયને છુપાવી રાખીને કંપનીના લક્ષ્યાંકો વિશે ચર્ચાઓ કરતી રહેવી જોઈએ. બધાની વચ્ચે પોતાની અંગત લાભ કે ધ્યેયની વાતો કરવાથી ક્યારેક વળતો પ્રહાર આવી શકે છે. બીજા વિભાગના સાથી કર્મચારીઓ કેવી રીતે વર્તે છે તેનું ખાસ નિરીક્ષણ કરવું જોઈએ. જે વ્યક્તિ સંસ્થાના ધ્યેય વિશે જ હંમેશા વાતો કરે છે તે ઝડપથી પ્રમોશનના દ્વારને પામે છે.

    બોસને સાથ-સહકાર આપતા રહોઃ તમારી કારકિર્દીની દોરી જે વ્યક્તિના હાથમાં હોય તે વ્યક્તિને હંમેશા કામમાં સાથ-સહકાર આપતા રહો ભલે પછી તમને તે વ્યક્તિ જોડે ફાવતું ન હોય. કારણ કે તે જ વ્યક્તિ તમારા કામનું મૂલ્યાંકન કરશે માટે તેની નજરમાં રહેવું આવશ્યક છે. તમારા ઉપરી અધિકારી તમને મૂલ્યાંકન કરવામાં કેવા માપદંડ વાપરે છે તે શોધતા રહો અને તે મુજબનું વર્તન કરો. ક્યારેક બોસ સાથે વાતચીત કરતી વેળાએ અમસ્તા હસવાથી પણ નોકરીમાંથી પાણીચું દેવું પડે છે. બોસ પાસે તમારૂં કેરેક્ટર અને પર્સનાલીટી હંમેશા અવ્વલ ક્વોલીટીની રાખો. સાયકોલોજી વિષયમાં ’સમાનતા’ નો એક નિયમ છે. બોસના અને તમારા ટેસ્ટ એક સરખા રાખો.

    અડધી તૂટેલી ચમચીઓથી દૂર રહોઃ કંપનીમાં જે વ્યક્તિની ઈમેજ બગડેલી છે તેવી વ્યક્તિઓને તૂટેલી ચમચીઓ કહેવામાં આવે છે. આવી વ્યક્તિઓથી દૂર રહેવું હિતાવહ છે. આ પ્રકારની વ્યક્તિઓ અફવાઓની મદદથી તમારી ઈમેજને બગાડી શકે છે. માટે તેની સાથે વધુ પડતી દલીલ કરવાને બદલે તેનાથી દૂર રહેવું જોઈએ. નોકરીના શરૂઆતના દિવસોમાં આવી વ્યક્તિઓની એક યાદી બનાવો જેથી શરૂઆતથી જ તમને તકલીફ ન પડે. ઘણી વખત એવું બનતું હોય છે કે આવી વ્યક્તિઓ ઉપરી અધિકારીઓના સીધા જ સંપર્કમાં હોય છે અને તમારી એક અમથી નાનકડી ભૂલ તમને ક્યારેક મુસીબતમાં લાવી શકે છે.

    કંપનીના રિસોર્સ ઉપર નિયંત્રણ મેળવોઃ સંસ્થામાં રીસોર્સીસ હંમેશા મર્યાદિત હોય છે. કંપનીમાં બને તેટલાં રીસોર્સીસ ઉપર તમારૂં નિયંત્રણ રાખવામાં પ્રયત્નો કરતા રહો. જેની પાસે રિસોર્સ હશે તે પાવરફૂલ હશે. આજના સમયમાં જ્જ્ઞાન, આવડત અને એક્ષ્પર્તીઝ એક જબરજસ્ત રિસોર્સ છે. તમારામાં આ ત્રણેય વસ્તુઓ હશે તો તમારી વાતો સૌ કોઈ સાંભળશે અને તમારી કદર થતી રહેશે. દરેક કંપનીમાં રિસોર્સની અગવડ તો રહે જ છે. ઓછામાં ઓછા રીસોર્સથી તમે કેવી રીતે વધુ કામ કરી શકો તે તમારી આવડત અને સ્કીલ ઉપર આધાર રાખે છે. જો તમે ઓછા રીસોર્સથી કંપનીમાં કામ કરશો તો ટોપ મેનેજમેન્ટ તરફથી તમને સારો રીવોર્ડ મળી શકે છે.

    સૌની નજરમાં રહોઃ એક સરસ મજાની પંક્તિ છે કે આંખો સે દૂર દિલ સે ઉતર જાયેગા.. ખૂબ જ સાચું જ કહ્યું છે. કંપનીમાં દરરોજ ૧૦ મિનીટ ફાળવીને દરેક વિભાગના લોકોને મળવાનું રાખો. તમે જે કંઈ કરો છો, કે કંપનીએ જે સફળતા પ્રાપ્ત કરી હોય તેનો ઢોલ વગાડીને બીજા દ્વારા પણ તેને અમલમાં મુકવો. તમારૂં કામ એવું હોય કે જે મેનેજમેન્ટની સીધી જ નજરમાં ન આવતું હોય તો એકદમ હોશિયારીથી તમે જે કંઈ કામ કરી રહ્યા છો એની ખબર તમારા ઉપરી અધિકારી, ગ્રાહકો, સપ્લાયરો, સરકારી અધિકારીઓ મારફતે પહોચાડવાની કોશિશ કરતા રહો. શર્હેરના મેનેજમેન્ટ એસોશિયેશનના, ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર બનો. અખબારોમાં લેખ લાખો. નેશનલ ચેનલોમાં ઈન્ટરવયું લો અને આપો. બે-પાંચ સેમિનારોનું સંચાલન કરો.

    હુંુ ગુજરાતી - ૧૩

    શ્રેષ્ઠ સેલ્સમેનની વિવિધતમ શૈલીઓ

    તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો તે વસ્તુ ગ્રાહક સુધી પહોંચે તે તમારા ધંધાનું મહત્વનું પાસું ગણાય છે. તમે તમારી વસ્તુનું ઉત્પાદન કાળજીપૂર્વક, આધુનિક વિચારસરણીને ધ્યાનમાં રાખીને કરેલું હોય છે જે ગ્રાહકલક્ષી હોય છે. તમારી ઉત્પાદિત વસ્તુ ગ્રાહક સુધી પહોચાડવાની કામગીરી કળા અને કુશળતા માંગી લે છે. ગ્રાહકની ઈચ્છાઓને જે તીવ્ર જરૂરિયાતમાં પલટી નાખે છે, અને જે છેલ્લે ખરીદીનું રૂપ ધારણ કરે છે તે વેચાણકળાની આવડતને સેલ્સમેનશીપ કહેવાય છે.

    તમારી વસ્તુનું વેચાણ કરવું તે એકમાત્ર તમારો હેતુ હોઈ શકે નહિ. ગ્રાહક તમારી વસ્તુનો વપરાશ વારંવાર કરતો થાય અને તે અન્ય ગ્રાહકને પણ તમારી વસ્તુ ખરીદવા માટે પ્રોત્સાહિત કરે તે તમારો આશય હોવો જોઈએ. હંમેશા યાદ રાખો કે, તમારી વસ્તુ ગમે તેટલી ઉચ્ચ ક્વોલીટીની કેમ ન હોય પરંતુ તે ક્યારેય આપમેળે ગ્રાહક સુધી પહોચતી નથી. તેને ગ્રાહક સુધી પહોંચાડવા માટે તમારે એક સારા સેલ્સમેનની જરૂર પડવાની જ છે. ડેલ કંપનીના સ્થાપકે તેના શરૂઆતના વર્ષોમાં એવો વિચાર કરેલો કે મારી પ્રોડક્ટનું હું સીધું જ ગ્રાહક જોડે વેચાણ કરીશ. પરંતુ સમય જતાં તેમણે પોતાના વિચારોને બદલવા પડયા અને આજે તમે ડેલ કંપનીના શો રૂમ દરેક શહેરોમાં જોઈ શકો છો.

    દરેક કંપનીએ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે, ગ્રાહકના સૌ પ્રથમ સંપર્કમાં સેલ્સમેન આવે છે. ગ્રાહકને પોતાની વસ્તુની સમજણ આપે છે અને તેને ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સેલ્સમેન ઓફ ધ યર નામની બોલીવુડની ફિલ્મમાં અભિનેતાએ સારા સેલ્સમેનની ખૂબીઓ અને લાક્ષાણીકતાઓ કેવી હોવી જોઈએ તે વિશે પોતાનો અભિનય પાથર્યો છે. ફિલ્મનો હાર્દ એક જ વસ્તુ ઉપર હતો કે, એક સારો અને ઉત્કૃષ્ઠ સેલ્સમેન પોતાની ફરજ કેવી રીતે નિભાવી શકે છે. જયારે વેપારી પાસે ગ્રાહક સામેથી આવે છે. પોતે જે વસ્તુ ઈચ્છે છે તે વસ્તુ ખરીદે છે. આ વ્યવહારમાં કોઈ પણ જગ્યાએ સેલ્સમેનનો ફાળો જોવા મળતો નથી. અહી સેલ્સમેન ગ્રાહક પાસે જાય છે ત્યારે ગ્રાહકને વસ્તુ લેવી કે નહિ તે નક્કી હોતું નથી. જયારે ગ્રાહક વેપારી પાસે જાય છે ત્યારે તે વસ્તુ લેવાની જ છે તે હેતુથી જ મુલાકાત લે છે. આવા સંજોગોમાં સેલ્સમેનને વધુ અને વેપારીને પ્રમાણમાં ઓછી મહેનત કરવી પડતી હોય છે. પરંતુ બંનેમાં એક વાત સામ્ય હોય છે કે ગ્રાહકને સંતોષ થાય અને ગ્રાહક તમારી વસ્તુ ખરીદે તેવો સફળ પ્રયત્ન કરવાનો હોય છે.

    એક સારા સેલ્સમેનની વિવિધ શૈલીઓ વિશે સમજીએ.

    સેલ્સમેનનું વ્યક્તિત્વઃ સેલ્સમેનનો બાહ્ય દેખાવ કુદરતની બક્ષિશ હોય છે પરંતુ જો તે પોતે વ્યવસ્થિત હોય, સુધડ હોય, પહેરવેશ સ્વચ્છ અને સારો હોય, તો તે ગ્રાહક દ્વારા આવકારને પાત્ર બને છે. ક્યારેક એવું પણ બને છે કે સારો દેખાવ ન ધરાવનાર સેલ્સમેન વસ્તુના વેચાણ કરવામાં નંબર એકના સ્થાન ઉપર જોવા મળતા હોય છે. આવા સમયે તેમની આવડત અને વસ્તુનું વેચાણ કરવાની કુશળતાને ધ્યાનમાં લેવામાં આવે છે. સારો સેલ્સમેન ગ્રાહકના માનસને ઓળખીને તેને વસ્તુનું વેચાણ કરે છે. ગ્રાહકને ક્યારેય પણ વસ્તુની ખરીદીમાં રસ હોતો નથી. તેમને માત્ર વસ્તુની યોગ્ય માહિતી જે તે સેલ્સમેન પાસેથી મળી રહે તે જ હેતુ હોય છે.

    પ્રભાવશાળી વાણીઃ આ કુદરતી બક્ષિશ છે પરંતુ રોજના અભ્યાસથી, સારા વિચારોથી અને અસરકારક શબ્દોનો ઉપયોગ કરવાથી પ્રભાવશાળી વાણીના માલિક બની શકાય છે. અને આ કળા માટે કોઈ કલાસીસ ભરવાની જરૂર રહેતી નથી. સારૂં વાંચન, અભ્યાસુ અને હોશિયાર લોકોની સંગત તેમજ સામેવાળી વ્યક્તિને શું ગમે છે અથવા શું ગમી શકે છે અને ક્યાં શબ્દોનો ઉપયોગ કરવાથી ગ્રાહક તમારી તરફ આકર્ષાય તે ધીમે ધીમે હકારાત્મક વલણ અપનાવવાથી શીખી શકાય છે. વસ્તુના વેચાણ માટે પ્રભાવશાળી વાણી ઈચ્છનીય છે. જે શબ્દો તમને ગમે તેવા શબ્દો બીજા માટે વાપરવાથી સામેવાળાને પણ ગમશે અને તમે તેનું દિલ જીતી શકો છો.

    ઉત્પાદિત વસ્તુ વિશેનું જ્જ્ઞાનઃ સેલ્સમેન માટે આ પાયાની બાબત છે. ગ્રાહક વસ્તુ માટે પૈસાનું ખર્ચ કરે છે અને સાથે સાથે તેને પૈસાનું પૂરેપૂરૂં વળતર મળે તેવું પણ તે ઈચ્છતો હોય છે. વસ્તુના મહત્વના લક્ષણો જેમ કે, વસ્તુના રંગ, રૂપ, ટકાઉપણું, ગુણવતા, વજન અને તેનો ઉપયોગ વગેરેની માહિતી હોવી જોઈએ. આ સિવાય વસ્તુ અંગે ટેકનીકલ માહિતી હોય તો ગ્રાહકને સમજાવવામાં સરળતા થઈ જાય છે. ગ્રાહકની હંમેશા એક જ રજૂઆત હોય છે કે વસ્તુની કિમત વધુ છે. આવા સંજોગોમાં વસ્તુની ઉપયોગીતા, વેચાણ પછીની સેવાઓ અને વસ્તુનો અનેકરીતે ઉપયોગ વગેરેનું વર્ણન કરીને ગ્રાહકને વસ્તુની કિંમત વ્યાજબી છે તે સમજાવી શકાય છે.

    હુંુ ગુજરાતી - ૧૪

    પ્રોફેશનલ કરિયરમાં ભૂલનો સ્વીકાર

    એ જ પ્રગતિને આવકાર

    આપણામાં એક કહેવત છે કે, કામમાં ભૂલ કરે તે જ વ્યક્તિ સાચું શીખે છે. પરંતુ ઘણી વખત કોર્પોરેટ કંપનીમાં ભૂલનું પરિણામ કંપનીને અને કર્મચારીને ખુબ જ મોટું નુકશાન પહોંચાડી શકે છે. આપણે ભૂલને બને ત્યાં સુધી થતી અટકાવીએ છીએ પરંતુ તેમાંથી મોટેભાગે બોધપાઠ લેતા હોતા નથી. બોધપાઠ લેવાથી ભૂલનું પરિવર્તન લગભગ નહીવત થઈ જાય છે. ઘણી વખત આપણે ભૂલ કરીને લોકોને એવું કહેતા હોઈએ છીએ કે, જો મેં કોઈને જાણતાં-અજાણતાં દુઃખ પહોચાડયું હોય તો માફ કરશો પરંતુ આવું બધું કહીને ખરેખર તો તમે તે વ્યક્તિને તમને દિલાસો આપવા માટે આજીજી કરો છો. તમે ભૂલનો સ્વીકાર કરતાં હોતા નથી.

    યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવોઃ તમે કામમાં જે ભૂલ કરી છે તે બાબત અંગે સ્પષ્ટ રીતે તમારા બોસને જણાવી દેવું જોઈએ. મોટેભાગે આપણે એમ જ કહીએ છીએ કે, આ કારણસર ભૂલ થઈ હતી કે બીજા વિભાગમાંથી માહિતી મળવામાં મોડું થયું હતું. પરંતુ આ બાબતને તમારા બોસ કે કંપની સાથે કોઈ જ નિસ્બત હોતો નથી. તેમના માટે તો કામ પૂર્ણ થાય તે જ મહત્વનું હોય છે. વારંવાર આ પ્રકારના કારણો આપવાથી તમને થયેલી ભૂલ વિષે માહિતી મળી શકશે નહિ.

    ચેકલીસ્ટ બનાવવુંઃ જો તમે વારંવાર ભૂલો કરતાં હોય તો તેવી ભૂલોનું એક ચેકલીસ્ટ બનાવવું જોઈએ. આ ચેકલીસ્ટમાં ક્યાં પ્રકારનાં કામમાં કેવી ભૂલો થાય છે અને શા માટે થાય છે તે બાબત અંગે ઉલ્લેખ ખાસ કરવો જોઈએ. આવા ચેકલીસ્ટ બનાવતી સમયે તમારી નબળાઈને પોતાની નજર સમક્ષ રાખવી જોઈએ. મોટેભાગે લોકો ભૂલનું નિરીક્ષણ કરતી વખતે નબળાઈઓને જોતા હોતા નથી અને તે વખતે જ તેમને પરિણામ ભોગવવું પડતું હોય છે.

    આત્મકથા વાંચવીઃ જે વ્યક્તિને પુસ્તક વાંચવાનો શોખ હોય તેમણે સ્પોર્ટ્‌સ, ફિલ્મ કલાકારો, રાજકીય નેતાઓ, બીઝનેસ ટાયકુન જેવા લીડરોની આત્મકથા વાંચવી જોઈએ. આ પ્રકારના પુસ્તકોમાં તેમના દ્વારા થયેલી ભૂલોને તેમણે કેવી રીતે પોતાના જીવનમાં હકારાત્મક દ્રષ્ટિકોણથી સુધારી છે તેના વિવિધ ઉદાહરણો આપેલા હોય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બેરેક ઓબામાંએ જયારે ચુંટણી જીત્યાના પહેલા દિવસે રાષ્ટ્રને ભાષણ આપ્યું ત્યારે તેમણે ખાસ કહેલું કે મહાત્મા ગાંધીજીની આત્મકથાએ મારા જીવનમાં ઘણું પરિવર્તન કર્યું છે. ઈન્ફોસીસ કંપનીમાં આ પ્રકારના પુસ્તકોનું વાંચન તેમના કર્મચારીઓ દ્વારા વધે તે માટે એક ખાસ પ્રકારની લાઈબ્રેરી બનાવવામાં આવી છે જેને આત્મસંશોધન નામ આપ્યું છે.

    મેન્ટરશીપની તાલીમ લેવીઃ જો તમે તમારી ભૂલને વિગતવાર સમજી ન શકો તો તમે તમારા મિત્ર અથવા ઉપરી અધિકારીની મદદ લઈ શકો છો. આ પદ્ધતિને મેન્ટરશીપ કહેવાય છે. મેન્ટરશીપની તાલીમ દરમ્યાન તમે કોર્પોરેટ અને જીવનના અવનવાં પાસાઓ શીખી શકો છો જે મોટેભાગે અનુભવ આધારિત હોય છે. એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કે આ પદ્ધતિમાં ક્યારેય પણ એકબીજા ઉપર દોષારોપણ કરવા જોઈએ નહિ. અમેરિકા જેવા દેશમાં આ પ્રકારની તાલીમ આપવા માટે પ્રાઈવેટ કંપનીઓની બોલબાલા છે.

    હુંુ ગુજરાતી - ૧૫

    “સફળતાનો મૂળમંત્ર : કામમાં ધ્યાન રાખવું”

    મહાન લેખક અને વિચારક માર્ક ટ્‌વેઈનનું એક ખૂબ જ પ્રચલિત વાક્ય છે કે, જ્યારે કોઈ પણ વ્યક્તિની મનની સર્જનશક્તિ જ આઉટ ઓફ ફોકસ હોય તો માત્ર આંખો પર આધાર રાખવાનો કોઈ અર્થ સરતો નથી. બલકે કાર્યની નિષ્ફળતા માટે આંખોને દોષ પણ આપવો પણ યોગ્ય નથી. ટ્‌વેઈનનું આ સૂત્ર દરેક નોકરિયાતે નોકરીના સ્થળે હંમેશાં મનમાં રમતું રાખવું જોઈએ. નોકરીના સ્થળે આંખ, કાન ખુલ્લા રાખવા જોઈએ તો જ કારકિર્દીને પાંખો મળે તેવું તમે ઘણી વખત વાચ્યું સાંભળ્યું હશે. આંખ કાન ખુલ્લા રાખવા સાથે તમે એક્ચ્યુઅલી જે હેતુથી એટલે કે આર્થ્િાક ઉપાર્જનના મુખ્ય આદેશથી દિવસ રાત એક કરીને નોકરી કરી રહ્યા છો, એ ઓફિસમાં કરતા કાર્યમાં તમારૂં ચિત્ત ચોંટવું કે ધ્યાન કેન્દ્‌રિત કરવું જરૂરી છે. જો તમારો જીવ તમારા કામમાં ન લાગતો હોય તો કાલે માત્ર એક દિવસ તમને સોંપાયેલું કાર્ય ગમાડવાનું શરૂ કરો તો તમને અહેસાસ થશે કે તમારા કાર્યમાં જીવ ચોંટાડવો એ એવરેસ્ટ સર કરવા જેવું અઘરૂં નથી.

    શિક્ષણની પ્રવૃત્તિ પૂરી થયા પછી જિંદગીમાં અમુક પ્રવૃત્તિઓ એવી હોય છે કે જે કર્યા વિના તમારી સામાજિક ક્ષેત્રે પણ ગણના ઘટે છે. અહીં સીધો ઈશારો આર્થ્િાક ઉપાર્જનનો છે. જોકે આજના કોર્પોરેટ યુગમાં માત્ર આર્થ્િાક ઉપાર્જન માટે ૧૦ થી ૫વાગ્યા સુધીની નોકરી કરીને મહિને પગાર મેળવી લીધો એટલે ભયો ભયો જેવી સરળ વ્યાવસાયિક જિંદગી રહી નથી. નોકરિયાત અને નોકરીદાતા બંનેની અપેક્ષાઓનો ગ્રાફ ખૂબ જ ઊંંચો જી રહ્યો છે. નોકરિયાતને સતત બઢતી અને વ્યાવસાયિક ક્ષેત્રે નામના મળે તેવી ખેવના હોય છે તો સામે પક્ષે નોકરીદાતા કંપનીની અપેક્ષા પણ પોતાની કંપનીના કર્મચારી પાસેથી એવી હોય છે કે તેઓ રોજ પોતાના કાર્યમાં ઉર્ધ્વ ગતિ તરફ આગળ વધે. મલ્ટિનેશનલ કંપનીની પદ્ધતિની વાત કરીએ તો આજે આ કંપનીઓની અપેક્ષા હોય છે કે તેમનો કર્મચારી વ્યાવસાયિક રીતે સબ બંદર કા વ્યાપારી જેવો હોય. આવા સમયે સૌથી વધુ અગત્યનું છે, નોકરિયાત જે કાર્ય કરે તેમાં તેનું ચિત્ત પરોવવું.

    કામને ગમતું કરો

    અહીં આપણે શિક્ષણકાળનું ઉદાહરણ લઈએ. આપણી શિક્ષણ પદ્ધતિ મુજબ જોઈએ તો એસ.એસ.સી. સુધીના શિક્ષણના વિષયો મોટેભાગે એકસરખાં જ હોય છે. એક ધોરણમાં પાસ થયા પછી જ આગળના ધોરણમાં વિદ્યાર્થીને પ્રવેશ મળે છે. હવે ધોરણ નવ કે દસમાં આવતા બધા જ વિષયોમાં વિદ્યાર્થીને રસ પડે કે ન પડે તોય તે ભણવા ફરજિયાત હોય. જે તે વિષય ન ગમે તે વાતે જો વિદ્યાર્થીનું નાકનું ટીંચકું ચડી જાય તો વિદ્યાર્થી આગળના ધોરણમાં કઈ રીતે જી શકે. વિદ્યાર્થીકાળમાં જ એ વિષયો ન ભણવા હોય તો પણ તેમાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ ભણે છે. બલકે વિષયમાં ગતાગમ ન પડે તો પણ તે વિષયને લગતા પ્રશ્નો શીખવાનો પ્રયત્ન કરે છે. વ્યાવસાયિક જીવનમાં પણ ઘણા તબક્કે આવું જ બનવાની શક્યતાઓ છે. ભણતા, નોકરી મેળવ્યા પછી, નોકરીમાં બઢતી મળતાં ઊંંચું પદ મેળવ્યા પછી કે કંપનીના મેનેજર બન્યા પછી, બિઝનેસ ડિલ વખતે કે અંગત જિંદગીમાં એવા ઘણા વિષયો અને પ્રશ્નો હશે કે તમે તેને હવામાં ફંગોળી દેવા માટે પ્રયત્ન કરશો, પણ ગુરૂત્ત્વાકર્ષણના નિયમની જેમ જ આવા પ્રશ્નો અવકાશમાં ફંગોળાઈને ફરી તમારા માથે ટકોરા દેશે. તો જ્યારે પણ તમારા અંગત કે વ્યાવસાયિક જીવનમાં અણગણતા પ્રશ્નો ઊંભા થાય ત્યારે પહેલાં એ વિષય, પ્રોજેક્ટ કે પ્રશ્નોને ગમતા કરો. તેમાં રસ લેવાનો પ્રયત્ન કરો. જે પ્રશ્નો કે પ્રોજેક્ટ પ્રત્યે અણગમો હોય તેના ઉકેલ વિચારો, બલકે વિવિધ ઉકેલ વિચારો અને તેને અમલમાં મૂકો. તમે જો એ પ્રશ્નો વિશે વિચાર કરશો તો એ પ્રત્યે આપોઆપ જ રસ ઊંભો થતો તમે જોઈ શકશો.

    પોતાનામાં રહેલી ક્ષમતા ઓળખો

    તમે હેનરી ફોર્ડનું નામ તો સાંભળ્યું જ હશે. વિશ્વ પ્રખ્યાત ઓટોમોબાઈલ કંપની ફોર્ડના ફાઉન્ડર હેનરી ફોર્ડનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. મૂળે તેમનો પરિવાર આયરલેન્ડવાસી હતો, પણ સંબંધીઓ અમેરિકામાં વસ્યા હોવાથી હેનરીના માતા - પિતા પરિવાર સહિત અમેરિકા આવીને વસ્યા હતા. અહીં પણ તેઓએ કૃષ્િાઉદ્યોગ વિકસાવ્યો હતો. ૧૫ વર્ષની ઉંમર સુધી હેનરીએ સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું અને ખેતીના કામમાં પણ માતા - પિતાની મદદ કરતા. જોકે તેમને યંત્રો પ્રત્યે ભારે આકર્ષણ રહેતું. પિતાની કમરજી હોવાથી પિતાથી છૂપી રીતે રાત્રે ઘડિયાળ, ખેતીના સાધનો જેવા યંત્રો ખોલીને તેનું યાંત્રિકીકરણ જોતાં. ક્યારેક પડોશીની કોઈ ચીજ ખરાબ થઈ જાય તો હેનરી એ ચીજને રિપેર કરી આપતાં. ૧૬ વર્ષની ઉંમરે જ હેનરીને સમજાઈ ગયું કે તેમને યાંત્રિક વિદ્યામાં રસ પડે છે તેથી પોતાના રસના વિષયનું કામ કરવા માટે ઘર છોડીને ચાલ્યા ગયા. ડેટ્રોઈટના કારખાનામાં કામ કર્યું ત્યાંથી પાછા ઘરે ફર્યા અને પોતાના ખેતરની જગ્યામાં મશીન મરમ્મતનું કારખાનું ખોલ્યું. કારખાનામાં ગેસ એન્જિન અને ભારે કામ કરનારી મશીન બનાવવાની યોજના બનાવી, જોકે તેમાં ઝાઝી સફળતા ન મળી છતાં હાર ન માનતા તેઓ પાછા ડેટ્રોઈટ ગયા. ૧૮૯૦માં તેમણે એડિસન ઈલેક્ટ્રીક કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું અને પેટ્રોલથી ચાલનારી ગાડી બનાવી અને એ પછી ડેટ્રોઈટ ઓટોમોબાઈલ કંપનીમાં તેમણે રેસ કાર બનાવી. રેસ કારના લીધે તેમનું નામ થયું એ પછી તેમણે ૧૯૦૩માં ફોર્ડ મોટર કંપની સ્થાપી. હેનરી ફોર્ડના જીવન પરથી શીખવા જેવું છે કે જીવનમાં જરૂરી હોય તેવું દરેક પ્રકારનું શિક્ષણ લેવું જોઈએ, પણ પોતાનામાં રહેલી ક્ષમતાને ઓળખવી જોઈએ અને પોતાને રસ હોય તેવા જ ક્ષેત્રની નોકરીની પસંદગી કરવી જોઈએ.

    ચોટલી બાંધીને કામે વળગો

    ચોટલી બાંધીને કામે વળગી જાઓ. વડવાઓએ આ કહેવત અમથી નથી કહી. માન્યતા મુજબ, પ્રાચીન કાળમાં શિષ્યોની ચોટલી જેને શિખા કહેવામાં આવે છે તે લાંબી રહેતી. વિદ્યાર્થી જ્યારે ભણવા બેસે ત્યારે તેની બેઠક સાથે તે ચોટલીને પાછળથી બાંધી દેવામાં આવતી. ખુરશી સાથે બાંધી હોવાથી ભણતી વખતે શિષ્ય જરા પણ હલે તો ચોટલી ખેંચાય તેથી તે અભ્યાસ પૂરો કર્યા વગર ખસી શકે નહીં. શક્ય છે કે આ વાયકા સાચી હોય, પણ આજના સમયમાં હવે તમારી અદૃશ્ય ચોટલીને જાતેજ બાંધીને કોઈ પણ કાર્યમાં સોએ સો ટકા ધ્યાન આપવા પ્રયત્ન કરવો પડશે તો જ તમે કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકશો. વ્યાવસાયિક જીવન હોય કે પછી અંગત જીવન કોઈ પણ કામમાં ધ્યાન આપવા માટે અને તે કાર્યનું સોએ સો ટકા પરિણામ મેળવવા માટે તમારે પોતેજ કાર્યમાં ફોકસ કરવું પડશે.

    બીજા રસપ્રદ વિકલ્પો