ઝંઝા અને જીવન - 18 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મજબૂત મનોબળ

    આપણે મજબૂત મનોબળ કંઈ રીતે કેળવી શકીએ??         મનનું "બળ" મન...

  • રાય કરણ ઘેલો - ભાગ 7

    ૭ થોડો પૂર્વ ઈતિહાસ   આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા મ...

  • ફરે તે ફરફરે - 58

    ફરે તે ફરફરે - ૫૮   પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છ...

  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

શ્રેણી
શેયર કરો

ઝંઝા અને જીવન - 18

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અઢાર

કમલના લગ્નનું નિમંત્રણ આપવા માટે અનુબહેન ફાર્મહાઉસ પર ગયાં. એમણે પીટર, મારિયા અને સુનિતાને કહ્યું, ‘‘કમલનાં લગ્ન ઈન્ડિયામાં રાખ્યાં છે. આ લગ્નમાં તમારા બધાની હાજરી હોવી જરૂરી છે. તમે અમારા મોટા સગાં છો. તમારે બધાએ અગાઉથી ભાણવડ પહોંચવું પડશે.’’

સુનિતા કહે, ‘‘રોહનને સ્કૂલની પરીક્ષા છે. મારે પીએચ.ડી.ના છેલ્લા પેપર મારા ગાઈડને આપવાના છે. લગ્નની પણ આ જ તારીખો છે. ખેતરમાં અનાજનો પાક લેવાની તૈયારી છે. એમાં ઢીલાશ કરવી પાલવે એમ નથી. વરસાદનું એક ઝાપટું ઊભા પાકને નુકસાન કરી શકે છે. મારે હાજર રહીને એ કામ પૂરું કરવું જરૂરી છે. આ બધાં કારણે મારાથી લગ્નમાં આવી શકાશે નહીં.’’

મારિયા કહે, ‘‘રસોઈનું કામ મારા માથે છે. રોહનને સ્કૂલે મૂકવા અને લેવા જવાની જવાબદારી મારી છે. પીટરને સમયસર દવા આપવી, એને સાચવવાની જવાબદારી પણ મારે શિરે છે. મારાથી આવવું મુશ્કેલ છે.’’

અનુબહેન નિરાશ થયાં. એ જોઈને સુનિતા કહે, ‘‘મમ્મી, કમલનાં લગ્નમાં અમારી હાજરી હોવા જરૂરી છે. એ વાતનો મને ખ્યાલ છે. અમારાથી આવી શકાય એમ નથી. તેથી અમારા વિના લગ્ન પતાવી દો. તમારે માઠું લગાડવાની જરૂર નથી. અમે તમારાથી રિસાઈને આવવાની ના પાડતા નથી. સંજોગોને આધીન થવું પડે છે.’’

અનુબહેન કહે, ‘‘લોકોને લાગશે કે તમારી સાથે અમારે બનતું નથી. અથવા કુસંપ છે. માટે તમે આવ્યાં નથી.’’

પાંચ હજાર ડૉલર અનુબહેનને આપતાં સુનિતાએ કહ્યું, ‘‘મમ્મી હું કમલની મોટી બહેન છું. એને ચાંદલો આપવો એ આપણો વ્યવહાર છે.’’ અનુબહેન એની વાત ગણકાર્યા વિના અને ચાંદલાની રકમ લીધાં વિના ઘરે પહોંચી ગયાં.

સુનિતાએ પીટર અને મારિયાને કહ્યું, ‘‘ઈન્ડિયામાં લગ્ન એ સામાજિક પ્રસંગ છે. સગાંસંબંધીઓની હાજરીમાં લગ્ન થાય છે. સગાંઓને પહેરામણી, ઓઢામણી થતી હોય છે. આ પ્રસંગે હું મોટી હોવાથી પંચ વચમાં મારું નામ બોલાશે. ત્યાં હું ન હોઉં તેથી લોકો ચર્ચા કરશે.’’

પીટર કહે, ‘‘એમ હોય તો તું જરૂર જા.’’

સુનિતા કહે, ‘‘મારું મન માનતું નથી. ત્યાં મને થોમસની યાદ આવ્યા કરે. લગ્ન પ્રસંગમાં હું સૂનમૂન રહું એ ખરાબ લાગે.’’

પીટરે મારિયાને કહ્યું, ‘‘તું, જા. રસોઈની વ્યવસ્થા થઈ જશે. રોહનને મૂકવાં લેવાં જવાનું ગોઠવાઈ જશે.’’ મારિયાએ જવાની તૈયારી બતાવી તેથી સુનિતાએ અનુબહેનને ફોન કરી કહ્યું કે લગ્નમાં મારાં સાસુજી મારિયા હાજરી આપશે. એ તમારી સાથે જ આવશે.

રોહન સાત વર્ષનો થયો છે. ભણવામાં એ તેજસ્વી છે. પીટરે સુનિતાને કહ્યું, ‘‘ત્રીજા ધોરણમાં હું નાપાસ થયો હતો. સ્કૂલે જવું મને ગમતું નહોતું. રોહન બીજા ધોરણમાં પ્રથમ કક્ષાથી ઉત્તીર્ણ થયો, એથી હું રાજી થયો છું.’’

શનિ-રવિની રજાઓમાં સુનિતા રોહનને બાઈક પર બેસાડીને ખેતરની સફર કરાવે છે. રોહનને વગડામાં ફરવાની મજા આવે છે. નાની સાઈકલ ચલાવીને દૂર સુધી આંટા મારે છે. મરિયમ આન્ટીના ઘરે જાય છે. ચાર વરસ સુધી એનો ઉછેર કર્યો હોવાથી મરિયમને રોહન વહાલો લાગે છે. એમીલીયા અને જોન હવે મોટાં થઈ ગયાં છે. તો પણ એમની સાથે રમવાનું રોહનને ગમે છે. કલાકો સુધી એ ઘરે જતો જ નથી. એને બોલાવવાં મારિયા ફોન કર્યા કરે, એને ઘર કરતાં મરિયમનાં ઘરે વધુ ગમે છે. છેવટે મારિયા જાતે જઈને રોહનને ઘરે લઈ આવતી.

સુનિતાનો અભ્યાસ પૂર્ણ થયો, એ ઉત્તીર્ણ થઈ છે. ઓકલાહોમા યુનિવર્સિટીમાં યોજાનાર પદવીદાન સમારંભમાં એને ડોક્ટરની પદવી એનાયત થવાની છે. એના માટે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ એને મળ્યું છે.

સુનિતાએ કૃપાશંકરને ફોન કરીને અમેરિકા બોલાવ્યા. એ સમયસર આવી પહોચ્યાં. મધુસૂદન, અનુબહેન, પીટર, મારિયા અને રોહન આ બધાં વિમાન દ્વારા ઓકલોહોમા પહોંચ્યાં. પદવીદાન સમારંભમાં હાજરી આપી. સુનિતાને ગવર્નરના હસ્તે પદવી એનાયત થઈ.

વળતાં બધાં ફાર્મહાઉસ આવ્યાં. સવારે ચા-નાસ્તો કર્યો પછીથી કૃપાશંકરે પીટર અને મારિયા તરફ જોઈને કહ્યું, ‘‘થોમસ અને સુનિતાઓ સાથે રહીને પીએચ.ડી.નો અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. સુનિતાની એક પાંખ ખંડિત થઈ. તો પણ એણે એનું સપનું પૂર્ણ કર્યું છે. એ માટે અભિનંદનને પાત્ર છે. દીકરીને સંસ્કૃત ભાષામાં દુહિતા કહે છે. દીકરી પિયર અને સાસરા બન્ને પક્ષોનું હિત કરે છે. સુનિતાએ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે. તેથી આપણા બન્ને પક્ષોને ગૌરવ પ્રાપ્ત થયું છે.’’

પીટર કહે, ‘‘મને અને શિક્ષણને મેળ ખાતો નહોતો. હું શાળાએ જતો નહોતો. મારા બાપદાદાના વારસાની જમીન મને મળી છે. તેથી હું અભણ ખેડૂત છું. આજે પણ મને ચોપડી વાંચવાનો કંટાળો આવે છે. મારિયા સાત ધોરણ ભણેલી છે. એને સમય મળે ત્યારે ચર્ચમાંથી લાવેલી ચોપડી વાંચે છે. થોમસ કૉલેજમાં ભણે છે. એની અમને જાણ હતી. થોમસ સાથે સુનિતા અહીં બે-ત્રણ વાર આવી હતી. ત્યારે અમને એમ હતું કે ઈન્ડિયન છોકરી લગ્ન કરીને કદીએ આપણા ઘરે આવે જ નહીં. આજે સુનિતા અમારો થોમસ બનીને અમારી ખેતી સંભાળે છે. અહીં અમારી સાથે રહે છે. એણે પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કર્યો, એ અમારા માટે ગૌરવની ઘટના છે. હું એને અભિનંદન આપું છું.’’

સુનિતા ગદ્દગદિત બની. એની આંખોમાંથી અશ્રુ ટપકતાં હતાં. આજે એને થોમસની યાદ સવિશેષ સતાવતી હતી. મારિયા અને અનુબહેને એને છાની રાખી. સુનિતાને રડતી જોઈને રોહન એની પાસે ગયો. એણે કહ્યું.

‘‘મમ્મી, તું શા માટે રડે છે ? આ બધાં અહીં આવ્યાં છે. એથી મને ગમે છે. તને પદવી મળી એથી તારે રાજી થવું જોઈએ.’’

મારિયાએ રોહનને પોતાની પાસે બેસાડીને કહ્યું, ‘‘તારા પપ્પા થોમસ એને યાદ આવ્યાં છે. એથી એને રડવું આવે છે.’’

પીટર, સુનિતા, મારિયાએ થોમ ચેરિટેબલ ટ્રસ્ટ સંકુલના મકાનનો ખાત મુહૂર્ત વિધિ કૃપાશંકરના વરદ્‌ હસ્તે રાખવાનું નક્કી કરેલ છે. આવતી કાલે પીટરના સગાસંબંધીઓ અને મિત્રો આવનાર છે. એ બધાંની હાજરીમાં ખાતમુહૂર્ત વિધિ થશે, બીજા દિવસે મહેમાનોની હાજરીમાં કૃપાશંકરના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સમ્પન થયો.

પીટરે સંસ્થાના મકાનનો પ્લાન આર્કિટેક દ્વારા તૈયાર કરાવીને રાખ્યો છે. તે અનુસાર કોન્ટ્રાક્ટરે મકાન બાંધકામ શરૂ કર્યું. મકાનો તૈયાર થઈ ગયાં, બાળકોને દાખલ કરવા માટે છાપામાં જાહેરાત આપી. પ્રથમ વરસે વીસ બાળકોને દાખલ કર્યા. એ બાળકોની સંભાળ રાખવા માટે ત્રણ આયાની ભરતી થઈ. સ્કૂલના કુલ સાત વર્ગખંડો તૈયાર છે. સંકુલની વચ્ચેના ભાગમાં બાળકોને રમવા માટેનું મેદાન છે. વિશાળ કમ્પાઉન્ડના મુખ્ય દરવાજા ઉપર થોમ ચેરિટેબલ ટ્રસ્ટનું બોર્ડ છે. ચર્ચના સેવાભાવી ફાધર જ્યોર્જના હસ્તે સંસ્થાનો ઉદ્દઘાટનવિધિ સમ્પન થયો. ફાધર જ્યોર્જે સંસ્થાને આર્થિક મદદની ખાતરી આપી. બાલકલ્યાણની સેવા કરવા તત્પર સુનિતાને આશીર્વાદ આપ્યાં.

રોહન બારમા ધોરણની પરીક્ષામાં બાણું ટકાથી ઉત્તીર્ણ થયો. એણે કેલિફોર્નિયાની મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો. એણે અનુબહેનના ઘરે રહેવાનું રાખ્યું છે. અહીંથી કોલેજ નજીક છે. નાના-નાની સાથે એને ફાવે છે. એ બન્ને રિટાયર છે. રોહનને વહાલથી સાચવે છે. અહીં એને વાંચન માટે કોઈ જાતની ખલેલ પડતી નથી.

સુનિતા સંસ્થાનું સંચાલન કરે છે. એ સાથે ખેતીની સંભાળ રાખે છે. એણે સાદગી ગ્રહણ કરી છે. પીટર અને મારિયાનું ધ્યાન રાખે છે. એ ચર્ચમાં જતી નથી. મંદિરે પણ જતી નથી. સંસ્થામાં રોજ સાંજે સમૂહ પ્રાર્થના થાય છે. બાળકો સમજી શકે એવા સાદા સરળ શબ્દોની પ્રાર્થના થાય છે.

હે પ્રભુ, અમને બળ આપ.

સદ્દબુદ્ધિ આપ. જેથી અમે

અન્યને ઉપયોગી થઈ શકીએ.

એવું વરદાન અમને આપ.

સુનિતાનો પ્રેરણાસ્રોત ગાંધીજી છે. એનું પ્રેરકબળ મધર ટેરેસા છે. એના કામની સૂઝ ધરમપુર બીલપુડીના કોકિલાબહેન છે. એની આંતરિક તાકાત કૃપાશંકર દાદા છે. એ અવારનવાર ફોનથી દાદાની સલાહ મેળવે છે. એ બાળકોને પ્રેમ આપે છે. પ્રેમનાં ભૂખ્યાં બાળકો સુનિતાનો પ્રેમ પામીને ધન્ય બને છે. મોટા ભાગનાં બાળકોની કુંવારી મા એના બાળકને અહીં દાખલ કરીને ચાલી જાય છે. એ નમાયા બાળકનો ઉછેર ભલીભાતી રીતે થાય એ માટેની સૂચના અને પ્રશિક્ષણ આયાઓને સુનિતા આપે છે. અભાવગ્રસ્ત બાળકોની જરૂરિયાતો સંતોષવા માટે આયાઓ તત્પર રહે છે. ‘‘સેવા કરવી એ ધંધાદારી કામ નથી.’’ કૃપાશંકરે કહેલું આ વાક્ય, સુનિતાને બરાબર યાદ છે. દાદાના એ વાક્યને ચરિતાર્થ કરવા માટે એ સંકલ્પબદ્ધ છે.

ભારતમાં અપરિણિત યુવતી જ્યારે મા બને છે ત્યારે એની સ્થિતિ આઘાતજનક બને છે. એ યુવતી કલંકિત બને છે. એનો સામાજિક તિરસ્કાર થાય છે. તેથી એ એના બાળકને લોકોની નજરથી છુપાવીને અવાવરું જગ્યાએ મૂકી દે છે. મોટા શહેરના શિક્ષિત પરિવારમાં કોઈ યુવતી મા બને છે, ત્યારે એના અનૌરસ બાળકને એ અનાથાશ્રમમાં મૂકે છે. આવી રીતે મા બનવાની ઘટના ભારતમાં ક્યારેક જ બનતી હોય છે.

અમેરિકા જેવા વિકસિત અને બિન્ધાસ્ત રાષ્ટ્રોમાં મહદ્‌અંશે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ કુંવારી મા બને છે. ત્યાં એને ભારતમાં લાગે છે એવું કલંક લાગતું નથી. એને સામાજિક બહિષ્કૃત થવાનો ડર હોતો નથી. તો પણ એ કિશોરીની સ્થિતિ કરુણ બને છે. કુંવારી એ છોકરીને પોતાનું અનૌરસ બાળક અનાથાલયમાં મૂકીને પાછાં જવાની ઘટના વેધક અને કરુણ હોય છે. પોતાનાં સંતાનને છોડીને જતી એ વિદ્યાર્થિની વળીવળીને એના જાયાને ચૂમીઓ કરે છે. એની આંખોમાંથી આંસુડાંની ધારા વહે છે. એનું માતૃત્વ વેદનાગ્રસ્ત બને છે. છેવટે લાચાર બનીને એ ચાલી જાય છે.

આવી ઘટનાઓ સુનિતા માટે હ્ય્દયદ્રાવક બને છે. બાળક છોડીને જતી માતાને એ જોયાં કરે છે. માતા અને બાળકને છૂટા પડવાની આ ઘટના સુનિતા માટે કરુણાજનક બને છે. કવયિત્રીનું આ સહજ લક્ષણ છે.