ઝંઝા અને જીવન - 16 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંઝા અને જીવન - 16

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સોળ

સુનિતા અમેરિકા આવી છે. એ સગર્ભા છે. આ વાતની જાણકારી અનુબહેને મારિયાને ફોન દ્વારા આપી હતી. એ સાથે પીટરની તબિયતના સમાચાર પૂછ્યા હતા. સામેથી મારિયાએ સુનિતાની તબિયતની ખબર ન પૂછી. એમના ફોનનો યોગ્ય પ્રતિભાવ નહોતો આપ્યો. તો પણ અનુબહેને સુનિતાને કહ્યું,

‘‘મેં મારિયાને ફોન કર્યો હતો. એમણે તારી તબિયતની ખબર પૂછી હતી. પીટરની તબિયત હવે સારી છે.’’

કૃપાશંકર અને ઉષાબા અમેરિકા આવી ગયાં છે. સુનિતાને નોર્મલ પ્રસવ થયો. એના પેટથી પુત્ર રોહનનો જન્મ થયો છે. એથી ઘરની ભારેખમ હવામાં આનંદની સુરખી જોવા મળે છે. નવજાત શિશુને જોઈને સુનિતામાં માતૃત્વની ઝલક દેખાઈ આવી. એણે એના બાળકને નીરખીને જોયો, એમાં એને થોમસ દેખાયો. કૃપાશંકર કહે, ‘‘આ તો અદલ થોમસ છે.’’ ઉષાબાએ કમલને કહ્યું, ‘‘તું માસી થઈ ગઈ. અનુ દાદી બની ગઈ.’’ અનુબહેને ઉષાબાને કહ્યું, ‘‘તમે વડદાદી બની ગયાં.’’

કૃપાશંકરે પીટર સાથે ફોન દ્વારા વાત કરી. એની તબિયતના ખબરઅંતર પૂછ્યાં. એમણે આગળ કહ્યું, ‘‘અમે આજે જ તમને મળવાં માટે આવીએ છીએ.’’

મધુસૂદન, અનુબહેન અને કૃપાશંકર ફાર્મહાઉસે પહોંચ્યાં. પીટરનું શરીર દુબળું બન્યું છે. એના દરદની જાણકારી લીધી. દવા અને ડૉક્ટરની વિગતો જાણી. એ સાથે કૃપાશંકરે થોમસ બાબત જણાવ્યું.

‘‘થોમસને મારિયાનો ફોન મળ્યો, એ તરત જ અમેરિકા આવવાની તૈયારી કરવા લાગી ગયો, એ અને સુનિતા અમદાવાદ પહોંચ્યાં. અમદાવાદથી થોમસ એકલો મુંબઈ પહોંચ્યો. મુંબઈથી લૉસએન્જલીસનું વિમાન સવારે ઉપડવાનું હોવાથી થોમસે એરોડ્રામ પર રાત વિતાવવાનો નિર્ણય લીધો હતો. આ વાત એણે ફોન દ્વારા સુનિતાને કહી હતી. આ ફોન પછીથી એનો કોઈ ફોન સુનિતાને મળ્યો નથી. એ મુંબઈના એરોડ્રામ પર હશે, એ સમયે મુંબઈના ઝવેરી બજારે આતંકવાદી દ્વારા બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ત્યાં એની હાજરી હોવાની કોઈ શક્યતા ન હોવા છતાં ત્યાંની પોલીસ ચોકીએ મેં અને સુનિતાએ ઝીણવટથી તપાસ કરી હતી. એરોડ્રામ પોલીસમાં પણ ફરિયાદ લખાવી છે. આજ સુધી થોમસ અંગેના કોઈ સંકેત મળ્યા નથી. સુનિતા અત્યંત દુઃખી છે. અમે બધા દુઃખી છીએ.’’

મને એક શંકા એવી છે કે અમેરિકાએ બિન લાદેનનો જે રીતે ખાતમો બોલાવી દીધો છે. એ પછીથી તાલીબાનોએ અમેરિકા સામે વેર વાળવાની જાહેરાત કરી છે. મુંબઈ એરોડ્રામ પર થોમસ એકલો હતો. એ અમેરિકન નાગરિક હોવાની જાણ એવા કોઈ તાલીબાન સંગઠકને થવાથી એનું અપહરણ થયું હોય એ સંભવ છે. ઇન્ડિયામાં આતંકવાદીઓના સંગઠનો સક્રિય છે. આ કારણે લોકો ત્રસ્ત છે. સુરક્ષાતંત્રની દોડધામ ઘટતી નથી. દેશમાં પારાવાર નુકસાન થયા કરે છે.

કૃપાશંકર બોલતાં હતાં. પીટર અને મારિયા એકચિત્તથી સાંભળતા હતા. થોમસ સુનિતાના લગ્ન પ્રસંગે એ બન્નેને કૃપાશંકર સજ્જન અને આબરૂદાર માણસ હોવાની પ્રતીતિ થયેલી છે. એથી એમની વાતમાં સહજતાથી વિશ્વાસ બેસે છે.

કૃપાશંકરે મારિયા સામે જોઈને કહ્યું. પીટરની તબિયત હવે સુધારા પર છે. તમે સુનિતાની ખબર લેવા અને તમારા પૌત્રને જોવા અમારા ઘરે આવો. તમારે સુનિતા પાસે આવવું ખૂબ જરૂરી છે. તમારો પૌત્ર અદ્દલ થોમસની કાર્બન કોપી છે.

મારિયા વચ્ચેથી ઊભી થઈને થોમસની શિશુઅવસ્થાનો ફોટો લઈને આવી. એ ફોટો એણે કૃપાશંકરના હાથમાં મૂક્યો. ફોટો જોઈને કૃપાશંકર કહે,

‘‘અરે ! બિલકુલ આવો જ છે તમારો પૌત્ર રોહન.’’ મધુસૂદને ફોટો જોઈને અનુબહેનને આપ્યો. એમણે મારિયાને કહ્યું,

‘‘અમારા ઘરે તમારો થોમસ રોહન નામે આવ્યો છે. આ ફોટામાંનો થોમસ અને અમારે ત્યાં આવેલો તમારો પૌત્ર રોહન, એ બન્ને એકસરખા જ લાગે છે. તમે જલદીથી અમારા ઘરે આવો.’’

મારિયા કહે, ‘‘આવતા રવિવારે અમે બન્ને જરૂર આવીશું.’’ કૃપાશંકર મધુસૂદન અને અનુબહેન ગયા.

મારિયા પર લ્યુસીનો ફોન આવ્યો હતો. એણે કહ્યું હતું ‘‘આંટી, થોમસ ગુમ થયો છે. એ જાણીને મને દુઃખ થયું છે. થોમસ અંગેના સમાચાર મને ઈન્ડિયાથી મળ્યા છે. મારી બહેનપણી ઈન્ડિયન છે. એ ભાણવડ નજીકના જામનગરમાં રહે છે. એણે મને કહ્યું હતું કે થોમસ અને સુનિતા વચ્ચે ઝગડો થયો હતો. સુનિતાએ ત્યાંના કોઈ છોકરા સાથે લફરું હતું. આ કારણે બન્ને પતિ-પત્ની ઝઘડતાં હતાં. તેથી સુનિતાએ થોમસને ગુમ કરાવી દીધો છે.’’

‘‘આંટી, સુનિતા મારી સાથે ભણતી હતી ત્યારથી હું એને જાણું છું. એ લફરાબાજ છોકરી છે. ઘણાં છોકરાં સાથે ડેટિંગ પર જતી હતી. એણે થોમસને ફસાવીને એની સાથે લગ્ન કર્યા છે.’’

લ્યુસીએ ફોન દ્વારા કરેલી આ વાત મારિયાએ પીટરને કહી હતી. પીટર આ વાત સાચી હોવાનું માનતા નહોતા. કારણ સુનિતા થોમસના લગ્ન સમયે કૃપાશંકરની પરખ થઈ હતી. એમની શાખ, આબરૂ અને સજ્જનતા એણે જોયાં છે. એમની પૌત્રી લફરું કરે અને થોમસને ગુમ કરી દે એવું ન બની શકે.

લ્યુસીની આ વાત સાંભળ્યા પછીથી મારિયા સુનિતાને ફોન કરતી નહોતી. એને વહેમ હતો કે ઈન્ડિયન છોકરીએ મારા દીકરા થોમસને ફસાવીને લગ્ન કરીને એનું કાસળ કાઢ્યું છે.

કૃપાશંકરની વાત સાથે લ્યુસીએ કરેલી વાતનો કોઈ છેડો મળતો નહોતો. મારિયાએ લ્યુસીને ફોન જોડ્યો.

‘‘હલ્લો, લ્યુસી, હું મારિયા બોલું છું. મારે થોમસની ભાળ મેળવવા માટે તારી ઈન્ડિયન બહેનપણીના ફોન નંબરની જરૂર પડી છે. પ્લીઝ મને એનો ફોન આપ.’’

લ્યુસી કહે, ‘‘આંટી, તમે ફોન મૂકી દો, હું એનો ફોન નંબર શોધીને તમને ફોન કરું છું.’’ ઘણીવાર પછીથી લ્યુસીનો ફોન આવ્યો. એ કહે, ‘‘આન્ટી, મેં બધી જગ્યાએ જોયું એનો ફોન નંબર મળતો નથી.’’

મારિયા કહે, ‘‘તારી એ બહેનપણીને તું કઈ રીતે ઓળખે છે ?’’

લ્યુસી કહે, ‘‘મારી સાથે કોલેજમાં એ ભણતી હતી.’’

મારિયા કહે, ‘‘એનું નામ શું હતું ?’’

લ્યુસી કહે, ‘‘એનું નામ હું ભૂલી ગઈ છું.’’

મારિયા કહે, ‘‘સુનિતા હાલ અમેરિકામાં છે. એ તો એને જાણતી જ હશે ને ? કારણ તમે બધાં એક સાથે જ કોલેજમાં અભ્યાસ કરતાં હતાં.’’

લ્યુસી ગોટાળા વાળવા લાગી. મારિયાને લ્યુસીના જૂઠાણાંનો ખ્યાલ આવી ગયો.