એષ્ણા Dr.CharutaGanatraThakrar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એષ્ણા

પ્રસ્તાવના

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા છોડ્યા પછી ફરી દ્વારકામાં આવ્યા નથી, પરતું પ્રસ્તુત કથામાં શ્રી કૃષ્ણ દ્વારકામાં પુનઃ પધારે છે અને એ દરમિયાન ઘટતી કાલ્પનિક કથાવસ્તુ. શ્રી કૃષ્ણનું રાધાજી સાથે પુનઃ મિલન અને તેની સાક્ષી એવી દ્વારિકાની ભૂમિ.

એષ્ણા એટલેકે પ્રબળ ઈચ્છા... અને શ્રી કૃષ્ણની પ્રબળ ઈચ્છા એટલે રાધીકાજીને ફરી મળવાની અને રાસલીલા રચવાની ઈચ્છા, એષ્ણા.. અને અહિ એ કથાનું નિરૂપણ કર્યું છે. કથાના અંતમાં શું રાધાજી સાથે શ્રી કૃષ્ણનું મિલન થશે? શ્રી કૃષ્ણની એષ્ણા પૂર્ણ થશે?

આપણા સૌના મનમાં પણ કોઈ ને કોઈ પ્રબળ ઈચ્છા – એષ્ણા રહેલી જ હોય છે, અને માનવ-મન ની એષ્ણાનું ઈશ્વર કૃપાથી પૂર્ણ થવું એ નિરૂપણ પ્રસ્તુત કથામાં આલેખાયું છે.

માતૃભારતી ટીમ અને વાચકો નો આભાર..

ડો.ચારૂતા ગણાત્રા ઠકરાર

સરનામું:

ઘર : “સ્વર્ગ” કલીનીક : ૧૧૧, અમૃત કોમ. કોમ્પ્લેક્ષ,

એએ – ૧ – અમી પાર્ક, સરદાર નગર મેઈન રોડ,

૧૫૦ ફૂટ રીંગ રોડ, એસ્ટ્રોન ચોક,

મોદી સ્કુલ પાસે, રાજકોટ – ૩૬૦૦૦૧

રાજકોટ – ૩૬૦૦૦૭ ગુજરાત.

ગુજરાત. ફોન : (૦૨૮૧) ૨૪૬૭૧૦૯

મોબાઈલ : ૯૮૨૫૮૨૮૫૪૩

E mail :

અર્પણ

શ્રી કૃષ્ણ સાથે હંમેશથી જોડાયેલ છે શ્રી રાધીકાજીનું નામ હંમેશથી કહેવાય છે ‘રાધે ક્રિશ્ન..’

શ્રી કૃષ્ણના રાધિકાજી પ્રત્યેના દિવ્ય પ્રેમને

સાદર અર્પણ...

સર્વે પ્રેમીજનોને આવો જ દિવ્ય પ્રેમ અને પ્રેમીજનનું ચીર:સ્થાયી મિલન પ્રાપ્ત થાય....

એષ્ણા

રાધા.....

.....મારા હૃદયનાં ઉંડાણમાં ધરબાયેલુ નામ...! ગોકુળ છોડયા બાદ રાધાને મળ્યો જ નથી....ભુલ્યો પણ નથી... રાધાને અને રાધા સાથેના ગોકુળીયા બાળપણને કેમ ભુલુ?

....રાધા અને જીવનની અન્ય ઘટનાઓ ....! કદાચ હૃદયમાં આટલો ભાર સહન ન થતા દરિયાકિનારો જ મેં મારા રહેણાંકને માટે પસંદ કર્યો. સાગરનું ઉંડાણ..... એ મારા મનનું પ્રતિબિંબ તો નથી ને..!

....માધવ તો હવે ગોકુળ, મથુરા કે દ્વારિકામાં પણ નથી... અને રાધા..? રાધા માધવની યાદોમાં કે પછી સમુદ્રનાં ઉંડાણમાં....!!

સાંદિપની ઋષિનાં આશ્રમમાં મારા અભ્યાસકાળનો મિત્ર સુદામા, અને તેણે આપેલ તાંદુલનો સ્વાદ કઈ રીતે ભુલુ? પાથૅ જેવો સમથૅ બાણાવળી મિત્ર કે પછી સખી દ્રોપદી, દાઉભૈયાનો સંગાથ .....કાળનાં પ્રવાહમાં બધુ પાછળ રહી ગયુ. બાકી રહી ગયો હું, દ્વારિકા, સમુદ્ર અને.... અને રાધાની યાદો...!!

આજે તો દ્વારિકા પણ એ નથી રહી. શું સઘળુ બદલાયુ તેમ દ્વારિકા નગરી પણ બદલાઈ હશે? લોકમાનસ કેવુ હશે? કાળનો પ્રવાહ દ્વારિકામાં શું બદલાવ લાવી શકયો હશે?

જો કે અહીં બેસીને એ વિષે વિચાર કરવાથી તો કઈં જ ન જાણી શકાય. લાગે છે કે આજનાં સમયની દ્વારિકાનું પરિભ્રમણ કરી જ આવુ. દ્વારિકા આમ પણ ભકતો અને ભજનિકોની નગરી રહી છે. તો આવા કોઈ ભકતને પણ લાભ આપુ.

-------------

“અરે...અરે જુઓ તો ખરા... સમુદ્ર પાસે આ કોણ ઉભુ છે? કેવા ઠાઠથી સમુદ્ર તરફ મીટ માંડીને ઉભો છે..! કોણ હશે? ચાલો જઈને જોઈએ.”

“હા, આવુ તો કોઈ આપણે જોયુ જ નથી. છે કોઈ પ્રવાસી. લાગે છે પણ પાછો વિચિત્ર. ચાલ જઈને જોઈએ.”

દ્વારિકામાં જ જન્મેલા અને મોટા થયેલા પચ્ચીસેક વર્ષનાં બે યુવાનો - મોહન અને કિશન સમુદ્રકાંઠે ઉભેલા એ વ્યકિતનો તાગ મેળવવા આગળ વધ્યા.

“ભાઈ કોણ છો તમે? અહીં સમુદ્રકાંઠે શા માટે ઉભા છો?” મોહને પુછયુ.

“અમાસ નજીક આવે છે. ઓટ ભારે ખરાબ. ભરતી હોય તો હજી બહાર ફેંકાઈ જઈએ. બાકી ઓટનાં સમયમાં દરિયાનું મોજુ તાણી જાય તો ગયા સમજવાનું....” કિશને ચેતવણી આપી.

....પણ વ્યથૅ..! સમુદ્રનાં ઘુઘવાટ સાથે પવનની લહેરખી. અને જાણે મોહન, કિશનનો સ્વર હવામાં જ ઓગળી ગયો. ખડક સાથે એક મોટુ મોજુ અથડાઈને ત્રણેને ભીંજવી ગયુ. મોહન-કિશન બે ડગલા પાછળ હટી ગયા. હા, ઓટનાં દરિયાનું જોખમી મોજુ હતુ ને! પણ પેલી વ્યકિત તો નિર્લેપ શી ઉભી હતી. અને સમુદ્ર તરફ જ મંડાયેલી હતી તેની આંખો..

“મોહન, લાગે છે સાંભળ્યુ નથી કે પછી સમજયા નથી. ચાલ, તેમને સમજાવીને પાછા લઈ જઈએ.”

“કિશન, આ કોઈ બહુરૂપીયુ તો નહીં હોય ને? કે પછી પેલી નાટક મંડળી આવી છે તેનો કલાકાર?” મોહનને વિચાર આવતા તેણે કિશનને કહયુ.

“એ ગમે તે હોય, પણ આપણે દ્વારિકાનાં છોરૂ કહેવાઈએ. અને આ માણસ લાગે છે અજાણ્યો. તો પછી આ રીતે જોખમ હોય ત્યાં તેને કઈ રીતે મુકવો?” કિશને કહયુ.

“હા, આમ પણ દરિયાદેવ હમણાં હમણાંથી રીસે ભરાયેલ હોય તેમ ભોગ વધુ માગે છે. અને આજે જો આપણી હાજરીમાં કઈં અજુગતુ બની જશે તો આપણને લાંછન લાગી જશે.” મોહને કિશનની વાતમાં સુર પુરાવ્યો.

“ભાઈ.....” કિશને એ વ્યકિતનાં ખભા પર હાથ મુકયો. તેનાં શરીરમાંથી આછી ધ્રુજારી પસાર થઈ ગઈ. એ વ્યકિતએ કિશન-મોહન સામે જોયુ. કિશન અને મોહન તેને જોઈ જ રહયા.

સમુદ્ર શી ઉંડી આંખો, પણ કપટનું નામ ન મળે. જાણે જગત આખા માટેનાં પ્રેમનો દરિયો આ આંખોમાં જ સમાઈ ગયો હતો. હોઠ પર ભુવન મનોહર સ્મિત. મોરપિચ્છ વાળો મુગટ, પીળુ પિતાંબર અને કમર પર ત્રિભોવનને પોતાનાં સુરથી ડોલાવતી વાંસળી. શ્યામવણૅ પણ ચહેરા પર સૌમ્યતા...

માતા સરસ્વતીની લેખની પણ જેના ગુણનાં વણૅન કરવા અસમથૅ છે, તેવા માધવનું વણૅન મોહન-કિશનની આંખો કઈ રીતે કરી શકે! માધવ ખરેખર દ્વારિકા આવી પહોંચ્યા અને લીલાધરની લીલાનો પહેલો પરચો મોહન-કિશનને મળી પણ ગયો. પણ પોતાની લીલા ઝડપથી સંકેલી લઈ માધવ બોલ્યા, “આપ મને બોલાવતા હતા?” જાણે રૂપાની ઘંટડી રણકી ઉઠી હોય એવો મધુર સ્વર સંભળાયો.

“હા....” અવાચક કિશન ભુલી ગયો કે શું કહેવુ છે...! માધવની સ્વરમાધુરીમાં એ ખોવાઈ ગયો. અને મોહને વાતનો તંતુ પોતાના હાથમાં લીધો.

“ભાઈ, તમે દરિયાકિનારે જે રીતે ઊભા છો, એ રીતે ન ઊભુ રહેવાય. અમે એમ કહેતા હતા કે અમાસ નજીક છે. દરિયામાં અત્યારે ઓટ આવે છે. દરિયાનું મોજુ ખેંચી જશે તો તકલીફ પડશે...”

“આપનો આભાર...” ફરી એ જ મધુર સ્વર..

“તમારૂ શું નામ છે ભાઈ?” કિશન કદાચ મહારાણે આટલુ બોલી શકયો.

“માધવ.” જવાબ મળ્યો.

“અરે વાહ! તમે માધવ, હું મોહન અને મારો મિત્ર કિશન. પ્રભુનાં જ ત્રણે નામ. તમે કયાંથી આવો છો?”

“હું તો અહીંનો જ છુ. મને ન ઓળખ્યો શું?” માધવ પુછી બેઠા. પણ કઈં ન સમજાવાને કારણે મોહન, કિશન કઈં ન બોલ્યા.

“તમને કયારેય જોયા નથી. અમે બંને તો અહીં જ જનમ્યા છીએ, મોટા થયા છીએ.” કિશને કહયુ. હવે તે કઈંક સ્વસ્થ થયો હતો. અને માધવનાં સ્પશૅથી વંચિત મોહન સહજ વાત કરતો હતો.

“હા, હું અહીંનો ખરો, પણ ઘણા વખત પછી પાછો આવ્યો, માટે કદાચિત તમે મને ન ઓળખ્યો.”માધવે કહયુ.

“ઘણા અખત પછી....?! સારૂ, ચાલો જે હોય તે. પણ અહીંથી કિનારા તરફ આવી જાઓ. વધુ આગળ ન જતા. અને હા, આપને કયાંય જવુ હોય તો આપને મુકી જઈએ.” મોહને એ પ્રવાસીને કહયુ.

સમગ્ર જગતનાં પથપ્રદશૅકને માટે મોહને ભોમિયા બનવાની વાત કહી. માધવ મનોમન હસ્યા. “તમારો આભાર. પણ હું થોડીવાર દરિયાકિનારે ઉભો રહીશ. અને પછી ગોમતી નદીએ જઈશ.”

“ઠીક છે માધવ. અમે જઈએ. અમે અહીં નજીક જ રહીએ છીએ. જો.... પે...લુ જગત મંદિર છે ને, તેની પાસે જ અમારૂ ઘર છે. ત્યાં કોઈને પણ પુછશો તો અમારૂ ઘર બતાવશે.” મોહને કહયુ.

“હા, માધવ. અમે બંને મિત્રો બાજુ-બાજુમાં જ રહીએ છીએ. કૃષ્ણ-સુદામા જેવી ગાઢ છે અમારી મિત્રતા. હું રહયો સુદામા શો અકિંચન અને મોહન એટલે દ્વારિકાધીશ સમાન...”

“બસ કર કિશન. આપણો પ્રેમ આપણી અવસ્થા ન જુએે ભાઈ. સુદામા આવ્યા ત્યારે કૃષ્ણ પ્રભુ જાતે સુદામાને આવકારવા દોડી આવ્યા હતા, અને તે પણ ખુલ્લા પગે..”

પોતાની વાત કહી કિશન-મોહન તો ચાલ્યા ગયા. માયાપતિતો પોતાનાં મિત્ર સુદામાની પ્રેમભરી યાદમાં ખોવાઈ ગયા. સુદામાને ભેટતી વખતે અનુભવાયેલી શાતા માધવે ફરી અનુભવી.

'સુદામા અત્યારે કયાં હશે? મારી દ્વારિકા જ અત્યારે મારા માટે અજાણી ભોમકા બની રહી છે. હા, સત્યભામા કે રૂક્ષમણીને સાથે લઈને આવ્યો હોત તો કદાચ એકલતા ન લાગત. પણ આ રીતે દ્વારિકાનું પરિભ્રમણ તેઓ કરી શકત કે કેમ એ પ્રશ્ન છે! પણ સુદામા જો સાથે હોત તો........'

.....અને બરાબર એ જ સમયે એક ઉષ્માસભર સ્પશૅ માધવે પોતાના ખભા પર અનુભવ્યો અને પછી એ જ સ્પશૅ માધવનાં ચરણકમળમાં અનુભવાયો..

“...કોણ?! સુદામા... વ્હાલા મિત્ર સુદામા..!” માધવ આનંદવિભોર બની ગયા. “અત્યારે ખુલ્લા પગે આવ્યા? આ લો, મારી ચાખડી પહેરી લો.”

“ના, માધવ. આપનાં ચરણ કોમળ છે. હું તો આ રીતે ચાલવા ટેવાયેલો છુ. યાદ છે માધવ, એક વાર મને આવકારવા તમે ખુલ્લા પગે દોડી આવ્યા હતા? આજે આપે મને યાદ કર્યો તો હું કઈ રીતે વિલંબ કરી શકુ!” સુદામા લાગણીસભર સ્વરે બોલ્યા.

“ચાલો સુદામા. ભ્રમણ કરીએ આજની દ્વારિકા નગરીનું..” માધવે કહેવા છતા સુદામા ત્યાં જ ઉભા રહયા. “ કેમ નથી ચાલતા?” માધવને પ્રશ્ન થયો.

“પ્રભુ! આપની આ વેષભુષા, આ પિતાંબર, મુગટ વિગેરે ધારણ કરવાને બદલે સાદી ધોતી અને..” સુદામા સંકોચવશ બોલ્યા.

“અરે, હા! આ બાબતે તો મને યાદ જ ન આવ્યુ! જોયુ, આને કહેવાય સાચા મિત્ર. મિત્રની ભુલ તરફ નિ:સંકોચ નિર્દેશ કરનાર તમારા જેવા સાચા મિત્ર માટે મને ગવૅ છે.તો પછી કોઈ અલંકાર આપી અને તમે કહો છો તેવી વેશભૂષા ધારણ કરી લઈએ.” માધવ-શ્રીકૃષ્ણ અને સુદામા એક દુકાન પર ગયા અને વસ્ત્રોની માગણી કરી. દુકાનદારને તો પહેલા હસવુ આવી ગયુ, આવી વિચિત્ર વેશભૂષા જોઈને. પણ પછી તરત તેણે નવા વસ્ત્રો આપ્યા. “પુરા પાંચસો રૂપિયા થયા ભાઈ.”

“પૈસા.. એ વળી શું? પૈસા તો મારી પાસે નથી. હા, આ અલંકાર છે.” માધવે કહયુ. “આ અલંકાર લઈને વસ્ત્રો આપો.”

લક્ષ્મીપતિ પોતાની પાસે લક્ષ્મી ન હોવાનું કહીને પોતાની માયાનો વધુ કોઈ ખેલ રચતા હતા. દુકાનદાર કઈં કળી શકયો નહી. હા, માધવાનાં એક નહીં બધા અલંકાર કઈ રીતે હસ્તગત કરવા એ વિચારે દુકાનદાર ચડી ગયો.

“ભાઈ, તમારા આવા કચકડાના ઘરેણાનાં બદલામાં કઈં આટલા મોંઘા વસ્ત્રો ન મળે. હા, બધા અલંકાર આપી દેશો તો સરભર થઈ જશે.” દુકાનદારે ઠાવકાઈથી કહયુ.

અને લક્ષમીપતિ એક દુકાનદારના હાથે જાણીજોઈને છેતરાયા. પોતાના તમામ અલંકારો દુકાનદારને સુપ્રત કર્યા, અને હસતા હસતા નવા વસ્ત્રો લઈ, તે ધારણ કર્યા અને સુદામા સાથે ગોમતી નદી તરફ આગળ વધ્યા.

“માધવ, આ શું? બધા અલંકાર આપી દીધા? આ વસ્ત્રો ની કિંમતનાં પ્રમાણમાં અલંકાર...! સુદામા થોડા અકળાયા.

પણ માધવનાં ચહેરા પર એ જ સ્મિત રમતુ હતુ. પ્રસન્ન વદને તેઓ બોલ્યા, “મારા મિત્ર સમાન કિંમતી અલંકાર મારી પાસે છે તો પછી અન્ય અલંકારની શું વિસાત?!”

ગોમતી નદી નજીક આવી. માધવને ફરી એક વાર પોતાના દ્વારે જોઈ ગોમતી નદીમાં હરખની હેલી આવી. માધવનાં ચરણ પખાળવા અને ચરણરજ મેળવવા ગોમતી નદી અધીરી બની ગઈ. ગોમતી નદીમાં ઓટ હોવા છતા હરખની ભરતી આવવા લાગી. માધવનો શ્યામ વણૅ ગોમતીનદીનાં જળમાં પ્રતિબિંબિત થતો હોવાથી ગોમતી નદી વધુ સોહામણી બની.

....અને જનસામાન્ય આ કૌતુક જોઈ રહયુ. અચાનક ભરતી આવવાથી ગોમતી નદીમાં સ્નાન કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ. મમતામયી ગોમતી નદી આજે રૌદ્ર સ્વરૂપિણી ભાસતા હતા.

“શાંત દેવી શાંત..!” માધવે આદેશાત્મક સ્વરથી કહયુ.

“પ્રભુ, આજ મારૂ હૈયુ હાથ નથી રહેતુ. આપ અહીં વર્ષો - સૈકાઓ પછી પધાર્યા છો. આપની ચરણરજ લેવા હું અધીરી બની છુ.” ગોમતીજી ભાવવિભોર બની ગયા.

“દેવી, હું નિકટ આવી રહયો છુ. આપ શાંત થાઓ.”

“પ્રભુ! આપની ચરણરજ લેવા મારે આપનાં ચરણોમાં આવવુ જોઈએ. મને આજે ન રોકો પ્રભુ.”

“દેવી, આપ એક માતા છો. આપની મમતામયી ગોદમાં અનેક લોકોએ વિશ્રાંતિ અનુભવે છે, એ સૌ લોકો અત્યારે કેટલા નાસભાગ મચાવી રહયા છે! જનસામાન્યને આપ શાતા બક્ષો. અને હું અહીં નગરજન બનીને આવ્યો છુ. કોઈ વિષેશ ચમત્કાર ઘટશે તો અયોગ્ય લેખાશે.” માધવે ફરી આદેશ આપ્યો.

ગોમતી નદીનું દેખીતુ રૌદ્ર સ્વરૂપ શાંત પડી ગયુ. પણ તેનાં મનની હરખની હેલી કયાંથી શાંત પડે. ભકતને વધુ સમય રાહ ન જોવડાવતા,માધવ પણ ગોમતીજીનાં જળ પાસે પહોંચી ગયા.

“....દેવ, હવે મને ન રોકતા.” કહી ગોમતી નદીનું જળ માધવનાં ચરણ પખાળવા લાગ્યુ. જો કે માવધની માયાને કારણે સર્વ લોક એમ સમજયા કે કોઈ થાકેલો માનવી ગોમતી તટે પોતાનો થાક ઉતારે છે.

ગોમતી નદીનું આ ભકિતમય સ્વરૂપ નિહાળી સુદામા પણ ભાવવિભોર થઈ ગયા. માધવની ચરણરજ યુકત પરમપવિત્ર ગોમતી નદીનાં જળનું આચમન લઈ સુદામા ધન્ય બન્યા.

માધવ વધુ રોકાઈ જાત. પણ એવુ કરવામાં પરિભ્રમણ અધુરૂ રહી જાય. માટે માધવે વિદાય લીધી.

“પ્રભુ! આપની વિદાયતો વસમી જ હોય. આપ દ્વારિકાનાં પરિભ્રમણ પછી પાછા ફરતી વખતે મને ફરી દશૅનનો લાભ આપશો ને?” અને ગોમતી નદીની પ્રેમભરી વિનંતી માધવ નકારી ન શકયા.

“ચાલો મિત્ર, અહીં થી હવે આ પગથિયાઓ ચડી જઈએ અને પહોંચી જઈએ મંદિરમાં..” માધવ હર્ષ પામ્યા. એ તેમનું પોતાનું નિવાસ સ્થાન હતુ. સુદામા માધવને અનુસર્યા.

----------

“પૂજારી મહારાજ, અત્યારે તો ભોગનો સમય છે. પણ આજે મૂતિૅમાં કોઈ વિશેષ તેજ લાગે છે.”

“હું પણ કયારનો એ જોઈ અને વિચારતો હતો, કે મૂતિૅનું આજનું સ્વરૂપ કઈંક વિશેષ છે. પણ મને લાગ્યુ કે એ મારા મનનો વહેમ હશે. પણ તમે એ વાત અનુભવી એટલ. સત્ય જ હશે.” પૂજારી મહારાજ બોલ્યા.

“મહારાજ, નગરીમાં કોઈ અસામાન્ય વ્યકિતનું આગમન થયુ હશે કે કેમ?!”

“પણ એ વિદીત નથી. અને મૂતિૅ સ્વયં તેજોમય બને એવી વ્યકિત તો વર્ષોથી આ નગરીમાં પધારી જ નથી. હું વર્ષોથી દ્વારિકાધીશનુ પૂજા અચૅના કરતો આવ્યો છુ. કહે છે, માધવની દીવાની મીરા આ મૂતિૅમાં સમાઈ ગયા ત્યારે મૂતિૅ તેજોવંત બની હતી. કયાંક એવુ તો કઈં...!!”

બંને પૂજારીઓની પરસ્પર વાતચીત ચાલતી હતી ત્યાં જ માધવ મુખ્ય મંદિરમાં પધાર્યા. સુદામા તેમને અનુસર્યા. અને મૂતિૅમાં જાણે પ્રાણ પુરાયો. માધવ સ્વયં માધવની સન્મુખ આવ્યા. મૂતિૅ જાણે હમણાં જ બોલી ઉઠશે એવુ લાગતા સુદામાએ માધવને ચેતવ્યા. ફરી માયાનો પડદો પથરાયો. કોઈ કઈં સમજી ન શકયુ. અને માધવ સિફતથી મંદિર પરિસરમાંથી બહાર આવી ગયા.

પૂજારીને પણ કઈંક સ્વપ્નવત અનુભવ લાગ્યો, પણ તઓ કોઈ કળી ન શકયા. માયાપતિની માયા પથરાયેલી જ હતી ને!

બાવન ગજ ની ધ્વજા હવામાં ફરકી રહી હતી. હવા સાથે અથડાઈને જાણે માધવની હાજરીની ચાડી ખાતી હતી. અહીં માધવે પોતાની માયા પાથરવાની જરૂરી ન રહી, કારણ કે હવા સાથે અથડાતી ધ્વજા માધવની હાજરીનો સંદેશો કોઈને નહોતી પહોંચાડી શકવાની. હા, તે નિજાનંદમાં મસ્ત હતી.

“દ્વારિકાનાં જગતમંદિરનાં નિર્માણથી લઈને આજ સુધીની તમામ ઘટનાઓની સાક્ષી છે, આ બાવન ગજ ની ધ્વજા.” કયાંય થી આવો અવાજ કાને પડતા માધવ અને સુદામા અટકયા. કોઈ દ્વારિકાના ઈતિહાસ વિષે કઈંક કહી રહયુ હતુ.

'ગીતાગાન' થી સમાજને જ્ઞાન આપનાર, 'ગીતા' નાં વકતા એવા માધવ આજે શ્રોતા બની રહયા. ફરી એ અવાજ સંભળાયો. માધવ અને સુદામાએ અવાજની દિશામાં કાન માંડયા.

“શ્રીકૃષ્ણ અને દ્વારિકાની ઐતિહાસીકતા વિષે હવે કોઈ પ્રશ્ન રહયો નથી. વિષ્ણુ અવતારી એવા વરાહ અને નૃસિંહ ભગવાને હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુનો ઉધ્ધાર કર્યો. શ્રીરામે રાવણ-કુંભકણૅ નો ઉધ્ધાર કર્યો, જયારે શ્રીકૃષ્ણ શિશુપાલ અને દંતવક્રનાં ઉધ્ધારક બન્યા. હિરણ્યાક્ષ-હિરણ્યકશ્યપુ, રાવણ-કુંભકણૅ, શિશુપાલ -દંતવક્ર એ આમ તો શ્રીવિષ્ણુપ્રભુનાં દ્વારપાળ જય-વિજયનો જ અવતાર, જે વામન કુમારો દ્વારા શ્રાપ મેળવી આ રીતે જનમ્યા અને પ્રભુનાં હાથે જ ઉધ્ધાર પામ્યા.

કંસનાં પણ ઉધ્ધારક શ્રીકૃષ્ણ નો જન્મ કંસનાં જ બહેન દેવકીનાં કુખે થયો. શ્રીકૃષ્ણ દેવકીનું આઠમું સંતાન. ગોકુળમાં યશોદાની તાજી જન્મેલ પુત્રી સાથે શ્રીકૃષ્ણની અદલા બદલી કરાઈ. જેમાં યોગમાયાનો સક્રિય સાથ રહયો. વાસુદેવ બાલકૃષ્ણને લઈ નંદરાજાને ત્યાં મુકી આવ્યા. એ સમયે ચોકીદારો યોગનિદ્રામાં હતા. વરસતા વરસાદ થી બાલકૃષ્ણને બચાવવા શેષનાગે છત્ર ધર્યુ હતુ. યમુનાનદીએ પણ માગૅ કરી આપ્યો હતો.

ગોકુળમાં પુતનાવધ, કાલિયા દમન, ગોવધૅનપવૅત ધારણ, રાસલીલા જેવી અનેક લીલા શ્રીકૃષ્ણએ કરી. ત્યારબાદ મથુરા જઈ કંસ વધ બાદ મોટાભાઈ બલરામ સાથે સાંદિપની ઋષિનાં આશ્રમમાં શિક્ષાણ અને સુદામા સાથેની મિત્રતા.”

સુદામા સાથેની મિત્રતાની વાત સાંભળી માવધ સુદામા સામે જોઈ મલકાયા. સદીઓ પછી પણ તેમની મિત્રતા જીવંત છે એ સાંભળી સુદામા પણ હરખાયા. વકતવ્ય આગળ ચાલ્યુ. ફરી માધવ અને સુદામાએ વકતવ્ય સાંભળવાનું શરૂ કર્યુ.

“મહાભારતનાં પ્રધાન નાયક શ્રીકૃષ્ણ અને અર્જુન છે. દરેક ક્ષોત્રમાં, કહી શકાય કે પગલે પગલે શ્રીકૃષ્ણએ અજૅુનને સાથ આપ્યો-જીવનનું ક્ષોત્ર કે પછી યુધ્ધ ક્ષોત્ર. જયારે દુર્યોધને યુધ્ધ માટે શ્રીકૃષ્ણની સેના માગી ત્ યારે અર્જુને શસ્ત્રહીન એવા શ્રીકૃષ્ણ પોતાનાં પક્ષો માગ્યા.

'ગીતાજ્ઞાન' દ્વારા અર્જુનને અને જગતને અદભુત જ્ઞાન આપનાર એવા શ્રીકૃષ્ણ પછીથી દ્વારિકા આવીને વસ્યા. દ્વારિકામાં શ્રીકૃષ્ણએ પોતાનું ભવન બંધાવવા વિશ્વકર્મા નું સ્મરણ કર્યુ. વિશ્વકર્માનાં કહેવા મુજબ, એ ભૂમિ એવી નગરી માટે પર્યાપ્ત નહોતી. આથી સમુદ્રએ બાર યોજન દુર ખસી જઈ જગ્યા કરી આપી.

પોતાની લીલાઓથી વસુંધરાને પાવન કરી પ્રભુએ નિજધામ જવાનો સંકલ્પ કર્યો. એક નિશાદ દ્વારા બાણ વાગવાથી શ્રીકૃષ્ણે મનુષ્ય દેહનો ત્યાગ કર્યો. અને ફરી દ્વારિકા સમુદ્રમાં સમાઈ ગઈ.

રાધાને તો પછી પ્રભુ કયારેય નથી મળ્યા. પણ તેઓ રાધાને કયારેય ભુલ્યા પણ નહીં હોય. પોતાની પ્યારી બંસરી તેમણે રાધાને અપૅણ કરેલી. પછી કદાચિત તેમણે બંસરી વગાડી પણ નથી...”

“સુદામા..... સુદામા... ચાલો. અહીંથી દુર ચાલો...” માધવ વિહવળ થઈ ઉઠયા.

“શું થયુ.... શું થયુ?!”

“આ મનુષ્યે ફરી રાધાની યાદ કરાવીને... મારા ચિત્તને વિહવળ કર્યુ છે. અહીંથી દુર ચાલો..” માધવ આગળ વધ્યા. સુદામા ફરી તેમને અનુસર્યા.

મંદિર પરિસરથી થોડે દુર પહોંચી માધવને મનમાં થોડો હાશકારો થયો. હવે તો માધવ અને સુદામા મંદિર પાસેની મુખ્ય બજારમાં હતા.

“લઈ લો.... લઈ લો.... ભગવાનનાં કૃષ્ણ અવતારની મૂતિૅઓ સો રૂપિયામાં લઈ લો...” કોઈ ખૂણામાંથી અવાજ આવ્યો. “મુજ અંધને મદદ કરો. અપંગ-લાચારને કોઈ મદદ કરો..” સ્વર વધુ કરૂણ બન્યો.

“મિત્ર! આપણે તે મનુષ્યને મદદ કરવી જોઈએ. પણ એ કહે છે એ પૈસા...! પૈસા તો નથી. અલંકાર પણ આપણે આપી દીધા. તમારી પાસે કઈં...?!”કરૂણાનિધાન આવો કરૂણ સ્વર સાંભળી દ્રવિત થઈ ઉઠયા.

“માધવ, હું હમણાં આવુ.....” સુદામાએ ગોમતી નદી તરફ દોટ મુકી. અને ઘણાં લાંબા સમય પછી પાછા આવ્યા. પણ ત્યારે તેમનાં હાથમાં પૂરા બસ્સો રૂપિયા હતા.

“કયાં ગયા હતા મિત્ર? અને આ શું છે તમારા હાથમાં?!” માધવને આશ્ચયૅ થયુ.

“પ્રભુ, ગોમતીઘાટે ગયો હતો. ત્યાં કોઈને કઈં શાસ્ત્રોકત વિધી કરાવવી હતી. ગુરૂદેવનાં આશ્રમમાં શીખેલી વિદ્યા કયારે ઉપયોગમાં આવશે? અને દક્ષિાણા સ્વરૂપે મને આપ્યા પૂરા બસ્સો રૂપિયા.”

“અરે વાહ..! પણ મારા માટે તમારે...!”

“કઈં વધુ ન વિચારો પ્રભુ. પેલા મનુષ્યને જરૂર છે તો તેની મદદ કરો. તેની પાસેથી કોઈ પ્રતિમા ખરીદતુ નથી. આપ તો કરૂણાનિધાન છો. તેની મુશ્કેલી દુર કરો..” સુદામા પ્રેમાગ્રહ કરતા બોલ્યા.

“ભાઈ, તમારી બંને પ્રતિમાઓ મને આપી દો....” માધવ અંધ વ્યકિત તરફ જઈને બોલ્યા.

“કોણ! મુસાફર છો? જુઓ, પૂરા બસ્સો રૂપિયા લઈશ. ઓછો નહીં” પેલી વ્યકિતએ સહજ કહયુ.

“હા, ભાઈ. પૂરા બસ્સો રૂપિયા છે. લો. પણ ભાઈ, શું તમે જન્મથી જ અંધ અને..?” માધવે પુછયુ.

પોતાને જોઈતા પૈસા મળતા તે વ્યકિત ખુશ થયા. પણ મુસાફરનો પ્રશ્ન સાંભળી તેને નવાઈ લાગી. કયારેય કોઈએ તેને ગણકાર્યો નથી. હંમેશા બધા તરફથી તરછોડાયેલો એ મનુષ્ય માધવની કરૂણતામાં ભીંજાયો.

“ભાઈ, હું જન્મથી અંધ નથી. મારા કમૅથી અંધ બન્યો છુ. ઈશ્વરનાં આશિષ સ્વરૂપ કલાનું વરદાન મારા હાથમાં જન્મથી હતુ. સુંદર પ્રતિમાઓ હું નાનપણથી કંડારતો. પણ કયારેય પ્રભુની પ્રતિમા ન કંડારી. ન કયારેય દ્વારિકાધીશનાં દશૅન કર્યા. બસ, વિલાસી પ્રતિમાઓ કંડાર્યા કરતો. ઈશ્વરનો કોપ મારી ઉપર ઉતર્યો હોય તેમ મને આંખોનો અસાધ્ય રોગ થયો. આંખો ગુમાવી પછી અથડાતો-કુટાતો અહીં તહીં ભટકતો રહેતો. એક અકસ્માતે પગ ગુમાવ્યા. પરિવારનાં બધા સભ્યોનાં વારાફરતી મૃત્યુ થયા. ઉંમરલાયક માતા-પિતા તો મૃત્યુ પામ્યા એ સમજી શકાય, પણ યુવાન પત્ની પ્રસૂતિમાં મૃત્યુ પામી અને મારૂ બાળક પણ ન બચી શકયુ. મૃત્યુને આવકારવા હું સજ્જ બન્યો, પણ આ કપરૂ જીવન મારા નસીબમાં હતુ. આટઆટલી લાચારી છતા, મારા હાથ સલામત હતા તે ઈશ્વર કૃપા. હાથમાં ફરી ટાંકણો લીધો અને ફરી એક મૂતિૅ બનાવી, તે ઈશ્વરની પ્રતિમા હતી. ઈશ્વર ઈચ્છા હું સમજી ગયો અને હવે ઈશ્વરની પ્રતિમાઓ જ બનાવુ છુ”

“ખુબ સરસ. તમે સાચા માર્ગે વળી ગયા.” માધવ વધુ ન બોલી શકયા.

“તમને મારા માટે ઈશ્વરે જ મોકલ્યા છે.” પેલી વ્યકિત માધવનાં ચરણોમાં નમી ગઈ અને તપસ્વીઓને પણ દુલૅભ એવી માધવની ચરણરજ તેણે માથે ચડાવી.

“પ્રભુ, શું હજી આનાં કમૅબંધન નથી તુટયા!! આપની ચરણરજ લઈને તે ધન્ય બન્યો છે. તેનાં દુ:ખ દુર કરો...” સુદામાએ માધવને વિનંતી કરી.

“સાંભળો ભાઈ. દ્વારિકાધીશે તમારા દુ:ખ દુર કર્યા. આવતીકાલે પરોઢિયે બ્રાહ્મમુહુતૅમાં, ચાર વાગ્યે ગોમતીનદીમાં સ્નાન કરી આવો. તમારી બધી તકલીફો દુર થઈ જશે.” માધવ આદેશાત્મક છતા પ્રેમાળ સ્વરે બોલ્યા.

માધવની સ્વરમાધુરીનાં મોહપાશમાં એ વ્યકિતએ માધવને 'હા' ભણી. મનમાં તો તેને થયુ કે આ કોણ હશે. પણ પ્રશ્ન પુછા તેના હોઠ ન ખુલ્યા.

બંને પાષણ પ્રતિમાઓ હાથમાં લઈ માધવ અને સુદામા આગળ ચાલ્યા. સુદામા માધવને અનુસરતા, પણ માધવને કઈ તરફ જવુ છે એ ન કળી શકયા.

“માધવ, આ બાજુ? અહીંથી કઈ તરફ?!”

“મિત્ર! આ તરફ મહાદેવ બિરાજે છે. જુઓ, અહીંથી આપણે નાગેશ્વર જવાનું છે. અહીં આવીને રૂદ્રને ન મળાય તો તેમને....! તમે થાકયા તો નથી ને મિત્ર?” માધવે મંદ સ્મિત કરીને પુછયુ.

“આપનો સાથ હોય તો થાક કેવો,માધવ!! પણ એક પ્રશ્ન પુછુ? આ બે પ્રતિમાઓ કોના માટે..!”

“મિત્ર! એક પ્રતિમા તમારા માટે છે. અને બીજી પ્રતિમા મારા પ્રાણપ્રિય હનુમાન માટે... મારા રામ અવતારનાં કાયૅમાં જો હનુમાન મારી સાથે ન હોત તો ઘણાં કાર્યો અધુરા જ રહેત. સીતાની શોધમાં હનુમાને પ્રમુખ ભૂમિકા ભજવી હતી...” માધવ ભાવવિભોર થઈ ગયા. “હનુમાન તો મારૂ હૃદય છે, સુદામા! કૃષ્ણ અવતારનાં કાર્યોમાં પણ હનુમાને મને ખુબ સાથ આપ્યો.”

“માધવ, હનુમાનજી તમારા આશિર્વાદ મુજબ આજે પણ ધરતી પર વિચરણ કરે છે. તમારી કથાનું શ્રવણ કરે છે...! અને માધવ, આજનાં કળિયુગમાં હનુમાનજી સમાન જાગ્રત દેવ કોઈ નથી. પણ માધવ, હનુમાનજી અત્યારે કયાં વિચરણ કરતા હશે?!”

“સુદામા, મેં કહયુ ને કે હનુમાન તો મારૂ હૃદય છે. તેઓ મારાથી દુર હોય જ નહીં. બસ, પ્રગટ થવા મારી આજ્ઞાની પ્રતિક્ષામાં છે. પ્રગટ થાઓ હનુમાન!”

“પ્રણામ પ્રભુ....!! મને અહીં બોલાવવામાં બહુ વિલંબ કર્યો!!” હનુમાનજી માધવનાં ચરણોમાં ઝુકયા. માધવે હનુમાનજીને પ્રેમપૂવૅમ હૃદયે લગાવી પ્રતિમા આપી.

“રૂદ્રને મળવા રૂદ્ર વગર કઈ રીતે જવુ! ચાલો, તમે પણ નાગેશ્વર સાથે જ ચાલો. મિત્ર સુદામા પણ સાથે જ છે.”

“પ્રણામ સુદામાજી.” પ્રભુનાં મિત્ર એવા સુદામાજીને મહાબલિ પ્રેમથી મળ્યા.

“પ્રણામ મહાબલિ, હનુમાનજી.” સુદામાજી પ્રભુનાં પરમપ્રિય ભકત હનુમાનજીને મળ્યા.

“પ્રભુ..!!” હનુમાનજી માધવનો માગૅ રોકી ઉભા રહયા.

“આ શું હનુમાન?!” માધવને આશ્ચયૅ થયુ.

“પ્રભુ, મારા મનની ઈચ્છા આપ કયાં નથી જાણતા? પ્રાત:કાળે દ્વારિકા આવ્યા ત્યારથી આપે વિશ્રામ પણ નથી કર્યો. મધ્યાહનનો સમય થવા આવ્યો. ભોજનનો કોઈ પ્રબંધ નથી. આપ ચાલવાને બદલે મને સેવાનો મોકો આપો. થોડીવારમાં જ નાગેશ્વર પહોંચી જશુ.”

“હનુમાન! પ્રિય હનુમાન! મારા આરાધ્ય, મહાદેવ પાસે ચાલીને જવામાં મને બિલકુલ શ્રમ નહીં પડે. અને રહી વાત ભોજનની, તો મહાદેવ એ પણ કાળજી રાખશે.” માધવ હસીને બોલ્યા.

અદભુત દ્રશ્ય બન્યુ. મહાદેવને મળવા માધવ, સુદામા અને હનુમાન જતા હતા. જો કે માધવે રચેલી માયાનાં પ્રતાપે આ દ્રશ્યની અનૂભુતિ કરવા સામાન્ય જન સક્ષમ નહોતા.

નાગેશ્વર મહાદેવ લઈ જવા આવતા વાહનોની ભીડથી લઈને 'રસ્તા વચ્ચે શું ચાલો છો? વાગી જશે તો!' જેવા શબ્દો પણ સાંભળવા મળ્યા. એકાદ વાહન તો માધવને ઈજાગ્રત પણ કરી બેસત! હનુમાનજી ક્રોધિત થઈ આગળ વધ્યા,પણ માધવનો નેત્રસંકેત મળતા જ અટકી ગયા.

“હનુમાન, શાંત થાઓ. ક્રોધિત ન બનો. વતૅમાન સમયમાં આપણે જયારે દ્વારિકા આવ્યા છીએ, તો વતૅમાન નિયમોનું ઉલ્લંઘન આપણાથી ન થાય. કઈં બીજુ બનશે તો આપણું પરિભ્રમણ વ્યથૅ બની જશે. એક સામાન્ય નગરજન તરીકે જ રહો.”

“જેવી આપની આજ્ઞા, પ્રભુ!” હનુમાનજી તુરંત જ શાંત થઈ ગયા.

મહાદેવ અને માધવનું મિલન પૃથ્વી પર રચાવા જઈ રહયુ હતુ. ભાવવિભોર અને આનંદવિભોર મહાદેવ અને માધવ સામસામે આવ્યા. ફરી માધવની માયાનો પડદો રચાયો અને જનજીવન થંભી ગયુ.

“માધવ, સુદામા અને હનુમાન સાથેનું તમારૂ આ પરિભ્રમણ સહેતુક છે કે પછી..?” મહાદેવે પુછયુ.

“મહાદેવ, આપ તો જાણો જ છો કે વતૅમાન સમયની દ્વારિકા નગરીનાં પરિભ્રમણનો મારો કોઈ ખાસ હેતુ નથી. સમયનાં પ્રવાહમાં દ્વારિકાની પરિકલ્પના એ જ રહી કે કઈં બદલાવ આવ્યો એ જોવા જ આવ્યો.” માધવે સસ્મિત ઉત્તર આપ્યો.

“માધવ, તમારા અને મારા દ્વારે ઘણા દશૅનિકો આવે છે. પણ હકીકીતે કોઈ ભકત હશે કે કેમ એ તો મને પણ પ્રશ્નાથૅ થાય છે.”

“મહાદેવ, ગમે તેમ તો આ કળિયુગ છે. ભકિત પણ બધા પોતાની સગવડતાથી કરે છે એ સ્વીકારી લેવાની વાત છે. દિવસનાં સમયે ભકિતમાં તરબોળ રહેનાર ભકત રાત્રે ભુલી જાય છે કે તેમનાં દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરાયેલ તેમનાં આરાધ્ય માટે રાત્રિનાં ભોજનની કે જલપાનની શું કાળજી લેવી!” માધવ મર્માળુ સ્મિત કરતા બોલ્યા.

“હા, માધવ. દિવસભર જળાધારી પરથી પડતા રહેતા જલ થી મને ઠંડક મળે છે, પણ રાત્રિનાં શયનનાં સમયે કયારેક...!”

“દેવ, તમે તો એવા જ ભોળા રહયા. માધવ ભોજનની વાત કરે છે અને આપ...!” મહાદેવી પાવૅતી ભોજન લઈ આવી પહોંચ્યા.

“ખરૂ કહયુ, મહાદેવી. મધ્યાહનનો સમય થયો. ક્ષુધાતૃપ્તિ માટે યજમાનનાં આમંત્રણની જ રાહ હતી!” માધવ હસી પડયા.

“માધવ, સાંસારિક વાતોમાં મને ખબર ન પડે એ તો આપ જાણો છો! એ કાયૅ દેવી અન્નપૂર્ણા નું છે. ભોજન માટે પધારો. સુદામા, હનુમાન... ભોજન ગ્રહણ કરો.”

“મહાદેવ, આપનો અંશ અને માધવનો સેવક એવો આ હનુમાન આપની સાથે ભોજન કઈ રીતે ગ્રહણ કરે! સુદામાજી, આપ પધારો.” હનુમાનજી નમ્રતાથી બોલ્યા.

ભકત અને ભગવાને સાથે ભોજન ગ્રહણ કર્યુ. અને આ અનુપમ દ્રશ્યને મનમાં અંકિત કરી, હનુમાનજીએ પણ પ્રસાદ ગ્રહણ કર્યો. મહાદેવ અને માધવની ક્ષુધા તૃપ્ત થઈ અને સમગ્ર જગત તૃપ્ત થઈ ગયુ.

“મહાદેવી, આ પ્રસાદ મહાદેવનાં કયા ભકતનાં નસીબમાં છે?” શેષ બચેલ ભોજન જોઈ માધવનાં મનમાં સહજ પ્રશ્ન થયો.

“માધવ, તમારી માયાનો પડદો દુર કરીને જે થાય તે જુઓ.” મહાદેવીએ કહયુ.

શું થાય છે તે જોવા માધવ જ નહીં, મહાદેવ, સુદામા અને હનુમાનજી પણ આતુર હતા. માધવે તુરંત જ માયાદેવીને આદેશ કર્યો કે બધુ પૂવૅવત બનાવી દે અને....

થોડીવારે એક દંપતિ મંદિરમાં પ્રવેશ્યુ. મહાદેવનાં દશૅન કરી, દંડવત પ્રણામ કર્યા. પ્રસાદ લઈ ચાલ્યા ગયા.

બીજા થોડા લોકો પણ આવ્યા. પણ મહાદેવનો પ્રસાદ લઈ ચાલ્યા ગયેલ દંપતિ વિષે માધવને કઈં નવુ ન લાગ્યુ, છતા જે બને તે જોવાનું વિચાર્યુ.

-----------

“સુનંદા, દ્વારિકાથી નિત્ય દશૅને આવવાનાં આપણા વ્રતને આજે એક વર્ષ થશે, પણ મન ઉપર એ પાપનો બોજો હળવો નથી બનતો.” મંદારભાઈ બોલ્યા.

“મન તો મારૂ ,પણ વિચલિત રહે છે. નાનજીની લાચાર આંખો અને તેની પત્ની રામીની આંખોમાંથી વરસતા આંસુ હજી નથી ભુલાણા..!”

“સુનંદા, મારી ક્રુરતા માટે ક્રોધ પણ આવે છે. કેટલો ગવૅ હતો મને મારા ધનવાન હોવા ઉપર! અને ધનનાં એ મદમાં માનવીયતા ભૂલી ગયો...!!આટલો નિષ્ઠુર બન્યો!” મંદારભાઈની આંખમાં આંસુ આવી ગયા.

“મારા નસીબ પર હું પણ કયાં ગવિૅત નહોતી! ધન, રૂપ, પ્રતિષ્ઠા-આમાંથી કોઈ એક પણ હોય તો ઉથલ પાથલ સર્જાઈ જાય. મારૂ જીવન એટલે આ ત્રણેનો સંગમ. અને સાથે વિનમ્રતા હોત તો?! પણ ના. સાથે ભળ્યો અહંકાર! અને..!” સુનંદાબહેન પણ રોઈ પડયા.

“શહેરમાં શું નહોતુ આપણી પાસે, સુનંદા? કદાચ સાત પેઢી બેસી રહે તો પણ ન ખુટે એટલુ ધન. શહેરમાં પ્રતિષ્ઠા. કામદેવ-રતિની જોડી સમાન આપણું જીવન. સાચી વાત છે, તારી. અહંકારે જ એ કાળમુખો દિવસ લાવી દીધો. ભુલોથી દુર રાખનાર માતા-પિતા પણ કાળક્રમે મૃત્યુ પામ્યા હતા.”

“નાનજી અને રામી છેલ્લા કેટલા વર્ષોથી આપણી ઘરે કામ કરતા. હા, તેમનાં નસીબમાં સંતાનસુખ નહોતુ. પણ તેમની ઈશ્વર પ્રત્યેની આસ્થા ફળી અને રામીને એક સુંદર મજાનો દીકરો જનમ્યો, પણ મંદાર, મને એ બાળકનાં રોવાથી ખલેલ પહોંચતી! રામી તેને રમાડવામાં સમય બગાડે છે એવુ મને લાગતુ!” સુનંદાબહેને કહયુ.

“સુનંદા, તે દિવસે નાનજીનો દીકરો ખુબ બીમાર હતો. અને આપણાં ઘરે મહેમાનો આવવાના હતા. નાનજીનો નાનકો બીમાર છે એ જાણવા છતા મેં દરકાર કરી નહોતી. અને નાનજી! મને યાદ છે, એક વખત તું પીયર ગયેલી અને હું બીમાર હતો. નાનજીએ ખડે પગે મારી ચાકરી કરી. એવા નાનજીનાં નાનકા માટે, દેવ માટે મેં એમ કહી દીધુ કે 'દેવને ભલે તાવ રહયો, તને રજા નહીં મળે!' કોચવાતા જીવે નાનજી અને રામી કામ માટે આવ્યા અને તાવમાં એ નાજુક કળી શો દેવ કરમાઈ ગયો! આજે દેવ ત્રણ વર્ષનો થયો, પણ જાણે જીવતી લાશ હોય તેમ પડી રહે છે. આપણા સ્વાથૅ માટે જ...”

“મંદાર, રામી એ કહયુ પણ ખરૂ, 'શેઠાણી, મારો દીકરો જીવશે કે કેમ એ ખબર નથી. પણ જીવનભર એ આવો જ રહેશે તો પણ એ અમારો દીકરો નહીં મટી જાય. પણ મને દુ:ખ થાય છે કે બાળક પ્રત્યેની તમારી ક્રુરતા જ તમારો ખોળો ખાલી રાખતી હશે.' મારા જેવી રૂપગવિૅતા રામી જેવી નોકરાણીની વાત શાની ગણકારે! પણ મંદાર, હકીકત એ છે કે... આપણું જીવન બાળક વગર સુનુ છે...” સુનંદાબહેન મોટેથી રડી પડયા.

“દેવ સાજો થાય એ જ આપણું લક્ષય છે સુનંદા. અને એ માટે જ તો આપણે બધુ છોડી દ્વારિકા આવી વસ્યા છીએ. ચાલ, હવે રડવાનું બંધ કરી દે. દેવને આ પ્રસાદ ખવડાવવો છે ને!” મંદારભાઈએ સુનંદાબહેનને સમજાવ્યા. અને બંને આવ્યા હતા તેમ જ ખુલ્લા પગે દ્વારિકા તરફ ગયા.

ઘરે પહોંચી સૌથી પહેલા નાનજી, રામી અને દેવને પ્રસાદ ખવડાવી પછી મંદાર અને સુનંદાએ પ્રસાદ ગ્રહણ કર્યો. સાંજનાં પાંચ વાગવા આવ્યા હતા. સુનંદાબહેને રસોઈની તૈયારી શરૂ કરી.

“શેઠ- શેઠાણી, એક વર્ષ થયુ. ઈશ્વર ઈચ્છા હશે તેમ થશે. અમારા માટે તમે બંને..” નાનજીભાઈ ગળગળા થઈ ગયા.

“ભાઈ નાનજી, રામી. અમને શેઠ શેઠાણી કહેવાનું બંધ કરી દે, ભાઈ. તારા દેવ સાથે જે અન્યાય જાણીજોઈને કર્યો એ પાપનો બોજો ત્યારે જ હળવો થશે જયારે દેવ સાજો થઈ જશે.”

“પણ બહેન, છેલ્લા એક વર્ષથી સવારે વહેલા ઉઠી બ્રાહ્મમુહુતૅમાં ગોમતીમાં સ્નાન કરી દ્વારિકાધીશનાં દશૅન. એ જ ભીના વસ્ત્રોમાં મંદિરમાં એકસો આઠ પરિક્રમા અને ખુલ્લા પગે નાગેશ્વર મહાદેવનાં દશૅન. બહેન, તમે લોકો બપોરે જમતા પણ નથી. અને અમને સોગંદ આપી જમાડો છો. દ્વારિકાધીશનો અને મહાદેવનો પ્રસાદ અમને ખવડાવીને પછી જ જમવાનો તમારો નિયમ. ઠંડી, ગરમી કે વરસાદ.. કઈં જ તો નથી જોતા તમે...”

“રામી, દેવનાં શરીરને કષ્ટ આપી દૈવને નારાજ કરી દીધા છે. થોડુ પ્રાયશ્ચિત થશે તો અમારા મનનો બોજો પણ હળવો થશે. ચાલ, હું રસોઈ બનાવી લઉં.” સુનંદાબહેન રસોડામાં ગયા.

-----------

“માધવ, મહાદેવ, શું સુનંદા અને મંદારનું પ્રાયશ્ચિત હજી બાકી છે? દેવ સાજો થઈ જાય અને સુનંદાનો ખાલી ખોળો ભરાઈ જાય એ દિવસ શું હજી નથી આવ્યો? મહાદેવ, દ્વારિકાથી નાગેશ્વર આવતી વખતે પણ સુનંદા અને મંદાર અનેક જરૂરિયાત વાળા લોકોને, પ્રાણીઓને ભોજન કરાવે છે. તેમનું પ્રાયશ્ચિત હજી કયાં સુધી?” સુદામાજી ગળગળા થઈ ગયા.

“માધવ, સવારે દ્વારિકામાં હાજરી અને પછી અહીંનો પ્રસાદ... સુનંદા અને મંદારનું જીવન ધન્ય બની ગયુ.” મહાદેવ બોલ્યા.

“મહાદેવ, તમારો પ્રસાદ ગ્રહણ કરનાર દેવ, શું હજી પણ તમારા આશિષથી વંચિત રહેશે?” માધવે પ્રશ્નસુચક સ્વરે પુછયુ.

“ના, માધવ. આવતીકાલથી જ મંદાર, સુનંદા, નાનજી, રામી અને દેવનાં જીવનમાં પરિવતૅન આવી જવાનું છે. અને સુનંદા પણ બહુ જલ્દી માતા બનશે.” મહાદેવે કહયુ.

માધવ અને મહાદેવનાં પ્રતાપને હનુમાનજીએ પણ નિહાળ્યુ. માધવે મહાદેવની તથા માતા પાવૅતીની ભાવભીની વિદાય લીધી.

“માધવ, આપ વિદાય લો છો, પણ એક પ્રશ્ન પુછયા વગર નથી રહી શકતો..”

“પુછો, મહાદેવ.” માધવ મંદ સ્મિત વેરતા બોલ્યા.

“તમારી ઓળખ સમાન બાંસુરી તમે સાથે રાખો છો, પણ તેનો નાદ વહેવડાવતા નથી..”

“મહાદેવ!” માધવનાં ચહેરા પરનાં સ્મિતનું સ્થાન વિષાદે લઈ લીધુ. “મારી બંસરી સાથે રાધાની યાદ જોડાયેલી છે. અને સમુદ્ર સમાન મારા મનનાં ઊંડાણમાં મેં રાધાની યાદ ધરબી દીધી છે. બંસરીનો નાદ રાધાની યાદનું તોફાન લઈને આવી પહોંચશે....! મહાદેવ, રાધાને હું કયારેય નથી ભુલ્યો...” માધવથી નિ:સાસો નખાઈ ગયો. આંખોમાં ધસી આવતા આંસુને માધવે મહાપરાણે રોકયા.

“માધવ! તમારૂ વ્યકિતત્વ વજ્ર સમાન કઠણ, છતા ફૂલથી પણ કોમળ તમારૂ મન! તમે કયારેય નથી કળી શકાતા...” મહાદેવ વધુ કઈં ન બોલી શકયા.

રાધાની યાદ ફરી એકવાર આવી જતા માધવ વિહવળ બની ગયા હતા. વધુ કઈં વાતચીત થયા વગર જ માધવ, સુદામાજી અને હનુમાનજી દ્વારિકા આવી પહોંચ્યા.

સુયૅનારાયણ તેમનાં રથ સાથે અસ્તાચળે પોઢી ગયા હતા. રાત્રિનો અંધકાર પોતાનો કબજો જમાવવા લાગ્યો. તારલાઓ સાથે વિહરતા અને વાદળો સાથે સંતાકુકડી રમતા ચંદ્રમા આવી પહોંચ્યા. માધવ લાંબા સમયથી કઈં જ નહોતા બોલ્યા.

“મિત્ર માધવ!”

“પ્રભુ!” સુદામાજી અને હનુમાનજીએ માધવને બોલાવ્યા.

“........મિત્ર સુદામા, પ્રિય હનુમાન! રાધાની યાદ સાથેનાં એકાંતમાં હું અહીં જ રહેવા માગુ છુ...” થોડીવાર અટકીને માધવ બોલ્યા.

“માધવ, આપની વિહવળતા અમારાથી જોઈ નથી શકાતી, પણ આપની આજ્ઞા છે તો અમે જઈએ..” સુદામા ભારે હૈયે બોલ્યા.

રાધાની યાદમાં ખોવાયેલા માધવે કઈં પ્રતિભાવ ન આપ્યો અને સમુદ્ર તરફ ચાલવા લાગ્યા. માધવની ચરણરજ મસ્તક પર ચડાવી સુદામાજી અને હનુમાનજીએ ત્યાંથી વિદાય લીધી.

સમુદ્રની વિશાળતાને પોતાના નયનોથી માપતા માધવ કિનારે જ ઊભા રહયા. રાધા સાથેનો તેમનો સંબંધ પણ એ જ વિશાળતા, એ જ ઊંડાણ ધરાવતો હતો ને!

સમુદ્રનાં ઘુઘવાટમાં માધવનું મન શાંતિ મેળવવા મથી રહયુ, પણ માધવને પ્રયત્નો વ્યથૅ જતા લાગ્યા. ચંદ્રમાની શીતળતા માધવને દાહક લાગતી હતી. પોતાના અસલ પરિવેષને ધારણ કરી માધવે દ્વારિકા તરફ એક નજર કરી. જાણે પરત જતા પહેલા દ્વારિકાને મન ભરીને જોઈ ન લેવી હોય!

મંદિરની ધ્વજાનો અવાજ અને ગોમતી નદીનાં સ્વર સાથે સમુદ્રનો ઘુઘવાટ. - આ સિવાય નગર જંપી ગયુ હતુ.ગોમતી નદીનો સ્વર જાણે કહી રહયો હતો, “પ્રભુ! મને દશૅન આપ્યા પહેલા ચાલ્યા ન જતા. તમારૂ વચન યાદ છે ને?!”

માધવ ગોમતી નદી તરફ આગળ વધ્યા. ગોમતી નદીએ ફરી એક વાર મન ભરીને માધવનાં ચરણ પખાળ્યા. માધવનાં મનમાં પણ થોડી શાતા અનુભવાઈ. માધવે છેવટે જવાનો નિણૅય કરી લીધો. રાધાની યાદ જ માધવને અહીં ખેંચી લાવી હતી. અને હવે માધવ પાછા જઈ રહયા હતા ત્યાં જ...

“માં, આપણે દ્વારિકા આવ્યા છીએ, તો દ્વારિકાની કઈંક વાત કહો ને!” એક સ્વર સંભળાયો.

“દીકરા શ્યામ. દ્વારિકાનાં નાથ, દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ. અહીં તેમનો મહેલ હતો. તેમની રાણીઓ તથા પરિવાર સાથે શ્રીકૃષ્ણ અહીં રહેતા.” શ્યામનાં માતાએ જણાવ્યુ.

“પપ્પા, શ્રીકૃષ્ણની રાણીઓ કોણ?”

“બેટા, તેમને ઘણી રાણીઓ હતા. તે પૈકી પટ્ટરાણીઓ એટલે દેવી રૂકમણી, દેવી સત્યાભામા, દેવી...”

“તો પછી પપ્પા, રાધા કોણ?! શ્રીકૃષ્ણ સાથે રાધાનું નામ તો હંમેશા જોડાય છે!!” શ્યામ બાલસહજ પુછી બેઠો.

શ્યામનાં પિતા તો જવાબ દેવા અટકયા, પણ રાધાનું નામ સાંભળી માધવ ફરી ત્યાં જ અટકી ગયા..

“દીકરા શ્યામ, રાધાને તો આપણા જેવા મનુષ્યો શું ઓળખી શકવાના! પણ એટલુ કહીશ કે રાધા એટલે માધવનું હૃદય. ઈતિહાસ કહે છે કે જયારે અને જયાં પણ માધવે રાધાને બોલાવ્યા, ત્યાં રાધા આવ્યા છે...

...............

...............

કઈં કઈં અવાજો અથડાતા હતા માધવનાં કાનમાં.. પણ માધવનાં મનમાં હવે ફકત એક જ સ્વર ગુંજતો હતો....

રાધા.... રાધા......માધવનો હાથ આપમેળે જ બંસરી તરફ ગયો. બંસરી પણ માધવનાં અધરોને સ્પશૅતા જ જાણે નાદ વહેવડાવવા અધીરી બની ગઈ હોય તેમ મધુર સ્વર રેલાવવા લાગી.

સૃષ્ટિ માધવની બંસરીની સુરાવલીમાં ડુબી ગઈ. પૂણૅ ચન્દ્ર અને રત્નાકરનો કિનારો- જાણે એ જગ્યા વૃંદાવન બની ગઈ. અને આરંભ થયો રાસલીલાનો...

માધવની બંસરીનાં પોકારે રાધા દોડી આવ્યા...! રાધા પહેલી જ વાર દ્વારિકા આવ્યા. દ્વારિકાની ધરા ધન્ય બની. માધવનાં વિષાદઘેરા અંતરમાં આનંદનો પ્રકાશ છવાઈ ગયો... માધવ અને રાધાની રાસલીલા નિહાળવા ચન્દ્ર, તારલાઓ, ગોમતીનદી, સમુદ્ર.... અરે! સમગ્ર સૃષ્ટિ થંભી ગઈ. ત્રિભોવનને ડોલાવતી માધવની બંસરીનો નાદ અને નાદનાં સથવારે રાધા....! અનુપમ દ્રશ્ય!

માયાદેવી કદાચિત પોતાની માયાનો પડદો પૂણૅ નહોતા રચી શકયા. માધવની મનોહર સુરાવલિ જનસામાન્યને પણ ધન્ય બનાવી ગઈ!

મધ્યરાત્રિ પણ પસાર થઈ ગઈ. માધવની બંસરીનો નાદ વહેવાનો બંધ થયો. રાધા-માધવનાં આ અભુતપૂવૅ મિલનની સાક્ષી એવી આ પૂણૅ ચન્દ્રની રાત્રિ, અને દ્વારિકા નગરીનો સમુદ્ર કિનારો બની રહયા. એક વિષાદ સાથે, રાધા મિલનની એષ્ણા સાથે દ્વારિકા આવેલા માધવ, ફરી પોતાનાં એ જ મંદ સ્મિત સાથે, દેવી રાધા સાથે અંતૅધ્યાન થયા.

.........રહી ગઈ ત્યાં રાધા-માધવની પગલીઓ...

માધવ કહેતા ગયા,

ફરી ફરી ગમશે, આવવુ મને દ્વારિકા,

પગલી પાડે છે અહીં, દેવી શ્રી રાધિકા.

........અને, માધવની દ્વારિકાને પોતાનામાં સમાવી લેનાર સમુદ્રએ હળવેકથી આગળ વધીને રાધા-માધવની પગલીઓની છાપ પણ પોતાનાં અંતરમાં સમાવી લીધી...

અને દ્વારિકા નગરીની એષ્ણા...!

........ફરી એક વાર દ્વારિકા છે, દ્વારિકાધીશ ની પ્રતિક્ષામાં, માધવની બંસરીનાં નાદની પ્રતિક્ષામાં... રાધાની પ્રતિક્ષામાં...

ડો.ચારૂતા એચ. ગણાત્રા

તા.ર૪.૬.ર૦૦૯

સરનામું:

ઘર : “સ્વર્ગ” કલીનીક : ૧૧૧, અમૃત કોમ. કોમ્પ્લેક્ષ,

એએ – ૧ – અમી પાર્ક, સરદાર નગર મેઈન રોડ,

૧૫૦ ફૂટ રીંગ રોડ, એસ્ટ્રોન ચોક,

મોદી સ્કુલ પાસે, રાજકોટ – ૩૬૦૦૦૧

રાજકોટ – ૩૬૦૦૦૭ ગુજરાત.

ગુજરાત. ફોન : (૦૨૮૧) ૨૪૬૭૧૦૯

મોબાઈલ : ૯૮૨૫૮૨૮૫૪૩

E mail :