સંગાથી... જીવનસાથી... - ૧ Dr.CharutaGanatraThakrar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગાથી... જીવનસાથી... - ૧

સંગાથી....

જીવનસાથી.....

ભાગ – ૧

પ્રસ્તાવના

જયાં સુધી કોઈ છોકરીનાં લગ્ન ન થયા હોય ત્યાં સુધી તેનાં મનમાં દુલ્હન બનવાની ઝંખના હોવાની સ્વાભાવિક છે. દુનિયાની કોઈ છોકરી આમાંથી બાકાત નથી. અને દુનિયાનો કોઈ છોકરો વરરાજા બનવાની મહેચ્છાથી બાકાત નથી. હું અને મારા પતિ સમીર પણ આમાંથી બાકાત નહોતા. અમારા લગ્નને હસતા રમતા એક વર્ષ પસાર થવા આવ્યુ. (લખ્યા તા.૧૮.૧.૧ર) જીવન પણ આમ જ પસાર થશે, એવો અમારો એકબીજાને વાયદો છે. લગ્નની વેદી પર વરરાજા અને દુલ્હનમાંથી પતિ પત્ની બનવુ એટલુ સારૂ લાગ્યુ કે એ ખુશી અમારા બંનેના ચહેરા પર ઝલકે છે.

લગ્ન ખરેખર લાકડાનાં લાડુ નથી, પણ મીઠો કંસાર જ છે, જેનું ગળપણ પતિ પત્ની જીવન પયૅંત માણે છે. અને એ ગળપણ એટલે પતિ પત્નીનો પરસ્પરનો પ્રેમ વિશ્વાસ અને એવુ ઘણુ બધુ....

પતિને યાદ કરવાથી ચહેરાનો રંગ બદલાઈ લજજાની લાલિમા છવાઈ જવી, શુભ પ્રસંગે વધુ સુંદર લાગતી પત્નીને ત્રાંસી આંખે નિહાળ્યા કરવી, અને સમય પસાર થતો જાય એમ સંબંધમાં એટલી પરિપકવતા આવી જવી કે એકબીજાનાં મનમાં ચાલતા વિચારો પણ વગર કહયે જાણી લેવા....

આમાં એક પણ વાત નવી નથી. દુનિયાનાં દરેક સ્ત્રી પુરૂષ આ વાત જાણતા અને અનુભવતા જ હોય છે. દરેક સ્ત્રી એમ કહેશે કે હું મારા પતિને એટલો પ્રેમ કરૂ છુ, જેટલો કોઈ પણ પત્નીએ પોતાનાં પતિને નહીં કર્યો હોય. દરેક પતિ એમ કહેશે કે હું મારી પત્નીને એ બધી ખુશી આપીશ જે કોઈએ પોતાની પત્નીને ન આપી હોય. હું કે મારા પતિ પણ આમાંથી બાકાત નથી.

પણ ઘણા લોકો કહેતા હોય છે કે આવો બધો પ્રેમ કે એની વાતો તો લગ્નની શરૂઆતમાં હોય. આખી જીંદગી કઈં આવુ થોડુ ચાલે! પણ તમારા પોતાનાં હાથમાં છે કે આખી જીંદગી પેલા કંસારનાં ગળપણને જાળવી રાખવી છે કે કંસારને કડવાશમાં બદલી નાખવો છે! ગળપણ સાથે નમકીન જ ભાવે, કડવુ નહીં. હા, કડવાશ પણ એક સ્વાદ છે, જે શરીરની તંદુરસ્તી માટે જરૂરી છે, મનની તંદુરસ્તી માટે તો ગળપણ ભર્યુ જીવન જ જરૂરી છે.

......આવો જીવનને ગળપણથી ભરી દઈએ.....

ડો.ચારૂતા સમીર ઠકરાર

તા. ૧૮.૧.ર૦૧ર

સરનામું:

ઘર : “સ્વર્ગ” કલીનીક : ૧૧૧, અમૃત કોમ. કોમ્પ્લેક્ષ,

એએ – ૧ – અમી પાર્ક, સરદાર નગર મેઈન રોડ,

૧૫૦ ફૂટ રીંગ રોડ, એસ્ટ્રોન ચોક,

મોદી સ્કુલ પાસે, રાજકોટ – ૩૬૦૦૦૧

રાજકોટ – ૩૬૦૦૦૭ ગુજરાત.

ગુજરાત. ફોન : (૦૨૮૧) ૨૪૬૭૧૦૯

મોબાઈલ : ૯૮૨૫૮૨૮૫૪૩

E mail :

અર્પણ

મારા નામ સાથે

જેનું નામ જોડતા જ

મારું મુખડું અને મારું મન મલકી ઉઠે છે

એવા

મારા પતિ શ્રી સમીર ઠકરારને પ્રેમ પૂર્વક અર્પણ

અનુક્રમણિકા

  • કાર્યેષુ....કણેૅષુ...
  • અભિવ્યકિત
  • સરપ્રાઈઝ....
  • યુ ડોન્ટ લવ મી એની મોર...!?
  • કલ્પના અને હકીકત
  • પતિને જ નહીં પરિવારને પણ અપનાવો
  • પરસ્પર વિરોધાભાસ
  • સરખામણી
  • પરિવારનો સાથ... કે હસ્તક્ષેપ...!?
  • લડાઈ
  • પુરતો સમય
  • કૌટુંબીક સબંધો
  • ભુતકાળ
  • વ્યવસાયીક સામ્યતા કે વિરોધાભાસ
  • ધમૅ અને જીવન
  • (૧) કાર્યેષુ... કણેૅષુ...

    પતિ પત્ની એટલે પરસ્પર મિત્ર, સલાહકાર અને માગૅદશૅક. મિત્રતામાં તો કયારેક લડવાનું પણ થાય છે. અને રીસામણા મનામણા પણ ખરા.

    પત્ની માટે એમ કહેવાય છે કે કાર્યેષુ દાસી, કણૅષુ મંત્રી, ભોજયેષુ માતા અને શયનેષુ રંભા.. અહીં 'કાર્યેષુ દાસી' શબ્દનો અથૅ વિપરીત રીતે ન લેતા, એમ કહીએ કે પોતાના કાયૅમાં કુશળ સ્ત્રી. એ પછી ઘરકાયૅ હોય કે આજની આધુનીકાઓને શોભે એવુ બહારનું કે ઓફિસ વિગેરેનું કાયૅ. પોતાનાં સંપૂણૅ વ્યકિત્વનું પ્રદાન આપણા કાયૅમાં કરવાથી એ કાયૅ ઓપી ઉઠવાનું. માત્ર સ્ત્રીને જ નહીં, પણ આપણને દરેકને આ વાત એટલી જ લાગુ પડે છે.

    રાજાનાં જમાનાઓમાં મંત્રીઓનું ખાસ્સુ મહત્વ રહેતુ. મંત્રી એટલે બુદ્ધિ ચાતુયૅ પૂવૅક રાજાનું માગૅદશૅન કરતી વ્યકિત. મંત્રી તટસ્થ સલાહકાર હોવો જરૂરી છે. આ જ રીતે પત્ની પણ તટસ્થ રહીને પતિનું માગૅદશૅન કરે એ જરૂરી છે. પણ અત્યારનાં જમાનાની ઘણી સ્ત્રીઓ પતિનાં પોતાના પરનાં વિશ્વાસનો ફાયદો ઉઠાવીને તટસ્થ માગૅદશૅનને બદલે કાનભંભેરણી કરતી વધુ જોવા મળે છે. પણ બહેનોને એટલુ જ કહીશ કે આ અયોગ્ય વાત જો તમે અજાણતા કરતા હો તો ભુલ સુધારી લેજો અને જો જાણીજોઈને કાનભંભેરણી જ કરતા હો તો અત્યારથી જ ચેતી જજો. તમારા બાળકો પર આ બાબતનાં ઘણા ખરાબ સંસ્કાર પડી શકે છે. 'કણૅષુ મંત્રી' સમાન સ્ત્રી પોતાના બાળકો માટે, ઘરનાં બધા માટે શ્રેષ્ઠ માગૅદશૅક બની રહે છે.

    દરેક પુરૂષનાં જીવનમાં સ્ત્રી અલગ અલગ સ્વરૂપે હાજર હોય જ છે. એ પછી માતા, બહેન, પત્ની, દીકરી... હોઈ શકે છે. લગ્નની વેદી પર ચોરીનાં ફેરા ફર્યા બાદ પુરૂષનાં જીવનમાં પ્રવેશેલી સ્ત્રી એટલે પત્ની. જો કે પત્ની બનતા પહેલા જ છોકરી, છોકરાનાં જીવનમાં પ્રવેશી ચુકી હોય છે. સગાઈ દ્વારા બંને જોડાઈને એક બીજાને તથા પરસ્પર પરિવારને ઓળખવાનો પ્રયત્ન કરે છે. આ સંબંધ સુતરનાં દોરાથી પણ વધુ નાજુક છે, છતા સૌથી વધુ મજબુત છે. દરેક છોકરીને તેની માતા શિખામણ આપે છે કે હૃદય સુધી પહોંચવાનો સહેલો રસ્તો પેટમાંથી થઈને જાય છે. માટે રસોઈ તો સરસ બનાવવી. નાનપણમાં માતા પોતાનાં બાળકને પ્રેમથી જમાડે છે. જે જોઈએ એ પ્રેમથી પીરસે છે. પણ જયારે દીકરો પરણે છે ત્યારે માતા આ અધિકાર પેમપૂવૅક પોતાની પુત્રવધુને સોંપી દે છે. હસ્તમેળાપ વખતે તો કન્યાનો હાથ વરનાં હાથમાં સોંપાય છે. પણ પુત્રવધુ બનીને પતિગૃહે આવતી કન્યાને તેનું પોતાનું ઘર બધા પ્રેમથી સોંપે છે. ભોજન ગ્રહણ કરતી વખતે પતિ પત્ની ની એકબીજા સાથેની હાજરી માત્રથી જ ભોજનનો સ્વાદ અપ્રતિમ બને છે. એક થાળીમાંથી સાથે જમવાનો આહલાદ, એકબીજાને જમાડવાનો આનંદ દરેક પરણીત સ્ત્રી સમજી જ જશે. આવી પરસ્પર લાગણીઓનાં આદાન પ્રદાનને આપણે 'ભોજયેષુ માતા' સમાન બીરૂદ આપી શકીએ. અહીં ભોજયેષુ માતા માત્ર પત્ની જ બની રહે એવુ નથી. આ કાયૅ પતિ પણ સુપેરે નિભાવી શકે છે, અલબત્ત કયારેક કયારેક. પણ એટલુ ચોક્કસ કે આવી સરપ્રાઈઝ પત્નીઓને જરૂરથી ગમશે.

    સુંદરતા શરીરમાં નહીં, જોનારાની આંખોમાં હોય છે. સંસ્કારી પુરૂષને મન તો પોતાની પત્ની જ દુનિયાની સૌથી વધુ સુંદર સ્ત્રી હોવાની. અને સંસ્કારી સ્ત્રીને મન પોતાના પતિથી સવૅશ્રેષ્ઠ અન્ય કોઈ નથી હોવાનું. પતિ પત્ની પોતપોતાનું રોજીંદુ કાયૅ પુરૂ કરીને એકબીજાને મળે ત્યાં તો રાત નો સમય થઈ જાય છે. આજનાં ભાગાદોડીનાં જમાનામાં તો દિવસ રાત પણ જલ્દીથી ભાગી જાય છે. પણ પ્રેમની તાકાત એવી છે કે એ સમયને જકડીને પસાર નથી થવા દેતો. તમારા પરસ્પરનાં પ્રેમને કઈંક આવો જ બનાવી દો. જીવન છે, તો ખાટી મીઠી બોલાચાલી પણ ચાલવાની. પણ એકાંતમાં એ બોલાચાલીને યાદ ન કરીએ. ફકત તનની સુંદરતા તો શરૂઆતમાં ગમશે, પણ મનની સુંદરતા જીવનભર વ્હાલી લાગશે. 'શયનેષુ રંભા' ની જેમ તનથી સુંદર બની રહેવાનું અને મનથી પણ. હા, એટલુ ખરૂ કે પરસ્પર પ્રેમમાં તનની સુંદરતા સાથે સુઘડતા પણ મહત્વનું પ્રદાન કરનારી છે. માટે એકબીજા સાથેનો સમય તાજગીસભર રહીને વિતાવો. શારિરિક ફરિયાદ પ્રત્યે દુલૅક્ષા ન સેવતા તેનો ઉપાય કરીએ. તમારી તકલીફની ફરિયાદ એકબીજાને કરો, પણ તેનું નિરાકરણ કરવામાં કંટાળાને સ્થાન ન આપતા, એકબીજાને માટે મદદરૂપ થઈએ.

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.૧૯.૧.ર૦૧ર

    (ર) અભિવ્યકિત

    એક સ્ત્રી તરીકે, પત્ની તરીકે, કેટલીક વાતો મેં પહેલા કહી. પણ પુરૂષ માટે લાગુ પડતી કેટલીક મહત્વની બાબતો જે આગળ ઉપર ઉલ્લેખ નથી થયો એ વાત કરીએ. સ્ત્રી અને પુરૂષ પ્રકૃતિ જગતનાં એવા બે ભાગ છે, જે એકબીજાથી વિપરીત હોવા છતા એકબીજાનાં પુરક છે. બંનેમાં ઘણી બધી સામ્યતા છે, ફરક એટલો કે સ્ત્રી આ સામ્યતાને ઓળખીને પતિ સુધી પહોંચાડે છે, અને પુરૂષ એ વાત પોતાના મનથી બહાર જવા નથી દઈ શકતો. પોતાના મનની વાત પોતાની પત્નીને કહેવામાં પણ પતિ વર્ષો લગાડી દઈ શકે છે અને પત્નીને આ વાત પતિને કહેવી હશે, તો પણ સરળતાથી કહી દઈ શકે છે. સ્ત્રી અતડી નથી રહી શકતી અને પુરૂષ ઈચ્છે તો પણ એક મર્યાદા નથી છોડી શકતો. પોતાના પતિનાં મનનાં ઉંડાણ સુધી પહોંચીને કોઈ રહસ્ય જાણવાની સ્ત્રીએ જરૂર નથી, પણ પતિનાં મનને તેના ચહેરા દ્વારા વાંચી લો, તેની આંખો દ્વારા તેનાં મનમાં પ્રવેશી જુઓ. શાંત અને સ્વસ્થ મનથી આમ જરૂર કરી શકાશે.

    લગ્નજીવન માટે એક અતિ અગત્યની વાત છે અભિવ્યકિતની. એકબીજા સમક્ષા પૂણૅપણે અભિવ્યકત થવુ એ અઘરૂ લાગતુ હોય તો વિચારવાની જરૂર છે કે તમારા લગ્નજીવનનો પાયો કયાંક કાચો તો નથી રહી ગયો ને! એવુ સાંભળવા મળશે કે તેને તો બોલવાની જ ઓછી ટેવ છે. પણ મનગમતા સાથી સમક્ષા અભિવ્યકત નહીં થાઓ તો કયાં થશો? સૌ પોતપોતાના કામકાજમાં તો બોલતા જ હોવાના, પણ અભિવ્યકત નથી થતા.

    હવેનાં યુગમાં ર૬-ર૭ વર્ષની ઉંમરે લગ્ન થયા હોય, પણ પહેલાની જેમ એકબીજા સાથે વાત કરવામાં પણ ઘણા અંતરાયો નડે એવુ હવે નથી થતુ. દરેક નવી જવાબદારીઓ વચ્ચે એકબીજાને ઓળખવાનો પ્રયત્ન થતો રહે છે. વડીલોની ગોઠવણથી થયેલ સગાઈ... અને એકબીજાને ઓળખવાનો મીઠો પ્રયત્ન... કયાંક આંખોમાં લજજા અને કયાંક હાથ ધ્રુજી જવા, ઠંડા પડી જવા. પરસ્પર સ્પશૅ કરવામાં પણ સંકોચ... સગાઈ થી લગ્ન વચ્ચે એકબીજાને ઉપરછલ્લા જ ઓળખ્યા હોય, પણ ખરી ઓળખવાની શરૂઆત લગ્ન પછી જ થવાની. કોઈકને લાગતુ હશે કે આવુ બધુ થાય એના કરતા તો પ્રેમલગ્ન કરવા સારા. પણ આપણે જ શોધીએ અને આપણે જ અપનાવીએ એવા પ્રેમમાં મજા નથી. વડીલોએ શોધી આપેલ એક અજાણી વ્યકિતને સૌથી વધુ જાણીતી-માનીતી-પોતીકી બનાવી દેવામાં વધારે મજા છે.

    સગાઈ પછી એકબીજાને ઘણી વાતો કહેવાનું મન થાય અને મોબાઈલનાં જમાનામાં એ અઘરૂ નથી. આ સમય દરમિયાન ઘણું ઘણું વ્યકત થાય છે. પણ કહીશ કે એ અભિવ્યકત નથી થતુ. ઘણી વણકહેલી વાતો, મનમાં જ રહે છે. આવી વાતો પરસ્પર જણાવવાની ખરી મજા લગ્ન પછી આવે છે. પણ મિત્રો, તમારી મનની લાગણીઓ અભિવ્યકત કરવામાં કયારેય કંજુસાઈ ન કરતા. ફરી કહીશ કે સ્ત્રીઓ માટે કઈંક કહેવુ ઘણુ સહેલુ છે. જયારે પુરૂષ માટે અઘરૂ. પણ તમારા પ્રેમને મજબુત બનાવી આ 'અઘરૂ' આવરણ દુર કરો. પરસ્પર પારદશૅક વ્યકિતત્વ જ આવરણ દુર કરવામાં મદદ કરશે. બોલવાની ઓછી આદતે તમારા પ્રેમમય સમયને વહી જવા ન દેતા. પ્રેમમાં હંમેશા ભરતી જ આવતી રહેવાની.

    સાચા પ્રેમમાં ઓટ નથી આવવાની, બસ સમય પસાર થતા એકબીજા માટે પહેલા જેટલો સમય નહીં આપી શકો. તો અત્યારની ક્ષાણે તમારી પાસે સમય છે, જેનો ઉપયોગ કરી જાણો.

    તજજ્ઞો કહેશે, દરેક વખતે બોલવુ જ પડે એમાં શું મજા! બોલ્યા વગર સમજી શકો એ જ સાચો પ્રેમ! બોલવુ અને અભિવ્યકત થવુ એ બે શબ્દો વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. પરસ્પરનો સ્પશૅ, કે ચહેરાનો હાવભાવ અભિવ્યકત થવા પુરતો છે. પણ ફરી કહીશ, જેમાં આડંબર ન હોય, એવી વાણી દ્વારા અભિવ્યકત થવુ પરસ્પર ચોક્કસ ગમશે.

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.ર૪.૧.ર૦૧ર

    (૩) સરપ્રાઈઝ.......

    તમારી અભિવ્યકતિની બીજી એક સ....રસ ભાષા એટલે તમારી સૌથી વધુ વ્હાલી વ્યકિતને એની પસંદગીની વસ્તુ ભેટ આપવી. શરૂઆતમાં પસંદગીની જાણકારી ન હોય. પણ સમય પસાર થતો જાય તેમ તેમ પરસ્પરની પસંદગીની માહિતી મળતી જાય. સાચો પ્રેમ આપવામાં છે, માગવામાં નહીં.... તો વગર માગ્યે એને એટલુ આપો કે કોઈ કચાશ ન રહે. જો પ્રેમ માગવાથી મળે તો એ પ્રેમ ન કહેવાય. સરપ્રાઈઝ નું પણ એવુ જ છે કે વગર માગ્યે અપાતી ભેટ સરપ્રાઈઝ બની રહે છે.

    કલ્પના પણ ન હોય એવી વસ્તુ સામે આવી જાય, તો અચંબો જ થવાનો. પણ આ એક સુખદ આશ્ચયૅ હોવાનું. અને સાથે એક વિચાર પણ પુષ્ટિ પામે કે 'મારૂ મન જાણીને મારૂ ધ્યાન રાખે છે....'

    ફરી અન્ય કોઈ વિચારશે કે ભેટ આપવાથી જ કે સરપ્રાઈઝ આપવાથી જ ધ્યાન રખાય છે એ માનવુ ભુલ ભરેલુ છે. ચોક્કસ ભુલભરેલુ છે. પણ પતિ પત્ની નો સંબંધ એવો છે કે કયારેક અમલમાં મુકાતી આવી બધી નાની નાની વાતો પણ પ્રેમ વ્યકત કરવાનું માધ્યમ બની રહે છે. સરપ્રાઈઝ આપનાર કરતા સરપ્રાઈઝ મેળવનારની આંખોમાં વિશેષ ચમક રહેલી હોય છે. અને મનનાં એ અકલ્પ્ય ભાવ માટે તો કોઈ શબ્દો હોઈ જ ન શકે.

    રવિવાર જેવો રજાનો દિવસ હોય તો એ પુરૂષો માટે આરામ કરવાનો દિવસ બની રહે છે. પણ સ્ત્રીને માટે તો બધા વાર સરખા! રવિવારે તો વધારાનું બધુ કામ યાદ આવે, અને થાક પણ વધારે લાગે. હવે આવા થાકને દુર કરવા પતિ મહોદય આરામથી બેસીને ટી.વી. જોવાને બદલે પત્ની પાસે રસોડામાં બેસે તો પત્નીનો અડધો થાક દુર થઈ જાય. અને કયારેક પત્નીને કઈંક મદદ કરાવવાનો પ્રયત્ન તો કરી જોજો! મીઠો છણકો કરીને પત્ની કહેશે, 'રહેવા દો હવે.... તમને આવુ બધુ ન ફાવે...' આ કહેતી વખતે પત્ની જરૂરથી ઈચ્છતી હશે કે પતિ સામે બેસી રહે. આખા દિવસની દોડાદોડી પછી માંડ રાત્રે વાતો કરવા નવરા પડતા પતિ પત્ની માટે રવિવાર એટલે બોનસનો દિવસ, તો આ દિવસને વાતોથી ભરી દઈ શકાશે. તમારા બાળકને પણ સરખો સમય આપવાનો દિવસ એટલે રવિવાર. કયારેક બહારથી જમવાનું મગાવીને તો કયારેક કોઈ પીકચર જોવા જવાનો પ્લાન કે બહાર ફરવા જવાનો પ્લાન....આવી બધી બાબતો પત્નીને સરપ્રાઈઝ આપશે.

    સરપ્રાઈઝ આપવાની બાબતે પત્ની પણ પહેલ કરી શકે. કયારેક સારી વાનગી બનાવીને, તો કયારેક સુંદર શણગાર સજીને... કયારેક પતિની ગમતી વસ્તુ ખરીદીને, તો કયારેક પતિનાં કાયૅસ્થળે અચાનક ફોન કર્યા વગર પહોંચી જઈને... પણ જોજો સખીઓ, આવામાં પતિને એમ ન લાગે કે તમે તો તેની જાસુસી કરી રહયા છો..

    સરપ્રાઈઝ એડસ લાઈફ ટુ ધ લાઈફ... સરપ્રાઈઝ જીવનમાં જીવંતતા ભરી દે છે. તમે સરપ્રાઈઝ મેળવી હોય કે આપી હોય... યાદ કરીને અત્યારે પણ રોમાંચ અનુભવાશે. એ રોમાંચ મનને ખુશીથી ભરી દેશે અને મન તાજગી અનુભવશે, તો જીવનમાં પણ એ તાજગી અનુભવાશે. અને હજી સુધી સરપ્રાઈઝ આપવાથી દુર રહયા હો તો....

    ......હજી પણ કઈં મોડુ નથી થયુ....

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.રપ.૧.ર૦૧ર

    (૪) યુ ડોન્ટ લવ મી એની મોર..!?

    યુ ડોન્ટ લવ મી એની મોર.....

    મને ખબર છે કે હવે મારી જરૂર નથી તમારા જીવનમાં.... હવે તો હું અળખામણી થઈ ગઈ છુ..... તમે મને બીલકુલ પ્રેમ નથી કરતા.....

    .....ઓહ! માથામાં હથોડાની જેમ વાગે છે ને આ શબ્દો?

    બહુધા સખીઓને આવા શબ્દો બોલવાનું બનતુ હોય છે. એમ નથી કહેતી કે સખીઓને આવુ બોલવાની ટેવ પડી ગઈ છે. પણ બહેનો આવી બધી ભુલો કરતી હોય છે.

    હમણાંથી ટી.વી.માં એક જાહેરાત આવે છે. પત્ની પતિને પુછે છે કે તમે મને છેલ્લે આઈ લવ યુ કયારે કહેલુ? પતિ ચોકલેટ આપીને કહે છે કે અત્યારે કહયુ. પત્ની કહે છે કે આ તો ચોકલેટ છે, તમે મને રોજ.... આટલુ કહીને પત્ની અટકી જાય છે. એકબીજાની આંખોમાં જોઈ બંને ઘણુ સમજે છે.

    તો સખીઓ, આવુ છે પતિઓનું... અને સખીઓ, તમે પણ આવા હોઈ શકો છો... તમે જો એમ માનતા હો કે દિવસમાં એક વખત તો આઈ લવ યુ.. હું તને પ્રેમ કરૂ છુ એ કહેવુ જરૂરી છે, તો તમે ભુલ કરો છો. અભિવ્યકિત જરૂરી છે એની ના નહીં, પણ અભિવ્યકિત મનથી થવી જોઈએ, નહીં કે માત્ર શબ્દોથી. શબ્દોનું આવુ બંધન કયાંક કયારેક અકળાવી નાખનારૂ થઈ જાય છે. અને પરસ્પર અળખામણા બનાવી દઈ શકે છે.

    એકબીજાની હાજરી અકળાવનારી ન હોય, બંને સાથે હો ત્યારે એકબીજા વિષે વધારે વાતો કરતા હો, તમારા કામકાજને બાજુ પર મુકી એકબીજા સાથે રહી શકતા હો, સામસામે જુઓ તો આંખો હંસી ઉઠતી હોય તો આનાથી વિશેષ તમે પ્રેમ કોને કહો છો? મોબાઈલ પર પતિ કે પત્ની નો નંબર જોઈને કંટાળો નહીં, ઉત્સાહ અનુભવાય તો એ પ્રેમ જ છે. પતિ વહેલા ઘરે આવી જાય તો પ્રેમાળ પત્ની એમ ન વિચારે કે આ કયાં અત્યારમાં આવ્યા.. એ તો એમ જ વિચારે કે કેટલુ સારૂ આજે એ વહેલા આવી ગયા. પતિ પત્ની બંને કામ પર જતા હોય અને પતિ વહેલા આવીને પત્નીને ન જુએ તો એમ ન વિચારે કે હજી સુધી કયાં રખડે છે... એ તો એમ જ વિચારે કે આવતી વખતે રસ્તામાં કોઈ તકલીફ નહીં પડી હોય ને!

    સખી, તમારી રસોઈ સારી ન બની હોય તો 'આજે બહુ ભુખ નથી.' કે 'આજે રસોઈમાં મજા ન આવી.' એમ શાંતિથી કહેતા પતિ કે પછી 'કઈં બનાવતા આવડે છે કે આવુ ભંગાર જ જમાડીશ..' કઈ વાત સાંભળવી તમને ગમશે? દેખીતુ છે કે શાંતિથી કહેવાયેલી વાત પરથી તમે ભુલ સુધારવા હોંશે હોંશે પ્રયત્ન કરશો, નહીં કે ઝઘડો.

    કયાંક ભુલ ન થઈ જાય, નહીં તો પતિ શું કહેશે એ ડરથી જીવતી પત્ની કરતા, સખી તમારૂ જીવન વધુ સારૂ હોવાનું. કારણકે તમારા પતિ તમને પ્રેમ કરે છે.

    ....જો તમે મનનાં ઉંડાણથી જાણો છો કે તમારા પતિ/ પત્ની તમને અનહદ પ્રેમ કરે છે, તો શાણપણ એમાં જ છે કે તમે તમારા મનની આ દુર્ભાવના, કે તમારા પતિ/ પત્ની તમને બીલકુલ પ્રેમ નથી કરતા, એ મનમાંથી કાઢી નાખો. તમારૂ કડવુ બોલેલુ પ્રેમાળ પતિ કે પત્ની ભુલી જરૂર જશે. પણ હૃદયમાં થયેલો આ ઘા, આ દદૅ યાદ આવશે ત્યારે તકલીફ આપશે. આવી એકાદ ક્ષાણ ભુલાવવા પ્રેમ મલમ રૂપી કામ કરે છે, પણ આવી કડવાશ ભરેલી વાણી ઉચ્ચારીએ જ નહીં તો કેવુ?

    લગ્ન પછી વર-કન્યા કંસાર ખાઈને તેમનો અપવાસ તોડે છે. એકબીજાને પામવા કરેલો અપવાસ ગળપણથી તોડીને એવો સુચિતાથૅ આપે છે કે એકબીજા માટે ભુખ્યા રહેશુ, પણ જયારે પણ મળીશું ત્યારે મીઠાશ સાથે.. તો આવી મીઠાશ જીવનમાં પણ બની રહે.

    તમારા પ્રેમને પ્રેમ કરવાનો મોકો આપો અને એ પ્રેમ માણતા રહો...

    કડવાશને જીવનમાં પ્રવેશવાથી અટકાવવા મજબુત પ્રેમ અને વિશ્વાસની લક્ષમણરેખા દોરી કાઢો...

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.ર૭.૧.ર૦૧ર

    (પ) કલ્પના અને હકીકત

    મારી તો એવી ઈચ્છા છે કે મને એવી પત્ની મળે, જે મને સમજી શકે. મને એવા પતિ મળે જે મારો ચહેરો જોઈને હું શું વિચારૂ છુ એ જાણી શકે. મારી પત્ની મારા દરેક કાયૅમાં મારી સાથે રહે. મારા પતિ મારી દરેક વાત માને, હું કહુ એમ કરે. મારી પત્ની એટલી સુંદર હોય કે બધા એને જોઈને જોતા જ રહી જાય. મારા પતિ મારા સ્વપ્નમાં આવતા રાજકુમાર જેવા હોય..

    પોતાની ઈચ્છા પ્રમાણે દરેક વ્યકિત પોતાના જીવનસાથીની કલ્પના કર્યા કરે છે. કલ્પના કરવી કઈં ખરાબ વસ્તુ નથી. પણ એમ વિચારીએ કે પત્ની એવી હોય જેને હું સમજી શકુ. પતિ એવા હોય જેનો ચહેરો જોઈ એના વિચારો જાણી લો. પત્નીનાં દરેક કાયૅમાં સાથે રહો. પતિની વાત માનો...(અહીં જોહુકમીની નહીં, પ્રેમની વાત છે.) રહી વાત સુંદરતાની, તો સુંદરતા તો તમારા મનમાં હોવાની, નહીં કે સામેની વ્યકિતમાં.

    પતિ પત્ની એકબીજાને સમજી શકે એ પરસ્પર સ્વભાવની પારદશૅકતા સુચવે છે. તમારી કલ્પના સાકાર થતી જોઈ તમે આનંદ અનુભવશો. પણ તમારી કલ્પનાથી પર એવુ પાત્ર તમારા જીવનમાં પ્રવેશે, અને તમારૂ જીવન મધુરતાની પરિભાષા બનાવી દે તો એ આનંદ વિશેષ હોવાનો. અને તમારી કલ્પના પ્રમાણેનું પાત્ર તમારા જીવનમાં પ્રવેશીને તમારૂ જીવન ઝેર બનાવી દેશે તો....! તમે કલ્પના પણ નહીં કરી શકો.

    સુખનો સરવાળો, દુ:ખની બાદબાકી, આનંદનો ગુણાકાર અને અણગમતી વાતોનો ભાગાકાર. આટલુ કરવાથી જીવન સારૂ જ પાસર થવાનું.

    અત્યારે એક ફિલ્મની વાત યાદ આવે છે. 'નવરંગ' ફિલ્મનાં અભિનેતા પોતાની પત્નીને પોતાની કવિતાઓની પ્રેરણા તરીકે જોતા, પણ પત્ની એ મનોભાવ સમજી શકવા સમથૅ નહોતી. આ કારણે તેમનાં જીવનમાં ખટરાગ સર્જાતો. જો કે ફિલ્મોમાં તો અંત ભલા સબ ભલા એ ન્યાયે ફિલ્મનાં અંતમાં પત્ની પોતાનાં પતિને સમજી શકે છે. વી.શાંતારામની આ ફિલ્મનું કથાનક અને તેને ન્યાય આપનાર કલાકારોનો અભિનય વખણાયો હતો, પણ એ અભિનય હતો. અને આપણે બધા વાસ્તવિક જીવન જીવીએ છીએ.

    મિત્રો, કલ્પના કરતા વાસ્તવિકતા ઘણી અલગ હોય છે. ફિલ્મોમાં કે સીરીયલોમાં અભિનય એ વાર્તાકારની કલ્પના અને કલાકારની અભિનયક્ષામતાનું સંમિલિત સ્વરૂપ હોય છે. તમારી કલ્પનાનાં ઘોડાઓ એટલા ન દોડાવો કે ખુબ આગળ વધ્યા પછી નરી નિરાશાની ખાઈમાં ધકેલાઈ જાઓ. મોટેભાગે લગ્નજીવનમાં આ બાબતે ભુલ થઈ જતી હોય છે કે સાથીનું વતૅન ફિલ્મી ઢબે નથી હોતુ. જે સ્વભાવિક છે. દરેક વ્યકિતને અધિકાર છે કે પોતાની અંગત જીંદગીને અંગત જ રાખે, ફિલ્મી ન બનાવી દે. પોતાનાં સાથી સાથેનું વતૅન એ આગવો અધિકાર પણ છે અને આનંદ પણ. કોઈનાં પ્રેમની પ્રતિકૃતિ સમાન તમારો પ્રેમ હશે તો થોડા સમયમાં એ પ્રેમ હવા બનીને દુ...ર ચાલ્યો જશે. અને તમારો પ્રેમ આગવો હશે તો એ ચી:રસ્થાયી હોવાનો.

    પશ્ચિમી સંસ્કૃતિનાં અનુકરણમાંથી આપણે અલગ અલગ દિવસોને મહત્વ આપતા શીખી ગયા છીએ. એમાંનો એક એટલે વેલેન્ટાઈન ડે. એટલે કે પ્રેમનો એકરાર કરવાનો દિવસ. પણ મને એમ લાગે છે કે દરેક વ્યકિતનો પ્રેમનો એકરાર કરવાનો દિવસ એક ન હોઈ શકે. તમારા જીવનમાં તમને પ્રથમ પ્રેમનો અહેસાસ જે દિવસે થયો એ જ તમારો પોતાનો વેલેન્ટાઈન દિવસ. એ જ તમારી પોતાની વેલેન્ટાઈન ક્ષાણ. હા, ચૌદમી ફેબ્રુઆરી પ્રેમીજનો માટે ખાસ બને છે કેમ કે પ્યાર કરનેવાલો કો પ્યાર કરને કા બહાના ચાહીએ...

    ....તો કલ્પના કરો, પણ કલ્પનામાં ન જીવો. વાસ્તવીકતામાં જીવતા રહો...

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.૩.ર.ર૦૧ર

    (૬) પતિને જ નહીં પરિવારને પણ અપનાવો

    આપણી ભારતીય સંસ્કૃતિની જયાં સુધી વાત છે તો આપણે બધા સંયુકત પરિવારમાં માનીએ છીએ, અને કયાંક તો વિભકત કુટુંબ ફકત એ કારણસર હોય છે કે સંયુકત રહેવામાં કયારેક મનદુ:ખ થઈ જાય એનાં કરતા સારૂ છે કે અલગ રહીએ. પણ સ્વાનુભવે કહીશ કે સંયુકત પરિવારમાં ઉછરેલુ બાળક, વડીલોની છત્રછાંયાંમાં ઉછરેલુ બાળક અન્ય બાળકોથી અલગ તરી આવે છે. માતા પિતા બાળકને પોતાની રીતે સંસ્કાર આપવામાં કયારેય પાછીપાની નથી કરવાના હોતા, પણ વડીલોની કુટુંબમાં હાજરીથી એ બાળક કઈંક અલગ જ વિકાસ પામે છે. આમ પણ વડીલોને મુડી કરતા વ્યાજ એટલે કે પોતાનાં સંતાનો કરતા તેમનાં સંતાનો વધુ વ્હાલા લાગે છે, માટે કયારેક વધારે લાડ કરી બેસે છે, જે બાબતે માતા પિતા તેમને અટકાવે પણ છે.

    પણ અહીં જયારે સંયુકત પરિવાની વાત છે તો પરણીને આવનાર છોકરીએ એ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે તે ફકત એક વ્યકિત કે જે તેનો પતિ બને છે, માત્ર તેની સાથે નથી પરણતી. છોકરી પરણે છે સમગ્ર કુટુંબ સાથે. પતિ પત્નીનાં એક સંબંધે છોકરી માતા પિતાનાં ઘરેથી વિદાય નથી થતી. તે સમગ્ર નવા કુટુંબ સાથે જોડાય છે. પતિ સાથેનો સંબંધ પહેલો, પણ સાસુ-સસરાની પુત્રવધુ, નણંદ-દિયરની ભાભી, દેરાણી, જેઠાણી એવા બધા સંબંધો પછી છેલ્લો સંબંધ પતિ સાથે જોડાય છે. ભાવાથૅ એ છે કે ઘરનાં તમામની કાળજી રાખવાની જવાબદારી પુત્રવધુની રહેવાની, અને ઘરનાં તમામ પણ પુત્રવધુની પ્રેમભરી કાળજી રાખે છે.

    કોઈ છોકરી, જે પરિવારને નહી, પણ ફકત પતિને જ અપનાવે છે, તે શરૂઆતમાં તો પોતાની જાતને સુખી માનશે. પણ સામાજીક દ્રષ્ટિએ અને કદાચ પતિની નજરમાં પણ પોતાની પત્નીનું માન ન રહે એમ બને, જે એક પત્ની માટે સૌથી વધુ દુ:ખની વાત કહેવાય.

    છોકરો પોતાનાં પરિવાર સાથે પોતાનાં લગ્ન સુધી રહે છે. આટલા વર્ષો માતા પિતાનો પોતાનાં દીકરા પર અધિકાર હોય છે. લગ્ન પછી માતા પિતા જ પોતાનો આ અધિકાર પુત્રવધુને પ્રેમથી સોંપે છે. પોતાનાં પરિવારને અને પોતાની પત્નીને કોઈ પણ પુરૂષ સરખુ જ ચાહવાનો. આવા સમયે જો ઘરમાં બોલાચાલી થાય તો પત્ની, જેને ખુબ પ્રેમ કરે છે એવા તેના પતિની જ સુડી વચ્ચે સોપારી જેવી હાલત થવાની.

    પરણતી વખતે છોકરી કહેતી હોય છે કે હું તો ઘણુ બધુ છોડીને સાસરે આવુ છુ. તો પતિ કહેશે, મારે પણ એક અજાણી વ્યકિતને અપનાવવાની હોય છે. બંને પક્ષાની પરિસ્થિતી સરખી જ હોવાની. અહીં, ત્યાગવુ અને અપનાવવુ બંને પોતપોતાની રીતે મહત્તા ધરાવે છે. બે હૃદયને નજીક લાવતો લગ્નનો સંબંધ બે પરીવારને પણ નજીક લાવે છે. સખીઓ, માટે જ કહેવાયુ છે કે પરણીને ફકત પતિ ને જ નહીં, સમગ્ર પરિવારને અપનાવો. એકવાર પરિવારને તમે અપનાવી લેશો એટલે પછી પતિને તમારાથી કોઈ દુર નહીં કરી શકે. પતિઓને પણ એ જ કહેવાનું કે જેમ પત્ની સાસરાને પોતાનો પરિવાર ગણી અપનાવી લે છે, એ જ રીતે પત્નીનાં માતા પિતાનાં પરીવાર સાથે પણ સાલસ વ્યવહાર રાખો. પત્ની હંમેશા ખુશ રહેશે.

    આવી તો ઘણી નાની નાની વાતો ઘરમાં ચાલ્યા કરે. વાસણ હોય તો ખખડે પણ ખરા. પણ ઘરની દરેક વ્યકિત પરસ્પર ઉદાર મન રાખે તો ઘર હસતુ ખેલતુ રહે...

    ....અને પતિ પત્નીનું જીવન પણ...

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.૩.ર.ર૦૧ર

    (૭) પરસ્પર વિરોધાભાસ

    પરસ્પર વિરોધાભાસી વ્યકિતત્વ વધારે લાગણીથી જોડાય છે. માટે તમારામાં રહેલી ખામી તમારા સાથીની ખુબી છે, તો યુગલ તરીકે તમે પરિપૂણૅ છો. પણ એક વાતની કાળજી રાખજો. પરસ્પરનો વિરોધાભાસ માણતા શીખો. તમારા સાથીને તમારી રીતે વાળવાનો, આકાર આપવાનો પ્રયત્ન કયારેય ન કરતા. તમે એક જીવંત વ્યકિત સાથે રહો છો, પૂતળા સાથે નહીં, એ ન ભૂલતા.

    તમારા સાથીની કોઈ એવી ભુલ, જે તેને સામાજીક દરજ્જે નીચા બતાવે, તો એ ભુલ સુધારવી એ તમારી અને માત્ર તમારી ફરજ છે. તમારા સાથીને હાંસીપાત્ર ન બનવા દેવા એ તમારૂ કતૅવ્ય છે. તમે બંને સાથે હો ત્યારે એકબીજાની મજાક ઉડાવવી એ અલગ વાત છે અને સામાજીક રીતે સાથીનું હાંસીપાત્ર બનવુ એ પણ અલગ વાત છે. તો આમ ન બનવા દેવુ એ તમારે જોવાનું રહયુ.

    પરિવારમાં ઘણી વખત આવુ બનતુ હોય છે. નવાસવા પતિ પત્ની પોતપોતાની રીતે એકબીજાને ઓળખવાનો પ્રયત્ન કરે છે. એમાં મહદઅંશે સફળ પણ થાય છે. એમાં કયારેક પરિવારની જ કોઈ વ્યકિત પતિ કે પત્નીની એવી સ્વભાવગત નબળાઈ વિષે કહે છે, જે તેને હાંસીપાત્ર બનાવે છે.

    કયારેક સાથીની નજરમાં તેનું માન પણ ઘટાડવા આવી નાની બાબત જ કારણભૂત બને છે.

    આવા સમયે વાતને સિફતથી વાળી દો, પણ પોતાનાં સાથીની નબળી વાતને તમે પણ હાસ્યાસ્પદ ન બનાવો. એ બાબત કયારેય એવી નથી હોતી કે જેનાં ન જાણવાથી જીવન અટકી પડે. સમય મળ્યે આવી બાબતોનો ખુલાસો કરો, પણ તમે બંને એટલે કે પતિ પત્ની સિવાય કોઈપણ આ સમયે હાજર ન હોય એ કાળજી રાખો.

    પરસ્પરનાં વિરોધાભાસને ચર્ચાનો મુદો કયારેય ન બનાવતા. તમારા સાથીની અણગમતી બાબતો એકબીજા સાથે બેસીને ઉકેલી શકાય એટલી સરળ હોય છે. એક સાદી સીધી વાત છે કે લગ્ન પછી અસ્તિત્વમાં આવેલો પતિ પત્ની તરીકેનો તમારો સંબંધ અને સગાઈ પછી પણ ઓળખવા માટે કઈં એટલો સમય નથી હોતો. જો કે કયારેક તો કોઈને ઓળખવામાં જન્મારો પણ ઓછો પડતો હોય છે. તો જીવનનાં અમુક વર્ષો પછી મળેલા તમે બંને પરસ્પરને ઓળખવામાં સમય લગાડો એ વ્યાજબી છે. શરૂઆતનાં સંબંધમાં સ્વભાવ, વ્યવહાર, પરસ્પરની લાગણી, પરિવારોનો ગાઢ બનતો સંબંધ જેવી મોટી મોટી વાતો સમજી શકાય છે. નાની નાની વાતો, એકબીજાનો ખ્યાલ રાખવાની ભાવના અને મુશ્કેલીનાં સમયમાં પણ એકબીજાનો સાથ ન છોડવો એવુ બધુ લગ્ન પછી શરૂઆતનાં દિવસોમાં સમજી શકો છો. અને જમવામાં ભાવવુ, ન ભાવવુ, કપડાની અલગ પસંદગી, અલગ શોખ એવુ બધુ તો ખુબ ગૌણ વાત છે. અહીં પણ વિરોધાભાસ હશે તો તમને કદાચ વધારે મજા આવશે.(અનુભવે કહુ છુ.) અને અલગ અલગ શોખ અપનાવવાનો પ્રયત્ન બંને પક્ષોથી થશે તો વધારે આનંદ આવશે.

    અભ્યાસ નો મુદો ભલે લગ્ન સમયે પસંદગી કરવામાં ઉપયોગી છે, પણ લગ્ન પછી અભ્યાસને લગ્નજીવન ઉપર હાવી ન થવા દેતા. એક અભ્યાસ ન હોઈ અલગ અલગ અભ્યાસ હોય તો એ વિરોધાભાસ પણ માણજો. પણ તમારા સાથીનાં અભ્યાસની કયારેય ઉપેક્ષા ન કરતા. અને પતિઓ એવી અપેક્ષા તો કયારેય ન રાખતા કે ઉચ્ચ અભ્યાસ પછી પત્ની એ અભ્યાસનો ઉપયોગ ન કરે. તમારા સાથીને તેનાં દરેક પાસા સાથે સ્વીકારજો. જીવન આનંદથી પસાર થશે. સ્વાનુભવ છે...

    પરસ્પરનાં વિરોધાભાસમાં એક કાળજી રાખજો કે આવી બાબતથી પરસ્પર અભાવ કયારેય ન આવવા દેતા. 'એ મને કયારેય નહીં સમજી શકે.' એમ વિચારવુ એ અપરિપકવતાની નિશાની છે. એમ પણ વિચારી શકો કે 'એ મને આજે ન સમજે તો શું થયુ, હું તેને આજે ન સમજુ તો શું થયુ! અમે બંને વહેલી તકે આ ગાળો દુર કરી દેશું.' કાચી ઈંટો તાપમાં તપાવવાથી પાકે છે. અને આ સંબંધ પણ સમય જતા જતા પાકતો જાય છે. બસ, એ સમયને યોગ્ય રીતે પસાર કરી દો.

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.૧પ.ર.ર૦૧ર

    (૮) સરખામણી

    કોઈ પણ એક યુગલનું લગ્ન જીવન અન્ય યુગલ જેવુ કયારેય નથી હોવાનું. કદાચ તમારા માતા પિતા જેવુ પણ નહીં. હા, માતા પિતાનું સરસ લગ્ન જીવન મારા માટે આદશૅરૂપ જરૂર હોઈ શકે. ઘણી વખત એવુ પણ બનતુ હોય છે કે દુર્ભાગ્ય વશ માતા પિતાનું લગ્ન જીવન એટલુ ખરાબે ચડેલુ હોય છે કે ભાગ્યે જ સંતાન પોતાનાં લગ્ન જીવનમાં એવી ભુલ કરે.

    જીવનનાં કોઈપણ તબક્કે જયારે સરખામણી નુકશાનકારક છે ત્યારે આ તો તમારો વહાલપનો સંબંધ. તમારી બહેનપણીનાં પતિ સાથે કે તમારા મિત્રની પત્ની સાથે તમારે તમારા પતિ કે પત્નીની સરખાણી કરવી સદંતર અયોગ્ય લેખાશે.

    'મારી બહેનપણી જોઈ, કેટલી સુખી છે! તેને તો તેનાં પતિ જયારે જે જોઈએ એ અપાવે છે, અને તમે મને કયારેય કઈં ન અપાવો.' આવો બળાપો કાઢતી ઘણી પત્નીઓ આપણે જોઈ હશે. તો આ પત્નીઓને એ કેમ નહીં સુઝતુ હોય કે જરૂરી વસ્તુ લેવાની પતિએ કયારેય ના નથી પાડી, પણ બીનજરૂરી વસ્તુઓનો ખડકલો તો ઘરને મ્યુઝીયમ બનાવી દે છે! બહેનો, તમારૂ પોતાનું ઘર છે. નક્કામી વસ્તુઓનો ખડકલો કરવાની જગ્યા નહીં. દેખાદેખીમાં વસ્તુઓ ખરીદવાની કુટેવ કરતા જરૂરી વસ્તુઓ પણ યોગ્ય સમયે ખરીદવાની સુટેવ તમને તમારા પરિવારમાં પ્રિય બનાવી દેશે.

    'ભાભીને જોઈને કઈંક શીખતી જા. આપણા સુધીરનાં પત્ની.. સુલભાભાભી.. રસોઈ તો એવી બનાવે કે આંગળા ચાટતા રહી જઈએ. અને ઘર તો એવુ સજાવે કે બસ... અને તું? તારી રસોઈમાં તો મજા જ નથી આવતી. સાવ ફીક્કુ બનાવે છે. ઘરને તારૂ પોતાનું સમજતી જા...' આવુ કહેતા પતિદેવો પણ આપણી આજુબાજુ જ હોવાનાં. પણ ઘરમાં ઉંમરલાયક વડીલોને માફક આવે એવુ જમવાનું પહેલેથી બનાવાતુ હોય, તેમાં પણ નવી વહુને કઈં ઘરની દરેક વ્યકિતને રસોઈમાં કેવો સ્વાદ ગમશે એ કયાંથી ખબર હોય! ઘરની દરેક વ્યકિતનાં ગમા અણગમા વિષે પરિચય કરાવવાની જવાબદારી પતિની કહેવાય. જો પતિ આ જવાબદારી ચુકી જાય તો તકલીફ તો પત્નીને જ પડવાની. અને રહી વાત ઘરને પોતાનું સમજવાની, તો આ ઘરની થવા માટે પત્ની ઘણુ બધુ છોડી આવી હોય છે... સુધીરભાઈ અને સુલભાભાભી વળી બે માણસ જ રહેતા હોય, સુલભાભાભી ઘર સરસ સજાવી શકવાનાં. જયારે અહીં પરિસ્થિતી એવી હોય કે ઘર ચોખ્ખુ રાખવાની જવાબદારી એક વ્યકિતને શીરે હોય અને એ ગોઠવણી બગાડવાનું કામ ઘણા બધા કરતા હોય, તો આમાં બીચારી પત્ની કરે પણ શું..!

    દરેક વ્યકિતને માટે પોતાનું જીવન જીવવાની સ્વતંત્રતા હોય છે. અન્ય કોઈ સાથે સરખામણી કર્યા કરવાને બદલે અગાઉ વાત કરી તેમ પરસ્પરનો વિરોધાભાસ માણતા શીખો તો જીવન મધુરૂ બની જવાનું..... અન્યથા તમારા વહાલપનાં સંબંધોમા એક નાનકડી તિરાડ પાડી દેશે આ સરખામણી....

    ....સરખામણીથી દુર રહો...

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.૧૬.ર.ર૦૧ર

    (૯) પરિવારનો સાથ... કે હસ્તક્ષોપ?!

    દરેક વ્યકિત જીવનમાં પરિવારનું મહત્વ જાણે છે. પરિવાર એટલે કે કુટુંબ અને અને એ કુટુંબીઓથી બને છે ઘર. ચાર દિવાલો અને ઈંટ પથ્થરથી તો ઈમારત ઉભી થાય છે. ઈમારતમાં પ્રાણ ફુંકાય છે વડીલોની સવારની પૂજાથી, રેડીયોમાં વાગતા સંગીતથી, છાપાઓનાં પાના ફેરવતા ફેરવતા થી ગોષ્ઠીથી, કોઈ વિષય પર પરિવારજનોની ઉગ્ર ચર્ચાથી, બાળકોની શાળાએ જવાની દોડાદોડીથી, ગૃહિણીઓ દ્વારા રસોડામાં થતી દોડાદોડીથી, યુવાનોની ઓફિસે જવાની ઉતાવળી હાલચાલથી...

    .....અને આ પૈકી એકાદી વસ્તુ ઓછી હોય તો લાગે કે કઈંક ખુટે છે. સવારે સાથે બેસીને બધા નાસ્તો કરતા હોય એને બદલે પરિવારની ગૃહિણી રસોડામાં કામ કર્યા કરે અને નાસ્તો કરવા બધા પોતાની રીતે બેસે, મુંગા મુંગા નાસ્તો કરી તૈયાર થઈ ચાલ્યા જાય, કે પછી બપોરે કે રાત્રે જમતી વખતે જમવા કરતા ટી.વી.ને પ્રાધાન્ય આપી દેવાય... અને આવા સમયે કોઈના દ્વારા બોલાયેલ એક વાકય પણ અન્ય બધાને અણગમો લાગે...

    વડીલોની હાજરીમાં કુટુંબને છત્રછાંયા મળી રહે છે. પણ કયારેક વડીલોની હાજરી જ ઘણા યુગલ કે બાળકોને નથી ગમતી હોતી. દાદાને વહેલા ઉઠીને ભજન સાંભળવા ગમતા હોય અને બાળકોને સવારે ફિલ્મી ગીતો સાંભળવા હોય! દાદીને પૂજા કરવા જવાનું હોઈ બગીચામાંથી ફુલ જોઈતા હોય અને મંદિર સુધી મુકી જવા માટે યુવાન પૌત્ર/પૌત્રીને કહેલુ તેમને ગમતુ ન હોય! પપ્પાને મોળી રસોઈ ખાવી હોય અને પુત્રવધુને મસાલેદાર જમવુ હોય! રવિવારે સાંજે ફિલ્મ જોઈને બહાર જમીને ઘરે આવવાનું નક્કી કર્યા પછી પુત્રને ખબર પડે કે તેણે તો દાદાનાં મિત્રને દાદા પાસે ઘરે મુકીને પછી બહાર જઈ શકાશે, તો તેનો મુડ બગડી જાય....

    આવી આવી નાની બાબતો તો કુટુંબમાં બન્યા જ કરતી હોય છે. પણ પરિવાર આવી બધી બાબતોથી સંપૂણૅ લાગે છે. અહીં પરિવારજનો એકબીજાને સાથ દેતા નજરે પડે છે. પણ કયારેક કેટલાક પરિવારજનો એવા પણ હોય છે, જે પતિ પત્ની વચ્ચે હસ્તક્ષોપ કર્યા કરે છે. પત્ની પતિને સંબોધીને પ્રશ્ન પુછે અને જવાબ પરિવારજનો આપે એ તો જાણે મજાક થઈ, પણ બંનેનાં અંગત નિણૅયોમાં પણ કુટુંબીજનો હસ્તક્ષોપ કરે એ અયોગ્ય કહેવાય. લાંબા ગાળે પરિવારજનોનું આવુ વલણ પતિ પત્નીનાં સંબંધોમાં તિરાડ પાડી શકે છે. અહીં કુટુંબીજનો માટે એક જ સોનેરી સલાહ કે તમારા પરિવારમાં એક નવી વ્યકિત ઉમેરાય તો તે તેનાં અંગત વિચારો લઈને આવે છે. તેનાં યોગ્ય વિચારોને અનુમોદન આપી પતિ પત્નીનાં સંબંધોને મધુર બનાવવા મદદરૂપ થાઓ.

    અને પતિ પત્નીને પણ એક જ વાત કહેવાની, પરિવારનો સાથ જીવન સંપૂણૅ બનાવે છે. લગ્ન પછી વર કન્યા પક્ષાનાં બંને પરિવાર તમારા પોતાનાં જ છે. બસ, જરૂર છે પરસ્પર ખુલ્લા મનથી એકબીજાને સ્વીકરાવાની....

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.ર૦.ર.ર૦૧ર

    (૧૦) લડાઈ

    સપ્ત પદીનાં સાત પગલા, અગ્નિની સાક્ષીએ ચાર ફેરા... અને વર કન્યા જન્મો જન્મનાં સાથથી જોડાઈ જાય છે. સપ્તપદીનાં સાતે પગલા બહુ સુંદર અથૅ ધરાવે છે.

    પણ આધુનીક સમયમાં અનુસરવા જેવી વાત, આધુનીક સપ્તપદી વિષ્ો વિચારીએ તો...

  • પરસ્પરનો વિશ્વાસ કરો. સંબંધમાં શંકા ટાળો.
  • તમારા બંનેનાં સંબંધોમાં ચડસાચડસીથી દુર રહો.
  • પરસ્પર માન જાળવો. બધુ ભુલી જજો, એકબીજાને નહીં.
  • શકય એટલો વધુ સમય સાથે પસાર કરવા પ્રયત્ન કરો. એકબીજાને પુરતો સમય આપો.
  • લડાઈ ટાળો, અને લડાઈ થાય, તો બીજા દિવસે સવાર સુધી કયારેય ન લંબાવો.
  • ગુસ્સો થાય ત્યારે બે માંથી એક શાંત રહેશો.
  • તમારા સાથીનાં કાયૅની પ્રશંસા કરો.
  • લગ્ન એક એવી સામાજીક વ્યવસ્થા છે કે જેમાં દરેક નવપરણીત યુગલ માટે દરેક નવો દિવસ એક પરીક્ષા સમાન જ હોય છે. આ પરીક્ષા માટે કોઈ તૈયારી અગાઉથી નથી થવાની. દિવસ ઉગે અને તમારી પરીક્ષા શરૂ. અને પરસ્પર ઓળખી લીધા પછી જીવન પરીક્ષાપત્ર નહીં, એક કોરો કાગળ બની જાય છે, જેની ઉપર તમે બંને તમારા પ્રેમનાં વિવિધ રંગો વિખેરો છો. કયાંક પ્રેમનો રંગ તો કયાંક લજજાનો રંગ, કયાંક આંખોથી આંખોમાં છવાતો નશાનો રંગ તો કયાંક બોલાચાલીનો રંગ.. બધા રંગો વિવિધ હોય છે, પણ બોલાચાલીનાં રંગને પ્રેમમાં કોઈ સ્થાન નથી હોતુ.

    જો કે બોલચાલી કે લડાઈ તો દરેક યુગલમાં વધતા ઓછા અંશે થતી જ રહેવાની છે. યુગલોનો આ લગ્ન સિધ્ધ અધિકાર છે એમ કહેવામાં કોઈ અતિશયોકિત નથી. પણ અત્યારની સ્થિતી એવી હોય છે કે દિવસભરની ભાગાદોડી પછી માંડ રાત્રે બે ઘડી વાત કરવા પતિ પત્ની મળી શકે અને ત્યારે પણ વાત કરવાને બદલે અબોલા કે લડાઈ કરવી જોઈએ ખરી! તમારી વચ્ચે કોઈ વિવાદ થયો હોય તો પણ એ વિવાદને પ્રેમનાં સમયમાં બાધક ન બનાવતા શાંતિથી ચર્ચા કરીએ, પણ આ વિવાદને બીજા દિવસ પર ન ઠેલીએ. બેંકમાં પૈસા પર મળતુ વ્યાજ ગમશે, પણ એ વિવાદ વ્યાજ સાથે કયારેય નહીં ગમે. આવી નાની બાબત જ તમારા એકબીજા સાથેનાં સમયને સવૅશ્રેષ્ઠ બનાવશે. સામસામે મોઢુ રાખી વાતો કરતા કરતા સુઈ જવુ એ યુગલની સુવાની શ્રેષ્ઠ પધ્ધતિ છે. જયારે અબોલાને કારણે એકબીજા સામે પીઠ કરીને સુવુ એ બતાવે છે કે યુગલમાં કઈંક વૈમનસ્ય ઉભુ થયુ છે. ઉંઘી ગયા પછીની વાત અલગ છે કે સુવાની સ્થિતી ત્યારે તો બદલતી રહેવાની.

    મોટાભાગની બોલાચાલીનો ઉદભવ ગેરસમજનાં કારણે થાય છે. બંનેએ ગેરસમજ ટાળવા એક જ ઉપાય કરવો જરૂરી છે. વાતચીત. મૌન રહેવાથી ગેરસમજમાં વધારો પણ થાય છે, અને સંબંધનાં અંતરમાં પણ. માટે તમારે તમારા સાથીનાં કહેવા પર પુરતો ભરોસો રાખવો જોઈએ, અને ગેરસમજનો ઉકેલ લાવી પ્રેમનાં આદાનપ્રદાન પછી સુવુ. આવી ગેરસમજ, બોલાચાલી કે લડાઈને બીજા દિવસ ઉપર ટાળવાથી ઉકેલ અઘરો બનતો જાય છે. અને બાળકોની હાજરીમાં ખાસ ઘરનું વાતાવરણ સામાન્ય રાખવુ. બોલાચાલીની બાળકો પર ખરાબ અસર થાય છે.

    ....પણ....

    તમારા જીવનનાં કોરા કાગળ પર બોલાચાલીનો રંગ કયારેક વિખેરાય તો તમારા પ્રેમનાં રંગને થોડોવધુ વિખેરી દો.

    જીવન આનંદમય પસાર કરો...

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.રર.ર.ર૦૧ર

    (૧૧) પુરતો સમય

    પ્રેમમાં સમય કયાં પસાર થઈ જાય છે એ તો પ્રેમીજનો પણ નથી જાણતા. પ્રેમમાં એકમેકને મળવાની રાહ જોવાતી હોય છે, મળ્યા પછી વાતો કરવાની ઉત્કંઠા વધી જતી હોય છે. મળતા પહેલા ક્ષાણ નથી વિતતી અને મળ્યા પછી કલાકો વિતવા છતા સમયનું ભાન નથી રહેતુ.

    ઓહ.... આવો છે પ્રેમ...!

    ...પણ આ એ જ પ્રેમ છે જે લગ્ન પછી યુગલને દુર કરી દે છે?

    ઘણી પત્નીઓ ફરિયાદ કરે છે કે લગ્ન પહેલા તો મારા પતિ મને મળે એટલે મારી સાથે કલાકો પસાર કરતા અને હવે મને કહે છે કે 'ડીયર, તું તો સમજ, મને જરા પણ સમય નથી. મારા મિત્ર સાથે બહાર જવાનું છે.'

    કયારેક પતિઓ પણ ફરિયાદનાં સુરે કહે છે, 'તારી પાસે મારા માટે સમય જ કયાં છે! તું અને તારી સીરીયલો. મારી સાથે વાત પણ સીરીયલનાં પાત્રોની કરે છે!'

    ઉપરોકત ઉદાહરણમાં પતિ પત્ની બંને સાચા છે. સગાઈ પછી બંને ઘરનાં લોકો ઈચ્છે છે કે ભાવિ પતિ પત્ની તરીકે બંને એકબીજાને ઓળખે. અને માટે બંને વધુ સમય સાથે પસાર કરે એમાં કોઈ રોકટોક નથી હોતી. જયારે લગ્ન પછી જવાબદારીઓ વધે છે. અને અપેક્ષાઓ પણ...

    કયારેક પતિ પત્નીનો સંબંધ જ આ અપેક્ષાઓનાં બોજ હેઠળ દબાઈ જતો હોય છે. અને એમાંથી જ જન્મે છે અસંતોષ. આ અસંતોષ કયારેક તો શબ્દોમાં પણ વ્યકત નથી થતો. બંને એમ જ માની લે છે કે જો એને મારા માટે સમય નથી તો મારી પાસે પણ એનાં માટે સમય નથી. ચડસા ચડસીની આ ભુલ એ જગ્યાએ પતિ પત્નીને લાવી દે છે, જયાંથી પાછા વળવા માટેનો સમય વેડફાતો જ રહે છે.

    મિત્ર કે સીરીયલ કે એવુ કોઈ અન્ય ઉદાહરણ આપીને વાત કહી શકાય, પણ આ કોઈ બાબત તમારા પરસ્પરનાં પ્રેમથી વિશેષ ન હોઈ શકે. બની શકે કે ઘણી બધી જવાબદારીઓને કારણે તમે એકબીજાને સમય નથી આપી શકતા. તો પછી તમારા સાથીની વ્યાજબી વાતને સ્વીકારી જયારે સમય હોય ત્યારે તમારા સાથીને પુરતો સમય આપો. મનગમતા સાથી માટે સમય મળે તેની રાહ ન જોવાય, સમયને ચોરી લેવાય...

    દિવસનાં સમયે કોઈ વાત થઈ હોય, તમારે સાથીને કહેવી હોય, તો તમારા બેડરૂમથી વધુ સારો વિકલ્પ કયો હોઈ શકે! સીરીયલોને મારો ગોળી અને સુતા પહેલાનો કિંમતી સમય સાથે પસાર કરો. આવી રીતે સાથે રહેવાને કારણે એકબીજા સાથે રહયાનો સંતોષ પણ મળશે અને સમય નથી આપી શકાતો એ દુ:ખદ ભાવના પણ મનમાંથી નીકળી જશે. પતિઓ રાત્રે ઓફિસેથી સમયસર ઘરે આવી જાય અને રાત્રે સાથે જમે તેમાં પત્નીઓને વિશેષ આનંદ આવે છે. બને ત્યાં સુધી જમવાનાં સમયમાં અન્ય કોઈને કે મિત્રને સ્થાન આપવાને બદલે એ સમય એકબીજા માટે, પરિવાર માટે ફાળવો.

    અઠવાડીયે ઓછામાં ઓછુ એક વખત કયાંક બહાર જવાનું રાખો. એકથી વધુ વખત જઈ શકો તો વધુ સારૂ. રજાઓ તો સાથે જ પસાર કરો. મહિને એકાદ વખત પીકચર જોવાનું, બહાર જમવાનું રાખો. કયારેક બહારગામ પણ ઉપડી જાઓ!

    અને કયારેક તો પતિ પત્નીને બદલે પ્રેમી પ્રેમીકા બની જાઓ, પછી જુઓ, આંખો આંખોમાં જ સમય કેવો સરસ પસાર થાય છે!

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.ર૩.ર.ર૦૧ર

    (૧ર) કૌટુંબીક સંબંધો

    વડીલોને હંમેશા કહેતા સાંભળ્યા છે કે લગ્ન કરવા એ છોકરા કરતા છોકરી માટે વધારે કપરૂ કામ છે. એક નાનકડા છોડને પણ તેની જગ્યાએથી બીજી જગ્યાએ રોપવાને કારણે એકાદ દિવસ છોડ મુરજાયેલો રહે છે. નવી જમીન સાથે જોડાયા બાદ આ છોડને પુરતુ પાણી, ખાતર મળતુ રહે ત્યારે એ કઈંક ખીલેલો દેખાય છે. લગ્ન સંબંધમાં તો છોકરી નાનપણથી જે ઘરમાં મોટી થઈ, એક નાનકડા છોડમાંથી વૃક્ષ સમાન મોટી બની એ જગ્યાએથી તેણે પોતાનાં સાસરે રોપાવાનું હોય છે. એમાં છોકરી પાસે કોઈ વિકલ્પ નથી હોતા. સમય આવ્યે એ તો ચાલી જ નીકળે છે, પોતાનાં પતિનાં જીવનમાં રોપાઈને પતિનાં જીવનને નવપલ્લવિત કરવા... પોતાનાં સંસ્કાર રૂપી વૃક્ષનાં છાંયડામાં પોતાનાં પિયર, મોસાળ અને સાસરાને ઠંડક આપવા... ત્રણે કુળને દિપાવવા...

    કેટલીક બદનસીબ છોકરીઓ હોય છે જેમને પોતાનાં સાસરે, જે હવે તેનું પોતાનું ઘર છે, ત્યાં રોપાવા માટે પણ સંઘર્ષ કરવો પડતો હોય છે. પણ નવા છોડને રોપતા પહેલા જેમ માટી, ખાતર, પાણી દરેક પ્રકારની તકેદારી લીધી હોય છે, નવા છોડને રોપવા માટે એક ચોક્કસ જગ્યા નક્કી કરીને ત્યાં એક ખાડો ખોદી રાખ્યો હોય છે, તે પ્રમાણે જ સાસરીયાઓએ પણ નવી વહુને પોતાનાં ઘરે આવકારવા માટે પ્રેમ, વિશ્વાસ રૂપી ખાતર, પાણી તૈયાર રાખવા જોઈએ. નવી વહુને ઘરમાં સ્થાન ફકત કહેવાથી જ નહીં, પણ વતૅનથી પણ આપી તેને અપનાવવી જોઈએ. અને હું ચોક્કસ કહીશ કે આ બાબતમાં હું ખુબ નસીબદાર છુ. મારા પતિ અને સાસરીયાઓનાં પ્રેમે મને નવી જગ્યામાં રોપાઈ જવા માટે અને નવપલ્લવિત થવા માટે અનુકુળ વાતાવરણ આપ્યુ છે.

    છોકરીઓને પરણ્યા પછી અનુકુળ વાતાવરણ મળે છે અને તે પોતાની જાતને નસીબદાર માને છે. પણ જે ઘર છોડીને છોકરી આવી હોય એની યાદ કઈં એનાથી ભુલી નથી જવાવાની. દીકરી ગામમાં સાસરે હોય કે બહારગામ, માતા પિતા અને દીકરી એકબીજાને યાદ આવ્યા કરે એ સ્વાભાવિક છે. અહીં સાસરાનાં બધા લોકોનો સાલસ વ્યવહાર જ દીકરીને સાસરામાં દુધમાં સાકરની જેમ ભળવામાં મદદ કરે છે. પોતાનાં માતા પિતા સાથે વાતચીત કે અનુકુળ સમયે રૂબરૂ મળવાનું બનતુ રહે તો દીકરીનું મન પણ ભરેલુ રહે છે. પણ અહીં દીકરીએ એક વાતનું ધ્યાન રાખવુ કે હવે તેનાં માટે તેનું સાસરૂ એ તેની પ્રાથમીકતા છે, તેની જવાબદારી છે. અને જવાબદારીથી કોઈપણ સંજોગોમાં ભાગવુ ન જોઈએ. પરસ્પર પુત્રવધુ અને સાસરાનાં લોકો એકબીજાને સમજે એ સુખી જીવનની ચાવી છે. અને પોતાની પત્ની સરસ રીતે ઘરમાં ગોઠવાઈ ગઈ છે એ જોઈ પતિ પણ ખુશ થશે. પોતાનાં માતા પિતાને સંભાળવામાં પત્ની સફળ નીવડી છે એનાથી વધુ પતિ પોતાની પત્ની પાસે શું ઈચ્છશે! આનાથી પતિ પત્નીનો પરસ્પરનો સંબંધ પણ વધુ ગાઢ બનશે. પતિ માત્ર પત્નીની જ વાત માને અને માતા પિતાની વાત અવગણે તો માનજો કયાંક કોઈકની ભુલ થઈ છે, નવા સંબંધને નીખારવામાં! પતિને જોઈએ કે એ માતા પિતા કે અન્ય કુટુંબીઓ અને પત્ની વચ્ચે સમતુલા જાળવે. પત્નીને જોઈએ કે એ આ સમતુલા જાળવવામાં પતિને મદદરૂપ થાય. જો આ સમતુલા નહીં જળવાય તો બહેનો, તમે જેને સૌથી વધુ પ્રેમ કરો છો, જેના માટે તમે તમારા માતા પિતા છોડીને આવ્યા છો એ તમારા પતિને દુ:ખ થશે.

    તમારી વાતની રજુઆત તમારા પતિને એકાંતમાં કરો. તમારા કરતા કુટુંબીઓને તમારા પતિ વધુ સારી રીતે ઓળખે છે. માટે એ યોગ્ય ઉપાય જરૂરથી શોધી કાઢશે. પતિ માટેની ફરિયાદ કદી અન્ય કુટુંબીઓને ન કરતા, પતિને જ એ બાબતે વાત કરો. બોલાચાલીથી નહીં, પ્રેમથી કરેલી તમારી દરેક વાત તમારા પતિ જરૂર સ્વીકારશે. પણ જો એક વખત વાત અહમ ઉપર આવી ગઈ તો માઠી અસર તો તમારા પોતાનાં લગ્ન જીવનને જ પહોંચશે. માટે પરસ્પરની વાતોમાં કદી અહમને વચ્ચે ન લાવો.

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.૧.૩.ર૦૧ર

    (૧૩) ભુતકાળ

    દરેક ક્ષણ પસાર થતા પોતાની પાછળ એક ભુતકાળ છોડતી જાય છે. ભુતકાળમાં હંમેશા સારી યાદગીરી જ હોય એમ જરૂરી નથી. કયાંક કયારેક કડવાશ પણ હોવાની. આમ પણ વીતી ગયેલી ક્ષણને તો પાછી લાવવા કોઈ સમથૅ નથી, ત્યારે ભુતકાળને યાદ કરીને શા માટે દુ:ખી થવુ!

    “મને બરાબર યાદ છે, આજથી બરાબર પાંચ મહિના પહેલા જ એમણે મને બધાની હાજરીમાં 'તું તો લોભણી છો.' કહીને ઉતારી પાડી હતી. હું કહુ છુ કે એ તો મને દર મહિને ઘરખચૅનાં પૈસા આપી છુટી જાય છે. એ પૈસામાંથી ઘર કેમ ચલાવવુ એ તો મારે જોવાનું છે. કરકસર ન કરીએ તો કેમ ચાલે! પણ મેં તો તે દિવસથી નક્કી જ કરી નાખ્યુ છે કે બચત ન થાય તો કઈં નહીં, પૈસા વાપરવામાં ભવિષ્યનો વિચાર જ ન કરવો.” એક મધ્યમવર્ગીય પત્ની માધવી પોતાની બહેનપણી સારીકાને વાત કરતી હતી. બહેનપણી આ વાતની સાક્ષી હતી કારણકે બંને બહેનપણીઓનાં પતિ પણ સારા મિત્રો હતા.

    “માધવી, તું પણ કયાં એ દિવસને લઈને બેઠી છો. તમારી વચ્ચે એ દિવસની બોલાચાલી પછી રસેશભાઈ અમારી ઘરે જ આવ્યા હતા. તને કહેલી કડવી વાતોનો તેમને અફસોસ હતો અને આકાશને તેઓ એ જ કહેતા હતા કે 'માધવી છે તે મારૂ ઘર આટલુ સરસ રીતે ચાલે છે. બાકી આપણાં જેવા સામાન્ય માણસોને આવી બધી સગવડતાઓ કેમ પાલવે! અને છતાં મેં તેને બે કડવા શબ્દો કહી દીધા.' અને માધવી મને યાદ છે, રસેશભાઈને ઘરે મુકવા હું અને આકાશ આવ્યા ત્યારે પણ રસેશભાઈએ તને તમારા ઘરની મની મેનેજર કહીને સંબોધી હતી! તારી બચતની ક્ષામતાનાં વખાણ કર્યા હતા. તારી માફી પણ માગી હતી અને છતા તું હજી એ વાતની ગાંઠ વાળીને બચત કરવાનું છોડી બેઠી છો? અરે, જો ત્રેવડ ત્રીજો ભાઈ છે, તો બચત તો આપણો ચોથો ભાઈ કહેવાય!”

    “અરે, હા સારીકા. તારી વાત સાચી છે. બધાની હાજરીમાં મને કેમ કહયુ એ ખીજમાં પાંચ મહિનાથી મેં બચત જ નથી કરી. પાછા એ કોઈ મારા સગા નહોતા થતા. અમારે તો એક દુકાનમાં... હું પણ કેવી મુખૅ છું! અને સગા થતા હોત તો પણ શું થઈ ગયુ? એ વાત આજ દિવસ સુધી યાદ રાખવાની મારે કઈં જ જરૂર નહોતી. નહીં તો હું દર મહિને પાંચસો છસ્સો રૂપિયા તો બચાવી જ લેતી. મને તો અઢીહજાર રૂપિયાની ખોટ ગઈ! પણ હવે આવી ભુલ નહીં કરૂ, સારીકા..”

    બહુધા આપણાં બધાનાં જીવનમાં પણ કોઈને કોઈ બાબત કડવા ભુતકાળ સ્વરૂપે રહેલી જ હોય છે. પણ તમારી જીવનયાત્રામાં પાછુ વળીને જોશો તો તમને અહેસાસ થશે કે કડવા ભુતકાળ કરતા મીઠો મધુરો ભુતકાળ તમારા જીવનમાં ઠેર ઠેર વીખરાયેલો પડયો હશે. ભુતકાળનાં સમયને જયારે પાછો લાવી શકાય તેમ છે જ નહીં, તો પછી કડવા ભુતકાળને યાદ કરીને દુ:ખી થવા કરા તો સારૂ છે કે એવી વાતોને યાદ કરીએ જે વાતોએ ભુતકાળમાં આપણને આનંદ આપ્યો હતો. આપણી તળપદી ભાષામાં કહીએ તો આવી વાતોને યાદ કરવાથી તો શેર એક લોહી ચડી જાય છે. આ તો તમારો બધાનો અનુભવ હશે.

    ...તો નિયમ બનાવી લો કે લગ્ન જીવનમાં કડવી વાતોનાં ભુતકાળને યાદ કરીને વતૅમાન અને ભવિષ્ય બગાડવાની ભુલ નહીં કરીએ. પણ એકબીજા સાથે પસાર કરેલા સારા સમયને યાદ કરીને વતૅમાન અને ભવિષ્ય સુખમય બનાવીશું.

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.૧.૩.ર૦૧ર

    (૧૪) વ્યવસાયીક સામ્યતા કે વિરોધાભાસ

    પરણીને સ્ત્રીઓ ઘર ચલાવે, પુરૂષો પોતાનાં વ્યવસાય કે નોકરીમાંથી જે કમાણી કરે તેમાંથી ઘર પણ ચાલે અને બચત પણ થાય. સ્ત્રીઓનું ભણતર પણ ઓછુ હોય. બહુધા છોકરીઓને માતા પિતા ભણાવે જ નહીં. પણ આવુ બધુ પહેલા બનતુ કે લગ્ન સમયે છોકરીનાં ભણતરને કોઈ જ મહત્વ ન અપાતુ. હવેનાં જમાનામાં લોકો જાગૃત બની ગયા છે. લગ્ન સમયે છોકરા સાથે છોકરીનું ભણતર પણ લક્ષામાં લેવાય છે. કોઈક કિસ્સાઓમાં તો છોકરો અને છોકરીનો સમાન અભ્યાસ હોય તેવો આગ્રહ પણ રખાય છે, જેથી છોકરાનાં વ્યવસાયમાં છોકરી પણ મદદરૂપ થાય.

    આ તો થઈ વ્યવસાયીક સામ્યતાની વાત. પણ જયારે વ્યવસાયમાં સામ્યતા ન હોય ત્યારે શું? લગ્ન વખતે જ વડીલોને એ ચિંતા સતાવે છે કે બંનેનું ભણતર અલગ છે તો બંનેનાં વિચારોમાં સામ્યતા કઈ રીતે આવશે? પણ ખરી રીતે જોઈએ તો આ બાબત છોકરા અને છોકરી બંનેના હાથમાં છે. પુરૂષ પતિ હોવા ઉપરાંત ઘરની મુખ્ય વ્યકિત છે. ઘરનો આધારસ્તંભ છે. સ્ત્રી પત્ની હોવા ઉપરાંત ગૃહ સ્વામીની છે, ઘરનો પાયો છે. મજબુત પાયા પર જ મજબુત ચણતર થાય છે. અને તો જ ઘર ટકી રહે છે. જો ઘરનો પાયો એટલે કે સ્ત્રી પોતાની જવાબદારીઓથી ચલિત થશે તો એવુ બનશે કે સમગ્ર ઘર હચમચી જશે. તો આવુ બનતુ અટકાવવા શું કરવુ?

    બહુ જ સરળ વાત છે કે ઘરનો પાયો એટલે કે સ્ત્રીને ઘરનાં આધારસ્તંભ એટલે કે પુરૂષનો સાથ સતત મળતો રહે. અને એકબીજાને સાથ આપવામાં વ્યવસાયીક સામ્યતાની કયાંય જરૂર નથી. એમાં જરૂર છે વૈચારીક સામ્યતાની...

    તમે સ્ત્રી હો કે પુરૂષ, તમારૂ પોતાનું વ્યવસાયીક જીવન અને સાંસારીક જીવન કયારેય એકબીજામાં વણી લેવાની ભુલ ન કરતા. વ્યવસાયીક અહમ ને ઘરમાં પ્રવેશવા દેશો તો સાંસારીક જીવન જોખમાશે એ હકીકત છે. તમારા વ્યવસાયને બહાર છોડીને ઘરમાં પ્રવેશવાથી તમે તમારા ઘરમાં પણ પુરતો સમય આપી શકશો અને તમારા વૈવાહિક જીવનને પણ...

    એક ઉદાહરણી સમજાવુ. પતિ પત્ની બંને વકીલાતનાં વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને નસીબ જોગે તેમની પાસે આવેલા છુટ્ટાછેડાનાં કેસ પણ એક જ પતિ પત્નીનાં હોય તો આવા સંજોગોમાં વકીલાત કરતા પતિ પત્નીનાં ઘરમાં, છુટ્ટાછેડા લેવા આવનાર પતિ પત્નીની વાત થાય અને.... પછી શું બની શકે એ તમે કલ્પી શકો છો.

    પતિ પત્ની બંને તબીબ હોય તો એક જ દર્દી માટે બંને સારવાર પધ્ધતિ જ અલગ વિચારે અને બંનેને પોતાનાં સાચા હોવાનો ભરોસો હોય... તો આવી પરિસ્થિતીમાં દર્દીની સ્થિતી શું થાય!

    આવા કિસ્સાઓમાં જો કે અસીલ કે દર્દીની પરિસ્થિતી બગડવાને બદલે પતિ પત્નીનાં સંબંધોમાં જ વિરોધાભાસ ઉત્પન્ન થઈ જાય છે. અને પછી તો સમજદાર યુગલ હોય તો એકબીજામાં ચંચુપાત કરવાને બદલે પોતાનાં સાથીની વાત સ્વીકારી વાત પૂરી કરે છે અને અણસમજુ યુગલ હોય તો એ યુગલ અને ઘરનાં બધાની પરિસ્થિતી દયનીય થઈ જાય છે.

    ....માટે મિત્રો, આવા કિસ્સાઓમાં વ્યવસાયીક સામ્યતા કે વિરોધાભાસને વધુ મહત્વ આપવાને બદલે તમારા વૈવાહિક જીવનને કેન્દ્ર સ્થાને રાખો. વ્યવસાયીક સામ્યતા હશે તો જીવન વધુ સરસ પસાર થાય અને વ્યવસાયીક વિરોધાભાસ હોય તો જીવન સારી રીતે પસાર ન થાય એ માન્યતા જ ભુલભરેલી છે. વૈચારીક સામ્યતા છે માટે જ તો તમે આજે આટલુ પ્રેમભર્યુ જીવન પસાર કરી રહયા છો....

    ...આવુ જ મધુર જીવન પસાર કરતા રહો...

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.૩.૩.ર૦૧ર

    (૧પ) ધમૅ અને જીવન

    આપણી સંસ્કૃતિનો પાયો જ ધમૅ છે. લગ્ન સમયે વિવિધ ધામિૅક વિધિઓ, મંત્રોચ્ચારો અને અગ્નિની સાક્ષીએ પતિ પત્ની બનનાર નવયુગલને ધમૅને અનુસરીને જીવન જીવવાની સલાહ તથા આશિર્વાદ અપાય છે. સપ્તપદીમાં એક પગલુ ધમૅને અનુસરવાનું પણ હોય છે. ધમૅ શું છે, કઈ રીતે ધમૅને અનુસરવુ એ બધી વાતો વડીલોએ પોતાનાં સંતાનોને શીખવી હોય છે. ધમૅ ભલે આટલો નાનો દેખાતો શબ્દ છે, પણ પોતાની રીતે ધમૅ અનન્ય ઉંડાણ ધરાવે છે.

    લગ્નની વાતો ચાલતી હોય અને દીકરો દીકરી એકબીજાને જોવા પહેલી વખત મળે ત્યારે બંને પક્ષો એક સવાલ અચુક આવે છે કે 'તમે કયો ધમૅ પાળો છો?' અત્યંત નાજુક સવાલ છે આ, કારણ કે ઘણી વખત માત્ર આ એક સવાલનાં જવાબ પર દીકરા દીકરીનાં ભાવિ જીવનનો આધાર રહેલો હોય છે. પણ અહીં એક વાત કહીશ કે દરેક ધમૅ, ભલે અલગ અલગ શબ્દોમાં, પણ પાયાની વાતો શીખવે છે.

    ભુખ્યાને ભોજન, બીમારને દવા, દુ:ખીયારાનાં ચહેરા પર હાસ્ય... બધા ધમૅમાં આવી વાતો અલગ અલગ શબ્દોમાં વણૅવેલી હશે. ઈશ્વર એક છે. માનવજીવનનો ધ્યેય જો મોક્ષા હોય, તો મોક્ષા મેળવવા ધમૅનાં રસ્તા પર ચાલવુ એ પતિ પત્ની બંને માટે એટલુ જ અગત્યનું અને જરૂરી છે.

    સાસરે જતી દીકરીને માતા પત્ની ધમૅની સુપેરે સમજણ આપે છે. પતિ તથા સાસરીયાઓને અનુકુળ થઈને રહેવુ, પતિની કહેલી વાતોને માનવી, ઘરમાં બધાને પ્રાથમિકતા આપીને ચાલવાની વાત શીખવતી માતા એ દીકરીને કઈં નવીન નથી શીખવતી, પણ એ પોતાનો માતાનો ધમૅ નિભાવે છે. સાસરે આવીને દીકરી પણ સાસરીયાઓને અપનાવીને પોતાનાં ધમૅનું પાલન કરે છે.

    આ તો થઈ ધમૅની સુક્ષ્મ વાતો, પણ જયાં સ્થુળ સ્વરૂપે ધમૅને, અનુસરવાની વાત આવે છે ત્યારે કુટુંબીઓ પણ ભુલ ખાઈ જાય છે. ધમૅ કોઈ જડતાનું નામ નથી, પણ ધમૅ સાકર જેવો ગળ્યો અને ધી જેવો સ્નિગ્ધ છે. દુધ જેવો ઉજળો અને જળ જેવો નિમૅળ છે. પરસ્પર પ્રીતી પ્રસરાવે તે ધમૅ. ધમૅ કયારેય એકબીજાથી દુર રહેવાની સલાહ ન આપે. એ તો ઐકય જ શીખવે. પણ કયારેક તો એવુ બને છે કે ધમૅની કહેવાયેલી વાતોનો મુળ ઉદ્દેશ ભુલીને લોકો કોઈ માન્યતા કે જડતાને વળગી રહે છે. અને ધમૅ તેનું મુળ સ્વરૂપ ગુમાવી બેસે છે.

    પતિ પત્ની સ્નેહની ગાંઠે જીવનભર બંધાયેલા રહે, અને કહેવાતી જડતા ને કારણે દૂર ન રહે તો ધમૅ તમારા આંગણે જ છે...

    ....પરસ્પરનો સાથ માણતા રહો...

    ....એકબીજાને ગમતા રહો....

    ડો.ચારૂતા સમીર ઠકરાર

    તા.પ.૪.ર૦૧ર