સંગાથી... જીવનસાથી... પાર્ટ - ૩ Dr.CharutaGanatraThakrar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગાથી... જીવનસાથી... પાર્ટ - ૩

સંગાથી....

જીવનસાથી.....

ભાગ – ૩

પ્રસ્તાવના

જયાં સુધી કોઈ છોકરીનાં લગ્ન ન થયા હોય ત્યાં સુધી તેનાં મનમાં દુલ્હન બનવાની ઝંખના હોવાની સ્વાભાવિક છે. દુનિયાની કોઈ છોકરી આમાંથી બાકાત નથી. અને દુનિયાનો કોઈ છોકરો વરરાજા બનવાની મહેચ્છાથી બાકાત નથી.

લગ્ન ખરેખર લાકડાનાં લાડુ નથી, પણ મીઠો કંસાર જ છે, જેનું ગળપણ પતિ પત્ની જીવન પયૅંત માણે છે. અને એ ગળપણ એટલે પતિ પત્નીનો પરસ્પરનો પ્રેમ વિશ્વાસ અને એવુ ઘણુ બધુ....

પતિને યાદ કરવાથી ચહેરાનો રંગ બદલાઈ લજજાની લાલિમા છવાઈ જવી, શુભ પ્રસંગે વધુ સુંદર લાગતી પત્નીને ત્રાંસી આંખે નિહાળ્યા કરવી, અને સમય પસાર થતો જાય એમ સંબંધમાં એટલી પરિપકવતા આવી જવી કે એકબીજાનાં મનમાં ચાલતા વિચારો પણ વગર કહયે જાણી લેવા....

પણ ઘણા લોકો કહેતા હોય છે કે આવો બધો પ્રેમ કે એની વાતો તો લગ્નની શરૂઆતમાં હોય. આખી જીંદગી કઈં આવુ થોડુ ચાલે! પણ તમારા પોતાનાં હાથમાં છે કે આખી જીંદગી પેલા કંસારનાં ગળપણને જાળવી રાખવી છે કે કંસારને કડવાશમાં બદલી નાખવો છે! ગળપણ સાથે નમકીન જ ભાવે, કડવુ નહીં. હા, કડવાશ પણ એક સ્વાદ છે, જે શરીરની તંદુરસ્તી માટે જરૂરી છે, મનની તંદુરસ્તી માટે તો ગળપણ ભર્યુ જીવન જ જરૂરી છે.

......આવો જીવનને ગળપણથી ભરી દઈએ.....

卐卐卐卐卐卐卐卐

શુભ મંગલ સાવધાન...

સગાઈ થયા પછી પરસ્પરને સમજવાનો સમય પસાર કર્યો અને છેવટે એ મંગલ ઘડી આવી પહોંચી, જેનો બે પરિવાર ઉત્સુકતાથી રાહ જોઈ રહયા હતા. આ સમય એટલે લગ્નનો દિવસ.

કુટુંબીઓ, મિત્રો, વડીલોની હાજરીમાં આ શુભ દિવસે કન્યા પોતાનો હાથ અને જીવન વરરાજાને સોંપી દે છે. બંને પરસ્પરની લાગણીઓનું જતન કરવાનાં કોલ આપે છે. પવિત્ર અગ્નિની ફરતે ફેરા ફરી વર-કન્યા હવે પતિ પત્ની બની જાય છે.

હવે એક એક દિવસ ગણીને રાહ જોવાની જરૂર નથી. લાં...બા વિરહ પછી મધુરૂ મિલન આવી પહોંચે છે. કેટલીક ક્ષણો સાથે રહેતા રહેતા હવે એ ક્ષણ આવી પહોંચી કે હવે તો જીવનભર સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. લગ્ન એટલે પતિ પત્ની તરીકેનો નવો જન્મ જ જોઈ લો. આ સંબંધને બાળપણથી યુવાની સુધી પહોંચતા સમય તો લાગવાનો, પણ આ સમયને એવી ઘણી બધી યાદગીરીથી ભરી દો, એવી મધુરી ક્ષણોથી ભરી દો.... કે.... કે....

ડો.ચારૂતા સમીર ઠકરાર

તા. ૧૮.૧.ર૦૧ર

સરનામું:

ઘર : “સ્વર્ગ” કલીનીક : ૧૧૧, અમૃત કોમ. કોમ્પ્લેક્ષ,

એએ – ૧ – અમી પાર્ક, સરદાર નગર મેઈન રોડ,

૧૫૦ ફૂટ રીંગ રોડ, એસ્ટ્રોન ચોક,

મોદી સ્કુલ પાસે, રાજકોટ – ૩૬૦૦૦૧

રાજકોટ – ૩૬૦૦૦૭ ગુજરાત.

ગુજરાત. ફોન : (૦૨૮૧) ૨૪૬૭૧૦૯

મોબાઈલ : ૯૮૨૫૮૨૮૫૪૩

E mail :

અર્પણ

મારા નામ સાથે

જેનું નામ જોડતા જ

મારું મુખડું અને મારું મન મલકી ઉઠે છે

એવા

મારા પતિ શ્રી સમીર ઠકરારને પ્રેમ પૂર્વક અર્પણ

અનુક્રમણિકા

31. સાથ તમારો જનમ જનમનો

32. બસ...પાંચ મીનીટ...

33. ઉંબરો ન ઓળંગશો...

34. ગૃહ, ગૃહિણી અને ગૃહસ્થ

35. શબ્દભેદી બાણ

36. ફરી પ્રેમમાં પડતા રહેજો...

37. સબસે ઉંચી પ્રેમસગાઈ

38. કુટુંબનાં વડીલનું માગૅદશૅન

39. એમને શું ગમશે?

40. કુટુંબધમૅ

41. મતભેદ... મનભેદ નહીં.

42. એડજસ્ટમેન્ટ

43. ગૃહ મંદિર

44. અન્નપુર્ણા

45. બાળકોનું દંપતીના જીવનમાં સ્થાન

46. બાળકના આગમન પછી શું...???

47. બાળકનો જન્મ અને ઉછેર : એક મોટી જવાબદારી

અને અંતે લેખિકાના બે બોલ...

(૩૧) સાથ તમારો જનમ જનમનો

બાયોડેટાની આપ લે....

બંને પક્ષો સામાજીક દરજજે તપાસ...

પ્રથમ મળે પરિવાર...

એકબીજાની પ્રથમ મુલાકાત....

પસંદ છે? એવા પ્રશ્નનાં જવાબમાં, ચાસણીભરેલી મધુરતાથી કહેવાતી ' હા...'

ગોળઘાણા... મીઠી જીભ...

સગાઈ....રીંગ સેરેમની...

એકબીજાને ઓળખવાની શરૂઆત...

વારંવારની મુલાકાત...

પ્રેમની ધીમી ધીમી શરૂઆત...

નાની નાની ભેટ....

લગ્નની તારીખ.... લગ્નની ખરીદી...

લગ્ન... મધુર મિલન....

.......નવા જીવનની શરૂઆત...

આવુ બધા પતિ પત્નીનાં જીવનમાં બનતુ જ હોય છે. લગ્ન પછી કઈં બદલાયુ ન હોવા છતાં કે....ટલુ બધુ બદલાઈ જતુ હોય છે! નવા જીવનની આ શરૂઆતમાં ફકત પતિ પત્નીનો સબંધ જ નવો નથી હોતો. આવા તો અનેક સબંધ બને છે. યુવતી કોઈની પુત્રવધુ, તો કોઈની ભાભી, કોઈની દેરાણી તો કોઈની મામી, કાકી બની જાય છે. યુવક પણ આવા બધા નવા સબંધોમાં બંધાય છે, પણ યુવક સાસરે જાય ત્યારે. બાકી યુવતી માટે આ નવા સબંધો નિભાવવા ઘણી વાર અઘરા બની જતા હોય છે.

આવા સમયે દરેક પત્ની પોતાના પતિની મદદ, સાથ ઈચ્છે છે. આમ પણ પત્નીનો સાથ પતિ નહીં આપે તો કોણ આપશે! યાદ રાખજો, પતિ પત્નીનો સબંધ એ સૌથી પહેલો સબંધ છે. એ સબંધનાં અસ્તિત્વમાં આવવાથી જ અન્ય સબંધો રચાયા છે. તો પત્નીને એવુ કયારેય ન લાગવા દેતા કે તેનું સ્થાન પતિનાં જીવનમાં સૌથી છેલ્લુ છે! દરેક સબંધને પોતાની ગરીમા છે. અને નવજીવનનો સૌથી વધુ ગરવો સબંધ એટલે પતિ પત્નીનો સબંધ...

પત્નીની કાળજી લેતા શીખો. એ એક નવી વ્યકિત તરીકે તમારા ઘર પરિવારમાં ઉમેરાણી છે, ત્યારે તેનાં સ્વભાવમાં સંકોચ, શરમ, લજજા તો રહેવાના. વાત કરવામાં, ખોરાક લેવામાં સંકોચ થવો એ શરૂઆતનાં સમયમાં સ્વાભાવિક છે. તમે એમ કહી દો કે 'તારૂ જ ઘર છે. તને ગમે એમ રહેજે.' એટલુ કયારેક પુરતુ નથી. પત્ની બરાબર જમી છે કે નહીં, ઘરમાં ફાવી ગયુ છે કે નહીં, એ વાત પુછવી એ તમારી પતિ તરીકેની ફરજ છે. એ ફરજ ન ચુકશો. તમારી પત્નીને ગમશે. 'મને એવી કઈં ખબર ન પડે.' એમ કહીને તમે તમારી આ ફરજમાંથી છટકવાનો પ્રયત્ન કયારેય ન કરતા.

કહે છે પતિ પત્નીનો સબંધ એટલે જનમ જનમનો સબંધ.. તો તમારા સબંધમાં કયારેય વૈમનસ્ય ન આવવા દો. વિખવાદ થાય તો વહેલાસર નિવારો...

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૩૦.પ.ર૦૧ર

(૩ર) બસ..... પાંચ મીનીટ...

ઓફિસનું ખુ....બ બીઝી, બોજીલ વાતાવરણ અને એમાં જ ફોનની.... હવેનાં જમાનામાં તો મોબાઈલની રીંગ વાગે. મોબાઈલની સ્ક્રીન પરનું નામ તમારા પ્રિયતમ... પ્રિયતમાનું હોય! અને એ સાથે જ ઓફિસનાં બોજીલ વાતાવરણમાં એક મુકત હવાની લહેરખી કયાંકથી આવી જાય છે. પ્રેમની ખુશબુ વાતાવરણને મહેકાવી દે છે. અને એકબીજાનો અવાજ સાંભળીને મન તરબતર બની જાય છે.

મનની આ તરબતર અવસ્થામાં જ પ્રિયતમ પ્રિયતમા સાથે વાતચીતનો દોર આરંભાય છે. થોડી ક્ષાણો માટે તો મન તડપી ઉઠે છે પ્રિય પાસે પહોંચી જવા માટે... જાણે શરીરનું બંધન તોડી મન પ્રિય પાસે જ હોય છે!

'શું કરતી હતી?'

'હું તો તમને યાદ કરતી હતી, માટે તો ફોન કર્યો..' સુમધુર હાસ્ય ફોનનાં સામેનાં છેડામાંથી પ્રિયનાં કાનમાં અથડાય છે.. 'તમે શું કરતા હતા?'

'મારે તો કામ ચાલતુ રહે છે, પણ કામની વચ્ચે તું તો યાદ આવતી રહે છે. સારૂ કર્યુ તેં ફોન કર્યો. મજા આવી ગઈ.'

ફરી હાસ્યનો પડઘો.. અને 'જલ્દી ઘરે આવજો..' ની પ્રેમાળ વિનંતી સાથે વાતચીત પૂરી થાય છે.

લગ્નજીવનની શરૂઆતમાં તો આવુ બનવુ સહજ છે. પણ લગ્નનાં પાંચેક વર્ષ પછી તો,

'અત્યારે કેમ ફોન કર્યો? કામ હોય તો જલ્દી બોલ, મારે મોડુ થાય છે.' એવો રૂક્ષા સ્વર સાંભળી એક પણ શબ્દની આપ લે વગર ફોન મુકાઈ જાય છે. એક ડુસકુ પ્રિયનાં કાનમાં પહોંચવાને બદલે હવામાં જ કયાંક વિલીન થઈ જાય છે... અને ઘરનું વાતાવરણ બોજીલ બનવા લાગે છે.

......

......

લગ્ન જીવનમાં હંમેશાની તાજગી માટે વાતચીતની એ પાંચ મીનીટ, સમય ચોરી વાતો માણી લેવાની એ પાંચ મીનીટ નવો પ્રાણ ફુંકતી રહે છે.

તમારા લગ્ન જીવનમાંથી એ પાંચ મીનીટ કયાંક અદ્રશ્ય તો નથી થઈ ગઈ ને?

તો તો તમારે આ પાંચ મીનીટ તમારા જીવનમાં લઈ આવવાની તાતી જરૂર છે.

બસ.... આ પાંચ મીનીટ માણતા રહો...

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૩૦.૬.ર૦૧ર

(૩૩) ઉંબરો ન ઓળંગશો...

“તમે... તમે.... મને.... આ રીતે... કહી દીધુ....!” મોના આંખમાં આંસુ સાથે મલયને બોલી. “મારો કયાં કઈં વાંક હતો કે તમે આ રીતે રાડો પાડીને...”

“ખીજાઉ નહીં તો શું તારી પૂજા કરૂ? નાની નાની વાતમાં કઈં સમજ નથી પડતી! અને હવે રડવાનું ચાલુ!” મલય બરાડા પાડતો બોલ્યો. “મારી તો સવાર બગાડી નાખી...”

નવા પરણેલા મોના મલય આમ તો મેઈડ ફોર ઈચ અધર જેવુ કપલ હતુ. પણ બંનેની એકબીજા માટેની અપેક્ષાઓ વધારે હતી. પ્રેમ હોય ત્યાં પ્રિયપાત્રની એક નાનકડી ભૂલ પણ પહાડ જેવડી લાગવા માંડે છે. મોના મલય સાથે પણ આમ જ કઈં બન્યુ. હંમેશા મોડા ઉઠવા ટેવાયેલા મલયને આજે મોનાએ વહેલો ઉઠાડી દીધો કારણકે શિયાળાની સવાર હતી અને ઝાકળ વરસતુ હતુ. મોનાને આવા ઝાકળમાં ન્હાવુ ખુબ ગમે. લગ્ન પહેલા તો મોના ઉપડી જતી, પોતાનાં પાડોશમાં રહેતી આરોહી સાથે. પણ હવે લગ્ન પછી એ આવી પળો મલય સાથે વિતાવવા માગતી હતી. મલય નિદ્રાપ્રેમી જીવ હતો. નિંદરનાં ભોગે કઈં નહીં, એ તેનો જીવનમંત્ર. એમાં ઝાકળ જેવા ક્ષુલ્લક કારણ માટે મોના તેની ઉંધ બગાડે એ મલયને કયાંથી ગમે! અને મલય બરાડી ઉઠયો કે તેની સવાર બગડી.

સવારનાં ભાગે બંનેને કોઈ વાત ન થઈ. મલય મોં ફુલાવીને જ ઓફિસે ચાલ્યો ગયો. મોનાએ પણ તેને હસીને આવજો કહેવાને બદલે રસોડાનાં કામમાં વ્યસ્ત રહેવાનું વધારે પસંદ કર્યુ.

સવારની બપોર પડી. મલય ઓફિસમાં અને મોના ઘરે મુંઝાતી હતી. પણ બીજા કોઈને કઈં વાત કરતા નહોતા. મોનાને લાગતુ હતુ કે 'મારી પણ પોતાની ઈચ્છા હોય કે નહીં! મને કુદરતી વાતાવરણ ગમે છે તો હું એ માણી પણ ન શકું? આના કરતા તો હું મારા મમ્મીનાં ઘરે પાછી ચાલી જઉ. મારી આટલી નાની વાત ન સમજીને મલયે મારી પર આટલો ગુસ્સો કર્યો તો આવા માણસ સાથે જીવન કેમ કાઢવુ!'

મલય વિચારતો હતો કે 'મોનાએ તેની પોતાની ઈચ્છા મારી પર થોપી બેસાડવાની કઈ જરૂર હતી? મને વહેલુ ઉઠવુ નથી ગમતુ તો પછી...! હું કયાં આની સાથે પરણ્યો...'

બપોરની સાંજ પડી. મોનાને ઘરે ગમતુ નહોતુ અને મલયનું ચિત્ત ઓફિસનાં કામમાં નહોતુ ચોટતુ. મલયનો એક ખાસ મિત્ર હતો, સેતુ. મલયની મુંઝવણ પારખી જઈ તેણે મલયને પુછયુ, અને મલયે પણ પેટછુટ્ટી બધી વાત કરી.

“હા...હા...હા... મલય, તું પણ સાવ બાલિશ જ રહયો. મને બરોબર યાદ છે કે ભાભીનાં આ ભોળપણથી જ તો તું તેના તરફ આકર્ષાયો હતો. અને હવે... આ બધુ તને! અરે, તારા માટે ભાભી બધુ છોડીને આવ્યા હોય તો તેની પસંદગીને કયારેક પ્રાધાન્ય આપવુ તને યોગ્ય નથી લાગતુ?”

“તારી વાત તો સાચી છે. તો પછી મારે મોનાને કેમ મનાવવી?” મલય ફરી મુંઝાઈ ગયો.

“ભાભી માટે તેને ગમતુ કઈંક લઈ જા... તમને બંનેને ગમશે.” સેતુ મલય મોનાનાં પ્રેમ વચ્ચે સેતુ બની ગયો.

આ તરફ મોનાએ તો ઘર છોડવાની બધી તૈયારી કરી લીધી હતી. પણ જેવી ઘરની બહાર જવા ગઈ કે તેને પોતાની મમ્મીની શિખામણ યાદ આવી. 'દીકરી, પ્રેમ છે ત્યાં અપેક્ષા અને અપેક્ષા ન સંતોષાય તો ગુસ્સો પણ આવવાનો. પણ ગુસ્સામાં કયારેય કોઈ નિણૅય ન લઈશ, અને ઝઘડીને તો સાસરેથી અહીં કયારેય ન આવીશ. બાકી પ્રેમથી આવીશ તો મમ્મીનાં ઘરનાં દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા છે.' અને મોના હીબકા ભરતી ઘરમાં જ બેસી ગઈ. આ તરફ મલય વહેલો આવી ગયો. મોનાને રડતી જોઈ અને બેગ ભરેલી જોઈ મલય ગભરાઈ ગયો...

“મોના... મોના... મને માફ કર.. પણ મને છોડીને ન જઈશ. હું તને ખુબ પ્રેમ કરૂ છુ.. તારા વગર અધુરો છુ.”

“હું પણ..” મોના મલયને વળગીને વધુ રડવા લાગી. બંનેને સમાધાન થઈ ગયુ. સમાધાનની સાંજ બંને બહાર વિતાવી.

આ તો હતી મોના મલયની વાત.. આપણામાં પણ કયાંક કયાંક મોના મલય નથી રહેલા શું? આપણને પણ આપણાં પ્રેમને સમજવા કોઈને કોઈ સેતુની જરૂર નથી પડતી શું?

સમાધાન એ જ શ્રેષ્ઠ વલણ.. બાકી ઘરનો ઉંબરો ગુસ્સામાં ઓળંગવાની ભુલ કયારેય ન કરશો..

અસહ્ય પરિસ્થિતિ સિવાય, છૂટાછેડા એ ક્યારેય સમસ્યાનો ઈલાજ નથી.

અને હા, આપઘાતનો વિચાર તો ક્યારેય ન કરવો.. ક્ષણિક આ આવેગ ખરાબ પરિણામ જ આપે છે. ફરી કહીશ, સમાધાન જ શ્રેષ્ઠ વલણ.

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.ર૩.૬.ર૦૧ર

(૩૪) ગૃહ, ગૃહિણી અને ગૃહસ્થ

તુમસે હી ઘર ઘર કહેલાયા...

મુકેશજીનાં ઘુંટાયેલા સ્વરમાં ભાભી કી ચુડીયા ફિલ્મનું આ ગીત સંગીતપ્રેમીઓને યાદ ન હોય એવુ બને જ નહીં. પણ આપણે સંગીતમય જીવનની જયારે વાત કરીએ છીએ, તો એટલુ તો ચોક્કસ કે ઈંટ પથ્થરથી બનેલા મકાનને ઘર બનાવવાની કળા ગૃહિણી સરસ રીતે જાણે છે. ગૃહિણી અને ગૃહસ્થ દ્વારા બનતુ ગૃહ એટલે મકાનમાંથી ઘર બનાવવાની કળા...

ફકત દરેક પતિ પત્નીએ જ નહીં, મકાનને ઘર બનાવવા ઈચ્છતા દરેકે દરેક વ્યકિતએ આ કળા હસ્તગત કરવી જોઈએ. મકાન એટલે લાગણી વિહીન પથ્થરોની દુનિયા, અને ઘર એટલે લાગણીને વાચા આપતા ઈંટ પથ્થરોની દિવાલોની વાત. આપણને ઓથ આપતી દિવાલની વાત..

નાના બાળકની દિવાલને જ નોટબુક સમજી લઈ ને અનુભવાતી બાળસહજ આદતો દિવાલને જીવંત બનાવે છે.

ગૃહિણી દ્વારા દિવાલ પર થતી સજાવટ મકાનને જીવંત ઘર બનાવે છે.

સંતાકુકડી માટે દિવાલની આડશ અને 'થપ્પો' કરવા દિવાલ પર અથડાતા નાનકડા હાથ એટલે દિવાલની જીવંતતા.

પ્રિયતમને ચોરી ચોરી જોવા દિવાલ પાછળ ઉભા રહેવું... દિવાલ પાછળથી પ્રિયતમ સામે મંડાયેલી એ બે આંખો... દિવાલ સમો કોઈ મિત્ર ત્યારે તમને નહીં ભાસતો હોય, સખી...!

અને... કયારેક માંદગીમાં દિવાલ તમને ટેકો આપી પડતા બચાવે છે.

..તો કયારેક તમારો થાક ઉતારવા દિવાલને અઢેલીને ઉભા રહેવાનું મન થાય તો દિવાલ જાણે તમને પંપાળે છે..

સાસરે વિદાય થતી કન્યાનાં હાથનાં-થાપાનાં નિશાન અને કન્યાની, તેનાં માતા પિતાનું ઘર છોડવાની અવઢવ એ દિવાલ જ પોતાનામાં સમાવે છે ને!

અને સાસરે આવેલી પુત્રવધુનાં હાથનો સ્પશૅ અનુભવવા આતુર દિવાલ પુત્રવધુને આવકારવા એક વડીલની પેઠે અડીખમ રહે છે, પણ પાછી પુત્રવધુનો સ્પશૅ પામતા જ પોતાનું વ્હાલ, પોતાની ઓથનું વ્હાલ પુત્રવધુ પર વરસાવે છે, અને પુત્રવધુને આ દિવાલો પોતાની લાગવા લાગે છે. પિતૃગૃહ છોડવાની વસમી વેળાની યાદ ધુંધળી થઈને પતિગૃહની નવી જીંદગી માટે આ દિવાલો જ પુત્રવધુને સજજ કરે છે.

દીવાનખંડની ખાલી દિવાલ સજાવટથી તો રસોડાની દિવાલો રસોઈના મઘમઘાટથી જીવંત થઈ ઉઠે છે. રૂમની દિવાલ પતિ પત્નીનાં પ્રેમની સાક્ષી બનીને તો અગાસીની દિવાલો ખુલ્લા આકાશની હવાની લહેરખીઓ અને એ લહેરખીઓને માણતા પતિ પત્નીનાં પગલાંઓ થકી જીવંત થઈ ઉઠે છે.

ગૃહ, ગૃહિણી અને ગૃહસ્થનાં સહિયારા પ્રયાસ થકી જ મકાનને ઘર બનવાની કળા હસ્તગત થઈ જાય છે.

આવી મધુરી કળા થકી તમારા જીવનને મહેકાવતા રહો...

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.ર૩.૬.ર૦૧ર

(૩પ) શબ્દભેદી બાણ

“તારામાં તો કામ કરવાની દાનત જ નથી. આ જો, આ બધુ એમ નું એમ પડયુ છે. શું કરે છે આખો દિવસ? ઘરમાં જ હોવા છતા કામ પુરૂ નથી કરી શકતી? કામ કરવાની દાનત હોય તો તો આમ બધુ કઈં...! તને ખબર છે ને કે અવ્યવસ્થિત પડેલી વસ્તુઓ જોઈને મારૂ માથુ ફરે છે...” પરેશ તેની પત્ની સીમા પર તાડુકયો.

બીમાર હોવાથી આખો દિવસ આરામ કરીને માંડ ઉભી થયેલી સીમા બહારથી જમવાનું મગાવી લેવા વિચારતી હતી ત્યાં પરેશનાં દેકારા સાંભળી હેબતાઈ ગઈ. હજી પરણ્યાને ત્રણ મહિના જ થયેલા. બહારથી જમવાનું મગાવવાની વાત તો દુર રહી, 'હા, કામ પતાવુ છું.' એટલુ રડમસ અવાજે બોલી, સીમા કામે વળગી અને રસોઈ પણ મહાપરાણે બનાવી.

પરેશ જમીને ટી.વી. જોવા બેસી ગયો અને સીમા પથારીમાં ઢગલો થઈને પડી કે પછી ઉભી જ ન થઈ શકી. મોડેકથી પરેશ સુવા ગયો તો ત્યારે તેને ખબર પડી કે સીમાનું શરીર તો તાવથી ધગધગે છે.

“સીમા...સીમા... આટલો તાવ! શું થયુ?” પરેશ હેબતાઈ ગયો.

“મને તો સવારનું ઠીક નથી. બધુ કામ પડતુ મુકી આરામ કરતી હતી આખો દિવસ. પણ તમારે તો કઈં આડુ અવળુ ચાલે નહીં.. ભલે ને મને ઠીક ન હોય..! તમને આમ પણ મારી દરકાર શા માટે હોય?” હવે ચીડાવાનો વારો સીમાનો હતો.

તાવ અને નબળાઈને કારણે બે દિવસ તો તેને હોસ્પિટલે દાખલ કરવી પડી. સીમાની માંદગી અઠવાડીયુ ચાલી. નબળાઈમાંથી ઉભી થઈને સીમા ઘરનું થોડુ થોડુ કામ કરતી. બાકી આરામ કરતી.

સાવ નવરા ઘરે બેસવાથી સીમાને લાગ્યુ કે પરેશને જયારે પોતાની માંદગી વિષે ખબર નહોતી, તો તેણે આમ કહયુ, બાકી જેવી એને ખબર પડી કે મને ઠીક નથી તો બીચારા ડરી ગયા હતા. મારે પણ તેમને જાણ તો કરવી જોઈતી હતી કે તબિયત બરાબર નથી માટે હું સુતી છુ. તો કઈં એ આમ ન ચીડાત. એ કઈં થોડા હીટલર છે! સીમાને વિચારતા વિચારતા જ મનોમન હસવુ આવ્યુ.

પછી તો સીમાને પરેશને કામ કરતો જોવાની મજા આવવા લાગી. પોતાની ફરમાઈશ પરેશ કેવો દોડીને પૂરી કરે છે એ એને ગમવા લાગ્યુ. તબિયત સુધરતા સીમાનાં ચહેરા પર અને પરેશ માટેની તેની લાગણીમાં પણ તાજગી આવવા લાગી.

“પરેશ, હવે તો તમે ઘરકામમાં માહેર થઈ ગયા છો... મારે હવે કાયમની શાંતિ!” સીમા એવુ ઠાવકાઈથી બોલી કે પરેશ જોતો રહી ગયો. પણ સીમા તેનું હસવુ ન ખાળી શકી.

“હસે છે... મારી પાસે કામ કરાવીને હસે છે...” પરેશ સીમા તરફ ધસ્યો, અને સીમા પણ દોડીને છટકી ગઈ. સીમાને પકડવા પરેશે અને પરેશથી બચવા સીમાએ જે દોટ મુકી કે ઘર હાસ્યથી ગુંજી ઉઠયુ...

“સીમા... સોરી. તારી નાદુરસ્ત તબિયત છતા મારા ગુસ્સાને કારણે તારે..”

“સોરી તો મારે પણ કહેવુ પડે ને પરેશ. હું પણ ગુસ્સામાં બધુ કામ કરવા લાગી અને પછી આ અઠવાડીયાની માંદગી. પણ હવે આપણે ગુસ્સાને પ્રેમથી ઉકેલીશું. રાઈટ?”

“રાઈટ છે મેડમ.. અમારા હોમ મીનીસ્ટર કહે તેમ અમારે પણ કરવુ જોઈએ ને! ઘરનાં નિણૅયો હોમ મીનીસ્ટર લે એમાં જ જીવનની મજા છે.” પરેશ બોલ્યો.

સીમા દોડીને પરેશને વળગી પડી, જાણે પરેશમાં જ સમાઈ જવા ન માગતી હોય! પરેશ પણ લાડથી સીમાનાં માથા પર હાથ પસવારવા લાગ્યો.

શબ્દભેદી બાણથી બંને વિંધાયા હતા... અને આ તો કામદેવનાં બાણે વિંધાયા....

શબ્દોનું અહીં હવે કયાં કામ હતુ...

શબ્દો દુ:ખ પણ આપે, શબ્દો મલમ પણ ચોપડે..

પણ...કામદેવનાં બાણ તો પ્રેમ જ વરસાવે...

પ્રેમમાં હંમેશા ભીંજાતા રહો...

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૧૪.૭.ર૦૧ર

(૩૬) ફરી પ્રેમમાં પડતા રહેજો..

દ્રશ્ય એક:

“તને... આજનો દિવસ યાદ છે? આજે...”

“આજે... આજે... હાં યાદ છે ને... આજે તો આપણે પેરેન્ટસ મીટીંગમાં, ઋત્વીની સ્કુલે આજે જવાનું છે, એ હું કેમ ભુલુ?” મયુરી શ્રીકાંતને બોલી.

“આજે આપણી સગાઈને દસ વર્ષ થયા મયુરી..!” શ્રીકાંત લાડમાં બોલ્યો.

“શ્રી... તું પણ..! આવુ બધુ હવે દસ વર્ષે સારૂ ન લાગે. આપણી ઋત્વી કેવડી થઈ. ઓહ.. તમે મને વાતોમાં ઉલજાવીને મોડુ કરાવી દીધુ. તમે પણ તૈયાર થાઓ જલ્દી.” મયુરી ચીડાઈને રૂમની બહાર નીકળી ગઈ.

'દસ વર્ષે આવુ બધુ સારૂ ન લાગે..! વર્ષો પસાર થતા પ્રેમ કટાઈ જતો હશે..!' શ્રીકાંત મનોમન બબડયો અને તૈયાર થવા લાગ્યો, પણ આખો દિવસ તેને આ વાત યાદ આવતી રહી, અને તેનો મુડ ન રહયો.

---------

દ્રશ્ય બે:

“માધવ...માધવ કેટલા વાગ્યા છે જો જોઈએ?” કૈરવી દોડીને આવી અને માધવને વળગી પડી.

“કેમ, કયાંય જવાનું છે? સાંજનાં સાડાપાંચ થયા. અને કેમ આટલી ખુશ છો?” માધવ બોલ્યો.

“હા, ખુશ છુ. આજથી બરાબર સાત વર્ષ પહેલા, આ જ સમયે, હું તને પહેલીવાર મળેલી.” કૈરવી માધવનાં ચહેરા પર હાથ ફેરવતા બોલી. “અને... અને...તારી આંખોમાં ખોવાઈ જઈ ને તારી પત્ની બની ગઈ.”

“તો?” માધવ કૈરવીને પોતાનાં થી દુર કરતો શુષ્કતાથી બોલ્યો.

“તો! તો શું? આજે આપણે સેલીબ્રેટ કરીશું.” કૈરવી માધવની શુષ્કતાને અવગણી અત્યંત પ્રેમથી બોલી.

“વોટ રબીશ! આમ ગાંડી થા માં.. આવુ બધુ યાદ પણ ન રખાય. સાત સાત વર્ષ થયા તો પણ! બી મેચ્યોર. એનીવસૅરી સેલીબ્રેટ કરીએ છીએ ને, એટલુ બસ છે. આમ પણ મારે આજે કામ છે. આવતા મોડુ થશે. પહેલીવાર મળ્યાનો દિવસ સેલીબ્રટ કરવો છે. હાઉ ચાઈલ્ડીશ! હં...” માધવ કૈરવીની ખુશી પર ઠંડુ પાણી ફરેવીને ચાલ્યો ગયો.

'જીવનનાં ખુશીનાં પળ યાદ કરીએ એટલે ચાઈલ્ડીશ! મારે મેચ્યોર થવાનું? અને એનીવસૅરી સેલીબ્રટ કરીએ છીએ એટલે બસ! સાવ આવુ? માધવ પણ...' કૈરવી કઈં વધુ ન સમજી શકી. પણ ઘરમાં રહી મન મુંઝાતુ હોવાથી તે ઉપડી ગઈ શોપીંગ કરવા અને મોડેથી ઘરે આવી. માધવ સાથેની વાતચીતમાં હવે પહેલા જેવી તાજગી નથી લાગતી. કૈરવી મુરજાઈ ગઈ છે. મુંઝાઈ ગઈ છે. માધવ પ્રેમથી બોલાવે તો જવાબ નથી દઈ શકતી કે નથી તેનાં દીકરા વૈભવમાં પુરતુ ધ્યાન આપી શકતી...

----------

આવા તો કેટકેટલાય દ્રશ્યો ઘણા ઘરમાં ભજવાતા જ રહે છે. પણ પ્રેમ એટલે વર્ષોમાં જીવન ઉમેરવાની કળા. પ્રેમને અને ઉંમરને, કે પ્રેમને અને અમુક વર્ષોનાં લગ્નજીવનને એવો સબંધ નથી કે પતિ પત્ની એક ઘરેડમાં જ ઢળી જાય. અને એ ઘરેડની બહાર પ્રેમને કોઈ અવકાશ ન હોય. એ લીમીટની બહાર થતો પ્રેમ 'ચાઈલ્ડીશ' કે 'ઈમ્મેચ્યોર' કહીને અવગણાય..

પ્રેમ તો પ્રેમ છે. શબ્દ ફકત અઢી અક્ષારનો, પણ પોતાનામાં દુનિયા આખીને સમાવી લે છે.

લગ્નજીવનને એક ઘરેડમાં કયારેય ન ઢાળો. પ્યાર કો પ્યાર હી રહેને દો કોઈ નામ ન દો.. કયારેક સાથીને કોઈ ભેટ કે સરપ્રાઈઝ પાર્ટી આપીને, તો કયારેક કયાંક ફરવા ઉપડી જઈને તરલતાથી વહેતા લગ્નજીવનને પ્રેમ રૂપી સુવાસથી મહેકાવતા રહો.

અને... છતાં પણ તાજગીની જરૂર લાગે તો

.....તમારા જીવનસાથી સાથે ફરી ફરી પ્રેમમાં પડતા રહો.

અને હા, માધવ તથા મયુરીએ ફરી પ્રેમમાં પડવાથી કળા પોતપોતાનાં જીવનસાથી પાસેથી શીખી લીધી છે. તેઓ હવે ખુબ ખુ....બ ખુશ છે.

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૧૬.૭.ર૦૧ર

(૩૭) સબસે ઉંચી પ્રેમસગાઈ

પ્રેમ...

શબ્દ ફકત અઢી અક્ષારનો, અને પોતાનામાં દુનિયા આખીને સમાવી લેવા સક્ષમ.

અને...

વિરહનાં તાંતણેથી પ્રેમનાં તાંતણે બાંધી દેતો મજબુત સંબંધ એટલે લગ્ન.

જો પ્રેમ થવો એ એક ઘટના છે, તો લગ્ન એ પરિણામ છે. એક એવુ પરિણામ, જે જીવનનાં પરિમાણ બદલી નાખે છે. જીવનની પરીક્ષા તો પછી દેવાની આવે છે, પણ પરિણામ પહેલા જ આવી ચુકયુ હોય છે... લગ્ન રૂપી પરિણામ.

લગ્ન પછી પ્રેમ શું પૂણૅ થઈ જાય છે? કે પછી તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે? કે પછી પ્રેમનું સ્વરૂપ બદલાઈ જાય છે?

ના... લગ્ન પછી નથી વ્યકિત બદલાતી, નથી પ્રેમ બદલાતો, પણ પ્રેમ પૂણૅતા પામે છે. પ્રેમનું સ્વરૂપ કયારેક અભિવ્યકતને બદલે અનભિવ્યકત બની રહે છે. લાગણી દેખાડવામાં નહીં, પણ લાગણીમાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે.

લગ્ન જીવનમાં શરૂઆતમાં એકબીજાનો ભરપુર સાથે મળતો રહે છે, પણ ધીમે ધીમે દિવસો, મહિનાઓ પસાર થતા થતા, પતિ પત્ની એકબીજાની પ્રાથમીકતા હોવા છતાં, વધતી જવાબદારીઓની વચ્ચે એકબીજા માટેનો સમય ઘટતો જાય છે. સામાજીક વ્યવ્હાર, બાળકોની કે વડીલોની જવાબદારી, કામકાજની ચિંતાઓ વચ્ચે ઘેરાયેલુ યુગલ છેલ્લે સાથે કયારે સમય પસાર કર્યો એ યાદ કરવા છતા યાદ નથી આવતુ. આ માટે કોઈ ઉપાય બંનેએ સાથે મળીને શોધવો જોઈએ. અને એક સુંદર ઉપાય એટલે શકય હોય ત્યાં સુધી સંયુકત રીતે જવાબદારીનું વહન.

બાકી તો.....

સાથે રહેવા માટે સમય મળે નહીં તો સમય ચોરી લેવો...

સામસામે બેસીને નહીં તો આંખોથી વાતો કરી લેવી...

ક્ષુલ્લક વાતોમાંથી નિપજતા પ્રેમને મનભરીને માણવો...

સમય મળ્યે સાથે ફરવા નીકળી જવુ...

પતિ કે પત્ની બહારગામ હોય તો દિવસમાં ઓછામાં ઓછી એક વખત તો વાત કરવી...

અને...

આ બધાથી વધુ, પ્રેમ વ્યકત કરવા માટે સમય ન મળે તો પણ કયારેય અંતરનાં પ્રેમને સુકાવા ન દેવો...

કારણ કે, સબસે ઉંચી પ્રેમ સગાઈ....

પ્રેમનાં આ મુક સ્વરૂપને ઓળખો... સ્વીકારો... માણો...

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૬.૧ર.ર૦૧ર

(૩૮) કુટુંબનાં વડીલનું માગૅદશૅન

“આ શું બનાવે છે, બેટા? આપણાં ઘરમાં આપણે ઢોકળા આ રીતે બનાવતા જ નથી. લાવ, હું તને આપણાં ઘરની રીત શીખવુ.” - સાસુનું વહુને પ્રેમાળ માગૅદશૅન.

“ઢોકળા આ રીતે બનાવાય? કોઈ નહીં ખાય! રસોઈ બનાવતા આવડે છે કે નહીં?” - સાસુ દ્વારા વહુને મરાતા મહેંણા.

------

“મમ્મી, જરા જુઓને, હું આજે રજવાડી ઢોકળી બનાવુ છુ, મારી રીત બરાબર છે ને?” વહુ દ્વારા સાસુ પાસે મગાતુ માગૅદશૅન. અને એ માગૅદશૅનમાં વહુએ બનાવેલી ઢોકળીનું શાક બધાએ આંગળા ચાટીને પ્રેમથી ખાધુ.

'મને તો બધી રસોઈ આવડે જ છે. મારે મારા સાસુને પુછવાની શું જરૂર છે. ખોટી લપ કયાં કરવી!' આમ અહમપૂવૅક વિચારીને વહુએ બનાવેલ રસોઈ કોઈ ખાઈ ન શકયુ.

------

આ તો ફકત રસોઈનું ઉદાહરણ. બાકી પરિવારમાં એવી કેટકેટલી વાતો હોય છે, જેમાં પરિવારનાં વડીલનું સતત માગૅદશૅન નવી વહુને મળતી રહે એ જરૂરી હોય છે. સામાજીક પરંપરાઓનું જતન કુટુંબનાં વડીલો દ્વારા થતુ રહે, કુટુંબનાં સભ્યો ખુલ્લા મનથી વડીલો દ્વારા અપાતી સામાજીક જવાબદારીઓનાં જતનનું માગૅદશૅન મેળવતા રહે એ સુંદર કુટુંબ વ્યવસ્થા કહેવાય. એ સંતાનોની નમ્રતા. તો સંતાનો દ્વારા કહેવાયેલ કઈંક નવીન વાતો સ્વીકારવાની હોંશ એ વડીલનું વડપણ.

નમ્રતા જો યુવાનીનું આભુષણ છે, તો વડપણ એ વડીલની જણસ. વડીલનાં વડપણની છાંયાંમાં પાંગરતા પરીવારનાં સહુ સભ્યો અહમ્ ત્યાગીને રહેતા હોય તો કેટલુ સુંદર! ચાર પેઢીઓ સાથે રહેતી હોવાની છાપામાં વાંચેલી વાત કઈં કલ્પના તો નહીં જ ને!

'ઘરડાં ગાડા વાળે' એ સત્ય હકીકત છે. તો યુવાની પોતાનાં નવા વિચારો સાથે સામાજીક ધારાઓને વેગવંતી બનાવવા આતુર હોય છે. યુવાનીનો જોશ, પ્રૌઢાવસ્થાની વ્યવસ્થા અને વૃધ્ધોનું માગૅદશૅન એટલે જીવનનાં કોઈ પણ ક્ષોત્રમાં સફળતા મેળવવાની ગેરંટી.

અને અહીં પણ તમારા જીવનસાથીનો સાથ તમને મળતો રહેવાનો... એ સુખની ગેરંટી...

સુખી થાઓ... સુખી કરો....

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૬.૧ર.ર૦૧ર

(૩૯) એમને શું ગમશે?

દ્રશ્ય એક :

“ધારા, આ શું ખરીદી લાવી? મારા માટે તારે આવુ શટૅ તો નહોતુ લાવવુ! આવા શોટૅ શટૅ હું પહેરતો પણ નથી અને મને શોભતા પણ નથી. કોલેજમાં એક વાર ખરીદેલું અને... મને પુછયુ હોત તો તને કહી દેત કે...” વિનોદનું મોઢુ આવુ શટૅ જોઈને પડી ગયુ.

“મેં તો એમ માન્યુ હતુ કે હું તમારા માટે શટૅ લાવી તમને સરપ્રાઈઝ આપીશ... બાકી તમે હમણાં જ મારા માટે ફુલોનો રોપ લઈ આવ્યા હતા. આ તે કઈં ભેટ આપવાની વસ્તુ છે? છતા મેં તો કઈં નહોતુ કહયુ! ફુલ હોય તો માથામાં નખાય. રોપાનું શું કરૂ? પણ મેં તમને એવો કોઈ સવાલ પુછેલો શું?” ધારાને રીસ ચડી.

“એ બહુ મોંઘા ફુલનો બહુ ઓછો મળતો રોપ હતો.. કયાં નાખ્યો એ રોપ?”

“કયાં રાખુ? ફળીયામાં રાખ્યો હતો અને બકરી ઘુસી ગઈ હતી તો ચાવી ગઈ. ફેંકી દીધો.” ધારા બેફીકરાઈથી બોલી.

“ફેંકી દીધો...? પણ શા માટે? પાંચસો રૂપિયા દઈને...”

“મેં પણ તમારા શટૅનાં પૂરા સાતસો રૂપિયા આપ્યા છે. તમારા કરતા મારી ભેટ વધુ મોંઘી છે.”

ધારા વિનોદ એકબીજાથી રીસાઈને સુઈ ગયા.

દ્રશ્ય બે :

“માનસી, આજે તો તારા માટે ખરીદી કરીને લાવ્યો છું. આંખો બંધ કર જોઈએ.” માનવ ઓફીસેથી ઘરે આવ્યો ત્યારે ખુબ ખુશ જણાતો હતો. નવા સવા લગ્ન અને લગ્ન પછીની માનસી માટેની આ પહેલી ભેટ.

“અરે વાહ..સરપ્રાઈઝ! તો સરપ્રાઈઝ તો મારી પાસે પણ છે! હું પણ તમારા માટે કઈંક લાવી છું.” માનસી પણ અદમ્ય ઉત્સાહથી બોલી.

“માનસી, અત્યારે તો આ ખોટા હીરાનો સેટ લાવ્યો છુ. પણ મારા જીવનને પ્રેમથી પૂણૅ બનાવનાર મારી માનસીને હું સાચા ઘરેણાથી મઢી દઈશ.” માનવ લાડથી બોલ્યો.

“અને આ મઘમઘતુ સેન્ટ મારા જીવનને મઘમઘાવનાર માનવ માટે.”

“માનસી, ચાલ, આજે તો પહેલી પહેલી ભેટનાં માનમાં આપણે બહાર જમીએ. તૈયાર થઈને નીકળીએ. તું સેટ પહેરજે હોં. અને હું પણ સેન્ટ લગાવી લઉં.”

બહારથી જમીને ઘરે આવ્યા તો માનવ છીંકો ખાતો હતો. માનસીને ખબર પડી કે માનવને તો આટલી સુગંધની એલર્જી છે! માનસીને પણ ખોટા ઘરેણાની એલર્જી હોવાથી ગળુ લાલ થઈ ગયુ હતુ.

“માનસી, તું કેમ ન બોલી કે તને ખોટા ઘરેણા..?”

“તમે પણ કયાં બોલ્યા કે સુગંધથી તમને એલર્જી છે.”

“પણ આટલા પ્રેમથી લવાયેલી તારી ભેટ માટે હું કેમ ના પાડુ?”

“આ સેટ મને કેવો લાગશે એની મોહક કલ્પના તમે પણ નહોતી કરી શું? તમારા પ્રેમને કઈ રીતે નકારૂ?”

માનવ માનસી હસી પડયા.

--------

વાત પતિ પત્નીએ એકબીજા માટે લાવેલી ભેટની જ છે, પણ એક તરફ પહેલી વખત લવાયેલી ભેટની અવગણના અને બીજી તરફ શારીરીક ફરીયાદ છતાં ભેટનો સ્વીકાર.

લગ્નજીવનનાં શરૂઆતનાં તબક્કે ભેટ આપવાની તાલાવેલી હોવા છતા પસંદગીની જાણ ન હોવાથી વિનોદ ધારા કે માનવ માનસી જેવી પરિસ્થિતી થાય છે. 'એને શું ગમશે?!' એ પ્રશ્ન દરેક જીવનસાથીનાં મનમાં થયા જ કરતો હોય છે. તો પછી, વાતો વાતોમાં જ તમારા સાથીની પસંદગી જાણી લઈ સરપ્રાઈઝ આપો, અથવા સામેથી પુછો કે શંુ ગમશે અને એ ભેટ લઈ આવો. ભેટની કિંમત નહીં, તેમાં સમાયેલી લાગણી આંકો. તમારી પ્રથમ ભેટ જરૂરથી યાદગાર બની રહેશે...

નાની નાની ક્ષાણો યાદગાર બનાવતા રહો...

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૬.૧ર.ર૦૧ર

(૪૦) કુટુંબધમૅ

બે અલગ વિચારધારા વાળા પરિવારનો સંબંધ એટલે લગ્ન.

દીકરી એક અલગ સંસ્કૃતિ લઈને સાસરે વહુ બનીને આવે ત્યારે આ અલગ વિચારધારા અને અલગ સંસ્કૃતિ દુધમાં સાકરની જેમ ભળે ત્યારે શ્રેષ્ઠ સામાજીક વ્યવસ્થાનું આપણને દશૅન થાય છે.

પત્નીને કયારેય એકલી ન પડી જવા દો. પતિનો સતત સાથ પત્નીને મળતો રહે એ પતિનો કુટુંબધમૅ. તો દરેક પરિસ્થિતીમાં પતિ અને કુટુંબનો સાથ ન છોડવો એ પત્નીનો કુટુંબધમૅ.

આમ જ દરેક પતિ પત્ની દ્વારા નિભાવાતી સામાજિક વ્યવસ્થામાં આપણને કુટુંબધર્મનાં સુપેરે દર્શન થાય છે, અને આ જ તો છે આપની સંસ્કૃતિનો પાયો.

પણ જયારે એક બીજાને જરૂરિયાતના સમયે સાથ ન મળે ત્યારે પતિ પત્ની બંને એમનો કુટુંબધર્મ ચુકી જાય છે એવું નથી લાગતું મિત્રો? ક્યાંક મનની વાત કરતા કરતા ગુંગળામણ અનુભવાય, ક્યાંક અધૂરા શબ્દે વાત પડતી મૂકી દેવી પડે, ક્યાંક મનની વાત કહેવામાં જ વિચાર કરવો પડે...!

તમારી સાથે તો આવું કઈ નથી બનતું ને?

જીવનના કોઈ તબક્કે આવી ઘટનાઓ બનતી ટાળો.

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૧૨.૩.૧૩

(૪૧)મતભેદ... મનભેદ નહીં.

“આજે જમવાનું શું બનાવીશ?”

“આજે તો રોટલો અને ઓળો, સાથે કઢી અને બાકી... તમારે શું જમવુ છે?”

“આજે રોટલો જમવાનો જરા પણ મુડ નથી. તું આજે થેપલા બનાવી આપજે ને! અને સાથે સુકી ભાજી.”

“પણ, બટેટા તો ઘરમાં નથી અને અત્યારે બટેટા લેવા નીકળીશ તો અક્ષાર સ્કુલેથી આવી જશે અને..”

“સારૂ, આજે તો તને અનુકુળ હોય એ બનાવજે. પણ આવતી કાલે તો થેપલા અને સુકીભાજી જમીશ.”

“ભલે...” પત્ની હસીને બોલી.

એ સાંજે જ પત્નીએ થેપલા અને સુકીભાજી બનાવી પતિને ખુશ કરી દીધા. - જમવાની બાબતમાં નાનકડો મતભેદ અને તેનો સુરૂચિપૂણૅ ઉકેલ.

--------

“ખરીદી કરવા આજે નથી જવુ, જુઓને મારે કેટલુ કામ છે!”

“મને આજે જ સમય છે. આજે આવવું હોય તો લઇ જાઉં, બાકી પછી તારું કામ તારી રીતે પૂરું કરજે. મને કહેતી નહિ.”

અને અજાણ્યા ગામમાં પત્નીને ખરીદી કરવા ખરેખર એકલું જવું પડ્યું. મોંઘી ખરીદીનો પછી તો પત્નીએ પણ એવો જ જવાબ આપ્યો..

આ નાનકડી વાત પતિ પત્ની વચ્ચે મનભેદ કરાવી ગઈ. પતિ ક્યારેય પણ ખરીદી કરવા જવાનું કહે, પત્ની વાત ટાળે છે. અને એ દિવસને વારંવાર યાદ કરે છે, જયારે પતિ પણ પછી ખરેખર કામ હોવાથી ખરીદી માટે નહોતો જઈ શકવાનો એ વાત પત્નીને સમજાવી જ શક્યો અને પરિણામ આ મનભેદ..

---------

પતિ પત્નીના જીવનમાં થતા મતભેદ કે મનભેદ નિવારવાનો એક માત્ર રસ્તો, સાથે બેસીને થતી વાત. કોઈ પ્રશ્ન એવો નથી કે જેનો ઉકેલ વાત કરવાથી ન નીકળી શકે.

જીવનમાં આવતા મતભેદને મનભેદમાં ક્યારેય ન પરિણામવા દો...

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૧૫.૩.૧૩

(૪૨) એડજસ્ટમેન્ટ

એડજસ્ટમેન્ટ ક્યાં નથી? કોના જીવનમાં નથી? નવી શાળાએ એડજસ્ટમેન્ટ, નવી નોકરીમાં એડજસ્ટમેન્ટ, નવા ઘરમાં એડજસ્ટમેન્ટ, નવા સંબંધોમાં એડજસ્ટમેન્ટ...

...નવા સંબંધોમાં એડજસ્ટમેન્ટ... આવા જ નવા સંબંધો એટલે લગ્ન સંબંધ... પતિ પત્નીનો સંબંધ.. બે પરિવારનો સંબંધ..

દરેક પરિવારમાં દીકરીઓને શીખવાય છે કે લગ્ન થાય એટલે સાસરે જઈ બધા સાથે એડજસ્ટ થવાનું શીખવાનું જ હોય. દીકરીએ જ એડજસ્ટ થવું પડે.

..........

પણ હવે જમાનો બદલાયો છે, પરિવારના લોકોની વિચારધારા બદલાઈ છે. ઘરમાં આવનારી વહુને શું ગમશે એનો ખ્યાલ રાખવા બધા પરિવારજનો તત્પર હોય છે, અને આ વાતો ફક્ત દેખાડો નથી હોતો, પણ પ્રેમ બની જાય છે. વહુને દીકરી બનાવી લેવા ઈચ્છતો પરિવાર હવે નવાઈ નથી રહ્યો. અને દીકરો પણ એ વાત સમજે છે, સ્વીકારે છે.

અને આ સમજણ પતિ પત્નીના જીવનને નંદનવન બનાવી દેવા પુરતી છે.

પતિ પત્નીને અને પત્ની પતિને એડજસ્ટ થાય, પરિવારજનો એકબીજાને એડજસ્ટ થાય એવી જરૂરિયાત તો સંબંધોના શરૂઆતના તબક્કામાં જ હોય છે.

...અને... પછી... ત્યાં પ્રેમ આવી જાય છે....

તમારા જીવનમાં પ્રેમ છે કે એડજસ્ટમેન્ટ..?

...પ્રેમથી એડજસ્ટ થતા રહો...

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૧૮.૩.૧૩

(૪૩) ગૃહ મંદિર

ઘરના લોકોના પ્રેમ થકી બનતું ગૃહસ્થ જીવન ખરા અર્થમાં મંદિર સમાન બનાવવા ઘરના બધા સભ્યોએ મહેનત કરવી જોઈએ, પણ ઘર છેવટે કહેવાય તો ગૃહિણીનું...! ખરુંને બહેનો..!

મુખડું મલકી ગયું આપનું...!! વાત તો ખરી છે, એટલે મન પ્રસ્સનતા તો અનુભવે જ. પણ બહેનો ખાસ તમને આ વાત એટલે કરું છું કે, સુંદર ગૃહસ્થ જીવનનો પાયો તમારા હાથમાં છે. પાયો મજબુત હોય પછી ચણતર સારું તો થવાનું જ છે. અને આ ચણતર કરે છે પરિવારજનો.

પણ ઘરનો, ગૃહસ્થ જીવનનો પાયો એટલે શું? આ પાયો એટલે સ્વચ્છતા. અને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ઘરમાં પગ મુકતાં જ બધું વેરવિખેર ગમે કે સુઘડતાથી પોતપોતાના સ્થાને હોય એ? જવાબ બધાનો એક જ હશે કે સુઘડતા હોય એ ગમે. તો શરૂઆત તમે જ કરી દો બહેનો. ધીમે ધીમે ઘરના સભ્યોને પણ આ આદત પડી જશે.

આમ પણ ઘરમાં જ્યાં ધૂળનું સામ્રાજ્ય હોય ત્યાં લક્ષ્મીનો વાસ નથી હોતો. સ્ત્રીઓ તો ગૃહલક્ષ્મી કહેવાય, અને ગૃહલક્ષ્મી ની ઘરની જાળવણી થાકી જ ઘરમાં ધનલક્ષ્મીનો વસવાટ રહેશે.

હવે, બહેનો પછી ઘરના સભ્યોને પણ એક વાત કહીશ કે ઘર ચોખ્ખું રાખનાર એક માત્ર ગૃહિણી, અને બગાડનાર ઘરના બધા સભ્યો હોય, તો તકલીફ રહે. માટે નાના બાળકો સિવાય, ઘરના સભ્યો વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય તો ખુબ સારું. નાના બાળકોને પણ નાનપણથી જ બધું વ્યવસ્થિત રાખવાની ટેવ પડશો તો એ બાળકના ભવિષ્ય માટે સારું છે.

અને આ બધી વાતો થકી પતિ પત્નીના જીવનમાં પણ પ્રેમની સુવાસ ફેલાતી રહે છે. પત્નીને મદદરૂપ થતા પતિ કે ઘરના અન્ય સભ્યો... ગૃહિણીને ખુબ આનંદ આપશે.

...આવા જ આનંદ થાકી જીવન મહેકાવતા રહો...

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૨૦.૩.૧૩

(૪૪) અન્નપુર્ણા

આપણને સ્ત્રીઓને અન્નપુર્ણા કહી છે. એક પ્રસંગ આ વાતને અનુલક્ષીને યાદ આવે છે. મહાભારત કાળમાં દ્રૌપદી પાસે એક વરદાની પાત્ર હતું, જેમાં ઈચ્છો એ અન્ન મળી શકતું, પણ એક વખત દ્રૌપદીના જામી રહ્યા બાદ તેમાંથી અન્ન ન મળી શકતું. એક વખત દુર્વાસા મુની પાંડવોના વનવાસ કાળમાં પાંડવોના અતિથી બન્યા, અને સાથે અન્ય મુનીઓ પણ ખરા. સ્નાન કરી તેઓ સૌ ભોજન માટે આવનાર હતા, અને આ તરફ દ્રૌપદીએ ભોજન કરી, એ પાત્ર પણ સાફ કરી લીધું હતું માટે, એ પાત્રમાંથી કોઈ ભોજન મળે એ સંભાવના નહોતી. દુર્વાસમુનીના ક્રોધથી બધા પરિચિત હતા, અને માટે ચિંતિત હતા. આવા સમયે શ્રી કૃષ્ણ પાંડવોની મદદે આવ્યા. એ પાત્રમાં ભોજનનો નાનકડો કણ ચોટયો હતો, અને પ્રાર્થનાથી ભોજન પ્રાપ્ત થતા બધા મુનીઓ અને દુર્વાસા મુની પ્રેમપૂર્વક ભોજન ગ્રહણ કરી આશીર્વાદ આપી વિદાય થયા.

બહેનો, આ પ્રસંગ પરથી એક વાત કહીશ, કે રસોડું.. જે દરેક ગૃહિણીનું કર્મસ્થાન ખરું, ત્યાં કોઈ વસ્તુ ખલાસ થઇ એમ ન બનવા દો. મસાલાનો ડબ્બો હોય કે મીઠું રાખવાનો ડબ્બો. કરિયાણાની બીજી કોઈ વસ્તુ હોય કે દૂધ, શાકભાજી, કે પછી તેલ. કોઈ વસ્તુ ઘરમાં ખૂટવા ન દો.

હા, વપરાશ અનુસાર વસ્તુ ખલાસ થવાની, પણ એ ડબ્બો વધુ સમય ખાલી ન રહેવા દો. જરૂરી વસ્તુઓથી રસોડું અને રસોઈ કરનારનું મન બંને ભરેલ રહે છે. અને આ જ પ્રસન્નતા એ રસોઈ જમનારને રહે છે. આમ ઘરના બધા સભ્યો પ્રફુલ્લિત રહે છે. અને ઘરમાં હમેશા સુખ રહે છે. ઝઘડો, વાદવિવાદ બધું આવા ઘરથી દુર રહે છે.

રસોઈ બનાવતી વખતે મન પ્રસન્ન રાખવું. ગુસ્સો કરતા કરતા તો ક્યારેય રસોઈ ન બનાવવી. બને તો ભગવાનનું નામ લેતા લેતા રસોઈ કરવી. અથવા કોઈ સંગીત સાંભળતા સાંભળતા રસોઈ બનાવો. ખુબ સારું.

અને હા, ફરી, ઘરના સભ્યોને કહીશ, ગૃહિણીનું રસોડું હવાઉજાસ વાળું હોય એ ખાસ જોવું. ગૃહિણીને રસોઈ બનાવવાની મજા આવશે.

આ વાતો બહેનો માટે જ ખાસ, કારણકે રસોઈ તો બહેનો જ બનાવે છે. રસોડું તો ગૃહિણીનું જ કહેવાય.. હા, ક્યારેક પતિ પણ રસોઈ પર હાથ અજમાવે, તો તેમના માટે પણ આ જ સૂચનો..

ક્યારેક પતિ પણ રસોડામાં પત્નીને મદદરૂપ થઇ શકે હોં મિત્રો..!!

...રસોડામાં પણ એકબીજાનો સાથ મળી રહે તો તો પ્રસન્નતાનું પૂછવું જ શું..

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૨૨.૩.૧૩

(૪૫) બાળકોનું દંપતીના જીવનમાં સ્થાન

દરેક દંપતીના પ્રેમનું મહેકતું પુષ્પ, પ્રેમનું પ્રતિક એટલે તેમનું બાળક. પણ દરેક દંપતીમાં પહેલા બાળકને લઈને મતમતાંતર રહે છે. કેટલાક દંપતી લગ્ન પછી તરત જ પહેલું બાળક ઈચ્છે છે, તો કેટલીક વાર થોડો સમય તેઓ એકબીજાને અને પરિવારજનોને સમજવામાં પસાર કરી પછી બાળકની જવાબદારી ઈચ્છે છે.

બાળકની જવાબદારી એ સૌથી મોટી જવાબદારી છે, કદાચ, પતિ પત્નીના સંબંધોની જવાબદારી કરતા પણ મોટી. અને માટે જ જયારે પતિ પત્ની બંને સભાન પણે બાળકની જવાબદારી સ્વીકારવા તૈયાર હોય ત્યારે જ બાળક માટે વિચારવું જોઈએ. ખરું કહું ને તો આમાં પરિવારના કોઈ પણ વ્યક્તિનો હસ્તક્ષેપ ન હોય એ જરૂરી છે.

ક્યાંક વડીલો પૌત્ર/પૌત્રીના સંતાનને જોવાની લાલસામાં હોય છે, અને પતિ પત્નીની અનિચ્છા છતાં બાળકની જવાબદારી તેમના પર આવી જાય છે. અને દંપતી બાળકને ઉછેરવામાં કોઈ વખત અનિચ્છનીય સમાધાન કરી બેસે છે.

ક્યારેક તો આર્થીક રીતે પણ નબળું પાસું બાળકના વિકાસમાં અવરોધરૂપ બને છે. તો ક્યાંક સ્ત્રીનું શારીરિક રીતે નબળું હોવું પણ બાળકના વિકાસને અવરોધે છે. માટે હંમેશાથી શારીરિક, માનસિક સ્વસ્થતા બાદ બાળકનું પતિ પત્નીના જીવનમાં આગમન થાય એ ખુબ સારું.

ક્યાંક પતિ પત્ની એક સામાન્ય ભૂલ કરી બેસે છે. બધી જ રીતે અનિચ્છા છતાં, આ તો કુદરત છે, અને ક્યારેક સારા સમાચાર વહેલા વહેલા પણ આવી જાય છે, તો આ પહેલા બાળકને ક્યારેય ગર્ભપાતથી દુર ન કરાય. પહેલું બાળક હંમેશા ઈશ્વરના આશીર્વાદ કહેવાય, અને તે ન સ્વીકારવાથી ઘણા પતિ પત્નીના જીવનમાં પછીથી બાળકનું આગમન જયારે ઝંખના હોય ત્યારે પણ નથી થતું.

બાળકની જયારે ઝંખના હોય ત્યારે પતિ પત્નીએ એકબીજાને ખુબ પ્રેમ આપવો. બે હૃદય જયારે તન્મયતાથી એક થાય ત્યારે એ ઈશ્વરીય અંશને આવવું જ પડે છે.

...એ ઈશ્વરીય અંશને આવકારવા પ્રેમે સજ્જ રહો...

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૨૫.૩.૧૩

(૪૬) બાળકના આગમન પછી શું...???

દરેક દંપતીના પ્રેમનું મહેકતું પુષ્પ, પ્રેમનું પ્રતિક એટલે તેમનું બાળક. અને જયારે આ ઈશ્વરીય અંશના આગમનના સમાચાર મળે ત્યારથી જ મનમાં આનંદ આનંદ વ્યાપી જાય છે. પરિવારજનો આવનાર બાળકની પ્રતીક્ષામાં લાગી જાય છે. અને પતિ પત્નીનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોચે છે.

આ સમયગાળો એટલે પતિ પત્નીએ લગ્ન પછી એકબીજાને ચાહ્યા હોય એ કરતા પણ વધારે પ્રેમ કરવાના દિવસો. જેટલો સમય એકબીજા સાથે પ્રેમથી સમય પસાર કર્યો એટલું બાળક ગર્ભમાં વધુ સુરક્ષા અનુભવે. અને બાળકનો વિકાસ ખુબ સરસ થાય. દુનિયાની દરેક ચિંતા ભાવિ માતાએ બાજુ પર મૂકી આવનાર બાળકના ભવિષ્ય માટે જ વિચારવી.

માતા જેટલો સમય સારા વાંચન, ચિંતન, મનનમાં પસાર કરે એટલા જ બાળક પર સારા સંસ્કારોની છાપ પડે. આ બધા એટલે ગર્ભ સંસ્કાર. અને બહેનો, દુનીયામાં સારું, સંસ્કારી બાળક લાવવું એ એક માતાના જ હાથમાં છે. શક્ય એટલું ટેલીવીઝન, કે ફિલ્મો પણ ઓછા જોવા.

એક આડવાત કરી દઉં. એક હોમિયોપેથીક ડોક્ટર હોવાને લીધે, અનુભવે કહીશ કે ગર્ભાવસ્થા પ્લાન કરતા પહેલા તબીબી દ્રષ્ટીએ તદ્દન નોર્મલ હોય તો પણ, પતિ પત્ની બંનેએ અને ગર્ભાવસ્થા દરમિયાન માતાએ લીધેલ હોમિયોપેથીક દવાઓ બાળકના ગર્ભાવસ્થામાં વિકાસમાં અને જન્મ પછીના વિકાસમાં ચમત્કારિક પરિણામો આપવા સક્ષમ છે. બાળકને જન્મ પછી પણ હોમિયોપેથીક દવાઓ જ દેવી. બાળકનો માનસિક, શારીરિક વિકાસ ખુબ સરસ થશે.

સગર્ભાવસ્થામાં ક્રોધ, ઈર્ષા, દુઃખ, ચિંતા ટાળવા. ક્રોધ તો શક્ય એમ ટાળવો. બાળકના વિકાસમાં અવરોધરૂપ છે. પ્રેમ અને માત્ર પ્રેમ સિવાય માતાએ કંઈ જ ન વિચારવું, અને આજુબાજુનું વાતાવરણ પણ પ્રફુલ્લિત રહે તેની કાળજી બધાએ રાખવી. નવ મહિના બહુ જ ટૂંકો ગાળો છે, ગર્ભસંસ્કાર આપવા, માટે આ સમય ન ચૂકાય એ કાળજી બહેનોએ ખાસ ખાસ લેવી.

અત્યારે તો સગર્ભાવસ્થામાં પણ બહેનો બહાર કામ માટે જતી હોય છે, તો ત્યાં પણ હકારાત્મક પરિસ્થિતિ રહે એ કાળજી રાખવી. અને બહેનો, સગર્ભાવસ્થા કોઈ રોગ નથી, માટે આ મહામુલો સમય ખુબ પ્રફુલ્લિત રહીને પસાર કરવો.

...એ ઈશ્વરીય અંશને આવકારવા પ્રેમે સજ્જ રહો...

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૨૭.૩.૧૩

(૪૭) બાળકનો જન્મ અને ઉછેર : એક મોટી જવાબદારી

દરેક બાળક એક નવી ઘટના, એક નવી વાર્તા અને એક નવી રીતે માતૃત્વની કસોટી. પુસ્તકોમાં આપેલ બાળઉછેરની વાતો મદદરૂપ જરૂરથી થાય, પણ દરેક બાળક પુસ્તકના લખાણ બહારની ઘટના બની રહે છે. બાળકના ઉછેર માટે અખૂટ ધીરજ અને અસીમ પ્રેમ જોઈએ. અને માતા જ એ ધીરજ અને પ્રેમથી બાળકને ઉછેરી શકે. એટલે જ તો માતા ને જગતમાં મહાન કહે છે.

બહેનો, તમને આ એક મહાન કાર્ય માટે પસંદ કરી કુદરતે તેનો સંપૂર્ણ પ્રેમ તમારી પર વરસાવી દીધો છે, એ વાત સત્ય છે. માતા બાળકમાં સંસ્કારોનું સિંચન કરી શકે છે, એમાં બેમત નથી. બાળક જમતું હોય ત્યારે માતા તેને હાથમાં મોબાઈલ આપી દે છે, કે ટી.વી. સામે બેસાડી દે છે. એ કેટલું વ્યાજબી છે? જેવું અન્ન તેવું મન એ વાત અમસ્તી નથી કહેવાઈ. બાળકને જમાડતી વખતે અવનવી વાતો કહો, વાર્તાઓ કહો, ખુબ પ્રસન્નતાથી અને પ્રેમપૂર્વક બાળકને જમાડો. ક્યારેક માતા તો ક્યારેક પિતા બાળકને જમાડે, એ બાળકને તો ગમશે, પણ તમને પતિ પત્નીને પણ આ કાર્ય ગમશે.

સંયુક્ત કુટુંબમાં દાદા દાદી પાસે મોટું થયેલું બાળક, અને તેના સંસ્કારોની ગરિમા કંઈક અલગ જ હોય છે. અનુભવથી કહું છું..

દરેક બાળક માટે તેનું ઘર તેની પ્રથમ પાઠશાળા હોય છે. આજનો બાળક આવતીકાલનો યુવાન છે. બાળકને સારી વાતો, સારું વાંચન શીખવો. ગર્ભસંસ્કાર અને બાળકના જન્મ પછીના શરૂઆતના વર્ષોના સંસ્કાર બાળકના મન પર આખી જીંદગી રહે છે. બાળક જે જોવે એ તરત શીખે છે. અને માટે જ બાળકની હાજરીમાં એવું વર્તન ક્યારેય ન કરો, જે તમે ભવિષ્યમાં બાળક પાસેથી નથી ઈચ્છતા.

લડાઈ કરવી, કે ખોટું બોલવું, ગુસ્સો કરવો આવું બાળકની હાજરીમાં ન થાય એ કાળજી રાખવી. પોતાની ઇચ્છાઓ બાળક પર ન થોપવી. બાળક સ્વતંત્ર છે, તેને ગમે એ કાર્ય તેને કરવા દેવું જોઈએ. માતા પિતાની પોતાના બાળપણની કોઈ અધુરી ઈચ્છા બાળક પર થોપવાનો પ્રયત્ન ક્યારેય ન કરાય.

બાળક એટલે માતા પિતા બંનેની પ્રેમાળ જવાબદારી.

બાળકના આગમનથી પતિ પત્ની વધુ નજીક આવે છે.

...આ પ્રેમાળ જવાબદારીને આવકારવા સજ્જ બનો...

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.૨.૪.૧૩

બે વાક્ય.....

પ્રિય વાચક મિત્રો,

આશા છે કે આપ સૌને આ પુસ્તક પસંદ પડ્યું હશે. અનુભવનો નીચોડ અને પરસ્પરનો પ્રેમ એટલે આ પુસ્તકની કથાવસ્તુ.

અહી વર્ણવેલ અમુક અમુક બાબત તો દરેકને કોઈ ને કોઈ સ્વરૂપે લાગુ પડતી જ હોય છે. કોઈને થોડી વધારે તો કોઈને થોડી ઓછી, પણ ખાટી મીઠી ઘટનાઓ તો દરેકના લગ્ન જીવનમાં બનતી જ રહેવાની. આ ખાટી મીઠી ઘટનાઓનું સંમિશ્રણ એટલે આપણું જીવન.

શરૂઆતમાં થોડી હળવી વાતો અને ધીમે ધીમે થોડી ગંભીર ચર્ચાઓ વિષેની વાત કહું તો, લગ્નજીવનની શરૂઆત એક હળવા સંબંધથી ધીમે ધીમે જવાબદારી તરફ જવાની ઘટના. અને આ ઘટનાની એ મધુરતા, કે પતિ પત્નીને એકબીજાનો સાથ મળી રહે.

ક્યાંક ક્યાંક અનુભવેલી વાતો પણ અહી ટાંકી લીધી છે, જે વાંચકોને પસંદ પડશે. જેમ દરેક બાળક એક નવી વાર્તા હોય છે, એમ જ દરેક લગ્ન જીવન એક નવી વાર્તા હોય છે, અને ક્યાંક પુસ્તક બહારના પરીક્ષાના પ્રશ્નો જેવી સ્થિતી પણ આવી જાય, એમાં નવાઈ નહિ.

સગાઇ પછીનો તબક્કો એટલે ક્યારેક ક્યારેક સાથે રહેવાનો તબક્કો, જયારે લગ્ન પછી ચોવીસ કલાક સાથે રહેવાની વાત હોય છે. અને હમેશા સાથે રહીને જ એકબીજાને જાણી સમજી શકાય. આ પુસ્તક એ માટે ક્યાંક ઉપયોગી થશે.

એક છેલ્લી વાત. પતિ પત્ની વિષે મજાક, જોક્સ ખુબ બનતા હોય છે, પણ તમે ક્યારેય તમારા પતિ કે પત્નીને અન્ય લોકો માટે મજાકનું પાત્ર ન બનવા દેતા. કાળજે લાગતો આ ઘા જલ્દી રુજાતો નથી, અને બહુ તકલીફ આપે છે. દુઝતો ઘા ક્યારેક લગ્નજીવનમાં નાનકડી તિરાડ પણ પડી દે છે. મન મોતી ને કાચ, તૂટ્યા પછી સંધાતા નથી, અને સાંધો તો પણ એક નાનકડી તિરાડ રહી જાય છે. તમારા માટે પ્રિયપાત્ર એવા પતિ/પત્નીનાં મનને ક્યારેય તુટવા ન દેતા.

આપઘાત કે છૂટાછેડા ક્યારેય કોઈ સમસ્યાનો ઈલાજ નથી. પતિ પત્ની વચ્ચે કોઈ વાત એવી ન હોય કે જેનું સમાધાન સાથે બેસીને ન થઇ શકે. જરૂર પડે કોઈ વડીલને મધ્યસ્થી બનાવો. અને હા, જીવનસાથી પર કરેલ શંકાના મુળિયા ઊંડા ન ઉતારવા દેતા. તેનું પણ તરત સમાધાન કરો... બાકી તો કહેવાયું છે ને કે શંકા ભૂત, અને મંછા ડાકણ..

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

વાચકો અને માતૃભારતીનો આભાર.

= ડો. ચારુતા સમીર ઠકરાર (ગણાત્રા)

ઘર : “સ્વર્ગ” કલીનીક : ૧૧૧, અમૃત કોમ. કોમ્પ્લેક્ષ,

એએ – ૧ – અમી પાર્ક, સરદાર નગર મેઈન રોડ,

૧૫૦ ફૂટ રીંગ રોડ, એસ્ટ્રોન ચોક,

મોદી સ્કુલ પાસે, રાજકોટ – ૩૬૦૦૦૧

રાજકોટ – ૩૬૦૦૦૭ ગુજરાત.

ગુજરાત. ફોન : (૦૨૮૧) ૨૪૬૭૧૦૯

મોબાઈલ : ૯૮૨૫૮૨૮૫૪૩

E mail :