કિસ ઑફ લવ કિસ ઑફ જોય Amit Radia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિસ ઑફ લવ કિસ ઑફ જોય

કિસ ઑફ લવ- કિસ ઑફ જોય

આ વર્ષના અંતે રિલીઝ થનારી ફિલ્મ ‘બેફિકરે’નું ગીત ‘લબો કા કારોબાર’ આજકાલ ખાસ્સું ચર્ચામાં છે. ગીતમાં જે રીતે કિસ યાને કે ચુંબનને નિખાલસ ઘટના સાથે સરખાવ્યું છે, તો સ્વાભાવિક છે કે ચર્ચા તો જાગવાની જ છે. થોડા દિવસ પહેલાં એક જાહેર કાર્યક્રમમાં કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધરમૈયાને એક મહિલા કાર્યકરે ગાલ કિસ કરી અને જબરો વિવાદ સર્જાઈ ગયો હતો. આ જ પ્રકારે ગયા વર્ષે એક જાહેર સમારંભમાં દેશના વરિષ્ઠ ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીએ એમના જમાનાની જાણીતી એક્ટ્રેસ અને ગાયક કલાકાર સ્વ. કિશોર કુમારની પત્ની લીના ચંદાવરકરને જાહેરમાં કિસ કરી હતી. એ પહેલાં જેઠમલાણી દાદા તેમના જન્મદિને ઇન્ડિયન હિમેન ધર્મેન્દ્રને પણ લિપ કિસ કરી ચૂક્યા છે. એનીવે, વાત કરીએ કિસ યાને કે ચુંબનની.

******

ઍન્જેલિના જોલી, મેરિલીન મનરો કે કેટરિના કૈફ. આ માનુનીઓનો ચહેરો યાદ કરતાં જ સૌ પહેલા આપણું ધ્યાન તેમના ભરાવદાર અને સ-રસ અધર યાને હોઠ પર જ જાય. અને યાર, નેચરલી જ યુવાનોને ‘જીયરા મચલ મચલ જાયેં’ જેવી ફીલિંગ થઈ આવે અને મગજમાંથી એકસામટાં સેરોટોનિન, ડોપામાઇન અને ઓક્સિટોસીન જેવાં ફીલગુડ કેમિકલ્સ ઝરવાં લાગે. ઍન્ડ ઑફ કોર્સ કેટલીક યુવતીઓને તેમની થોડી ઇર્ષ્યા પણ આવે.

કોઈ પણ સ્ત્રીના ચહેરામાં તેના મારકણાં નયનાક્ષ પછીનું બીજા ક્રમનું મોસ્ટ અપીલિંગ અંગ જો કોઈ હોય, તો એ છે તેના રસ ભરપૂર અધર યાને હોઠ. તમને થશે, આ એકાએક મારી દૃષ્ટિ રમણીઓના ‘અધર’ પર કેમ અટકી ગઈ? શું કરે દોસ્તો, ટોપિક જ કંઈક એવો છે. એક્ચ્યુઅલી, થોડા દિવસ પહેલાં જ ‘આંતરરાષ્ટ્રીય કિસ ડે’ ગયો, તો સ્વાભાવિક જ માદક ઓષ્ઠનું સ્મરણ તજ્જું જ છે.

પર ક્યા કરે? કિસ યાને ચુંબનનો ઉદ્ભવ ભારતમાં થયો હોવા છતાં ‘કિસ’ કા કિસ્સા સુનાને મેં ભી સંસ્કૃતિ અને સમાજના ઠેકેદારો કી નાક બિચ મેં આ જાતી હૈ. તો છો ને આવતું! અરે સાહેબ, એમને કોણ સમજાવે કે આપણો વાત્સ્યાયન પણ કિસ યાને ચુંબનનો કંઈ જેવો તેવો આશિક નહોતો. અને ઓછું હોય, તો પ્રાચીન શિલ્પકૃતિઓ જોઈ લો. ખાપ પંચાયતોની દખલગીરીવાળા જમાનામાં આજે પણ સમાજનો એક મોટો વર્ગ જાહેરમાં ‘કિસ’ શબ્દ બોલવામાં છોછ અનુભવે છે. જોકે, મોરલ પોલિસિંગની બડાઈઓ હાંકનારાઓની સામે કિસ જિહાદીઓ ‘કિસ ઑફ લવ’ના નામે મેદાને પડે છે અને જેલમાં પણ જાય છે. સવાલ જ નથી ને, ભારતમાં જાહેરમાં કિસ કરવી એ અપરાધ જ છે ને? 1980માં પદ્મિની કોલ્હાપુરેએ પ્રિન્સ ચાર્લ્સને ગાલ પર કિસ કરી, તો વિદેશના અખબારો મોટા અક્ષરે એવું મથાળું છપાયું હતું કે ભારત વૈચારિક રીતે ઉદાર બની રહ્યો છે, પણ આ ઘટનાનાં 13 વર્ષ પછી એટલે કે 1993માં એ જ ભારતમાં શબાના આઝમી નેલ્સન મંડેલાને ગાલ પર ચુંબન કરે, તો આપણા જ દેશમાં તેની ટીકા થાય છે. કેવો વિરોધાભાસ?!

આજે બોલિવૂડની ફિલ્મોમાં ભલે કિસિંગ સીન સામાન્ય હોય, પરંતુ થર્ટીસના જમાનામાં જ્યારે સ્ત્રીઓ ફિલ્મમાં કામ કરે એ પણ હીણપતભર્યું અને લાંછનરૂપ ગણાતું, ત્યારે શ્યામા, નીના અને નાદિયા જેવી અદાકારાઓ બિનધાસ્ત કિસિંગ સીન આપી ચૂકી છે! અરે, હિમાંશુ રાય અને દેવિકારાણીએ 1933ના વર્ષમાં આવેલી તેમની ફિલ્મ ‘કર્મ’માં આપેલા લિપલોકને આજપર્યંત હિન્દી સિનેમાની સૌથી લાંબી અને કામોત્તેજક કિસ તરીકે માનવામાં આવે છે. વિશ્વના આવા ચુંબનરસિયા યુવાનો મેરેથોન જેવી ‘કિસેથોન’ સ્પર્ધાઓ પણ યોજે છે. બે વર્ષ પહેલાં યોજાયેલી આવી જ એક કિસેથોનમાં બેંગકોકના યુગલે 58 કલાક, 35 મિનિટ અને 58 સેકન્ડની લાંબી કિસ કરવાનો વિક્રમ નોંધાવ્યો હતો.

અમેરિકામાં થોડા વર્ષ પહેલાં કરવામાં આવેલા ‘કિસ એન્ડ ટેલ’ સર્વેમાં 22 ટકા લોકોએ એકરાર કર્યો કે તેઓ 13-14 વર્ષની ઉંમરે જ જિંદગીની પ્રથમ કિસ કરી ચૂક્યા હોય છે. 10 ટકા અમેરિકનો તો કિસમાં પણ વેરાયટી ઝંખે છે. બીજી તરફ, આફ્રિકાના સુદાનના લોકો કિસને વર્જ્ય ગણે છે, તેઓ કિસમાં સેતાનને જુએ છે અને તેનાથી અનિષ્ટનું આગમન થાય છે. હવે તો કિસ પર અભ્યાસ કરનારો ‘ફિલેમેટોલોજિસ્ટ’ નામનો વિજ્ઞાનીઓનો અલગ વર્ગ પણ ઊભો થયો છે. સંશોધનો મુજબ સરેરાશ વ્યક્તિ જિંદગીની 20 હજાર મિનિટ ચુંબન કરવા પાછળ ખર્ચે છે. તબીબોના મતે કિસ કરવાથી બ્લડ પ્રેશર, દાંતના રોગ, હાઈ કેલરી, હાર્ટ પ્રોબ્લેમ્સ જેવી બીમારીઓમાં રાહત મળે છે. એટલું જ નહીં, કિસના પ્રતાપે ચહેરો ખીલેલો રહે છે અને શરીરનો ઇમ્યુનિટી પાવર એટલે કે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

જોકે, કિસનો મતલબ માત્ર સ્ત્રી-પુરુષ યુગલ વચ્ચે થતી તસતસતી ફ્રેન્ચ કિસ એવો જરા પણ નહીં. એકબીજાંનાં નાક અડકાવીને થતી એસ્કિમો કિસ, ચહેરો પાસપાસે લાવીને માત્ર હવાના માધ્યમથી અપાતી વેક્યુમ કિસ કે પ્રિય પાત્ર સામે આંખો પટપટાવીને અપાતી બટરફ્લાય કિસ પણ કિસ જ છે. શાસ્ત્રોમાં કિસના આવા વિવિધ 16થી પણ વધારે પ્રકાર દર્શાવ્યા છે, પરંતુ સંસ્કારવાદી હોવાનો ડોળ કરતાં આપણા સમાજના જ કેટલાક લોકોએ કિસને અશ્લીલતાની યાદીમાં મૂકી દીધી છે. પણ ખરેખર અશ્લીલતાની વ્યાખ્યા શું છે? પ્રથમ વખત શાળાએથી કે પ્લે હાઉસથી પરત ફરીને માતાના બાહુપાશમાં સમાઈ જતું બાળક જાણે વર્ષો પછી એકાએક માતાને ફરીથી મળ્યું હોય એવી લાગણી સાથે માતાના ગાલે પપ્પી કરે કે માતા તેના કપાળે ચુમ્મી લે, તો એમાં તમને અશ્લીલતા દેખાય કે પ્રેમ?

એનીવે, મુદ્દો એ છે કે માતા દ્વારા બાળકના માથા પર અપાતી ચુમ્મી, પુત્ર દ્વારા માતાના કે પુત્રી દ્વારા પિતાના ગાલ પર અપાતી પપ્પી કે સ્વીટ સિક્સટીનની મુગ્ધાવસ્થામાં પ્રિયપાત્ર સાથે લેવાયેલું પ્રથમ ચુંબન, પ્રકાર કે પરિસ્થિતિ ભલે અલગ અલગ હોય, પરંતુ તેમાંથી પ્રેરિત થતો એકમાત્ર સંદેશો છે પ્રેમ, નિતાંત પ્રેમ, શુદ્ધ અને સાત્વિક પ્રેમ. વર્લ્ડકપ વિજેતા ખેલાડી તેની ટ્રોફીને કે એક્ટર તેના એવૉર્ડને ચૂમે એ પણ પ્રેમ જ છે. કિસ એ ઇજન છે પ્રેમ દર્શાવવાનું અને પોતાના પ્રિયને પ્રેમરૂપી ચુંબનોથી નવડાવી દેવાનું.

પૂર્ણતાના આરે ઊભેલા આ માદક વરસાદી વાતાવરણમાં લવી-ડવી પ્રેમપંથીઓને મારા તરફથી એક ફ્લાઇંગ કિસ.
પિંચિંગ થોટ: કાલિદાસના ‘મેઘદૂત’માં અષાઢ મહિના પ્રારંભે પ્રેમવિરહમાં ઝૂરતો યક્ષ પોતાની પ્રેયસીને વાદળો દ્વારા સંદેશો મોકલે છે. પ્રસ્તુત છે, પત્ર દ્વારા પ્રેમની અનુભૂતિ અને ચુંબનો મોકલતો આવો જ એક પત્ર :
વહાલી દેવડી,
હેતભર્યા કાગળો મળ્યા. આપણી ઓસરીમાં ઝરમરતો ચન્દ્રમાં અને તે કરી રાખેલી પથારી એવી નાનકડી વાતમાં પણ હું કવિ છતાં નવીન પ્રાણ નિહાળી રહ્યો છું. પહેલીવાર આપણા લગ્નજીવનમાં કાવ્યની સરવાણી ફૂટતી લાગે છે. તારામાં ઊંડાં ઊંડાં સ્નેહગાન સંઘરાયાં છે. આજે આટલું જ, વહાલી! કાલે વળી લખીશ. તું નિરાંતે નિદ્રા કરજે. એવો કાળ ચાલ્યો આવે છે કે જ્યારે હું અને તું બે જ એકબીજાંના આધાર બનીશું.
લિ. ઝવેરચંદનાં ઘણાં ચુંબન.’

Email : amit.radia99@gmail.com