ખરતો તારો - 2 Amit Radia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખરતો તારો - 2

ખરતો તારો : એક અનોખી લવ સ્ટોરી-2

(અત્યાર સુધીની વાર્તા...)

અમદાવાદમાં સ્ક્રીન પ્લે રાઇટર બનવા નસીબ સામે બાથ ભીડતા સ્માર્ટ અને હેન્ડસમ અનુજને કિસ્મતમાં ભરોસો નથી. તે એક છોકરીને જોવા જાય છે. અનુજને એ છોકરી ગમી પણ જાય છે. તેનું નામ છે ધરા. પણ વાત આગળ વધતી નથી. અચાનક એક દિવસ આકાશમાં ખરતા તારાને જોઈને અનુજ વિશ માગે છે અને ગણતરીની પળોમાં બંને ફેસબુક પર મળે છે. હાઈ-હેલ્લોથી શરૂ થયેલી વાતચીત ધીમે ધીમે આગળ વધે છે, બંને વચ્ચે મિત્રતાનો ગાઢ સેતુ રચાવા લાગે છે. હવે વાંચો આગળ...

******

ધરા સાથે કેવી રીતે વાત શરૂ કરવી એ પળોજણમાં પડેલા અનુજની મુશ્કેલી ખુદ ધરાએ જ દૂર કરી દીધી.

અનુજના મેસેન્જરમાં ધરાનો મેસેજ આવ્યો, ‘હાઈ...’

બધાં કામ પડતાં મૂકીને અનુજે તરત પ્રત્યુત્તર વાળ્યો, ‘હેલ્લો...’ કેમ છો? કેમ નહીં? સાથે વાતની શરૂઆત થઈ. થોડી વાતો થયાં પછી અનુજે ફ્રેન્ડશિપની પ્રપોઝલ મૂકી, ધરાએ સ્વીકારી તો ખરાં પણ એક શરત મૂકી, ‘હું જવાબ ન આપું તો પઝેસિવ નહીં થવાનું.’ ધરાના એકતરફી પ્રેમમાં લગભગ ગળાડૂબ થઈ ગયેલા અનુજને તો તેની હરેક શરત મંજૂર જ હતી. ‘ઓકે, વહેલા મોડો જવાબ મળશે તો ખરાને?’ એમ કહીને તેણે મન મનાવ્યું. બે-ત્રણ દિવસમાં બંને મિત્રો એકબીજાં સાથે વધારે ખૂલીને વાત કરતાં થઈ ગયાં. ધરાનું માથું દુખે કે વધારે પડતું કામ હોય, ગુસ્સે હોય કે નવું એસાઇન્મેન્ટ મળે, બધું જ અનુજ સાથે શૅર કરવા લાગી. સામે અનુજ પણ પોતાનું હૈયું ઠાલવવા લાગ્યો અને ધીમે ધીમે મિત્રતા વધારે ગાઢ થવા લાગી.

એકાદ અઠવાડિયું વીત્યું હશે, ત્યાં જ અનુજ પાસે એક એસાઇન્મેન્ટ આવ્યું, અત્યાર સુધીનું તેની જિંદગીનું સૌથી મોટું એસાઇન્મેન્ટ. જો તે સક્સેસફુલ્લી એ સ્ક્રિપ્ટ પૂરી કરી આપે, તો તેનો બેડો પાર થઈ જાય અને તેના માટે બોલિવૂડના દરવાજા હંમેશ માટે ખૂલી જાય તેમ હતું. બીજી જ ક્ષણે, તેનું મેસેન્જર બ્લિન્ક થયું. ધરાનો જ મેસેજ હતો. આજ દિન સુધી પોતાની પ્રત્યેક સફળતા સૌપ્રથમ માતા સાથે શૅર કરતા અનુજે પહેલીવાર પોતાની સફળતાની વાત સૌથી પહેલાં ધરા સાથે શૅર કરી. બદલામાં તેને કોન્ગ્રેચ્યુલેશન્સની વિશ મળી. ફરી વખત તેણે ‘ખરતા તારા’ને યાદ કરીને પોતાના નસીબ પર ગર્વ અનુભવ્યો અને ધરાને પોતાના માટે લકી માનવા લાગ્યો. બીજું કંઈ નહીં, તો ધરા સાથેની તેની મિત્રતાએ તેને કિસ્મત અને નસીબ પર ભરોસો કરતો કરી દીધો હતો.

થોડા દિવસની વાતચીતમાં અનુજને ખ્યાલ આવે છે કે ધરાના પિતા પેરેલાઇઝ્ડ છે, નાનો ભાઈ ભણે છે, એટલે ઘરની જવાબદારી તેની એકલીના જ શીરે છે. અલબત્ત, તેણે ક્યારેય અનુજને આ વાત નહોતી કરી, પણ અનુજ એટલો પરિપક્વ તો હતો જ કે આટલી વાત પણ ન સમજે? આખરે લોકોની લાગણી કાગળ પર ઉતારવી એ જ તો તેનું કામ હતું અને એટલે જ બિટવિન ધ લાઇન્સ કહેવાતી વાતો તે વધુ ઝડપથી સમજી જતો. પરિસ્થિતિ સામે લડવાની ધરાની હિંમત જોઈને તેનાં પ્રત્યે અનુજનું માન ઔર વધી ગયું હતું. સામે છેડેથી પણ કૂણી લાગણીનો અનુભવ અનુજને અવાર નવાર થતો રહેતો.

વેલેન્ટાઇન્સ વીક આવ્યું. આજ દિવસ સુધી ખરતા તારા પાસેથી વિશ માગવા જેવી વાતોને દકિયાનૂસી સમજતો અનુજ હવે તેમાં વિશ્વાસ તો કરવા જ લાગ્યો હતો, એટલું જ નહીં, અંગત રીતે વેલેન્ટાઇન્સ ડેને માત્ર વેવલાવેડાં માનતો અનુજ હવે રોજ રાત્રે 12 વાગવાની રાહ જોવા લાગ્યો, અૉફકોર્સ, ધરાને વિશ કરવા માટે જ તે. દરરોજ પોતાની વૉલ પર પ્રેમભર્યા સ્ટેટસ મૂકવા લાગ્યો.

અનુજે લખ્યું, ‘Sometimes some lucky one enters in your life nd your life takes such a positive turn, then all d things go right on its own... મતલબ, કોઈ વ્યક્તિના પ્રવેશ માત્રથી જિંદગી હકારાત્મક વળાંક લઈ લે છે કે ઊંધા પાસા પણ સીધા થઈને પડે છે.’

પ્રોમિસ ડે પર તેણે લખ્યું, ‘Yes, I will', just three words make you confident that someone is there to acompany you when you feel alone, to apraise you in your victories, to support and polish you in defeats, to protect you, to understand you, rather even your childish attitude too...

‪તેનામાં થયેલા આ ફેરફારને જોઈને તેની અનેક ફ્રેન્ડ્સ તો તેને પૂછી પણ બેઠી, ‘અનુજ યાર, આર યૂ ઇન લવ? મને ચાન્સ પણ ન આપ્યો?’ આ સાંભળીને અનુજના ચહેરા પર અલગ જ પ્રકારની મીઠી રતાશ પ્રસરી જતી. વચ્ચે-વચ્ચે ધરા સાથે પણ વાતો ચાલતી રહેતી. અત્યાર સુધીમાં બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ-લે થઈ ગઈ હતી, પરંતુ ધરાનો એક સવાલ હતો, જે તે અનેકવાર અનુજને પૂછી ચૂકી હતી, ‘અનુજ, મને કહે તો તારા મનમાં શું છે?’ જોકે, દરેક વખતે અનુજ જવાબ ગુપચાવી જતો.

આખરે એક દિવસ અનુજે વાતનો ફોડ પાડી દીધો. આમ પણ હૃદય તો ધરા પાસે જ હતું એટલે મનમાં હતું એ બધું ઠાલવી દીધું. ધરાએ પણ સ્વીકાર્યું કે તેને અનુજ પહેલી નજરે જ ગમી ગયો હતો. તેની પર્સનાલિટી અને નેચરથી તે પણ ઇમ્પ્રેસ હતી. પણ...

‘પણ શું, ધરા?’ અનુજે પ્રશ્ન કર્યો. સામે ધરા માત્ર એટલું જ બોલી, ‘ડિયર, આપણે ફ્રેન્ડ્ઝ રહીએ, તો?’ કેમેય પોતાનું મન સંભાળીને અનુજે હા પાડી. એ વિચારીને કે ક્યારેક તો ધરા તેની લાગણીઓ સમજશે.

શું ધરાના મનમાં બીજું કોઈ હતું? કે અન્ય કોઈ કારણ હતું? અનુજે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન ન કર્યો. કારણ, તેને હવે ખરતા તારા પાસેથી પોતે માગેલી વિશ પર વધારે ભરોસો બેસી ગયો હતો. આજ દિવસ સુધી બધું બરોબર ચાલ્યુ઼, તો ભવિષ્યમાં પણ થઈ રહેશે. ફરી પાછી બંને મિત્રોની વાતો ચાલતી રહી. ઊલટા અનુજને તો ટીખળનું કારણ મળી ગયું, ‘તારાં મેરેજમાં મને બોલાવીશને? ફિયાન્સ સાથે ફર્સ્ટ ડેટ પર કેમ રહેવાય, શું વાત કરાય? એ તો કહેજે...’ સામે ધરા પણ હસીને જવાબ વાળતી.

દરમિયાન એક વખત રજાના દિવસે અનુજ અને ધરાએ મળવાનું નક્કી કર્યું. પણ... તેમને ક્યાં ખબર હતી કે તેમની એ મુલાકાત જ તેમના વિખૂટા પડવાનું કારણ બનશે. આકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્રની સાંજે જે કંઈ બન્યુ, તે અનુજ અને ધરાની જિંદગીમાં કેવો ઝંઝાવાત સર્જી દેશે. એ મુલાકાતે હંમેશ માટે બંનેના જીવન બદલી નાખ્યાં.

એ સાંજે ધરાના ગયા પછી અનુજ ક્યાંય સુધી તેમની મુલાકાતની એ સુખદ ક્ષણોને વાગોળતો ત્યાં ને ત્યાં જ બેસી રહ્યો. તેને થયું કે તેનો પ્રેમ જીતી ગયો. પણ, બીજા જ દિવસે તેની તમામ આશાઓ પર પાણી ફરી વળવાનું શરૂ થઈ ગયું. એકાએક ધરાના જવાબ આવતા બંધ થઈ ગયા. પહેલાં તો અનુજને થયું ટીખળ હશે અથવા કામમાં હશે, પરંતુ બે દિવસ, ત્રણ દિવસ, અઠવાડિયું વીત્યું. પણ, નો આન્સર. અનુજની ચિંતા વધતી ચાલી. ‘ધરા કેમ જવાબ નહીં આપતી હોય? મારી કોઈ વાત નહીં ગમી હોય? શું થયું હશે? ક્યાંક મને છોડીને... આવા અનેક વિચારો અનુજના મનમાં આવીને શમી ગયા, પણ ધરાનો એક પણ જવાબ ન આવ્યો.

(ક્રમશ:)

******

ધરાએ એકાએક વાત કરવાનું કેમ બંધ કરી દીધું? શું અનુજ અને ધરા સામે પોતાના પ્રેમનો એકરાર કરી શકશે? શું ધરા પણ અનુજના પ્રેમમાં હતી? શું ખરતા તારા પાસેથી માંગેલી વિશ ખરેખર ક્યારેય પૂરી થાય? આ બધા જ સવાલોના જવાબ માટે વાંચતા રહો... ખરતો તારો : એક અનોખી લવ સ્ટોરી.

******