Are You Virgin Amit Radia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

Are You Virgin

આર યૂ વર્જિન?

મહાભારતના રચયિતા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસના જન્મ વિશેની એક કથા છે. એકવાર ઋષિ પરાશર નિષાદપુત્રી મત્સ્યગંધાની હોડીમાં બેસી જતાં હોય છે. આ સમયે ગ્રહો અને નક્ષત્રોનો એવો સંયોગ થાય છે કે એ સમયે જે બાળકનું બીજ માતાના ઉદરમાં રોપાય તે અત્યંત તેજસ્વી અને વેદ-વેદાંતનો જ્ઞાતા થાય. પરિણામે ઋષિએ મત્સ્યગંધા સમક્ષ સહવાસની માગણી કરી. મત્સ્યગંધાએ પોતે સામાન્ય નિષાદ કન્યા હોવાનું જણાવીને સહવાસ માટે અશક્તિ દર્શાવી, ત્યારે પરાશર મુનિએ તેને પ્રસૂતિ બાદ પણ અક્ષતયોનિ રહેવાના અને તેના શરીરમાંથી નીકળતી વાસ સુગંધમાં પરિવર્તિત થવાના આશીર્વાદ આપ્યા. આ સહવાસના પરિણામે જે પુત્રનો જન્મ થયો તે મહર્ષિ વેદવ્યાસ. જેણે અઢાર પુરાણો એકત્ર કર્યાં અને મહાભારત જેવા મહાકાવ્યની રચના કરી. લગ્નપૂર્વે માતા બનવાની આવી જ બીજી ઘટના મહાભારતમાં કુંતી અને સૂર્યદેવના પુત્ર કર્ણના જન્મ અંગેની છે.

અલબત્ત, મુદ્દો અહીં વેદવ્યાસ કે કર્ણના જન્મનો નથી, પરંતુ મત્સ્યગંધા કે કુંતીનાં લગ્ન પૂર્વે માતા બનવાનો અને વર્જિનિટી ગુમાવવાનો છે. દિલ્હીના નિર્ભયા ગેંગરેપના આરોપીની પુખ્તતા અંગે ભારે ચર્ચાઓ ચાલી. આવી જ ચર્ચાઓ બીબીસીએ બનાવેલી ‘ઇન્ડિયાઝ ડોટર’ ડોક્યુમેન્ટરીની રિલીઝ વખતે પણ થઇ હતી. આપણે એ મુદ્દે વાત કરવી છે. કારણ કે જે નામ છુપાવી રાખવામાં આવેલું હતું, તે નિર્ભયાનું ખરું નામ તેમાં જાહેર થઈ ગયું હતું, અલબત્ત, એ માટે પીડિતાનાં માતા-પિતાને કોઈ ઓબ્જેક્શન નથી. કારણ કે તેઓ પુત્રી ગુમાવી ચૂક્યાં છે. પરંતુ આવો બનાવ ભવિષ્યમાં ન બને તે મુદ્દો મહત્ત્વનો છે. આ બધી બબાલ ચાલતી હતી ત્યારે દિલ્હીની જામિયા યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ એક સાહસિક પગલું ઉઠાવ્યું હતું. તેમણે યુનિવર્સિટીના કેમ્પસમાં ઠેરઠેર સેક્સ્યુઅલ અવેરનેસને લગતાં લખાણોવાળાં ‘સેનેટરી પેડ્સ’ ચીપકાવી દીધાં હતાં. જોકે, ડોક્યુમેન્ટરીની બબાલમાં આ મુદ્દો છુપાઈ ગયો હતો.

નિર્ભયાની ડોક્યુમેન્ટરીમાં દર્શાવવામાં આવેલી બચાવપક્ષના વકીલ અને અપરાધીની દલીલોને બાજુ પર રાખીએ, તો મુખ્ય મુદ્દો છે સમાજની માનસિકતાનો. આપણે ત્યાં બળાત્કાર પીડિતાનું નામ જાહેર નથી કરાતું. કારણ કે તેનાથી ભવિષ્યમાં પીડિતાને સામાજિક પ્રશ્નો સર્જાઈ શકે. તે દયાભાવનાની ઊંડી ગર્તામાં ધકેલાઈ જાય, આજીવન તેને ટેકન ફોર ગ્રાન્ટેડ થઈને જ જીવવું પડે. અથવા, જાણે તે કોઈ પબ્લિક પ્રોપર્ટી હોય તેમ તેણે દરરોજ હજારો આંખો દ્વારા થતા બળાત્કારની પીડા સહન કરવી પડે છે. કારણ, તે હવે અક્ષતયોનિ નથી રહી, તે પોતાનું કૌમાર્ય ગુમાવી ચૂકી છે. આવા સમયે ખરેખર બળાત્કાર એ યુવતીનો નથી થતો પરંતુ એ સમાજનો થાય છે, જે તેની રક્ષા કરવા માટે સક્ષમ નથી.

મુદ્દો છે કૌમાર્યનો, વર્જિનિટીનો. સોશિયલ મીડિયા અને અલ્ટ્રામોડર્ન કલ્ચરના આ યુગમાં કોઈ પર આંધળો ભરોસો મૂકીને અથવા કોઈ પર અપાર પ્રેમ દાખવીને સ્વેચ્છાએ પોતાનું કૌમાર્ય ગુમાવનાર યુવતી કે સ્ત્રી ચરિત્રહીન થઈ જાય? ઇન્દ્ર જેવા કોઈ પણ છદ્મવેશીના કારણે અહલ્યાનું સતીવ્રત ભંગ થાય ખરું? બળાત્કારનો ભોગ બનનારી કે કૌમાર્ય ગુમાવનારી પ્રત્યેક યુવતી કે સ્ત્રીને વેશ્યા કે કુલટાની જ એકમાત્ર ઉપમા આપી દેવી એ કેટલી હદે ન્યાયિક ગણાય? કોઈ રૂપજીવિની પણ પોતાનો નિર્વાહ ચલાવવા માટે જ પોતાનું શરીર કોઈને ભોગવવાની છૂટ આપતી હોય છે, અન્યથા દરરોજ અલગ અલગ પરપુરુષો સાથે સંબંધ બાંધવા કોઈ સ્ત્રી તૈયાર ન થાય. એક સ્ત્રી માટે જેમ માતા બનવું એ જીવનનો અલભ્ય લહાવો છે તે જ પ્રકારે કૌમાર્ય ગુમાવવું એ પણ એક અવસર જ ગણાય અને આ હક તે એવી વ્યક્તિને આપે છે, જેના પર તેને સંપૂર્ણ વિશ્વાસ હોય કે એ તેનું માન-સ્વમાન અને સન્માન હંમેશાં જાળવી રાખશે.

યુનિસેફ દ્વારા વર્ષ 2001માં જાહેર આંકડાઓ અનુસાર વિશ્વના 12 વિકસિત દેશો પૈકી 10 દેશોના બે તૃતીયાંશ યુવાનો તેમની ટીનેજમાં જ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સનો અનુભવ લઈ ચૂક્યા હોય છે. તાજેતરના એક સર્વેમાં 15 વર્ષ સુધીની વયની તરુણીઓમાં ઇંગ્લેન્ડમાં 39.9 ટકા, ફિનલેન્ડમાં 32.7 ટકા, સ્કોટલેન્ડમાં 34.1 ટકા, અને વેલ્સમાં 38.5 ટકા તરુણીઓ પોતાની વર્જિનિટી ગુમાવી ચૂકી હોય છે. મતલબ, આ આંકડાઓ આંધળું અનુકરણ કરવા કે દોરવવા માટે જરા પણ નથી. પરંતુ ત્યાંની જનતાના દૃષ્ટિકોણમાં વર્જિનિટી ગુમાવનાર વ્યક્તિ અસ્પૃશ્ય નથી થઈ જતી. તેનાથી ઊલટું મેસેડોનિયાના 34.2 ટકા, ઈઝરાયલના 31 ટકા અને ગ્રીસના 32.5 ટકા તરુણો 15 વર્ષ સુધીમાં પોતાનું કૌમાર્ય ગુમાવી ચૂક્યા છે. જેની સામે આ જ દેશોમાં છોકરીઓમાં આ રેશિયો ખૂબ નીચો છે.

ઇટ મીન્સ, જેન્ડર મેટર્સ એટ ધેર! આનો અર્થ એવો કે છોકરાઓને જે કરવું હોય તેની છૂટ પરંતુ છોકરીઓએ મર્યાદા જાળવવાની. થોડાં વર્ષ પહેલાં કેટેરિના મિગ્લિઓરિની નામની યુવતીએ પોતાના કૌમાર્યની 7,80,000 ડોલરમાં ઓનલાઇન હરાજી કરી હતી અને તેની 90 ટકા રકમ શૈક્ષણિક સંસ્થાને દાન પેટે જાહેર કરી હતી. આ જ પ્રકારે નેટેલી ડીલન, ન્યૂઝિલેન્ડની 19 વર્ષીય યુનિગર્લ, રોમાનિયાની એલિના પર્સિયા, લેસ્બિયન રોઝી રેઇડ જેવી યુવતીઓ પોતાના અભ્યાસ માટે વર્જિનિટી વેચી ચૂકી છે. જેના માટે હજારો લોકોએ બોલી લગાવી હતી. આ યુવતીઓ કેટલી હદે ધિક્કારને પાત્ર ગણાય?

જે સમાજ કોઈ સ્ત્રીને તેના ઇચ્છિત શૈક્ષણિક અભ્યાસની તક નથી આપી શકતો એવા કુંઠિત સમાજ કે સંસ્કૃતિને મહાન કેવી રીતે કહેવા? અરે પામેલા એન્ડરસન, વિશ્વ વિખ્યાત લેખિકા ઓપ્રા વિન્ફ્રે અને લેડી ગાગા બાળપણમાં ચાઈલ્ડ એબ્યુઝ અને બળાત્કારનો ભોગ બની ચૂક્યાનું જાહેરમાં સ્વીકારે છે. ભારતમાં પણ કલ્કિ કોચલીન, સિતારવાદક પંડિત રવિશંકરની પુત્રી અનુષ્કા શંકર કે ફિલ્મકાર અનુરાગ કશ્યપ ચાઈલ્ડ એબ્યુઝનો શિકાર બન્યાનું જાહેરમાં સ્વીકારે છે, તો તેનાથી એમનાં પ્રત્યેનું માન વધે કે ઘટે?

‘ધ પ્યુરિટી મીથ’નામના પુસ્તકમાં અનેક અભ્યાસો અને સંશોધનોના અંતે લેખિકા જેસિકા વેલેન્ટી એવી દલીલ કરે છે કે કૌમાર્યને વધુ પડતું આદર્શ કે ભારરૂપ બનાવવાના કારણે શારીરિક ભૂખ વધુ વિકૃત બને છે, જે અતિકામુકતા તરફ દોરી જઈ શકે છે. આ માટે જેસિકાએ ખૂબ બધું સંશોધન કર્યું છે. આમ છતાં, જેસિકા લખે છે કે આટલાં સંશોધન પછી પણ તેને વર્જિનિટીની નક્કર વ્યાખ્યા મળી શકી નથી.

કામસૂત્ર અને કુમારસંભવ જેવા શૃંગારરસથી ભરપૂર રસિક ગ્રંથોની વિશ્વને ભેટ આપનારા આપણા દેશમાં આજે પણ સ્ત્રીના કૌમાર્યને, તેની વર્જિનિટીને તેના ચરિત્રના સમાનાર્થી તરીકે ગણવામાં આવે છે. કુંવારી યુવતીએ કોઈ છોકરા સાથે વાત ન કરાય, તેની સાથે સ્કૂલે ન જવાય, તેની સાથે બુક્સ શૅર ન કરાય, તેના ઘરે જવું તો ઠીક ખુદનાં માતા-પિતાની હાજરીમાં પણ છોકરાને ઘરે ન બોલાવાય જેવા દકિયાનૂસી વિચારોમાં આજે પણ આપણો સમાજ અટવાયેલો પડ્યો છે. જે છોકરા-છોકરી વચ્ચેની રિલેશનશિપને માત્ર એક જ નજરે જુએ છે. આજે પણ પારકી બુદ્ધિએ ગ્રેજ્યુએટ થયેલા કેટલાક મંદબુદ્ધિ મુરતિયાઓ લગ્ન પહેલાં જ ભાવિ પત્નીને તેની વર્જિનિટી અંગે પૂછતા અચકાતા કે શરમાતા નથી.

આવા કૂપમંડૂકોને કોઈ એમ પૂછી શકતું નથી કે, ‘આર યૂ વર્જિન?’ પરંતુ આવો સણસણતો તમાચો મારવાનું હિંમતભર્યું કામ કર્યું હતું, દિલ્હીની જામિયા યુનિવર્સિટીના સાહસિક વિદ્યાર્થીઓએ. આ વિદ્યાર્થીઓએ કેમ્પસમાં લગાવેલાં સેનેટરી પેડ્સ પર સેક્સ્યુઅલ અવેરનેસનાં લખાણો સમાજની કુંઠિત વિચારધારા પર આઘાત કરનારા હતા. આધુનિક યુવા પેઢીની જાગૃતિનો કદાચ આ શંખનાદ હોઈ શકે છે.

પિંચિંગ થૉટ:

‘પિરિયડ બ્લડ ઇઝ નોટ ઇમપ્યોર, યોર થોટ્સ આર’, ‘મેન્સ્ટ્રુએશન ઇઝ નેચરલ, રેપ ઇઝ નોટ’.

દિલ્હીની જામિયા યુનિવર્સિટીના કેમ્પસમાં ચોંટાડેલા એક સેનેટરી પેડ પરનું લખાણ.

------------------------------------------------------------------------------------------