Arban ev books and stories free download online pdf in Gujarati

અર્બન ઇવ

અર્બન ઇવ

સિટી બસમાં ટ્રાવેલ કરતી સલોનીની બાજુમાં એક યુવતી આવીને બેસે છે. આ યુવતી ધ્રૂસકે-ધ્રૂસકે રડતી હોય છે. કારણ? સામેની સીટ પર બેઠેલા લોફરે તેની છેડતી કરી હતી. આ જોઈને સલોનીનો ગુસ્સો ઉકળી ઉઠે છે. તે ઊભી થાય છે અને એ લોફરને બે તમાચા મારીને નારી શક્તિનું ઉદાહરણ આપે છે.

બીજો કિસ્સો, એક કોર્પોરેટ કંપનીમાં ડેપ્યુટી મેનેજરની પોસ્ટ ધરાવતી આધુનિકા જૂલીની ઓફિસમાં એકાએક યુવતીઓએ જીન્સ ન પહેરવાનો ફતવો જારી કરવામાં આવે છે. પરિણામે, જૂલી સહિત અનેક વર્કિંગ વિમેનને ફરજિયાત ભારતીય પોશાક પહેરવાની ફરજ પડે છે.

ઘટના ત્રણ, પતિ અને બાળકો સાથે મૂવી જોવા ગયેલી સપના ટિકિટની લાંબી સિંગલ લાઇન જોઇને પરિવારજનોની ટિકિટ ખરીદવા માટે ટિકિટબારી પાસે જઇને એક મહિલા તરીકે તેને પ્રથમ ટિકિટ આપવાની અને મહિલાઓની અલગ લાઇન કરવાની માગણી કરે છે.

--------------------------------------------

ભગવાન મનુને આદિપુરુષ માનવામાં આવે છે અને એમણે લખેલા ગ્રંથ ‘મનુસ્મૃતિ’ને માનવધર્મશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ માનવધર્મશાસ્ત્રમાં સ્ત્રી-પુરુષને લગતી કેટલીક આજ્ઞાઓ, નિયમો અને સજાને લગતી જોગવાઇઓ સૂચવવામાં આવી છે. ‘મનુસ્મૃતિ’ના ત્રીજા અધ્યાયના 56મા શ્લોકમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા:’ આ શ્લોક આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. અને આજે પણ જ્યારે નિર્ભયાઓ બળાત્કારનો ભોગ બને છે, ખાપ પંચાયતો કે પોલિસ અધિકારીઓ યુવતીઓને જીન્સ ન પહેરવાના ફતવા બહાર પાડે છે, ત્યારે આ સુભાષિત યાદ કરીને સમગ્ર દેશમાં મહિલા મુક્તિ, સ્ત્રી અનામત અને નારી સશક્તિકરણની દુહાઇઓ દેવામાં આવે છે. છાપાંઓમાં લેખો લખાય છે અને ન્યૂઝચેનલો પર સ્ત્રી દાક્ષિણ્યની વિસ્તૃત છતાં નિરર્થક ચર્ચાઓ થાય છે, કર્ણપ્રિય ભાષણબાજી કરવામાં આવે છે. પછી..? બધું જૈસે થે. સ્ત્રી પ્રત્યે ઉદભવેલી સહાનુભૂતિ અને ક્ષણિક સહિષ્ણુતા ફરી પાછી એનેસ્થેસિયાનો હાઇડોઝ લઇને સૂઇ જાય છે અથવા પુરુષપ્રધાન સમાજ તેને સુવડાવી દે છે. અલબત્ત, તેનો મતલબ એવો જરા પણ નહીં કે દરેક પુરુષને નિર્ભયાનો બળાત્કાર કરનાર જેટલો જ ગુનેગાર ગણવો જઇએ.

પૌરાણિક કાળથી જ પુરુષપ્રધાન સમાજે સ્ત્રીને મર્યાદાનાં ઘરેણાંમાં સજાવીને રાખી છે, જુગાર રમવા માટે સ્ત્રીને દ્રવ્ય માની લેવામાં આવે છે. સ્ત્રીને લક્ષ્મી કે સરસ્વતીની ઉપમાઓ અપાય છે, પરંતુ તેની સ્વતંત્રતા સ્વીકારવાની વાત આવે, તો સમાજના દંભિ લોકો આંખો કાઢે છે. અન્યથા જમીનથી ચાર આંગળ અધ્ધર ચાલતો યુધિષ્ઠિરનો રથ એ જ વખતે નીચે આવી જવો જોઇતો હતો, જ્યારે તેણે દ્રૌપદીને દાવ પર મૂકી હતી. આપણે વર્ષોથી સ્ત્રી દાક્ષિણ્યનાં અને મહિલામુક્તિનાં કોરસ ગાઇએ છીએ, પણ જેન્યુઇનલી સ્ત્રીને હક્ક આપવાની વાત આવે, ત્યારે દંભી લોકોના નાકનું ટેરવું ચઢી જાય છે. થોડાં વર્ષ પહેલાં લોકસભામાં મહિલા અનામત બિલ આમ જ અટક્યું હતું. કદાચ, તેમને પોતાનું સ્થાન છીનવાઇ જવાનો ડર છે. સેઇમ-ટુ-સેઇમ જૂલીના પેલા રિજિડ બોસની જેમ! જે મહિલાઓનું જીન્સ પહેરવાનું પણ સાંખી નથી શકતો. અબલત્ત, જ્યાં મહિલાઓ ચૂંટાઇ આવે છે, તેમાં મોટાભાગનાં સ્થળે તો તેમના પતિદેવો જ વહીવટ ચલાવતા હોય છે ને?

20મી સદીના અંત સુધી સ્ત્રીને માત્ર પ્રજોત્પતિનું સાધન જ માનવામાં આવતી હતી. મહદંશે પરણીને આવ્યા પછી તેનું કામ માત્ર ગુસ્સે થયેલા પતિ કે સાસરીયાની ગાળો સાંભળવાનું કે માર સહન કરવાનું હતું. પરિવારજનો માટે રસોઇ બનાવવી, ઘરકામ કરવું, સંતાનો પેદા કરવાનાં, તેમને સાચવવાનાં અને ઘરકામ પતાવીને રાત્રે પથારીમાં શુષ્કતાથી પડ્યાં પડ્યાં ભૂખ્યા વરૂ જેવા પતિને સેક્સ્યુઅલી એન્ટરટેઇન કરવાનો. પરંતુ સ્ત્રીનું પોતાનું અસ્તિત્વ શું? તેની જિંદગીમાં કોઇ નવો રોમાંચ, નવું સાહસ કે શિક્ષણ જેવું કશું નહીં. ધેર વૉઝ નોટ એની એક્સાઇટમેન્ટ, એન્ટરટેન્મેન્ટ ઓર એજ્યુકેશન ઇન હર લાઇફ. વિશ્વનાં જાણીતાં લેખિકા સિમોન દ બૂવા સ્ત્રીને ‘સેકન્ડ સેક્સ’ કહે છે. આશરે અડધી સદી પહેલાં તેમણે આ લખ્યું હતું. આપણો પુરુષપ્રધાન સમાજ હંમેશાં સ્ત્રીને દબાવીને રાખવામાં પોતાની મહત્તા સમજે છે.

સ્રી મુક્તિ એ ભારતમાં હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. ભારતીય સ્ત્રી સ્વતંત્રતા ઝંખે છે, તેને મુક્તિ જોઈએ છે, તેને અધિકાર જોઈએ છે, તેને અનામતનો હક મળવો જ જોઇએ. તો શું તેને આ બધું આપી દેવાનું? જરાય નહીં. સ્ત્રીને સ્વતંત્રતા આપવાની, કે અધિકાર આપવાની કે અનામત હક્ક આપવાની કોઈ જરૂર નથી! કારણ..? જે મુક્ત છે તેને મુક્તિ કેવી રીતે આપી શકાય?

મતલબ, અહીં જ સમજફેર થયો છે. સમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હેઝ ટેકન પ્લેસ હિયર. ખરેખર તો સ્ત્રીઓએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. તેણે પોતની માનસિક ગુલામીની બેડીઓમાંથી મુક્તિ થવાની જરૂર છે. જ્યાં સુધી સ્ત્રી પોતાની જાતને મનથી સ્વતંત્ર-મુક્ત નહીં સ્વીકારે, ત્યાં સુધી કોઇ તેને સ્વતંત્ર નહીં માને. આજે જમાનો બદલાઇ રહ્યો છે. અનેક આધુનિકાઓ પોતાનો નવો ચીલો ચાતરી રહી છે. પોતે સ્વતંત્ર છે, તેવો સ્વીકાર કરવા લાગી છે. આજની અર્બન સ્ત્રી પોતાના હક્ક માટે લડે છે, સાસરીયાના ત્રાસ સામે જંગે પણ ચઢે છે, કોર્પોરેટ સેક્ટરમાં અનેક પુરુષોની માર્ગદર્શક બને છે અને જરૂર પડ્યે સલોનીની જેમ લોફરોને પદાર્થપાઠ પણ ભણાવે છે. આવી અર્બન ઇવ છોકરાઓની સાથે તેમના કરતાં વધુ સારી રીતે ફ્લર્ટ કરી શકે છે. તે લવ અને લસ્ટનો મતલબ સચોટ રીતે સમજે છે. તે હવે ઘુંઘટ કે બુરખામાં છુપાઇને રહેવા કરતાં સ્પેગેટી અને મીની સ્કર્ટ કે જીન્સ પહેરવાનું વધુ પસંદ કરે છે.

આજની સ્ત્રીને અહલ્યાની જેમ પોતાના ઉદ્ધાર માટે વર્ષો સુધી રામની પ્રતીક્ષા કરવાની જરૂર નથી. તે પોતાની ઉદ્ધારક ખુદ છે. પોતાની સ્વતંત્રતા જાળવી રાખવા માટે તેને કોઈ અનામતની જરૂર નથી, તે પુરુષ સમોવડી છે જ. આ માટે તેણે પુરુષપ્રધાન સમાજ પાસે સુરક્ષા કે અનામતના નામે સ્ત્રી દાક્ષિણ્યની કોઈ ભીખ માગવાની જરૂર નથી. તેણે સપનાની જેમ પરિવારજનોની ટિકિટ ખરીદવા માટે અલગ લાઇનની માગણી કરવી ન જોઇએ. પુરુષ સમોવડી હોવાના હક્ક અને ફરજ બંને સમાનરૂપે સ્વીકારવા જોઇએ. અને આના માટે જરૂર છે ફક્ત માનસિકતા બદલવાની, આત્મવિશ્વાસ કેળવવાની અને સ્વતંત્ર હોવાનો સ્વીકાર કરવાની. આપણાં ધર્મશાસ્ત્રોએ પણ સ્ત્રીને શક્તિસ્વરૂપ સમજી છે. જેનું ઉદાહરણ અર્ધનારેશ્વર તરીકે સાક્ષાત્ જોઈ શકાય છે.

આપણે દર વર્ષે ‘વર્લ્ડ વુમન ડે’ ઊજવીએ છે. દર વખતે સ્ત્રીદાક્ષિણ્યના હિમાયતીઓ અને સુધારાવાદીઓ નારીમુક્તિની ચર્ચાઓ કરે છે, ભાષણો અાપવામાં આવે છે, અનામતનાં કોરસ ગવાય છે. પણ સ્ત્રીઓએ છડેચોક એવું કહી દેવાની જરૂર છે કે, ‘દાક્ષિણ્યના નામે અમારે કોઈ ભીખ નથી જોઇતી, વી આર ફ્રી અને વી કેન ફીલ ઇટ.’ જો પ્રત્યેક સ્ત્રી આ સ્વીકારશે, આ અનુભવતી થશે, તો જ ગાર્ગી, મૈત્રેયી અને પૌલોમી જેવી નારીઓ ફરી જન્મશે અને તો અને તો જ પ્રત્યેક અર્જુન પોતાને કૌંતેય કે કૃષ્ણ પોતાને યશોદાનંદન તરીકે ઓળખાવવામાં ગર્વ અનુભવશે.

હેટ્સ ઑફ ટુ સચ અર્બન ઇવ્સ અેન્ડ આૅલ ધ બેસ્ટ ટુ ધેમ...

પિંચિંગ થૉટ:

પરિવારની અર્થવ્યવસ્થા, સ્વચ્છતાની જવાબદારી, ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો સહિત સમગ્ર ઘરનું આયોજન સ્વતંત્ર રીતે સ્ત્રીઓના હાથમાં જ સોંપવું જોઇએ.

ઘરમાં કુલીન પુરુષ હોવા છતાં સ્ત્રીઓએ પડદામાં રહેવું પડતું હોય, તો તેઓ હજી પણ અસુરક્ષિત જ ગણાય. આવામાં જે સ્ત્રી પોતાની સુરક્ષા ખદ કરે, તે નારી જ સુરક્ષિતા કહેવાય.

(મનુસ્મૃતિ અધ્યાય:9, શ્લોક 11,12)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED