વિષયાંતર
વિષયાંતર: 5: માનવ ઈતિહાસનો સૌથી કુખ્યાત હત્યારો ‘જેક ધ રીપર’
લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧
૩૧ ઓગસ્ટ, ૧૮૮૮.
શુક્રવારની વહેલી સવારના ૩ વાગ્યાને ૪૦ મિનિટનો સમય થયો હતો. ઇંગ્લેન્ડના પાટનગર લંડન શહેરનો વ્હાઇટ ચેપલ વિસ્તાર ઠંડું ધુમ્મસ ઓઢીને પોઢેલો હતો. સાંકડી ગલીઓમાંથી પસાર થતી પોલીસ જીપ એક જગ્યાએ જઈને અટકી. જીપમાંથી ઉતરીને પોલીસ ઓફિસર્સ ત્વરાથી એક અંધારીયા ખૂણા તરફ ધસી ગયા. લોહીથી લથબથ એ ખૂણામાં એક સ્ત્રીની અર્ધનગ્ન લાશ પડી હતી. તેના ગળામાં ઊંડો ઘા પડ્યો હતો. છરા વડે અનેક ચીરા મૂકીને તેના ચહેરાને વિકૃત કરી નંખાયો હતો. પેઢુની નીચેનો ભાગ પૂરેપૂરો ચીરી નંખાયો હતો અને મૃતક સ્ત્રીના આંતરડા શરીરની બહાર ખેંચી કાઢવામાં આવ્યા હતા. અત્યંત જુગુપ્સાપ્રેરક એ દૃશ્ય જોઈ પોલીસ ઓફિસર્સ ડઘાઈ ગયા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મરનાર હતભાગી મહિલાનું નામ હતું મેરી એન નિકોલ્સ અને તે એક વેશ્યા હતી.
૮ સપ્ટેમ્બર, ૧૮૮૮.
શનિવારની સવારે ૬ વાગ્યે વ્હાઇટ ચેપલ વિસ્તારની જ અન્ય એક સડકને કિનારે બીજો મૃતદેહ મળી આવ્યો. લાશ એની ચેપમેન નામની મહિલાની હતી. તેના શરીરનાય એવા જ હાલહવાલ કરવામાં આવ્યા હતા જેવા ૮ દિવસ અગાઉ મેરી નિકોલ્સના કરવામાં આવ્યા હતા. બંનેને સાંકળતી એક કોમન લિંક એ પણ હતી કે મેરીની જેમ એની પણ વ્યવસાયે વેશ્યા હતી.
ફક્ત ૮ જ દિવસના ગાળામાં એક જ પ્રકારે કરવામાં આવેલી બબ્બે હત્યાથી લંડન શહેરમાં હાહાકાર મચી ગયો. અખબારોને જોઈતો મસાલો મળી ગયો. બંને હત્યામાં રહેલી સમાનતાઓ સાબિત કરતી હતી કે હત્યારો કોઈ એક જ હતો. હત્યારાને ઝબ્બે કરવાનું સખ્ખત પ્રેશર પોલીસ ડિપાર્ટમેન્ટ પર હતું, પણ ખાસ્સી દોડધામ પછી પણ હત્યારાનો પત્તો ન લાગ્યો.
રહસ્યને વધુ ધૂંધળું બનાવતો એ પત્ર
કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટને એક પત્ર મળ્યો. ‘ડિયર બોસ’ ટાઇટલ ધરાવતા એ પત્રમાં લખ્યું હતું કે, ‘મેં મેરી એન નિકોલ્સ અને એની ચેપમેનની હત્યા કરી છે.’ એ ઉપરાંત પણ પત્રમાં અમુક દાવા કરવામાં આવ્યા હતા. નીચે ‘જેક- ધ રીપર’ નામની સહી કરવામાં આવી હતી. (રીપર એટલે ચીરફાડ કરનારો) કોઈ હત્યારો આ રીતે પોતાના ગુનાની કબૂલાત કરતો પત્ર પોલીસને ના જ લખે એવું ધારીને પત્રને બોગસ માની લેવાયો. પત્રને ભૂલી જવામાં આવ્યો, પણ થોડા દિવસો પછી એવું કંઈક બન્યું જેણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખલબલી મચાવી દીધી.
ડબલ ઇવેન્ટ
૩૦ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તો વ્હાઇટ ચેપલમાં એક નહીં પણ બબ્બે મહિલાઓની લાશ મળી આવી. એલિઝાબેથ સ્ટ્રાઇડની લાશ મધરાતે ૧ વાગ્યે મળી આવી. પોણા કલાક બાદ થોડે દૂરથી કેથરિન એડોવ્સની લાશ મળી આવી. બંનેના ગળા ધારદાર ચાકૂ વડે કાપી નાંખવામાં આવ્યા હતા, પણ એલિઝાબેથ કરતાં કેથરિનની લાશ વધુ ખરાબ દશામાં હતી. કેથરિનનો એક કાન કાતરી કાઢવામાં આવ્યો હતો. જેકે ‘ડિયર બોસ’ પત્રમાં લખ્યું હતું કે, ‘હવે પછીની હત્યા કર્યા બાદ હું મારા શિકારનો કાન કાતરી નાંખીશ, જેથી તમને ખાતરી થઈ જાય કે હત્યારો હું જ છું.’
મતલબ સાફ હતો કે, પેલો બોગસ ધારી લેવાયેલો પત્ર સાચે જ જેક નામના હત્યારાએ લખ્યો હતો. જેકે પોતાનું વચન પાળ્યું હતું. આડકતરી રીતે તેણે પોલીસને ચેલેન્જ ફેંકી હતી કે, તાકાત હોય તો મને પકડી બતાવો. કેચ મી ઇફ યૂ કેન!
એ પછી તો જેકના નામે લખાયેલા પત્રોનો જાણે કે રાફડો ફાટ્યો. પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપરાંત વિવિધ અખબારોની ઓફિસમાં ‘મૈં ભી જેક’ ટાઇપના પત્રો મળવા લાગ્યા. મીડિયાની નાલાયકીની ચરમસીમા તો જુઓ કે, પત્રકારો પોતે જ જેકના નામે પત્રો લખીને પોતાના અખબારોની ઓફિસે પોસ્ટ કરી દેતા હતા. પછી અખબારો એ પત્રોમાં મીઠું-મરચું ભભરાવી તેને છાપી મારતા. છાપાનું વેચાણ વધારવાની આવી ઘટિયા હરકતો કરવામાં લંડનના અખબારો વચ્ચે રીતસર ચડસાચડસી જામી. નિષ્ણાતો આવા પત્રો વાંચી તેમને બોગસ જાહેર કરતા પણ એ પહેલાં તો ગામ આખામાં નવી નવી અફવાઓ ફેલાઈ જતી.
મીડિયાએ જેને ‘ડબલ ઇવેન્ટ’ નામ આપ્યું એવી એક જ રાતે ઘટેલી ડબલ મર્ડરની એ ઘટનામાં એલિઝાબેથની લાશની બહુ ઓછી ચીરફાડ કરવામાં આવી હતી. એનું તારણ પાછળથી એ કાઢવામાં આવ્યું હતું કે, હત્યારાએ એલિઝાબેથના શબને વિકૃત કરવાનું શરૂ જ કર્યું હશે, ત્યાં નજીકથી પસાર થતાં કોઈ રાહદારીની હાજરીથી તેના રંગમાં ભંગ પડ્યો હતો. પકડાઈ જવાની બીકે જેક પોતાનું ‘કામ’ અડધું મૂકીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો અને ચીરફાડનો પિશાચી આનંદ મેળવવા માટે જ તેણે ગણતરીની મિનિટોમાં કેથરિનનો શિકાર કર્યો હતો.
એક ઔર શિકાર
૯ નવેમ્બર ૧૮૮૮ના રોજ મેરી જેન કેલી નામની ગણિકાનો મૃતદેહ એના જ ઘરમાંથી મળી આવ્યો. કેલીના શરીરની પણ નિર્દયતાપૂર્વક ચીરફાડ કરવામાં આવી હતી વધુમાં એનું હૃદય ગાયબ હતું. જેમ જેમ હત્યારો કાનૂનના સકંજાને હાથતાળી આપતો ગયો તેમ તેમ તેની હિંમત વધતી ગઈ. દરેક નવા શિકાર સાથે તે વધુ ને વધુ વિકૃતિઓ આચરતો ગયો.
દરમિયાન જેકને નામે લખાતા સેંકડો પત્રોનો ધોધ જારી રહ્યો. જેકને જોયો હોવાના કે પછી જેક વિરુદ્ધ પાક્કા પુરાવા હોવાના દાવા કરતા પત્રો લંડનના લોકો અખબારોને અને પોલીસ અધિકારીઓને લખતા રહ્યા. દરેકે જાણે કે જેક ધ રીપર કેસનો હિસ્સો બનવું હતું. એ પત્રોમાંથી ‘સૉસી જેકી’ અને ‘ફ્રોમ હેલ’ નામના બે પત્રો ‘જેક ધ રીપર’ દ્વારા લખાયા હોવાના નિર્ણય પર નિષ્ણાતો પહોંચ્યા. એ બંને પત્રોમાં પણ જેકે પોતે કરેલી હત્યાઓની કબૂલાત કરી હતી પણ હત્યા કરવાનું કારણ તે નહોતો જણાવતો.
જુગુપ્સાપ્રેરક ગિફ્ટ
ત્રીજા પત્ર ‘ફોમ હેલ’ સાથે જેકે એક નાનકડું બૉક્સ મોકલ્યું હતું. બૉક્સ જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે પોલીસ અધિકારીઓ હેબતાઈ ગયા. બૉક્સમાં એક અડધી કપાયેલી કિડની હતી! પત્રમાં જેકે લખ્યું હતું, ‘આ કિડની મેં જેને મારી એ મહિલાની છે. અડધી કિડની હું રાંધીને ખાઈ ગયો છું! બહુ સ્વાદિષ્ટ હતી! અડધી તમારે માટે ગિફ્ટ રૂપે મોકલું છું.’
કોઈ કલ્પના પણ ના કરી શકે એવી આ ઘટના હતી. લેબોરેટરી ટેસ્ટમાં સાબિત થયું કે એ કિડની કોઈ પ્રાણીની નહીં બલકે માણસની જ હતી.
વ્હાઇટ ચેપલ કી વો બદનામ ગલીયાં
ટૂંકા ગાળામાં થયેલી હરોળબંધ પાંચ પાંચ હત્યાઓથી લંડનનો વ્હાઇટ ચેપલ વિસ્તાર ફફડી ઊઠ્યો. લોકો રાત પડ્યે ઘરની બહાર જવાથી ડરવા લાગ્યા. આમ પણ વ્હાઇટ ચેપલ એક બદનામ એરિયા હતો. ગામ આખાના ઉતારસમા ગુંડાઓનો અહીં અડ્ડો હતો. તમામ પ્રકારના હાલી-મવાલીઓ અહીં પડ્યા પાથર્યા રહેતા. આઇરિશ ઘૂસણખોરો અને રશિયાથી હાંકી કઢાયેલા યહુદીઓથી ખદબદતા વ્હાઇટ ચેપલમાં કામના અભાવે લોકો ગુનાખોરી તરફ વળવા લાગ્યા હતા. ટંટા-ફસાદ, શારીરિક શોષણ અને અપહરણ જેવા ગુનાઓ બનવા એ અહીં બહુ સામાન્ય બાબત હતી. ગરીબ મહિલાઓ કમને વેશ્યા વ્યવસાયમાં જોડાતી હતી. અહીં ૬૨ જેટલા કુટણખાના હતા અને ૧૨૦૦ જેટલી મહિલાઓ દેહવ્યાપાર સાથે સંકળાયેલી હતી. ભદ્ર વર્ગના લોકો તો વ્હાઇટ ચેપલમાંથી પસાર થવામાંય સંકોચ અનુભવતા. આવા આ કુખ્યાત વિસ્તારમાં થયેલી વેશ્યાઓની સિલસિલાબંધ હત્યાઓને લીધે આ બદનામ વિસ્તારની બદનામી લંડન શહેર અને ઇંગ્લેન્ડ દેશની પણ સીમાઓ વટાવી ગઈ.
હત્યારાની મોડસ ઓપરેન્ડી
હત્યા કરતી વખતે જેક એકસમાન મર્ડર પેટર્ન અનુસરતો. મધરાતે ગ્રાહકની શોધમાં ભટકતી એકલી અટૂલી વેશ્યાનો સંપર્ક કરવો, તેને પોતાની સાથે જવા માટે તૈયાર કરવી અને પછી તેને કોઈ અંધારી ગલીમાં લઈ જઈ તેની હત્યા કરી દેવી. ખૂન કરવા માટે તે સૌપ્રથમ મહિલાના ગળાને ધારદાર છરીથી કાપી નાંખતો. કપાયેલી નસમાંથી લોહી વહી જાય અને શિકાર તરફડતો બંધ થઈ જાય પછી એ તેના ચહેરા પર આડેધડ ચાકૂ ચલાવતો. છેલ્લે શિકારનું પેઢું ચીરી તેના આંતરડા શરીરની બહાર ખેંચી કાઢતો. કોઈપણ મહિલા સાથે બળાત્કાર કરવામાં નહોતો આવ્યો એટલે સાબિત થતું હતું કે કાતિલને સેક્સમાં રસ નહોતો બલકે વેશ્યાઓ પ્રત્યેની નફરતને લીધે જ એ તેમને અત્યંત ઘાતકીપણે મોતને ઘાટ ઉતારતો હતો. નિષ્ણાતોની ધારણા હતી કે ભૂતકાળમાં કોઈ વેશ્યાને લીધે જેકે કે એના પરિવારે સહન કરવાનું આવ્યું હોય એવું બની શકે.
પાંચેય હત્યા વીક એન્ડમાં કરવામાં આવી હોવાથી એક શક્યતા એ પણ હતી કે હત્યારો વીક એન્ડમાં જ લંડનની મુલાકાતે આવતો હોય. દરિયામાં માછીમારી કરતી નૌકાઓ વીક એન્ડમાં લંડનના બંદર પર આવતી અને તેના ખલાસીઓ માછલીઓ વેચીને કમાયેલા નાણાંથી મોજશોખ કરતા. આવો જ કોઈ વિકૃત ખલાસી વ્હાઇટ ચેપલમાં દેહ વ્યવસાય કરતી ગણિકાઓનો શિકાર કરતો હોય એવી પણ શક્યતા હતી.
જેકને પકડવા માટે ૨૦૦૦ જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં કસાઈઓ અને ડૉક્ટરોનો પણ સમાવેશ થતો હતો. મૃતદેહોની થયેલી ચીરફાડને લીધે લંડનના પ્રતિષ્ઠિત તબીબો પણ પોલીસની શંકાના ઘેરામાં આવ્યા હતા. ૧૦૦થી વધુ શકમંદોની આકરી પૂછપરછ કરવામાં આવી, પણ ‘જેક- ધ રીપર’નો પત્તો ના લાગ્યો તે ના જ લાગ્યો.
હવામાં ગાયબ થઈ ગયેલો જેક
જેક કદી પકડાયો નહીં એટલે એવું ધારી લેવામાં આવ્યું કે, તે દેશ છોડી ગયો હતો અથવા તો કોઈ બિમારીને લીધે માર્યો ગયો હતો. જેકનો કહેર શાંત થયા બાદ વ્હાઇટ ચેપલમાં ફૂલીને ફાળકે ગયેલી ગુનાખોરીને ડામવા લંડન મ્યુનિસિપાલિટીએ સાપટો બોલાવ્યો. કુખ્યાત ગુનેગારોને તડીપાર કર્યા અને વેશ્યાઓનું પુનર્વસન કર્યું. બે દાયકામાં તો વ્હાઇટ ચેપલ લગભગ નામશેષ થઈ કરી દેવાયું. જોકે, જેકે વ્હાઇટ ચેપલની જે ગલીઓમાં શિકાર કર્યા હતા તેની મુલાકાતે દુનિયાભરના ટુરિસ્ટ્સ આજે પણ આવતા હોવાથી એ વિસ્તારને સાચવી રાખવામાં આવ્યો છે. ૨૦૧૫થી તો ‘જેક ધ રીપર’ નામનું મ્યુઝિયમ પણ અહીં ખુલ્લું મૂકાયું છે.
કુખ્યાત હત્યારો થયો વિખ્યાત
ઈતિહાસના પાને જેક પહેલો સિરિયલ કિલર નહોતો, પણ જે ક્રૂરતાથી તે પોતાના શિકારના શરીરની ચીરફાડ કરતો અને જે અંદાજથી તે પોલીસને ‘કેચ મી ઇફ યુ કેન’ પ્રકારની ચેલેન્જ ફેંકતો એને લીધે તેનું નામ દુનિયાભરમાં જાણીતું થઈ ગયું. મીડિયાએ જેકની સ્ટોરીને ભરપૂર ચગાવી. પોલીસ પોતાની નિષ્ફળતાને ઢાંકવા જેક દ્વારા મોકલાતા પત્રો અને અન્ય સાબિતીઓ જાહેર નહોતી કરતી, એટલે મીડિયા મનફાવે એવા અર્થઘટનો દેમાર છાપી દેતું.
જેક પર નાટકો, વાર્તાઓ, નવલકથાઓ, કોમિક બૂક્સ, ગીતો અને કવિતાઓ લખાઈ. અનેક ઓપેરા, ટીવી સિરિયલ્સ, ડૉક્યુમેન્ટરી અને ફિલ્મો બની. સાહિત્યમાં જેકને હીરો તરીકે પણ રજૂ કરવામાં આવ્યો. જેકની ક્રાઇમ કુંડળીની કથા માંડતી દરેક વસ્તુ હાથોહાથ ઊપડી જતી. કેથરિનની લાશ મળી એના અડધા કલાક અગાઉ તેને એક પુરુષ સાથે વાતો કરતી જોવામાં આવી હતી. લગભગ ૫ ફીટ ૯ ઈંચ ઊંચા, ત્રીસેક વર્ષના, નાનકડી મૂછ ધરાવતા, કાળી હેટ અને કાળો કોટ પહેરેલા એ હેન્ડસમ ગોરા યુવાનને જેક ધારી લેવામાં આવ્યો હતો, એટલે પછી જેકના જેટલા પણ કાલ્પનિક પાત્ર રચાયા એમાં જેકનો એવો જ દેખાવ દર્શાવાયો. જેકના કેસમાં પોલીસની નિષ્ફળતાની મજાક ઉડાવતા કાર્ટૂન્સ અખબારો અને મેગેઝિન્સમાં છપાતા. જેકનો કિસ્સો એટલો તો કલ્ટ બની ગયો કે તેના અપરાધોને ‘રીપરોલોજી’ નામે ઓળખાવામાં આવી અને એના વિશે ગંભીરતાપૂર્વક સંશોધન પણ થયા.
ઈતિહાસના ચોપડે ૩૦થી વધુ માનવહત્યાઓ કરનારા સિરિયલ કિલર્સ પણ નોંધાયેલા છે પણ આજ સુધી કોઈને પણ ‘જેક- ધ રીપર’ જેટલું મહત્ત્વ નથી મળ્યું.