Vishayantar - 2 books and stories free download online pdf in Gujarati

Vishyantar - 2 મોનસૂન ટ્રાવેલની મસ્તી

વિષયાંતર

Vishayantar: 2: મોનસૂન ટ્રાવેલની મસ્તી

લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

ભારતમાં પ્રવાસની સિઝન એટલે દિવાળીથી લઈને મે મહિના સુધીનો સમય. ચોમાસામાં દરમિયાન તો ફરવા જવાનો લોકો વિચાર જ કરતાં નથી. છેલ્લા થોડાં વર્ષોમાં આ ટ્રેન્ડ જોકે બદલાઈ રહ્યો છે. ચોમાસા દરમિયાન હોટલ્સ અને ટુર ઓપરેટરો દ્વારા ઓફર કરવામાં આવતાં આકર્ષક ડિસ્કાઉન્ટને લીધે લોકો હવે ‘વરસાદ-ફેર’ (હવા-ફેર જેવું!) કરવા જવા લાગ્યા છે. ભારતના ટોપ થ્રી મોનસૂન ડેસ્ટિનેશન વિશે આજે જાણીએ.

ગોવાઃ ફૂડ, ફન એન્ડ મસ્તી

ઉનાળા અને દિવાળી વેકેશન દરમિયાન ગોવા જઈ આવેલા મુસાફરો એ તો એકવાર ગોવાનું ચોમાસું માણવું જ જોઈએ. જૂનથી સપ્ટેમ્બર સુધીની વરસાદની મોસમમાં ગોવા અત્યંત હરિયાળું થઈ જાય છે. ગોવાની અનેક હોટલો ચોમાસા દરમિયાન મોનસૂન પેકેજ ઓફર કરે છે. ખાસ્સા કિફાયતી જણાય એવા આ પેકેજમાં મોટેભાગે તો બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ઉપરાંત સ્થાનિક સાઇટ સિઇંગનો પણ સમાવેશ થતો હોય છે. વિવિધ હોટલો દ્વારા નેચર વોક, ઇકો ટુર અને ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓનું પણ ડિસ્કાઉન્ટ રેટમાં આયોજન કરવામાં આવે છે. આ એવી સગવડો છે જેના માટે અન્ય મોસમમાં પ્રવાસીઓએ અલગથી ચાર્જ આપવા પડે છે.

જોકે ગોવાની ઓળખ સમાન ‘બીચ શેક’ આ સિઝનમાં જોવા નહીં મળે. બીચ પર ફૂડ અને લિકર ઓફર કરતાં શેક કાચા બાંધકામના હોવાથી પહેલા વરસાદે જ ખેદાનમેદાન થઈ જાય છે. એટલે બીચ શેકમાં ‘મસ્ત’ બનવા ઈચ્છુકો કદાચ નિરાશ થશે. જોકે શોખીનોના જરૂરતની ખાણી-પીણી રેસ્ટોરન્ટ્સ અને હોટલ્સમાં મળી રહે છે, અને એ પણ ઓછા દરે. ગોવાની નાઇટલાઇફમાં પણ ચોમાસા દરમિયાન ઓટ આવી જાય છે. જોકે ઓછા ગ્રાહકોની હાજરી હોવા છતાં મોટી હોટલો સંગીતના કાર્યક્રમો યોજે છે. દરિયો તોફાની બની જતો હોવાથી દરિયામાં નહાવાની પણ છૂટ નથી, જે કદાચ મોનસૂન ગોવા ટ્રીપનો સૌથી મોટો ગેરફાયદો છે. જુગાર શોખીનો માટે સારા સમાચાર એ છે કે અહીંના કેસિનોની સર્વિસમાં વરસાદની કોઈ અસર થતી નથી. તેમનો ધંધો રાબેતામુજબ જ ચાલુ રહે છે.

દેશના અનેક અભયારણ્યો ચોમાસા દરમિયાન બંધ રહેતા હોય છે પરંતુ ગોવાના બે મુખ્ય અભ્યારણ્યો ‘મોલેમ નેશનલ પાર્ક’ અને ‘કોટિગાઓ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી’ મુલાકાતીઓ માટે ખુલ્લા રહે છે. ‘બોન્ડલા રાષ્ટ્રીય ઉદ્યાન’ ખાતે મુક્તપણે વિહરતા હરણાં જોઈ શકાય છે અને અહીં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં અન્ય વન્ય જીવોને પણ જોઈ શકાય છે. ‘સેવોઈ’ ખાતે આવેલા મસાલાના વાવેતર જોવાનો દુર્લભ લહાવો લેવો હોય તો ગોવાના જાણીતા ગામ ‘પોન્ડા’ થઈ જઈ શકાય છે. અન્ય મોસમમાં પણ જાજરમાન લાગતો ‘દૂધસાગર’નો ધોધ ચોમાસા દરમિયાન તેના બેસ્ટ રૂપમાં જોવા મળે છે. હરિયાળા પર્વતીય ઢોળાવો પરથી નીચે સરકતી અફાટ જળરાશિનો નજારો એકવાર જોયા બાદ જીવનભર યાદ રહી જશે. વરસાદને લીધે છલકાઈ ઊઠતી ગોવાની નદીઓમાં પ્રવાસીઓ ફિશિંગનો શોખ પણ પૂરો કરી શકે છે.

ચોમાસા દરમિયાન જ ગોવામાં કેટલાંક યુનિક ઉત્સવો ઉજવાય છે જેનો હિસ્સો બનવાનું ચૂકવા જેવું નથી. જૂનના ઉત્તરાર્ધમાં ગોવાના ગામડાઓમાં ‘સાઓ-જોઆઓ’ નામનો તહેવાર ઉજવાય છે જેમાં પાણીથી ભરેલા કૂવામાં ભુસ્કો મારી યુવાનોએ કુવામાં નાખેલી ‘ફેની’ની બોટલો શોધી લાવવાની હોય છે. ફેની એટલે ગોવાનો બહુ જાણીતો દેશી દારૂ જે કાજુ અથવા નાળિયેરમાંથી બનાવવામાં આવે છે. સંત પીટર અને પૌલની યાદમાં ઉજવાતા અન્ય એક ‘તરતાં’ તહેવારમાં લોકો વાંસ-લાકડાના તરાપા બનાવી તેના ઉપર ગીતો-નૃત્યો-નાટકોની રમઝટ બોલાવે છે. ધીમી ગતિએ નદીના પાણી પર સરકતાં આવા આર્ટિસ્ટિક તરાપા જોવા માટે નદીના બંને કાંઠે ભીડ જમા થાય છે. ઓગસ્ટના અંતમાં ‘ડાઇવર ટાપુ’ પર ‘બોન્ડેરમ ફ્લેગ ફેસ્ટિવલ’ યોજાય છે. આ એક કાર્નિવલ ઉત્સવ છે જેમાં રંગબેરંગી પોશાક પહેરી નૃત્ય અને સંગીતનો જલસો જમાવવામાં આવે છે.

કેરળઃ લીલુંડી ધરતી

‘ગોડ્સ ઑવ્ન કન્ટ્રી’ ગણાતા કેરળની વિશેષતા એ છે કે અહીં બે ચોમાસા જોવા મળે છે! જૂનના પ્રથમ અઠવાડિયામાં જ અહીં શરૂ થઈ જતું ચોમાસું સપ્ટેમ્બર મહિનામાં બ્રેક લે છે અને ઓક્ટોબર મહિનામાં ફરીથી વરસાદ ચાલુ થાય છે જે ઘણીવાર ડિસેમ્બર સુધી જારી રહે છે. કેરળમાં વરસાદનું પ્રમાણ ઘણુ વધારે હોવાથી ત્યાંની ૧૪ નદીઓ છલોછલ થઈ જાય છે. દરિયાકિનારે જોરદાર વાવઝોડાં ફૂંકાય છે અને દરિયો ગાંડોતૂર થતાં માછીમારી બંધ થઈ જાય છે.

ગોવાની જેમ કેરળ પણ હનિમૂન માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીંની હોટલો વરસાદની સિઝનમાં ૨૦થી ૫૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપે છે. હાઉસ બોટની સફર પણ ૧૦થી ૨૦ ટકા જેટલી ઓછી રકમ ખર્ચી માણી શકાય છે. કેરળમાં રહેવા માટે અનેક ‘હોમ સ્ટે’ પણ મળી રહે છે જે હોટલ્સ કરતાં પણ સસ્તાં પડે છે. જેટલું વહેલું બુકિંગ કરાવશો એટલું વધુ સસ્તું પડશે. ઓનલાઇન બુકિંગ શ્રેષ્ઠ વિકલ્પ છે.

વિશ્વ પ્રસિદ્ધ ‘પેરિયાર નેશનલ પાર્ક’ની ‘મસ્ત’ બનાવી દે એવી મુલાકાત તો ‘મસ્ટ’ છે જ, પણ સાથોસાથ હાઉસબોટમાં બેસી અહીંના બેક વોટર્સ પર સરકવાની મજા માણવાનું પણ ચૂકવા જેવું નથી. કેરળની અન્ય એક વિશિષ્ટતા એટલે ત્યાંનું આયુર્વેદિક મસાજ. કેરળમાં ઠેરઠેર આયુર્વેદિક મસાજ પાર્લર આવેલાં છે. અનેક હોટલ્સમાં પણ મસાજની સગવડ આપવામાં આવે છે. પીઠ, કમર, માથાના દુઃખાવા માટે તથા મોટાપો દૂર કરવા માટે અહીં ખાસ પ્રકારના મસાજ ઉપલબ્ધ છે. ઠંડા, ભેજવાળા વાતાવરણને મસાજ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે, માટે મસાજ ટ્રિટમેન્ટ માટે મોન્સૂન ઇઝ ધ બેસ્ટ સીઝન.

કેરળનો સૌથી મોટો પારંપરિક ઉત્સવ ઓણમ ચોમાસામાં જ ઉજવાય છે. ઓગસ્ટમાં અહીં ‘સ્નેક બોટ રેસ’ યોજાય છે જેમાં સ્થાનિક પુરુષો ખૂબ જોશપૂર્વક હિસ્સો લે છે. ચોમાસામાં જ થ્રીસુર શહેરમાં સામૂહિક ‘ગજ પૂજા’ થાય છે જેમાં હાથીઓને ટનબંધ માત્રામાં ફળો-શાકભાજી ધરાવીને કેરળવાસીઓ શ્રીગણેશને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. કેરળ ટુરિઝમ અને વાયાનદ (Wayanad) ટુરિઝમ દ્વારા આયોજિત ‘સ્પ્લેશ મોનસૂન કાર્નિવલ’ એક સંપૂર્ણ ફન ફેસ્ટિવલ છે. છેલ્લા ૭ વર્ષોથી સફળતાપૂર્વક યોજાતા આ ઉત્સવમાં ત્રણ દિવસ દરમિયાન આર્ચરી (તિરંદાજી), મડ સોકર (કાદવમાં ફૂટબોલ રમવું), રિવર રાફ્ટિંગ (ધસમસતી નદીમાં બોટિંગ કરવું), એલિફન્ટ સફારી (હાથી પર બેસી જંગલમાં ઘૂમવું) અને ટ્રાઇબલ ટ્રેકિંગ (આદિવાસી ગામડાંઓની મુલાકાતે જવું) જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.

મેઘાલયઃ મેઘ મહેર બારેમાસ

આમ તો પૂર્વના સાતે-સાત રાજ્યોમાં વરુણ દેવની વિશેષ મહેર રહે છે, પણ એમાંય મેઘાલય રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. ચેરાપૂંજી માટે વિશ્વ વિખ્યાત થયેલા મેઘાલયની મુલાકાતે ચોમાસામાં જવાના હો તો ત્યાં ફરવા માટે અનેક ઓપ્શન્સ મોજૂદ છે.

‘મેઘ-વાદળોના ઘર’ તરીકે જાણીતા મેઘાલય ગયા હો અને ત્યાંના વિશ્વ વિખ્યાત ‘પાણીદાર’ સ્થળ ચેરાપૂંજી ના જાવ એ તો કેમ ચાલે? મેઘાલયમાં નાની-મોટી ૧૦૦૦ ગુફાઓ આવેલી છે! ચેરાપૂંજી નજીક આવેલી ‘માવ્સમાઇ’ (Mawsmai) ગુફા સૌથી વધુ લોકપ્રિય છે. એને અંદરથી કૃત્રિમ લાઇટો વડે ઝળહળતી કરવામાં આવી છે જેથી પ્રવાસીઓ તેની કુદરતી સુંદરતાને મન ભરીને માણી શકે. કેટલીક અંધારી ગુફાઓમાં ‘કેવિંગ’નો સાહસિક અનુભવ લેવાનો વિકલ્પ પણ મોજૂદ છે, જેમાં ભારતની સૌથી લાંબી ગુફાનો પણ સમાવેશ થાય છે.

અહીંના બહુ જાણીતા ‘ખાસી’ અને ‘ગારો’ જાતિના સામાજિક જીવનથી પરિચિત થવા તેમના પારંપરિક ગામોની મુલાકાત લઈ શકાય છે. ખાસી હિલ્સ નામનો આ પ્રદેશ આયુર્વેદિક વનસ્પતિઓથી ભરપૂર છે. સ્થાનિકો તેને પવિત્ર જંગલ કહે છે. અહીં એક હેરિટેજ ગામ પણ છે અને સાહસ-શોખીનો માટે ગાઢ જંગલમાં ટ્રેકિંગની સગવડ પણ ખરી. વિશાળ વૃક્ષોના મૂળિયાં પરસ્પર ગૂંથીને બનાવાયેલા મજબૂત પુલ પર ચાલીને નદી-વહેળા પાર કરવાનો રોમાંચ બીજે ક્યાંય નહીં મળે. વિશ્વના સૌથી વધુ સ્વચ્છ ગામનું બહુમાન મેળવનાર ‘માવ્લીનોંગ’ (Mawlynnong) ગામની વિઝિટે જવાનું પણ ચૂકવા જેવું નથી. ત્યાં પ્રવાસીઓ માટે વૃક્ષો પર બનેલા ‘ટ્રી હાઉસ’માં રહેવા મળશે અને ૮૦ ફીટ ઊંચે બનેલા માચડા પર ચઢી હરિયાળા જંગલનું હૃદયંગમ વિહંગાવલોકન કરી શકશો. અહીંથી બાંગ્લાદેશનો ભૂમિ વિસ્તાર પણ જોઈ શકાય છે. મેઘાલયના વર્ષા-વનોમાં વાઇલ્ડ લાઇફનો લુત્ફ ઉઠાવવો હોય તો ચોમાસા દરમિયાન અહીંના અભયારણ્યો ખુલ્લા રહે છે. પ્રવાસની યાદગીરીરૂપે કંઈક ખરીદવું હોય તો મેઘાલયના પાટનગર શિલોંગમાં ભરાતા પારંપરિક બજારમાં લટાર મારી શકાય.

તો રાહ શેની જુઓ છો? મોન્સૂન વીતી જાય એ પહેલા બેગ-બિસ્તરાં ઉપાડો અને ખૂંદી વળો ગોવા, કેરળ અને મેઘાલય!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED