Featured Books
શ્રેણી
શેયર કરો

વિષયાંતર - 6 જિસ્મના જલવાની કરામતઃ હની ટ્રેપ

વિષયાંતર

Vishayantar-6: જિસ્મના જલવાની કરામતઃ હની ટ્રેપ

લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

વર્ષ ૨૦૧૫માં એક સમાચારે આખા દેશમાં ખલબલી મચાવી દીધી હતી. મૂળ કેરળના મલ્લપ્પુરમના વતની અને ઇન્ડિયન એરફોર્સના ભટિન્ડા ખાતે કાર્યરત કર્મચારી કે. કે. રં‌જિતની દેશદ્રોહ બદલ ધરપકડ કરવામાં આવી હતી. રંજિત પર આરોપ હતો કે એણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની મહિલા જાસૂસને ઇન્ડિયન એરફોર્સને લગતી ખાનગી માહિતી પૂરી પાડી હતી. પોતાની ઓળખ બ્રિટિશ મીડિયા કંપનીની એક્ઝિક્યુટિવ તરીકેની આપીને દામિની નામધારી પાકિસ્તાની જાસૂસે ફેસબુક પર રંજિત સાથે લાંબો સમય રોમેન્ટિક ચેટિંગ કરીને તેને પોતાની મોહજાળમાં સપડાવ્યો હતો. પછી પૈસાની લાલચ આપીને તેણે ન્યૂઝ મેગેઝિનમાં લેખ લખવાના નામે ઇન્ડિયન એરફોર્સ સાથે સંકળાયેલી વિગતો માગી હતી. પહેલાં હપ્તામાં ૩૦,૦૦૦ રૂપિયા ચૂકવીને દામિનીએ સંવેદનશીલ માહિતી કઢાવી લીધી હતી. મહિલા જાસૂસ દ્વારા પુરુષ અધિકારીને ફસાવીને કરાતી આવી જાસૂસીને ‘હની ટ્રેપ’ કહેવાય છે. હની ટ્રેપનો આ કોઈ એકલદોકલ કિસ્સો નથી. દાયકાઓથી પાકિસ્તાન મહિલા જાસૂસોની મદદથી ભારતીય ઓફિસર્સની ફસામણી કરતું રહ્યું છે. અને સાચું કહો તો ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો સુંદર સ્ત્રીના સુંવાળા સંગાથને હથિયાર બનાવી દુશ્મન દેશની માહિતીઓ મેળવતા રહે છે.

પુરુષ જાસૂસની કલ્પના બહુ સહજ છે, પણ વાત મહિલા જાસૂસની આવે ત્યારે લોકો અલગ જ પ્રકારનો રોમાંચ અનુભવતા હોય છે. એનું કારણ એ કે, જાસૂસી એ બહુ જોખમભર્યું કામ છે. જાસૂસ મહિલા હોય કે પુરુષ, પણ એના માથે સતત મોતની તલવાર લટકતી રહે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં જાસૂસની હત્યા થઈ શકે છે.

મહિલા જાસૂસો સફળ થતી હોવાનું કારણ એ છે કે તેઓ તેમની સુંદરતા અને શરીરને હથિયાર તરીકે બખૂબી ઉપયોગમાં લે છે. જે માહિતી મેળવવા પુરુષ જાસૂસે ભયંકર પરસેવો પાડવો પડે છે એ જ માહિતી મહિલા જાસૂસ પોતાના હુસ્નના જાદુથી આસાનીથી ઓકાવી લેતી હોય છે. મહિલા જાસૂસ યુવાન, કામણગારી અને બુદ્ધિશાળી હોય છે. ધૂમ્રપાન, મદ્યપાન અને સેક્સનો કોઈ છોછ રાખતી નથી. બસ, પછી એક પુરુષને શું જોઈએ. આવી મહિલા મેદાને પડે પછી પુરુષ અધિકારીઓ તેના મોહમાં ન જકડાય તો જ નવાઈ!

મહિલા જાસૂસીનો ઈતિહાસ બહુ જૂનો છે. સદીઓ અગાઉ રાજાઓ વિષકન્યાઓ દ્વારા દુશ્મનોની હત્યા કરાવતા. કાબેલ હસીનાને દુશ્મન રાજાની પત્ની બનાવી તેના દ્વારા જાસૂસી કરાવાતી હોવાના ઉદાહરણો પણ ઈતિહાસમાં મોજુદ છે. આજે એવી જ કેટલીક વિખ્યાત મહિલા જાસૂસોનો પરિચય મેળવીએ.

માતા હારીઃ ડબલ ગેમ રમીને જીવ ગુમાવનાર મહિલા જાસૂસ

૭ ઓગસ્ટ, ૧૮૭૬ના રોજ નેધરલેન્ડમાં જન્મેલી માતા હારીનું સાચું નામ માર્ગારેટ ઝેલે હતું. એક ડચ આર્મી કેપ્ટન સાથે લગ્ન કર્યા બાદ તે જાવા (હાલનું ‘ઇન્ડોનેશિયા’, ત્યારનું ‘ડચ ઇસ્ટ ઇન્ડિઝ’) રહેવા ગઈ હતી. જાવામાં તે એક ડાન્સ કંપનીમાં સામેલ થઇ ગઇ. અહીં ભારતીય મૂળના મલયાલી લોકોના સંપર્કમાં આવ્યા બાદ તેણે પોતાનું નામ માતા હારી કરી નાખ્યું, જેનો અર્થ મલય ભાષામાં ‘દિવસની આંખ’ એટલે કે સૂર્ય થાય છે. ૧૯૦૭માં નેધરલેન્ડ પાછા ફર્યા બાદ રંગીન મિજાજી માતા હારીએ પતિ સાથે છૂટાછેડા લઇ લીધા.

એ પછી પેરિસ જઈને તેણે નૃત્યને પોતાનો વ્યવસાય બનાવી લીધો. શરીર પર નામ માત્રના વસ્ત્રો અને ઘરેણાં પહેરીને નૃત્ય કરતી માતા હારીને તેના સેક્સી ડાન્સને લીધે લોકપ્રિય થતા વાર ન લાગી. આખા યુરોપમાં તેનું નામ થઈ ગયું. એ સમયગાળામાં અનેક સૈન્ય અધિકારીઓ, રાજનેતાઓ અને સેલિબ્રિટી સાથે માતા હારીના જીસ્માની સંબંધો રહ્યા. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન તે સૈનિકોના મનોરંજન માટે ડાન્સ કરવા લાગી અને એ દરમિયાન તેનો સંપર્ક ફ્રેન્ચ સેનાના ઉચ્ચાધિકારીઓ સાથે થયો, જેમણે તેનું હીર પારખીને તેને જાસૂસીના કામ માટે જર્મની મોકલી.

જર્મની જઈને માતા હારીએ ત્યાંના અધિકારીઓને પોતાના મોહમાં લપેટવા માંડ્યા. સેનાના બડા અફસરો પાસેથી સંવેદનશીલ માહિતી કઢાવવા માટે તે પોતાના મખમલી જિસ્મનો બિન્ધાસ્ત ઉપયોગ કરતી. વગદાર અધિકારીઓ અને લીડરો સાથે સેક્સ સંબંધ બાંધવામાં તેને જરાય છોછ નહોતો. જોકે વધુ મોટા નાણાંકીય ફાયદા માટે થોડા જ સમયમાં તે ડબલ એજન્ટ બની ગઈ. બંને દેશની સંવેદનશીલ માહિતી તે બંને દેશ સાથે વહેંચવા લાગી. ફ્રાન્સના સિક્રેટ જર્મનીને આપી દેવામાં અને જર્મનીના રહસ્યો ફ્રેન્ચ હાથોમાં સોંપી દેવામાં તેને પુષ્કળ નાણાંકીય ફાયદો થવા લાગ્યો, પણ તેની આ કારી લાંબી ન ટકી. ડબલ ઢોલકી બનેલી માતા હારીની પોલ ફ્રેન્ચ સેના સામે ખુલી જતાં તેના પર કેસ ચલાવવામાં આવ્યો અને તેને મોતની સજા મળી. ૧૫ ઓક્ટોમ્બર, ૧૯૧૭ના રોજ ફક્ત ૪૧ વર્ષની વયે તેને ગોળી મારીને મૃત્યુદંડ આપવામાં આવ્યો. ઘણા ઈતિહાસવિદો માને છે કે, વાસ્તવમાં માતા હારી નિર્દોષ હતી, તેને ખરેખર તો ફસાવવામાં આવી હતી.

માતા હારીનું જીવન એટલું રંગીન અને રોમાંચક હતું કે એના પર ઘણું લખાયું છે અને ઘણી ફિલ્મો પણ બની છે, જેમાં ગ્રેટા ગાર્બો અભિનિત ૧૯૩૧માં બનેલી ‘માતા હારી’ ઘણી સફળ રહી હતી.

વર્જિનિયા હાલઃ બહાદુરીની મિશાલ

અમેરિકન એજન્ટ એવી વર્જિનિયા હાલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અપ્રતિમ જાસૂસી સાહસો પાર પાડ્યા હતા. એક ગરીબ પરિવારમાં જન્મેલી વર્જિનિયા ભણવામાં તેજસ્વી હતી. જર્મન, ફ્રેન્ચ અને ઇટાલિયન ભાષા કડકડાટ બોલી જાણતી હોવાથી તેને અમેરિકાના સાથી દેશ બ્રિટનની સ્પેશિયલ ઓપરેશન એક્ઝિક્યુટિવ સર્વિસમાં સામેલ કરવામાં આવી હતી. એક અકસ્માતમાં તેનો એક પગ ખરાબ થઈ ગયો હોવાથી તે લાકડામાંથી બનેલો નકલી પગ પહેરતી. જર્મનોની જાસૂસી કરવામાં તેને સારી સફળતા મળી હતી. વેશપલ્ટામાં માહેર એવી વર્જિનિયા દુશ્મન દેશની જાસૂસી કરવા માટે જાતભાતની વેશભૂષા ધારણ કરતી. તે પોતાની સાથે અલગ અલગ પ્રકારના કોસ્ચ્યુમ્સ, વીગ અને મેકઅપનો સામાન રાખતી અને જરૂર પડ્યે આબેહૂબ રૂપ-પલ્ટો કરતી. બહુરૂપી-કળામાં ઉસ્તાદ વર્જિનિયાએ એક વાર તો બુઢ્ઢા ગોવાળિયાનું રૂપ ધારણ કરીને જર્મન સિપાઈઓને આબાદ છકાવ્યા હતા. સમય વિત્યે જર્મન સૈન્ય અધિકારીઓને તેના જાસૂસ હોવાની ગંધ આવી ગઈ, પણ તેની ધરપકડ કરાય એ પહેલાં તે ફરી એક વાર વેશ્પલ્ટાનો કસબ અજમાવી છટકી ગઈ. જર્મનો સામે લડતા ફ્રેન્ચ સૈન્યને વિશેષ તાલીમ આપવાનું કામ પણ તેણે કર્યું હતું. વર્જિનિયા હાલની સેવાની કદરરૂપે તેને મિલિટરીના વિશેષ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી હતી. દુશ્મનોના હાથમાં કદી ન આવી શકેલી આ મહાન મહિલા જાસૂસ ૧૯૮૨માં ૭૬ વર્ષની વયે કુદરતી મોતને વરી હતી.

નૂર ઈનાયત ખાનઃ ભારતીય મૂળની જાંબાઝ જાસૂસ

૨ જાન્યુઆરી, ૧૯૧૪માં રશિયન શહેર સેન્ટ પીટ્સબર્ગમાં જન્મેલી નૂરના પિતા ભારતીય મુસ્લિમ અને માતા ટીપુ સુલતાનના વંશજ હતાં (નાની ઉંમરમાં જ તેઓ પોતાના પરિવાર સાથે ઇંગ્લેન્ડ આવી ગયાં હતાં). યુવા વયે બ્રિટિશ એરફોર્સમાં મહિલા સહાયક દળમાં જોડાયેલી નૂરને તેની ફ્રેન્ચ ભાષા પરની પકડને લીધે જાસૂસ બનવાની ઓફર મળી જે તેણે સ્વીકારી લીધી. જર્મનો દ્વારા કબજે કરાયેલા ફ્રાંસના શહેર પેરિસમાં રહીને તે જાસૂસી કરતી હતી ત્યારે ૧૯૪૩માં તેની ધરપકડ કરવામાં આવી પરંતુ તમામ પ્રકારનું ટોર્ચર સહન કર્યા બાદ પણ તેણે પોતાનું મોં નહોતું ખોલ્યું. પેરિસથી તેને જર્મની મોકલી આપવામાં આવી જ્યાં ૧૧ સપ્ટેમ્બર, ૧૯૪૪ના રોજ તેને દેહાંત દંડ આપવામાં આવ્યો હતો. બ્રિટન અને તેના મિત્ર દેશોએ નૂર ઈનાયત ખાનને મરણોત્તર શૌર્ય પુરસ્કાર એનાયત કર્યો હતો. નૂરના જીવન પરથી ‘સ્પાય પ્રિન્સેસઃ ધ લાઇફ ઓફ નૂર ઈનાયત ખાન’ નામનું પુસ્તક પણ લખાયું છે.

એના ચેપમેનઃ ફ્રોમ રશિયા વિથ લવ

વર્તમાન જગતની સૌથી જાણીતી જાસૂસ હોય તો એ એના ચેપમેન છે. ૨૦૧૦માં ન્યૂયોર્ક શિફ્ટ થયેલી એના મૂળ રશિયન છે. ધાણીફૂટ અંગ્રેજી બોલનારી એના ફક્ત દેખાવે જ સુંદર નથી બલકે એનો આઇ.ક્યુ. પણ ૧૬૨ જેટલો ઊંચો છે. અર્થશાસ્ત્રના વિષયમાં ગ્રેજ્યુએટ થયેલી એનાની રશિયન જાસૂસ હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી ત્યારે મીડિયામાં દેકારો બોલી ગયો હતો. પોતાના રૂપની માયામાં લપેટીને તેણે અનેક અમેરિકન ઓફિસર્સ પાસેથી મેળવેલી ઇન્ફોર્મેશન રશિયા પહોંચતી કરી હતી. એના પર આજીવન કારાવાસનો ખતરો હતો પણ રશિયાએ અમેરિકા સામે એકબીજાના જાસૂસોની આપ-લેની ઓફર મૂકીને એનાને છોડાવી લીધી હતી. રશિયન ગવર્મેન્ટે તેને વિવિધ ઈનામો-અકરામોથી સન્માનિત કરી છે. આજે એના ચેપમેન રશિયામાં સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે.