Vishayantar - 1 books and stories free download online pdf in Gujarati

વિષયાંતર - 1 પુનર્જન્મની અજીબોગરીબ દાસ્તાન

વિષયાંતર

Vishayantar: 1: પુનર્જન્મની અજીબોગરીબ દાસ્તાન

લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

પુનર્જન્મ! વિવાદાસ્પદ કહી શકાય એવો મુદ્દો! હિન્દુ જેવા અમુક ધર્મોમાં પુનર્જન્મ એક હકીકત તરીકે સ્વીકૃત થયેલી જોવા મળે છે તો ખ્રિસ્તી જેવા ધર્મમાં પુનર્જન્મના અસ્તિત્વનો સદંતર વિરોધ જોવા મળે છે. પશ્ચિમી દેશોમાં તો ખ્રિસ્તી સમાજ પુનર્જન્મનો એટલો બધો વિરોધી છે કે, એલિયન જેવા અનેક વિષયો પર છાશવારે ગાંડીઘેલી ફિલ્મો બનાવતા રહેતા હોલિવુડે ક્યારેય પુનર્જન્મના વિષયને સિનેમાના પડદે કંડાર્યો નથી! પ્રયોગ ખાતરેય નહિં! ખ્રિસ્તી ધર્મ ન પાળનારા કોઈ ફિલ્મમેકરેય આ વિષયને હાથ પર લેવાની તસદી નથી લીધી, કેમ કે એમને ડર હોય છે કે આ વિષય પર આધારિત ફિલ્મ બનાવીશું તો કાળો (કે ધોળો!) કાગડોય જોવા નહિ જાય! ‘પુનર્જન્મ’ એ કદાચ એકમાત્ર વિષય છે જેના પર વેસ્ટર્ન વર્લ્ડમાં ફિલ્મો નથી બની. જોકે, ભારતનો (અને એશિયા, આફ્રિકાના મોટાભાગના દેશો અને સંસ્કૃતિઓનો) સિનારિયો જુદો છે. અહીં પુનર્જન્મને વાસ્તવિકતા તરીકે બહોળી સ્વીકૃતિ મળી છે અને આપણી ફિલ્મોમાંય એનો બખૂબી ઉપયોગ થયો છે. બિમલ રોયની ‘મધુમતિ’, સુભાષ ઘઈની ‘કર્ઝ’ અને રાકેશ રોશનની ‘કરન અર્જુન’ આવી ફિલ્મોમાં ઉલ્લેખનીય ગણાય.

આપણે ત્યાં પણ પુનર્જન્મને ન માનનારો મોટો વર્ગ છે, પણ આજે આપણે જે કહાનીથી રૂબરૂ થવા જઈ રહ્યા છે એ એક એવી દાસ્તાન છે જે ભલભલા નોન-બિલિવરને પુનર્જન્મ બાબતે પોતાના વિચાર બદલવા મજબૂર કરે એમ છે.

વાત બહુ જૂની છે. આઝાદી પહેલાના, ૧૯૩૦ના દાયકામાં દેશના પાટનગર દિલ્હીમાં આ રહસ્યમય ઘટનાએ આકાર લીધો હતો. ઘટનાય પાછી એવી કે, પાંખા પ્રચાર માધ્યમો હોવા છતાં તેણે સમગ્ર દેશમાં ખલબલી મચાવી દીધી હતી. ફક્ત નેશનલ જ નહીં, ઇન્ટરનેશનલ તખ્તે પણ એ ઘટના ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી. એ જમાનામાં દેશ આખામાં આઝાદી મેળવવાનું ઝનૂન છવાયેલું હતું અને બીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગવા શરૂ થઈ ગયા હતા, એટલે અખબારો એ બંને વિષયના સમાચારોથી છલકાતા રહેતા, તેમ છતાં પુનર્જન્મની એ કહાની છાપા-મેગેઝિનોમાં ખાસ્સી જગ્યા મેળવવામાં સફળ થઈ હતી.

નાનકડી બાળકીને વાચા ફૂટી અને શરૂ થયો એક રહસ્યમય સિલસિલો

નામ એનું શાંતિદેવી. ૧૧ ડિસેમ્બર, ૧૯૨૬ના રોજ દિલ્હીમાં જન્મેલી શાંતિદેવીના બાળપણના શરૂઆતના વર્ષો અન્ય બાળકોની જેમ ન નોર્મલ વિત્યાં. સામાન્ય રીતે બાળક દોઢ-બે વર્ષનું થાય એટલે કાલીઘેલી ભાષામાં બોલતું થઈ જાય છે; અમુક બાળકોને એકાદ વર્ષ વધુ લાગે એમ બને, પણ શાંતિદેવીની વાચા તે ચાર વર્ષની થઈ ત્યાં સુધી ફૂટી નહોતી. અને ચાર વર્ષની વયે તે જ્યારે બોલતી થઈ ત્યારે ‘મા’ કે ‘પાપા’ જેવા સામાન્ય શબ્દોને બદલે તે ‘મારા પતિ’ અને ‘મારા બાળકો’ જેવા શબ્દો બોલવા લાગી!

તે જે બોલતી એ શબ્દો અસામાન્ય હતા, પણ છોકરું છે એમ માની એને નજરઅંદાજ કરાયા. જોકે એમ કરવું લાંબો સમય શક્ય નહોતું. શાંતિદેવીની જીભ જેમજેમ ખૂલતી ગઈ તેમતેમ તે વધુ ને વધુ રહસ્યમય અંદાજમાં બોલતી ગઈ. તે કહેતી રહેતી કે, ‘મારા પતિ મથુરામાં રહે છે, એમની કપડાની દુકાન છે અને અમારે એક દીકરો પણ છે.’ તે પોતાની જાતને ચૌબેઇન તરીકે ઓળખાવતી. (તેના કહેવા મુજબ તેના પતિની અટક ચૌબે હતી એટલે ઉત્તરપ્રદેશની લોકબોલીમાં ચૌધરીની પત્ની ચૌધરાઇન કહેવાય એ નાતે તે પોતાની જાતને ચૌબેઇન કહેવડાવતી)

…અને શાંતિદેવીનું વર્તન પુખ્ત વયની સ્ત્રી જેવું થતું ગયું

શરૂઆતમાં તો તેની વાતો બાળસહજ કલ્પનામાં ખપાવી દેવાઈ, પણ તે સતત પોતાના પતિ અને દીકરા વિશે કોઈ પુખ્ત વયની સ્ત્રીની અદામાં વાતો કરવા લાગી ત્યારે તેના માતા-પિતાને ચિંતા થવા લાગી. રોજબરોજની જિંદગીમાં નાનકડી શાંતિદેવી મથુરાની વાતો વણી લેતી. જેમ કે, જમતી વેળાએ તે સહસા બોલી ઊઠતી, ‘અમે મથુરામાં અલગ પ્રકારની મીઠાઈઓ ખાઈએ છીએ.’ પોતાની માતાને તે વાળ બાંધવા અને સાડી પહેરવા બાબતે પૂરી ગંભીરતાપૂર્વક સલાહ આપતી. જાણે કે તે પોતે સાડી પહેરવામાં એક્સ્પર્ટ ના હોય! એક ચાર-પાંચ વર્ષની બાળકીને મુખે આવી વાતો સાંભળવું અત્યંત અસહજ ગણાય. તેની ઉંમરના અન્ય બાળકો રમકડાં વિશે વાતો કરતા ત્યારે શાંતિદેવી સંસારની ગંભીર વાતો છેડતી. પોતાના પતિ વિશે તે જણાવતી કે, ‘મારા પતિ ગોરા છે, તેમના ચહેરા પર એક મોટો મસો છે અને તેઓ ચશ્મા પહેરે છે. મથુરામાં શ્રીકૃષ્ણના મંદિર સામે આવેલી તેમની દુકાન ધમધોકાર ચાલે છે.’

શાંતિદેવી જે કહેતી એના પર એના પરિજનો વિશ્વાસ નહોતા મૂકી શકતા. તે જેમજેમ મોટી થતી ગઈ તેમતેમ તેની વાતો વધુ ને વધુ રહસ્યમય થતી ગઈ. છ વર્ષની ઉંમરે એક દિવસ તેણે ધડાકો કરતા કહ્યું, ‘ગયા જન્મમાં બાળકને જન્મ આપ્યાના થોડા દિવસો બાદ મારું મત્યુ થયું હતું.’ તેણે પોતાની ગર્ભાવસ્થા અને મરતાં પહેલા વેઠેલી પીડા વિશે એટલી વિસ્તારપૂર્વક વાતો કરી કે, તેના માબાપ ચોંકી ગયા. તેઓ શાંતિને ડૉક્ટર પાસે લઈ ગયા તો તેની વાતો સાંભળીને ડૉક્ટર પણ નવાઈ પામી ગયા કે, ફક્ત છ વર્ષની બાળકીને પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ બર્થ વિશે આટલું બધું નોલેજ કઈ રીતે હોઈ શકે!

હકીકતો કે કોરી બાળસહજ કલ્પનાઓ

શાંતિદેવી જે કંઈ બોલતી હતી એને પૂરી ગંભીરતાથી લઈને તેના માબાપે તેની પાકી પૂછપરછ કરી અને નાનકડી બાળકીએ મગજ સન્ન થઈ જાય એવી વાતો કરવા માંડીઃ ‘ગયા જન્મમાં મારું નામ લુગડીબાઈ હતું. મારો જન્મ ૧૮ જાન્યુઆરી, ૧૯૦૨ના દિવસે મથુરામાં થયો હતો. ૧૦ વર્ષની ઉંમરે મારા લગ્ન કરાવી દેવાયા હતા. મારા પતિ બહુ સારા સ્વભાવના હતા. એમની સાથે મેં ઘણા ધાર્મિક સ્થળોની યાત્રા કરી હતી. મારું પહેલું બાળક મૃત અવતર્યું હતું. બીજી વખતે મેં આગ્રાની હોસ્પિટલમાં એક દીકરાને જન્મ આપ્યો હતો, પણ એના જન્મ પછી નવ જ દિવસમાં ૨૫ સપ્ટેમ્બર, ૧૯૨૫ના રોજ મારું અવસાન થઈ ગયું હતું.’

શાંતિદેવી જે કહી રહી હતી એ અવિશ્વસનીય હતું. ગણતરી પ્રમાણે લુગડીબાઈના મૃત્યુ પછી ૧ વર્ષ, ૨ મહિના અને ૧૬ દિવસ બાદ શાંતિદેવીનો જન્મ થયો હતો. શાંતિદેવીની વાતો સાંભળીને લાગતું હતું કે તેનું ફક્ત શરીર બદલાયું હતું, આત્મા નહીં. તેના માબાપ ભારે મૂંઝવણમાં મૂકાયા, પણ આ મુદ્દે શું કરવું એની તેમને કોઈ ગતાગમ પડતી નહોતી.

સમય વીતતો ગયો એટલે શાંતિદેવીને તેના ગયા જન્મની વધુ યાદો તાજી થતી ગઈ અને તે હઠ કરવા લાગી કે તેને તેના પતિ પાસે મથુરા લઈ જવામાં આવે. જોકે, તે ક્યારેય પોતાના પતિનું નામ બોલતી નહોતી. તેના પતિનું નામ પૂછવામાં આવતું ત્યારે તે જવાબ આપતી કે, ‘હું મારા મોઢે મારા પતિનું નામ કઈ રીતે લઉં. મને મથુરા લઈ જાઓ, હું તેમને ઓળખી બતાવીશ.’ ભારતના ઘણા હિસ્સાઓમાં આજે પણ સ્ત્રીઓ પોતાના પતિનું નામ નથી બોલતી એટલે સ્વાભાવિક છે કે શાંતિદેવી પણ પોતાના પતિનું નામ લેતા ખચકાતી.

ગત જન્મના સગાં-સાથીઓ સાથે મેળાપ

શાંતિદેવી નવ વર્ષની થઈ ત્યારે એક દિવસ એક દૂરના સબંધી બિશનચંદે તેને કહ્યું કે, જો તે એમને તેના પતિનું નામ જણાવશે તો તેઓ ચોક્ક્સ તેને તેના પતિ પાસે લઈ જશે. બિશનચંદ એક શાળામાં શિક્ષક હતા અને સમાજમાં તેમની સારી શાખ હોવાથી શાંતિદેવીને એમની વાતમાં ભરોસો બેઠો. કોઈ ન સાંભળે એ રીતે તેણે બિશનચંદના કાનમાં એક નામ કહ્યું- પંડિત કેદારનાથ ચૌબે. તેણે પોતાના પતિનું સરનામું પણ આપ્યું. બિશનચંદે સત્વરે કેદારનાથને એક પત્ર લખ્યો અને એમાં શાંતિદેવીના વિવિધ દાવાઓ રજૂ કર્યા. થોડા જ દિવસોમાં કેદારનાથનો જવાબી ખત આવ્યો જેમાં તેમણે શાંતિદેવીના મોટાભાગના દાવા સાચા હોવાનું જણાવ્યું હતું. કેદારનાથે પોતાના દિલ્હીમાં રહેતા એક સગાને શાંતિદેવીની મુલાકાત લેવાનું સૂચવ્યું.

કેદારનાથના સગા કાનજીમલ શાંતિદેવીને મળવા આવ્યા ત્યારે શાંતિદેવીએ તરત તેમને કેદારનાથના પિતરાઈ ભાઈ તરીકે ઓળખી કાઢ્યા. કાનજીમલે જે કંઈ સવાલ કર્યા એના શાંતિદેવીએ સચોટ જવાબ આપ્યા ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયા.

વાતની ગંભીરતા પારખી કાનજીમલ તરત જ મથુરા જવા ઉપડ્યા. ત્યાં જઈ તેમણે કેદારનાથને બધી વાતો કરી. શાંતિદેવી વિશે જાણીને આશ્ચર્યચકિત થયેલા કેદારનાથ પોતાના દીકરા નવનીતને લઈને દિલ્હી આવ્યા. શાંતિદેવીની કસોટી કરવા કાનજીમલે તેને કેદારનાથનો પરિચય કેદારનાથના મોટા ભાઈ તરીકે આપ્યો ત્યારે શાંતિદેવીએ શરમાઈને કહ્યું, ‘તેઓ ખુદ મારા પતિ છે.’ શાંતિદેવીના માબાપે નોંધ્યું કે કેદારનાથનો દેખાવ શાંતિદેવી વર્ષોથી વર્ણવતી આવી હતી એવો જ હતોઃ ગોરો વાન, આખેં ચશ્મા અને ચહેરા પર મોટો મસો.

મહેમાનોના ભોજન માટેની તૈયારી થવા લાગી ત્યારે શાંતિદેવીએ પોતાની માતાને કેદારનાથને ભાવતી વાનગીઓ બનાવવા કહ્યું. રસોઈ બનતી હતી ત્યારે કેદારનાથે શાંતિદેવીને વિવિધ પ્રશ્નો પૂછ્યા. શાંતિદેવીએ જણાવ્યું કે, તેમના મથુરાના ઘરના આંગણામાં એક કૂવો છે જ્યાં તે ગત જન્મમાં વહેલી સવારે સ્નાન કરતી હતી. તેણે કેદારનાથના ઘરની બાંધણી અને ઓરડાઓ વિશે પણ સાચેસાચુ જણાવી દીધું.

પોતાના દીકરા નવનીતને ગળે લગાડતી વખતે શાંતિદેવીની આંખો છલકાઈ ગઈ. આ એ જ દીકરો હતો જેને જન્મ આપ્યાના ટૂંકા ગાળામાં શાંતિદેવીનું (ગત જન્મમાં લુગડીબાઈનું) મૃત્યુ થયું હતું. કેદારનાથને નવાઈ લાગી કે નવનીત ફક્ત નવ દિવસનો હતો ત્યારે તેને મૂકીને ગુજરી ગયેલી શાંતિદેવીએ નવનીતને કઈ રીતે ઓળખી કાઢ્યો! તેમની મૂંઝવણ દૂર કરતા શાંતિદેવી બોલી કે, ‘મારો દીકરો મારા આત્માનો જ હિસ્સો છે. હું એને કઈ રીતે ન ઓળખું!’ વિધાતાનો ખેલ તો જુઓ કે એ સમયે માતા પોતાના દીકરા કરતાં વયમાં લગભગ સવા વર્ષ નાની હતી.

કસૌટીએ ચડેલા શાંતિદેવીના દાવાઓ

દિલ્હી-નિવાસ દરમિયાન કેદારનાથે શાંતિદેવીને અનેક પ્રશ્નો કર્યા, જેમાંના અમુક તો એટલા અંગત હતા કે પત્ની તરીકે ફક્ત લુગદીબાઈ જ જાણતી હતી. શાંતિદેવીએ એ તમામ પ્રશ્નોના સંતોષકારક અને સચોટ જવાબ આપ્યા, એ પછી કેદારનાથને પાક્કી ખાતરી થઈ ગઈ કે શાંતિદેવી ખરેખર લુગદીબાઈનો પુનર્જન્મ હતો. શાંતિદેવી પોતાના ગત જન્મના પતિને હજુ પણ પ્રેમ કરતી હોવાથી તેણે કેદારનાથ સાથે મથુરા જવાની જીદ પકડી, પણ તેના મા-બાપે તેને મથુરા જવા ન દીધી. નાનકડી દીકરી પર મા-બાપનેય હેત હોય ને!

શાંતિદેવીની અજીબોગરીબ દાસ્તાન અખબારોને પાને ચઢતા વાર ન લાગી. પુનર્જન્મનો આટલો સચોટ દાખલો દેશ અને દુનિયાએ કદાચ પહેલીવાર જાણ્યો હતો. દુનિયાભરના મીડિયામાં શાંતિદેવીની ચર્ચા જામી. ઘણાએ શાંતિદેવીના દાવાને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો. શાંતિદેવીનો કિસ્સો વિવાદિત બની ગયો.

જ્યારે મહાત્મા ગાંધી સરીખી હસ્તીએ આ કિસ્સામાં ઝંપલાવ્યું…

આ આખો મામલો એટલી હદે ચગ્યો કે દેશની સૌથી વધુ જાણીતી હસ્તી મહાત્મા ગાંધીને પણ એમાં ઝંપલાવ્યું. ગાંધીએ ૧૫ સભ્યોની એક ટીમ બનાવી અને તેમને શાંતિદેવીના કેસની યથાર્થતા ચકાસવાનું કામ સોંપ્યું. આ ટીમમાં સંસદસભ્યો, રાષ્ટ્રીય સ્તરના નેતાઓ અને મીડિયાના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. આ ટીમ શાંતિદેવીને લઈને મથુરા ગઈ. એ સમયે મથુરામાં શું બને છે એના પર દુનિયાભરના પ્રચાર માધ્યમોની નજર હતી.

૧૦ વર્ષની શાંતિદેવી મથુરા પહેલી જ વાર ગઈ હોવા છતાં તે મથુરાની ભૂગોળથી પરિચિત હતી. રેલવે સ્ટેશનથી પોતાના સાસરાના ઘર સુધી તે બધાને આસાનીથી દોરી ગઈ. રસ્તામાં આવતા મંદિરો અને અન્ય સ્થળો વિશે પણ તે એક્સ્પર્ટની જેમ બોલતી ગઈ, જાણે કે તે વર્ષોથી મથુરામાં રહી હોય! એટલું જ નહીં, તેના ઉચ્ચાર પણ મથુરાવાસીઓ જેવા જ હતા.

સાસરામાં શાંતિદેવીની પરિક્ષા

સાસરે પહોંચેલી શાંતિદેવીની કસૌટીઓ જારી રહી. સાસરાના મકાનની બહાર પુરુષોનું એક ટોળું ઊભું હતું. એ ટોળાંમાંથી એક વ્યક્તિને ઓળખી કાઢવાનું કહેવાયું ત્યારે શાંતિદેવીએ આગળ વધીને એક વૃદ્ધ વ્યક્તિના ચરણસ્પર્શ કર્યા અને તેમને પોતાના સસરા તરીકે ઓળખાવ્યા. વડીલ ખરેખર તેના- લુગદીબાઈના- સસરા હતા. શાંતિદેવીને મકાનની અંદર લઈ જતાં પહેલા ઘરના ઓરડા, જાજરૂ વિગેરે બાબતે પ્રશ્નો કરાયા. એક પણ ભૂલ વિના તેણે તમામ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા. સાસરાપક્ષના લોકો સાથે સંવાદ કરતી વખતે તેણે એવા શબ્દો વાપર્યા જે ફક્ત અને ફક્ત મથુરાના ચૌબે સમાજમાં જ બોલાતા હતા. દિલ્હીમાં જન્મેલી બાળકીને કાને એવા શબ્દો ક્યારેય પડ્યા હોય એવી કોઈ શક્યતા જ નહોતી.

મકાનના બીજા માળે એક ખૂણામાં રાખેલી ફૂલદાનીના કૂંડા પાસે જઈ શાંતિદેવી બોલી, ‘આ કૂંડામાં હું ઘરખર્ચમાંથી બચાવેલા પૈસા મૂકતી હતી. એ તપાસો.’ કૂંડું ખોલાયું તો અંદર કોઈ પૈસા નહોતા. શાંતિદેવીના દાવા પર પહેલીવાર શંકા જાય એમ હતું ત્યાં કેદારનાથે કબૂલ કર્યું કે, લુગદીબાઈના અવસાન પછી તેણે એ પૈસા કાઢી લીધા હતા.

સાસરેથી શાંતિદેવીને લુગદીબાઈના પિયર લઈ જવાઈ, જ્યાં તેણે પોતાના મા-બાપ અને અન્ય સગાંને ઓળખી બતાવ્યા. મા-દીકરી ગળે વળગીને પોક મૂકીને રડ્યાં અને એ દૃશ્ય ત્યાં હાજર રહેલા સૌની આંખો ભીંજાવી ગયું. હવે બધાંને ખાતરી થઈ ચૂકી હતી કે શાંતિદેવી લુગદીબાઈનો જ પુનર્જન્મ હતો.

દુનિયાભરમાં મળેલી પ્રસિદ્ધિ

શાંતિદેવીના કેસની તપાસ માટે નીમાયેલી ટીમે પોતાનો અહેવાલ અખબારોમાં પ્રકાશિત કર્યો અને દુનિયાભરમાં હલચલ મચી ગઈ. એ પછી તો ઘણા ઘણા સાધુ-સંતો, મનોચિકિત્સકો અને બૌધિકો શાંતિદેવીને મળવા આવ્યા. મોટાભાગના શાંતિદેવીના દાવા પોકળ અને જૂઠા માનીને આવતા અને હકીકત જાણી આશ્ચર્યચકિત થઈને પાછા ફરતા. વિદેશથી પણ ઘણા પત્રકારો અને જાણકારો શાંતિદેવીની ખરાઈ કરવા આવ્યા. અમુક તો શાંતિદેવીને જૂઠી સાબિત કરવા જ આવ્યા હતા, પણ કોઈ સફળ ના થયા. પ્રત્યેક ચકાસણી બાદ સાબિત થયું કે શાંતિદેવી ન તો જૂઠી હતી કે ન તો પાગલ.

૧૯૭૦ના દાયકામાં સ્વીડનના સ્ટુરલોનરસ્ટ્રેન્ડ નામના મહોદય શાંતિદેવીના દાવાઓને ‘એક્સપોઝ’ કરવા આવ્યા, પણ શાંતિદેવીને મળીને તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે સ્વીડિશ ભાષામાં શાંતિદેવી વિશે એક પુસ્તક લખી નાંખ્યું. પુષ્કળ સંશોધન બાદ લખાયેલા આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પણ ‘આઇ હેવ લિવ્ડ બિફોરઃ ધ ટ્રુ સ્ટોરી ઓફ ધ રિઇન્કાર્નેશન ઓફ શાંતિદેવી’ (હું અગાઉ પણ જીવી ચૂકી છું- શાંતિદેવીના પુનર્જન્મની સાચી કહાની) થયો છે. આ ઉપરાંત પણ શાંતિદેવી વિશે પુષ્કળ સંશોધન થયું છે અને ઘણું બધું લખાયું છે.

પ્રસિદ્ધિ પછીનું જીવન

શાંતિદેવીએ લગ્ન ન કર્યા. ગત જન્મની યાદો સાથે જ તેમણે આયખું વીતાવી દીધું. લુગદીબાઈ અને શાંતિદેવી તરીકે બેવડી જિંદગીઓ જીવીને તેમણે તમામ સંબંધો સુપેરે નીભાવી જાણ્યા. ૨૭ ડિસેમ્બર ૧૯૮૭ના રોજ તેમનું અવસાન થયું અને એક અનોખા, રહસ્યમય અને કુદરતનો કરિશ્મા જ કહેવાય એવા જીવનની લીલા સંકેલાઈ ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED