Vishayantar - 4 books and stories free download online pdf in Gujarati

વિષયાંતર-4 પક્ષીઓની ભાષા બોલતો સાચુકલો ટારઝન

વિષયાંતર

Vishayantar-4: પક્ષીઓની ભાષા બોલતો સાચુકલો 'ટારઝન'

લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

એક દ્રશ્યની કલ્પના કરો. એક યુવાન એક સ્ટેજ ઉપર ઊભો છે અને માઇક્રોફોનમાં કાગડાની જેમ કા... કા... અવાજ કરી રહ્યો છે. તેનો કર્કશ અવાજ સાંભળી થોડી જ વારમાં ઘણાબધા કાગડા તેની આસપાસ એકત્ર થઈ જાય છે. કેટલાક કાગડા આજુબાજુનાં વૃક્ષો ઉપર બેસી જાય છે તો કેટલાક છાપરા ઉપર સ્થાન જમાવે છે. અમુક તો સ્ટેજ ઉપર પેલા યુવાનની સાવ નજીક જઈને આસન ગ્રહણ કરે છે. આ લાવલશ્કર એકી સાથે કા... કા... કરવા લાગે છે અને એમના સમૂહગાનને પ્રત્યક્ષ જોનાર લોકો દંગ રહી જાય છે. કાગડાઓને તેમની જ ભાષામાં બોલીને પોતાની પાસે ખેંચી લાવનાર યુવાન પ્રતિ દર્શકોને અહોભાવ અને આશ્ચર્યના ભાવ ન જાગે તો જ નવાઈ.

હિન્દી ફિલ્મ 'મહારાજા'માં અભિનેતા ગોવિંદા પાસે એવી કુદરતી બક્ષિસ હોવાનું બતાવાયું હતું જેના થકી એ પશુ-પક્ષીઓ સાથે સંવાદ સાધી શકતો હતો. કાલ્પનિક પાત્ર ટારઝન પણ જંગલમાં ઉછર્યો હોવાથી આવી શક્તિ ધરાવતો હતો. ગૌતમ સપકોટા નામના નેપાળી યુવાનને અસલી ટારઝન કહી શકાય કેમ કે તે પક્ષીઓ સાથે રીતસર વાતચીત કરી શકે છે! વાતચીત એટલે એ રીતની કે તે કાગડાને એમની જ ભાષામાં આદેશ આપીને એમની પાસે પોતાનું ધાર્યું કરાવી શકે છે. ગૌતમના એક ઈશારે કાગડા શાંત થઈ જાય છે અને તે કહે ત્યારે ઊડીને ત્યાંથી દૂર જતા પણ રહે છે. હેટૌડા શહેરનો વતની ગૌતમ 'બર્ડ બ્રધર' એટલે કે ‘પક્ષીઓના ભાઇ’ તરીકે નેપાળમાં બહુ મશહૂર થયો છે.

આવી અસામાન્ય ક્ષમતા તેનામાં ક્યાંથી આવી એના વિશે વાત કરતા ગૌતમ જણાવે છે કે, બાળપણમાં ટી.વી. પર પક્ષીઓને લગતો એક પ્રોગ્રામ જોતી વખતે તેને પક્ષીઓની ભાષા બોલતા શીખવાનો વિચાર આવ્યો હતો. પછી તો તેણે જંગલમાં, વગડામાં અને પ્રાણી સંગ્રહાલયોમાં ફરીને વિવિધ પક્ષીઓનો અભ્યાસ કરવા માંડ્યો. કલાકો સુધી તે પક્ષીઓનો કલબલાટ સાંભળતા રહેતો અને તેની નકલ કરવાની પ્રેક્ટિસ કરતો રહેતો. લાગણીનાં પ્રદર્શન માટે દરેક પક્ષી અલગ અલગ પ્રકારનાં અવાજ કરતું હોય છે એટલે એ તમામ અવાજોને સમજવા, યાદ રાખવા અને શીખવા ગૌતમ માટે કેટલું મુશ્કેલ બન્યું હશે એ સમજી શકાય એવી વાત છે. ગૌતમની વર્ષોની ધીરજ અને મહેનતનો આખરે અંત આવ્યો અને તે પક્ષીઓના અવાજની આબેહૂબ નકલ કરવામાં સફળ થયો. તેણે જાહેરમાં પોતાની આ વિશિષ્ટ કળાનું પ્રદર્શન કરવા માંડ્યું. તેના શો તાત્કાલિક હિટ થયા કેમ કે તે જે કરતો એ અદ્‍ભુત અને અવિશ્વસનીય હતું. અબોલ પક્ષીઓ સાથે તેને સંવાદ સાધતો જોઈને દર્શકો દંગ થઈ જતા. હાલમાં ૩૦ વર્ષનાં ગૌતમને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો કેમ કે શાળામાં હતો ત્યારે પણ તે તેના સહાધ્યાયીઓનાં મનોરંજનાર્થે કાગડાઓને બોલાવીને આવી અનોખી ‘કાગ કોન્ફરન્સ’નું આયોજન કરતો હતો.

નેપાળનાં ૭૫ પૈકી ૬૬ જિલ્લાઓમાં ગૌતમે પોતાના શો કર્યા છે. પોતાની આ અનોખી કળા થકી ગૌતમે નેપાળમાં સેલિબ્રિટી સ્ટેટસ મેળવ્યું છે. પોતાના શોમાં પક્ષીઓ સાથે વાતચીત કરીને લોકોનું મનોરંજન કર્યા બાદ તે પક્ષીઓનાં સંવર્ધન બાબતે લોકોને જાણકારી પણ આપે છે. આજ સુધી તેણે નેપાળની ૬૫૦૦ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને પક્ષીઓની જીવનશૈલી અને પર્યાવરણમાં તેમના મહત્ત્વ વિશે માહિતગાર કર્યા છે. જનજાગૃતિનાં આ ઉમદા કાર્ય બદલ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર સંસ્થાએ તેને ખાસ એવોર્ડ આપીને સન્માનિત પણ કર્યો છે.

હિન્દુ ધર્મમાં કાગડાનું વિશેષ મહત્ત્વ છે. પુરાણો મુજબ બલિ રાજાને ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને પાતાળ લોક મોકલી દીધા હતા. કાગડાને એ બલિ રાજાનાં દૂત ગણવામાં આવ્યા છે. શ્રાદ્ધનાં દિવસોમાં કાગડાને અપાતા ભોજનને 'કાગ વાસ' કહેવામાં આવે છે અને એ કાગ વાસ બલિ રાજાનાં દૂત એવા કાગડા થકી પૂર્વજોને પહોંચતું હોવાની માન્યતા છે. હિન્દુઓની બહુમતિ ધરાવતા નેપાળમાં પણ ભારતની જેમ દિવાળીનો તહેવાર પાંચ દિવસ સુધી મનાવવામાં આવે છે. તહેવારનો પહેલો દિવસ 'કાગ તિહાર' નામે ઓળખાય છે જેમાં ઘરની છત ઉપર કાગડા માટે વિવિધ વાનગીઓ મૂકવામાં આવે છે. ઘરની છત ઉપર બેસીને બોલતા કાગડાને શુભ સમાચાર લાવનાર ગણવામાં આવે છે. એંઠવાડ અને મૃતદેહોનું ભક્ષણ કરી કાગડા પર્યાવરણમાં સફાઈ કામદાર તરીકેનો બહુ જ ઉપયોગી રોલ પણ નિભાવે છે.

નેપાળમાં જોવા મળતી પક્ષીઓની ૮૭૧ પ્રજાતિઓ પૈકી ૧૪૯ નામશેષ થવાની અણી પર છે. નામશેષ થવાની ભીતિ ન હોવા છતાં અહીં કાગડાઓની સંખ્યા પણ ઝડપથી ઓછી થઈ રહી છે. ખેતરાઉ ઉંદર કાગડાનું મુખ્ય ભોજન છે. ખેતરોમાં થતી ઉપજને ઉંદરોથી બચાવવા માટે જે દવાઓ ઉપયોગમાં લેવામાં આવી રહી છે તેને લીધે ઉંદરોની વસ્તી ઘણી ઓછી થઈ ગઈ છે. આ કારણસર પણ કાગડાની વસ્તીમાં ઘટાડો નોંધાયો છે.

ગૌતમના કહેવા મુજબ તે કુલ ૨૫૧ પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે અને આ સિદ્ધિ બદલ તેનું નામ ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાય એવી આશા રાખે છે. તેની ઈચ્છા તો સારસ પક્ષીનાં અવાજમાં નેપાળી ગીતો ગાઈને એક મ્યુઝિક આલ્બમ બનાવવાની પણ છે. આ ઉપરાંત તે જે પક્ષીઓનાં અવાજની નકલ કરી શકે છે એ તમામ અવાજોને પણ ટેપ પર અંકિત કરવાની તેને મહેચ્છા છે. પક્ષીઓ ઉપરાંત વાનરોની ભાષામાં વાતચીત કરવામાં પણ તેની માસ્ટરી છે.

ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે પ્રયત્નશીલ ગૌતમ તેને આ કામમાં સરકારની મદદ મળતી ન હોવા બાબતે બળાપો કાઢે છે. નેપાળ સરકારનો સહકાર ન મળવાથી નારાજ ગૌતમ પોતાનો વિરોધ દર્શાવવા એક અનોખી રીત અજમાવવા જઈ રહ્યો છે. તેણે સરકારને ચીમકી આપી છે કે જો ત્રણ મહિનાની અંદર તેની માગણી નહીં સંતોષાય તો તે પાટનગર કાઠમંડુના હવાઇમથક પર સેંકડો પક્ષીઓને બોલાવીને વિમાનોનું આવાગમન સ્થગિત કરાવી દેશે. આ લખાય છે ત્યાં સુધી તો નેપાળ સરકારે તેની ધમકી ઉપર પ્રતિક્રિયા જાહેર નથી કરી. અસંતુષ્ટ ગૌતમ પોતાનું કહેલું કરી બતાવશે તો ચોક્કસપણે એ એક અભૂતપૂર્વ ઘટના બની રહેશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED