સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 8 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 8

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૮

અમાત્યને ઘેર

નવીનચંદ્ર અમાત્યને ઘેર સવારસાંજ જમવા જવા લાગ્યો. શઠરાયને ઘેર કોઇનો અતિથિનો પણ - ભાવે પુછાતો ન હતો અને શેઠ આવ્યા તો નાંખો વખારે એમ સૌ કોઇને થતું. ઘરમાં આવનાર, પાસે બેસનાર, સાથે જમનાર, સૌ કોઇ શઠરાયને ઘેર જાય ત્યારે તેમનાં તેમ પાછાંં આવતાં, કૂતરાની પેઠે કોળિયો ધાન ખાય, પણ શઠરાય પોતાની સાથે બોલે કે ચાલે નહીં એટલે આવનારને મન એમ જ થતું કે અહીંયાં ક્યાં ભરાઇ પડ્યા ?

બુદ્ધિધનને નાનપણમાં કોઇ વાર નોતરું તો તેડું નહીં ને તેડું તો નોતરું નહીં એમ થતું. ન જાય ને પાછળથી શઠરાયને સાંભરે કે એ આવ્યો નથી તો એને માથાના ફરેલમાં ગણે. કોઇ વાર તો કોઇ એવો મશ્કરી કરે અથવા એવું તો અભિમાન ભરેલું વાક્ય બોલે કે ઘરમાં આવેલો પડે ને

લાગ મળે તો છાનોમાનો અથવા કંઇ બહાનું કાઢી ઘેર નાસી આવતો. આ સૌ જૂના જમાનાની વાત હતી પણ બુદ્ધિધનને હજી સુધી સાંભરતી હતી અને પોતાના ઘરમાં કોઇને એવું ન થાય માટે જાત બહુ સાવચેત રહેતો અને છોકરાં તથા ચાકરોને પણ સભ્યતા અને વિવેકની રીતમા તેણે કેળવી

મૂક્યાં હતાં. બુદ્ધિધનની જોડે નવીનચંદ્રનો પાટલો નંખાતો. પંક્તિભેદ રજ પણ થતો નહીં, અને અથડાતા ભમતા વટેમાર્ગું જેવા અતિથિ જોડે શુદ્ધ

મનથી, વાણીથી અને કર્મથી સમાનભાવ રાખી સુવર્ણપુરના મહારાજનો પ્રિય બુદ્ધિશાળી અમાત્ય રસભેર વાતો કરતો અને ન બોલતો બોલાવી

ચર્ચા ચલાવતો, અને તે ચર્ચામાં બુદ્ધિનું અભિમાન લેશ પણ દેખાતું ન હતું. જમવાને પ્રસંગ સાથે જમવા બેઠેલો પ્રમાદધન અતિથિને હઠહઠ

કરતો,અને તેની સગવડની સંભાળ રાખતો. સૌભાગ્યદેવી, અલકકિશોરી, સુમુદસુંદરી ગૂંચળું વળી જમનારની આગળ બેસતાં અને છાનાંમાનાં પાનની બીડીઓ કરતાં.

શઠરાયને ઘેર બુદ્ધિધને જુદી જ જાતનો દેખાવ જોયેલો હતો. ખલકનંદા અને રૂપાળી ઘરમાં ધબધબ ચાલે, દોડાદોડ કરે, હોંકારા કરે, હોંકારા પાડે, અને ચાકરોની સાથે ઘડીકમાં હસે અને ઘડીકમાં તેમને છણકા કરે. પૈસો ઘણો હોવાથી શરીર પણ ઘરેલાં ઘણાં રાખે અને તેથી વધારે છાક રાખે.

પણ એટલામાં જ તેમના મોટાપણાની સીમા આવી રહેતી. ઘરની સંભાળ

રાખવી કે ત્રેવડ કરવી તેનં કોઇને ભાન નહીં માથે લૂગડું ઓઢવાની તોબાધા.

એકબે લટિયાં ઊડતાં ન હોય તો ભાગ્યશાળી. ભલું હોય તો વાંસો હોય

કે ભલું હોય તો કમખો પહેર્યો ન હોય. ચણિયા પહેરવાથી શ્રમ લાગતો અને ઊઠતાં બેસતાં પહેરેલું લૂગડું કેમ રહે છે તેની જાતે સરત રાખવાની ટેવ ન હતી અને પરભાર્યાને યાદ આપવાની જરૂર ન રહેતી અથવા લાગે તો આવી બાબતમાં બૈરાંમાણસને મોંએ કહેતા શરમ આવતી. ઘરના પુરુષો પારકાં બૈરાંની ચેષ્ટા કરતા પણ પોતાના ઘરમાં જોતા ન હતા. એમાંથી પરિણામ એ થયું હતું કે ઘરમાં આવનાર જનાર લાગ મળ્યે બૈરાં સાથે અણઘટતો પરિચય લેતા. બુદ્ધિધને આ સૌ જોયું હતું, કંટાળો આવ્યો હતો.

અને પોતાના ઘરમાં એવું ન થાય તે સારુ ખાસ ચટ અને ચીવટ રાખતો હતો. એની નાતમાં દેખીતો ઘૂંઘટો તાણવાનો ચાલતો ન હતો. પરંતુ પરભાર્યાં મોટાં માણસો આવે ત્યારે સ્ત્રીઓ સંતાઇ રહેવા જેવું કરતી.

નવીનચંદ્ર મોટા માણસમાં ગણાતો ન હતો અને પોતાની નાતનો એટલે એ જમતો હોય તે વખત કોઇ એની શરમ ન પાળતાં પણ ચાલતા સુધી તેના દેખતાં વાતોમાં ભાગ નહોતાં લેતાં.

નવીનચંદ્ર પણ કાંઇક શરમાળ હતો, સ્ત્રીવર્ગ સાથે જાતે પરિચય

લેતો ન હતો, અને ચાલતા સુધી ઘરમાં કોઇને ભારે ન થઇ પડે એવી રીતે રાખતો. બેચાર દિવસમાં તો તેની સુશીલતાને લીધે તે સૌને ઘરના માણસ જેવો લાગવા માંડ્યો. પ્રથમ મેળાપનો સમયે બુદ્ધિધનને વિચિત્ર લાગ્યો હતો તે અભિપ્રાયમાં કાંઇક ફેર પડ્યો. જમ્યા પહેલાં અને પછી પ્રમાદધન જોડે તે ગપ્પાં મારવા બેસતો. પ્રમાદધનને એેનું ‘ઇંગ્લિશ નૉલેજ’ સારું

લાગ્યું અને તેની તેણે પિતાને વાત કહી. એમ પણ માલૂમ પડ્યું કે એ

મુંબઇનાં મોટાં અંગ્રેજી વર્તમાનપત્રોમાં લખવાનો પ્રસંગ રાખે છે. આવા આથડતા માણસની બાબતમાં બુદ્ધિધને આ તરત માન્યું નહીં.

એવામાં એક દિવસ નવીનચંદ્રવાળું સારુ આવેલો હતો. તે દિવસ દરબારના કામમાં બુદ્ધિધન રોકાયેલો હોવાથી વાળુનો વખત વીતી જવા છતાં કાંઇ ઠેકાણું ન હતું. નવીનચંદ્ર પ્રમાદધન સાથે એક દીવાનખાનામાં બેઠો હતો. બીજા છસાતેક જણા પ્રમાદધનને મળવા આવેલા હતા તે પણ બેઠા હતા. પ્રમાદધન સૌની વચમાં એક આરામખુરસી પર પડ્યો હતો.

બધા બેઠા હતા તેમાંથી એક જણે એની પાઘડી લઇ ખૂંટીએ મૂકી અને બીજાએ અંગરખું મૂક્યું. ત્રીજાએ એને બંડી કાઢતાં મદદ કરી. ચોથો એનાં વખાણ કરવામાં રોકાયો હતો. પાંચમો તેમાં હાજિયો ભણતો હતો અને છઠ્ઠો એના શત્રુઓ અથવા પ્રતિસ્પર્ધીઓ શોધી કાઢી તેમની નિંદા કરતો હતો.

એવામાં ટપાલ આવી. કાગળો એકદમ સર્વ મંડળના અધ્યક્ષ

પ્રમાદધનના કાથમાં મુકાયા. પહેલવહેલું અંગ્રેજી ‘ન્યૂસપેપર’ ફોડ્યું. ચારેબાજુઓ ઝપઝપ અધીરાઇથી ઉથલાવી આંખો તળે કાઢી હર્ષ અને ઉત્સાહથી પ્રમાદધન બોલ્યા :

‘નવીનચંદ્ર ! પેલો ‘આર્ટિકલ’ આવ્યો છે.’ પિતાની ખાતરી કરી આપવા નવીનચંદ્ર પાસે લખાવી એક વાનું મોકલ્યું હતું તે આજના છાપામાં હતું.

‘હે ! આવ્યું ? વાંચો, વાંચો.’ એક મિત્ર બોલ્યો.

તે વંચાવા માંડ્યું. એટલામાં બુદ્ધિધન આવ્યાની ખબર પડી. સર્વ

મંડળ વેરાયું. પ્રમાદધન અને નવીનચંદ્ર ભોજનગૃહમાં ગયા ત્યાં એક પાટ ુઉપર વચ્ચોવચ ભીંતનો તકિયો કરી અલકકિશોરી બેઠી હતી. પાટ પાસે એક બારી પર હાથ મૂકી કુમુદસુંદરી ઊભી હતી. જમીન પર એક પાટલા પર બેસી પાસેની સગડીમાં સૌભાગ્યદેવી તાપતી હતી. પાંચછ યુવતીઓ પાટ પર બેઠી હતી અને ગામગપાટા હાંકતી હતી. વૃદ્ધ થયેલા દયાશંકરની

સ્ત્રી - ડોશી થયેલાં ‘જમનાકાકી’ સૌભાગ્યદેવીની પાસે બેસી તાપતાં તાપતાં ધીમા સાદે વાતો કરતાં હતાં. અમાત્ય આવ્યાની પ્રમાદધને ખબર કરી એટલે સૌ મંડળ વેરાઇ ગયું અને માત્ર ઘરનાં જ માણસ રહ્યાં. અલકકિશોરી પાટ ઉપરથી ઊઠી અને ત્યાં પ્રમાદધન બેઠો તથા બાજુએ નવીનચંદ્ર બેઠો.

કુમુદસુંદરી ભણી પુરુષોની પીઠ હતી. અલકકિશોરી ભાભી પાસે જઇ સોડમાં ઊભી, હળવે રહી તેને બે ભુજ ભરી દાબી અને કામમાં કહ્યું

ઃ ‘હાશ, હવે હૂંફ વળી. ભાભી ! તમારા શરીરમાં ગરમાવો તો ઠીક રહે છે - શિયાળાની રાતમાં.’ કુમુદસુંદરીએ મોં મલકાવ્યું અને અલકકિશોરી બાથ છોડી છૂટી ઊભી રહી. કુમુદસુંદરીને નવીનચંદ્રને જોતાં ઊપજતો ક્ષોભ

દિવસે દિવસે ઓછો થતો હતો.

બુદ્ધિધન આવ્યો અને પાટલા નંખાયા. સૌૈ જમ્યાં. જમતી વખતે

પ્રમાદધને નવીનચંદ્રના ‘આર્ટિકલ’ની વાત કરી. બુદ્ધિધન કહે, ‘હા, એ મેં

જાણ્યું. સાહેબના શિરસ્તેદાર આવ્યા છે તેમણે એ વાંચ્યું અને વખાણ્યું. ઠીક

લખ્યું છે. નવીનચંદ્ર ! તમારે બધી જાતનો અનુભવ જોઇતો હોય તો અત્રે રહો. અમારે એક અંગ્રેજી લખનાર જોઇએ છે. એ અનુકૂળ પડશે તો રાણાજીને કહીશું પ્રસંગ આવ્યે.’

સૌ જમી રહ્યાં. રાત ઘણી ગઇ હતી. નવીનચંદ્રને અમાત્યને ઘેર સૂવાનું ઠર્યું અને પ્રમાદધનને બેસવાના દીવાનખાનામાં પથારી થઇ. તે સૂતો જોડેના દીવાનખાનામાં. અને માએ તથા ભાભીએ શિખામણ દીધી કે

‘સાસરે ના કહાવ.’ પણ ‘ના શું કહાવવી છે ? જાણશેસ્તો.’ કરી ના કહાવ્યું. પ્રમાદધનને સૂવાને વાર હતી એટલે નણંદભોજાઇ સગડી કરાવી ગપાટા મારવા બેઠાં.

બુદ્ધિધનને આજ કાંઇ અસાધારણ બનાવો સાંભળવાનો દિવસ હતો.

બાપદીકરો દીવાનખાનામાં જઇને બેઠા.

‘પિતાજી ! શઠરાયના તરફના સમાચાર સાંભળ્યા ?’

‘મને લાગે છે કે આપણી વાત કાંઇક ફૂટી છે. કોના તરફથી ફૂટી છે અને કઇ રીતે તે જોવાનું છે.’

એવામાં વરધી મંગાવી અંદર એક સિપાઇના વેશવાળો આવ્યો. તે નરભેરામ હતો. એ શઠરાયનું માણસ થઇ રહ્યો હતો પરંતુ અંદરથી બુદ્ધિધનના પક્ષમાં હતો. બાપદીકરા સામે તે બેઠો.

‘બુદ્ધિધનભાઇ ! કામ વસમું થયું છે.’

‘શું ?’

‘આજ સુધી તો આપનો અને રાણાનો સંબંધ શઠરાયને અંધારામાં રહ્યો.હાલમાં આપ બે જણ વારંવાર મળો છો અને શિકારે ગયા હતા ત્યારે રાજેશ્વર મહાદેવમાં મળ્યા હતા તે કારભારીને ખબર થઇ છે.’

‘બસ ? એટલું જ કે ?’

‘વહેમવાળા માણસને દૂર કરવો એ એનો નિશ્ચય છે - એવી એને ટેવ છે.’

‘તે ?’

‘રાજબા અને આપની વચ્ચેના જૂઠા કાગળ ઊભા કર્યા છે. તે રાણાને બતાવવાના છે.’

બુદ્ધિધન રાતપીળો થયો. ‘એ બતાવવાનું કોણે માથે લીધું છે ?’

‘રાણાના જૂના ખવાસ મ્હાવાએ.’

‘ઠી-ક.’

‘કાગળ લખ્યા છે મેં.’ એમ કહી પંદરવીસ કાગળ અમાત્યના ખોળામાં નાંખ્યાં.

‘ક્યારે બતાવવાના છે ?’

‘આપ દરબારમાંથી પાછા ફરો તે પછી.’

‘મારા હાથમાં રહેવા દો. કાલ બાર વાગતે પાછા મોકલીશ.’

નરભેરામના ઉપર બુદ્ધિધનનો વિશ્વાસ હતો તે હવે સજડ થયો.

ઘણાંક માણસો એણે દરબારમાં અને બીજે ઠેકાણે ઉઘાડાં અથવા છાના પોતાનાં કરી રાખ્યાં હતાં. પરંતુ થોડાકને જ કસી જોવાનો પ્રસંગ આવ્યો હતો. નરભેરામ કસોટીમાં શુદ્ધ નીકળ્યો અને અમાત્યનું અંતઃકરણ તેના ઉપર નવીન સ્નેહ અને ઉપકારથી સ્ફુરવા લાગ્યું. પરંતુ કાકા પરણ્યા અને ફોઇ રાંડ્યાં થયું. રાણાનો વિશ્વાસ રાખતાં સાવધાન રહેવાની જરૂર લાગી.

આજ સુધી તે પોતાનો છે એવું માનનાર અમાત્યને નક્કી લાગ્યું કે રાજબાની બાબત રાણાના મનમાં ભરાશે તો નીકળવી કઠણ થશે અને પોતાની સૌ યુક્તિઓ, ‘કાંતી પીંજી કપાસ’ થશે. આજ સુધી દરબારના ભેદ રાણો પોતે જ ઉઘાડતો, હવે રાણા પાસે પોતાનો માણસ રાખવાની જરૂર લાગી.

પોતાનુંં માણસ કોણ ? ગરબડદાસ, ? ના. નરભેરામ ? હા. વળી રાણા પાસે રાખતાં નરભેરામે કરેલા ઉપકારનો બદલો પણ વળવાનો. આખા આકાશમાં વીજળી પુષ્કળ ચમકારા કરતી ચાલી જાય તેમ એ પળમાં અમાત્યના

મનમાં આ સર્વ વિચારનો ચમકાર થઇ રહ્યો. બીજી પણ ઘણીક ખટપટ સમજાતી ન હતી તેનો મનમાં ખુલાસો થયો. યુદ્ધસામગ્રી તૈયાર કરી રાખી હતી. પણ સામાએ હુમલો કર્યા સિવાય પહેલો ઘા પોતે કરતાં શુદ્ધ અંતઃકરણ આંચસો ખાતું હતું તે ટટાર થયું. સંશયકાળ જતો રહેતો લાગ્યો અને નિર્ણયકાળ દોડતો દોડતો સમીપ આવ્યો લાગ્યો.

‘નરભેરામ ! હવે અણીનો સમય આવશે. આ કાગળ જોયા પછી રાણા શઠરાય પર વિશ્વાસ બતાવશે, મારા પર કોપાયમાન દેખાશે, અને શઠરાય પર વિશ્વાસુ માણસ પોતાની પાસે રાખવા માગશે તે વખત એ વખત એ તારું નામ આપે એમ કરવું. એ થાય એવું છે કની !’

‘હંમ્‌, થઇ શકશે. મારા જેવું વિશ્વાસું પાત્ર આજે એને કોણ છે

?’

‘વારુ, ગરબડ હાલ એની પાસે વધારે આવે છે ?’

‘હા, એ તો કહેવાનું જ ભૂલી ગયો. એને રૂપાળીબાઇએ આંજ્યો છે.’

‘બરોબર. પણ એના ચાળા સરત રાખજે. એની સાથે એનું અને આપણી થાય આપણું માણસ થાય - બે ધારની તરવારે રમે - એવો હાલ

એનો ઘાટ છે.’

‘એમાં એને લાભ શો ?’

‘કારભારી અને અમાત્ય બે લડીલડી નકામા થાય તો એ કારભારી થાય - પોતાને રાણાનો વિશ્વાસું સમજે છે.’

‘એનું શું કરશો ?’

‘એ તો થઇ રહેશે. કહેવાનું એટલે કે એ ત્યાં આવે જાય ત્યારે શા પ્રપંચ ઘડે છે તે સરત રાખજે.’

‘બહુ સારું. ત્યારે હાલ તો રજા લઉં છું.’

‘વારુ, પણ મને મળવાનું વધારે રાખવું.’ નરભેરામ ગયો. એની પાછળ આથ સુધી નજર નાંખી સિપાઇનો વેશ સાંગોપાંગ ઊતર્યો જોઇ

અમાત્ય હસ્યો.

‘પ્રમાદ ! કારભારીને ત્યાંથી કાંઇ પણ ખાવાનું આવે તો હાલ

સંભાળ રાખવી હોં ! લેવું, પણ જમીનમાં દાડી દેવું.’

‘શું કાઇ ઝેર દેવાનું છે ?’

‘રાણો જડસિંહ માર્યો કહેવાયો અને પર્વતને તો માર્યો જ, તેનો આપણે વિશ્વાસ શો ? વારુ. જાઓ, ઊંઘી જાઓ.’

પ્રમાદધન આભો બન્યો અને વિસ્મય પામતો પામતો ગયો.

બુદ્ધિધન ઊઠ્યો અને લાંબા દીવાનખાનામાં એકલો હેરાફેરા કરવા

લાાગ્યો અને ઓઠ પર આંગળી મૂકી પોતાના મન સાથે બોલવા લાગ્યો :

‘તારું કાળું થાય કારભારી ! છેવટે જાત ઉપર જ આવ્યો. આજ સુધી ગમે તેટલું પણ મારો જાતભાઇ - મારો સગો - કરી મેં તારા પર ઘા ન કર્યો.’

‘બહુ સારું ત્યારે - હવે પડો મેદાનમાં. આજ સુધી છાના વેરી હતા. હવે ઉઘાડા થાઓ.’

‘ગરબડ, તેં પણ ઠીક ધંધો માંડ્યો છે - મેં પણ એક વખત એમજ કર્યું હતું. પણ આપણા બેમાં ફેર છે. મેં કોઇનું ખૂન કરાવ્યું નથી - મને ઇશ્વરની કાંઇક બીક છે - મારા કહેવા વિના કોઇએ કોઇનું ખૂન કર્યું હોય

તેમાં હું શું કરું ? પર્વત મૂઓ તેમાં મને દોષ નથી.’

‘તું પણ મારો ગુરુ મળ્યો. અલ્યા, મારું જ ખૂન ?’

પણ જો આ રજપૂત હાથમાંથી ગયો તો ઉપાય નથી. એક વાર રમાબાઇના હાથમાં ગયેલો પાછો કબજ થતાં સાતપાંચ વીતી છે અને આ કલાવતીમાં લપટાયો તો એને સટકવાનું નથી. પછી તો ભૂપસિંહ તારો નહીં જ, બુદ્ધિધન !’ મોટા અરણ્ય વચ્ચોવચ રાત્રે બ્રહ્મરાક્ષસ એકલો ઊભો રહે તેમ અદબ વાળી દીવાનખાના વચ્ચોવચ બુદ્ધિધન ઘડીક વાર ઊભો રહ્યો. તેનું મગજ ઉશ્કેરાઇ ગયું અને કાળજું ધબકવા લાગ્યું. ‘-અલ્યા ખૂની

! મારું જ ખૂન ?’

‘તારું સત્યાનાશ જાય, શઠરાય ! કલાવતી ક્યાંથી સૂઝી ? રાજબાની વાત જાણી ત્યારે કલાવતીનો ભેદ સજાવ્યો. એ તો તેં જ ભૂત ભરવેલું !

મને અને રાણાને જુદા પાડવાનો રસ્તો !’

‘રાજબા !’ - આંખ આગળ બનેલો બનાવ ખડો થયો. મરેલી રાજબા હાથમાં હાથ મૂકવા તત્પર થતી પાસે આવતી લાગી.

‘ભૂત !’ બુદ્ધિધન ગભરાયો. પગ ધ્રૂજવા લાગ્યા. પરસેવાના ઝોબેઝોબ વળ્યા. જીભ ઊપડતી બંધ થઇ. અચિંતી દોટ મૂકી ગાદી પર બેઠો - તકિયે બેઠો. રાજસિંહનો વેશ ધરનારી પાસે આવી દેખાઇ અને ખભા ઉપર તેના હાથ અને હડપચીનો ભાર લાગ્યો. સુવર્ણપુરનો અમાત્ય બાવરો - દીન જેવો - ક્ષુદ્ર બની ગયો અને ફાટી આંખે દૃષ્ટિકલ્પના ભણી જોવા લાગ્યો.

- બે શુદ્ધ બનવા જેવો થયો.

એટલામાં દીવાનખાનાનું એક પાસનું બારણું ભચકાયું - ઊઘડ્યું.

સૌભાગ્યદેવી અંદર આવી. ગાયત્રી જેવી પવિત્ર દેવી પર દૃષ્ટિ પડતાં

મલિન સત્ત્વ અદૃશ્ય થયું. સ્નેહભક્ત દેવી ભણી જોઇ રહ્યો.

‘મારા વહાલા ! હવે તમે કારભારી થવાના - એટલે અમારા

મટવાના. આમ ને આમ રાતરેડા જવાના અને અમારી સાથે વાતચીતનું તો બાઢમ્‌, નાનાં હતાં ત્યારે તો બારબાર વાગતા સુધી વાતો કરતાં અને હવે તો તમે અને તમારો કારભાર. મારે વગર શોક્યે શોક્ય.’

હસતી હસતી દેવી આવી. પતિની પાસે શરીર સ્પર્શી બેઠી, ગળે હાથ નાખ્યો અને ઉઠાડી શયનગૃહમાં લઇ ગઇ. બન્ને મોટી વયના બાળકવાળા

માબાપનાં વય અને મન હજી તરુણ જ હતાં અને વૃદ્ધ વિચારો જય પામી શક્યા ન હતા.

દેવીની શોડમાં સૂતેલો પુરુષ નિદ્રામાં લવતો હતો - નિદ્રામાંથી જાગી ઊઠી, સાંભળી રહી, દેવી પાછી આંખ મીંચતી હત અને પતિને કોમળ હૂંફાળી છાતી સરસો વધારે વધારે જોરથી ચાંપતી હતી.

‘અલ્યા શઠરાય ! મારું જ ખૂન કરવાના વિચારથી તને સંતોષ રહ્યો હોત તો હું બરાબર ફાવત નહીં. સાથે રાણાને પણ મારવાનો તારો

મનસૂબો છે એટલી મારે અનુકૂળતા થશે. રાણો મારો રહેવાનો એટલો રસ્તો છે.’

‘તારા મનમાં એમ હશે કે બુદ્ધિધને જાય તો રાણો રહેશે, ને રાણો પણ હાથમાં ન રહે તો એ પણ સ્વાહા ! વાહ ! વાહ !’

‘પણ એ પણ ઠીક છે. દુષ્ટરાય કલાવતીને ઘેર જાય છે.’

સ્વપ્નસૃષ્ટિના ધૂમકેત આમ મુખાકાશમાં ચડી આવતા. તેને જોનાર જડ દીવા વગર કોઇ ન હતું. એ સ્વપ્નને બળે પુરુષ પાસું બદલવા જતો અને તેથી નિદ્રામાં પણ ચમકતી સ્ત્રી એમ થવા ન દેતાં તેને હાથના જોરથી પોતાની સન્મુખ જ ખેંચતી - રાખતી - વિમુખ થવા ન દેતી. આ બનાવનો ઇતિહાસ ચારણ જેવો પલંગ ‘કચડ કચડ’ બોલી - ગાન કરી - કાન વિનાના બહેરા શૂન્ય શયનગૃહને સંભળાવવા યત્ન કરતો હતો. શિયાળાની

લાંબી રાત આમ ટૂંકી થઇ જતી હતી.