પુરુષ નામે પ્રેમનું ફિનિક્સ Amit Radia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુરુષ નામે પ્રેમનું ફિનિક્સ

પુરુષ નામે પ્રેમનું ફિનિક્સ

ફિનિક્સ પંખી માટે એવી દંતકથા છે કે પોતાનું સુદીર્ઘ જીવન જીવ્યા બાદ તે આપમેળે જ બળી જાય છે અને ફરી પાછું પોતાની જ રાખમાંથી બેઠું થાય છે, પરંતુ આ નવજીવન માટે અંદરથી બળવાના-ઝૂરવાના કપરા અનુભવમાંથી તેણે પસાર થવું પડે છે. પ્રેમમાં ઝૂરતો, તડપતો પુરુષપ્રેમી પણ ફિનિક્સ પંખી જેવો જ હોય છે. જેનો સતત આંતરદાહ થયે જ રાખે છે.

સ્ત્રી હોય કે પુરુષ, પ્રેમની શરૂઆત હંમેશાં આંખોથી થાય છે અને પછી સ્ત્રીઓમાં એ હૃદય તરફ ગતિ કરે છે અને પુરુષોમાં મન તરફ. તેથી જ સ્તો પુરુષ પ્રેમમાં પણ નફા-ખોટનો હિસાબ કરતો હોય છે. જો કોઈ પુરુષનો પ્રેમ હૃદય તરફ વળી ગયો, તો એનું આવી બન્યુ સમજવું! અલબત્ત, આજના ફેસબુકી કે વ્હોટ્સએપી પ્રેમની આ વાત નથી, પરંતુ ‘પ્લેટોનિક લવ’ જેને કહેવાય, તેવો પ્રેમ. આભમાં ઝબૂકતી વીજળીથી ડરીને રાજાની ચાકરીએ જતા પતિને રોકતી પત્ની હોય કે કાલિદાસના ‘મેઘદૂત’નો યક્ષ. એ આવાં જ પ્લેટોનિક પ્રેમીઓ છે. ઇનફેક્ટ, ખુદ કાલિદાસ પણ આવો જ કોઈ પ્લેટોનિક પ્રેમી હોવો જોઈએે, એટલે જ તેણે પ્રિયતમાની યાદમાં ઝૂરતા નાયક યક્ષને અષાઢની મેઘલી રાતે દૂર ગગનમાં વિહરતા વાદળ સાથે પોતાની પ્રેમિકાને સંદેશો મોકલતો દર્શાવ્યો છે.

પ્રેમમાં પડનારની પ્રિયને મેળવવાની ઝંખના જેટલી ઉત્કટ હોય, તેનો સહવાસ પામ્યાની લાગણી એટલી જ મીઠી અને રોમેરોમને ઝણઝણાવી નાખનારી હોય છે. પિયુની મૂરત કે તેના તરફથી મળતું હળવું સ્પેદન પણ હૃદયના તાર ઝંકૃત કરી નાખે છે.

અલબત્ત, પ્રેમની વ્યાખ્યા અને સ્વરૂપો હંમેશાં વ્યક્તિએ-વ્યક્તિએ અલગ હોય છે અને જમાના પ્રમાણે એ બદલાતાં જતાં હોય છે. માતા-પુત્ર અને પિતા-પુત્રી વચ્ચેના પ્રેમથી અલગ આધુનિક મનોવિજ્ઞાન સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમને ઇંદ્રિયગત અને સામાજિક ઘટના ગણાવે છે, જ્યારે જીવવિજ્ઞાન તેને આકર્ષણ અને આસક્તિ સુધી મર્યાદિત રાખે છે. અમેરિકી માનસશાસ્ત્રી ઝિક રુબિન પ્રેમને સાઇકોમેટ્રિક્સ દ્વારા વ્યાખ્યાયિત કરે છે, તો રોબર્ટ સ્ટર્નબર્ગના મતે પ્રેમીઓ વચ્ચેની ઘનિષ્ટતા, એકબીજાં પ્રત્યેની પ્રતિબદ્ધતા અને આકર્ષણ કે આવેગ, એ ત્રણ ઘટકો પ્રેમની રચના કરે છે.

સતત સંપર્કમાં રહેવાના કારણે સંબંધોમાં વધતી ઘનિષ્ટતા થકી જ એકબીજાંના જીવનની અંગત બાબતોનું આદાન પ્રદાન થાય છે અને તેમાંથી જ એકબીજાંના ગમા-અણગમા, લાગણીઓ, સુખ-દુ:ખ વિશે વિકસતી સમજણના ફળસ્વરૂપ એક પ્રકારની અલૌકિક મિત્રતા અને સમજણનો સેતુ રચાતો જાય છે. જ્યારે પ્રેમનું ત્રીજું અને છેલ્લું સ્વરૂપ એટલે પ્રેમીઓ વચ્ચેનું જાતીય આકર્ષણ કે આવેગ. કાલિદાસના યક્ષનો ઝુરાપો વર્ષાઋતુમાં પ્રિયતમાના સહવાસ વિનાની એકલતાની સાથોસાથ ‘રેઇની રોમાન્સ’ માટેની તેની તીવ્ર વિહ્વળતા પણ દર્શાવે છે.

પણ, આવો ઉત્કટ પ્રેમ કર્યા પછી પણ જો જિંદગીભરની એકલતા ભોગવવી પડે કે પ્રેમમાં નિષ્ફળતા સાંપડે તો..? પ્રેમમાં મળતી આવી નિષ્ફળતાનો ઝુરાપો અસહ્ય હોવા છતાં, સ્ત્રી તો કદાચ પચાવી જાણે અથવા પોતાના પરિવાર અને બાળકોમાં તેનું સમાધાન શોધી પણ લે, પરંતુ નિતાંત શુદ્ધ પ્રેમમાં પડેલા પુરુષ માટે તે કપરું થઈ પડે છે. પ્રેમમાં નિષ્ફળ જતો પુરુષ તેમાં ઝૂરે રાખે છે, બળે રાખે છે અને સતત તેનો આંતરદાહ થયે રાખે છે. સેઇમ ટુ સેઇમ પેલાં ફિનિક્સ પંખીની જેમ! આ પ્રેમની રાખમાંથી બેઠાં થનારાં ફિનિક્સ બહુ ઓછાં હોય છે. જ્યારે બાકીના પ્રેમીઓ કાં કલમના રવાડે ચઢી જાય છે, કાં ચલમ(શરાબ સમજવું)ના.

પ્રેમપીડિત વ્યક્તિ અને માનસિક રોગીના મનોભાવોમાં ઝાઝો ફરક નથી હોતો. ક્યારેક તો કોઈ ગમતીલી વ્યક્તિ દ્વારા જાણીજોઈને કરાતી ઉપેક્ષા પણ અજાણતાં જ તેની વધુ નજીક લઈ જતી હોય છે. પ્રેમાવેગ પર પ્રભુત્વ ધરાવતો મગજનો હિસ્સો જ વ્યક્તિની ભૂખ, તરસ અને આવેગો પર અંકુશ ધરાવે છે. એમ સમજોને કે, પ્રેમનું બંધાણ એ ડ્રગ્સના નશા જેવું છે. આમ છતાં, પ્રેમ એવું રસાયણ છે, જેના વિના માનવજાત જીવી ન શકે.

અાધુનિક અભ્યાસો મુજબ પ્રેમ આખરે તો જાતીય આવેગમાં જ પરિણમે છે, પરંતુ ટેસ્ટોસ્ટેરોન કે ઇસ્ટ્રોજન જેવાં જૈવિક રસાયણોના પરિપાકરૂપે શારીરિક આવેગ અને આસક્તિથી શરૂ થતો પ્રેમ ક્યારે કાળજીમાં અને છેવટે ઘનિષ્ટતામાં ફેરવાઈ જાય છે, તેનો ખ્યાલ સુધ્ધાં પ્રેમીઓને નથી રહેતો. અને આવી જ ઘનિષ્ટતા તેમને એકબીજાં પ્રત્યે વધુ આકર્ષે છે અને તેમનાં વચ્ચે શાશ્વત પ્રેમ યાને પ્લેટોનિક લવનો સેતુ બાંધી આપે છે. તેમાં મિત્રતા પણ છે અને વાસનારહિત આવેગ પણ છે. તેમાં એકબીજાં પ્રત્યેનું કેરિંગ છે, શૅરિંગ છે અને ભરપૂર રોમાન્સ પણ છે. પ્રેમ ક્યારેય બંધન નથી આપતો, તેમાં તો હોય છે સંપૂર્ણ સ્વતંત્રતા, અનેરી મુક્તિનો આહ્્લાદ.

20મી સદીના પુરુષનો પ્રેમ મહદંશે સ્ત્રીની બે આંખોથી શરૂ થઈને તેના બે પગ વચ્ચે સમાઈ જતો, પણ આજે જમાનો બદલાયો છે. આજની સ્ત્રી શુષ્ક બનીને સેકસ ટૉયની જેમ પથારીમાં નથી પડી રહેતી, તે સેક્સમાં પણ નવો રોમાંચ, કંઇક નવું એન્ટરટેન્મેન્ટ ઝંખે છે. આજનો જમાનો રતિનો છે. એવી રતિ, જેની પાસે ચાર્મ છે, ચોઈસ છે, ચબરાકિયત છે. મનપસંદ કામદેવ શોધવાનો તેની પાસે અલાયદો અને અબાધિત અધિકાર છે. આજની આવી 45 ટકા ‘મોડર્ન’ રતિઓ છેવટ બાકી કિનારે બેસીને પણ પ્રેમમાં છબછબિયાં તો કરી જ ચૂકી હોય છે.

એક સર્વેના તારણો અનુસાર, 21મી સદીના પુરુષો સ્ત્રી કરતાં વધુ ઝડપથી પ્રેમમાં પડી જાય છે. પ્રેમની બાબતમાં આજનો પુરુષ સ્ત્રી કરતાં વધુ લાગણીશીલ બની રહ્યો છે. (અલબત્ત, તેના કારણે પુરુષોમાં કેટલાંક સ્ત્રૈણ લક્ષણો પણ આવવા લાગ્યાં છે!) આખરે તો કામદેવ પણ રતિની પાછળ જ પાગલ હતોને?! અને તેનાં જ કારણે તો તેણે બળીને ભસ્મ થવું પડ્યું’તું! કામદેવને પ્રેમનો દેવ માનવામાં આવે છે અને તેના કારણે રતિનું મહત્ત્વ ઓછું અંકાતુ હોય તેવું લાગે છે. પણ મને હંમેશાં રતિ વધુ શ્રેષ્ઠ લાગી છે. કારણે કે પ્રેમ એટલે લાગણી અને લાગણી એટલે સ્ત્રી, એટલે કે રતિ. જ્યારે મન પર રતિ સવાર થાય, ત્યારે જ કામાવેગ આવે. કેમ, ખરું ને?

અત્યારે વર્ષાઋતુ મધ્યાહને છે, પણ પ્રેમીઓને તો માત્ર બહાનુ જોઈએ છે, તેમના પ્રેમને સોળે કળાએ ખીલવવાનું, રતિ-કામની મોસમ છલકાવવાનું. તેમના માટે દરેક દિવસ પ્રેમદિન છે અને દરેક ઋતુ વર્ષાઋતુ. ચોતરફ પ્રેમનાં વાસંતી પુષ્પો વેરાયેલાં હોય છે અને બધે જ વસંતનો માહોલ હોય છે. અલબત્ત, પ્રેમનો એકરાર કરવા જતાં આવાં કેટલાંક પુષ્પો મહેકતાં હોય છે, તો કેટલાંકના નસીબમાં મસળાવાનું પણ આવે છે! સેઇમ ટુ સેઇમ પેલા કામદેવની જેમ! જ્યારે કેટલાક એવા ફિનિક્સરૂપી કામદેવો પણ હોય છે, જે પોતાના પ્રેમમાંથી જ પુનર્જીવન મેળવે છે અને પોતાની રતિને બાહુપાશમાં જકડીને તસતસતું ચુંબન ચોડી દઈ, પોતાના પ્લેટોનિક લવને શાશ્વતી બક્ષતા હોય છે.

આવા કામદેવોને ઑલ ધ બેસ્ટ...

******

લવી-ડવી ક્વૉટ: પ્રેમ એવી અવસ્થા છે, જેમાં નમણી રમણીઓના હાથમાં શોભતા પ્રણયપુષ્પોરૂપી નાજુક તીર વડે કામાતુર અને પ્રેમમાં આસક્ત એવા લોખંડી છાતી ધરાવતા હૃષ્ટ-પુષ્ટ યોદ્ધાઓનો શિકાર કરવામાં આવે છે.

- અમિત રાડિયા (સ્વરચિત)

amit.radia99@gmail.com

******