કલાઓનું 360° એ સંગમ એટલે કૃષ્ણ
કૃષ્ણ કોણ છે? એવો પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ આપવો લાગે છે એટલો સરળ નથી કેમ કે કૃષ્ણનું જીવન હંમેશા સાપેક્ષ રહ્યું છે. પડશે એવું દેવાશે કહેવતને અનુરૂપ કૃષ્ણ વર્તાય છે. તે યારોનાં યાર છે તો દુશ્મનોનાં દુશ્મન પણ છે. તે ધર્મનાં રક્ષક છે તો તે કૂટનીતિનાં બાદશાહ પણ છે. તે યુધ્ધેસ્વર છે તો તે રણછોડ પણ છે. આઠ પટરાણી હોવા છતાં તેઓ બ્રહ્મચારી પણ છે. તે કોઈ રુકમણી અને સત્યભામાંનાં પ્રેમી છે તો દ્રૌપદીનાં સખા છે. તે બધું જ છે છતાં ઉદાસીન નથી. તે બધી જ વસ્તુનાં શિખર પર છે છતાં તેઓ ગંભીર નથી કેમ કે તે પૂર્ણપુરુષોત્તમ છે.
આ બધું કૃષ્ણ માટે સદીઓથી લખાતું આવ્યું છે. કૃષ્ણ પર લખાયેલ સાહિત્ય અને અન્ય સાહિત્ય સાથે રાખીયે તો પણ કદાચ તે સાહિત્ય કૃષ્ણ સાહિત્ય બરોબરી કરી શકે નહીં. આવું શા માટે? શા માટે કાંન્હો આપણા મંદિરમાં લાલો થઈને પણ બેસે અને શા માટે એ જ રાધા અને કૃષ્ણનાં સોંગદ પ્રેમીઓ ખાય છે? શા માટે એ જ કાનાની ગીતાને વિશ્વનો અજોડ ગ્રંથ મનાય છે? કોઈ તેમાંથી દર્શન શોધે છે, કોઈ તેમાંથી સત્ય, અહિંસા શોધે છે તો કોઈ પરમાણુ બૉમ્બ ફેંકયો તે વખતે ગીતાને શા યાદ કરે છે. આ બધાનું એક જ કારણ છે કે કૃષ્ણની હાઈટ જેટલી ઊંચી દેખાય છે એનાં મૂળિયાં પણ જમીનમાં જ એટલા ઊંડા છે આથી જ કૃષ્ણનો સર્વસ્વીકાર આપણે કરી નથી શકતા. ઉંમર અને સ્થિતિ અનુસાર કૃષ્ણનો દરેક સ્વભાવ આપણે ઉછીનો લઈ લઈએ છીયે. તેનાં ચરિત્રની આ વિશેષતા જ છે ને!!!
રજનીશ કહે છે કૃષ્ણ પોતના જન્મ કરતા લગભગ પાંચ હજાર વર્ષ વહેલા જન્મી ગયા. એમનો અર્થ કદાચ એમ છે કે કૃષ્ણ આજનાં સમાજને અનુરૂપ ચરિત્ર હતું જેનો સમય અત્યારનો સમય છે નહીં કે પહેલાનો. આગળ રજનીશ કહે છે કે ભૂતકાળમાં તો કૃષ્ણને કોઈ દિવસ નહીં સમજાય, તેમને સમજવા હશે તો કદાચ ભવિષ્યમાં સમજી શકાય. કૃષ્ણ આ ધરતી પર જીવવાની વાત શિખવે છે, તેઓ હંમેશા કર્મનાં સિદ્ધાંતને સિદ્ધ કર્યો છે. કર્મ કરો એ મુજબ સ્વર્ગ અને નર્ક અહીં જ મળી રહેશે એ વાત પર ભાર મુક્યો છે.
કૃષ્ણની કોઈ ભાગ્યે જ મૂર્તિ એવી હશે કે જેમાં કૃષ્ણ ધ્યાનસ્થ હોય બાકી કોઈ પણ જગ્યાએ કૃષ્ણ હંમેશા વાંસળી વગાડતા, માખણ ખાતા, નાચતા અને મોરપિચ્છ ધારણ કરતા જ જોવા મળે છે. જીવનની દરેક પાસાઓનો સ્વીકાર કૃષ્ણનાં વ્યક્તિવમાં ઓવરલેપ થાય છે. દરેક આયમને તેઓ માત્ર તેઓ સ્પર્શ જ નથી કરતા તેઓએ તેને સમજી લીધો છે.
હરીન્દ્ર દવે પોતાના માઈલસ્ટોન સમા પુસ્તક 'માધવ ક્યાંય નથી'માં કૃષ્ણને શોધવા નારદનાં સ્વરૂપમાં નીકળે છે અને પુસ્તકમાં એમણે કરેલું કૃષ્ણનું વર્ણન, પ્રકૃતિનું વર્ણન, રાધા અને યશોદાનું રુદન, જરાસંઘનો ડર વગેરેમાં કૃષ્ણને શોધે છે. રૂબરૂમાં કૃષ્ણ કયાંય નથી પણ તે સાપેક્ષ બધી જગ્યાએ છે. ઝેન સાધુઓ પણ કંઈક આવું જ કહે છે કે 'જેને બધી જ જગ્યાએ રહેવું હોય એને ક્યાંય પણ ન રહેવું જોઈએ'. જગતનો કોઈ પણ સફળતા પામેલો વ્યક્તિ કેમ ન હોય એ લગભગ દરેક જગ્યાએ હોય છે, એની સિદ્ધિ, એની નામનાં દરેક જગ્યાએ ગાજતી હોય છે પણ એ ભાગ્યે જ કોઈ જગ્યાએ મળી રૂબરૂમાં મળી રહે છે કેમ કે એની પાસે કરવા જેવા ઘણા જ કામ હોય છે જે આપણી પાસે નથી હોતા.
૨૧મી સદી પર એટલે કે આજે 'પોઝિટિવ' શબ્દ દુનિયા પર છવાઈ ગયો છે જ્યારે આજથી પાંચ હજાર વર્ષ પહેલા પણ આ શબ્દને લઈને કૃષ્ણે મથુરાની જેલથી સુવણઁ દ્વારિકાની યાત્રા કરી છે. માર્ગમાં આવતી દરેક વસ્તુનો સહર્ષ સ્વીકાર કરે છે. આજે હજી ભારતમાં મોટે ભાગે વિજાયતીય મૈત્રી સ્વીકાર નથી ત્યારે કૃષ્ણએ ગોપી સાથે પણ રાસલીલા કરી જ છે અને અર્જુનને શસ્ત્ર ઉપાડવા પણ મજબૂત કરે છે. એમની પૉઝિટિવિટી કોઈ સારા કે ખરાબનું જ્ઞાન નથી એમની પૉઝિટિવિટી સમય મુજબ બદલાતી રહે છે અને તેસમય સાથે બદલાતા રહે છે. દુર્વાસાનાં શાપ હોય કે ગાંધારીની કડવાં વચન તેમનો પણ તેમને હસતા મુખે સ્વીકાર કર્યો. જ્ઞાની પુરુષ હંમેશા ડૂ અને ડોન્ટનાં જ ગીતો ગાતા હોય છે જ્યારે કૃષ્ણ પૂર્ણ સ્વરૂપ હોવા છતાં ગીતામાં આવા ઉપદેશ નથી આપ્યા એમણે તો માત્ર માનવજાતને પોતાનું પ્રતિબિંબ બતાવ્યું છે. તે અર્જુન દ્વારા આખીય માનવજાતને માત્ર કહે છે કે તમે શું છો? સ્વમાં રહો અને પછી જુઓ આવતું પરિણામ શું હશે.ટીચર થવું તેમને પસંદ નથી મિત્રતાના ભાવે જ એમને આખુંય જ જીવન પસાર કર્યું છે.
' કૃષ્ણ મારી દૃષ્ટિએ'માં કૃષ્ણનો અર્થ આપ્યો છે 'કેન્દ્ર'. જેના તરફ સમગ્ર દુનિયા આકર્ષણ અનુભવે છે અને ખરેખર કૃષ્ણનાં જીવન પરથી આ શબ્દનો અર્થ આવ્યો એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. એ ન રહ્યા પછી પણ દરેક પેઢીએ એમની ગાથા લખી છે. જયદેવ, મીરા, નરસિંહ, ઓશો થી લઈને આજના સાહિત્યમાં પણ કૃષ્ણ કેન્દ્ર પર છે.
કૃષ્ણનો ક્રેઝ ઘટતો જ નથી. આજે પણ એમના નામે અનેક સમાજો કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં કરતા રહેશે એ પણ નક્કી છે.
કૃષ્ણએ કરેલા નિર્ણય એમની મહાનતાનું કારણ ગણી શકાય. જીંદગીમાં નિર્ણય લેવા એ મોટી વાત નથી પણ એ નિર્ણયને અમલમાં મુકવું એ મોટી વાત છે અને એ વાત કૃષ્ણએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરી છે. કંસને મારતી વખતે ગોકુળ છોડી જવું, યશોદાથી માંડી દરેક ગોપીઓથી દૂર જવાનો નિર્ણય હોય કે કાળિયા નાગને નાથવા માટે યમુના નદીમાં કૂદી પડવાનું હોય. ઈન્દ્રનાં ભય વિના ગોર્વધન પર્વત ઉચકવો. સંપૂર્ણ આર્યવ્રતને અસર કરનાર મહાભારતનાં યુદ્ધ દરમિયાન લીધેલા નિર્ણય જેમાં કૂટનીતિ, ધર્મ અને જ્ઞાનનો સમન્વય હતો. દરેક લીધેલા નિર્ણયને સાકાર કરવાનાં પ્રયત્ન એમનાં જીવનમાથી લેવા જેવી સૌથી મોટી શીખ છે.
પ્રીતની સંઘે -
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
માધવ કયાંય નથી મધુવનમાં.
કાલિન્દીના જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી:
યાદ તેની બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી ?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :
માધવ કયાંય નથી મધુવનમાં…
શિર પર ગોરસમટુકી,
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
માધવ કયાંય નથી મધુવનમાં. -
માધવ ક્યાંય નથી મધુવનમાં -
હરીન્દ્ર દવે