Jivdaya books and stories free download online pdf in Gujarati

જીવદયા - National Story Competition-Jan

જીવદયા

દિપેશ

સમીક્ષા થાય કાંઠાની ‘મરીઝ’ એ પણ જરૂરી છે,

બધી વખતે ફક્ત મઝધારની વાતો નથી કરવી.

“હાશ હવે લગન પુરા થયા”, ૪૨ વર્ષના પૂર્વી શાહ એ ઘરમાં પ્રવેશતા સોફા ઉપર બેસીને બોલ્યા, પાછળ પાછળ જ અપૂર્વ શાહ, પૂર્વીના પતિ આવ્યા આ શબ્દો સાંભળતા જ બોલ્યા, “ કેમ હવે તો ખુશ છો ને પૂર્વી, એકના એક દીકરા જિગરના ધામધૂમ થી લગ્ન થઈ ગયા, કોમલ જેવી નાજુક નમણી અને હોશિયાર વહુ મળી ગઈ, બીજું શું જોઈએ?” અપૂર્વ ભાઈ અને પૂર્વી બેન એ આજથી ૨૩ વર્ષ પહેલા લવ મૅરેજ કર્યા હતા અને આ જિગર એ જ લવ મેરેજનું જીવતું જાગતું એક માત્ર ફળ હતું. પૂર્વી બેન ખૂબ ધાર્મિક માણસ, જીવદયા પ્રેમી અને તેના છેલ્લા થોડા વર્ષોના રૂટિન કાર્યમાં ભક્તિ ભાવનો ઉતરોતર વધારો થયો હતો, જ્યારે અપૂર્વ ભાઈ સમય મુજબ, પરિસ્થિતિ મુજબ ચાલવા વાળા પ્રેક્ટીકલ બિઝનેસ મેન.

“હા હું તો ખુશ છું પણ પેટમાં થોડુંક ગરબડ જેવું લાગે છે”, પૂર્વી બેન એ પેટે હાથ રાખીને આંખો બંધ કરીને જવાબ આપ્યો.

“આ બધું ત્રણ ચાર દિવસથી જે તે , જેમ આવે તેમ ઠુંય્ષા રાખસ ને એટલે થાય છે પાછું ચાર દિવસથી નીંદર પણ નહિ કરી હોય સરખી, પછી તો પેટમાં જ દુખે ને બીજું શું થાય”, અપૂર્વ ભાઈ એ હસતા હસતા ખિજાતા હોય એમ બોલ્યા. ”સોડા કે ઈનો લઈને સૂઈ જા સવારે ફેર પડી જશે” ,અપૂર્વ ભાઈ એ મીઠા ઠપકા સાથે સલાહ પણ આપી.

“હા એ જ કરવું પડશે”. પૂર્વી બેન અપૂર્વ ભાઈ સામે સરખું જોયા વગર કિચન તરફ ગયા અને ઈનો પીને સૂઈ ગયા.

બીજા દિવસને સવારના સાત વાગ્યામાં પૂર્વી બેન ઊઠી ગયા ગઈકાલની રાત કરતા સારું હતું પણ બિલકુલ તો સારું ન જ હતું. થોડીક આળસ મરડી ને બાજુમાં સુતેલા અપૂર્વ ભાઈ ને ધીમેથી ઉઠાડ્યા, ”એ ઊઠો હવે સવાર પડી લગન તો થઈ ગયા તેનો હિસાબ, બાકીનું કામકાજ પતાવવાનું છે ને આજે જ કરી આવો, બે દિવસ પછી તો તમારો ધંધો ચાલુ થઈ જશે.” અપૂર્વ ભાઈ હળવું બગાસું ખાધું અને બાજુમાં બેઠેલી પૂર્વી બેનનો હાથ પકડી ને કહ્યું, “ તને પેટમાં કેમ છે હવે?” પૂર્વી બેન હાથ છોડાવી જલદીથી બાથરૂમ તરફ ભાગ્યા તેને ઊલટી કે ઉબકા જેવું થતું હતું એવું લાગ્યું. અપૂર્વ ભાઈ પણ પાછળ પાછળ એક પાણી ની બોટલ લઈને બાથરૂમ તરફ ગયા. પૂર્વી બેનને ને પીઠમાં હાથ ફેરવતા કહેવા લાગ્યા હમણાં ડો. પારેખને બતાવી આવી ફૂડ પોઈઝન થઈ ગયું લાગે છે.”

નવ વાગ્યે અપૂર્વ ભાઈ અને પૂર્વી બેન તેમના નજીકના અને ફેમિલી ડૉક્ટર પારેખ સાહેબ પાસે પહોચી ગયા. ડૉક્ટર ઔપચારિક વાતચીત કરીને મુખ્ય વાત પર આવ્યા, “બોલો અપૂર્વ ભાઈ શું થયું છે”

“મને તો કઈ નથી થયું આ તમારા બેનને કાલ રાતનું પેટમાં દુખે છે અને આજે તો સવારે તો ઊલટી પણ થઈ”, અપૂર્વ ભાઈ એ જવાબ આપ્યો. ડૉક્ટર સાહેબ એ સામાન્ય ચેકઅપ કરીને બે દિવસની દવા લખી આપી. અને બે દિવસમાં ફેર ન પડે તો ફરી આવવાનું કહ્યું. અપૂર્વ ભાઈ અને પૂર્વી બેન પ્રીસ્ક્રીપ્સન લઈને ચાલતા થયા. જેવા બંને ક્લીનીકના દરવાજા પાસે પોહ્ચ્યા કે ડૉક્ટર સાહેબ એ અપૂર્વ ભાઈ ને પાછાં બોલાવ્યા અને ધીમેથી ડૉક્ટર સાહેબ બોલ્યા, “ પેટમાં દુખાવાની તો દવા આપી દીધી છે પૂર્વી બેન ને પણ મને એક શંકા છે?”

“તો બોલો ને એમાં આટલાં બધા ગંભીર કેમ થઈ ગયા, કઈ ચિંતા જેવું છે?” , અપૂર્વ ભાઈ એ ડૉક્ટર સામે જોતા કહ્યું.

“ના આમ તો ચિંતા જેવું કઈ નથી પણ મને શંકા છે બેનનો ઘેર જઈને પ્રેગા ન્યુઝમાં ટેસ્ટ કરી લેજો ” ડૉક્ટર પારેખ એક ઊંડા શ્વસે બોલી ગયા.

“શું પ્રેગા ન્યુઝ એ તો પ્રેગનેન્સી ચેક કરવા માટે હોય ને!!!”. અપૂર્વ ભાઈ ને હળવો આંચકો તો લાગી જ ગયો હતો તેમ છતાં સ્વસ્થ રહેવાના પ્રયત્ન કરતા કરતા જવાબ આપ્યો.

“હા પ્રેગનેન્સી ચેક કરવા માટે જ કહું છું કદાચ મારો અંદાજ ખોટો હોય શકે અને હું પણ એવું જ ઈચ્છું છું પણ આટલાં વર્ષનું મારું મેડિકલ જ્ઞાન મને આ અંદાજો લગાડવા મજબૂર કરે છે,શું તમે પ્રોટેક્શન વગર છેલ્લા બે-ત્રણ મહિનામાં....”

“પારેખ ભાઈ બરાબર યાદ નથી પણ હોય શકે, પણ શું આટલી ઉમરે કોઈ પ્રેગનેન્ટ થઈ શકે?”

“હા થઈ જ શકે ને..૪૦ વર્ષ પછી બહુ ઓછા પ્રેગ્નેન્સીના કેસ હોય છે પણ હોય તો છે જ બાકી મેડિકલના ઇતિહાસમાં તો ૪૫,૫૦ અને ૫૫ વર્ષે પણ પ્રેગ્નેન્સીના દાખલા છે”

ડૉક્ટર પાસે આવ્યા ત્યારે દુઃખ પેટનું હતું અને એ પણ પૂર્વી બેનને હતું જતા સમય એ દુઃખ માથાનું થઈ ગયું એ પણ અપૂર્વ ભાઈનું. આમ તો શરીર એ , ઉમરે અને સ્વભાવે બંને કઈ વૃદ્ધ કે રિટાયર ન થયા હતા અને સુખી લગન જીવન ગાળતા હતા અને હજી તો ગઈ કાલે જ તેના દીકરા ને પરણાવ્યો હતો ત્યારે જો ડૉક્ટરની શંકા સાચી હોય તો આ વાત કોઈ બૉમ્બ થી ઓછી ન હતી જે આ બંને પ્રેમી દંપતીને સંપૂર્ણ પણે ધ્રુજાવી પણ નાખે.

ઘરે જઇને અપૂર્વ ભાઈ એ પૂર્વી બેન ને જ્યારે આ ટેસ્ટ કરવામાં માટે સમજવાનું ચાલુ કર્યું ત્યારે શરૂઆતમાં તો પૂર્વી બેન એકદમ ચિડાઈ ગઈ અને ના પાડવા લાગ્યા પણ થોડાક વધારે પ્રયત્નનો પછી રાજી થયા અને ટેસ્ટ કરી જોયો.

“પોઝીટીવ”, પૂર્વી બેન એ બાથરૂમની બહાર આવતા નીચું જોઇને બોલી ગયા.

“એમાં ચિંતા શું કામ કરે છે મોઢું કેમ લટકાવે છે આં બીજી બે કંપનીનાં ટેસ્ટ કરી જો”

“આ પણ પોઝીટીવ”, આટલું કહી પૂર્વી બેન બેડ પર બેસી ગયા.

અપૂર્વ ભાઈ તેની પાસે જ બેઠાં હતા શબ્દો ખૂટી ગયા હતા બંને પાસે બોલવાનું કઈ ન હતું. હતા તો માત્ર ચિંતાના વાદળો જે એકદમ કાળા ડીબાંગ હતા અને દુઃખનો વરસાદ કરવાની તૈયારીમાં હતા. થોડી વાર બંને વચ્ચે નાનો ઝગડો થયો એક બીજાની ક્યાં ક્યાં ભૂલ હતી તે ગણાવા લાગ્યા. થોડી વાર શાંતિથી ઝગડો કરતા કરતા અવાજ એક દમ વધવા લાગ્યો. અને થોડી વાર પછી બંને પાછાં ચુપ થઈ ગયા.

“હવે શું કરશું ?”, મૌન ભંગ કરીને અપૂર્વ ભાઈ એ પૂર્વી બેન ને પૂછ્યું

“થવાનું હતું એ તો થઈ ગયું હવે કરવાનું શું હોય!!”

“હવે આપણી પાસે બે જ રસ્તા છે એક તો એબોર્સન કરાવી લઈએ કે પછી બાળક ને જન્મ આપી”

“અબોર્શન?, શું તું મને ખૂન કરવાનું કહી રહ્યો છે અપૂર્વ, તને ખબર છે ને મારે માટે એક જીવજંતુ, કીડી કે ગમે તે જીવ હોય તેની કીમત કેટલી છે!!”

“હા મને ખબર છે તું કેટલી મોટી અને મહાન જીવદયા પ્રેમી માણસ છો જો આ ઉમરે આપણા ઘરે બાળક આવશે ને તો આ સમાજ જ છે ને ઈ આપણે જીવતે જવતો ખાઈ જશે એ લોકો ને જીવદયા નહિ આવે , ને સમાજ તો જવા દો આપણો છોકરો જિગર અને આપની નવી વહુ કોમલ શું કહેશે એના તો હજી કાલે જ લગન થયા છે ?”, એકી શ્વાસે અપૂર્વ ભાઈ આટલું બધું બોલી ગયા

“પણ.....”, પૂર્વી બેન હજી ક્યાંક ખોવાયેલા હતા તેના મુખે થી ખાલી આ જ શબ્દ નીકળ્યો..

“પણ બણ શું હવે એબોર્શન કરાવી જ નાખવાનું હોય આપણે સારા ડૉક્ટરનો કૉન્ટેક્ટ કરી રાખશું, એ માટે આપણે શહેર બહારે જવું પડે તો જઈશું હોટેલમાં, હોસ્પિટલમાં રહીશું બાકી આ વાતની કોઈને ખબર ન પડવી જોઈએ, નહિતર ગામ શું કેહ્સે હજી તો છોકરો બાપ બને એની પહેલા બાપ ફરી બાપ બન્યો?”

પૂર્વી બેનના મનમાં પણ અજીબ ગડમથલ ચલી રહી હતી એક તરફ કૂવો છે તો બીજી તરફ ખાઈ. નુકશાન, ખોટ દુખાવો, દર્દ બધું જ છે બંને બાજુ શું કરવું અને શું ન કરવું એ કઈ સમજાતું નથી. એબોર્શન કરાવી તો આબરૂ બચી જાય પણ પોતાનો આત્મા મારી જાય, એક ખૂની ભાવ સાથે બાકી ની જિંદગી પસાર કરવી પડે. ગિલ્ટી ફિલ થયા કરે. અને જો આ ઉમરે બાળકને જન્મ આપે તો કોણ કોણ કેવી કેવી વાતો કરે એ વિચારવું જ ગાંડા થઈ જવા બરાબર હતું. જેટલું વધારે વિચારે એટલાં જ વધારે ફસાતા હોય તેવું લાગ્યું.

દશક મિનિટ લાંબું વિચાર્યા પછી પૂર્વી બેન અચાનક બોલ્યા, ”સાંભળો, હું બાળક ને જન્મ આપીશ તમે મને સાથ આપો કે ન આપો, આપણો દીકરો જિગર, વહુ કોમલ કે તમે, આંખો સમાજ મારી સાથે હોય કે મારી વિરુદ્ધ હું મારા સંતાનને મારીશ નહિ એ પાક્કું છે. તમારે સાથ ના આપવો હોય તો અત્યારે જ કહો હું અત્યારે જ તમને શરમ માંથી બચાવું છું અને તમને બધાને છોડી ને ચાલી જાવ છું ક્યાંક બહુ દૂર,આપણે કાયદેસરના પતિ-પત્ની છીએ, જાયસ બાળક છે, આપણ એટલાં ગરીબ પણ નથી એક બાળકનો ઉછેર ના કરી શકીએ, આપણે કઈ ખોટું કર્યું નથી કાયદેસર કે નૈતિક રીતે તો મનમાં ગીલ્ટ કેમ રાખવો જોઈએ, બોલો અપૂર્વ તમે મારી સાથે છો કે નહિ?”

પૂર્વી બેનની ઝીદ્દ પાસે અને એના મક્કમ જવાબ પાસે અપૂર્વ ભાઈ પાસે શબ્દો ન હતા એટલે તેને માથું ધુણાવી હા પાડી અને પાસે જ બેઠેલી પૂર્વી બેન જેના આંખમાં આશુ હતા તેને ભેટી પડ્યા.

(શિર્ષક પંક્તિ – મરીઝ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED